(ગતાંકથી ચાલુ)

સ્પર્ધા હીનતાનું પ્રતીક છે

બે કૂતરાં પાસે ભાતનો વાટકો ધરો, તો તે બન્ને એને માટે ઝઘડશે. બે માણસને તે જો ધરો, તો તે બન્ને વહેંચી ખાશે. તો પછી સ્પર્ધાના નામે આપણે શું કરી રહ્યાં છીએ? અલબત્ત, કૂતરાની નકલ!

વેદાન્ત શીખવે છે ‘સહનૌ ભુનક્તુ’ એટલે કે ‘આપણે બન્ને ભોગવીએ.’ સ્પર્ધાત્મકતા આ ઉપદેશની વિરુદ્ધ છે, કારણ કે તે બીજાને મહાત કરવાનું વલણ જન્માવે છે. સ્પર્ધાનું વલણ શું આપણા વિદ્યાર્થીઓને કે વ્યાપારીઓને ખરેખર મદદરૂપ થાય છે? એક વખતની એક નાની કંપની નીરમા હિન્દુસ્તાન લીવરને પણ પડકાર ફેંકી શકી. પછી સસાએ નીરમાને પડકાર ફેંક્યો. જ્યારે ફ્રૂટી બજારમાં ધૂમ વેચાતી હતી, ત્યારે બે કંપનીઓએ ‘વોલફ્રૂટ’ અને ‘ટ્રીટોપ’ બજારમાં મૂકી. વોલફ્રૂટ નિષ્ફળ ગઈ અને ટ્રીટોપ પણ ખાસ સફળ ન થઈ. તો પછી એની શી ખાતરી છે કે સ્પર્ધા ઈચ્છિત પરિણામ મેળવી જ આપશે? વિદ્યાર્થીઓને પણ આ જ વસ્તુ લાગુ પડે છે. પોતપોતાની કુદરતી શક્તિને વ્યક્ત કરીને પોતાનાં આગવાં ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાને બદલે વિદ્યાર્થીઓ એકબીજા વચ્ચે સ્પર્ધા કરવામાં વ્યસ્ત છે. જો આ વલણ ચાલુ રહેશે, તો દુશ્મનાવટ, ઘૃણા, નિંદા અને દુરાચાર પ્રતિક્રિયાની અનિવાર્ય શૃંખલા પણ અનિવાર્ય બનશે. શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને અદ્વૈત વેદાન્તનો ગ્રંથ અષ્ટાવક્ર સંહિતા શીખવા જણાવ્યું, રાખાલને ભક્તિનો પાઠ ભણાવ્યો અને કાલીપ્રસાદને યોગની તાલીમ આપી. આનો સંદેશો સ્પષ્ટ છે: દરેક માણસે પોતાની સ્વાભાવિક રુચિની દિશામાં જ વિકાસ સાધવો જોઈએ. કમનસીબે આપણા કેળવણીકારોએ હજી પણ શ્રીરામકૃષ્ણના સંદેશને આત્મસાત્ કરવાનો બાકી છે. અત્યારે સામાન્ય રીતે દરેક કંપની કોઈ વિશિષ્ટ માલના ઉત્પાદક તરીકે પોતાની આબરૂ જમાવે છે. પણ ખરેખર જરૂર તો છે સમાજના કોઈ પાયાના ક્ષેત્રને હલ કરનાર તરીકેની આબરૂ જમાવવાની. આને માટે સ્પર્ધાની જરૂર જ નથી.

પિયા ભટ્ટાચાર્ય એક કૉલેજની વિદ્યાર્થિની છે, સાથોસાથ તે એક જબરી લેખિકા પણ છે અને માત્ર ૨૦ વર્ષની હોવા છતાં તેણે રાષ્ટ્રીય દૈનિક છાપામાં મોટું ગજું કાઢ્યું છે. તે આમ કઈ રીતે કરી શકી હશે? સત્યશોધક પત્રકારિત્વના નામે સમાજની કાળી બાજુ ઉપર જ લખ્યા કરવાને બદલે પિયાએ સમાજની ઉજળી બાજુ પર પ્રકાશ પાડવાનું શરૂ કર્યું. દલિત લોકોના ઉદ્ધાર માટે કામ કરવું કેટલું બધું મહત્ત્વનું છે, દુ:ખી સ્ત્રીઓનાં મનમાં કોઈ સ્વૈચ્છિક સંસ્થા કઈ રીતે આશાની લાગણી જન્માવી શકે વગેરે ઉપર તેણે લખવાનું શરૂ કર્યું. તેનો અભિગમ એટલો બધો તાજગીભર્યો હતો કે ઘણાં બધાં છાપાં માટે લખવાનાં નિમંત્રણનો તેના ઉપર ધોધ વહ્યો. એટલે બીજા સાથે હરીફાઈ કરવાને બદલે માણસે પોતાની વિશિષ્ટ શક્તિમાં શ્રેષ્ઠતા સાબિત કરવી જોઈએ અને લોકોની મહત્તમ સેવા કઈ રીતે થઈ શકે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

દેશ યુવાનો માટે શું કરી શકે?

આ મહાન દેશના નાગરિકો તરીકે આપણી બધાની આપણા યુવકો પ્રત્યેની એક જવાબદારી, પ્રતિબદ્ધતા રહેલી છે. તેમને ખરેખર જેની જરૂર છે, તે આપણે તેમને ભણાવવું જોઈએ. કમનસીબે આપણી શૈક્ષણિક સંસ્થાઓ તેમને માત્ર વ્યવસાય-કૌશલ્ય આપે છે, પણ તેમનાં જીવન-કૌશલ્યને ઊવેખે છે. યુનિવર્સિટી અનુદાન આયોગ (યુ.જી.સી.) કે પરીક્ષાઓની બૉર્ડ જેવી સરકારી સંસ્થાઓ ઉપર આધાર રાખવાને બદલે શિક્ષાવિદો, કૉલેજ કે યુનિવર્સિટીથી ભિન્ન પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરી શકે. અમારું એક જૂથ અત્યારે વિદ્યાર્થીઓ માટે ત્રણ મહિનાનો જીવન-કૌશલ્યનો અભ્યાસક્રમ ચલાવી રહ્યું છે. આ અભ્યાસક્રમ નિષેધાત્મક લાગણીઓનાં સંચલન, વ્યક્તિગત ક્ષમતાની પરિપૂર્તિ અને સમાજમાં વ્યક્તિની શક્તિની અસરકારકતા, આત્મનિર્ભરતાનો વિકાસ, અને નેતૃત્વનું ઘડતર તેમ જ જનલક્ષી અભિગમના અમલ જેવી બાબતો સાથે સંબદ્ધ છે. આ અભ્યાસક્રમ અમે મુંબઈમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરેલો. ધીમે ધીમે અમે અઠવાડિક, માસિક, ઓપવર્ગ અને ઉચ્ચ પ્રકારના અભ્યાસક્રમોનું આયોજન કર્યું. આ અભ્યાસક્રમ એટલો લોકપ્રિય થયો કે પછીથી અમારે મુંબઈ, દિલ્હી, દુર્ગાપૂર અને બેંગલોર ખાતે આ અભ્યાસક્રમો ચલાવવા માટે શિક્ષકોના એક જૂથને તાલીમ આપવી પડી.

તમે જો કોઈ કૉલેજ કે શૈક્ષણિક સંસ્થાના આચાર્ય હો, તો તમારા વિદ્યાર્થીઓને શીખવવા તમે દર અઠવાડિયે બે તાસ ફાળવી શકો. દરેક તાસમાંથી તમે જો ફક્ત ૭-૮ મિનિટ ફાળવી શકો, તો સામાન્ય કામના કલાકો પછી વિદ્યાર્થીઓને આ કામ માટે ખાસ રોક્યા વગર એક ખાસ્સો તાસ આને માટે તમે ફાળવ્યો કહેવાય. તાલીમી શિક્ષકોનું એક વિશિષ્ટ જૂથ તબીબી, ઈજનેરી કે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સેવાવૃત્તિ અને પરલક્ષી અભિગમ તેમને તેમના ક્ષેત્રમાં વધુ કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના વિષે શીખવી શકે.

આપણે ચીલાચાલુ વિચારસરણી અને ‘સરકારે આમ કરવું જોઈએ, શિક્ષકોએ તેમ કરવું જોઈએ’ જેવી નિષ્ફળ માગણીઓ ત્યાગવી જ પડશે. કોણે શું કરવું તેની ચિંતા આપણે છોડી દઈએ અને માત્ર હું અને તમે શું કરી શકીએ તેમ છીએ તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણે આગળ આવીને આ જવાબદારી ઉઠાવવા તૈયાર છીએ? જો આપણે તૈયાર ન હોઈએ, તો બીજાની ટીકા કરવાનો કોઈ અર્થ નથી. મારો જ અનુભવ વર્ણવું, જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે મેં મારી નમ્ર હેસિયતમાં યુવાનો માટે કશુંક કરવાનો પ્રયત્ન કર્યો. ઘણા મુંબઈગરાઓ – વિશેષત: બુઝૂર્ગોએ મને હતોત્સાહ કર્યો. તેમણે કહેલું “સ્વામીજી, મુંબઈના જુવાનીઆઓ ભૌતિકવાદી અને પૈસાના પૂજારી છે. તે કોઈ તમારી દરકાર નહીં કરે.” પણ અમે આના વર્ગોની શરૂઆત કરી અને પ્રતિસાદ અદ્ભુત સાંપડ્યો. વિદ્યાર્થીઓ તો શું, તેમના શિક્ષકો અને વાલીઓ પણ આ વર્ગોમાં જોડાવા પડાપડી કરવા લાગ્યા. તે બધાને સમાવવા અમારે શિક્ષકો, વાલીઓ અને વ્યાવસાયિકો માટે અલગ વર્ગો શરૂ કરવા પડ્યા. ધીમે ધીમે આ આંદોલને જોર પકડ્યું અને અત્યારે હું શૈક્ષણિક સંસ્થાઓ, ઉઘોગો, માનસ ચિકિત્સકો અને બીજાઓનાં નિમંત્રણોમાં ગળાડૂબ છું. હું અત્યારે ખેતડીમાં છું, પણ બેંગલોર, દિલ્હી, રાજકોટ, કલકત્તા, હૈદરાબાદ, નૈનિતાલ, અમદાવાદ અને ભોપાલનાં નિયંત્રણો મને મળ્યાં છે. પ્રિય વાચક, તમે પણ આ દિશામાં કંઈક કામ કરો અને પરિણામ અનુભવો તો? આપણો દેશ અને ખાસ તો આપણા યુવાનો આવી તાલીમને ઝંખે છે.

જીવનનાં ગમે તે ક્ષેત્રની ગમે તે વ્યક્તિ આ જાતના પ્રકલ્પો શરૂ કરી શકે. જરૂર છે માત્ર થોડીક તાલીમની. આનાં ધ્યેય-બન્ને, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના – બહુ સ્પષ્ટ હોવાં જોઈએ. આવી વ્યક્તિએ આવા વર્ગો લેવા માટેની જરૂરી આવડત કેળવી લેવી જોઈએ અને તાલીમાર્થીઓની ભાષામાં બોલવું જોઈએ, તેમની જરૂરિયાતો અને દૃષ્ટિબિંદુથી તેણે પરિચિત થવું જોઈએ. દાખલા તરીકે જો તે વિદ્યાર્થીઓનાં જૂથને સંબોધન કરતી હોય, તો તેની તાલીમમાં તેણે કારકીર્દિ માર્ગદર્શન, વાલી સાથેના સંબંધો, હતાશાનો સામનો, અભ્યાસમાં પ્રતિ વગેરેનો સમાવેશ થવો જોઈએ. જો તે શિક્ષકોના જૂથને સંબોધન કરતી હોય તો વર્ગને આનંદદાયક સ્થળ કઈ રીતે બનાવી શકાય, ફરજ બજાવ્યાનો સંતોષ કઈ રીતે મેળવી શકાય, વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન કઈ રીતે આપી શકાય વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તે વ્યવસાયિકોને સંબોધન કરતી હોય તો તેણે ઉત્પાદક્તા, વિકાસ, સારા ઔદ્યોગિક સંબંધો, અભિપ્રેરણા વગેરેની ચર્ચા કરવી જોઈએ. વાલીઓનું જૂથ હોય તો કિશોરાવસ્થાનાં બાળકો સાથેના પ્રશ્નો અને અભિગમ, ઘરમાં શાંતિની જાળવણી, આકરા પતિ કે પત્ની સાથેનો સંબંધ વગેરે જેવા તેમના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ટૂંકમાં મુખ્ય ધ્યાન પરલક્ષી અભિગમ ઉપર હોવું જોઈએ અને આ અભિગમ, પ્રશ્નને વધુ સારી રીતે હલ કરી શકે છે તે દર્શાવવું જોઈએ. તાલીમવર્ગોને વ્યવહારુ બનાવવા જોઈએ.

તાલીમાર્થીઓને સમૂહચર્ચામાં સામેલ કરવા જોઈએ અને તેમના પ્રશ્નોને હલ કરવા કસોટીઓ પણ આપવી જોઈએ. કામ કરવા માટે વ્યવહારુ પ્રકલ્પો પણ આપવા જોઈએ.

માત્ર યુવાનોને મદદ કરવી એ પૂરતું નથી; વ્યાપક અર્થમાં આખા સમાજને મદદ કરવી જરૂરી છે. કારણ કે આખરે તો યુવકવર્ગ એ સમાજનો માત્ર એક અંશ છે. આપણો અભિગમ સર્વતોમુખી હોવો જોઈએ અને એટલે જ બધી યુવા યોજનાઓ સાથે વાલીઓ, શિક્ષકો અને બીજાં સામાજિક જૂથો માટેની યોજનાઓ હોવી જોઈએ.

આવી યોજનાના ગઠન માટે નીચેના મુદ્દાઓ ઉપર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે: હેતુ- માનવીય સમાજની સંરચના

મુશ્કેલીઓ:

(૧) જીવન કૌશલ્ય શીખવાતું નથી.

(૨) અંગત અને વ્યાપક લાભનું સમાયોજન થયેલ નથી.

(૩) વાસ્તવિક સામાજિક જરૂરિયાતો દર્શાવાયેલ નથી.

(૪) દરેક વસ્તુ જનલક્ષી બનાવાયેલ નથી.

દરેક સંસ્થાએ સામાજિક જરૂરિયાતો સંતોષવી જ જોઈએ.

કોઈ પણ સંસ્થાનો હેતુ લોકોને સામાન્ય ધ્યેયો સિદ્ધ કરવામાં વચ્ચે આડખીલીરૂપ બનતી અડચણોને દૂર કરીને તે ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય તેવો જૂસ્સો લોકોમાં પ્રગટાવવાનો છે. (“સામાજિક જરૂરિયાતો” આકૃતિ-૬) દરેક સંસ્થાએ પોતપોતાની રીતે સમાજની પાયાની જરૂરિયાતો પૂરી પાડવાની છે. દાખલા તરીકે પરલક્ષી અભિગમની જ વાત લઈએ કોઈપણ શૈક્ષણિક સંસ્થા આ મુદ્દાને પોતાના વિદ્યાર્થીઓના પ્રગતિપત્રકનું એક અગત્યનું અંગ બનાવી શકે અને તેને આનુષંગિક અભ્યાસક્ર્મ ધડી શકે. કોઈ પણ રાજકીય પક્ષ લોકોને આ અભિગમ શીખવવા સામાજિક સેવાના કાર્યક્રમને, પ્રોત્સાહિત કરી શકે. કોઈ પણ વ્યાપારી સંસ્થા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેના અનુબંધને વધુને વધુ પ્રોત્સાહિત કરી શકે. આત્મનિર્ભરતા વિકસાવવા કોઈ વ્યાપારી સંસ્થા લોકોને ઉદ્યોગસાહસિક બનવામાં મદદ કરી શકે. કોઈ શાળા પોતાના વિદ્યાર્થીઓને પોતાના ખભા ઉપર પોતાની જવાબદારી વહન કરવાનું મહત્ત્વ શીખવી શકે.

દરેક સંસ્થા પોતાના હેતુઓ, સમાજમાં પોતાની ભૂમિકા અને કાર્ય તેમ જ સામાજિક જરૂરિયાતો વિષે બહુ જ સ્પષ્ટ હોવી જોઈએ. આવી સંસ્થાએ પોતાનાં લક્ષ્યજૂથની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. મુંબઈ ખાતે જાહેર ક્ષેત્રની એક કંપનીના અધિકારીઓ માટેની કાર્યશાળાનું હું સંચાલન કરતો હતો, ત્યારે એક વાર પાછા ફરતી વખતે કંપનીના ડ્રાઈવરે મને પૂછેલું, “સ્વામીજી તમે આ લોકોને શું શીખવ્યું? મે જ્યારે તેને “માર્કેટીંગ” એમ જવાબ આપ્યો ત્યારે તેને ખૂબજ આશ્ચર્ય થયેલું. અફસોસથી પોતાનું માથું ધુણાવીને કહેલું “કોઈ પણ સાધુએ ભૌતિક વિષયોની ચર્ચા કરવી ન જોઈએ.” ખેર! મેં માર્કેટીંગ અંગેનો વર્ગ લીધો હતો, પણ વાસ્તવમાં મેં તેમને શું શીખવેલું! વ્યવહારુ ધર્મ સિવાય કશું જ નહિં.

(ક્રમશ:)

ભાષાંતર: પ્રા. નલિન ઈ. છાયા

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.