૮૪૩. કેવળ ઈશ્વર સત્ય છે; જીવજગત તરીકેનાં એનાં લીલારૂપો અસત્ય છે.

૮૪૪. જગત માયા છે એમ કહેવું સહેલું છે પણ, એનો સાચો અર્થ સમજો છો? બળી ગયા પછી કશું ન મૂકી જતા લાકડાના જેવું પણ એ નથી. વિચારના અંત પછી સમાધિ થાય ત્યારે, ‘હું’, ‘તું’ અને જગતનું જ્ઞાન ન રહે.

૮૪૫. પોતાના શિષ્યને બોધ આપતાં ગુરુએ બે આંગળીઓ ઊંચી કરી અને એની દ્વારા બ્રહ્મ અને માયાનું દ્વૈત સૂચવ્યું. પછી એક આંગળી નીચે કરીને ગુરુએ સમજાવ્યું કે, માયાના અદૃશ્ય થતાં જગતનો અંશ પણ નથી રહેતો. માત્ર બ્રહ્મ જ રહે છે.

૮૪૬. માત્ર સમાધિ અવસ્થામાં જ બ્રહ્મજ્ઞાન થાય છે. પછી ત્યાં મૌન હોય છે – સત્-અસત્‌ની, જીવજગતની, જ્ઞાન-અજ્ઞાનની બધી વાતો શાંત થઈ જાય છે. પછી કેવળ અસ્તિભાવ રહે છે. મીઠાની પૂતળી અનંત સમુદ્રમાં મળી ગયા પછી કંઈ વાત કહેવા પાછી આવતી નથી. એ બ્રહ્મજ્ઞાન છે.

૮૪૭. પ્ર. અખંડ આત્મા વ્યક્તિગત આત્માઓના રૂપમાં વિભક્ત કેવી રીતે થાય છે?

ઉ. તાર્કિક વેદાંતી પોતાની બુદ્ધિની સહાય લીધા વિના કહેવાનો કે, ‘હું જાણતો નથી.’ સાક્ષાત્કાર આપે તે જ ઉત્તર પ્રતીતિજનક. ‘હું જાણું છું’ કે, ‘હું નથી જાણતો’ એમ તમે કહો છો ત્યાં સુધી તમે તમારી જાતને એક વ્યક્તિ તરીકે જુઓ છો. ત્યાં સુધી તમારે આ ભેદને લક્ષમાં લેવો ઘટે. સમગ્ર વ્યક્તિત્વ ભૂંસી નખાય ત્યારે, સમાધિમાં બ્રહ્મસાક્ષાત્કાર થાય. પછી ભ્રમ-વાસ્તવ, સત્ય-અસત્ય આદિના બધા પ્રશ્નો સદાને માટે બંધ થાય.

૮૪૮. ‘હું પણું’ છે ત્યાં સુધી, તમારા નિરુપાધિક ને સોપાધિક છે, તમારા નિત્ય ને લીલા છે, તમારા નિર્ગુણ ને સગુણ છે, તમારા અવ્યક્ત ને વ્યક્ત છે, તમારા એક ને અનેક છે.

૮૪૯. સાપેક્ષતાની સપાટીએ છો ત્યાં સુધી તમારે ‘માખણ’ અને ‘છાશ’ બંનેનો સ્વીકાર કરવો પડે. – તમારે – તમારા વ્યક્ત સ્વરૂપનો તથા જગતનો સ્વીકાર કરવો પડે. મૂળ દૂધ સમાધિમાં પામેલ બ્રહ્મ છે, ‘માખણ’ વ્યક્તાવ્યક્ત બ્રહ્મ છે અને, ‘છાશ’ એ ચોવીસ તત્ત્વોનું બનેલું જગત છે.

૮૫૦. અદ્વૈતવાદીએ એમ નહીં કહેવું જોઈએ કે, ‘મારી વાત જ સાચી અને તર્કસંગત છે અને, વ્યક્ત બ્રહ્મમાં માનનારા જૂઠા છે.’ ઈશ્વરનાં વ્યક્ત સ્વરૂપો ઓછાં સત્ય નથી પણ દેહ, મન કે બાહ્ય જગતના કરતાં વધારે સત્ય છે.

૮૫૧. અદ્વૈતની વાત માંડો એટલે દ્વૈતનો પક્ષ મંડાય જ. નિરુપાધિકની વાત કરીએ ત્યારે સોપાધિકને ગૃહીત ગણીને ચાલવું પડે. સમાધિમાં સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી, તમારું નિરુપાધિક બ્રહ્મ પણ સોપાધિકની ઉપાધિ જ છે અથવા, એ પોકળ શબ્દ છે. એ જેમ છે તેમ એનું વર્ણન તમે કરી શકતા નથી; કારણ એમ કરવામાં તમે એની ઉપર કોઈ અન્ય તત્ત્વનો ઢોળ ચડાવો છો. એ ઢોળ તમારા વ્યક્તિત્વનો છે.

૮૫૨. મારામાં ‘હું પણું’ છે ત્યાં સુધી મારી સામે સાકાર ઈશ્વર છે; વિવિધ રૂપો દ્વારા એનો મહિમા એ પ્રગટ કરે છે. એ જગત સ્વરૂપે તેમ જ જીવરૂપે પણ પ્રગટ થાય છે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી)

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.