(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ તમીળમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર – સં.)

પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદી વનમાં બેસીને પ્રકૃતિનું સૌંદર્ય માણી રહ્યાં હતાં. મજાની સુગંધ સાથે એક સુંદર પુષ્પ હવામાં ઊડીને આવ્યું. તેમણે એ પુષ્પ હાથમાં લીધું અને તેના સૌંદર્ય તથા સુગંધનો આનંદ માણ્યો. પછી એમણે ભીમને બોલાવીને કહ્યું: ‘આ ફૂલ તો જુઓ, અને એની સુગંધેય કેવી મજાની! મારા માટે આવાં થોડાં સુંદર સુગંધી ફૂલો લાવી આપશો?’ દ્રૌપદીની ઇચ્છા જાણીને ભીમે જ્યાંથી સુગંધ આવતી હતી એ દિશા તરફ જવાનું શરૂ કર્યું. થોડા સમય પછી થોડા અંતરે આવા સુંદર મજાના એક પુષ્પોદ્યાનમાં પ્રવેશ્યા. ત્યાં હનુમાનજી કેળાના એક વૃક્ષ નીચે બેઠા હતા. ભીમે આ પહેલાં આવો વિશાળકાય વાનર જોયો ન હતો. હનુમાનજી તો બરાબર શાંતિથી ભીમના રસ્તામાં જ બેઠા હતા. તેમણે આગંતુકને પૂછ્યું: ‘તમે કોણ છો? આ સ્થળ માટે તમે અજાણ્યા દેખાવ છો. તમે ક્યાંથી આવો છો? હવે પછીનું જંગલ ઘણું ગાઢ છે. અહીં થોડા ફળ છે. એ ફળ ખાઈને તમે તમારા ઘરે પાછા ફરો એ સારું.’

ભીમ તો આ વાનરની વાણી સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો! તેમણે વાનરને પૂછ્યું: ‘આપ કોણ છો, એ જણાવવા હું આપને વિનંતી કરું છું. મને તમે કોઈ સાવ સીધાસાદા વાનર લાગતા નથી. કદાચ આપ વાનરના રૂપે કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકો. હું પાંચ પાંડવોમાંનો ભીમ છું. મારે હવે આગળ જવું છે. એટલે તમે મને માર્ગ આપો.’

પછી પેલો વાનર તો હસ્યો અને કહ્યું: ‘ભાઈ, હું તમારા રસ્તામાં છું, એમ! તમે આ રસ્તામાં મારી પૂંછડી છે એના પરથી ચાલ્યા જાઓ.’ ભીમે કહ્યું: ‘તમે મારા કરતાં ઉંમરમાં મોટા છો. હું કંઈ તમારી પૂંછડી પર ચાલીને જવા ઇચ્છતો નથી. પણ જો તમે કહો તો તમારા પરથી હનુમાનજીએ જેમ સાગર ઓળંગ્યો હતો તેમ ઠેકડો મારીને ચાલ્યો જાઉં.’

વાનરે તો પોતાની આંખ પટપટાવી અને પછી કહ્યું: ‘ભાઈ, આ હનુમાનજી કોણ? તમને એમના પ્રત્યે ઘણું માન છે.’ એ સાંભળીને ભીમને થોડી શરમ આવી અને કહ્યું: ‘તમે તો વાનર છો અને હનુમાન વિશે જાણતા નથી? હનુમાનજી તો વાનરશ્રેષ્ઠ છે, મારા ભ્રાતા સમા છે, મહાન વિદ્વાન છે અને શ્રીરામના ભક્ત છે. જ્યારે સીતાને રાવણ હરી ગયો ત્યારે તેમણે મહાસાગર ઓળંગીને સીતાને શ્રીરામનો સંદેશો પાઠવ્યો. એની સામે તો મારી કોઈ વિસાત નથી. મહેરબાની કરીને મને ખસીને માર્ગ આપો. નહિતર પછી હું મારી તાકાતનો પરચો બતાવીશ.’

આમ થોડા ક્રોધના આવેશમાં આવેલ ભીમને જોઈને હનુમાનજી થોડું હસ્યા અને કહ્યું: ‘ભાઈ, તું ગુસ્સે ન થા. હું તો સાવ ઘરડો થયો છું અને એમ ઝડપથી બેઠો થઈ શકું એમ નથી. તને તો આગળ જવા માટે આ મારી પૂંછડી જ નડે છે; એમ કર, એ પૂંછડીને એક બાજુ ખસેડીને મૂકી દે અને પછી ચાલ્યો જા.’ ભીમને તો આ સાંભળીને હસવું આવ્યું. ડાબે હાથે પૂંછડી ઊંચકવાનો પ્રયત્ન કર્યો; પણ એમ કંઈ પૂંછડી હલે ખરી! એણે તો પોતાની ગદાથી પૂંછડી ખસેડવાનો પ્રયત્ન કર્યો પણ પૂંછડી ન હલી કે ન ચલી. બંને હાથે પૂરી તાકાત અજમાવીને પૂંછડીને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં એને સફળતા ન મળી. ભીમભાઈ તો હેરાન થઈ ગયા અને આ વાનર તો હસતો હસતો રસ્તા વચ્ચે બેઠો છે!

પછી ભીમ વાનર સામે ગયો. એમને દંડવત્ પ્રણામ કર્યા અને કહ્યું: ‘હે મહાપુરુષ મને માફ કરો. તમે ખરેખર મહાન છો. તમે કોણ છો, એટલું મને કહો.’ 

હનુમાને થોડું હસીને કહ્યું: ‘હું વાયુપુત્ર હનુમાન છું.’ અને તેઓ ભીમને ભેટી પડ્યા. બંને ખુશખુશાલ હતા. આનંદના આંસુ બંનેની આંખમાંથી વહી રહ્યાં હતાં. પછી હનુમાનજીએ કહ્યું: ‘ભીમ, હું તારી શક્તિથી પ્રસન્ન થયો છું. હું તને વરદાન આપું છું. તારી ઇચ્છા હોય તે વર માગ.’ ભીમે કહ્યું: ‘જો આપ અમારી સાથે છો તો કૌરવો તો મૂઆ જ પડ્યા છે.’ હનુમાનજીએ કહ્યું: ‘વત્સ, તું ચિંતા ન કર. હું અર્જુનના ધ્વજમાં બિરાજીશ અને તમારા સૈનિકોને પ્રેરતો રહીશ. હવે તું આગળ વધી શકીશ. પણ તારો રસ્તો ઘણો કઠિન છે. સાવધાન રહેજે. તને પુષ્પો તો મળી રહેશે.’ ભીમ આગળ વધ્યો અને દ્રૌપદીની ઇચ્છા મુજબનાં પુષ્પો લઈને પોતાની કુટિરમાં પાછો ફર્યો.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.