સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ આદર્શ વિચારોને આત્મસાત કરીને તેમને પોતાના જીવન તથા ચારિત્ર્યનું એક અભિન્ન અંગ બનાવી દીધા હોય તો તમે એક ગ્રંથાલયના બધા ગ્રંથોને કંઠસ્થ કરનારાથી પણ વધુ શિક્ષિત છો.’
કેળવણી જો ચારિત્ર્યનું નિર્માણ ન કરે તો તે નિરર્થક છે. ચારિત્ર્ય એટલે ઇચ્છાનું પ્રશિક્ષણ અર્થાત્ ઇચ્છાને પ્રબળ બનાવીને તેને યોગ્ય દિશા આપવી. ઇચ્છાને પ્રબળતા તથા દિશાયુક્ત માનસિક સ્તરની એક શક્તિ કહેવામાં આવે છે અને ચારિત્ર્યનિર્માણનો અર્થ છે : આ માનસિકશક્તિની વ્યાપકતામાં વૃદ્ધિ કરવી તથા તેની દિશાને સમાયોજિત કરવી. એક ચારિત્ર્યવાન વ્યક્તિ સ્વાભિમાન, ઇમાનદારી સાથે જ પ્રભાવી રીતે ઇચ્છાનો ઉપયોગ કરે છે; આંતર્બાહ્ય પ્રતિરોધ હોવા છતાં એની ભીતર પોતાની ઇચ્છાને કાર્યાન્વિત બનાવવાની દૃઢતા હોય છે.
ઘણી રોચક વાત એ છે કે હિંદુ શિક્ષણ-પ્રણાલીમાં ચારિત્ર્યનિર્માણને મુખ્યસ્થાન આપવામાં આવ્યું હતું. આપણા પ્રાચીન કેળવણીકારો દ્વારા એને જ શિક્ષણનું પ્રથમ ઉદ્દેશ્ય ગણવામાં આવતું; એનું કારણ એ છે કે એમણે એ સત્યનો આવિષ્કાર કર્યો હતો કે ચારિત્ર્ય તથા ઇચ્છાના સર્વાંગીણ પ્રશિક્ષણ વિના પ્રાપ્ત કરેલું શિક્ષણ જીવનમાં ઉપયોગમાં લાવી શકાતું નથી. એ ઉપરાંત એમણે એ પણ જોયું હતું કે કોઈ પણ પ્રકારના જ્ઞાન માટે યોગ્યતા લાવવી હોય તો પણ કેટલીક હદ સુધી ઇચ્છાનું એક પ્રારંભિક પ્રશિક્ષણ આવશ્યક છે. જ્ઞાનના એક મહત્ત્વપૂર્ણ યંત્ર તથા બધી ક્રિયાઓના મૂળ આધારરૂપે ‘મને’ જ આપણા કેળવણીકારોના ધ્યાનને સૌથી વધારે આકર્ષ્યું હતું. અને તેઓ આપણા માટે માનસિક પ્રશિક્ષણ વિશેની એક પરંપરા મૂકીને ગયા. આ પરંપરાની અવગણના કરવી આપણા માટે સંભવ નથી.
એકાગ્રતા તથા આત્મસંયમના અભ્યાસથી તેમજ ઉચ્ચ અને ઉદાત્ત ભાવનાઓના વિકાસ દ્વારા ઇચ્છાને સંયમમાં લાવીને તેને સબળ બનાવી શકાય છે. ચરિત્ર નિર્માણ માટે એને આપણા પૂર્વજોએ આવશ્યક માન્યું હતું. જ્યાં સુધી સિદ્ધાંતનો પ્રશ્ન છે ત્યાં સુધી સંભવત: કોઈપણ આધુનિક કેળવણીકાર એમાં એક રતિભાર પણ પ્રદાન આપી શક્યા નથી.
આ પ્રશિક્ષણ આપવાની પ્રણાલીના વિષયમાં પણ એમની શોધ કંઈ ઓછી અદ્ભુત ન હતી. બ્રહ્મચર્ય આશ્રમની અવધારણા જ એ વાત પ્રગટ કરે છે કે આપણા પ્રાચીન કેળવણીકારો એક પ્રભાવક શિક્ષણપ્રણાલીના રૂપે ‘સ્વક્રિયા’નાં મૂલ્ય અને મહત્ત્વ સાથે ને સાથે એને જગાડવા માટે ‘પરિવેશ’ની ભૂમિકાની બાબતમાં તેઓ કેટલા સચેત હતા! આપણા દેશની શિક્ષણસંસ્થાઓનો એકમાત્ર ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના મગજમાં બૌદ્ધિક જ્ઞાનની માહિતી ઠાંસી ઠાંસીને ભરી દેવા પૂરતો જ બની ગયો છે, એવું આપણને લાગે છે. પરંતુ એને બદલે આપણે આપણી પ્રાચીન શિક્ષણપ્રણાલીના આલોકમાં વિદ્યાર્થીઓના ચારિત્ર્યનિર્માણ પર વધારે ભાર દેવો જોઈએ.
ઇચ્છાશક્તિના વિકાસ માટે એકાગ્રતા અને આત્મસંયમના અભ્યાસની વ્યવસ્થા કરવી પડશે અને એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે શિક્ષકો દ્વારા કેવળ મૌખિક ઉપદેશ કે જ્ઞાન નહિ પરંતુ ઉદાહરણ સાથે એ જ્ઞાન અપાવું જોઈએ. બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા તથા વિભિન્ન ક્ષમતાઓના વિકાસ માટે પણ આ અભ્યાસ અત્યંત સહાયક નીવડશે. એને કોઈ પણ સ્વસ્થ શિક્ષણપ્રણાલીના એક અનિવાર્ય અંગ રૂપે જોવું પડશે.
મનની દુર્બળતા તથા અસ્થિરતા પ્રાય: મનની ચંચળતાના પર્યાયવાચી શબ્દો છે. જ્યારે મન એકીસાથે ઘણી બાબતો તરફ દોડી જાય છે ત્યારે ઇચ્છાશક્તિમાં નિશ્ચિતરૂપે ભંગાણ પડે છે. જે મન અનેક વિચારવૃત્તિઓ દ્વારા નિરંતર મંથન કરે છે તેને અટલ નિષ્ઠા સાથે કોઈ પણ વિષય પર સ્થિર કરી શકાતું નથી. એવા મનને કોઈ એક સુનિશ્ચિત દિશામાં દૃઢતાપૂર્વક પ્રવાહિત કરવા માટે સૌપ્રથમ તો તેને શાંત કર્યા પછી માનસિક શક્તિઓનું સંરક્ષણ કરવું પડશે. આ કાર્ય માટે એકાગ્રતાનો સુવ્યવસ્થિત અભ્યાસ આવશ્યક છે.
નિરંતર સહજ પ્રવૃત્તિઓની વિરુદ્ધ આત્મસંયમનો અભ્યાસ એક સ્વસ્થ વ્યાયામ છે અને નિ:સંદેહ એ ઇચ્છાશક્તિના વિકાસમાં સારું એવું યોગદાન આપે છે. કોઈપણ પ્રકારનું અનુશાસન આત્મસંયમનો જ એક પાઠ છે; અને શારીરિક તથા માનસિક પ્રભાવને કારણે બ્રહ્મચર્યને દરેક પ્રકારના અનુશાસનનો આધાર માનવો પડશે. આપણી કુમારિકાઓ દ્વારા પળાતાં વિવિધ વ્રતોનું પણ એક શૈક્ષણિક મૂલ્ય છે. એ વ્રતપાલન આત્મસંયમ દ્વારા ઇચ્છાશક્તિનો વિકાસ કરવામાં સહાયક નીવડે છે અને એનું પરિષ્કરણ કરીને આપણી કુમારિકાઓના શિક્ષણની કોઈપણ યોજનામાં એ વ્રતપાલનને સ્થાન મળવું જોઈએ.
કુમાર અને યુવાનો પાસે પણ સમયે સમયે ઉપવાસ તથા મૌનનો અભ્યાસ કરાવવો જોઈએ. આ ઉપરાંત વ્યાવહારિક, શિક્ષણમાં બહુ ચર્ચિત એવા સક્રિય, સુશૃંખલિત તથા સુવ્યવસ્થિત જીવનનું ઉચ્ચસ્તર જાળવી રાખવા માટે જડતાની વિરુદ્ધ સંઘર્ષ પણ ઇચ્છાશક્તિના વિકાસમાં સારું એવું પ્રદાન કરે છે.
હવે ઇચ્છાને પ્રબળ બનાવવા ઉપરાંત તેને એક ઉચિત દિશા પણ આપવી પડશે અને એને માટે હૃદયને નિયંત્રણમાં લાવીને એને સારી ભાવનાઓથી અનુપ્રાણિત કરવું પડશે. વસ્તુત: પ્રેમ જ એ નહેરનું ખોદકામ કરે છે, અને એના દ્વારા ઇચ્છા પ્રવાહિત થાય છે. સુખ, ધન તથા યશ પ્રત્યેનો લગાવ જ સામાન્ય સાંસારિક વ્યક્તિના ઇચ્છાપથનું નિર્માણ કરે છે. ઈશ્વર, માનવતા, દેશ તેમજ સમાજ કે સમુદાય પ્રત્યેનો પ્રેમભાવ ઉન્નત આત્માઓની ઇચ્છાને પરિચાલિત કરે છે. એક વ્યક્તિના નાના અહં પ્રત્યે, પ્રેમના સ્થાને જેટલી માત્રામાં ઉચ્ચકોટિનો પ્રેમ ઉદય થાય છે એટલા પ્રમાણમાં તે વ્યક્તિ ઉન્નત ગણી શકાય. તેથી ચરિત્રનિર્માણ એક અપેક્ષા રાખે છે કે વિદ્યાર્થીઓને બીજા પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ રાખવા માટે પ્રશિક્ષણ-તાલીમ આપવામાં આવે; એમના પ્રેમને મૃદુતાપૂર્વક એમના પોતાના નાના અહંથી ઊંચે લઈ જવામાં આવે; તેને પરિવાર, આડોશપાડોશ, સમાજસમુદાય, દેશ અને સમગ્ર માનવજાતના ઉચ્ચ થી ઉચ્ચતર સ્તર સુધી ઉન્નત બનાવવામાં આવે. અને આ રીતે ઉન્નત બનેલો પ્રેમ તેમને અંધારિયા ઢાળમાંથી પસાર થઈને લઈ જનારી વેદીનાં સોપાન બને છે. આ નિશ્ચિતરૂપે વિદ્યાર્થીઓના હૃદયને શુદ્ધ અને પવિત્ર બનાવશે અને એમનાં કાર્યમાં એમને સાચા સ્વરૂપે કલ્યાણકારી તથા વીર બનવા માટે મદદરૂપ નીવડશે. ભગિની નિવેદિતા આ શબ્દોમાં આ પ્રેમના શૈક્ષણિક મહત્ત્વનો કિંચિત આભાસ આપે છે: ‘એક અશિક્ષિત માતા પણ પોતાના બાળકને પ્રેમ અને તદનુસાર કાર્ય કરવાનું શિક્ષણ આપીને એક ઉત્તમ શિક્ષક બની શકે છે. આને લીધે જ આજના આપણાં અનેક મહા માનવો પોતાની સારી એવી ગુણસમૃદ્ધિ માટે પોતાની માતાને એનું શ્રેય આપે છે.’
પ્રેમ શ્રદ્ધાથી ઉત્પન્ન થઈને સેવા દ્વારા વિકાસ પામે છે. નાનાં બાળકોને જેટલું બને તેટલું વહેલું અને ત્વરાથી પોતાનાં માતપિતા તથા મોટેરાંનું સન્માન કરવાનું અને પ્રતિદિન નિયમપૂર્વક પોતાના પરિવાર તથા શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ તેમજ પાડોશીઓની સેવાનાં નાનાં નાનાં કાર્યો કરવાનું શિખવવું જોઈએ. શાળાના શિક્ષકોએ આવાં કાર્યો પર ધ્યાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને ‘સેવાકાર્ય’ માટે પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવા જોઈએ.
વિદ્યાર્થીઓને પોતાના પરિવેશની બાબતમાં પણ સચેત બનાવવા જોઈએ તથા એમની કેળવણી કેવળ એમના ભલા માટે જ નથી પરંતુ એ સમાજ, પ્રજા, દેશ અને ધર્મના કલ્યાણ માટે પણ છે એ બાબતનો અનુભવ કરવા માટે પણ મદદ કરવી જોઈએ. એમને એ અનુભવ કરાવવો પડશે કે પોતાના પરિવેશ-વર્તુળને પણ કલ્યાણલાભ પહોંચાડવો એ જ એમની ઉન્નતિનો હેતુ છે. ‘કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાનામાં જ નથી રહેતી એની જાણકારી એક સ્વસ્થ કેળવણી આપશે જ તેમજ તેમની ભીતર ‘સેવાની ઇચ્છા, વધુ સારી પરિસ્થિતિના નિર્માણ માટે વ્યાકુળતા, પોતાની સાથે રહેલા લોકોની પ્રગતિ તથા સર્વોદય’નો ભાવ જાગ્રત કરશે જ. કોઈ પણ કેળવણી જ્યાં સુધી દેશપ્રેમ કે દેશદાઝની પ્રેરણા ન આપી શકે ત્યાં સુધી રાષ્ટ્રિય કેળવણી કહેવાય નહિ. ભગિની નિવેદિતા આમ લખે છે: ‘દેશ તથા દેશવાસીઓ, સામાન્યજન તથા ભૂમિ પ્રત્યે પ્રેમ જ એક એવું મહાન યંત્ર બને કે જેમાં આપણું ઉષ્મા અને તેજસ્વીતાભર્યું જીવન વહેતું રહે.’
આવું કરવા માટે સર્વ પ્રથમ તો વિદ્યાર્થીઓમાં, પોતાના દેશ તથા પ્રજાજનોમાં શ્રદ્ધા જગાડવી પડશે. આપણા પૂર્વજોની ગૌરવમહિમામય ઉપલબ્ધિઓથી પરિચિત કરાવનારું ઇતિહાસનું સુયોગ્ય શિક્ષણ નિશ્ચિત રૂપે એમનામાં શ્રદ્ધા તથા પ્રશંસાનો ભાવ ઊભો કરશે. ધર્મ તથા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં આપણી માતૃભૂમિના બહુમૂલ્ય યોગદાનથી અને તેની સાથે આપણા સાંસ્કૃતિક આદર્શોનો ભારતીય સીમાની બહાર પ્રચાર-પ્રસાર કરવાની આવશ્યકતાથી પણ એમને પરિચિત કરવા પડશે. વિદ્યાર્થીઓએ એ પણ જાણવું જોઈએ કે કેવી રીતે આ મૂલ્યવાન યોગદાનને આધુનિક વિચારકો દ્વારા પણ મહત્ત્વ અપાય છે; તેમજ વેદાંતદર્શન તથા બૌદ્ધધર્મ પશ્ચિમની વિદ્યાપરિષદોમાં અધ્યયન અને શોધનો એક મહત્ત્વપૂર્ણ વિષય બની ગયો છે. વળી આપણા વિદ્યાર્થીઓએ સંગ્રહાલયો, કલાદીર્ઘાઓ, ચિત્રો તથા સ્લાઈડના માધ્યમથી ભારતીય ચિત્રકલા, મૂર્તિકલા તથા વાસ્તુકલાના સૌંદર્યનો બોધ પણ કરાવવો પડશે. સાથે ને સાથે એ વિષયમાં આધુનિક વિશેષજ્ઞોની પ્રશંસાત્મક ટિપ્પણીઓની જાણકારી પણ એમને આપવી પડશે. એવું કોણ હશે કે જેમનું હૃદય શ્રી હૈવેલ તથા પર્સી બ્રાઉન જેવા સુપ્રસિદ્ધ કલાસમીક્ષકો દ્વારા ભારતીય ચિત્રકલા, મૂર્તિકલા તથા વાસ્તુકલાના સૌંદર્ય વિશેના શ્રદ્ધાપૂર્ણ ઉદ્ગારોને વાંચીને કે સાંભળીને પોતાના પૂર્વજોની કલાત્મક પ્રતિભા પ્રત્યે પ્રશંસાથી પરિપૂર્ણ ન બની જાય!
વળી વિદ્યાર્થીઓને આપણાં પ્રાચીન સાહિત્ય અને એમાંય વિશેષ કરીને બે ભવ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારતના વૈભવનો પણ અનુભવ કરાવવો પડશે. આ સંદર્ભમાં એમને એ પણ બતાવવું પડશે કે કેવી રીતે આ પ્રાચીન કૃતિઓના સાહિત્યિક ગુણ આધુનિક સમીક્ષકો દ્વારા પ્રશંસા પામ્યા છે. એ ઉપરાંત સર વ્રજેન્દ્રનાથ શીલ તથા સર પ્રફુલ્લચંદ્ર રોય દ્વારા વર્ણિત પ્રત્યક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણા પૂર્વજોના પ્રદાનની પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવી પડશે. તેમને રાજનૈતિક, આર્થિક તથા સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ મહાભારત અને શાંતિપર્વ તથા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નિરૂપિત પ્રાચીન ભારતની ઉપલબ્ધિઓના વિષયમાં પણ જાણકારી આપીને એમને માટે ગર્વનો અનુભવ કરાવવો પડશે. આ વિષયે આપણા દેશના આધુનિક વિદ્વાનો સમક્ષ શોધ માટે એક વિરાટ તથા ફલપ્રસૂ ક્ષેત્ર ખૂલું કરી દીધું છે.
આ બધું નિશ્ચિત રૂપે આપણા દેશ પ્રત્યે શ્રદ્ધા તથા આપણી પ્રજાપ્રત્યે પ્રેમ જગાડશે. વિદ્યાર્થીઓને જનસેવાની તાલીમ આપીને આ રીતે ઉત્પન્ન થયેલા પ્રેમને દરેક પ્રકારે વધુ અને વધુ ગહન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂર, દુષ્કાળ અને મહામારીના સમયે સેવાકાર્યો માટે સ્વયંસેવકોના રૂપે વિદ્યાર્થીઓની ભરતી કરવી એ આપણી શિક્ષણપ્રણાલીનું એક અભિન્ન અંગ બનાવવું પડશે.
Your Content Goes Here




