મનની અસીમ શક્તિ
આપણું મન કોઈ રોગને નીપજાવી પણ શકે અને એને તંદુરસ્ત પણ કરી શકે. ધૈર્ય, પ્રેમ, સહાનુભૂતિ, ઉદારતા, નિ:સ્વાર્થતા વગેરે ભાવાત્મક ગુણો માનવદેહ રૂપી આ યંત્રનાં બધાં અંગોને સુચારુ, સ્વસ્થ અને સુખદ રીતે ચલાવે છે. પરંતુ અભાવાત્મક વિચારો દ્વારા ભય, ચિંતા, ક્રોધ, ઈર્ષ્યા, નિરાશા અને સ્વાર્થપરાયણતાનો ઉદ્ભવ થાય છે. એ સમગ્ર દેહને પ્રભાવિત કરીને એને રોગી બનાવી દે છે. તમારા મનમાં આ વાત દૃઢતાપૂર્વક અંકિત થઈ જાય એટલા માટે હું ફરીથી કહું છું- ‘આપણું મન કોઈ રોગને નીપજાવી પણ શકે અને એને તંદુરસ્ત પણ કરી શકે.’
પ્રસન્નતા, શાંતિ, સાહસ, આત્મવિશ્વાસ, સંકલ્પશક્તિ, વગેરે ભાવાત્મક માનસિક અવસ્થાઓ શરીરને સ્વસ્થ રાખવા કોઈ પણ ટોનિક કરતાં પણ વધારે પ્રભાવક છે.
મહર્ષિ વશિષ્ઠે કહ્યું હતું કે જેમ રેશમનો કીડો પોતાના માટે રેશમનો કોશેટો બનાવે છે તેવી જ રીતે મન પણ પોતાની આવશ્યકતા પ્રમાણે શરીરનું ગઠન કરે છે. જ્ઞાનીઓનું કહેવું છે કે મન એ જ મનુષ્યનાં બંધન અને મુક્તિનું કારણ છે.
વિષ અને અમૃત એ બંને વિચાર નામના પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે. અનેક લોકો જાણ્યે અજાણ્યે વિષ પેદા કરે છે. કહેવાતા બુદ્ધિમાનો પણ આ મૂર્ખતામાં ફસાઈ જાય છે. જો આપણે મનનો સ્વભાવ તથા એની કાર્યપ્રણાલીને સમજી લઈએ તો આપણે વિષને સ્થાને અમૃત પણ નીપજાવી શકીએ. મન શું છે? પારિભાષિક જટિલતાઓમાં પડ્યા વિના આપણે કેવળ એટલું જ કહી શકીએ કે મન એ એક એવી શક્તિ છે કે જેમાં અસંખ્ય વિચાર, ભાવનાઓ, કલ્પનાઓ અને સંકલ્પ વગેરે; સંક્ષેપમાં કહીએ તો ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન નિહિત હોય છે. આ એક સૂક્ષ્મ અને જટિલ શક્તિ છે. એ આપણા વ્યક્તિત્વને સાકાર કરે છે. આ શક્તિની મદદથી આપણે આપણા ભાગ્યનું પરિવર્તન કરી શકીએ છીએ. આપણાં બધાં કર્મ તથા ઉપલબ્ધિઓ પોતાના મનમાં રહેલ ભાવનાઓ, વિચારો અને કલ્પનાઓનું જ પરિણામ છે. એક પ્રસિદ્ધ વિચારક કહે છે : ‘જો તમે એક માસ સુધી રોજના પાંચવાર પોતાના વિચારોનું પરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવશે કે તમે કઈ રીતે પોતાના ભવિષ્યનું ઘડતર કરી ચૂક્યા છો. જો તમે પોતાના કેટલાક વિચારોને પસંદ ન કરો તો આજથી જ એ વિચારો અને ભાવનામાં પરિવર્તન લાવવાનો પ્રારંભ કરી દો, એ તમારા માટે વધુ સારું ગણાશે.’ અત: આપણે પોતાના વિચારોની દિશામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે પોતાના બધા વિચારો અને પ્રયાસોને જીવન સન્મુખ સ્થાપિત ઉચ્ચ આદર્શોના રૂપાંતરણમાં લગાડી દેવા જોઈએ.
આજે કમ્પ્યુટર અત્યંત લોકપ્રિય બની રહ્યાં છે. આપણું મન પણ પ્રકૃતિની એક અદ્ભુત ભેટ છે, તે એક કમ્પ્યુટરથી પણ વધારે ઉપયોગી છે. જો આપણે મનમાં સ્વસ્થ એવં ઉદાત્ત વિચાર તથા ભાવોને ભરતા રહીએ તો એને પરિણામે આપણને પ્રસન્નતા, શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થઈ શકે છે. લોકો આ તરફ વધુ ધ્યાન રાખતા નથી. આપણને બ્રહ્માંડમાં એક વ્યવસ્થા જોવા મળે છે. એને વેદોમાં ઋત કહેવામાં આવ્યું છે. બ્રહ્માંડની બધી વસ્તુઓને આ ઋત જ નિયંત્રિત કરે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, બધાં આકાશમાં ફરી રહ્યાં છે. દિવસ અને રાત તથા ભિન્ન ભિન્ન ઋતુઓ આવતાં જતાં રહે છે. આ બધાની પાછળ એક સૂક્ષ્મ વ્યવસ્થા છે. આ સુવ્યવસ્થા કેવળ બાહ્ય જગતમાં જ નહિ પણ એ આપણને અંતર્જગતમાં પણ જોવા મળે છે. હૃદયનું ધબકવું, શ્વાસોચ્છ્વાસ, લોહીનું પરિભ્રમણ, નિદ્રા અને જાગૃતિ- આ બધાં એક સુસંગત પ્રક્રિયાનું અનુસરણ કરે છે. એક ઉચ્ચતર નિયમ પણ છે, જે મનુષ્યનાં સુખદુ:ખને નિયંત્રિત કરે છે. દરેક સફળતાની પાછળ અનુશાસન અને વ્યવસ્થા હોય છે. આપણું જીવન અનુશાસિત તથા વ્યવસ્થિત રૂપે સંચાલિત થવું જોઈએ. માનવમન રૂપી પ્રકૃતિએ આપેલ આ કમ્પ્યુટરને વધુ ઉપયોગી બનાવવા માટે એમાં નિષ્પક્ષ નિરીક્ષણ, નિ:સ્વાર્થ દૃષ્ટિકોણ, લક્ષ્યોન્મુખ પ્રયાસ અને આનંદના ભાવ ભરી દેવા જોઈએ. એમાં આળસ, બેદરકારી, એકાગ્રતાનો અભાવ, ક્રોધ અને પૂર્વગ્રહગ્રસ્ત વિચારોને ભરી દેવાથી એ બેકાર બની જાય છે. એટલે મનમાં ભરવાનાં વિચારો અને ભાવો વિશે આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ.
કાલજયી સરલ ઉપચાર
‘એડગર કેસે રીડર’ ગ્રંથના ‘હેલ્થ ઈન યોર ડિઝાઈન – તમારી સ્વાસ્થ્ય યોજના’ અધ્યાયમાંથી ડો. રોય કર્કલેન દ્વારા આપેલાં ઉદ્ધરણ અનુસાર રોગોને દૂર કરવાના કેટલાક પ્રાચીન અને અજમાવેલા સરળ સિદ્ધાંત આ પ્રમાણે છે.
* સંસારનાં બધાં પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ તેમજ કલ્યાણનો ભાવ રાખવાથી મનુષ્ય આંતરિક આનંદ અને પ્રસન્નતા મેળવે છે. એને લીધે શરીરમાં બધાં પાચક એન્જાઈમો-રસોને ઉચિત એવં નિર્બાધ નિ:સરણમાં સહાયતા મળે છે અને વ્યક્તિ એને સંબંધિત રોગોમાંથી મુક્ત થાય છે.
* નિ:સ્વાર્થતા, કર્તવ્યપરાયણતા તેમજ હૃદયની ઉદારતાના ભાવને વિકસિત કરીને શારીરિક રૂપે માનવી સબળ બને છે. સાથે ને સાથે માનસિક રૂપે સ્થિરતા પ્રાપ્ત કરે છે. એને લીધે એને માટે વારંવાર માંદા પડવાની સંભાવના રહેતી નથી.
* કોઈ પણ વ્યક્તિ અહંકાર ત્યજીને મૈત્રીભાવને અપનાવી લે અને પ્રસન્ન ચિત્તે રહેવાનો અભ્યાસ કરીને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તો તે પરસ્પરનાં ઘૃણા દ્વેષના ઘાને રુઝવી શકે.
* સહાયતા, ઉદારતા તથા સહયોગના સદ્ગુણોને આત્મસાત કરવાથી વ્યક્તિને આંતરિક સામંજસ્યભાવ પ્રાપ્ત થાય છે. એને લીધે એમની નસો તથા માંસપેશીઓને રાહત મળે છે. એનાથી સાંધાની કઠોરતા દૂર થાય છે અને મનુષ્યને શારીરિક તથા માનસિક તાજગીનો અનુભવ થાય છે.
* જો આપણે બીજા પ્રત્યે આત્મીયતા તેમજ વિશ્વબંધુત્વના ભાવને પોતાની રગેરગમાં આત્મસાત્ કરી લઈએ તો ચોરી, લૂંટ, હત્યા, અન્યાય અને ઉચ્ચ આદર્શોનું અવમૂલ્યન થતું અટકે.
* ધૈર્ય જ લાભકારી છે, આ સિદ્ધાંતને સ્વીકારીને જો આપણે ધૈર્ય અને સહનશીલતા જેવા સદ્ગુણોને વિકસાવીએ તો આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, જીવન પ્રાણવંત બની જાય છે અને ધરતી સ્વર્ગમાં પરિણત થઈ જાય છે.
* ‘વાતો ઓછી અને કામ વધુ’ આ નીતિનું પાલન કરનારા લોકો અનાવશ્યક વાર્તાલાપ કે વ્યર્થ વસ્તુઓમાંથી વિરત રહીને સદ્ભાવ સાથે પોતાનાં કર્તવ્યમાં મંડ્યા રહે છે, આવા લોકોને કોઈ હોસ્પિટલમાં રોગી બનીને પથારીમાં સૂતા રહેવાની પળ આવતી નથી. એમને માટે સુખી જીવન માત્ર દિવાસ્વપ્ન નહિ પરંતુ એક વાસ્તવિકતા બની જાય છે.
* ઉચિત નિર્ણય અને વિવેકથી આપણને પ્રતિકૂળ તથા અદમ્ય પરિસ્થિતિઓ પર વિજય મેળવવામાં સહાયતા મળે છે.
* નિયમિત પ્રાર્થના, શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ ખુલ્લો કરે છે. એ માનવની ભીતરની શક્તિ અને આત્મવિશ્વાસના અજસ્ર સ્રોતને ખોલી નાખે છે. પછી આવા લોકો આ શક્તિ અને ઉત્સાહને બીજામાં સંચારિત કરવા પ્રેરિત થાય છે.
તમે શિવલિંગ જોયું હશે. શિવલિંગ પર એક ઘડા દ્વારા ધીમે ધીમે પવિત્ર જળ ટપકતું રહે છે. એવી જ રીતે અધ્યવસાય દ્વારા જ્યારે આપણે ભાવનાઓનું પ્રશમન કરવા સમર્થ બની જઈશું ત્યારે આપણું મન સર્વદા પ્રસન્ન રહેશે અને એક પ્રસન્ન મન કોઈ પણ ઔષધિ કરતા વધુ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે. ઔષધિઓના સેવનથી કેટલાક અપ્રિય અને પ્રતિકૂળ પ્રભાવોની સંભાવના હોય ખરી. પરંતુ સદ્ભાવનાઓના વિકાસથી સ્વાસ્થ્ય પર કોઈ માઠી અસર પડતી નથી.
મનની શક્તિ એક મહાન સંપત્તિ છે
આપણાં શાસ્ત્ર સદ્ભાવ વિકસાવવા માટે વિવિધ ઉપાય બતાવે છે. એ આપણા સ્વાસ્થ્ય માટે કોઈ પણ ટોનિકથી પણ વધારે ઉપકારી છે. પ્રાચીનકાળથી જ આપણા દેશના ઋષિમુનિઓએ સારું એવું અધ્યયન અને અનુસંધાન કરીને સદ્ગુણો તેમજ સદ્ભાવનાઓ વિશે અનેક તથ્યો શોધી કાઢ્યાં છે. જો આપણે એ બધાંને આપણા જીવનમાં અપનાવીએ નહિ તો શાંતિ તથા આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાની આપણી આશા એક મિથ્યા સ્વપ્ન બની રહે છે. આ વાત નિર્વિવાદ છે કે નશીલા પદાર્થો મનમાં ક્ષણિક સ્ફૂર્તિ ઉત્પન્ન કરે છે, પરંતુ એ શરીરની સાથે મનને પણ દુર્બળ બનાવી દે છે અને માનવને નૈતિક રૂપે બરબાદ કરી દે છે. શરાબ અને માદક પદાર્થોથી ટેવાયેલા લોકો પોતાને, પોતાના પરિવારને તેમજ પોતાની આસપાસના સમાજને પણ દૂષિત કરે છે. વિશેષજ્ઞો પોતાના પ્રામાણિક આંકડાઓ દ્વારા આ વાત સિદ્ધ કરે છે.
યોગાસન, વિપશ્યના વગેરે સ્વાસ્થ્ય રક્ષા તેમજ રોગનિવારણની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે એ વાત સાચી છે. પરંતુ યોગાસનનો અભ્યાસ કરનારા ઘણા લોકો આ બાબતથી અજાણ છે કે યોગશાસ્ત્રે મનની પવિત્રતાને ઠીક ઠીક પ્રમાણમાં મહત્ત્વ આપ્યું છે. ખોટા માર્ગે ધનવાન થયેલ વ્યક્તિ મંદિરમાં ભગવાનને ભેટ ચડાવીને આધ્યાત્મિક ન બની શકે. પોતાના અંતરમાં ક્રોધ, ચિંતા, ભય, ઘૃણા તેમજ ઈર્ષ્યાના ભાવોને આશ્રય આપનાર વ્યક્તિ ભલે વૈજ્ઞાનિક બારીકાઈ સાથે શીર્ષાસનનો અભ્યાસ કરે પરંતુ તે પોતાનું સ્વાસ્થ્ય કાયમ માટે સારું રાખવા સમર્થ ન બને. આસનનું ફળ ચિરસ્થાયી ન બનતાં કેવળ ક્ષણિક પણ બની જાય.
અમેરિકામાં દીર્ઘકાળ સુધી વેદાંતના પ્રચારક રહેલ સ્વામી સત્પ્રકાશાનંદજીએ પોતાના એક પુસ્તકમાં એમના અનુભવોનું વિવરણ આપ્યું છે. ધર્મ તથા સાધના પર એમનાં વ્યાખ્યાનો સાંભળનાર એક મહિલાએ એક દિવસ ભાષણ પછી એમને કહ્યું: ‘સ્વામીજી, ધર્મ અને સાધના કરતાં આપણે માનસિક શાંતિ તથા મનોબળને સંરક્ષિત રાખવાનું રહસ્ય જાણી લેવું જરૂરી છે. જો આપ એ પ્રાપ્ત કરવાનું શીખવી દો તો આપની ઘણી કૃપા થશે. આપણે આપણા સ્નાયુઓને લગતા તણાવ તથા ક્ષોભના બંધનોથી પોતાની જાતને મુક્ત કરવાની પરમ આવશ્યકતા છે.’ આ વાત ઘણા લોકો જાણતા નથી કે માનસિક શાંતિ અને મનોબળને જાળવી રાખવા માટે આધ્યાત્મિક પૃષ્ઠ ભૂમિ અત્યંત ઉપયોગી છે.
તણાવ અને ક્ષોભોમાંથી રાહત મેળવવા વિશ્રામ જરૂરી છે, આ વાત અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. સાચા વિશ્રામની અવસ્થા પ્રાપ્ત કરી લીધા પછી મનુષ્ય બધા પ્રકારના તણાવોમાંથી મુક્ત થઈ જાય છે, એવું સંશોધનના આ ક્ષેત્રના અગ્રગણ્ય હૈંસ સીલીએ કહ્યું છે. આમ તો સંમોહન દ્વારા પણ કેટલીક મર્યાદા સુધી આ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ એ ક્ષણિક હોય છે. આ અવસ્થાને સ્થાયી રીતે પ્રાપ્ત કરવા અધ્યાત્મ પથનું અનુસરણ કરવું પડે. જ્યાં સુધી જીવન તથા સુખદુ:ખના ઉદ્ભવ પ્રત્યે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી સાચી શાંતિ અને વિશ્રામ મળી શકતાં નથી. બીજાં સાધનો દ્વારા મળતો વિશ્રામ કેવળ ઉપરછલ્લો અને અસ્થાયી હોય છે.
પાશ્ચાત્ય વિદ્વાન સામાજિક અધ:પતનનાં કારણ બતાવતાં આમ કહે છે : ‘ભૌતિકવાદની ધૂન હિંસાવૃત્તિને વધારે છે. આપણો સમાજ, પરિવાર કે અન્ય ચીજવસ્તુ પર નહિ પરંતુ કેવળ સફળતા પર આધારિત છે. સફળતાના અભાવે લોકો વિષાદગ્રસ્ત બની જાય છે અને આ વિષાદ, હિંસા તથા ક્રૂરતાને પથે દોરી જાય છે.’
Your Content Goes Here




