(ઓક્ટોબર, ૦૩ થી આગળ)

આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો સહાનુભૂતિ તથા બુદ્ધિની સ્વાધીનતા આવશ્યક છે. વિદ્યાર્થીઓમાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યેનો પ્રેમ જગાડતી વખતે એમને એ વાતનો નિશ્ચય કરાવવો પડશે કે તેમને માટે અન્ય સમાજસમુદાય તથા દેશ પ્રત્યે ઘૃણા કરવાનું કોઈ કારણ નથી. એમને એવો અનુભવ કરાવવામાં આવે કે ધર્મો, પ્રથાઓ, ઇતિહાસ તથા પરંપરાઓની વિવિધતાની પાછળ સર્વત્ર એક માનવીય હૃદય જ સ્પંદિત થઈ રહ્યું છે. એ રીતે એમને સમગ્ર માનવતા માટે સહાનુભૂતિ-સહિષ્ણુતાનું શિક્ષણ આપવામાં આવે; પરંતુ આ સંદર્ભમાં આપણે હંમેશાં એ યાદ રાખવું પડશે કે જે વ્યક્તિ પોતાના સમાજ કે સમુદાયને ચાહી શકતી નથી, તેનામાં રાષ્ટ્રપ્રેમ પણ આવી શકતો નથી અને રાષ્ટ્રપ્રેમ વિના તે સંભવત: માનવતા સાથે પણ કોઈ પણ પ્રકારનો ભાવ કે લગાવ અનુભવી શકે નહિ.

હૃદયની શુદ્ધિ માટે પ્રેમનાં આ બધાં રૂપોની તુલનામાં ભગવત્પ્રેમ સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે. પ્રેમના બાકીનાં બધાં રૂપ આ ભગવત્પ્રેમમાં સમાયેલાં છે. ઈશ્વર સાથે પ્રેમ કરનારા નિશ્ચિત રૂપે બધા માટે સંવેદના અનુભવે છે. ઈશ્વર તથા ધર્મ પ્રત્યે પ્રેમને વિકસિત કરવાના સુવ્યવસ્થિત પ્રયાસ થવા જોઈએ. આ બાબતને વિશિષ્ટ હિંદુહૃદયનું જાણે કે કેન્દ્રીય રત્ન બનાવી દેવું પડશે. આપણા પવિત્ર ગ્રંથોની વ્યાખ્યા, ઋષિઓ તથા સંતોનાં ચરિત્ર અને એમની ઉક્તિઓ, પુરાણો તથા ઇતિહાસમાંના આદર્શ, આઘ્યાત્મિક જીવન કથાઓનું પ્રસ્તુતીકરણ, તીર્થો તથા મહાત્માઓ પાસે જવું, શિક્ષકોનું પોતાનું ઉન્નત ચારિત્ર્ય અને વિદ્યાર્થીઓની શાળા તેમજ છાત્રાલય કે આવાસનું આઘ્યાત્મિક વાતાવરણ આ બધાં પ્રેમના ઉદય માટે ખૂબ આવશ્યક છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની આયુ અને ક્ષમતાને અનુરૂપ નિયમિત પ્રાર્થના, સ્તોત્રપાઠ તથા પૂજાના વિશિષ્ટ પાઠ્યક્રમોના આધારે થતી આઘ્યાત્મિક સાધના દ્વારા અનુશાસિત કરવા પડશે.

પ્રેમનાં આ વિભિન્ન રૂપ હૃદયને અનુશાસિત કરીને ઇચ્છાશક્તિને એક ઉચિત દિશા પ્રદાન કરશે. આ વિશે એ પણ બતાવી દેવું યોગ્ય ગણાશે કે સૌંદર્યબોધનો વિકાસ પણ હૃદયના અનુશાસનમાં એક પ્રબળ પ્રેરક શક્તિ છે. સૌંદર્ય પ્રત્યે મનુષ્યમાં અંતર્નિહિત એક ભાવ કે લગાવ હોય છે; વિદ્યાર્થીઓને પ્રાકૃતિક સૌંદર્યનો બોધ કરાવીને, તેના પ્રશંસક બનીને તેને અભિવ્યક્ત કરાવવું પડશે. ભ્રમણ કે પ્રવાસના સમયે વિદ્યાર્થીઓને સૌંદર્યમય સ્થાનો પર લઈ જઈને પ્રકૃતિના અપાર સૌંદર્યનું નિરીક્ષણ તથા તેનું રસાસ્વાદન કરવા તેમને કેળવવા પડશે. પછી એમને કાવ્યો, સંગીત, ચિત્રકલા, મૂર્તિકલા દ્વારા અભિવ્યક્ત થતા કલાત્મક સૌંદર્યનો આનંદ લેવામાં સહાય કરવી પડશે. આ રીતે વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક રચનાઓ દ્વારા પોતાના સ્વકીય પરિષ્કૃત વિચારો તથા ભાવોને અભિવ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે અને સહાય પણ આપવી પડશે. રેખાંકન, ચિત્રકલા, મૂર્તિકલા, સંગીત વગેરે વિશે નિયમિત પાઠ ભાવનાઓના પરિષ્કરણમાં સારા પ્રમાણમાં સહાયક બને છે. વિદ્યાર્થીઓની દેખરેખ હેઠળ શાળામાં આવેલા પુષ્પોદ્યાન એમની ભીતર સૌંદર્યભાવના જગાડવા માટે ખૂબ ઉપયોગી સિદ્ધ થશે. એ વાત ઉલ્લેખનીય છે કે શાળા-મહાશાળાનો સમગ્ર પરિવેશ તથા છાત્રાલય કે છાત્રોના આવાસ સૌંદર્યની દૃષ્ટિએ સજીવ હોવા જોઈએ.

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.