કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ ડૉ. શ્રી આર.એ. માશેલકરે ૭-૮ ઑગસ્ટ, ’૯૯ના રોજ બઁગલોર મુકામે યોજાયેલ નૅશનલ સાયન્સ સમિટમાં આપેલ વ્યાખ્યાનના કેટલાક સંકલિત અંશોનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ.-સં.
જ્ઞાનકેન્દ્રી આવતી કાલ
આપણું ભવિષ્ય કેવું હશે એ જાણવું હોય તો આપણે એ સમજી લેવું પડશે કે ભાવિ સમાજ જ્ઞાનકેન્દ્રી સમાજ હશે એટલે કે જેમની પાસે વધુ ને વધુ જ્ઞાનમાહિતી હશે તે જ્ઞાની સમાજ ગણાશે. આવતીકાલનું અર્થશાસ્ત્ર પણ જ્ઞાનમૂલક અર્થશાસ્ત્ર હશે, આવતી કાલનું માર્કેટ પણ જ્ઞાનકેન્દ્રી માર્કેટ હશે. ભવિષ્યના યુદ્ધો હવે માત્ર શસ્ત્રો, બંધૂકો કે મિસાઈલ્સ જેવાં પરંપરાગત શસ્ત્રોથી નહીં લડાય. પરંતુ હવે પછીનાં પરમાણુ હથિયારો જ્ઞાન અને માહિતી હશે. હવે પેટન્ટના હક્ક માટેનું યુદ્ધ થશે. હમણાં જે ઇસ્ટમેન કોડક અને પોલરાઈડ કંપનીઓ વચ્ચે પેટન્ટ યુદ્ધ થયાં એનું નિરાકરણ ૧ કરોડ ડૉલર ચૂકવીને થયું હતું. આ ચૂકવણીની રકમ ભારતના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના બજેટ કરતાં અર્ધી છે. એટલે કે હવે પછીનું જ્ઞાનવિદ્યા યુદ્ધ મોઘું થતું જાય છે.
એટલે જ્ઞાનમાહિતીવિદ્યાનું જ્ઞાન મૂલક સમાજમાં કેટલું પ્રબળ વર્ચસ્વ છે એ આપણે હવે જોવાનું છે. ૧૯મી સદીના જ્હોન રોકફેલરથી માંડીને ૨૦મી સદીના અંતમાં સુલતાન બ્રુનેઈ સુધીના વિશ્વના સૌથી વધુ ધનકુબેરો પેટ્રોલિયમ ઉત્પાદનઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ માનવજાતના ઈતિહાસમાં પહેલીવાર જેમણે જ્ઞાનમાહિતીવિદ્યા દ્વારા જ્ઞાનનો વ્યાપ વધાર્યો તે બિલ ગેટ્સ આજે દુનિયામાં સૌથી વધુ ધનવાન વ્યક્તિ છે. આવું માત્ર અમેરિકામાં જ બન્યું. પરંતુ જેમની પાસે આ જ્ઞાનવિદ્યા હતી, બુદ્ધિ હતી, તેમણે તેમના જ્ઞાનથી દુનિયાના બુદ્ધિમાન વ્યક્તિઓમાં એવું નવું જોમ પૂરું પાડ્યું છે, વિશ્વમાં એક નવી ક્રાન્તિ સર્જી દીધી છે. ૨૧મી જુલાઈ ૧૯૯૯માં ઈન્ફોસિસ ટૅકનૉલૉજીની બજારુ કિંમત ૧૯,૦૯૬ કરોડ રૂપિયા થવા જાય છે. આ રકમ ભારતના કદાવર જંગના રીલાઈન્સના પેટ્રોકેમિકલ ઉદ્યોગગૃહના રોકાણ-૧૯,૩૯૮ કરોડ-કરતાં માત્ર ૨૬૮ કરોડ રૂપિયા જેટલું ઓછું છે.
ઉત્પાદન માટેનાં પરંપરાગત પરિબળો જમીન મજૂરી અને મૂડી આ ઈન્ફોસિસ ટૅકનૉલૉજીના પ્રમાણમાં ઘણાં ઓછાં અગત્યનાં બની ગયાં છે. આ ટૅકનૉલૉજીને અર્થશાસ્ત્રીઓ ‘ઉત્પાદન સીમાના વિસ્તરણ’ તરીકે ઓળખાવે છે. ટૅકનૉલૉજીનો સ્રોત વિજ્ઞાન છે અને એની આધારશિલા જ્ઞાન છે. આવતીકાલના ઉદ્યોગો તે જ્ઞાન કેન્દ્રી ઉદ્યોગો હશે એમ આપણે કહી શકીએ. ભૌતિક સમૃદ્ધિ, થાપણનું મહત્ત્વ હવે ઓછું થશે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જ્ઞાનબુદ્ધિમત્તાની સંપદા ઉદ્યોગોનું સ્થાન અને તેની સ્પર્ધાત્મકતા નક્કી કરતું મહત્ત્વનું પરિબળ બની રહેશે. આવા ઉદ્યોગગૃહોમાં જ્ઞાનમાહિતીવાળા પણ ચીલાચાલુ, પૂર્વવિચારણા વિહોણા કાર્ય કરનારા કાર્યકરોને દરેક પળે અને પ્રત્યેક સ્તરે જ્ઞાનકેન્દ્રી શ્રમનો ઉપયોગ કરનારા શ્રમિકોમાં પરિવર્તિત કરી શકાશે. આ નવી ટૅકનૉલૉજીના જ્ઞાનવાળા કુશળ કારીગરો માટે આ માહિતીજ્ઞાન તેમના પરિશ્રમ અને ઉત્પાદનના કાચા માલસામાનની સંપદા બની રહેશે.
ઘણાંને આશ્ચર્ય થશે કે આમ ઉદ્યોગગૃહોમાં ભૌતિક સંપદા, યંત્રો વગેરેની અગત્ય કેમ ઘટતી જાય છે. પ્લાન્ટ તેમ જ યંત્રો આજે પણ વ્યાપારની રીતે ઘણાં અગત્યનાં છે. પરંતુ હમણા સુધી તો મૂડી અછતવાળી સંપદા ગણાતી અને સ્પર્ધાત્મક લાભ ખાટવા તેનો ઉપયોગ થતો. આજે વિશ્વભરમાં વૈશ્વિક બજારોમાં પ્રવેશેલી કંપનીઓએ ઓછા ખર્ચાળ દરે નાણા રોકાણના ક્ષેત્રે પણ પગપેસારો કર્યો છે. મૂડી પણ હવે દુષ્પ્રાપ્ય વસ્તુ રહી નથી. જ્ઞાનમૂલક નકલખોરીના અભાવવાળા અને અનોખી માલિકીપણા જેવી જ્ઞાનકેન્દ્રી અમૂર્ત માલમિલકતો કંપનીઓને સ્પર્ધાત્મકતાની કોર-કિનારીઓ પૂરી પાડે છે. આ અમૂર્ત માલમિલકતોનું સ્વરૂપ ઉદ્યોગે ઉદ્યોગે અલગ અલગ રહે છે. પરંતુ એમાં પણ સંશોધન અને વિકાસ, પેટન્ટ્સ, સ્વમાલિકીની ટૅક્નૉલૉજીઓ, ડેટાબેઈસીઝ, માર્કા અને સંબંધો, લોકો જેવા કેટલાંક સર્વસામાન્ય અંગ-પાસાં રહેલાં છે.
રૂપ પરિવર્તન
વિશ્વમાં વિકાસ પામતા મહત્ત્વના ઉદ્યોગો જેવા કે માઈક્રોઈલેક્ટ્રોનિક્સ, બાયોટૅક્નૉલૉજી, ડિઝાઈનર મેય્ડ મટીરિયલ્સ તેમજ સંદેશ વ્યવહાર વગેરે મેધાશક્તિ ધરાવતા-બ્રેય્નપાવર-ઉદ્યોગો છે. આ જ્ઞાનવર્ધક ઉદ્યોગો બીજા ઉદ્યોગોને પ્રેરીને ઉત્તેજિત કરે છે. એના વળતર રૂપે પોતે જ્ઞાનમૂલક ઉદ્યોગ બને છે. પેટ્રોલિયમ ઉદ્યોગોનો વિચાર કરીએ તો પેલા ‘પિપના તળિયા’નો વિવાદ ભરેલો મુદ્દો આ ઉદ્યોગોના અર્થકારણનું ચાલક બળ છે. પણ નવી ક્ષિતિજો ખૂલતાં ત્રિપરિમાણમાં વિકાસ થયો છે. તે હાંસલ કરવા ધ્વનિ પદ્ધતિ, જમીનપરના સારકામ, સમુદ્રની ઊંડે ઊંડે થતા સારકામે પેટ્રોલિયમના ઉદ્યોગને જ્ઞાનકેન્દ્રી ઉદ્યોગમાં ફેરવી નાખ્યો છે. ખાદ્ય પદાર્થોના ઉદ્યોગો, ચર્મોદ્યોગમાં પણ આ જ બાબત જોવા મળે છે. એટલે ટૂંકમાં કહીએ તો દરેક ઉદ્યોગને સફળતા ત્યારે જ મળે કે જ્યારે તે જ્ઞાનમાહિતીવિદ્યામૂલક ઉદ્યોગ બને.
જે રાષ્ટ્ર જ્ઞાનના વિષયવસ્તુની ગહનતામાં વધારો ન કરે તો તે પોતાની નિકાસમાં પાછળ રહી જશે. ભારત ઝરકોનિયમ પ્રતિ કિલોગ્રામ દીઠ એક સેંટમાં વેંચે છે. પરંતુ, તેમાંથી સંશોધિત ઝરકોનીઆ પ્રતિ કિલોગ્રામ દીઠ ૧૫૦ ડૉલરમાં ખરીદે છે. જ્ઞાનમેધા દ્વારા કિંમતની આ અનન્ય વૃદ્ધિને આપણે એક મૂક પ્રેક્ષક બનીને જોઈ રહીએ છીએ. આથી આપણી સામે જ્ઞાન સંવર્ધન કરવા માટેનો આ એક અનન્ય પડકાર છે. જો આપણી પાસે જ્ઞાનમાહિતીમેધા હશે તો, આપણે ઉત્પાદન વધારી શકીશું અને વધુ સારી કમાણી કરી આપતી નિકાસ પણ વધારી શકીશું.
ભારતના ઉદ્યોગગૃહો અને નવા પડકારો
આપણા રાષ્ટ્ર નિર્માતાઓની દીર્ઘ દૃષ્ટિને લીધે આજે ભારતમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની વિશાળ ભૌતિક સંપદા સાથેની ભૂમિકા તૈયાર છે. ૨૫૦ જેટલી યુનિવર્સિટીઓમાં ૧૫૦૦ જેટલી સંશોધન કરતી સંસ્થાઓ છે. જેમાંથી ૫૦૦૦ જેટલા સંશોધન કક્ષાના નિષ્ણાત તજ્જ્ઞો બહાર પડે છે. આજે સાયન્સ અને ટૅક્નૉલૉજીની માનવશક્તિની બાબતમાં ભારત વિશ્વના કોઈ પણ દેશને ઈર્ષ્યા આવે એવું મોખરાનું સ્થાન ધરાવે છે. સ્વતંત્રતા પછી ભારતે આ ક્ષેત્રે અનેક સંસ્થાઓની સ્થાપના કરી છે. એમને વિવિધ ક્ષેત્રોના બહુમુખી વિકાસ કરવા માટે પોષવામાં આવે છે. જેમાં કૃષિ, પરમાણુ ઊર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પર્યાવરણ, અવકાશ, મહાસાગર, બાયોટૅક્નૉલૉજી, બિનપરંપરાગત ઊર્જાના સ્રોતો, સંરક્ષણ વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ રાષ્ટ્રીય પ્રયોગશાળાની શૃંખલાઓ ઘણાં ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા પૂરવાર કરી રહી છે અને હું માનુ છું કે ૨૧મી સદીનાં પ્રારંભનાં વર્ષોમાં આપણા દેશને સ્પર્ધાત્મકતાના ફળદાયી લાભો મેળવી આપતાં રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ શાખા આપણા સૌના ગૌરવ સાથે સરળતાથી સફળતાનાં ઉચ્ચતમ શિખરો સર કરી શકશે. પરંતુ આપણા ઉદ્યોગગૃહો જ્ઞાનમાહિતીના નેટવર્ક્સ ઊભાં નહીં કરે તો આ સ્પર્ધાત્મક ફળદાયી લાભોનો કોઈ ઉપયોગ કે અર્થ સરવાનો નથી. કઈ રીતે જ્ઞાનમાહિતીનાં નેટવર્કને ઉત્પાદન કરતા વિભાગો અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતી સંસ્થાઓ સાથે જોડવું અને એની સામેની અડચણો કઈ કઈ છે? આ પ્રશ્નોના ઉત્તર માટે ઉદ્યોગગૃહો અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટે પોતાનાં મનોવલણોમાં પરિવર્તન લાવવાં પડશે. જાહેર નાણાથી ચાલતી રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સંસ્થાઓનો નવા નવા વિચારો અને નવી નવી સંકલ્પનાઓ જન્માવતી સંસ્થાઓ તરીકે ઉદ્યોગગૃહોએ ઉપયોગ કરવો જોઈએ. એટલે ભારતીય ઉદ્યોગોએ સંશોધન કરતી સંસ્થાઓના ભાગીદાર બનવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આવી સંસ્થાઓ પાસે પોતાના નવા વિચારોને જાહેરમાં-બજારમાં મૂકવા માટેની શક્તિઓ છે. સંશોધન અને વિકાસશીલ પ્રયોગશાળામાંથી જે કાંઈ બહાર પડશે અને જે જ્ઞાન અને માહિતી સભર હશે તેને વ્યાપાર કરતા એકમોએ વેંચી શકાય તેવા માલસામાન કે સેવાઓમાં પરિવર્તિત કરવું પડશે. આથી ભારતીય ઉદ્યોગોએ સંશોધન અને વિકાસ કરતી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંલગ્ન રહીને એક સારી મજાની વ્યાપારિક વ્યૂહરચના ઘડવી જોઈએ. આવી ધારદાર જ્ઞાનમાહિતીનો ઉપયોગ કરીને વ્યાપાર ક્ષેત્રમાં સ્પર્ધાત્મક લાભ મેળવી શકાય અને સંશોધન અને વિકાસ જેવી સંસ્થાઓનો આના સ્રોત તરીકે ઉપયોગ કરવો જોઈએ એ વાત આજના વ્યાપારગૃહોને ગળે ઊતરવી જ જોઈએ.
મેં ભારતના જ્ઞાનમાહિતીના નેટવર્ક વિશે વાત કરી છે પરંતુ, આર્થિક લાભ સાથેના વૈશ્વિક જ્ઞાનમાહિતીના નેટવર્કની શક્યતાઓના ક્ષેત્રમાં ભારત ઘણું મહત્ત્વનું પ્રદાન આપતું અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતું રાષ્ટ્ર બની શકે. વ્યાપારીકરણની સંકલ્પનાની શૃંખલા આજે આવશ્યક રીતે દેશ દેશની સીમાઓનું અતિક્રમણ કરી રહી છે. આજે યુ.એસ.એ. અને યુરોપની કેટલીય જંગી મલ્ટિનેશનલ કોર્પોરેશન્સ-કે જેમના રિચર્સ અને ડેવલપમેન્ટના બજેટ ભારતના આ ક્ષેત્રના બજેટ કરતાં ઘણાં મોટાં છે – ભારતના રિચર્સ અને ડેવલપમેન્ટની પ્રયોગશાળાઓ સાથે ભાગીદાર બની રહ્યા છે. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિચર્સ (સી.એસ.આઈ.આર.)ની સાથે ભાગીદારી કરનારા-કદાવર ઉદ્યોગગૃહો જેવાં કે મોબિલ, ઍમોકો, જનરલ ઈલેક્ટ્રિક, ડુ પોન્ટ, બોઈંગ, સ્મિથ ક્લાઈન અને બીચેમ-ઉદ્યોગગૃહો બન્યાં છે. આપણી પુણેની નેશનલ કેમિકલ લેબોરેટરીએ ગયે વર્ષે યુરોપ અને યુ.એસ.એ.માં જ્ઞાનમાહિતીની નિકાસ કરીને ૪૦ લાખ ડૉલરની કમાણી કરી છે. ભારત માટે લાંબા સમય સુધી સતતપણે પશ્ચિમના જ્ઞાનની પ્રાપ્તિ માટેની મથામણ કરવાને બદલે એનાથી ઊલટી પ્રક્રિયા આ જ્ઞાનપ્રદાનના ક્ષેત્રે શરૂ કરવા માટેની તકો હવે આપણા દેશમાં ઊભી થવા માંડી છે.
ભારતીય જ્ઞાન ઉદ્યોગોની શક્તિઓનું પ્રયોજન
આર્થિક રીતે ભારત જેવો ગરીબ દેશ જ્ઞાનોદ્યોગમાં બહાર આવે એ આપણા માટે ઘણા સારા સમાચાર છે. જ્ઞાનકેન્દ્રી ઉદ્યોગની બધી શક્તિઓને પૂરેપૂરી કામે લગાડવા આક્રમક અને દૂરંદેશી નીતિનું સુયોજિત માળખું, સર્જનાત્મક આયોજન તેમજ સાહસ સાથેની જોખમ ખેડવાની હામ, આ બધાંની જરૂર છે. સોફટવેરનો વિકાસ, ઔષધ ઉદ્યોગો, બાયો ટૅક્નૉલૉજી, વગેરેમાં આ જ્ઞાન ઉદ્યોગોએ કામ કરવું જરૂરી છે. આજે ગતિશીલ વ્યાપારિક સ્થિતિ હોવાને કારણે હરીફાઈના અનોખા વાતાવરણમાં આની ઘણી માગ છે. આ માટે ઉચ્ચકાર્યક્ષમતા અને બંધારણ-રચનાઓમાં તડજોડ કરીને આવા ઉદ્યોગો ક્રિયાન્વિત કરવા જોઈએ. સરકારની કાર્ય કરવાની નીતિ આવા ઉદ્યોગોને વેગ મળે તેવી રાખવી પડશે. જ્ઞાનકેન્દ્રી અને જ્ઞાન આધારિત અમૂર્ત થાપણનું આપણે પાયામાંથી પરિવર્તન કરવું પડશે.
ભારતના બિલ ગેટ્સ બની શકે તેવા સામર્થ્યવાન અને ટૅક્નૉલૉજીની કોઠાસૂઝવાળા કેટલાય યુવાન તજ્જ્ઞોને સાથે રાખીને આ નવા જ્ઞાનમૂલક ઉદ્યોગો સ્થાપવા માટે આપણા દેશમાં તકો ઊભી કરવી પડશે. એ માટે ભારતે યોગ્ય એવું ‘ટૅક્નૉલૉજી ફાયનાંસિંગ મિકૅનિઝમ’ ગોઠવવું પડશે. આ વ્યવસ્થા તંત્ર જોખમ પણ ખેડી શકે અને જ્ઞાનકેન્દ્રી ઉદ્યોગોને સામગ્રી પૂરી પાડી શકે અને પ્રેરી શકે તેવું હોવું જોઈએ. ખાસ કરીને સાહસ-જોખમભર્યા ક્ષેત્રમાં ભારત ઘણું પછાત છે.આપણી સામે વિકસેલા એપલ કમ્પ્યુટર અને બાયો મૅડિકલમાં જિનેટેકના ઉત્પાદનોએ આ મૂડી રોકાણના જોખમભર્યા સાહસ વિના પોતાના આજના ઊજળા દિવસો જોયા ન હોત.
આઈપીઆર અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા
આ પહેલાં મેં જણાવ્યું કે જ્ઞાનમાહિતીનું આ યુદ્ધ વધુ ખર્ચાળ છે. જેનો સામનો ભારતીય ઉદ્યોગોએ કરવો પડશે, કારણ કે આ આર્થિક વ્યવસ્થા વૈશ્વિક આર્થિક વ્યવસ્થા સાથે વધુ સારી રીતે જોડે છે. ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈ.પી.આર.) યુદ્ધ વધારે ખતરનાક બનતું જાય છે. આ જ્ઞાન આધારિત હરીફાઈમાં આઈપીઆર એક મહત્ત્વનું સાધન છે. ભારત આ યુદ્ધ ક્ષેત્રમાં હજી ઘણું પાછળ છે. આ ક્ષેત્રની સતત અજ્ઞાનતાએ આઈપીઆરના ક્ષેત્રને ઘણું નુકસાન કર્યું છે. આઈપીઆરની સ્થાપના માટેની પ્રભાવક પદ્ધતિઓ ઊભી કરવા માટે ડૉક્યુમેન્ટેશન, આર્થિક કિંમત, સંરક્ષણ અને એનો પૂરેપૂરો કસ-લાભ મેળવવા અંગે ભારે કાર્ય કરવું પડશે. પેટન્ટ માટે આપણે રાષ્ટ્રીય કક્ષાએ રસ લેવો જોઈએ, તેના દરેક પાસાની ચર્ચા કરવી જોઈએ. નબળી ભૌતિક સંપદા, અપર્યાપ્ત બૌદ્ધિક સંપદા, લોકજાગૃતિનો અભાવ, સરકારની નીતિનિર્ધારણ અને અમલીકરણમાં દેખાતું અને આવતું ઢીલાપણું અને દૃઢચુપચુપણું આપણા દેશને મોટું નુકશાન પહોંચાડે છે. આપણે પેટન્ટની બાબતમાં ગુણવત્તાની દૃષ્ટિએ અને બહુલતાની દૃષ્ટિએ વિશ્વ કરતાં પાછળ છીએ. આપણી ઘણી રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોએ અનુકરણાત્મક સંશોધન અને ઊલટી પ્રક્રિયાવાળું ઈજનેરી ક્ષેત્રે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે નવીન સુધારણાવાળા સંશોધન અને વિકાસશીલ, પ્રગતિશીલ ઈજનેરીક્ષેત્રે ખરેખર આગળ વધી શકીએ તે માટે આપણાં મનબુદ્ધિવિદ્યાને કેવી રીતે પરિવર્તિત કરવાં જોઈએ? આ જ પહેલો અને મોટો પડકાર છે. વાંચવા સમજવામાં, યંત્રયંત્રાંગનું સુયોગ્ય રીતે ઘડતર કરવામાં અને પેટન્ટનો કસ કાઢવામાં બુદ્ધિચાતુર્યનો ઉપયોગ એ આવતાં વર્ષોમાં સૌથી વધારે મહત્ત્વનું કાર્ય બની રહેવાનું છે. પણ આપણે પેટન્ટને સમજી જાણી શકતા નથી અને એને લખી પણ શકતા નથી, એ બાબતમાં આપણે પછાત છીએ. આઈપીઆરના રક્ષણ માટે માનવશક્તિનું આયોજન એ આજની પ્રથમ જરૂરત બની છે. આઈપીઆરને કાયદાશાખાનો ફરજિયાત વિષય બનાવવો જોઈએ. આપણા ઈજનેરી અને ટૅક્નૉલૉજી શાખામાંથી બહાર પડતા સ્નાતકોને આઈપીઆરનો ખ્યાલ નથી અને નવાઈની વાત તો એ છે કે આ જ યુવાનોએ જ્ઞાનમાહિતીવિદ્યાના યુદ્ધના બજારમાં લડવાનું છે. એટલે જ પેટન્ટની તાલીમ માટેની અસંખ્ય સંસ્થાઓ સ્થાપવી પડશે. ચીને આવી ૫૦૦૦ જેટલી સંસ્થાઓની સ્થાપના કરી છે. પેટન્ટ અંગેની માહિતી અને એને કાર્યાન્વિત કરી શકાય તેવા પેટન્ટના કાયદાકીય આયોજન કરતાં માહિતી કેન્દ્રો, માહિતીનું ડૉક્યુમેન્ટેશન કરનારા, માહિતીનો ઉપયોગ કરનારા, આઈપીઆરના નિષ્ણાત અને ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના તજ્જ્ઞો, વગેરેની જરૂર પડશે.
જ્ઞાનના પાયા પર આધારિત ઉદ્યોગો- ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોએ- આઈપીઆરના સામ્રાજ્યના નવા પડકારોનો સામનો કરવો પડશે. ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીએ પોતાનો વિકાસ દર પ્રભાવક રીતે જાળવી રાખ્યો છે. આપણે તો આ ક્ષેત્રની મહાસત્તા બનવાનાં સ્વપ્ન સેવીએ છીએ. આપણા સોફટવેરની નિકાસને ૨૦લાખ ડૉલરમાંથી ૫ કરોડ ડૉલર સુધી આવતાં દસ વર્ષમાં પહોંચાડવા માગીએ છીએ. આ માટે આપણે નવીન સુધારણાવાળાં આઈટી ઉત્પાદનો તરફ વળવું પડશે અને એને માટે આઈપીઆરને કવચ આપવું પડશે. આપણા આઈટી ઉદ્યોગે આની બહુ કાળજી લીધી નથી, પરંતુ આ બાબતમાં હવે પૂરતું ધ્યાન આપવું પડશે.
નિત્ય નવીન ભારતીય સાહસિકતાનું ઘડતર
૨૧મી સદીમાં બધાં ભારતીય સાહસો પરિવર્તનશીલ સાહસો બનવાં જોઈએ અને તેમને દોરનારા પણ સંશોધનાત્મક નવીન સુધારણા લાવનારા તજજ્ઞો હશે. આ તજજ્ઞો વિચારક, આર્ષદૃષ્ટા, અશક્યને શક્ય કરનારા અને લોકોને પણ એ માટે પ્રેરણા આપનારા હશે. આવા તજજ્ઞોએ સમગ્ર પ્રક્રિયામાં નવીન સુધારણા લાવવી પડશે, બુદ્ધિમનથી માંડીને બજાર સુધી પણ પરિવર્તનશીલ રહેવું પડશે. આ જ છે તજજ્ઞોની વ્યાખ્યા. નવીન સુધારણા લાવનારા તજજ્ઞ બીજા બધા જુએ છે એટલું તો જુએ છે પરંતુ, બીજા કોઈ એ વિશે જેટલું વિચારી નથી શકતા એટલું તેઓ વિચારી શકે છે. આવા તજજ્ઞ એમ કોઈ દિવસ માનતા નથી કે આ થઈ ન શકે.
પરિવર્તન કરવા ઇચ્છતી કોઈપણ કંપનીએ જોખમ તો ખેડવું જ પડશે. આવી સંસ્થા માટે પહેલેથી સુનિશ્ચિત ઢાળઢબવાળી કે પરિવર્તન વિનાની કાર્યરીતિ ચાલશે નહીં. મારા એક મિત્ર જે વિદેશની એક કંપનીમાં (સીઈઓ) ઘણા મોટા હોદ્દા ઉપર છે તેમણે મને કહેલું: ‘જે લોકો ભૂલ કરે છે એમને અમે કાઢી મૂકતા નથી, પરંતુ જે લોકો જોખમ ખેડવા કે સાહસ કરવા તૈયાર નથી તેમને અમે ઉડાડી દઈએ છીએ.’ પછી મને તેમણે કહ્યું: ‘તમે ભારતમાં શું કરો છો?’ મેં કહ્યું: ‘અમે તો જે સાહસ કરે, જોખમ ખેડે એને જ ઉડાડી દઈએ છીએ.’ આપણે આ વલણ સુધારવું જ રહ્યું. આપણે જે લોકો જોખમ ખેડવા તૈયાર થાય, સાહસ કરવા તૈયાર થાય તેમની કદર કરવા અને એનો બદલો ચૂકવવા તૈયાર રહેવું પડશે. આવી નવીન સુધારણાવાળી, નવાં સંશોધનો કરતી કંપનીઓએ નવું નવું વિચારતા અને સાહસ ખેડનારા લોકોને પ્રોત્સાહિત કરવા પડશે. આપણે પ્રેરણાને કાર્યાન્વિત કરનાર અને ઉકેલ શોધનાર તેમજ વિચારોને ઉત્પાદનમાં પરિવર્તિત કરનાર લોકોને આગળ આવવા માટે સુવિધાઓ કરી આપવી પડશે.
જ્ઞાન અને નવીન સુધારણા લાવતા મૅનૅજમૅન્ટે આપણે જે કોઈ ક્ષેત્રમાં કંઈ કરીએ છીએ, સર્જીએ છીએ, તેના પર વિચારવું પડશે. ભારતમાં મૅનૅજમૅન્ટની ઘણી સુખ્યાત સંસ્થાઓ છે અને આ સંસ્થાઓ વ્યાપાર, અર્થકારણ, નાણાવ્યવસ્થા, માર્કેટીંગ વગેરે ક્ષેત્રોના નિષ્ણાત સ્નાતકો આપવાનું અદ્ભુત કાર્ય કરે છે. પરંતુ ટેક્નોલોજી મૅનૅજમૅન્ટ પર કે વધારે ઉપયોગી એવા જ્ઞાનકેન્દ્રી મૅનૅજમૅન્ટ પર હજી મહત્ત્વ અપાયું નથી અને સૌથી વધારે અગત્યના નવીન સુધારણા લાવતા મૅનૅજમૅન્ટને પણ મહત્ત્વ અપાયું નથી. આજની આપણી મૅનૅજમૅન્ટનું શિક્ષણ આપતી સંસ્થાઓમાં આ પાસાંઓને વધુ મહત્ત્વ આપવું પડશે અને એના શિક્ષણને કેન્દ્રમાં રાખીને ચાલવું પડશે.
છ મુદ્દાનો કાર્યાન્વિત કરનારો કાર્યક્રમ
(૧) આર્થિક રીતે ગરીબ છતાં ભારત બુદ્ધિમત્તામાં મોખરે છે. ઉદ્યોગમાં જ્ઞાનને સ્થાન આપવું એ સારી વાત છે. ઉત્પાદનની પરંપરાગત સંપદા-જમીન, મૂડી, મજૂરી કરતાં જ્ઞાનને વધુ મહત્ત્વ આપવું. જ્ઞાનાધારિત મૂડી ઊભી કરવી અને જ્ઞાનકેન્દ્રી ઉદ્યોગોનો વિકાસ કરવો આ માટે દૂરંદેશીભરી નીતિ અપનાવવી અને તેનું ઝડપી અમલીકરણ કરવું.
(૨) ઉદ્યોગોના વિકાસનું કારણ બજાર બને તેને બદલે ટેક્નોલોજી એ વિકાસનું કારણ અને સાધન બને એ જરૂરી છે. ભારતના વિદ્યાધન અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રયોગશાળાઓ માટે એક મોટી માગ ઊભી કરો. તેમજ તે બંનેને સર્જનાત્મક રીતે જોડો. સનદી મંડળો ખર્ચની ભાગીદારી માટે તેમજ સંશોધન વિકાસમાં ભાગ લે જેથી વ્યાપારિક ક્ષેત્રે તે પોતાની મેળે ચાલતું રહે.
(૩) વિશ્વવિદ્યાલયો અને જાહેર નાણાંસહાયથી ચાલતી રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સંસ્થાઓને પરિવર્તનશીલતા, કાર્ય કરવાની સ્વતંત્રતા અને આર્થિક સ્વાયત્તતા આપીને એમનું પુનર્ઘડતર કરો, એને આધુનિક બનાવો અને વહીવટીતંત્રની નાગચૂડમાંથી એને મુક્ત કરો. વિદેશના પ્રતિબંધો એને જ્ઞાન મેળવતાં રોકતા નથી, પરંતુ પોતાની મેળે લાદેલા કે ઊભા થયેલા પ્રતિબંધો એને રોકે છે. એવી સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોને ઓળખી કાઢો કે જે વિશ્વશ્રેષ્ઠ બને, ૨૧મી સદીમાં ટકી રહે અને લાંબા ગાળા સુધી તેમને નિભાવી શકે.
(૪) ભારતના ઉત્પાદન અને નિકાસ ઓછી ટૅક્નૉલૉજી અને ગુણવત્તાવાળાં છે એ છાપ ભૂંસી નાખો, ભારતીય રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઉદ્યોગગૃહોનું નેટવર્ક કરીને ગુણવત્તાવાળી અને જ્ઞાનકેન્દ્રી નિકાસોનો એક ભગીરથ કાર્યક્રમ હાથ ધરો, જ્ઞાનમાહિતી અને જ્ઞાનમૂલક ઉત્પાદનો માટે પ્રોત્સાહક બનો.
(૫) એક દશકા જુની બંધિયાર ટૅક્નૉલૉજીવાળાને સાથે રાખીને એક નવા જ પ્રકારની ટેક્નોલોજીની નીતિ જાહેર કરો. આ ટેક્નોલોજીની નવી નીતિ લોકોનાં સ્વપ્ન અને ઇચ્છાઓને ફળીભૂત કરનારી હોવી જોઈએ. આ નીતિ મક્કમ, ઉદાર અને દીર્ઘદૃષ્ટિવાળી હોવી જોઈએ અને આપણી આર્થિક, શૈક્ષણિક, પર્યાવરણીય નીતિઓની જરૂરતોને અનુરૂપ હોવી જોઈએ.
(૬) અત્યારની આપણી ટેક્નોલોજીના ક્ષેત્રે મૂડી રોકાણની પદ્ધતિ-પ્રક્રિયાઓનું પુનરાવલોકન કરીને સાહસભર્યાં જોખમ ખેડતી મૂડી રોકાણ પદ્ધતિ પ્રક્રિયા માટે વાતાવરણ ઊભું કરો.
ભાષાંતર : ડૉ. ભાયાણી
Your Content Goes Here




