અંધવિશ્વાસ
વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા નેતાઓ ઈશ્વર વિષયક શ્રદ્ધા અને એમાંય વિશેષ કરીને ધર્મ અને આત્મા વગેરેને અંધવિશ્વાસ કે પાખંડ કહે છે. આજે ધર્મને નામે કેટલાક અનાચાર વિશે એવી આલોચનાઓને માની લેવામાં આવે તો પણ શું એમની બધી આવી આલોચનાઓને યોગ્ય ઠરાવી શકાય ખરી? એટલી વાત સ્પષ્ટ છે કે ધર્મરૂપી પવિત્ર વૃક્ષનાં મહાન ફળોના રૂપે શ્રેષ્ઠ ચારિત્ર્યવાળા વ્યક્તિઓ ઉત્પન્ન થયા છે. જો કોઈ એવા શ્રેષ્ઠ લોકોના ચારિત્ર્ય તથા એમની સુદૃઢ નૈતિકતાની પ્રેરણાના મૂળનું ગહન, અધ્યયન કર્યા વિના જ એમના દૃષ્ટિકોણને અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ઠરાવી દે તો આવા લોકોનું પોતાનું કથન પણ એમની માનસિક સંકુચિતતા તથા એક પ્રકારના અંધવિશ્વાસનું પાકું પ્રમાણ છે.
ધર્મ કે ધાર્મિક શ્રદ્ધાની વિરુદ્ધ આ બધું વિજ્ઞાન ચાલતું રહે છે, એ તર્ક પણ નિરાધાર છે. એ વાત સાચી છે કે કેટલાંક વૈજ્ઞાનિક અન્વેષણોએ કેટલાક અંધવિશ્વાસોને દૂર કરી દીધા છે. પરંતુ વિશ્વના મહાન ધર્મો દ્વારા પ્રચારિત સિદ્ધાંત અને એક સામાજિક પ્રાણી, માનવ દ્વારા પાલન કરાતાં નૈતિક મૂલ્યો વિજ્ઞાન દ્વારા થતી સત્યની ખોજખબરની સીમાની બહાર છે. કોઈ પણ સમજદાર માણસ સત્ય પ્રત્યે પ્રેમ, ન્યાયનો આદર, સહાયતાની ભાવના, આત્મસંયમ જેવા સદ્ગુણોનો વિરોધ નહિ કરે. ધર્મની મૂળભૂત કેળવણી જ એ છે કે ક્ષણિક સુખો માટે મનુષ્યે આ સદ્ગુણોની ઉપેક્ષા કરીને હીન અને ભ્રષ્ટ જીવન જીવવું ન જોઈએ. આ સદ્ગુણોના પૂર્ણ વિકાસ માટે સાધારણ માણસના અનુભવ પર અતીન્દ્રિય સત્ય કે ઈશ્વરમાં શ્રદ્ધા અત્યંત આવશ્યક છે. વિશ્વના મહાન સંતોએ આ સિદ્ધાંતોની અનુભૂતિ કરીને પોતાના જીવનમાં એમણે સિદ્ધ કરી દીધા છે.
પ્રસિદ્ધ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયમ્બીએ આવી ઘોષણા કરી છે: ‘ભારતીય ધર્મ એકાંગીભાવોવાળા નથી.’ તેઓ એ વાતને સ્વીકારી લેવા તૈયાર છે કે આ રહસ્યને જાણવા બીજા પથ કે માર્ગ પણ હોઈ શકે છે. મને નિશ્ચિત રૂપે એવું લાગે છે કે આ બાબતમાં તેઓ સાવ સાચા છે. ભારતીય ધર્મભાવનાનો આ ઉદારભાવ બધા ધર્મના મનુષ્યો માટે મુક્તિનો માર્ગ છે અને આ યુગમાં જો આપણે વિનાશમાંથી બચવું હોય તો આપણે એક પરિવારના રૂપે રહેવાનું શીખવું પડશે.
આ વાતનો ઇન્કાર ન કરી શકાય કે પરમ સત્યના રૂપે સ્વીકૃત ઈશ્વર વગેરેની ધારણાઓ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડબલ્યુ.એન. સલિવાન કહે છે: ‘વિજ્ઞાન સત્યના કેવળ એક આંશિક પાસા સાથે જ સંબંધિત હોય છે. આ વાત નિતાંત આધારહીન છે કે વિજ્ઞાન જે તથ્યોની ઉપેક્ષા કરે છે એમાં સત્ય ઓછું છે અને જેનો સ્વીકાર કરે છે તે જ સત્ય છે. હવે આપણને એવી કેળવણી નથી અપાતી કે સત્યનો જ્ઞાનપ્રાપ્તિ કરવાનો વૈજ્ઞાનિક ઉપાય જ એકમાત્ર સાચી રીત છે. વિજ્ઞાનના કર્ણધાર જાણે કે એક વિચિત્ર ઉત્સાહ સાથે આવી બાબત પર ભાર મૂકે છે કે વિજ્ઞાન આપણને વાસ્તવિકતાનું એક આંશિક જ્ઞાન જ આપે છે અને વિજ્ઞાન દ્વારા ઉપેક્ષિત દરેક ચીજને મિથ્યા સમજવાની હવે આપણા માટે કોઈ આવશ્યકતા નથી.’
પ્રો. લોકોમ્ટે કહે છે: ‘કેવળ અસામંજસ્ય ઇચ્છનારના મનમાં જ વિજ્ઞાન તથા શ્રદ્ધાની વચ્ચે અસામંજસ્ય રહે છે.’ અહીં ડબલ્યુ જે. સોલેજની ઉક્તિ પણ યાદ રાખવા જેવી છે: ‘ધર્મ અને દર્શન વિશે વિજ્ઞાન મધ્યસ્થ નથી. તત્ત્વસંબંધી પ્રશ્નો વિશે અંતિમ નિર્ણય સદૈવ ધર્મ અને દર્શનની પાસે જ હોવો જોઈએ.’
પરમ તત્ત્વ
આલ્ડસ હક્સલેના પ્રસિદ્ધ ગ્રંથ ‘એન્ડ્સ એન્ડ મિન્સ’ માં એમણે લખેલા શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે: ‘પોતાના વિશ્વાસના આલોકમાં જ આપણે પરમ તત્ત્વના સ્વરૂપ વિશે પોતાની સાચી તથા ખોટી ધારણાઓનું નિર્માણ કરીએ છીએ. પોતાની સાચી અને ખોટી ધારણાઓના આલોકમાં આપણે પોતાનું આચરણ નક્કી કરીએ છીએ. એવું આપણા પોતાના જીવનના સંબંધોમાં જ નથી પરંતુ રાજનીતિ અને આર્થિક ક્ષેત્રમાં પણ થતું રહે છે. એટલે આપણા દાર્શનિક વિશ્વાસ અપ્રાસંગિક ન બનતાં આપણાં બધાં કર્મોનું અંતિમ નિર્ણાયક તત્ત્વ છે.
સભ્યતાની બર્બરતા
આજે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણે ઉપર્યુક્ત વિશ્વાસનો અભાવ જોઈએ છીએ. સર્વત્ર અને વિશેષ કરીને શિક્ષિત લોકોમાં માત્ર ઈશ્વર કે ન્યાય કે નૈતિકતામાં વિશ્વાસનો અભાવ દેખાય છે, સાથે ને સાથે એમને પોતાની જાતમાં પણ વિશ્વાસનો અભાવ જણાય છે. આપણા લગભગ મોટા ભાગના રાજનેતાઓમાં એવો વિશ્વાસ છે કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો સતત વિકાસ રાષ્ટ્રિય પ્રગતિ અને સબળતાનું સાધન છે. સ્વાભાવિક પ્રવૃત્તિઓ તથા રાજનૈતિક જરૂરતો આપણા દેશને પોતાની પરંપરાથી દૂર લઈ જાય છે. ૮૦ વર્ષ પહેલાં જ્યાં આપણા દેશમાં કેવળ ત્રણ યુનિવર્સિટીઓ હતી, ૨૦૦૬માં એની સંખ્યા ૧૫૦ જેટલી થઈ ગઈ. આપણી શિક્ષણ પ્રણાલીમાં વિજ્ઞાન અને ટેકનિકલ વિષયોએ ગૌરવપૂર્ણ સ્થાન લઈ લીધું છે. છોકરીઓ પણ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તરફ આકર્ષાઈ છે. કેવળ તથ્યોનું જ્ઞાન એકત્ર કરવા પર જ કેન્દ્રિત થયેલ આપણી શિક્ષણ પ્રણાલી ચારિત્ર્યવાન વ્યક્તિઓનું નિર્માણ કરવામાં અસમર્થ રહી છે. આજીવિકા માટે થોડાં કૌશલ પ્રાપ્ત કરી લેવાને જ શિક્ષણનો એક માત્ર હેતુ માની લેવામાં આવ્યો છે. વ્યક્તિત્વના સમગ્ર વિકાસ સાથે શિક્ષણને કંઈ સંબંધ નથી. જીવનની સુખસુવિધાઓમાં વૃદ્ધિ કરવી કે મનુષ્યની નિમ્ન પ્રવૃત્તિઓની તૃપ્તિને જ જીવન સ્તરમાં આવેલ સુધારો માની લેવામાં આવે છે.
આજના યુવકનું એક માત્ર લક્ષ્ય જેમાં ઓછામાં ઓછા પરિશ્રમથી વધુમાં વધુ મહેનતાણું મળે એવી નોકરી મેળવવાનું છે. વિદ્યાર્થીઓ કેટલીયેવાર હડતાલ પાડીને પોતાની પરીક્ષાઓ સ્થગિત કરી દે છે અને પરીક્ષાઓની સંખ્યા ઘટાડી દે છે. તેઓ છરી કે પટ્ટો દેખાડીને પરીક્ષકોને ધમકાવે છે. કેટલેક સ્થળે તો પરીક્ષાઓ પોલીસ પહેરા હેઠળ લેવી પડે છે. પરીક્ષકોને લાંચ-રુશ્વતનું પ્રલોભન આપીને વિદ્યાર્થીઓ ઉચ્ચગુણાંક મેળવી શકે છે. આવા શિક્ષણ પછી નોકરી મેળવીને એ વિદ્યાર્થી શું વિવેક, અનુશાસન, આત્મસંયમ અને શિષ્ટાચારની ભાવના રાખીને દેશના સારા નાગરિક બની શકશે? આવું શિક્ષણ વિદ્યાર્થીને અનુશાસન અને સંયમની લગામ વિનાના એક જંગલી ઘોડા બનાવી શકે છે. એ શિક્ષણ ઔચિત્ય જ્ઞાન દેવામાં અસમર્થ અને નૈતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠા રહિત બની રહેશે. તે પોતાની ઇચ્છાનુસાર સ્વચ્છંદગતિએ મન ફાવે ત્યાં વિચરણ કરી શકે છે, એને પરિણામે એ આત્મઘાતી અને સામાજિકરૂપે હાનિકારક કાર્યોને વધારી દઈ શકે છે. ઉપર્યુક્ત કથનના પ્રમાણ રૂપે સમાજમાં શિસ્તહીનતા, ચંચળતા અને મોટે પાયે થતાં દુરાચરણ વ્યાપી ગયાં છે.
સમાજ તથા પ્રશાસનમાં ઉચ્ચ સ્થાને વિરાજેલા લોકોએ પોતાના નૈતિક આચરણ દ્વારા જનતા સામે એક ઉદાહરણ રજૂ કરવું જોઈએ. ગીતામાં કહ્યું છે કે મોટા લોકોની દેખાદેખી કરીને જ સામાન્ય લોકો આચરણ કરે છે. નેતાએ દાતા બનવું જોઈએ. સમાજના હિત માટે એણે પોતાના હિતનું બલિદાન આપવા તત્પર રહેવું જોઈએ. પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણા રાજનીતિના નેતાઓ લોકોને યોગ્ય પથે આગળ વધારવા અને એમના નૈતિક સ્તરને ઉન્નત કરનારા લોકો નથી.
આજે નેતા બનવા ઇચ્છુક લોકો રાષ્ટ્રના ઇતિહાસ, અર્થનીતિ કે રાજનીતિના વિજ્ઞાન વિશે કંઈ જાણવાની પરવા કરતા નથી. તેઓ એમ વિચારે છે કે એમને આવા કોઈ પણ પ્રકારના શિક્ષણ કે પ્રશિક્ષણની જરૂર નથી. એમને મન સ્વાર્થપરાયણતા જ સર્વ કંઈ છે એવું લાગે છે. મતદાતાઓને લોભાવનારી ચાલબાજીઓનું જ્ઞાન અને એમના પ્રતિનિધિ રૂપે ચૂંટાઈ આવવું એ જ સાચી વાત છે એવું એમને લાગે છે. મતદારોમાંથી ઘણા લોકો અભણ છે. એવા લોકો આખા દેશના હિત કે ભવિષ્યનો જરાય વિચાર કર્યા વિના કેવળ પોતાની તાત્કાલિક સુખસુવિધાઓની વાત વિચારતા હોય છે. નેતાઓ એમને બરાબર ઓળખે છે અને પોતાના સ્વાર્થપરાયણ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે આ સ્થિતિનો લાભ ઉઠાવવામાં જ એમને રસરુચિ હોય છે.
કેટલાંક વર્ષ પહેલાં ભારતના રાષ્ટ્રપતિએ કહ્યું હતું: ‘રાજનેતા આજે નૈતિક સિદ્ધાંતોનો જેટલો અનાદર કરી રહ્યા છે એટલો અનાદર આ પહેલાં ક્યારેય થયો ન હતો. જનજીવન માટે હાનિકારક એવું આચરણ સુધારવું આવશ્યક છે.’
આજના સંકટની તમે સૌ કલ્પના કરી શકો છો. આજે સર્વત્ર અનૈતિકતા, ભ્રષ્ટાચાર, કાળાબજારનું સામ્રાજ્ય છે. ખૂનખરાબી, લૂંટફાટ જેવા અપરાધોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશે એકવાર કહ્યું હતું કે નારીઓની સાથે દુર્વ્યવહાર અને એમનું શોષણ એ અસાધ્ય નૈતિક પતનનું લક્ષણ છે. એ વખતે દિલ્હી શહેરમાં કેવળ ૧૦૦૦નું પોલીસ દળ હતું. આજે આ સંખ્યા વધીને ૩ લાખ થઈ ગઈ છે. આમ છતાં પણ કોઈ પણ સ્ત્રી દિવસે પણ દિલ્હીની સડક પર એકલી નીકળવા ડરે છે.
કેવું અધ:પતન
ભારતમાં અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન સ્થાનિક ઉદ્યોગોનો વિનાશ કરીને ભારતની પ્રચુર ધનસંપત્તિ લૂંટી લીધી. શ્રી તારાચંદ પોતાના ‘સ્વાધીનતા આંદોલનનો ઇતિહાસ’માં લખે છે: ‘વિલિયમ ડિગ્બીનું અનુમાન છે કે સંભવત: પ્લાસીના યુદ્ધ (૧૭૫૭) થી વોટર લૂ (૧૮૧૫)ની વચ્ચે એક અરબ ડોલરનું નાણાભંડોળ ભારતીય ખજાનામાંથી અંગ્રેજી બેંકોમાં સ્થાનાંતરિત થઈ ગયું. એ દિવસોમાં ૪૫% લોકોને બે ટંકનું ભોજનેય મળતું ન હતું. સ્વાધીનતા આંદોલનના નેતાઓનું લક્ષ્ય ગરીબીનું ઉન્મૂલન, જનસમૂહને કેળવણી આપવાનું હતું અને એની સાથે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. આમ છતાં પણ એ વાતથી આપણે ઈન્કાર ન કરી શકીએ કે સ્વાધીનતા પછીનાં વર્ષોમાં રાષ્ટ્રિય જીવનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ થઈ છે. છતાં પણ ગરીબી રેખા ઘટવાનો કોઈ સંકેત મળતો નથી.
પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિક સંપત્તિ વધવાની સાથે શ્રમિક વર્ગ પોતાની ફરિયાદોના નિરાકરણની આવશ્યકતા પ્રત્યે જાગ્રત બની ગયા. પરંતુ ભારતમાં દેશની ગરીબી ઘટતાં પહેલાં જ શ્રમિકોએ હડતાલ વગેરે દ્વારા પોતાના અધિકારો માટે લડાઈ આરંભી દીધી. હડતાલો અને આંદોલનો દ્વારા એમની માગો પૂરી ન થઈ એટલે તેઓ સાર્વજનિક સંપત્તિને નષ્ટ કરવા માંડે છે. આ વાત ખરેખર આત્મઘાતી કહેવાય. હવે તો આ સર્વ સામાન્ય વાત બની ગઈ છે કે મજૂરો ક્રોધના આવેશમાં પોતાનાં જ કારખાનાનાં એવાં ઉપકરણોનો નાશ કરી નાખે છે કે જેના દ્વારા એમનું ભરણપોષણ થાય છે. એવાં વિધ્વંશક કાર્યોમાં વિદ્યાર્થીઓ પણ સક્રિય ભૂમિકા ભજવે છે. કોઈના દ્વારા થઈ ગયેલી કહેવાતી ભૂલ માટે કરોડો રૂપિયાની સાર્વજનિક સંપત્તિનો નાશ કરવાની પ્રવૃત્તિ આપણા દેશમાં વધતી જાય છે. અતિ મૂલ્યવાન સાર્વજનિક સંપત્તિના આવા વિનાશના સમાચાર અખબારોમાં લગભગ દરરોજ પ્રકાશિત થતા રહે છે. બંગાળના વિદ્યુત વિભાગમાં એકવાર રાજનૈતિક કારણોને લીધે અનેક અયોગ્ય લોકોની ભરતી થઈ ગઈ. એના પરિણામે ત્યાં અનુશાસનહીનતા અને કાર્ય કરવાની અક્ષમતા વધી ગયાં. મશીનોની સારી રીતે દેખભાળ ન થવાને કારણે મશીનો બગડી ગયાં અને વિદ્યુતનું ઉત્પાદન ઘટી ગયું. એને લીધે વિભિન્ન કારખાનાઓનું ઉત્પાદન પણ ઘણી ઝડપથી નીચે આવી ગયું. આને લીધે કરોડો રૂપિયાની ખોટ ગઈ. રાજનૈતિક કારણોને લીધે લોકોને રોજગાર આપવાની નીતિ આ દિવસોમાં એક સામાન્ય વાત બની ગઈ. આ એક સર્વવિદિત તથ્ય છે કે લાંચ-રુશ્વત અને કાળાબજાર એક અપવાદને બદલે નિયમ જ બની ચૂક્યા છે. સરકાર કાળા બજારિયાઓની સંપત્તિને જપ્ત કરવાની નીતિ ઘોષિત કરતી રહે છે, પરંતુ આ નીતિના અમલ માટે કોઈ નક્કર પ્રયાસ થતા નથી. આ રાષ્ટ્રિય આફત સાથે પનારો પાડવા ઈમાનદારીપૂર્વક કોઈ પ્રયત્ન થઈ રહ્યા નથી, શું આ નૈતિક પતનનું એક લક્ષણ નથી?
વિશેષજ્ઞો કહે છે કે હવે પછીનાં ૩૫ વર્ષમાં રાષ્ટ્રની વસતી બમણી થઈ જશે. દેશમાં આ વસતી વધારાના દબાણને સમજી શકે અને એને પરિણામે જીવનમાં આવનારા ભયંકર સંઘર્ષની કલ્પના કરી શકે એવા સ્તરનું શિક્ષણ કેટલા લોકોને મળ્યું છે? ગાંધીજીએ સ્વતંત્રતા મળ્યા પછી દેશમાં રામરાજનું સ્વપ્ન જોયું હતું. એમની એવી શ્રદ્ધા હતી કે ચારિત્ર્યવાન અને ઈમાનદાર લોકોના સંગઠિત પ્રયાસોનું સુફળ મળશે. પરંતુ આજની રાજનૈતિક પરિસ્થિતિ આપણા રાષ્ટ્રના પાયાના આધાર સ્તંભોને જ દૂર કરી રહી છે.
નૈતિક અધ:પતન ભયાવહ સ્તરે નીચે ઊતરી ગયું હોય ત્યારે કોઈ ચિંતક, ધાર્મિક નેતા કે રાજનૈતિક દિગ્ગજ એનાથી બહુ ચિંતિત હોય એવું લાગતું નથી. ચારે બાજુએ થઈ રહેલી ઘટનાઓની જાણે કે એમને કોઈ પરવા જ નથી. વિશેષજ્ઞો દ્વારા પરસ્પર સંગઠિત બનીને આ ગંભીર સમસ્યા પર વિચારવિમર્શ કરવાની પણ કોઈ સૂચના નથી. એક દિવસ આ બધું સ્વત: અને પહેલાંની જેમ જ સુવ્યવસ્થિત થઈ જશે એવી આશા આપણે કરી શકીએ ખરા?
જ્ઞાનનો સૂર
ગઈ શતાબ્દિમાં સ્વામી વિવેકાનંદે આપણને આવી ચેતવણી આપી હતી: ‘બધી રાજનૈતિક તથા સામાજિક પ્રણાલીઓ તેમજ સંગઠનો મૂળત: મનુષ્યના સારાપણા પર આધારિત છે. સંસદના કાયદા દ્વારા લોકોને સદાચારી બનાવી ન શકાય. સંસદ દ્વારા સારો કાયદો બનાવી દેવાથી કોઈ રાષ્ટ્ર પોતાની રીતે સબળ બની જાય એવી કોઈ ખાતરી નથી. પરંતુ જો કોઈ દેશના લોકો સારા અને મહાન હોય તો એ દેશ સ્વત: સારો અને મહાન બની જશે. સંસારની બધા પ્રકારની સંપત્તિઓમાં મનુષ્ય સર્વાધિક મૂલ્યવાન છે.
‘બધી વાતોમાંથી આટલું ચોક્કસપણે જોવા મળે છે કે સમાજવાદ કે જનતા દ્વારા શાસનનું કોઈ રૂપ પછી ભલે એને આપણે ગમે તે નામ આપીએ, તે ઊભરી આવે છે. ચોક્કસ લોકો એવું ઇચ્છશે કે એમની ભૌતિક આવશ્યકતાની પૂર્તિ થાય, તેઓ ઓછું કામ કરે, એમનું શોષણ ન થાય, યુદ્ધ ન થાય અને પૂરતું ભોજન મળે. આ વાતનું આપણી પાસે એવું કયું પ્રમાણ છે કે આ કે બીજી સભ્યતા જ્યાં સુધી તે ધર્મ પર મનુષ્યની ભીતરની ભલમનસાઈ પર નિર્ભર ન હોય તે સ્થાયી બની શકે ખરી? એટલી ખાતરી રાખજો કે ધર્મ આ સમસ્યાના મૂળ સુધી પહોંચે છે. જો એ ધર્મ બરાબર હોય તો બીજું બધું બરાબર જ રહેવાનું.
‘સંસદીય અધિનિયમ, સરકાર, રાજનૈતિક પ્રશાસન – એ બધા વસ્તુત: આપણું અંતિમ લક્ષ્ય નથી. પરંતુ એ તો એક સાધન છે. એનાથી અલગ એક લક્ષ્ય છે, જે આ તથ્યોમાંથી કોઈ એક દ્વારા અનુશાસિત બનતું નથી. ઈશુખ્રિસ્તને જ્ઞાન થયું કે નૈતિકતા અને હૃદયની પવિત્રતા શક્તિના સાચા સ્રોત છે. આપણા ઋષિઓએ પણ આ જ સત્યની ઘોષણા કરી હતી. ધર્મ સમસ્યાના મૂળ બિંદુ પર પ્રહાર કરે છે અને એ મનુષ્યના ચારિત્ર્યનું ઘડતર કરે છે એ વાત આ રીતે સાચી કહેવાય.
ધર્મની કોઈ ભૂલ નથી. મારો દાવો એવો છે કે હિંદુસમાજની ઉન્નતિ માટે ધર્મનો વિનાશ જરૂરી નથી અને સમાજની આ દૂર અવસ્થા ધર્મને કારણે આવી નથી. પરંતુ ધર્મને સમાજ પર જે રીતે મૂકવો જોઈએ એ રીતે મૂકવામાં આવ્યો નથી. હું આ કથનના એકેએક શબ્દ પોતાનાં પ્રાચીન શાસ્ત્રોના આધારે સિદ્ધ કરવા તૈયાર છું. આ દુરાવસ્થાને દૂર કરવી જોઈએ પરંતુ એ ધર્મનો નાશ કરીને નહિ પરંતુ ધર્મના મહાન ઉપદેશોનું અનુસરણ કરીને કરવી જોઈએ.
‘અત: ભારતમાં કોઈ પણ પ્રકારના સુધારા લાવતાં પહેલાં ધર્મનો પ્રચાર આવશ્યક છે. ભારતને સમાજવાદી કે રાજનૈતિક વિચારોથી ભરી દેતાં પહેલાં આટલું પ્રથમ આવશ્યક બની રહે છે કે એમાં આધ્યાત્મિક વિચારોનો પૂરપ્રવાહ લાવી દેવામાં આવે. સર્વ પ્રથમ તો આપણે આપણાં ઉપનિષદો, પુરાણો અને બીજાં શાસ્ત્રોમાં જે અપૂર્વ સત્ય છુપાયેલ છે એમને આ બધા ગ્રંથોનાં પાને પાનેથી બહાર લાવીને, મઠોની ચાર દિવાલોને ભેદીને, વનની શૂન્યતાથી એમને દૂર લાવીને કેટલાક સંપ્રદાય વિશેષોના હાથમાંથી એને છીનવી લઈને દેશમાં સર્વત્ર પ્રસરાવી દેવાં જોઈએ.
Your Content Goes Here




