દુ:ખ અને મૃત્યુ

તો પછી આ મૃત્યુ છે શું? શું મૃત્યુ એ એક ભયંકર ઘટના નથી? આ પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ ‘હા’ પણ કહે છે અને ‘ના’ પણ કહે છે.

એ ઋષિઓ પોતાની આધ્યાત્મિક અનુભૂતિના આધારે બતાવે છે કે અજ્ઞાની લોકો માટે મૃત્યુ ભયંકર છે પણ જ્ઞાનીઓ માટે નહિ. મૃત્યુ જીવનની સર્વાધિક મહત્ત્વની ઘટના છે. પણ સૌથી મોટી વિચિત્ર વાત તો એ છે કે બુદ્ધિવાન અને શિક્ષિત લોકો પણ મૃત્યુ વિશે વિચારતા નથી. મૃત્યુ વિશે આપણું જ્ઞાન અત્યંત અલ્પ અને સીમિત છે. આવું હોવા છતાં પણ આપણે બુદ્ધિમાન અને પ્રબુદ્ધ હોવાનો દાવો કરીએ છીએ.

મૃત્યુ અને પરલોકનાં રહસ્યને ઉકેલવાનો દાવો કરનારા પુરોહિતો અને ધાર્મિક લોકો આવું કહે છે : ‘તમારાં પૂજાપા-નૈવેદ્ય અને ઉપહારોથી સ્વર્ગમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરાવી દીધું અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થઈ જાઓ.’ પરંતુ આ ગૂઢ વિષય પર ચિંતન-મનન કરવામાં લોકોને તેઓ પ્રોત્સાહિત કરતા નથી.

મનુષ્ય પોતાની ચારે તરફ લોકોને કાળનો કોળિયો થતાં તથા સગાસંબંધીઓને પણ આ ધરાધામ છોડીને જતાં જુએ છે અને સ્તબ્ધ રહી જાય છે. ત્યાર પછી ક્ષણભર માટે શોક ઉપજે છે. ત્યાર બાદ તો એ પોતાની જાતને સાંત્વના આપતો હોય એમ કહે છે – ‘આજે કે કાલે બધાયને એક દિવસ જવાનું જ છે’. પરંતુ ‘મૃત્યુ શું છે? અને એના પછી શું છે?’ એ પ્રશ્ન પોતાની જાતને પૂછવામાં પણ માણસ અચકાતો રહે છે. નજીકના સંબંધીઓનું મૃત્યુ થાય ત્યારે ખરેખર સ્તબ્ધ બની જાય છે. આ મૃત્યુના પરિણામે એને તીવ્ર દુ:ખ અને ગ્લાનિ થાય છે. વિયોગને કારણે જન્મેલી અસહાયતા અને નિરાશા અનુભવીને આંખમાંથી આંસુ વહેવા માંડે છે. થોડા દિવસો વીતે ત્યાં એ સ્વજનના મૃત્યુનું દુ:ખ ભુલાઈ જાય છે. વળી પાછો પોતાની દીનચર્યામાં ડૂબી જાય છે.

જ્યારે મૃત્યુની સવારી એના માથે આવે છે ત્યારે અત્યંત પીડા અને ભય સાથે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વિના એમને એમ ચાલતાં થવું પડે છે. મોટા ભાગના લોકો કીડી-મકોડાની જેમ મરે છે. વળી કેટલાક લોકો આવું કહે છે ખરા : ‘મૃત્યુ એક પ્રાકૃતિક ઘટના છે. એટલે એ આવે ત્યારે આપણે એનો સામનો કરવો જોઈએ.’ મૃત્યુ વિશે આપણા દૃષ્ટિકોણનો સારાંશ બતાવતાં કુબ્લર રોસ કહે છે : ‘મૃત્યુ એક એવો વિષય છે કે જેનાથી આપણો વૈભવ-વિલાસી અને વિકાસ પ્રેરિત સમાજ જાણે કે ભયથી દૂર ભાગે છે.’ ક્યારેક ક્યારેક કોઈ વિશેષ મૃત્યુ આપણને એના સ્વરૂપની એક ઝાંખી દેખાડી દે છે. મૃત્યુ વ્યક્તિને અનિવાર્ય પરિસ્થિતિનો સામનો કરવાનાં સાહસ અને હિંમત પણ આપી શકે છે. આ ઘટનાઓ તથા અનુભવો આપણામાં સાહસનો ભાવ જાગ્રત કરવામાં મદદરૂપ બને છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મૃત્યુના તત્ત્વને સમજતી નથી ત્યાં સુધી તે ભયભીત જ રહેવાની.

એક પતિપત્નીને સાત વર્ષનો પુત્ર હતો. થોડાક જ દિવસોની બીમારીને લીધે એનો જીવન દીપ હોલવાઈ ગયો. એ વિષાદથી રાહત મેળવવા તેઓ દક્ષિણભારત તરફ ગયા. અહીં આજીવિકા માટે એમણે કામ પણ શોધી લીધું. મા પોતાના પુત્રને ભૂલી ન શકી. ‘મારા પુત્રને ભગવાને શા માટે છીનવી લીધો?’ એવું વિચારતી. પુત્રશોક એના મનમાં છવાઈ ગયો. સાંત્વનાનો કોઈ પણ પ્રભાવ એના મનની સ્થિતિ પર ન પડતો. તર્કવિતર્ક કરવાનો તો કોઈ સવાલ જ ન હતો. યુવાન પુત્રને ખોનાર વ્યક્તિ ‘માત્ર મેં જ મારો દીકરો ગુમાવ્યો છે એવું નથી, પણ આ સંસારમાં પુત્રશોકથી દુ:ખી અનેક લોકો છે’ એમ કહીને આશ્વાસન મેળવી શકે. વસ્તુત: મૃત્યુ સાથે એક વ્યાવહારિક સામંજસ્ય તથા અપરિહાર્યની સાથે સમાધાન કરી લેવાનું છે. માત્ર મૃત્યુને સાચી રીતે સમજનાર વ્યક્તિ જ આવી પરિસ્થિતિઓમાં શાંત અને હિંમતવાન રહી શકે.

દુ:ખ સામે આપણી પ્રતિક્રિયા

જીવનમાં કઠણાઈ કે દુ:ખ આવે ત્યારે દરેક માનવની પ્રતિક્રિયા એક સરખી નથી હોતી. કેટલાક લોકો હિંમત અને શાંતિવાળા મનથી દુ:ખ-કઠણાઈને સહન કરતાં કરતાં જીવનમાં મુસીબતોનો સામનો કરે છે. પ્રિયજનનો ચિરકાલીન કે શાશ્વત વિયોગ જેવી કેટલીયે ઘટનાઓ અને પરિસ્થિતિઓ દરેક માનવના જીવનમાં અનિવાર્ય રૂપે આવતી રહે છે.

પતિ કે પત્નીમાંથી કોઈ એકનું અવસાન થઈ જાય તો જીવતા રહેલ જીવનસાથીની બીમારી કે મૃત્યુની સંભાવના ૧૦% વધી જાય છે. એક સાથે રહેનારાં પતિપત્ની કરતાં છૂટાછેડા લીધેલ પતિ કે પત્નીઓને રોગદોગની શક્યતા ૧૨% જેટલી વધારે હોય છે. દુરાવસ્થા, અસહાયતા, નિરાશાથી પીડિત લોકોની શારીરિક માંદગીમાં ૮૦% જેટલી વૃદ્ધિ આવે છે. એનું કારણ એ છે કે દુ:ખપીડાને સહન કરવાની એમની શક્તિ જ ઘણી ઓછી થઈ જાય છે.

દુ:ખકષ્ટ પ્રત્યેક માનવીના જીવનમાં અનિવાર્ય જેવાં છે. પરંતુ કેટલાંક લોકો સુયોગ્ય દૃષ્ટિકોણ, પ્રાર્થના અને સત્સંગની મદદથી એવી પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરે છે અને શરીર અને મન પર પડનારા દુષ્પ્રભાવોને દૂર કરી શકે છે.

આમ છતાં પણ આવી અત્યંત સંકટપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે આપણામાંથી મોટા ભાગના લોકોનું માનસિક સમતુલન હાલક-ડોલક થઈ જાય છે. એ વખતે દુર્બળ મનવાળા લોકો તાત્કાલિક રીતે પોતાનાં દુ:ખદર્દને ભૂલવા દારૂ કે માદક દ્રવ્યો સેવવા માંડે છે. ખરેખર તો એ બંનેથી એ લોકો મનથી વધુ નબળા બની જાય છે. આપઘાત કરનારા લોકો આવા લોકોથી વધારે દુર્બળ મનવાળા હોય છે. આમાંનો એકેય ઉપાય આપણને ભય, ક્રોધ કે ચિંતાથી મુક્ત કરી શકતો નથી. તો પછી આ ક્રોધ, ભય અને ચિંતાના પાશમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે ખરો?

અટલ – અપરિહાર્ય

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેટલીક ઘટનાઓ અનિવાર્ય હોય છે. કેટલીક ઘટનાઓ પ્રત્યાશિત અને કેટલીક ઘટનાઓ સાવ અવિશ્વસનીય હોય છે. આપણામાંથી મોટા ભાગના લોકો આવી અટલ અને અનિવાર્ય ઘટનાઓનો સામનો કરવાનું તેમજ એની સાથે તાલમેલ કરવાનું જાણતા નથી.

મનુષ્યે નિ:સંદેહ આશાવાદી બનવું જોઈએ. કોઈ દુર્ભાગ્યની આશંકાથી એણે વિષાદગ્રસ્ત બની જવાની કોઈ જરૂર નથી. આ જીવનમાં બધાં પરિવર્તન વિનાશરહિત, ભયરહિત હોય, સુચારુ રૂપે બધું ચાલતું રહે, આવો વિશ્વાસ શું એક ભ્રામક વિચારમાત્ર ન ગણાય? કેવળ કલ્પનાજગતમાં જ આવી પૂરેપૂરી આપદવિહોણી અવસ્થાનું અસ્તિત્વ હોઈ શકે.

લગભગ યુવાવસ્થામાં જ શરીર અને આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. કોઈ પણ વ્યક્તિ હવાઈ કિલ્લા બનાવતો રહે છે અને પૂર્ણતાનાં સ્વપ્ન જોતો રહે છે. ક્રમશ: વિફળતા, આત્મસંશય અને બીજાના સાથેના પ્રતિરોધનો સામનો થતાં અસહાયતા તેમજ અભાવ બોધને લીધે એના પગ નીચેની ધરતી ખસવા માંડે છે. આવી સમસ્યાઓમાં પડીને વ્યક્તિ સુયોગ્ય ચિંતન કરી શકતો નથી, બીજાની સલાહ પણ લઈ શકતો નથી અને આ બધી ચિંતાઓમાંથી રાહત કે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે આવી અપરિહાર્ય સ્થિતિઓનો સામનો કરવા મનની સમુચિત તૈયારી આવશ્યક છે.

આકાશ એકાએક કાળાં વાદળાંથી ઢંકાઈ જાય અને ક્ષણભરમાં જ મેઘગર્જના અને વીજળી સાથે ભારે વરસાદ પડી શકે. શું આપણે આ વર્ષાને રોકી શકીએ છીએ ખરા? પલળી ન જઈએ એ હેતુ સાથે આપણે માથા પર છત રાખીએ છીએ અને બહાર જતી વખતે છત્રીની વ્યવસ્થા કરવી પડે છે. જંગલના રસ્તે વિચરણ કરતી વખતે આપણે એ રસ્તાને કાંકરા, પથ્થર, કાંટાવાળી જાળીઓથી સંપૂર્ણપણે મુક્ત ન રાખી શકીએ. એટલે જ પગમાં કાટાં ન લાગે એનાથી બચવા જોડાં પહેરવાં જ પડે છે. આપણે પોતાના જીવનની કઠણાઈ, નિષ્ફળતા, અભાવ, દુર્ભાગ્ય તેમજ પતનને નાપસંદ કરી શકીએ છીએ પરંતુ, આપણે એનાથી બચી શકતા નથી. એમનો સામનો કરવા આપણે સુયોગ્ય રીતે પ્રશિક્ષિત થવું જોઈએ. આપણે સૌએ સમસ્યાના મૂળ સુધી જવું પડશે. સૌથી વધુ તો આપણે પોતાના મન ઉપર નિયંત્રણ મેળવવા અને સમસ્યાઓનો શાંતભાવે તથા હિંમતપૂર્વક સામનો કરવા જીવનના નિયમો અને સિદ્ધાંતોને પણ સમજી લેવા પડે.

પોતાના મનને શાંત રાખવા ઇચ્છતા લોકોએ સાવધાનીપૂર્વક અનાવશ્યક સમસ્યાઓથી બચવું જોઈએ. અટલ અને અપરિહાર્ય સમસ્યાઓનો સામનો કરતી વખતે અંગુત્તર-નિકાયમાં વર્ણવેલ ભગવાન બુદ્ધના અહીં આપેલાં વચનો ઘણા ઉપયોગી બને તેવાં છે : 

‘પ્રિય ભિક્ષુઓ! ગૃહસ્થો, ભિક્ષુઓ તથા નરનારી બધાંએ અહીં આપેલી પાંચ વાત સદા સર્વદા યાદ રાખવી જોઈએ. (૧) વૃદ્ધાવસ્થા અપરિહાર્ય છે, અટલ છે; એનાથી બચી શકાતું નથી. (૨) ક્યારેક ક્યારેક આપણે માંદા પણ પડી જઈએ છીએ. યથા સાધ્ય પ્રયાસ કરવા છતાં પણ આપણે એ માંદગીમાંથી પૂરેપૂરાં મુક્ત થઈ શકતા નથી. (૩) મનુષ્યે એક ને એક દિવસ મરવાનું જ છે; એનાથી આપણે બચી શકતા નથી. કોઈ માણસ ઘણા સહજભાવે બીજાને આવી સલાહ આપી શકે : ‘હવે એમાં ચિંતા કરવાની શું જરૂર છે? મૃત્યુ આવશે ત્યારે જોયું જશે!’ પરંતુ આ સલાહ કે બોધપાઠનું પાલન કરવું સરળ નથી. (૪) આપણી બધી પ્રિય ચીજવસ્તુમાં પરિવર્તન, હ્રાસ, નાશ અને વિયોગ અવશ્યંભાવિ છે. આપણે એમાંથી બચી શકતા નથી. (૫) આપણા વિચાર અને ભાવ જ આપણા જીવનને આકાર આપે છે. આપણે પોતાનાં સારાંમાઠાં કર્મોનું ફળ ચાખવું પડે છે.’

પ્રિય ભિક્ષુઓ

વૃદ્ધાવસ્થાનું ચિંતન કરવાથી યુવાવસ્થાનો ગર્વ ભલે પૂર્ણપણે નષ્ટ ન થાય, પરંતુ થોડો ઓછો તો થવાનો જ. એવી જ રીતે માંદગી અને રોગજન્ય અસહાયતાનું ચિંતન કરવાથી આપણા સ્વાસ્થ્યનું ગર્વ કે મિથ્યાભિમાન દૂર થાય છે. મૃત્યુનું ચિંતન અને અનુશીલન કરવાથી જીવન પ્રત્યેની આસક્તિ ચાલી જાય છે. પોતાની પ્રિય વસ્તુઓમાં પરિવર્તન તથા એમાંથી આવનાર વિયોગ પર ચિંતન કરવાથી આપણો લોભ-મોહ ચાલ્યો જાય છે. જ્યારે હું અનુભવ કરવા લાગું કે પોતાની વર્તમાન અવસ્થા માટે હું જ જવાબદાર છું, હું જ મારો ભાગ્યવિધાતા છું, તો પછી ખરાબ વિચારો અને દુષ્કર્મની પ્રવૃત્તિઓ ઘટી જાય છે.

આ પાંચ વાતોનું ચિંતન કરતાં કરતાં મનુષ્યનો અહંકાર ચાલ્યો જાય છે. એ લોભ અને દુષ્પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને અધ્યાત્મ પથ પર આગળ વધવા સમર્થ બની જાય છે ત્યારે જ તે અટલ અને અપરિહાર્યનો સામનો કરવા માટે મનોબળ પ્રાપ્ત કરી લે છે.

જ્ઞાનલોકનો ઉદય થાય ત્યારે

એક અજ્ઞાત શક્તિ આ સંસાર ચલાવે છે, એ સમજવું કઠણ છે. આપણે એને લગભગ જોઈ ન જોઈ કરી નાખીએ છીએ. આપણે પોતાના જન્મ પહેલાં અને મૃત્યુ પછીની વાતો જાણતા નથી. આપણે પોતાનાં સુખદુ:ખનાં કારણોને પણ જાણતા નથી. આ પૃથ્વીનાં બધાં પ્રાણીઓ કેટલાક સૂક્ષ્મ નિયમો દ્વારા સંચાલિત થતાં હોય છે, એ પણ આપણે જાણતા નથી. જન્મથી માંડીને મૃત્યુ વચ્ચેની અવધિ જ મહત્ત્વપૂર્ણ છે, એવું આપણે વિચારીએ છીએ. તો શું આપણા સામાન્ય જ્ઞાન દ્વારા જીવનમાં આવનારી જટિલ સમસ્યાઓનું સમાધાન મેળવવું સંભવ છે ખરું?

જ્ઞાનનું ક્ષેત્ર વિસ્તૃત અને ગહન થવાથી આપણે સહજભાવે એ પથની એક ઝલક મેળવી લઈએ છીએ. એને લીધે જીવનની અટલ અને અપરિહાર્ય સમસ્યાઓનો સામનો કરી શકાય છે. અજ્ઞાનતા જ બધાં દુ:ખોનું મૂળ કારણ છે. અજ્ઞાન દૂર થઈ જાય તો મન વધુ સ્વચ્છ અને દૃઢ બની જાય છે. આપણા પૂર્વજોનો એ દૃઢ વિશ્વાસ હતો કે તેઓ શરીર નહિ પણ શરીરના નિવાસી – આત્મા હતા. તે લોકો મૃત્યુની સમસ્યાનો સામનો કેવી રીતે કરતા હતા, એ વાત મહાન કન્નડ લેખક એમ. વી. આયંગરે એક ઉદાહરણ સાથે કહી છે:

‘મારા સુપરિચિત એક સંભ્રાંત વૃદ્ધ સજ્જન જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. સંભવત: એના જીવનના કેવળ બે જ દિવસ બાકી હતા. જ્યારે હું એમની પાસે બેઠો ત્યારે તેમણે કહ્યું: ‘ગજેન્દ્ર હજી સુધી મુક્ત થયો નથી.’ એનું કહેવાનું તાત્પર્ય એ હતું કે એનો આત્મા હજી પણ ભૌતિક દેહમાં બંધાયેલો છે. આ વૃદ્ધ વ્યક્તિને મૃત્યુ બહુ ભયાવહ લાગતું ન હતું. મૃત્યુના માધ્યમથી એમના પ્રભુ એને ભૌતિક દેહનાં બંધનોથી મુક્ત કરી દેશે એવું એને લાગતું હતું. તેઓ શાંતિથી મૃત્યુના પળની રાહ જોઈ રહ્યા હતા. સંભવત: તે મૃત્યુને ભેટવા આતુર હતા.’ અનિવાર્ય અને અટલનો સામનો કરવાની એમની રીત ખરેખર અનોખી હતી.

નેતાઓનું અજ્ઞાન

કોઈ આવાં ઉદાત્ત મૂલ્યોને આપણી શિક્ષણ પ્રણાલી કે પારિવારિક સામાજિક આચાર-સંહિતામાં જોડવાનું ભાગ્યે જ વિચારે છે. ફિલ્મ અને નાટકોના નિર્માતા, લેખક, શિક્ષક વગેરેને પણ આવા વિચારોની જરાય પડી નથી. આપણા સુધારકો તથા રાજનેતાઓ તો એવું જ વિચારે છે કે લોકોમાં અરસપરસ ઉત્તેજના, ક્રોધ કે ઘૃણા ફેલાવ્યા વગર કોઈ સારું સામાજિક કાર્ય થઈ જ ન શકે. શોષિત અને નિર્બળ વર્ગોમાં આવી ભાવના ઘર કરી ગઈ હોય એવું લાગે છે કે સામાજિક તથા આર્થિક દૃષ્ટિએ ઉન્નત લોકો પર હુમલો કે નિંદા કરવાં એ જ એમના માટે આશાનું એક માત્ર કિરણ છે. સાચા ધર્માચારીઓ આ વિશે લોકોને માર્ગદર્શન આપી શકે. પરંતુ કહેવાતા ધાર્મિક લોકો પણ પોતાના રાજનૈતિક મિત્રોની જેમ પોતાની શ્રેષ્ઠતાની ભાવનામાં અભિભૂત રહે છે. તેઓ બીજા મતસંપ્રદાયોના અનુયાયીઓની નિંદા કરીને સમાજમાં અસહિષ્ણુતા અને હિંસા ફેલાવે છે. તજ્‌જ્ઞોનું કહેવું એવું છે કે સામાન્ય અને સરળ મનવાળા ગ્રામ્ય લોકો કરતાં કહેવાતાં શિક્ષિત લોકો ચિંતા, ભય અને બેચેનીથી વધુ ઘેરાયેલાં હોય છે.

જે આપણા વિષાદને દુ:ખને દૂર કરવામાં મદદ ન કરી શકે અને આપણા જીવન પ્રત્યેના સકારાત્મક દૃષ્ટિકોણને નિપજાવી ન શકે, એવાં જ્ઞાન અને કેળવણી શા ખપનાં? શું આ ઉચિત પ્રશ્નાર્થ નથી? જો આ લોકો આપણને કલ્યાણકારી અને સુખી જીવન જીવવા પ્રેરિત ન કરી શકે તો ચાલે, પણ ઓછામાં ઓછું તેઓ આપણને ઉગ્ર ઉત્તેજના અને ઇર્ષ્યાની ગંદી નાળીમાં પાડી ન દે એ તો થવું જ જોઈએ.

ઉપર્યુક્ત સમસ્યાનો ઉકેલ

કોઈ પણ માનવ ભલે ભણેલ હોય કે અભણ, ધનવાન હોય કે ગરીબ, અંતર્મુખી હોય કે બહિર્મુખી, વિવાહિત હોય કે અવિવાહિત, ગમે તે ધર્મ કે સંપ્રદાયનો અનુયાયી હોય, પણ દરેક માનવ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા પ્રયત્નશીલ રહે છે. પોતાની સમસ્યાઓ, ચિંતાઓ, વ્યથાઓ, વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોઈ શકે છે પરંતુ પોતાનાં આંતરિક સંસાધનો દ્વારા આપણે એના પર વિજય પ્રાપ્ત કરવાનો છે. એટલે જ પોતાનાં દૃષ્ટિકોણ, ચિંતન પ્રણાલી તેમજ આચરણમાં પરિવર્તન કરવું આવશ્યક છે. ઘૃણા, ફરિયાદો, ક્રોધ, અને નકારાત્મક દૃષ્ટિકોણથી આપણી સમસ્યાઓ વધુ અને વધુ વણસે છે અને દુર્જેય બની જાય છે. સામાજિક સમરસતા વિનાની સ્વાર્થ-પરાયણતા ક્યારેય શાંતિ અને સુખનો માર્ગ બની ન શકે. સદ્‌ગુણોનો વિકાસ તથા પરિપક્વતા દ્વારા જ વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો નિકાલ કરી શકાય છે. જીવનને નિયંત્રિત કરનાર સૂક્ષ્મ નિયમોમાં વિશ્વાસ; મન, આત્મા અને જીવનલક્ષ્ય વિશે સ્પષ્ટ સમજણ હોવાં આવશ્યક છે. ધૈર્ય તથા અભ્યાસ દ્વારા આ વિશેનું વધુ ગહનજ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ આટલું યાદ રાખવું જોઈએ કે દુ:ખકષ્ટ આ વાત પર નિર્ભર રહેતું નથી કે અમારી પાસે શું છે, પરંતુ એ વિષય પર વધારે આધાર રાખે છે કે આપણે પોતે શું છીએ.

(ક્રમશ:)

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.