(ગતાંકથી ચાલુ)

મેં અધિકારીઓને પરલક્ષીતાના અભિગમને કેમ મૂર્ત કરવો, પોતાના ગ્રાહકોની કઈ રીતે સંભાળ લેવી, ગ્રાહકોની શ્રેષ્ઠ સેવા કઈ રીતે કરવી વગેરે શીખવ્યું હતું. મેં તેમને નિતાંત ધર્મ જ શીખવ્યો હતો- પણ તેમની ભાષામાં અને તેમની જરૂરિયાતને અનુલક્ષીને. સ્વાભાવિક રીતે જ તેમના ઉપર આની ઘણી ઊંડી અસર પડી હતી.

આજે આપણે આની જરૂર છે. વેદાન્તે ગ્રંથોની બહાર આવવું પડશે અને વિદ્યાર્થીના, વ્યાપારીના, વકીલના, રાજકારણના કે ગૃહિણીના જીવનમાં વ્યવહારુ બનવું પડશે. જીવન એક જ છે. આપણે તેને ભૌતિક અને આધ્યાત્મિક અર્થમાં વિભાજિત કરવું જોઈએ નહીં. કમનસીબે આ વિભાજન થઈ જ ગયું છે અને આપણી કહેવાતી ભૌતિક પ્રવૃત્તિઓ આધ્યાત્મિક કઈ રીતે બની શકે તે બતાવવાનો જ આજનો આપણો મુખ્ય પ્રશ્ન છે. વ્યવહારુ પગલાં:

હવે આપણે વ્યવહારુ પગલાંની ચર્ચા કરીએ. હું જ્યારે યુવકો અને વિદ્યાર્થીઓના વર્ગો લઉં છું, ત્યારે સાંપ્રત જગતની બધી ગતિવિધિ અંગેના પ્રશ્નો પૂછીને હું વર્ગનો આરંભ કરું છું. હું તેમના બધા મનગમતા ખ્યાલો સંદર્ભે પ્રશ્નો કરું છું. કોઈ વિદ્યાર્થી પોતાનું પ્રગતિપત્રક લઈને ઘેર જાય છે. તેની પ્રગતિ કેવી છે? અંગ્રેજીમાં ૮૦ %, હિન્દીમાં ૭૫ %, ગણિતમાં ૯૮ %, વિજ્ઞાનમાં ૮૩ % વગેરે વગેરે. પ્રગતિની આ જ જો પારાશીશી હોય તો કૉમ્પ્યુટરને જ પ્રથમ ઈનામ શા માટે ન આપવું? એ બધા જ વિષયમાં ૧૦૦ % ગુણ મેળવી શકશે. આખા પ્રગતિપત્રકમાં એવું એક પણ ખાનું છે, જે દર્શાવી શકે કે વિદ્યાર્થી ખરેખર પ્રગતિ કરી રહ્યો છે? જેમકે, તે વધુ આત્મનિર્ભર થયો છે? તે જોખમો ખેડવા તૈયાર છે? બીજા મિત્રો સાથે તે સંવાદિતા સાધી શકે છે? તે હતાશાનો સામનો કરી શકે છે? તે બીજાની કાળજી લઈને બીજા માટે કામ કરે છે?

બીજું પગલું શીખવાતા વિષયોની વિશ્વસનિયતાને પડકારવાનું છે. અર્થશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીને મેં એક વાર પૂછેલું, “તમે ઘણી બધી પદ્ધતિ ભણ્યા છો – આદમ સ્મિથ, રિકાર્ડો, માર્શલ, કેઈન્સ, માર્ક્સ, રૉસ્ટો સૅમ્યુઅલસન વગેરે વગેરે. હવે મને કહો જોઈએ કે તમે જ્યારે બજારમાં ખરીદી કરવા જાઓ છો, ત્યારે તમે કોની પદ્ધતિ અપનાવો છો? ઈજનેરીના એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછેલો, “તમને જો નોકરી ન મળે તો તમે આપબળે પોતાનો ઉદ્યોગ કેમ કરવો તે શીખો છો? આવા પ્રશ્નો વિદ્યાર્થીઓને તેમની વાસ્તવિક જરૂરિયાત પ્રત્યે સજાગ કરે છે.

ત્યાર પછીનું પગલું વિદ્યાર્થીઓને દુન્યવી મિથ્યાભિમાનનાં તથ્યાતથ્ય વિષે પ્રશ્નો પૂછવાનું છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એવું માનવા પ્રેરાય છે કે તે સામાજિક પ્રતિષ્ઠાના શિખરો સંતોષકારક રીતે સર કરે તો તેમને સામાજિક મોભો, સલામતિ અને સંપત્તિ એ બધું મળી શકે. હું તેમને પૂછું છું, “કહો જોઈએ, કોઈ કંપનીનો જનરલ મૅનૅજર પોતાની કંપનીમાં મોટો ખેરખાં હોય પણ તે ઑફિસની બહાર જાય ત્યારે તેની શી કિંમત છે? બહાર તો તે પણ રસ્તે જનાર બીજો કોઈ પણ સાધારણ માણસ જેવો જ બની જાય છે ને? તેની પોતાની ઑફિસમાં પણ તેના હાથ નીચેના માણસો તેને માન આપતા હોય એમ લાગે, પણ હકીકતમાં તો તે બધા તેને નહીં, પણ ખુરશીને માન આપતા હોય છે. સામાન્ય રીતે આવું જ બને છે, સિવાય કે તે માણસ પોતાના સહકર્મચારીઓમાં લોકપ્રિય હોય. બીજો પ્રશ્ન, “કાયદેસર રીતે પણ જે નોકરી બે પ્રતિપક્ષીઓ વચ્ચેનો એવો કરાર માત્ર હોય, જે એક બીજા દ્વારા આગળથી જાણ કરીને રદ કરી શકાતો હોય એવી નોકરીમાં કોઈ સલામતી કહેવાય ખરી?” વળીપૈસાદાર થવું એ જ જો સૌથી મહત્ત્વનું હોય, તો સીગારેટ વેચવાવાળો યુનિવર્સિટીના પ્રૉફેસર કરતાં વધુ આવક મેળવે છે. તો પછી આટલું બધું ભણવાની માથાકૂટ કરવાને બદલે એક ગલ્લો જ ખોલી નાખોને? વિદ્યાર્થીઓ જ્યારેવધુ સારાવ્યવસાયની વાત કરે છે, ત્યારે હું તેમને ‘વધુ સારા’ હું અને “વધુ સારી આવક આપનાર” વ્યવસાય વચ્ચેનો ભેદ બરોબર સમજી લેવા જણાવું છું.

આ રીતે હું વિદ્યાર્થીઓએ સ્વીકારેલા કે સાચા માની લીધેલા સ્પર્ધાત્મકતા, પ્રતિષ્ઠા કે સંપત્તિ જેવા સાંપ્રત સમાજના પ્રચલિત ખ્યાલોને પ્રશ્નો દ્વારા પડકારું છું. એક વર્ગમાં એક મહિલા મનોવૈજ્ઞાનિકે મને પૂછેલું, “સ્વામીજી, આપણા કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવવા ખૂબ જ મહેનત કરતા હોય છે તે અંગે તમે શું માનો છો?” મેં જવાબ આપેલો, “મને તેમની દયા આવે છે, બહેન, મને તેમની દયા આવે છે.” આવા જવાબની શરૂઆતની સ્વાભાવિક પ્રતિક્રિયા તાલીમીઓ દ્વારા વ્યક્ત થતા આશ્ચર્યની જ હોય. એટલે આ આંચકો આપ્યા પછી તરત જ હું તેમને સાચા શિક્ષણનો હેતુ, તેનો અભિગમ અને જીવનમાં તે ચરિતાર્થ કઈ રીતે થઈ શકે તે અંગેની સમજણ આપવાનું શરૂ કરું છું. કદાચ કોઈને આવી કાર્યશાળામાં ભાગ લેવાનો અવસર ન મળ્યો હોય, તો તે નીચે દર્શાવેલ પગલાંનો અભ્યાસ કરી, પ્રશ્નોના જવાબ મેળવી, પોતાની કાર્યયોજના બનાવી શકે. આખી પદ્ધતિનો હેતુ વ્યક્તિને પોતાની ક્ષમતા અંગે સજાગ કરી, સેવા ભાવના દ્વારા તેની શક્તિને સમાજમાં અસરકારક બનાવી તેને વધુ સારો માણસ બનવામાં મદદ કરવાનો છે.

પગલું ૧ – તમારી વિશિષ્ટ શક્તિ કઈ છે? તમે ક્યા અર્થમાં વિશિષ્ટ છો? (લોકોને બીજી કોઈ જગ્યાએથી જે વસ્તુ ન મળી શકે તે તમે સામેથી આપતા હો તો તમે વધુ લોકચાહના મેળવી શકશો. તમારી પોતાની વિશિષ્ટ શક્તિ શોધી કાઢો અને બીજાની નકલ કરવાને બદલે તમારું જીવન ઘડતર કરો. તમે જરૂર વિશિષ્ટતા પ્રાપ્ત કરી શકશો.)

પગલું ૨ – તમારી આ વિશિષ્ટ શક્તિથી અને સદ્ગુણોથી સમાજની કઈ સળગતી સમસ્યાને તમે હલ કરી શકો તેમ છો? (તમારી આવડત કે કૌશલ્ય સુસંગત તો જ બને જો તેની સામાજિક જરૂરિયાત હોય. તમારી વિશિષ્ટ શક્તિને કોઈ ખાસ સામાજિક જરૂરિયાત કે પ્રશ્ન પ્રત્યે અભિમુખ કરો.)

પગલું ૩ – સમાજના ક્યા વર્ગને આ જરૂરિયાત કે પ્રશ્ન નડે છે? લોકોના ક્યા સમૂહ માટે આ પ્રશ્ન વધુ ગંભીર છે? (આ સમૂહ તમારું લક્ષ્ય જૂથ છે. તમારું કામ આ સમૂહને નિશ્ચિત કરવાનું છે.)

પગલું ૪ – આ પ્રશ્ન કે જરૂરિયાતમાં નડતર રૂપ ક્યો અવરોધ છે? (તે પ્રશ્ન કે જરૂરિયાતનું સાચું સ્વરૂપ – ખરેખર તમારા લક્ષ્ય જૂથને અભિપ્રેત જે સ્વરૂપ હોય તેને – શોધી કાઢો.)

પગલું ૫ – આ અવરોધ તમે કઈ રીતે દૂર કરી શકો? વધુ સારો હલ તમે કઈ રીતે શોધી શકો તેમ છો? (તમારી વિશિષ્ટ શક્તિ તે અવરોધ કે ગતિરોધને દૂર કરીને કઈ રીતે પ્રશ્નનો હલ મેળવી શકે તેમ છે, તે નક્કી કરો.)

પગલું ૬ – તમારા લક્ષ્યજૂથ સુધી પહોંચવા તમારી કઈ કાર્યનીતિ હોવી જોઈએ? (તમારે લોકોના આ સમૂહ સુધી પહોંચવું જોઈએ, તેમને જરૂરિયાત કે પ્રશ્નથી વાકેફ કરવો જોઈએ, તેને માટેના પ્રવર્તમાન ઉકેલ તેમજ તમારા વધુ સારા ઉકેલની જાણ કરવી જોઈએ.)

પગલું ૭ – હવે તમે આ જનસમૂહનો પ્રશ્ન હલ કરીને તેને કઈ રીતે મદદ કરી શકો અને વધુને વધુ લોકો સુધી કઈ રીતે પહોંચી શકો તેની કાર્યયોજના બનાવો.

આ પદ્ધતિ માત્ર યુવાનોને જ નહીં પણ સમગ્ર સમાજને માટે મદદરૂપ છે. આજે આપણો સમાજ સ્વલક્ષી અભિગમ પર આધારિત ચીલાચાલુ વિચારસરણીને લીધે ઘણા પ્રશ્નોથી પીડાઈ રહ્યો છે. (પ્રવર્તમાન વિચારો જૂનાપુરાણા થઈ ગયા છે. તેમણે નવા વિચારોને જગ્યા કરી જ આપવી પડશે.)

આને લીધે હરીફાઈ, સ્વાર્થ અને અર્થોપાર્જનની વૃત્તિ જેણે મોટી ઉપલબ્ધી કરવી હોય તેને માટે માત્ર બિનજરૂરી જ નહીં પણ પ્રતિ-ઉત્પાદક પણ છે. સેવા અને ત્યાગ (યજ્ઞ)નો અભિગમ વ્યક્તિને વધુ સ્વાતંત્ર્ય અને સલામતિ બક્ષે છે.

વધુને વધુ લોકો સુધી પહોંચવાનું પણ ઘણું અગત્યનું છે, કારણ કે આ સિદ્ધાંત જ મૂળભૂત રીતે જનલક્ષી છે. સ્વામી વિવેકાનંદ કહેતા, “વિકાસ જીવન છે. સંકોચન મૃત્યુ છે.” વહીવટી સંચાલનના વર્ગો લેતી વખતે હું કેટલીકવાર અધિકારીઓને પૂછું છું, “તમે બધા મારા કરતાં વહીવટી સંચાલનની બાબતમાં વધુ અનુભવ, જ્ઞાન અને કુનેહ ધરાવો છો. તો પછી એવું કેમ થાય છે કે જુદી જુદી કંપનીઓ તરફથી મને વધુ નિમંત્રણો મળ્યાં કરે છે જ્યારે તમારામાંના બહુ ઓછાને બીજી કંપનીઓ નિમંત્રણ આપે છે? મને એમ લાગે છે કે તમે બધા કાર્યકુશળ હોવા છતાં તમે તમારી શક્તિને તમારી કંપનીની મર્યાદામાં બાંધી રાખી છે તેને લીધે આવું બને છે.”

સ્વપ્ન ભટ્ટાચાર્ય, એક યુવાન ઈજનેર, પોતાના નોકરીના સમય બાદ તેમ જ રજાના દિવસોમાં નિયમિત રીતે ઝૂંપડપટ્ટીઓમાં અને ગામડાઓમાં જાય છે અને ગરીબ તેમજ બેકાર યુવાનોને ઉદ્યોગ સાહસિકો તરીકે સ્થાયી થવામાં મદદ કરે છે. અત્યારે તે પોતાના સાથી કર્મચારીઓમાં સૌથી વધુ લોકપ્રિય અધિકારી સાબિત થયો છે. યતિન વ્હોરાએ પણ ઘણાને ઉદ્યોગ સાહસિકો તરીકે આગળ વધવામાં ઘણી મદદ કરી છે. સુનિલ સેન એક યુવાન ડૉક્ટર છે, તેણે કોઈ હૉસ્પિટલમાં નોકરી લેવાને બદલે ઝૂંપડપટ્ટીઓમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે માત્ર નજીવી ફી લીધી અને તેને દર્દીઓની ક્યારેય ખોટ ન જણાઈ. એક વર્ષમાં તો તે વિસ્તારમાં તેનું નામ ઘેરઘેર ગાજતું થઈ ગયું. નવા સવા ઍમ.ડી. અને ઍમ.ઍસ. ડૉક્ટરો આજે તે વિસ્તારમાં ધંધો જમાવવા સખત મહેનત કરી રહ્યા છે, ત્યારે સુનિલ બીજા ઍમ.બી.બી.એસ. ડૉક્ટરોને નોકરીએ રાખી શકે તેવી સ્થિતિમાં છે.

આ બધું સિદ્ધ કરે છે કે એકલું જ્ઞાન શક્તિ બની શકતું નથી. તે શક્તિનો સ્રોત ત્યારે જ વહાવી શકે જ્યારે તે કોઈ સળગતી સામાજિક સમસ્યાને હલ કરી શકે. ત્યારે જ તેને લોકોનું સમર્થન પ્રાપ્ત થાય છે. વળી, કોઈ પણ આવડત કે કૌશલ્યનો અર્થ ત્યારે જ સરે છે જ્યારે સમાજને તેની જરૂરત હોય, એટલે આપણે લોકોની દરકાર લેવી જોઈએ અને સમાજના પ્રશ્નો હલ કરવામાં મદદ કરવી જોઈએ. તજ્જ્ઞ હોવાનો કોઈ અર્થ જ નથી રહેતો, જો તે તજ્જ્ઞ દર્દ નિવારક ન હોય. સ્વપ્ન, યતિન અને સુનિલે આ વસ્તુ સિદ્ધ કરી છે.

ચાંદની શેઠી એક યુવાન મહિલા સર્જન છે. તે ધંધામાં સ્થિર થવા ખૂબ જ મહેનત કરતી હતી.તમારી સમસ્યા શી છે? મેં તેને પૂછેલું. તેનો જવાબ હતો, “સ્વામીજી, કોઈ પણ દર્દી સામાન્ય રીતે પોતાના કુટુંબના ડૉક્ટર પાસે જ પહેલાં જાય છે. તે ડૉક્ટરની ભલામણ ઉપરથી તે દર્દી હૉસ્પિટલમાં દાખલ થાય છે. હૉસ્પિટલમાં દર્દી સામાન્ય રીતે કોઈ વિખ્યાત સર્જન જ તેની શસ્ત્રક્રિયા કરે તેમ ઈચ્છતો હોય છે. આમ થવાથી મારા જેવા યુવાન સર્જન માટે તો ઝાઝાં કેઈસ મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.”

ચાંદનીએ આવી સમસ્યા શા માટે સહેવી પડે છે? એનું કારણ એ જ છે કે બીજા હજારો યુવાન ડૉક્ટરો અને સર્જનો જે રીતે વિચારતા હોય છે, તે જ ચીલામાં ચાંદની પણ વિચારી રહી છે. તેણે કરવા જેવું ખરેખર શું કરી શકાય? તે જાણે છે કે સેંકડો યુવાન ડૉક્ટરો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ ચાંદની પાસે છે? બીજા બધા સર્જનોની જેમ વિચારવા કે કરવાને બદલે તે પોતે આ ક્ષેત્રમાં પોતાની સેવા આપી ન શકે? સંજય શર્માએ પોતાના વહીવટી સંચાલનના અભ્યાસ પછી ખરેખર આમ જ કર્યું હતું. એક બહુરાષ્ટ્રીય કંપનીના પ્રસ્તાવને ઠુકરાવીને તેણે યુવાન વ્યવસાયિકોના પરામર્શક તરીકેનું પોતાનું સ્થાન જમાવ્યું.

સમાજ પાસેથી હું શું મેળવી શકું? એ વિચારણા જોખમી છે, ‘સમાજ માટે હું શું કરી શકું? એ જ સાચો અભિગમ છે.

ઉપસંહાર:

ભારતમાં યુવાનો માટે ઘણી સેવા યોજનાઓ હોવા છતાં તે યોજનાઓ ઝાઝાં યુવાનોને સ્પર્શી શકી નથી. રાષ્ટ્રીય સેવા યોજના (ઍન.ઍસ.ઍસ.) ઈચ્છિત પરિણામ લાવી શકી નથી. સાક્ષરતા અભિયાને પણ મોટા ભાગનાં રાજ્યોમાં વેગ પકડ્યો નથી. યુવાનો સાથે કામ કરતાં કરતાં અમારા માંહેના કેટલાકે સમગ્ર પરિસ્થિતિની પુનર્વિચારણા અને પુનર્મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું. અમને લાગ્યું કે યુવાનો માને છે કે પરલક્ષી અભિગમ તેમને જીવનમાં મહાન ઉપલબ્ધિ કરાવવામાં મદદરૂપ થઈ શકે તેમ નથી. આ જ તો મુખ્ય સમસ્યા છે. એટલે આ વાત ખોટી છે તેમ તેમને દર્શાવવાનું અમે નક્કી કર્યું. સામાજિક ક્ષેત્રમાં સેવાભાવનાને વધુ વ્યવહારુ અને અસરકારક બનાવવાની આપણા દેશમાં આજે તાતી જરૂરિયાત છે.

વિદ્યાર્થીઓ સ્કૂલો અને કૉલેજોમાં તેમના અભ્યાસમાં વધુ રસ કેમ લેતાં નથી? કારણ કે તેમના અભ્યાસ વિષયો તેમના રોજિંદા જીવનમાં કઈ રીતે સુસંગત છે તે તેને શીખવવામાં આવતું નથી. એટલે તેમનો અભ્યાસ ગૌણ બની ગયો છે, અને સારો વ્યવસાય મેળવવા વધુ ગુણ પ્રાપ્ત કરવા એ મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ છે. આખી પદ્ધતિ ધનકેન્દ્રી પદ્ધતિ બની ગઈ છે. સમાજસેવાની બાબતમાં પણ આ જ સમસ્યા છે. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સૉશિયલ સાયન્સીઝ (ટી. આઈ. ઍસ. ઍસ.)માં એક પ્રાધ્યાપકે એક પરિસંવાદમાં ફરિયાદ કરેલી કે ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજસેવામાં જરા પણ રસ દાખવતા નહોતા.

એટલે આદર્શનાં પોકળ સૂત્રો પોકારવાને બદલે અમે જીવનમાં સેવાભાવનાનું અનુસંધાન દર્શાવવાનું નક્કી કર્યું. સેવા ભાવના કોઈ વ્યક્તિને મોટી ઉપલબ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરાવી શકે અથવા તો અર્થ અને કામ ધર્મ પર આધારિત હોય તો વધુ સારી રીતે કેમ પ્રાપ્ત થાય એવું બતાવવાનું અમે વિચાર્યું. સમય જતાં અમને લાગ્યું કે જે સિદ્ધાંત અમે કાર્યાન્વિત કરી રહ્યા હતા તે સિદ્ધાંત માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ ઉદ્યોગ, વહીવટી સંચાલન, કે રાજકારણ સહિતનાં ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે પણ સુસંગત છે. (એક વાર, એક રાજકીય નેતાએ તેના પક્ષના કાર્યકર્તાઓ માટેના એક તાલીમ વર્ગ લેવા સંદર્ભે મારો સંપર્ક સાધ્યો હતો. વિષય હતો, “તમારે માટે તમારા મત ક્ષેત્રને સુરક્ષિત કઈ રીતે બનાવશો? અમે તેમને બતાવ્યું કે બળજબરી, લાંચ, ભ્રષ્ટાચાર કે મતદાન મથકને કબ્જે લેવા જેવી અનીતિ ચૂંટણીમાં ઉમેદવારની જીતની ખાતરી આપી શકતી નથી. તેને બદલે જો તે મતદાતાઓની જરૂરિયાતો અને સમસ્યાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને સેવા ભાવનાથી કામ કરે અને પાંચ વરસના ગાળા દરમ્યાન પોતાના મત ક્ષેત્રના મતદારોની સેવા કરીને વિશ્વસનિયતા પ્રાપ્ત કરે તો તેની જીત નિશ્ચિત છે. એક બીજા રાજકીય પક્ષના પણ આવા વર્ગ લેવાનાં અમને મળેલાં નિમંત્રણ દ્વારા આ કાર્યક્રમ સફળ થયો.)

સેવાભાવનાનો આદર્શ કેટલી હદ સુધી લોકોને અભિપ્રેરિત કરી શકે છે, તે જોવા ભારતના જુદા જુદા ભાગોમાં લોકોના જુદા જુદા વર્ગો સાથે અમે પ્રયોગોની હારમાળા સર્જી. પ્રતિભાવ અત્યંત પ્રોત્સાહક હતો. ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક કંપનીઓ, વહીવટી કાર્યાલયો અને સ્વૈચ્છિક સંસ્થાઓને હવે અમારા કાર્યક્રમની વ્યવહારપટુતામાં પૂર્ણ વિશ્વાસ બેઠો છે. એકાદ વર્ષ પહેલાં હું રાજસ્થાનનાં નાના ગામ ખેતડીમાં આવ્યો, આ ટૂંકા સમય ગાળામાં પોતપોતાના વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણનાં કેન્દ્રો શરૂ કરવા અમે જુદાં જુદાં આઠ જૂથોને અભિપ્રેરિત કરી શક્યા. પોતાની જ્ઞાતિમાંથી અજ્ઞાનને નાબુદ કરવા હરિજન મહિલાઓ સુધ્ધાં જૂસ્સાપૂર્વક આગળ આવેલ છે. આમ મુંબઈ જેવાં પ્રગતિશીલ, પચરંગી મહાનગરથી માંડી ખેતરી જેવા પછાત, નાના ગામમાં સેવાભાવનાનો આદર્શ ફળદાયી નિવડ્યો છે.

વેદાન્તના સિદ્ધાંતો અને તેની વ્યાવહારિક પરિપૂર્તિ એ બન્ને સમયની એરણ ઉપર સાચા ઠર્યા છે. પલાયનવાદી, હઠાગ્રહી કે સુસ્ત તત્ત્વચિંતકો બનવા કરતાં આપણે સાંપ્રત સામાજિક જરૂરિયાતો ઉપર ધ્યાન આપવું જોઈએ. આધુનિક સંદર્ભમાં વેદાન્તનું મહત્ત્વ સમજવું જોઈએ અને આજની સામાજિક જરૂરિયાતની પરિપૂર્તિ માટે તેને કાર્યાન્વિત કરવું જોઈએ. તો જ લોકો વેદાન્તના મહત્ત્વને પારખી શકશે, વેદાન્તને આધુનિક સંદર્ભે કાર્યાન્વિત કરવું પડશે. સ્વામી વિવેકાનંદ આપણે આમ કરીએ તેમ જ ઈચ્છતા હતા. વ્યવહારુ વેદાન્તનો આ આદર્શ જ યુવાનોને તેમના રોજબરોજના જીવનમાં મદદરૂપ થઈ શકશે.

ભાષાંતર: પ્રા. નલિન ઈ. છાયા

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.