(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘દેશમાં રાષ્ટ્રિય ભાવના જગાડવાનો ઉપાય એ જ છે કે પોતાની લુપ્ત થતી જતી આધ્યાત્મિક શક્તિને પુનર્જીવિત કરવામાં આવે. જો આપણે પોતાનું અભ્યુત્થાન કરવું હોય તો આપણે પરસ્પર ઝઘડવાનું બંધ કરી દેવું જોઈએ. પોતાની સન્મુખ આ જ એક આદર્શ રાખો – ‘ધર્મને હાનિ પહોંચાડ્યા વિના સામાન્ય જનતાની ઉન્નતિ.’ આમ જોઈએ તો છેવટે જનતામાં આધ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન કરવી એ જાણે કે રક્તપ્રવાહને શુદ્ધ કરવા જેવું છે અને છોડ પર યોગ્ય પ્રકારનાં જંતુનાશકો છાંટવા જેવું છે. ભણેલ-ગણેલ અને જ્ઞાની લોકોએ પ્રયાસપૂર્વક આધ્યાત્મિક વિચારોને આત્મસાત્ કરીને લોકોમાં ધર્મનો સંદેશ ફેલાવવો જોઈએ. ભલે કોઈ પણ પક્ષ વિજય મેળવી લે, પરંતુ મનુષ્યનું હૃદય પવિત્ર ન હોય તો સ્વાર્થપરાયણતા જ આપણા રાષ્ટ્રદેહને પ્રભાવિત કરવાની. એક પવિત્ર હૃદયવાળી વ્યક્તિની બરાબરી કોણ કરી શકે? ઈમારત મજબૂત ત્યારે જ બને છે કે જ્યારે એની પ્રત્યેક ઈંટ મજબૂત હોય અને એના ચોક્કસ સ્થાને દૃઢ રહે. જલધારા કે જલપ્રવાહ બનાવવા માટે પાણીના એકેએક ટીપાનું યોગદાન હોય છે. અન્ન ભંડાર ભરવા માટે અનાજના દરેક કણનું પ્રદાન છે. વ્યક્તિગત ચારિત્રની સુધારણા દ્વારા જ આપણે સામાજિક કલ્યાણની આશા રાખી શકીએ. ચારિત્ર્ય વિકાસની ભૂમિકા ઈશ્વર અને સ્વયંમાં વિશ્વાસ રાખવો અને અંતે ભલાઈનો વિજય થાય છે એવી શ્રદ્ધામાં રહેલ છે.

વિશ્વાસની સ્થાપના

આપણા દેશના શિક્ષિત લોકો આધ્યાત્મિકતા, ધર્મ અને ઈશ્વર જેવી ધારણાઓમાં ક્યારેક પણ રુચિ લેશે, એવો અણસાર દેખાતો નથી. ધર્મના દુર્બળ અનુયાયીઓ જ ધર્મના પાયાને નબળો બનાવે છે, એ પણ એક વિડંબણા છે. આજે અધ્યાત્મનો પાયો વધારે ને વધારે દુર્બળ થતો જાય છે. ધર્મની સાચી વિચારણા ધરાવનારનો આ દૃઢ વિચાર છે કે આધ્યાત્મિકતાનો અભાવ જ આજના વિશ્વના બધા નૈતિક હ્રાસ માટે સીધેસીધો જવાબદાર છે. આધ્યાત્મિક આધાર નિર્બળ થવાનો અર્થ શું છે? એનો અર્થ એવો નથી કે ધર્મના સિદ્ધાંત પોતાની ઉપયોગીતા ગુમાવી ચૂક્યા છે. લોકો પોતાના દોષોને લીધે એ સિદ્ધાંતોના પાલનમાં શિથિલ બની ગયા છે અને એને કારણે એ સિદ્ધાંતોમાં એમની શ્રદ્ધા ચાલી ગઈ છે. આ સિદ્ધાંતો તો આજે પણ હિતકર છે. ન્યૂટને શોધ કરી તે પહેલાં પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તો હતો જ. આપણે જેને ભૂલી ગયા છીએ અથવા તો જે આપણે નજરે જોઈ શકતા નથી એવી ચીજોનું પણ અસ્તિત્વ છે ખરું.

પરંતુ પ્રકૃતિના નિયમોને જાણી લઈએ એટલે આપણે પોતાના સુખ અને હિતમાં વૃદ્ધિ કરવાના હેતુથી એની શક્તિઓને નિયંત્રિત કરી શકીએ છીએ. ધર્મના નિયમો સનાતન સત્યો પર આધારિત છે. કોઈ સમાજ ભિન્ન ભિન્ન કારણોને લીધે ધર્મમાં અશ્રદ્ધાળુ બની શકે છે. ક્ષણિક અને પ્રલોભનકારી ચીજવસ્તુઓથી મોહિત થઈને લોકો ધર્મના સિદ્ધાંતોથી વિમુખ પણ બની શકે છે. આ ધાર્મિક પતનનો પ્રારંભ છે. જો આપણે ધર્મનું અનુસરણ ન કરતા હોઈએ તો એનાથી કંઈ ધાર્મિક સિદ્ધાંત ખોટા છે એવું સાબિત ન થઈ જાય. આને લીધે નુકશાન તો મનુષ્યને જ થવાનું છે. જો આપણે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરીએ તો એને લીધે ઊભાં થતાં દુ:ખકષ્ટ કોણે ભોગવવાનાં રહેશે? નિયમનો ભંગ કરનારે જ દુ:ખકષ્ટ ભોગવવાનાં રહે છે. આપણે આ ખામી કે ઊણપથી કેવી રીતે બચી શકીએ? એ માટે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે: ‘આ ધર્મનું રહસ્ય ભૂતકાળમાં મેં સૂર્યદેવને કહ્યું હતું. સૂર્યે એ રહસ્ય મનુને કહ્યું. મનુએ એ રહસ્ય ઈક્ષ્વાકુને બતાવ્યું. પ્રાચીનકાળના આધ્યાત્મિક પ્રવૃત્તિ અને પ્રકૃતિવાળા સમ્રાટ આ પરંપરાને જાણતા હતા. પરંતુ હે અર્જુન! કાળના પ્રવાહમાં પરંપરા ખંડિત થઈ ગઈ અને એ જ્ઞાન લુપ્ત થયું.’ બીજા શબ્દોમાં કહીએ તો ઈંદ્રિય સંયમ વિનાના દુર્બળ લોકોના હાથમાં એ જ્ઞાન ચાલ્યું ગયું અને અંતે લુપ્ત થયું. વાસ્તવિક રીતે એ જ્ઞાન લુપ્ત નથી થયું, પરંતુ આ યોગના જાણકાર લોકોએ પોતાના સ્વાર્થ સાધવાના હેતુથી એનો પ્રયોગ કરીને એને બદનામ કર્યું અને એનું અધ:પતન પણ કર્યું.

લોકો સ્વભાવત: એમાંથી પોતાની શ્રદ્ધા ગુમાવી બેઠા. હવે ધર્મના પુનરુત્થાનનો અર્થ છે કે એવી શ્રદ્ધાને પુન:સ્થાપિત કરવી કે જેનાથી લોકો ધાર્મિક નિયમોના અનુસરણમાં દૃઢતાપૂર્વક તત્પર બને. સંતો, મહાપુરુષો અને ઈશ્વરના અવતાર આ પૃથ્વીના લોકોના મનમાં આવી શ્રદ્ધા પુન: સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ રહે છે. આપણા દેશમાં સમગ્ર સામાજિક અને રાજનૈતિક વિકાસની પાછળ આધ્યાત્મિક વ્યક્તિઓનું અમોઘ માર્ગદર્શન રહ્યું છે.

પરંતુ પોતે શિક્ષિત છે, એવો દાવો કરનારા અને ઉચ્ચપદે બેઠેલા શક્તિશાળી લોકોએ દુર્ભાગ્યવશ આપણા દેશની આ ગૌરવમયી આધ્યાત્મિક પરંપરાને વિસારે પાડી દીધી છે.

રાષ્ટ્ર સમક્ષ આદર્શ

ઈશ્વર અને આત્મા વગેરે ઈંદ્રિયાતીત તત્ત્વ સનાતન સત્ય છે અને એમની અનુભૂતિ માટે પ્રાચીન ભારતવાસીઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે, એવો વિશ્વાસ પ્રાચીનકાળથી ભારતીયોને છે. ઈશ્વર કે આત્માની અનુભૂતિને વ્યક્તિ કે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ લક્ષ્ય ગણવામાં આવતું. આ ઈંદ્રિયાતીત આદર્શોમાં આટલી બધી રુચિ હોવાનું કારણ કયું હતું? વચ્ચે વચ્ચે આ દેશમાં દૈવી ગુણો તથા સાચા આધ્યાત્મિક જ્ઞાનથી પરિપૂર્ણ મહા પુરુષોનો આવિર્ભાવ થતો રહ્યો છે, એ તથ્યમાં આપણે આ કારણને શોધી શકીએ. પાશ્ચાત્ય જગતને જો ‘વિજ્ઞાનનું ઘર’ કહીએ તો ભારતને ‘ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનનું ઘર’ નિ:સંદેહ માનવું જોઈએ. ભારતમાં સામાજિક આચાર-સંહિતાઓનું નિર્માણ આધ્યાત્મિક પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરવાના હેતુથી આધ્યાત્મિક જીવનની મજબૂત આધારશિલા પર નિર્માણ થયું છે. સમાજની દરેક વ્યક્તિ પોતાના જન્મજાત ગુણો પ્રમાણે વિવેકપૂર્વક પોતાનાં કર્તવ્યો પૂરાં કરીને આધ્યાત્મિક પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પ્રાચીન કાળના મહાપુરુષોનો આવો દૃઢ વિશ્વાસ હતો. આ વિચાર ગ્રંથોનાં જડ પૃષ્ઠો પર જ નહિ પરંતુ આચરણમાં ઉતારવામાં આવતા. એટલે આવા આચરણનાં યથેષ્ટ દૃષ્ટાંત ઇતિહાસ આપે છે.

શક્તિ પરીક્ષણ

એક પાશ્ચાત્ય દાર્શનિકે એકવાર કહ્યું હતું: ‘આપણી પાસે એકબીજા પ્રત્યે પ્રેમ કરવા માટે પ્રેરિત કરનારા તો નથી પરંતુ એકબીજા પ્રત્યે ઘૃણા કે ઝઘડા કરાવવા માટે ઉશ્કેરનારા ધર્મો પૂરતા પ્રમાણમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘આપણે બધા ધર્મની ગૌણ બાબતોને ધ્યાનમાં લઈને પરસ્પર ઝઘડતા રહીએ છીએ.’

શું ઈશ્વરે જ બધાં પ્રાણીઓમાં પ્રાણ સંચાર નથી કર્યો? શ્રીરામકૃષ્ણ કહેતા કે ગામના તળાવના પદાર્થને કોઈ જળ કહે તો કોઈ પાની કહે છે. જીવનનાં બધાં રૂપોને ક્રિયાશીલ કરનાર શક્તિની વિભિન્ન ધર્મના અનુયાયીઓએ ભિન્ન ભિન્ન પ્રકારે અનુભૂતિ અને ઉપાસના કરી છે. આજે પણ લોકો આ મૂળભૂત સત્યથી અજાણ રહીને અરસપરસ ઝઘડે છે અને કહેતા રહે છે: ‘અમારા ભગવાન મોટા અને તમારા નાના’ કે ‘અમારો ધર્મ સત્ય છે અને તમારો ધર્મ ખોટો છે’. મનુષ્યની આ અજ્ઞાનતા પર કદાચ ભગવાનેય હસતો હશે ખરો.

જો ઈશ્વર એ આપણું લક્ષ્ય હોય તો આધ્યાત્મિક જીવન જ આપણો પથ છે. ભય, ક્રોધ, ચિંતા વગેરે ઈશ્વર તરફ લઈ જતા માર્ગની અડચણો છે. સંભવત: એ ભક્તની ઈશ્વરમાં કેટલી દૃઢ નિષ્ઠા કે કેટલો દૃઢ વિશ્વાસ છે એની પરીક્ષાઓ છે. જ્યારે ભસતું કૂતરું આપણને કરડવા દોડે છે ત્યારે આપણે ઘરના માલિકને બોલાવીએ છીએ. ઘરનો માલિક આવે અને કૂતરાને શાંત કરે અને પછી આપણું સ્વાગત કરે છે. એવી જ રીતે જ્યારે આપણને માનસિક મુશ્કેલીઓ સતાવે છે ત્યારે આપણે ભગવાનને પોકારીએ છીએ અને એનું શરણું સાધીને શાંતિ મેળવીએ છીએ. અંધારું થયું હોય તો કેવળ ‘અહીં અંધારું છે, અંધારું છે’ એમ બરાડા પાડવાથી અંધારાને દૂર કરી શકાય ખરું? કેવળ પ્રકાશ જ અંધારાને દૂર કરી શકે. ચિંતા કે ભયથી ત્રાસી જઈએ ત્યારે કેવળ એનાં રોદણાં રોવાથી આપણને શાંતિ કે સમાશ્વાસન મળતાં નથી. એ બધાંમાંથી બચવા માટે આપણને જ્ઞાનના પ્રકાશની આવશ્યકતા છે. આપણાં મન અને હૃદયે પ્રબુદ્ધ બની જવું જોઈએ.

ચિંતા મટે અને હૃદયમન ખીલી ઊઠે

ચિંતા આપણા જીવનને ગળી જવા માટેની એક સમર્થ અને અતિઘાતક શક્તિ છે. ઉધઈ લાગેલ ચંદનના વૃક્ષનાં મૂળોની જેમ એક ચિંતાથી ઘેરાયેલ માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કે વિવેકની ક્ષમતાને ગુમાવી બેસે છે અને વિનાશની ખીણમાં ધકેલાઈ શકે છે. એ વખતે તે એ ભૂલી જાય છે કે એમની ભીતર અનંત શક્તિઓ છુપાયેલી છે. એ જાણવાને બદલે એ આવો ખેદ કરતો રહે છે – ‘હું મૂરખ છું, હું દુર્બળ છું, હું સક્ષમ નથી’. પછી તે આળસના ખોળામાં સૂઈ જાય છે, ઈંદ્રિયોનો દાસ બની જાય છે અને ભૌતિક સુખોની છાયામાં ઉછરતો રહે છે. સાથે ને સાથે ક્રોધ અને ઘૃણાભાવને લીધે પોતાના ભાઈ-ભાંડુઓ પ્રત્યે હિંસામાં આળોટતો રહે છે અને ભસ્માસુરની જેમ પોતાના સર્જનહાર પર જ પ્રહાર કરે છે. આજે ભારતમાં ઈશ્વર કે ધર્મના નામે જે ખૂન ખરાબા થાય છે એનું મૂળ કારણ આધુનિક માનવની ભીતર જ રહેલું છે. આધુનિકતાના છદ્મ વેશમાં તે ચિંતા, ભય, કે અન્ય મનોવિકારોથી ઘેરાઈને સ્વાર્થી, સંકીર્ણ અને ચંચળ બની ગયો છે. માનવ સભ્યતાને વિનાશને આરે જતી રોકવા માટે લોકોના હૃદયમાં ભ્રાતૃભાવના, ઉદારતા તથા નિ:સ્વાર્થ ભાવનાનો વિકાસ થવો જોઈએ. વ્યક્તિ સારો, ભલો બને એટલે એના મનની ચિંતાઓ દૂર થઈ જાય. તેમજ પ્રેમ, મિત્રતા અને સહયોગનો ભાવ એનું સ્થાન લેશે. ત્યારે સર્વત્ર સંતોષ, શાંતિ, સુખ અને હિતની સુગંધિત હવા વહેવા લાગશે. સમાજની ઉન્નતિ તેમજ સુખ માટે આજે આપણા માટે એની જ આવશ્યકતા છે.

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.