(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો)
(ગતાંકથી ચાલુ)
જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ અને આનંદનો પ્રવાહ એ તરફ પણ વહેવી જોઈએ. જો સ્ત્રીઓ કીર્તન સાંભળશે કે જોશે નહીં, તો તેઓ કેવી રીતે શીખશે? ભક્તિ અને કીર્તન દ્વારા ઉદ્ભવતા આનંદનું દર્શન પણ તેમણે લક્ષ્મીદીદીને અવારનવાર કરાવ્યું હતું કે જેથી લક્ષ્મીદીદીના અંતરમાં પણ પાછળથી એવું સંકીર્તન પ્રગટ્યું કે જેના પ્રવાહમાં અસંખ્ય મનુષ્યો પાવન થયા. શ્રીરામકૃષ્ણના ઓરડામાં તો આનંદનો ઉત્સવ નિત્ય ચાલતો રહેતો, જ્ઞાનગોષ્ટિ થતી. ભક્તોની આવન-જાવન પણ સતત ચાલતી રહેતી. પણ લક્ષ્મી અને શ્રીમા તો નોબતખાનાની તેમની ઓરડીમાંથી બહાર નીકળીને તેમાં ભાગ લઈ શકતાં નહીં. એટલે પછી તેમણે યુક્તિ કરી. શ્રીરામકૃષ્ણના ઓરડા અને નોબતખાનાની વચ્ચે ચટાઈનો એક મોટો પરદો હતો. તેઓએ તેમાં એક કાણું પાડ્યું અને એ કાણામાંથી તેઓ શ્રીરામકૃષ્ણનાં દર્શન કરી લેતાં અને ઘણી વા૨ તો કલાકો સુધી ઊભા રહીને તેઓ શ્રીરામકૃષ્ણની દિવ્યલીલાને નિહાળ્યા કરતાં. શ્રીરામકૃષ્ણ તેમની આ યુક્તિથી અજાણ તો નહોતા જ. તેમાં તેમની મૂક સંમતિ પણ હતી જ. એક દિવસ આ વિશે વિનોદ કરતાં તેમણે પોતાના ભત્રીજાને કહ્યું; “રામલાલ, તારી કાકીના પરદાનું કાણું તો મોટું ને મોટું થતું જાય છે.” પણ એ કાણું તો હતું નોબતના પિંજરામાં પૂરાયેલાં આ બે પક્ષીઓની મુક્તિનું સૂક્ષ્મ દ્વા૨. એ દ્વારમાંથી જ દિવ્ય આનંદનો અખૂટ સ્રોત બંનેને મળતો રહેતો અને તેથી જ તો પૂર્ણ આનંદનો કુંભ એમના જીવનમાં છલકાયા કરતો હતો.
શ્રીમા અને લક્ષ્મીદીદીની આ કેદ જેવી સ્થિતિથી શ્રીરામકૃષ્ણ અજાણ નહોતા. તેઓ જાણતા હતા કે એ બંનેની સ્થિતિ પાંજરામાં પૂરાયેલા વનના પંખી જેવી છે. આ બાબતનો ઉલ્લેખ પણ તેમણે અનેક વાર કર્યો હતો. જ્યારે બહારથી આવેલા કોઈ ભક્ત એમને માટે મીઠાઈ કે ફળફૂલ લાવતા ત્યારે તેઓ હૃદયને કહેતા : “પેલા પિંજરામાં મેના પોપટ છે, તેને તું આ આપી આવ.” ઠાકુરના મુખે આ વાત સાંભળીને ભક્તોને તો એમ જ થતું કે ખરેખર ત્યાં પિંજરામાં મેના-પોપટ પૂરાયેલાં હશે. તેઓ બિચારાં ક્યાંથી જાણી શકે કે આ પ૨દાની પાછળ રહેલી નાની ઓરડીમાં જગન્માતાના અવતાર સમાં શ્રીમા અને શીતલાના અંશાવતાર સમાં લક્ષ્મીદીદી એ જ પિંજરમાં પૂરાયેલાં મેના – પોપટ છે!
પણ આ મેના-પોપટ એમના નોબતખાનાના આ પિંજરામાં સદાય કિલ્લોલ કરતાં હતાં. જ્યાં પરમ આનંદ સ્વરૂપ પરબ્રહ્મ પોતે જ માનવદેહ ધરી વિચરી રહ્યું હોય ત્યાં દુઃખ અને શોક સંભવે જ ક્યાંથી? શ્રીમા અને લક્ષ્મીદીદીના દિવસો આનંદથી સભર બની પસાર થયે જતા હતા. એક દિવસ બંને ધીમે સાદે ભજન ગાઈ રહ્યાં હતાં. શ્રીરામકૃષ્ણ ત્યાંથી પસાર થયા. ધીમે સાદે ગવાતું હતું તો ય તેઓ સાંભળી ગયા. થોડી વાર ઊભા રહીને તેમણે આ સુંદર ભજન સાંભળ્યું. તેઓ પ્રસન્ન થઈ ગયા. પણ રાત થઈ ગઈ હતી એટલે તેઓ સીધા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. પણ બીજે દિવસે સવારે તેમણે કહ્યું : “કાલે, તમે ભજન ગાતાં હતાં, તે ખૂબ સારું હતું. આ રીતે તમે રોજ ગાજો. ભજન ગાવાથી અંતરનો ભાવ શુદ્ધ થાય છે ને પ્રભુભક્તિ વધે છે.” આમ કહીને તેમણે આ કાર્ય માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું. આમ જ્યારે જ્યારે તેમને તક મળતી ત્યારે તેઓ લક્ષ્મીના આંતરિક ભગવદ્ભાવને વધુ ને વધુ પોષણ મળે તેવું કરતા હતા.
ફક્ત ભજન – કીર્તન જ નહીં. પણ શાસ્ત્રો અને પુરાણો વાંચતાં પણ આવડવું જોઈએ, એથી પણ મન શુદ્ધ અને દૃઢ બને છે, એમ શ્રીરામકૃષ્ણ માનતા. આથી તેમણે લક્ષ્મીને વાંચતાં આવડે તે માટે બાળબોધ શીખવાની વ્યવસ્થા પણ કરાવી આપી. એ માટે એમણે એક શિક્ષકની વ્યવસ્થા કરી આપી. એ શિક્ષક હતો, અગિયાર વર્ષનો બાળક શરત્ ભંડારી. આ બાળ શિક્ષકે લક્ષ્મીદીદીને વર્ણમાલાના બીજા ભાગ સુધી ભણાવ્યું અને તેઓ વાંચતાં શીખી ગયાં. તેમની સાથે મા શારદાદેવીને પણ વાંચતાં આવડી ગયું. પછી તેઓ પણ રામાયણ, ભાગવત વાંચી શકતાં હતાં.
એક દિવસ ઠાકુરે લક્ષ્મીને પૂછ્યું : “તને ક્યા દેવતા પસંદ છે?” “રાધાકૃષ્ણ”. તેમણે કહ્યું. પછી શ્રીરામકૃષ્ણે તેમની જીભ પર રાધાકૃષ્ણનો મંત્ર લખી આપ્યો અને એ જ મંત્ર એમને કહી સંભળાવ્યો. મંત્ર જાપ માટે તુલસીની માળા પણ તેમણે જ પસંદ કરી આપી. આમ સ્વયં શ્રીરામકૃષ્ણે લક્ષ્મીદીદીને મંત્રદીક્ષા આપી તેમના ઈષ્ટદેવતાના અનુસંધાનનો માર્ગ પસંદ કરી આપ્યો. પરંતુ રાધાકૃષ્ણનો મંત્ર લીધા પછી લક્ષ્મીદીદીના મનમાં અવઢવ થવા લાગી. કેમ કે અગાઉ સ્વામી પૂર્ણાનંદે તેમને શક્તિમંત્ર આપ્યો હતો અને તેઓ તેના નિત્ય જપ કરતાં અને હવે આ ‘રાધાકૃષ્ણના નવા મંત્રનો જપ કરતાં કંઈ દોષ તો નહીં થાય ને!’ આવો સંદેહ તેમનાં મનમાં સતત રહેતો હતો. તેમણે શ્રીમા પાસે આ સંદેહ વ્યક્ત કર્યો. શ્રીમાએ શ્રીરામકૃષ્ણને જણાવતાં તેમણે કહ્યું : “એમાં કંઈ દોષ ન થાય. મેં એને એના ઈષ્ટદેવતાનો સાચો જ મંત્ર આપ્યો છે. એનાથી એનું કામ થઈ જશે.” ઠાકુરના મુખે આ વાત સાંભળીને લક્ષ્મીદીદી નિશ્ચિંત બનીને ઠાકુરે પસંદ કરી આપેલી તુલસીની માળા દ્વારા અહર્નિશ મંત્ર જાપ કરવા લાગ્યાં.
લક્ષ્મીદીદીને શ્રીરામકૃષ્ણની દિવ્યલીલામાં સમ્મિલિત થવાનું મહાન ભાગ્ય સાંપડ્યું હતું. તેઓ શ્રીરામકૃષ્ણની અલૌકિક ભાવ સમાધિના અનેક વાર સાક્ષી બન્યાં હતાં. આવી એક ભાવ સમાધિનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે “એક દિવસ હું ને મા ભોજન લઈને શ્રીરામકૃષ્ણના ઓરડામાં ગયાં. તે વખતે રાખાલ અને અન્ય ભક્તો પણ ત્યાં હતા. પણ અમારા આવતાં જ તેઓ બહાર ચાલ્યા ગયા. ઠાકુર એમની પથારીમાં સૂતા હતા. તે વખતે તેમને બાહ્ય ભાન બિલકુલ નહોતું. અમે કેટલીયે વાર રાહ જોઈ પણ તેઓ પથારીમાંથી જાગ્યા નહીં. તેમનું જડવત્ બની ગયેલું શરીર જોઈને મા તો રડવા લાગ્યાં. પણ પછી તેમને એકાએક યાદ આવ્યું. ઠાકુરે એમને એક વાર કહ્યું હતું કે જો તેઓ ક્યારેય શરીરમાં ન જણાય તો તેમના ચરણોનો સ્પર્શ કરવો એટલે તેઓ શરીરમાં પાછા આવી જશે. મા તેમના ચરણોને ઘસવા લાગ્યાં તો પણ તેમની ચેતના પાછી ફરતી નહોતી. આથી મા ફરી રડવા લાગ્યાં. એમનો અવાજ સાંભળીને રાખાલ અને અન્ય ભક્તો પણ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા. તેઓ પણ વારાફરતી તેમના ચરણ તળાંસવા લાગ્યા. એ પછી ઘણી વારે ઠાકુરની બાહ્ય ચેતના પાછી ફરી. ધીમે ધીમે તેમણે આંખો ખોલી અને જોયું તો બધાં તેમની સામે ઊભાં હતાં. આથી એમને ખૂબ જ આશ્ચર્ય થયું ને તેમણે પૂછ્યું : “કેમ રે! બધાં અહીં કેમ ઊભાં છો? શી બાબત છે?” પછી બધી વાત જાણીને હસતાં હસતાં બોલ્યા : “અરે, એમાં ચિંતાની કોઈ બાબત નથી. હું તો શ્વેત લોકોના દેશમાં ગયો હતો. જેમની ત્વચા પણ શ્વેત હતી અને હૃદયો પણ શ્વેત હતાં. તેઓ બધાં સાચાં ને નિષ્ઠાવાળાં હતાં. એ તો ઘણો જ સુંદર દેશ હતો. મને લાગે છે કે હું ત્યાં જઈશ.” મા, લક્ષ્મીદીદી અને ત્યાં હાજર રહેલા સહુ ઠાકુરના મુખે આ વાત સાંભળીને વિસ્મય પામ્યા. પણ એ તો ભાવિમાં બનનાર ઘટનાઓનું પૂર્વદર્શન છે, એ તેઓ ત્યારે જાણી શક્યાં નહીં. પણ પછી જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને ત્યાં તેમણે શ્રીરામકૃષ્ણ ભાવધારાના પૂરો વહેવડાવ્યાં ત્યારે મા અને લક્ષ્મીદીદીને થયું કે “અગાઉ ભાવસમાધિમાં સૂક્ષ્મ રૂપે ઠાકુર શ્વેત લોકોના દેશમાં ગયા હતા અને હવે તેઓ ભૌતિક રૂપે નરેન દ્વારા ત્યાં ગયા છે.”
શ્રીરામકૃષ્ણની આવી અનેક ભાવસમાધિ વખતે લક્ષ્મીદીદી હાજર હતાં. એક વખત ઘણો સમય વીતી ગયો તો પણ શ્રીરામકૃષ્ણ ગંગાકિનારેથી પાછા ફર્યા નહીં. આથી શ્રીમાને ચિંતા થવા લાગી – રખેને ગંગાકિનારે બેઠા હોય અને ભાવસમાધિ આવી જાય તો ગંગામાં પડી પણ જાય. ત્યારે એમને કશું બાહ્ય ભાન તો રહેતું નહીં. તેમણે ગંગાકિનારે તપાસ કરાવી તો ત્યાં તેઓ હતા જ નહીં. પછી પંચવટીમાં તપાસ કરાવી તો ત્યાંય ન મળ્યા. એટલે શ્રીમા ખૂબ જ ચિંતાતૂર બની ગયાં. એકાએક તેઓ ક્યાં ચાલ્યા ગયા હશે? પછી કાલીવાડીમાં પણ ખૂબ શોધ કરી તો ભીંતની પાસે આવેલા બિલ્વવૃક્ષની નીચે તેઓ ધ્યાનમગ્ન બેઠા હતા. પછી જ્યારે તેમને બાહ્ય ભાન જાગૃત થયું ત્યારે તેમણે કહ્યું કે ‘ગંગાતીરે લોકોની અવર જવર થતી હતી, એટલે પછી અહીં આવીને બેસી ગયો!’ પછી તેમને તેમના ઓરડામાં લાવ્યા. આવી અનેક ભાવસમાધિનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય લક્ષ્મીદીદીને સાંપડ્યું હતું. પાછળથી તેમને પણ ભાવસમાધિની અનુભૂતિ થતી હતી.
લક્ષ્મીદીદીને બાળપણમાં કામારપુકુ૨માં અને દક્ષિણેશ્વરમાં પણ પોતાના દાદીમા ચંદ્રમણિ સાથે રહેવાનો લહાવો પણ મળ્યો હતો. શ્રીરામકૃષ્ણની સાધના તો સર્વથી નિરાળી હતી. તેમણે પ્રખર સાધના અને તપશ્ચર્યા દ્વારા એક બાજુથી સર્વધર્મોનો સાક્ષાત્કાર કર્યો હતો તો બીજી બાજુથી જગત્- જનની આદ્યાશક્તિ મા સાથે તદ્રૂપતા સાધી હતી, ત્રીજી બાજુથી તેમણે નિર્વિકલ્પ સમાધિ દ્વારા પરમાત્માના સચ્ચિદાનંદ રૂપ સાથે એકાત્મતા અનુભવી હતી. તીવ્ર વૈરાગ્યના તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા. સંસાર પ્રત્યે નિર્લેપતા, દુન્યવી બાબતો પ્રત્યેની અનાસક્તિ, પૈસાનો તો સ્પર્શ પણ કરી શકે નહીં એવી આંતરિક સ્થિતિ અને છતાં સંસારની વચ્ચે રહીને સિદ્ધ કરેલી સઘળી સાધનાઓવાળું એમનું જીવન ખરેખર અજોડ છે. એમણે સાધના કરવા માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે પરિવારજનોનો ત્યાગ કર્યો નહોતો. માતા ચંદ્રામણિને પણ તેમણે દક્ષિણેશ્વરમાં પોતાની પાસે બોલાવી લીધાં હતાં. પત્ની શારદામણિને પણ પોતાની પાસે રાખ્યાં અને તેમને જગદંબારૂપ માની તેમની ત્રિપુરાસુંદરી તરીકે ષોડશી પૂજા કરી હતી. પોતાની બાળવિધવા ભત્રીજી લક્ષ્મીના જીવનને તો તેમણે એટલું ઊંચે ઉઠાવી દીધું કે તેઓ અનેક લોકોના પથ પ્રદર્શક બન્યાં. પોતાના સંસર્ગમાં આવેલા અને એમનામાં શ્રદ્ધા રાખનાર સર્વને એમણે પ્રેમપૂર્વક દિવ્ય પ્રકાશના પથ પર મૂકી આપ્યા. અવતાર પુરુષનો સંસાર પણ કેવો પ્રેમથી છલકાતો સુમધુર હોય અને તેના પ્રત્યેક કાર્ય આત્માના આનંદથી કેવાં રસાયેલાં હોય અને છતાં એ જીવનમુક્ત પુરુષ ક્યાંય બંધાયેલા ન હોય, એનું પ્રત્યક્ષ દર્શન શ્રીરામકૃષ્ણના જીવન દ્વારા થાય છે. તેમણે પોતાના જીવન દ્વારા સાબિત કરી આપ્યું છે કે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે, સાધના કરવા માટે, સંસાર છોડીને જંગલમાં જવાની જરૂર નથી. ઉત્કટ ભાવ હોય તો ભગવાનનો સાક્ષાત્કાર ગમે તે સ્થળે, ગમે તે સંજોગોમાં થઈ શકે છે. લક્ષ્મીદીદીને પણ તેમણે આ જ શિક્ષણ આપ્યું હતું.
પોતાનાં દાદીમાનાં સંસ્મરણોની વાત કરતાં તેમણે કહ્યું હતું, “દાદીમા દક્ષિણેશ્વરમાં રહેતા હતાં ત્યારે શ્રીરામકૃષ્ણ દરરોજ સવારે તેમને પ્રણામ કરવા આવતા. દાદીમા ખૂબ ઊંચા ને સુંદર હતાં. પણ રૂઢિચૂસ્ત હતાં. તે એટલે સુધી કે પોતાના પુત્રની આગળ પણ તેઓ જાહેરમાં ઘૂંઘટ કાઢી રાખતાં. સવારે ઠાકુર એમને પ્રણામ કરવા આવે ત્યારે તેઓ તેમને પૂછતાં કે “તારા પેટમાં કેમ છે?” કેમ કે નબળી પાચનશક્તિને લઈને ઠાકુરને ઘણી વાર પેટમાં ભારે દર્દ થતું. આથી દાદીમાએ એક દિવસ તેમને કહ્યું, “મંદિરનો પ્રસાદ વધારે ઘી વાળો અને ભારે હોય છે. એટલે હવે તું તે ખાતો નહીં. જ્યાં સુધી તારું પેટ બરાબર ન થાય ત્યાં સુધી વહુમાને કહેજે કે તે દાળભાત રાંધી આપે અને હવેથી તું એ જ ખાજે.” આમ માતાની આજ્ઞાથી જ શ્રીરામકૃષ્ણે મા શારદાદેવીને પોતાને માટે રસોઈ બનાવવાનું કહ્યું અને પછી તો મા શારદાદેવીએ પોતે શ્રીરામકૃષ્ણ માટે રસોઈ બનાવવાનું હંમેશને માટે પોતાના હસ્તક જ લઈ લીધું. પણ ક્યારેક શ્રીરામકૃષ્ણ માતા ચંદ્રામણિને પણ કામારપુકુરની એકાદ બે વાનગી બનાવવાનું કહેતા અને માતા તેમના માટે પ્રસંગોપાત બનાવતાં ત્યારે શ્રીરામકૃષ્ણ બાળકની પેઠે એ વાનગીઓ આનંદથી ખાવા લાગતા.
પોતાના બે પુત્રોના અકાળ અવસાનનો તીવ્રતમ આઘાત દાદીમાને લાગ્યો હતો. તેઓ પછી સાવ નિષ્ક્રિય બની ગયાં ને અંતર્મુખ રહેવા લાગ્યાં. બધાંમાંથી તેમનો રસ ઓછો થઈ ગયો. બપોરે જ્યારે આલમબજારની શણની મીલનું ભૂંગળું વાગે એ પછી જ તેઓ જમવા બેસતાં. આ ભૂંગળું સાંભળીને તેઓ એમ કહેતાં કે જુઓ સ્વર્ગનો ઘંટ વાગ્યો, હવે લક્ષ્મી અને નારાયણને જમવાનો સમય થઈ ગયો. એ પછી તેઓ ભગવાનને ભોગ ધરાવીને જમતાં. પણ રવિવારે મુસીબત થતી. મીલ બંધ રહેતી એટલે ભૂંગળું વાગતું નહીં. એટલે સ્વર્ગનો ઘંટ ન સંભળાતાં તેઓ જમતાં નહીં. શ્રીરામકૃષ્ણને એની ખૂબ ચિંતા થતી કે અરે, આજે મા જમશે નહીં અને તેમને ખૂબ જ અશક્તિ આવી જશે. ને પછી તેમને કેમ કરી જમાડવાં તેની યુક્તિઓ તેઓ શોધી કાઢવા લાગતા. એમની આવી ચિંતા જોઈને હૃદય તેમને સમજાવતાં કહેતો : “મામા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? એ તો એમને ભૂખ લાગશે એટલે પોતાની મેળે જમી લેશે.” “ના, ના એ નહીં જમે, હું એમનો પુત્ર છું. એમને જાણું ને? મારે એમની સંભાળ રાખવી જોઈએ.” પછી તેઓ મા પાસે જતા અને યુક્તિ પ્રયુક્તિથી તેમને સમજાવીને, બાળકની જેમ પટાવીને પણ તેમને જમાડતા. આવું દર રવિવારે થતું. આથી એક રવિવારે હૃદય ભૂંગળું વાગવાના સમયે યુક્તિ કરી. તેણે એક મોટી પાઈપનું ભૂંગળું લીધું ને વ્હીસલ જેવો અવાજ કર્યો ને પછી કહ્યું : “નાની મા, જુઓ સ્વર્ગમાં ઘંટ વાગ્યો. હવે નારાયણ ભૂખ્યા થયા છે, તેમને પ્રસાદ ખવડાવો.” પણ નાનીમાને હૃદયની તરકીબની ખબર પડી ગઈ. એમણે કહ્યું : “એ તો તે ભૂંગળામાંથી અવાજ કર્યો છે, હું જાણું ને?” પછી બધાં હસી પડ્યાં. શ્રીરામકૃષ્ણે પછી ખૂબ સમજાવીને માતાને પ્રસાદ ખવડાવ્યો. આમ શ્રીરામકૃષ્ણનો પોતાની માતા સાથેનો કેવો પ્રેમભર્યો પૂજ્ય વ્યવહાર હતો તેનું સ્પષ્ટ દર્શન લક્ષ્મીદીદીએ કરાવ્યું છે. સંન્યસ્તની દીક્ષા લીધી હોવા છતાં માતા પોતાને સંન્યાસીના સ્વાંગમાં ભગવાં વસ્ત્રોમાં જોઈ નહીં શકે, એ જાણતા હતા તેથી એમણે ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં નહીં. વૃંદાવનમાં રહી જવાની એમની તીવ્રતમ ઈચ્છા હતી પણ એથી માતા કેટલાં દુ:ખી થઈ જશે એ વિચાર આવતાં તેઓ ત્યાં રોકાયા નહીં. જગદ્ધાત્રી માતાના દિવ્ય બાળક શ્રીરામકૃષ્ણે પોતાની જન્મદાતા માતાના પણ દિવ્ય બાળક બની તેમની કૃપા ને આશીર્વાદ પણ મેળવ્યા. શ્રીરામકૃષ્ણના આવા અન્ય માતૃપ્રેમની વાતો લક્ષ્મીદીદી દ્વારા ભક્તોને જાણવા મળતી હતી.
લક્ષ્મીદીદીમાં રહેલા દૃઢ વૈરાગ્યને શ્રીરામકૃષ્ણ જાણતા હતા અને તેની મોક્ષ મેળવવાની પ્રબળ ઈચ્છાને પણ તેઓ જાણતા હતા. પરંતુ લક્ષ્મી સાચા આધ્યાત્મિક જ્ઞાનમાં સ્થિત રહે, તેનામાં જડ સંસ્કારો, ખોટી માન્યતાઓ, ધર્મના ખોટા ખ્યાલો ન થઈ જાય તેની પણ તેઓ તકેદારી રાખતા હતા. એક દિવસ ઠાકુરે લક્ષ્મીદીદીને બોલાવ્યાં ને પોતાના હાથમાં રહેલા પ્રસાદનું પાત્ર આપી કહ્યું : “લે આ પ્રસાદ ખા”. લક્ષ્મીદીદીએ ઠાકુરના હાથમાંથી એ પાત્ર લઈ લીધું અને પછી તેમાં જોઈને કહ્યું : “ના હું એ નહીં ખાઉં”.
“કેમ રે?” “એ તો માછલીની વાનગી છે.” “તેથી શું થઈ ગયું?” “વિધવાઓને માટે એ નિષિદ્ધ છે.” “પણ તારે માટે નથી”. શ્રીરામકૃષ્ણ લક્ષ્મીને શીતળાદેવીના અંશ રૂપ માનતા હતા, એથી એના માટે કંઈ નિષિદ્ધ ન હોઈ શકે એમ તેઓ માનતા હતા. તેઓ તેમને એ પ્રસાદ લેવા માટે વારંવાર આગ્રહ કરવા લાગ્યા. અને લક્ષ્મીદીદી એટલા જ દુરાગ્રહથી તેનો જોરદાર પ્રતિકાર કરવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણને થયું કે આમ તો તે સહેલાઇથી નહીં માને, આથી તેમણે બીજું શસ્ત્ર અજમાવ્યું. તેમણે કહ્યું; “જો તું મારું કહેવું નહીં માને તો તારે પાછું જન્મવું પડશે અને તને જાડો કદરૂપો પતિ મળશે, જે તને પરાણે દુન્યવી જીવનમાં ઘસડી જશે.” ઠાકુરના મુખેથી આવી વાત સાંભળીને લક્ષ્મીએ તુરત જ કહ્યું : “ના, બાબા ના. મારે પાછો જન્મ તો કોઈ કાળે લેવો જ નથી. વળી પાછું આ માયામાં લપેટાવું. એના કરતાં તો માછલી ખાઈ લેવી સારી.” એમ કહીને માછલીનો પ્રસાદ ખાઈ ગયાં. આ રીતે ઠાકુર પોતે જ એમને મનના માની લીધેલા સઘળા ખ્યાલોમાંથી મુક્ત કરતા રહ્યા. અરે, મોક્ષ મેળવવાની ઈચ્છાનું પણ એક સૂક્ષ્મ બંધન છે. એ પણ ભગવત્ જીવનમાં અવરોધ રૂપ છે. એ પણ ન હોવું જોઈએ એમ માનીને શ્રીરામકૃષ્ણે એક દિવસ વરંડામાં પોતાની પાસે ઊભેલાં શ્રીમા અને લક્ષ્મીને કહ્યું : “સો વર્ષ પછી હું પૃથ્વી ઉપર પાછો આવું તો તમે આવશો ને?” આના ઉત્તરમાં માએ પોતાની અનિચ્છા પ્રગટ કરી, પણ લક્ષ્મીદીદીએ તો સ્પષ્ટ ના પાડી કહ્યું : “ભલે મારા ચૂરેચૂરા થઈ જાય. પણ હું પાછી તો નહીં જ આવું.” આ સાંભળીને શ્રીરામકૃષ્ણ હસવા લાગ્યા ને પછી બોલ્યા, “જો હું આવીશ, તો પછી તું ક્યાં રહીશ? તારું હૃદય જ મને ઝંખશે. તું તો છે કલગી શાકની વેલ. એક ડાળી ખેંચતા જ આખી વેલ નીચે આવી જાય છે.” આમ કહીને ઠાકુરે એને જણાવ્યું કે એનાં મૂળિયાં એમની સાથે જડાયેલાં છે. તેથી તેઓ પૃથ્વી ઉપર પાછા આવે ત્યારે તેણે આવવું જ પડે. આમ તેની મોક્ષની ઈચ્છા ૫૨ પણ શ્રીરામકૃષ્ણે લગામ મૂકી દીધી.
લોકોની સ્તુતિ-નિંદાથી પર રહેવાની તાલીમ પણ શ્રીરામકૃષ્ણે લક્ષ્મીદીદીને આપી હતી. અધ્યાત્મ માર્ગના સાધકે લોકોની સ્તુતિ – નિંદાને ગણકાર્યા વગર લોકોના કલ્યાણની ભાવના હૈયે રાખીને સઘળાં કાર્યો કરવાં જોઈએ. આ પાઠ પણ શ્રીરામકૃષ્ણે લક્ષ્મીદીદીને પ્રત્યક્ષ અનુભવ આપીને શીખવાડ્યો હતો. એક દિવસ તેમણે લક્ષ્મીને અને માસ્ટર મોશાયનાં પત્નીને ભિક્ષા માગવા મોકલ્યાં. તે વખતે તો બંનેને થયું કે આ રીતે ભિક્ષા માગવાથી લોકો તેમની ટીકા કરશે. તેમણે ઠાકુર પાસે આ વાત મૂકી પણ ખરી. ત્યારે તેમણે કહ્યું : “લોકો ભલે તમારી ટીકા કરે. પણ તમારા કૃપામંડિત ચરણોથી એમનાં ઘર પાવન થશે અને તેમનું કલ્યાણ થશે. આ ભિક્ષા તમે શ્રીમંતોના ઘેરથી નહીં પણ ગરીબોના ઘરેથી જ લેજો. જેથી એ ગરીબોનું કલ્યાણ થાય, તેમની દરિદ્રતા દૂર થાય.” ગરીબો પ્રત્યેની કેવી પરમ કરુણા ઠાકુરના અંતરમાં રહેલી છે, એની પ્રતીતિ થતાં લક્ષ્મીદીદી ભિક્ષા માટે જવા સંમત થઈ ગયાં. શ્રીરામકૃષ્ણે તો આ કાર્ય દ્વારા દીદીના અંતરમાં ગરીબો અને દરિદ્રો પ્રત્યે અનુકંપા ને કૃપાની અદૃશ્ય સરવાણી સર્જી દીધી જે એમના તિરોધાન પછી પ્રગટ થઈને સર્વ પ્રત્યે વહેવાની હતી.
બંને સ્ત્રીઓ ગરીબ લત્તામાં ભિક્ષા લેવા નીકળી પડી. તેમાં એક યુવાન સુંદર સ્ત્રીને આ રીતે ભિક્ષા માગતી જોઈને એક શ્રીમંત સ્ત્રી તેની પાસે આવી અને બોલી : “અરેરે, આવી સતીલક્ષ્મી આમ ભિક્ષા માગી રહી છે? તું તો મારા ઘરે શોભે તેવી છો. મારી પુત્રવધૂ તરીકે હું તને લઈ જઈશ. અને તને બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી સજાવીશ. ચાલ મારા ઘરે.” લક્ષ્મીદીદી અને માસ્ટર મોશાયનાં પત્ની તો આ સાંભળીને ચોંકી ઊઠ્યાં. આવું કોઈ કહેશે તેની તો તેમણે કલ્પના પણ નહોતી કરી. પછી તેમણે શ્રીરામકૃષ્ણના ભત્રીજી તરીકે તેમની ઓળખાણ આપી ત્યારે તે સ્ત્રી છોભીલી પડી ગઈ અને તેણે એ બંનેની ક્ષમા માગી. પછી તેને ખૂબ પશ્ચાતાપ પણ થયો. પાછળથી તે શ્રીરામકૃષ્ણ જ્યાં રહેતા હતા ત્યાં કાશીપુરના બગીચામાં ફળો, શાકભાજી, અનાજ વગેરે પણ મોકલવા લાગી. આમ ગરીબોના કલ્યાણની સાથે સાથે તે શ્રીમંત સ્ત્રીનું પણ ભાગ્ય ખૂલી ગયું.
લક્ષ્મીદીદીને શ્રીરામકૃષ્ણ શીતલાના અંશ રૂપે માનતા હતા. અને કાશીપુરમાં તો એમણે બે વાર શીતલા રૂપે તેમની પૂજા પણ કરી હતી. ગિરીશચંદ્ર ઘોષને પણ તેમણે કહ્યું હતું કે “તમે લક્ષ્મીને મીઠાઈ ખવડાવી દેજો, એથી શીતલાને ભોગ ધરાવવાનું થઈ જશે.” ગિરીશબાબુએ તેમ કર્યું પણ ખરું. ઠાકુરની ઈચ્છા તો લક્ષ્મીને સોનાના કંગન અને સુવર્ણમાળા પહેરાવવાની હતી. એ રીતે પોતાના ઘરમાં નિત્ય પૂજાતાં શીતળા માતાને શણગારવાં હતાં. પણ એ ઈચ્છા તેઓ પોતાના દેહમાં રહીને પૂરી કરી શક્યા નહીં. પરંતુ પાછળથી લક્ષ્મીદીદીના ભક્તોએ એ ઈચ્છા પૂરી કરી. પરંતુ પ્રબળ વૈરાગ્યવાળાં તેમણે ભક્તોના માન ખાતર એ આભૂષણો થોડો વખત ધારણ કર્યાં અને પછી યોગ્ય વ્યક્તિઓને આપી દીધાં.
એક વખત લક્ષ્મીદીદીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું : “મને ઈષ્ટદેવનું સ્મરણ સતત રહેતું નથી. શું કરું?” ત્યારે તેમને અભય આપતાં તેઓ બોલી ઊઠ્યા; “અરે, એમાં ચિંતા શાની? ઈષ્ટદેવનું સ્મરણ ન રહે તો મને યાદ કરજે એથી થઈ જશે” અને ત્યારથી તેઓ ઠાકુર અને ઈષ્ટને અભિન્ન માનતાં હતાં. ઠાકુરના સ્મરણથી પછી તેમને રાધાકૃષ્ણની અનુભૂતિ થવા લાગતી. આમ શ્રીરામકૃષ્ણે પોતાની આ વહાલી ભત્રીજીની દૈહિક, દૈવિક, અને સૂક્ષ્મ બધી જ જવાબદારી વહન કરીને તેને ઇષ્ટદેવના સાન્નિધ્યમાં મૂકી આપી. એટલું જ નહીં પણ તેઓ પોતે જ્યારે દેહમાં ન હોય ત્યારે પણ લક્ષ્મીને કોઈ પણ જાતની અગવડ ન પડે અને તેમનું જીવન ઉત્તમ પ્રકારે વહન થાય ને તેમનું માન, સન્માન જળવાય એવી ગોઠવણ તેમને કરી આપી. પોતાની માંદગી દરમિયાન જ લક્ષ્મીને પણ તે આશીર્વાદ આપતાં એક દિવસ તેમણે કહ્યું; “તારી જાતની કદી ચિંતા કરતી નહીં. અસંખ્ય લોકો તારી પાસે આવશે. ઇશ્વર વિશે તારી પાસેથી સાંભળશે. અને બધાં તારું ખૂબ ધ્યાન રાખશે.” ઠાકુરના આવા આશીર્વાદ પછી લક્ષ્મીદીદીને પોતાના ભાવિની પણ ચિંતા ન રહી. તેમ છતાં પણ શ્રીરામકૃષ્ણે શ્રીમાશારદાદેવીને પણ લક્ષ્મીને સાચવવાની જવાબદારી સોંપી હતી.
(ક્રમશઃ)
Your Content Goes Here




