૪૮. માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળુંવળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા, ગુપચુપ, શાંત શક્તિ તે બ્રહ્મ.

૪૯. સમુદ્રનાં જળ ઘડીક શાંત હોય અને ઘડીકમાં ગતિમાન મોજાં બની જાય. બ્રહ્મ અને માયાનું પણ તેવું જ છે. શાંત સાગર તે બ્રહ્મ અને ઊછળતાં મોજાંઓ તે માયા.

૫૦. બ્રહ્મનો શક્તિ સાથેનો સંબંધ અગ્નિ અને એની દાહક શક્તિના સંબંધ જેવો છે.

૫૧. સૃષ્ટિ માટે શિવ અને શક્તિ બંનેની જરૂર છે. સૂકી માટી વડે કોઈ કુંભાર ઘડો ન બનાવી શકે; પાણીની જરૂર પડે જ. એ રીતે શક્તિની સહાય વિના શિવ સર્જન કરી શકે નહીં.

૫૨. માયા જોવાની ઇચ્છાથી, મને એક દિવસ દર્શન થયું: એક નાનું બિંદુ ધીમે ધીમે વિકસવા લાગ્યું અને એણે એક છોકરીનું રૂપ લીધું; છોકરી સ્ત્રીમાં ફેરવાઈ અને એણે એક બાળકને જન્મ આપ્યો; અને જેવું છોકરું જન્મ્યું તેવું જ એને ઊંચકીને એ ખાઈ ગઈ. આ રીતે, એને ઘણાં છોકરાં જન્મ્યાં અને એણે એ બધાં ખાધાં. ત્યારે મેં જાણ્યું કે એ માયા હતી.

૫૩. પોતાની દાઢમાંના ઝેરની અસર સર્પને થતી નથી; પણ એ કરડે છે ત્યારે, જે પ્રાણીને કરડે તેના એ પ્રાણ લે છે. એ જ રીતે, માયા બ્રહ્મમાં છે પણ, એને કશું કરતી નથી ત્યારે, એ જ માયા જગતને મોહમાં નાખે છે.

૫૪. દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત કરતો નહીં અને આખો દિવસ પ્રભુના ધ્યાનમાં ગાળતો. એક દિવસે અચાનક આકાશ વાદળથી ઘેરાયું ને થોડી વાર પછી પવનની એક લહેરે વાદળ દૂર થઈ ગયું. એટલે પેલો સાધુ એની ઓરડીમાંથી બહાર આવ્યો અને હસવા લાગ્યો. આ જોઈ ઠાકુરે એને પૂછ્યું: ‘તમારી ઓરડીમાં શાંતિથી સમય પસાર કરનાર તમે આજે આનંદમાં નાચો છો અને ખુશ ખુશાલ છો તેનું શું કારણ?’ સાધુએ જવાબ આપ્યો: ‘આ જીવનને આવરી લેતી માયા એવી છે! પહેલાં એનું નામનિશાન ન હતું; પણ, બ્રહ્મના ગંભીર આકાશમાં એ અચાનક ટપકી પડે છે, આખા વિશ્વનું સર્જન કરે છે અને બ્રહ્મની ફૂંકે ઊડી જાય છે.’

[હવે પછી પ્રસિદ્ધ થનાર પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.