(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો)

“લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં”

“શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?”

“હા અને તે ય બાપુજીએ મૃત્યુ અગાઉ કહ્યું હતું ત્યાં ગોઘાટના દક્ષિણ પાડામાં જ થયાં. ઘટક પરિવારના ઘનકૃષ્ણ સાથે તેનાં લગ્ન થયાં છે.” કામારપુકુરથી દક્ષિણેશ્વર આવેલા શ્રીરામકૃષ્ણના ભત્રીજા રામલાલે પોતાની નાનીબહેન લક્ષ્મીના સમાચાર દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને આપ્યા. ભાવસમાધિમાં મગ્ન શ્રીરામકૃષ્ણે એ સમાચાર સાંભળ્યા ને ભાવાવેશની એ જ સ્થિતિમાં તેઓ બોલી ઊઠ્યા, “તે વિધવા થઈ જશે.” “મામા, તમે આ શું બોલો છો? એ તો તમારી લાડકી લક્ષ્મી છે, હજુ તો તેણે બાર વર્ષ પણ પૂરાં કર્યાં નથી, અને તમે તેના વિશે આવું અમંગલ કેમ બોલો છો?” તેમના ભાણેજ હૃદયે તેમની વાતનો વિરોધ કરતાં કહ્યું, “એ તો માએ કહી દીધું. હું શું જાણું?” પછી તેમણે આગળ કહ્યું; “લક્ષ્મી શીતળાના અંશથી ઉત્પન્ન થયેલી છે. તે બહુ તેજસ્વિની છે. અને જેની સાથે તેનાં લગ્ન થયાં છે, તે તો છે, સાધારણ જીવ. એ સાધારણ જીવના ભોગમાં લક્ષ્મી નથી આવી શકતી. તે જરૂર વિધવા થશે. જો શિવનો અવતાર મનુષ્ય રૂપે થાય તો એ જ લક્ષ્મીનો પતિ થઈ શકે. બાકી સાધારણ મનુષ્ય કદી એનો પતિ થઈ શકશે નહીં.” ઠાકુરની વાત સાંભળીને રામલાલ ને હૃદય બંને ચિંતિત થઈ ગયા.

શ્રીરામકૃષ્ણના મોટાભાઈ રામેશ્વરને બે પુત્રો – રામલાલ અને શિવરામ હતા અને એક અત્યંત લાવણ્યમયી પુત્રી લક્ષ્મી હતી. ૧૮૬૪ના ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી આ બાલિકા નાનપણથી જ અનોખી હતી. પાંચ વર્ષની વયે તો તે પૂજા ઘરમાં; ચંદન ઘસવામાં, ફૂલો ચૂંટીને લાવવામાં માને મદદ કરવા લાગી હતી. દાદા ખુદીરામજીના વખતથી પૂજાઘરમાં ભગવાન શ્રીરામ, સદાશિવ રામેશ્વર અને ભગવતી શીતળામાતાની નિત્ય પુજા થતી હતી. શીતળામાતાના પ્રતીક રૂપે જળથી ભરેલું માટીનું એક પાત્ર હતું. તેની અંદર આંબાનાં પાંદડાની એક ડાળખી મૂકવામાં આવી હતી. આ પાત્રની બહારની બાજુને કંકુથી રંગવામાં આવતી. તેની પાછળનું રહસ્ય એ હતું કે લાલ વસ્ત્ર ધારણ કરેલી શીતળાદેવી આંબાની ડાળખી પાણીમાં બોળીને સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ માટે છંટકાવ કરે છે. શ્રીરામકૃષ્ણના પિતા ખુદીરામજી શ્રદ્ધાપૂર્વક શીતળાદેવીની ગૃહદેવતા તરીકે પૂજા કરતા હતા. એમના અવસાન બાદ પણ એ જ રીતે આ ગૃહદેવતાઓની પૂજા ચાલુ રહી હતી. શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર ચાલ્યા ગયા પણ તેમના મોટાભાઈ રામેશ્વર શ્રદ્ધાપૂર્વક આ પૂજા કરતા હતા.

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને માટે ભક્તો ફળો ને મીઠાઈ લાવતા રહેતા. એક દિવસ એમને વિચાર આવ્યો કે ‘અહીં તો મને ખાવા માટે કેટકેટલી સારી વસ્તુઓ મળે છે. પણ ત્યાં કામારપુકુરમાં દેવી શીતળાને ભોગ ધરાવવા માટે કંઈ જ હોતું નથી.’ આ વિચાર આવતાં તેમને અફસોસ થવા લાગ્યો. અને પછી એક રાત્રે તેમણે સ્વપ્ન આવ્યું. તેમાં શીતળા માતાનાં દર્શન થયાં. તેમણે કહ્યું; ‘હું એક રૂપે જળપાત્રમાં રહું છું ને બીજા રૂપે તારી ભત્રીજી લક્ષ્મીમાં છું. જો તું લક્ષ્મીને ખવડાવીશ તો તે મને ભોગ ધરાવ્યા બરાબર જ છે.’ અને એ પછી તેઓ લક્ષ્મી શીતળાનો અંશ છે, એ જાણી ગયા અને તેને ઘણી વાર એ રીતે ભોગ ધરાવવા લાગ્યા.

નાનપણથી જ લક્ષ્મીને ભક્તિમાં પ્રીતિ હતી. એની ઉંમરની બાળકીઓ ઘર ઘર રમતી હતી, ત્યારે નાની લક્ષ્મી ગૃહદેવતા માટે માળા બનાવતી. તે બહુ જ ઓછું બોલતી. ઘરના લોકો સિવાય અન્ય કોઈ સાથે બહુ વાત કરતી નહીં. કામારપુકુરની ગ્રામ્યશાળામાં તે પહેલું ધોરણ ભણી. શારદામણિ જ્યારે કામારપુકુરમાં આવતાં, ત્યારે લક્ષ્મી જ એમની સાથીદાર બનતી. કેમ કે શારદામણિની વય પણ ત્યારે ખૂબ જ નાની હતી. લક્ષ્મી નિશાળે જે કંઈ શીખીને આવતી તે સાંજે પોતાના આ નાના કાકીમાને ઉત્સાહપૂર્વક શીખવતી. તે કાકીમા માટે છાની રીતે બાળબોધની એક ચોપડી પણ લાવી હતી. લક્ષ્મી પાસેથી શારદામણિ વાંચતાં શીખવા લાગ્યાં હતાં. પરંતુ એક દિવસ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયને આ વાતની ખબર પડી ગઈ, અને એમણે બાળપોથીની બંને ચોપડીઓ ઝૂંટવી લીધી અને વાંચવાની મનાઈ ફરમાવી દીધી. એ પછી લક્ષ્મીનું કાકીમાને ભણાવવાનું બંધ થઈ ગયું. ત્યારે તેઓ પૂરેપૂરું અક્ષરજ્ઞાન મેળવી શક્યાં નહીં પણ પછી શ્રીરામકૃષ્ણે પાછળથી એમને વાંચતા – લખતાં શીખવાની વ્યવસ્થા કરાવી આપી હતી.

કામારપુકુરમાં એક દિવસ વાતચીતમાં શ્રીરામકૃષ્ણે કહ્યું કે કદંબના વૃક્ષની નીચે કૃષ્ણ હોય છે. બાલિકા લક્ષ્મીએ આ સાંભળ્યું અને તેના અંતરમાં કૃષ્ણને મળવાની ઉત્કંઠા પ્રબળ બની ગઈ. પણ કદંબનું વૃક્ષ ક્યાં હશે તેની એ બાલિકાને બિલકુલ ખબર ન હતી. પરંતુ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું એટલે ક્યાંક તો એ વૃક્ષ જરૂર મળશે એમ માનીને બાલિકા એક બપોરે જ્યારે શ્રીરામકૃષ્ણ સૂઈ ગયા હતા, ત્યારે કદંબના વૃક્ષની શોધમાં નીકળી પડી. આખું કામારપુકુર ફરી વળી. પણ ક્યાંય કદંબનું વૃક્ષ ન મળ્યું. કોઈએ તેને કહ્યું, બાજુના ગામમાં આવેલા બાગમાં છે. એટલે તે તો ચાલતી ચાલતી બાજુના ગામમાં પહોંચી અને આખરે કદંબને શોધી પણ કાઢ્યું પણ કદંબની નીચે બંસી બજાવતા કૃષ્ણ તો નહોતા! ‘અહીં ક્યાંય ગયા હશે હમણાં આવશે, હમણાં આવશે’ એમ માનીને તે કદંબની નીચે જ બેસી રહી અને ક્યાંય સુધી કૃષ્ણની રાહ જોયા કરી. પણ કૃષ્ણ તો આવ્યા જ નહીં કે ન તેમની બંસીનો સૂર સંભળાયો, આખરે નિરાશ થઈને તે ઘેર પાછી ફરી. શ્રીરામકૃષ્ણે તેને પૂછ્યું; “આટલી બધી વાર ક્યાં ગઈ હતી?” “કૃષ્ણને શોધવા કદંબની નીચે.” સાંભળીને ઠાકુર હસી પડ્યા. બાલિકાના ઉત્કટ શ્રદ્ધાભક્તિ જોઈને તેમનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. પણ પછી તેને સમજાવતાં કહ્યું : “એ કદંબનું વૃક્ષ બહાર નથી, પણ અંદર છે.” પણ તે સમયે તો આ નાની બાલિકાને બહારના અને અંદરના ભેદની ખબર નહોતી. પણ એટલું તો સમજી કે અંદ૨માંથી યે કૃષ્ણ ક્યારેક તો જરૂર પ્રગટ થશે.

ભક્તિમતી આ બાલિકા પર શ્રીરામકૃષ્ણની વિશેષ પ્રીતિ હતી. તેઓ જ્યારે જ્યારે દક્ષિણેશ્વરથી કામારપુકુર આવતા ત્યારે તેના માટે ફળો ને મીઠાઈ લાવતા. કામારપુકુરમાં લક્ષ્મીના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી. લક્ષ્મીનું બાળપણ આર્થિક તંગીમાં જ વીત્યું હતું. તેના પિતાના અવસાન પછી તો આ તંગી ઘણી જ વિકટ બની ગઈ હતી. એક વખત શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી આવ્યા હતા. ત્યારે ઘરમાં ચોખા જ ન હતા. લક્ષ્મીની માતાએ તેના પાલવમાં આઠ આના બાંધીને કહ્યું : “મુકુંદપુરથી સારી જાતના ચોખા લેતી આવ.” પણ લક્ષ્મી ચોખા લીધા વગર જ ત્યાંથી પાછી ફરી કેમ કે, દુકાનદારે આઠ આનામાં સારી જાતના ચોખા આપ્યા નહીં. ઘરમાં પ્રવેશતાં જ શ્રીરામકૃષ્ણ તેને મળ્યા ને પૂછ્યું, “ક્યાં ગઈ હતી?” બાલિકાએ રડતાં રડતાં બધી વાત કરી. ત્યારે એમને ખબર પડી કે ઘરમાં ચોખા પણ નથી એવી કપરી હાલત છે! તુરત જ તેમણે પોતાના પડોશી રામયોગીને અને બાળપણના મિત્ર ગયાવિષ્ણુને બોલાવ્યા ને જમીન ખરીદવા કહ્યું. તેમને ગોઘાટમાં છ એકર જમીન ખરીદાવી. પછી લક્ષ્મીને કહ્યું, “હવે તારે ચોખા ખરીદવા મુકુંદપુર નહીં જવું પડે. પછી તો હૃદયની મદદથી તેમને શિહડમાં પણ ચૌદ એકર જમીન ખરીદાવી હતી. આમ શ્રીરામકૃષ્ણે પોતાના પરિવારજનોને પણ સાદા અન્નવસ્ત્રની તંગી ન રહે એવી વ્યવસ્થા કરીને પોતાની જવાબદારી પૂરી કરી હતી!

એમના મોટાભાઈ રામેશ્વરના અવસાન પછી આવી તીવ્ર આર્થિક કટોકટીમાં બધાં મૂકાઇ ગયાં હતાં, તેનો ત્યારે તેમને ખ્યાલ પણ ન હતો. તે વખતે તો ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. કામારપુકુરના લાહાબાબુઓને ત્યાંથી પ્રસાદ આવતો અને ગૃહદેવતાને ભોગ ધરાવવા માટે તેઓ અનાજ મોકલાવતા, તેમાંથી માંડ માંડ ઘરનો નિર્વાહ થતો. પણ પછી શ્રીરામકૃષ્ણની કૃપાથી આ દરિદ્રતા દૂર થઈ ગઈ.

લક્ષ્મીનું બાળપણ ભલે આર્થિક વિટંબણાઓમાં વીત્યું, પણ શ્રીરામકૃષ્ણના સાંનિધ્યનો લાભ નાનપણથી જ તેને જેટલો મળ્યો હતો, તેટલો બીજા કોઈને ય મળ્યો નહોતો. શ્રીરામકૃષ્ણ જ્યારે જ્યારે દક્ષિણેશ્વરથી આવતા, ત્યારે તેઓ શારદામણિ અને લક્ષ્મી બંનેને ગમ્મત સાથે જ્ઞાન આપતા. બંનેને આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપતા. શ્રીરામકૃષ્ણના આ દૈવી સાંનિધ્યે બાલિકાના આંતરમનમાં જે ઊંડી અમીટ છાપ પાડી હતી, તે તેના સમગ્ર જીવનપટ પર છવાઈ રહી.

કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણે કરેલી દિવ્યલીલાનાં અનેક સંસ્મરણો લક્ષ્મીના બાળમાનસમાં દૃઢપણે અંકિત થયાં હતાં, જે પાછળથી ભક્તજનોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં અવારનવાર પ્રગટ થતાં રહેતાં. પોતાના બાળપણના એક પ્રસંગની વાત કરતાં તેમણે જણાવ્યું હતું; “જ્યારે શ્રીરામકૃષ્ણ કામારપુકુરમાં આવતા, ત્યારે તેઓ દરરોજ સાંજે બારણા આગળ બેસતા અને શેરીમાંથી પસાર થતા લોકોને જોતા. સાંજના સમયે તળાવમાં પાણી ભરવા જતી સ્ત્રીઓ ત્યાંથી પસાર થતી. શ્રીરામકૃષ્ણને બારણા આગળ બેઠેલા જોઈને તે સ્ત્રીઓ પોતાના પાણીથી ભરેલા ઘડા લઈને ત્યાં આવી પહોંચતી ને બધું જ ભૂલી જઈને ઠાકુરના મુખે પ્રગટતી ભગવાનની વાતો સાંભળવા બેસી જતી. એમાં એવી તો લીન થઈ જતી કે ઘરે કામ પડ્યું છે, એ પણ વિસરાઈ જતું. પછી શ્રીરામકૃષ્ણને જ એ યાદ કરાવવું પડતું. તેઓ પછી ખબર – અંતર પૂછવા લાગતા એટલે સ્ત્રીઓને પોતાનો સંસાર યાદ આવી જતો. એક સ્ત્રીને તેમણે પૂછ્યું ‘તારી ગાય કેમ છે.’ ત્યારે તેણે કહ્યું : ‘ખૂબ સારી છે. તમે આવવાના છો એટલે મેં અગાઉથી ઘાસ કાપીને ઓરડીમાં ભરી રાખ્યું, એટલે અત્યારે મારે ઘાસ કાપવા જવું ન પડે ને? તો બીજી સ્ત્રીને પૂછ્યું; “તારી દીકરી કેમ છે?” ત્યારે તેણે કહ્યું : “અરેરે, હું તો ભૂલી જ ગઈ કે મે મારી દોકરીને પડોશીના ઘરે મૂકી છે!” લગભગ એકાદ માઈલ દૂરથી તે ચાલીને આવી હતી. પણ ઠાકુરની વાતો એટલે જાણે બંસરીનો નાદ! ગોપીઓની જેમ જ કામારપુકુરની આ ભલીભોળી ગ્રામ્ય નારીઓ પોતાનાં ઘર, બાળકો, કાર્યો, બધું જ ભૂલીને ઠાકુરની વાતો સાંભળવા બેસી જતી. એ વાણીમાં એવું તો જાદું ભર્યું હતું કે સમગ્ર જગત વિસરાઈ જતું. તેઓ ગમ્મત સાથે એવું જ્ઞાન આપતા કે સ્ત્રીઓને ખબરે ય ન પડતી કે તેમને ભગવદ્‌જ્ઞાન મળી રહ્યું છે. તેઓ તો આનંદના સાગરમાં ડૂબી જતી. આવું કંઈ એક દિવસ નહીં રોજેરોજ બનતું હતું. ગોપીઓની જેમ જ આ સ્ત્રીઓનું ભાગ્ય ખૂલી ગયું હતું. દિન પ્રતિદિન વરસી રહેલી આ કૃપાધારામાં બાલિકા લક્ષ્મી પણ અજ્ઞાતપણે ભીંજાયે જતી હતી. તે શ્રીરામકૃષ્ણની સમીપ બેઠી બેઠી આ વાતો મુગ્ધતાથી સાંભળ્યા કરતી. તેના બાલમાનસમાં આ સુંદર દૃશ્યો કંડારાયે જતાં હતાં જે તેના ભાવિ જીવનના પાયારૂપ બનવાનાં હતાં.

આવી જ એક સાંજે બધી સ્ત્રીઓ ઠાકુરની સમીપ બારણા આગળ આવીને બેસી ગઈ હતી. ત્યારે ઠાકુરે એમને કહ્યું, “આજે તમારો વારો. આજે હું નહીં બોલું.” “અમે શું બોલી શકીએ?” સ્ત્રીઓએ કહ્યું. “કેમ રે! તમે ગાઈ તો શકો ને? આજે તો હું તમારાં ગીતો સાંભળીશ” શ્રીરામકૃષ્ણે કહ્યું. “અરે, એમની આગળ આપણે કેવી રીતે ગાઈ શકીએ?” એમ મનમાં ક્ષોભ પામી રહેલી બધી સ્ત્રીઓ એકબીજાનાં મુખ સામે જોવા લાગી. કોઈએ ગાવાની હિંમત ન કરી. શ્રીરામકૃષ્ણે ફરી કહ્યું, “આજે તો તમારે ગાવું જ પડશે.” તો પણ બધાં ચૂપચાપ જ બેસી રહ્યાં. પણ એક છોકરીને ઠાકુર ઉપર ખૂબ જ ભક્તિભાવ હતો. ઠાકુર એ જાણતા હતા. એટલે જ્યારે તે ન આવી હોય ત્યારે ઠાકુર એને બોલાવવા એના ઘરે કોઈને ય મોકલતા ને એના આવ્યા પછી જ્ઞાનની વાતો શરૂ કરતા. એ છોકરીને થયું કે શ્રીરામકૃષ્ણની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ અને એટલે તેણે એકલીએ જ પોતાના દુર્બળ, ધ્રૂજતા અવાજે ગાવાનું શરૂ કર્યું. તેનો અવાજ કંઈ મધુર નહોતો, વળી તેને કોઈ રાગ કે સૂરનું જ્ઞાન પણ નહોતું. વળી સંકોચથી સભર એ સ્વર પણ ધ્રૂજી રહ્યો હતો અને છતાં તેણે ગાવાનું શરૂ કર્યું. અને બધી જ સ્ત્રીઓ તેના ગાવા પર હસવા લાગી. પણ જેની ઈચ્છાથી એ ગાઈ રહી હતી, અને જેને માટે એ ગાઈ રહી હતી તેઓ તો ભાવગ્રાહી હતા. રાગ, લય, તાલ કે સૂરની સાથે ક્યાં સંબંધ હતો? તેના અંતરમાંથી નીકળતો એ ભાવ તેમણે ઝીલ્યો. ગીત પૂરું થયું ત્યારે શ્રીરામકૃષ્ણ પ્રસન્ન થઈ બોલી ઊઠ્યા, “જુઓ, તેની ભક્તિ કેટલી મહાન છે! તેનો ભાવ કેવો શુદ્ધ છે! મેં કહ્યું તે તમારામાંથી કોઈએ ન સ્વીકાર્યું, ને તેણે એકલીએ જ એ સ્વીકારી લીધું ને તેણે મારા માટે ગાયું. તમારાં બધામાં તેની એકલીની જ શુદ્ધ ભક્તિ છે!” આમ શ્રીરામકૃષ્ણ એ ગ્રામ્યનારીઓના અંતરમાં શુદ્ધ ભક્તિ અને ભગવત્ પ્રેમને જાગૃત કરતા રહેતા. બાલિકા લક્ષ્મી આ બધું મુગ્ધપણે જોયા કરતી. પણ એ સમજવા જેટલી તેની ઉમ્મર નહોતી છતાં પણ તેનું આંતરકમળ એ દિવ્યસાંનિધ્યમાં વિકસતું જતું હતું. પણ તેની તેને ખબર નહોતી.

દસ વર્ષની લક્ષ્મીના જીવનમાં પિતાના મૃત્યુએ એક આંચકો આપ્યો. પિતાના અવસાન પછી ભારે આર્થિક વિટંબણાઓનો સામનો થોડો વખત કરવો પડ્યો. એમાં તેના પિતાની ઈચ્છા મુજબ તેનાં લગ્ન ગોઘાટના દક્ષિણપાડાના ઘટક પરિવારમાં કરી દેવામાં આવ્યાં ત્યારે તેની ઉમ્મર અગિયાર જ વર્ષની હતી. નાની ઉમ્મર હોવાથી લગ્ન પછી તે સાસરે રહી જ ન હતી. જ્યારે શ્રીરામકૃષ્ણે તેના લગ્નના સમાચાર જાણ્યા ત્યારે તેમના મુખમાંથી તેના વૈધવ્યની વાત સહજપણે જ નીકળી ગઈ અને પછી થયું પણ તેમ જ.

લગ્ન પછી બે ત્રણ મહિના બાદ તેના પતિ ઘનકૃષ્ણ ઘટક એક બપોરે કામારપુકુર આવ્યા અને જણાવ્યું કે “હું કામની શોધમાં બહાર જાઉં છું. અર્થોપાર્જન કરીને પાછો આવીશ. અહીં ગામડાગામમાં કંઈ ધન કમાઈ શકાશે નહીં. પરપ્રાંતમાં જઈને ધંધો કરીશ ને ખૂબ ધનસંપત્તિ મેળવીને પાછો આવીશ.” આમ કહીને સીધા નીકળી ગયા. તે પછી તેઓ ક્યારેય પાછા આવ્યા નહીં. ઘરનાં બધાંએ બાર વર્ષ સુધી તેમની રાહ જોઈ. પણ પછી કંઈ જ સમાચાર ન મળતાં બધાંએ સ્વીકારી લીધું કે તેઓ મૃત્યુ પામ્યા છે. આથી બાર વર્ષ બાદ લક્ષ્મીને સાસરે બોલાવી. ત્યાં કુશપુત્તલિકા સળગાવીને શ્રાદ્ધકર્મ ને પિંડદાન કર્યું અને લક્ષ્મીને વૈધવ્યનો વેશ પહેરાવ્યો. સાસરાપક્ષે લક્ષ્મીને પતિની સંપત્તિમાંથી ભાગ લેવા કહ્યું, પરંતુ તેમણે સાસરાપક્ષમાંથી કંઈ જ લીધું નહીં અને તેઓ પિયર પાછાં આવતાં રહ્યાં. તે પછી તેઓ જીવનમાં ફક્ત એક જ વાર અને તે ય શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી કોઈ કારણસર સાસરે ગયાં હતાં. એ સિવાય તેઓ ક્યારેય ત્યાં ગયા ન હતાં. કેમ કે શ્રીરામકૃષ્ણે જ તેમને સાસરે રહેવાની સંમતિ આપી ન હતી. શ્રીરામકૃષ્ણ તો આ ભક્તિમતી બાલિકાના અંતરને ઓળખતા હતા કે આ જીવ સંસારના ભોગ માટે આવેલો નથી, પણ એ તો તેમના લીલાકાર્યમાં ભાગ લેવા માટે આવેલો છે. એટલે તેઓ એને સંસારના તાપમાં શેકાવા પાછો કેમ જવા દે?

પરંતુ પરિવારના અન્ય સભ્યો તો પોતાની દુન્યવી દૃષ્ટિથી માનતા કે લક્ષ્મી ખૂબ જ દુઃખી થઈ ગઈ. સંસારનું સુખ બિચારીના ભાગ્યમાં જ નહોતું. જે વૈધવ્ય તેના પરિવારજનોને અશુભ અને અમંગલ જણાતું હતું તે શ્રીરામકૃષ્ણને લક્ષ્મીના ઉચ્ચ આધ્યાત્મિક જીવનને જોતાં મંગલમય અને શુભંકર જણાયું. તેના પતિના બહાર ચાલ્યા જવા બાદ અને કદી પાછા ન આવવા અંગે સર્વ કુટુંબીજનો અને કામારપુકુરના લોકો તેની દયા ખાતાં, તેના ભાગ્યને દોષ દેતાં. પરંતુ એ વાતાવરણમાં ય તેઓ ટકી શક્યાં, સર્વનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરી શક્યાં કેમ કે એની પાછળ રહેલી હતી મહાન- આત્મિક શક્તિ. એની પાછળ હતી અવતાર પુરુષ શ્રીરામકૃષ્ણની દૃષ્ટિ. એની પાછળ હતું મા શારદામણિનું હૂંફ આપતું, ઊર્ધ્વમાર્ગે પ્રેરતું, પ્રેમ અને કરુણાથી છલકાતું વાત્સલ્યભર્યું હૃદય. અને તેથી જ બંગાળના એ રૂઢિચૂસ્ત બ્રાહ્મણ કુટુંબમાં અગિયાર વર્ષની વયે ફક્ત ચાર ફેરા ફરીને, પરિણિતાની માત્ર છાપ અંકિત કરેલી એ બાલિકા બંગાળની અન્ય વિધવાઓની પેઠે આંસુ સારતી, ખૂણામાં બેસીને પરિવારજનોની ઉપેક્ષા અને અવહેલના સહતી ને ભાગ્યને દોષ દેતી અસહાય, દીન અને હીન જીવન વીતાવતી ન બની. પણ પોતાના આત્માના પ્રકાશથી પ્રકાશતી, ઉત્તમ આધ્યાત્મિક જીવન જીવતી અને અનેકને આધ્યાત્મિક જીવનની પ્રેરણા ને માર્ગદર્શન આપતી શ્રીરામકૃષ્ણ ભાવધારાની એક તેજસ્વી તારક બની.

બાલિકા લક્ષ્મીના અંતરમાં શ્રીરામકૃષ્ણે ભક્તિ જગાડી હતી. પણ યુવાન લક્ષ્મીના તો સમગ્ર અસ્તિત્વને તેમણે ભક્તિમાં ડુબાડી દીધું હતું. તેમણે તેને ક્યારેય સાસરે તો પાછી જવા જ ન દીધી. પણ કામારપુકુરમાં ય રહેવા ન દીધી ને પોતાની પાસે દક્ષિણેશ્વર બોલાવી લીધી ને મા શારદામણિના સાંનિધ્યમાં મૂકી આપી. આ સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં લક્ષ્મીનું સ્વરૂપ પ્રગટી ઊઠ્યું, કાલીમંદિરનું પવિત્ર વાતાવરણ, ઠાકુરની દિવ્યભાવસમાધિની સ્થિતિ, મા શારદાદેવીનું નિર્મલ, પવિત્ર શ્રદ્ધાભક્તિમય વ્યક્તિત્વ, અને આ બંને ગ્રામ્ય સ્ત્રીઓ ૫૨ શ્રીરામકૃષ્ણની જાગૃત દિવ્ય દૃષ્ટિ, તેમ જ બંનેનો આધ્યાત્મિક વિકાસ ઝડપી બને તે માટેના શ્રીરામકૃષ્ણના સભાન પ્રયત્નો – આ બધાંને લઈને લક્ષ્મી દીદીનો આંતરિક વિકાસ ખૂબ ઝડપી બન્યો.

હવે મા શારદામણિ સાથે લક્ષ્મીદીદીના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. આ તબક્કો હતો તેમના આધ્યાત્મિક વિકાસનો, તેમના આંતરિક ઘડતરનો, દક્ષિણેશ્વરમાં જ્યારે તેઓ આવ્યાં ત્યારે ચૌદ વર્ષની વય હતી. નાની વય, સરલ સ્વભાવ અને સ્વરૂપવાન વ્યક્તિત્વ હોવાથી કોઈ તેમને હેરાન ન કરે એ બાબતમાં શ્રીરામકૃષ્ણ અત્યંત સજાગ હતા. તેમણે લક્ષ્મીને કહ્યું; “અહીં તું તારી કાકી પાસે જ રહેજે અને સાધન ભજન કરજે. એકલી ક્યાંય દેવદર્શન જતી નહીં. કોણ જાણે કોણ તને હેરાન કરી બેસે તેની ખબર ન પડે. દુનિયાનું જીવન બિલકુલ સલામત નથી.” આમ શ્રીરામકૃષ્ણે તેને દુનિયામાં એક્લાં કેવી રીતે જીવવું એનું પણ શિક્ષણ આપ્યું. ભલે શ્રીરામકૃષ્ણ સંસારથી અલિપ્ત હતા, વૈરાગ્યનું તો મૂર્તિમંત સ્વરૂપ હતા, સદા ય ભગવદ્ભાવમાં તન્મય હતા, છતાં સમાજ જીવનથી તેઓ અજ્ઞાત નહોતા. તેથી જ તેમણે હેતુપૂર્વક લક્ષ્મીદીદીને મા શારદાદેવી પાસે મૂકી દીધાં અને એને આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે વ્યવહારજીવનનું પણ જ્ઞાન આપ્યું.

લક્ષ્મીદીદી તે વખતે મા સાથે નોબતખાનાની ઓરડીમાં રહેતાં હતાં. એ તો સાવ નાનકડી ઓરડી હતી ને પાછો તેમાં સામાન ભરેલો હતો. અનાજના પીપ અને પાણીથી ભરેલાં માટલાંઓ – બધું જ એ ઓરડીમાં જ રહેતું. એવી કોઠાર જેવી ઓરડીમાં પણ શ્રીમા સાથે લક્ષ્મીદીદી આનંદથી રહેતાં હતાં. પોતાનાં સંસ્મરણોની વાત કરતાં તેમણે પાછળથી કહ્યું હતું : “હવે એ ઓરડી જોતાં અમને આશ્ચર્ય થાય છે કે અમે એ નાનકડી ઓરડીમાં કેવી રીતે રહેતાં હતાં?” એમાં પાછી કલકત્તાથી આવતી સ્ત્રીઓનો પણ સમાવેશ થઈ જતો. કલકત્તાની શ્રીમંત ઘરની સ્ત્રીઓ શ્રીમાને એવી ઓરડીમાં રહેતાં જોઈને બોલી ઊઠતી કે “અરેરે, આ સતી લક્ષ્મી આવી અંધારી કોટડીમાં રહે છે?” પણ તે સમયે આ અંધારી કોટડી પણ બંનેને માટે સ્વર્ગ સમી હતી. કારણ કે તેમને ત્યાં શ્રીરામકૃષ્ણનું સાંનિધ્ય મળતું હતું.

આ આનંદભર્યા દિવસોનાં સંસ્મરણોની વાત કરતાં લક્ષ્મીદીદીએ ભક્તોને કહ્યું હતું : “ઠાકુર મને ને કાકીને રામાયણ-મહાભારતમાંથી વાર્તાઓ કહેતા. એક વાર તેમણે નળરાજાની વાર્તા કહી હતી. ફક્ત વાર્તા કહીને તેઓ અટકી ન જતાં પણ પછી તેમાંથી પ્રશ્નો પૂછતા ને જાણી લેતા કે અમે તે સમજ્યાં છીએ કે નહીં. અને એમણે કહેલી વાત મને ફરીથી બોલવાનું કહેતા અને હું તેમણે કહ્યું હોય તે ફટાફટ બોલી જતી. તેથી તેઓ ખૂબ પ્રસન્ન થઈ મને કહેતા, “તેથી જ તો હું તને પોપટ કહું છું.” ગમ્મત સાથે જ્ઞાનકથાઓ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાની આ યુવાન ભત્રીજીના મનને વૈરાગ્યથી દૃઢ કર્યે જતા હતા. તીવ્ર વૈરાગ્યની સાથે ઉત્કટ ભક્તિ પણ પ્રગટવી જોઈએ એ વાત પર પણ તેઓ ખાસ ભાર મૂકતા. જપ, તપ, કીર્તનમાં લક્ષ્મીદીદી મગ્ન રહે એની પણ તેઓ કાળજી રાખતા.

વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને જપ-ધ્યાનમાં બેસવાથી ઈષ્ટનું અનુસંધાન જલદી થઈ જાય છે એમ તેઓ માનતા. આથી વહેલી સવારે શ્રીરામકૃષ્ણ પોતે નોબતખાનાની ઓરડી પાસે જઈને લક્ષ્મી અને શ્રીમાને ઉઠાડવા માટે લક્ષ્મીના નામની બૂમ પાડતા, કહેતા : “અત્યારે હવે સૂવાય નહીં, ઊઠો અને જપ ધ્યાન કરો.” કોઈ વખત બંને તેમને જવાબ ન આપતાં સૂઈ રહેતાં, ત્યારે શ્રીરામકૃષ્ણ તેઓને ઉઠાડવા માટે બારણામાંથી પાણી ઢોળતા અને પાણીનો રેલો પથારી નીચે આવતાં બંને સફાળા બેઠાં થઈ જતાં. પછી તો શ્રીરામકૃષ્ણની આ તરકીબની તેમને ખબર પડી ગઈ. એટલે પાણીથી તરબતર થવા કરતાં તેઓ વહેલા ઊઠી જવાનું વધુ પસંદ કરતાં. એક જ બૂમે તેઓ ઊઠી જતાં ને જપ-ધ્યાન કરવા બેસી જતાં.

(ક્રમશઃ)

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.