સુપ્રસિદ્ધ ચિકિત્સક અને લેખક ડૉ. મનુભાઈ કોઠારી અને તેમનાં પત્ની ડૉ. જ્યોતિબહેન કોઠારી રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા સાકવારમાં ચાલતા આદિવાસી કલ્યાણ કાર્યોમાં અનેક વર્ષોથી પોતાની નિ:શુલ્ક આપી રહ્યા છે. – સં.

પરસ્પર ઉપયોગિતા એ અનાદિ કાળથી, માનવ સમુદાયનું લક્ષણ છે. રીત-રિવાજ અને સમાજ વ્યવસ્થા – culture and civilisation – બન્ને આ જાતની સમજ તથા વ્યવસ્થાના પર્યાયો છે. જ્યારે આ જાતની કાર્ય વહેંચણી – division of labour – સ્થાયી થઈ જાય છે. ત્યારે આપણે તેને વ્યવસાય – profession – ના નામથી નવાજીએ છીએ. કોઈ પણ વ્યવસાયી એક માર્ગી બની શક્યો નથી. સાધુઓ અને શિક્ષકો સમાજને સંસ્કારિત બનાવવાની સેવા કર્યા કરે અને તેમને ત્રણ વખત જમવાનું ન મળે તો એ ઉત્તમ વ્યવસાય પણ ટકી શક્તો નથી. વ્યવસાય અને વળતર એક જ સિક્કાની બે બાજુઓ છે. વ્યવસાયી ચિકિત્સોની વિટંબણા સમજવા જેવી છે. કોઈપણ અન્ય વ્યવસાય પાસેથી સમાજ ‘સેવાની’ અપેક્ષા રાખતો નથી. સાધુઓ અને ધર્મ ગુરુઓ સેવા જ કરે છે તેવી શ્રદ્ધા અને અન્ય સહુ – વકીલો, પત્રકારો, આર્કિટેકો – સેવા અર્થે નહીં પરંતુ મેવા માટે કામ કરે છે એવી સમજથી સમાજ એ બન્ને પક્ષોને સેવાની અપેક્ષામાંથી મુક્ત રાખે છે. કંઈક વખત અમારા ડૉક્ટર મિત્રોએ પોતાની વ્યથા, ફરિયાદ રજૂ કરી છેઃ ‘આપણે સેવા કરીએ; ફી ન લઈએ કે નહીંવત્ લઈએ વગેરે.. પરંતુ ખરીદી કરવા જઈએ ત્યારે આપણો રેડક્રોસ કે સ્ટેથોસ્કોપ જોઈને ઓછો ભાવ લેવાને બદલે અધિક દામ લેવાતા હોય છે, એવા સંજોગમાં સેવા કરવી કઈ રીતે? પૈસાકેન્દ્રી સમાજ વ્યવસ્થામાં ડૉક્ટરો માટે પણ સેવા વૃત્તિને જીરવવી મુશ્કેલ છે. આવી કઠિનતામાંથી નિષ્પન્ન થતાં વિષમ પરિણામો પૈસા કેન્દ્રિત વિચારધારાના વિષમ ષડયંત્રનું એક અંગ જ છે

ઉપરોક્ત વાસ્તવિક્તાઓને ધ્યાનમાં લીધા પછી પણ સર્વદેશોમાં ડોક્ટરો પાસેથી જન સામાન્ય અપેક્ષા ‘સેવા’ની રહી છે. આ સર્વવ્યાપિત પરિસ્થિતિના પાયાનાં કારણો સમજશું તો આ લેખના શીર્ષકની યોગ્યતા સમજાશે. ચિકિત્સકોએ સેવા ભાવનું આજીવન જતન શા માટે કરવું રહ્યું એની પણ એક જરૂરી માનસ-ભૂમિકા એમાંથી મળી રહેશે. આ વૈજ્ઞાનિક વિષયને મુદ્દાવાર જોઈએ.

૧. શ્રી શ્રીરામકૃષ્ણદેવે એક મહાન અને સનાતન સત્ય કહ્યું: વકીલ કે ડોક્ટરની મોક્ષ માટેની લાયકાત કમ હોય છે કારણ કે તેમની કમાઈનો મુખ્ય આધાર અન્ય માનવોનું દુઃખ હોય છે. જરાપણ ખોટો ચાર્જ થઈ જાય તો તે પૈસામાં દર્દી અને તેના કુટુંબની હાય અને ચૈતન્ય જગતની નાખુશી સમાયેલ હોય છે.

૨. સ્વામી વિવેકાનંદે અભાગી માનવમાં ઈશ્વર-દર્શન કરવાનો આદેશ આપ્યો. તેને વ્યવહારુ -practical – વેદાન્ત કહી શકાય. શારીરિક પીડાથી હેરાન વ્યક્તિનું મન તથા આત્મા પણ સંતાપિત હોય છે. અને એ વ્યથાઓ અનુભવનાર એ વ્યક્તિ નથી પણ એમાં બિરાજમાન ઈશ્વર તત્ત્વ જ હોય છે. એને રાહત આપો તો ચૈતન્ય તત્ત્વને રાહત પહોંચાડવા બરાબર છે. આમ વ્યક્તિગત સેવા સમષ્ટિગતરૂપ ધારણ કરી લે છે.

૩. રોગ, બિમારી, માંદગી, આ બધા શબ્દો માટે આજ સુધી નિર્વિવાદ ચોક્કસ વ્યાખ્યાઓ પ્રાપ્ય નથી. અંગ્રેજી શબ્દ – disease – એટલે કે – dis-ease – એટલે કે ease= આરામનો અભાવ છે અને તે ફ્રેંચ શબ્દો des = not અને aise = ease પરથી આવ્યો છે. Disease શબ્દ ‘મજામાં નથી’ તેનું દર્શન કરાવી શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક અસ્વસ્થતાને આવરી લે છે.

૪. ચિંતકો, શિક્ષકો, ધર્મગુરુઓ સામાન્ય માનવના મનનું જતન કરે છે પરંતુ ચિકિત્સક એથી આગળ વધી શરીરનું જતન કરી તે દ્વારા મનને શાતા આપે છે. ડૉક્ટરને મળેલો આ અધિકાર કે જે દ્વારા તે કોઈ એક સ્ત્રી કે પુરુષને, બાળકને કે પ્રાણીને સ્પર્શી એના શરીરમાં પ્રવેશ સુધ્ધાં કરીને પોતાનું કામ કરી શકે છે, તે દૈવિક વરદાન છે જેનું રૂપિયા, આના, પાઈમાં મૂલ્યાંકન, થઈ ન શકે. દર્દીઓ ડૉક્ટરોને ઈશ્વરના દૂત તરીકે જુએ છે તેની પાછળ ડૉક્ટરી વ્યવસાયમાં સમાયેલ દેવતત્ત્વ, દેવાશીર્વાદ, દેવાશિષ છે.

૫. સેવાનો ક્યો માર્ગ સાચો? ઍલોપેથી, આયુર્વેદ, હોમિયોપૅથી, નેચરોપૅથી વગેરે એ ગણતાં ૨૦-૨૫ જુદી જુદી રીતો છે. જે દ્વારા સારવાર થઈ શકે. મુંબઈના એક ડૉક્ટર વૈદ્ય કહી ગયા છેઃ Any -pathy is good provided you have sympathy and empathy.

૬. આધુનિક ચિકિત્સકે, શહેરમાં કે ગામડાંમાં જાહેર ક્ષેત્રમાં કે ખાનગી પ્રેક્ટીસમાં સેવા તથા સ્વ-અર્થનો સમન્વય કરવો રહ્યો. પોતાના વ્યવસાયની વિશિષ્ટતા સમજી અધિક સેવા તથા ઓછા સ્વ-અર્થ માટે આજીવન યત્ન કરવો રહ્યો. વિલેપાર્લે મુંબઈના આગેવાન ડૉક્ટર વાડીલાલ કામદાર માનતા કે ડૉક્ટરી વ્યવસાય સ્થિતિ પાત્ર વ્યક્તિએ જ કરવો જેથી તેની નજર દર્દીના ખિસ્સા તરફ જાય જ નહીં. આવું સદ્ભાગ્ય સામાન્ય નથી. માટે જ ડૉક્ટરે પોતાના અંગત જીવનમાં અપરિગ્રહ, સાદાઈ, સમતા અને સંતોષ સાધવાં જેથી તે ફીના ભેદભાવ વિના રંક તથા રાયની સમાન સેવા કરી શકે.

૭. એક વિશાળ સરવૈયા પરથી માલુમ પડ્યું કે આધુનિકમાં આધુનિક હોસ્પિટલમાં પણ સચોટ નિદાન માટે દર્દીએ કહેલો પોતાનો ઈતિહાસ સર્વશ્રેષ્ઠ છે. આના માટે દર્દી સાથે ધીરજ એ સિવાય કોઈ જ સાધન સામગ્રીની જરૂરિયાત નથી. ૭૬% નિદાન આમ જ થાય અને બાકીના ૨૪% માંથી ૨૩%દર્દીના શરીરની સામાન્ય તપાસ પરથી સારો ડોક્ટર, સાદો ડૉક્ટર હોવો જોઈએ.

૮. એક બીજું મોટું સરવૈયું છે કે ડૉક્ટરી એક જ એવો વ્યવસાય છે કે જેનો ગ્રાહક એક સ્વસંચાલિત સ્વસારવારી યંત્ર છે. માટે ડૉક્ટરે સારો વર્તાવ, પ્રેમ, હિંમત, થોડું માર્ગદર્શન સિવાય બહુધા કંઈ વિશેષ કરવાનું હોતું નથી. અમેરિકામાંથી પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે ૧૦માંથી ૯ તપાસ કે સારવાર બિનજરૂરી હોય છે. અંગ્રેજી શબ્દ ડૉક્ટર director પરથી આવેલ છે અને તે શબ્દ સંસ્કૃત દિગ્દર્શક પરથી થયો છે, ડૉક્ટર એટલે દવા એ સમીકરણ બરાબર નથી.

૯. ભારતમાં ૮૦% વસ્તી ગામડાંમાં છે. અને ૮૦% વૈદ્યકીય સેવા શહેરમાં વિકસી છે. આ સમતુલતાનું નિવારણ છે કે વધુમાં વધુ ડોક્ટરોએ ગામડાં તરફ અકાયમી કે કાયમી પ્રયાણ કરવું ઘટે. ગાંધીજીએ કહ્યું કે ગામડાં ભારતનો પ્રાણ છે તેમાં કોઈ જ અતિશયોક્તિ નથી.

૧૦. ‘આત્માનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ માટે ડૉક્ટરી વ્યવસાય ઉત્તમ છે. તેમાં જેમ જેમ સાદાઈ તથા અપરિગ્રહ અધિક અને સ્વાર્થની કમી તેમ તેમ આત્માનું કલ્યાણ અધિક. આ સોનેરી તકને વધાવી લેવી એ ચિકિત્સકોની ફરજ છે, મોજ છે, આનંદ છે, અધિકાર છે.

રોગ-કૅન્સર, ડાયાબિટીસ, હૃદય હુમલો, સંધિવા – કાંઈ ક્ષતિ, દોષ, કે કર્મફળનો વિપાક નથી પણ શરીરનો ધર્મ છે. ‘એકને કૅન્સર થાય તો તેને કારણે બીજા ચાર માણસો કૅન્સરના ભયથી મુક્ત થાય છે. કુરાનમાં ખાસ કહ્યું છે કે દર્દી, મૃતઃપ્રાય કે મરેલ વ્યક્તિ પાસે જતાં પહેલાં તબીબે અલ્લાહનો ઉપકાર માનવો કે તેના ગણિતમાં દર્દી દર્દીની જગ્યાએ અને તબીબ તબીબની જગ્યાએ છે કારણ કે એથી ઊલટું પણ એટલું જ સહજ છે. ઈશ્વરના દરબારમાં કોઈ પણ સામાન્ય માણસ અને ડૉક્ટર દર્દી થવા માટે સરખી લાયકાત ધરાવે છે, રોગને પાત્ર છે. માટે જ દર્દી માટે અનુકંપા – ‘આ રોગ મને પણ થઈ શકે’ – જાળવી દર્દીની સેવા કરવી. દરેક દર્દી ડોક્ટર માટેનો એક આયનો છે જેમાં તેને પોતાનાં જ દર્શન થાય છે.

છાંદોગ્ય ઉપનિષદમાં ડૉક્ટરો માટે માર્ગદર્શક એવા મહામંત્ર છે. દર્દી દર્દી ન રહેતાં ખુદ ડૉક્ટર માટે ‘તત્ ત્વમ્ અસિ’નો સંદેશ તથા વાસ્તવિક્તા લઈને આવે છે. આખરે એ રીતે, દર્દીની સેવા સ્વસેવા થઈ જાય છે.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.