સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવસંમેલનમાં રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી મહારાજે આપેલ મૂળ હિન્દી પ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ચરિત્ર નિર્માણ કરવા માટે સત્ય પ્રાપ્તિ કરવાની છે, પ્રેમ સંપાદિત કરવાનો છે, જીવનમાં શ્રદ્ધા કેળવવાની છે, નિર્ભય બનવાનું છે, બળવાન બનવાનું છે. આ બધાનો આધાર છે પવિત્રતા. જો આ બધી બાબતો જીવનમાં નહીં હોય તો ? વળી આ બધું પ્રેમ સહિત કરવાનું છે…

…સૂકી નદી કેવી દેખાય છે ? વહેતી નદી કેવી દેખાય છે ? પ્રેમનો અભાવ સૂકી નદી સમાન છે. જ્યાં સુધી હૃદયમાં પ્રેમ ન ઉદ્ભવે ત્યાં સુધી બધું જ વ્યર્થ. વળી આ પ્રેમ કોની સાથે ? જો પ્રેમ કરવો હોય તો તેવાને પ્રેમ કરો કે કંઈક પ્રાપ્તિ થાય. એવા કોઈ સાથે પ્રેમ ન કરો કે જેથી તેને મેળવીને ગાળો સાંભળવી પડે.

આજે તો પ્રેમ, પ્રેમ, પ્રેમ જોવા મળે છે અને વળી પાછું કાલે મનમેળ નહીં… જો પ્રેમ કરવો હોય તો વિવેકાનંદજી સાથે પ્રેમ કરો, કેમ કે તેમણે પણ આપણને પ્રેમ જ કર્યો છે… મિસ મેક્લાઉડે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે હું તમારે માટે શું કરી શકું છું ? સ્વામીજીએ કહ્યું, ‘લવ ઇન્ડીયા, લવ ઇન્ડીયન. ભારતને પ્રેમ કર, ભારતીયોને પ્રેમ કર.’ આખા ભારતમાં જે કોઈ છે તેને પ્રેમ કરો. કઈ વાત સ્વામીજીને વિશેષરૂપે સ્પર્શતી હતી ? તે છે પ્રાચીન ભારતનો વારસો. આપણો ભારતનો વારસો એવો છે ને !

બધાએ સપ્તઋષિનું નામ સાંભળ્યું છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘નરેન્દ્ર આવા સપ્તઋષિમાંના એક છે.’ ભગવાન જાણે કે આ ઋષિ કેટલાં વર્ષો પૂર્વેના છે ! આપણે જાણી ન શકીએ તેટલા પ્રાચીન તેઓ છે. આવા પ્રાચીન ઋષિઓએ અહીં એક આદર્શ સંસ્કૃતિ બનાવી છે અને તે આપણા જેવા ઉત્તમ જીવોને ભાગ્યમાં પ્રાપ્ત થઈ છે. જો પૃથ્વીની વસ્તી ૭૦૦ કરોડ જેટલી હોય તો ભારતની વસ્તી ૧૦૦ કે ૧૧૦ કરોડ હોય. આપણે તે પૈકી કેટલાક છીએ અને ૧૧૦ કરોડમાંના આપણે કેટલાક ઉત્તમ લોકો છીએ કે જેઓ આવા મહાપુરુષો પાસે આવ્યા છીએ, તેમને જોઈ રહ્યા છીએ અને તેમનાં જીવનદર્શન જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.

સ્વામીજીની એક શિષ્યા હતી સિસ્ટર ક્રિસ્ટીન. તે કહેતી હતી, ‘આવા મહાપુરુષ જ્યારે પૃથ્વી પર અવતરે છે ત્યારનો સમય ધન્ય છે. તેઓ જે દેશમાં જન્મ લે છે તે દેશ ધન્ય છે. જે કેટલાક ઉત્તમ લોકો તેમનાં ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરે છે… અમે તે પૈકીના છીએ.’ જો આજના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે પણ તેવા ઉત્તમ લોકોની જેમ ધન્ય છીએ… પ્રેમ પુસ્તકો દ્વારા જીવનમાં લાવી શકાતો નથી. જ્યારે આપણે તેઓનાં જીવન-કવન જાણીએ છીએ ત્યારે આપણી અંદર એવા ગુણો ચરિતાર્થ થાય છે અને એવું લાગે છે કે અરે ! આવા ગુણો તો પ્રાપ્ત કરવા જેવા છે…

સ્વામી વિવેકાનંદ જ્યારે નરેન હતા ત્યારની એક ઘટના છે. નરેનના મિત્રો તેના સહવાસ વિના રહી શકતા ન હતા. નરેન હંમેશાં મિત્રોથી ઘેરાયેલા રહેતા. તેમના બે મિત્રો હતા; એક શરદ ચક્રવર્તી અને તેમના પિતરાઈ ભાઈ શશી ચક્રવર્તી – પરવર્તી જીવનમાં સ્વામી શારદાનંદ અને સ્વામી રામકૃષ્ણાનંદ. તેઓ પહેલેથી જ મિત્રો હતા. તેઓ જ્યારે મળે ત્યારે રાતભર વાતો કરતા. એકવાર આવી રીતે વાતો કરતાં રાત થઈ ગઈ. સંધ્યા સમયે વાતો શરૂ થઈ એક તળાવના કિનારે. રાતના ૧૧, ૧૨ વાગી ગયા. વાતો થતી હતી શ્રીરામકૃષ્ણદેવ વિશે… વાતો વાતોમાં રાતના ૧૨ વાગ્યા ત્યારે ભાન થયું કે અરે ! ઘણો સમય વીત્યો, ચાલો ઘરે જઈએ. નરેનનું ઘર પાસે જ હતું. તેથી બન્ને ભાઈઓ નરેનના ઘેર આવ્યા. તે વખતે નરેનના ઘરની સ્થિતિ એવી હતી કે તેમના પિતા દેવલોક પામ્યા હતા, તેમને નોકરી ન હતી, ઘરમાં અન્નના સાંસા પડતા હતા. બધાંને પેટ ભરીને ખાવાનુંય મળતું ન હતું. આ ઘટના શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પૂર્વેના છ, આઠ મહિના પહેલાંની છે. જ્યારે તેઓ નરેનના ઘેર આવ્યા ત્યારે નરેને તેઓને કહ્યું, ‘શશી, શરદ ! આજે એવું કરો, અહીં રોકાઈ જાઓ. કાલે સવારે જતા રહેજો.’ તેઓએ ખાધું ન હતું. નરેન તેઓને પોતાના ઓરડામાં લઈ ગયા અને થાળી ભરીને ખાવાનું લાવ્યા અને કહ્યું, ‘તમે ખાઈ લો.’ શશીએ પૂછ્યું, ‘તમે ?’ નરેને કહ્યું, ‘હું અંદર ખાઈશ.’ નરેને પથારી પાથરી, મચ્છરદાની લગાવી દીધી. નરેને કહ્યું, ‘તમે સૂઈ જાઓ, હું મારી વ્યવસ્થા કરી લઉં છું. તમે થાકી ગયા છો.’ શશીએ જમી લીધું અને સૂઈ ગયા. સવારમાં ઊંઘ ઉડતાં શશીએ જોયું કે નરેન સાદડી પર સૂતેલા છે. પછીથી જાણવા મળ્યું કે નરેને કંઈ જ ખાધું ન હતું. નરેનનાં માતાએ નરેન માટે જે થાળી પીરસી હતી તે નરેને શશીને ખવડાવી દીધી અને પોતે માત્ર જળ પીને સૂઈ ગયા.

જુઓ આ ત્યાગ અને પ્યાર ! આવા ગુણો નરેનમાં પહેલેથી જ હતા… સ્વામીજીએ કહ્યું હતું કે તેમણે આવા કેટલાય દિવસો ભૂખ્યા પેટે વિતાવ્યા હતા. શું આ સત્ય છે ?… નરેન ઘરે કહી દેતા કે મારે આજે આમંત્રણ છે. હું અહીંયાં ખાઈશ નહીં. એટલે કે આખરે મારાં ભાઈ-બહેન, મારી માતા ભરપેટ ખાઈ શકે અને આમ તેઓ ભૂખ્યા રહેતા. નરેને આવા દિવસો જોયા હતા.

Total Views: 410

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.