શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે. તેમનાં પુસ્તકોમાં “Sister Nivedita of Ramakrishna Vivekananda’ ‘Ramakrishna Vivekananda by Sister Nivedita’ પ્રસિદ્ધ છે. તેમણે “The Complete Works Sister Nivedita (5 vas)” અને “Sri Ramakrishna’, Dakshineshwar” પુસ્તકોનું સંપાદન કાર્ય પણ કર્યું છે.

ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યાનો વિચાર કરતી વખતે હિંદુ, બૌદ્ધ અને જૈન એ ત્રણેય આધ્યાત્મિક અને ધાર્મિક ભારતીય પરંપરાના ભૂમિગત પ્રવાહોનો વિચાર કરવો ઘટે. આપણી આજની સમજ પ્રમાણે, પરિવ્રજ્યા શબ્દ આધ્યાત્મિકતાના, પોતાની જાતમાં દિવ્યતા પ્રકટાવવાના ભવ્યતમ આદર્શથી થોડોક જ ઊણો ઊતરે છે. ગ્રીક ‘મોનેકોસ’ પરથી વ્યુત્પન્ન થયેલા અંગ્રેજી શબ્દ મોનાસ્ટિક (monastic)નો અર્થ ‘એકાંતવાસ’ થાય છે. (આ લેખનું અંગ્રેજી શીર્ષક ‘મોનેસ્ટિસિઝમ ફોર ઇન્ડિયન વિમેન’ માંનો ‘મોનેસ્ટિસિઝમ’ શબ્દ આ ‘મોનેસ્ટિક’ વિશેષણ પરથી બનેલી ભાવવાચક સંજ્ઞા છે.) બે પ્રકારના લોકો આ જાતનું જીવન પસંદ કરે છે. કેટલાક એકલા પરિભ્રમણ કરે છે અને કેટલાક મઠમાં જોડાઈ સંઘના નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરે છે.

વૈદિક કાલ

હિંદુઓની સમૃદ્ધ અને વિવિધતાભરી પરિવ્રજ્યા પરંપરાના સર્વેક્ષણ માટે વૈદિક સમયથી જ આરંભ કરવો ઘટે. સંહિતા કાલ દરમિયાન, આપણને જણાશે કે, સ્ત્રીઓ ઘરકામમાં તેમ જ સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ વ્યસ્ત રહેતી. કુળના અને ધર્મના આદર્શોની સાધનામાં તેઓ પોતાના પતિઓની સહભાગિની હતી અને પોતાના ગોત્રમાં તેઓ મોભી હતી. પોતાની જવાબદારીઓ અદા કરવા માટે તેમને માટે પૂરતા શિક્ષણની અને વિવિધ પ્રવૃત્તિઓ માટેની તાલીમની આવશ્યકતા હતી. શૌનક પોતાના ગ્રંથ ‘બૃહદ્ દેવતા’ (ઈ. સ. પૂર્વ ૫)માં ઋષિઓ તરીકે ખ્યાત એવી ૨૭ સ્ત્રીઓનાં નામ ગણાવે છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રોમાં પ્રવર્તમાન પરિસ્થિતિની પાર જે દર્શન કરી શકે તે ઋષિ, દાર્શનિક કહેવાય. અહીં એ નોંધવું જોઈએ કે, ‘ગુરુ’ની માફક સંસ્કૃત શબ્દ ‘ઋષિ’નું પણ નારી જાતિવાચક રૂપ નથી. આ બંને પદો પુરુષ તથા સ્ત્રી માટે વાપરવામાં આવતાં હતાં. અંબૃહણ ઋષિની પુત્રી વાક્‌ આ નારી ઋષિઓમાં સૌથી આગળ પડતાં હતાં. પરબ્રહ્મ સાથે પોતાની એકતાની અનુભૂતિ થયાના આનંદમાં ‘હું દિવ્ય મા છું, હું સમૃદ્ધિ દેનારી છું, હું બ્રહ્મની જાણનારી છું,’ એમ એમણે ગાયું હોવાનું કહેવાય છે. જગતના ધર્મોના ઈતિહાસમાં એક નારીએ સાધેલા પરમ સાક્ષાત્કારની જોડ નથી. આ ઋષિઓ કે બ્રહ્મવાદિનીઓ સંન્યાસ લઈને અરણ્યોમાં પરિભ્રમણ કરતી કે ગુહાવાસ કરતી હોવાના ઉલ્લેખો નથી, છતાં તેઓ ઉચ્ચ આધ્યાત્મિક આત્મજ્ઞાન અને અનુભૂતિને ચોક્કસ વરેલી હતી.

સંહિતાઓ અને ઉપનિષદો વચ્ચેના સંધિકાળનું પ્રતિનિધિત્વ આરણ્યકો કરે છે. એ નામ સૂચવે છે તે પ્રમાણે, હિંદુ સંન્યાસનો આદર્શ એ ગ્રંથોમાં પૂરેપૂરો વ્યક્ત થયેલ છે. પોતાની સાંસારિક ફરજો અને જવાબદારીઓ અદા કર્યા પછી, શાંત જીવન વ્યતીત કરવા માટે જે સત્પુરુષો વનમાં વસતા તેમના આશ્રમમાં જે શાસ્ત્રોનું અધ્યયન થતું તે આરણ્યકો. લોકો સંસારીસુખ અને સમૃદ્ધિનો ત્યાગ કરી અનાસક્ત બને અને એકાંતવાસ સેવી આત્મસ્થ જીવન ગુજારતા. સાધુની પરિવ્રજ્યાના લક્ષણને એમનો આ આદર્શ મળતો આવે છે.

આરણ્યક ગ્રંથોએ અને ઉપનિષદોએ ચાર વેદોની પૂર્તિ કરી હતી. કેટલીક વાર એ બધા સાથે ગ્રથિત કરવામાં આવતા હતા. જેમ કે ‘બૃહદારણ્યક’ ‘શુકલ યજુર્વેદ’ સાથે જોડાયેલું છે જો કે, ‘બૃહદ આરણ્યક ઉપનિષદ’ તરીકે એ વધારે જાણીતું થયું હતું.

કોઈ પણ સમાજની સામાજિક અને આધ્યાત્મિક કક્ષાનું માપ એ સમાજમાંની સ્ત્રીઓની સ્થિતિ છે. આપણે ઉપનિષદ યુગમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે, સ્ત્રીઓએ હાંસલ કરેલી મહાન બૌદ્ધિક અને આધ્યાત્મિક સિદ્ધિઓનાં દૃષ્ટાંતો આપણી નજરે ચડે છે. સૌથી આગળ પડતું ઉદાહરણ ગાર્ગી વાચક્નવીનું છે. પોતાની આધ્યાત્મિકતાને કારણે એમનું નામ પર ઘર ઘરમાં જાણીતું છે. ઋષિતર્પણના નિત્ય કર્મમાં મહાન ઋષિઓની સ્મૃતિમાં જલની જે અંજલિ અપાય છે તેમાં-ગાર્ગી વાચક્નવી, વાદવા પ્રાતિથૈયી અને સુલભા મૈત્રેયી એ ત્રણ નારી ઋત્વિજોનાં નામ આવે છે. ‘બૃહદારણ્યક ઉપનિષદ’ના બે અધ્યાય ગાર્ગી યાજ્ઞવલ્ક્યને જીવનનું અસ્તિત્વ અને આનુષંગિક વિષયો અંગે જાહેર વાદનું નિમંત્રણ આપે છે, તેને લગતા છે. એ વાદનું પ્રયોજન એ હતું કે જનકના દરબારમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ કોણ હતો તે શોધી તેને એક હજાર ગાયનું દાન રાજા આપવાના હતા. જનકના દરબારમાંના સૌથી પ્રસિદ્ધ ઋષિ યાજ્ઞવલ્ક્યે એ દાન પરનો પોતાનો દાવો કર્યો. એટલે એમને પ્રશ્નો પૂછી ગાર્ગીએ પડકાર્યા. ચર્ચા દરમિયાન એક તબક્કે યાજ્ઞવલ્કયે કહ્યું : તમારી પ્રશ્ન પરંપરાને તમે વધારે લંબાવો મા, નહીં તો તમારું માથું ધડથી જુદું થઈ જશે. તમે એવા દેવને વિશે પૂછો છો, જે તર્કથી પર છે. તમારી પ્રશ્ન પરંપરાને વધારે લંબાવો નહીં.3

યાજ્ઞવલ્ક્યથી આમ એમનું મોઢું બંધ કરાયા છતાં, એ પોતાની જાતને રોકી શક્યાં નહીં અને નિર્ભયતાથી એમણે ફરી પૂછ્યું : “કાશી કે વિદેહનો કુશળ બાણાવળી ધનુષની ઢીલી પણછને ખેંચી બે તીક્ષ્ણ બાણો સાથે પોતાના શત્રુ પર હુમલો કરવા આવે છે, બરાબર તેમ જ, હે યાજ્ઞવલ્ક્ય! હું તમારી સામે બે પ્રશ્નો મૂકું છું. આપી શકો તો એના ઉત્તર આપો.” આ ચર્ચા પૂરી થયે એમણે નિર્ણાયક અભિપ્રાય આપ્યો કે, ઉત્તમ બ્રહ્મવેત્તા યાજ્ઞવલ્ક્ય હતા અને તેથી તેઓ પારિતોષિકને પાત્ર હતા.

આ યુગનાં બીજાં ખ્યાતનામ નારી ઋષિ યાજ્ઞવલ્ક્યનાં બે પત્નીઓમાંનાં એક મૈત્રેયી હતાં. એ જ ઉપનિષદ કહે છે કે વૃદ્ધ થતાં, સંસાર ત્યાગ કરી યાજ્ઞવલ્ક્ય એકાંતવાસ ચાહતા હતા. બીજાં પત્ની કાત્યાયની કરતાં વયમાં મૈત્રેયી મોટાં હતાં અને આધ્યાત્મિકતા તરફ વધારે ઢળેલાં હતાં. એમને યાજ્ઞવલ્ક્યે કહ્યું કે, ‘હું ગૃહસ્થ ધર્મ છોડી સંન્યાસ લેવા ચાહું છું.’ તેથી પોતાની સંપત્તિ પોતાનાં બે પત્નીઓ વચ્ચે વહેંચવા તેમણે ઈચ્છા દર્શાવી. મૈત્રેયીએ એમને પૂછ્યું, ‘પોતાની બધી સમૃદ્ધિ સાથે આ આખીયે પૃથ્વી મારી થાય તો, શું હું અમરત્વ પ્રાપ્ત કરીશ?’ યાજ્ઞવલ્કયે ઉત્તર આપ્યો, ‘ના, માત્ર અનેક પદાર્થોના સ્વામીનું હોય તેના જેવું તારું જીવન થશે; વૈભવથી અમરત્વની આશા નથી.’ એટલે મૈત્રેયીએ કહ્યું, ‘મને અમર ન બનાવે તે સમૃદ્ધિને લઈને હું શું કરું? અમરતાના એકમાત્ર સાધન તરીકે તમે જેને જાણતા હો તેની વાત મને કરો.’ અદ્વૈતના અતિ અઘરા અને ગહન તત્ત્વજ્ઞાનને ગ્રહણ કરવાને સમર્થ એવી પોતાની પત્ની અને શિષ્યા મૈત્રેયીને યાજ્ઞવલ્ક્યે અદ્વૈતનો સિદ્ધાંત સમજાવ્યો અને અંતે કહ્યું : ‘રે મૈત્રેયી, આ આત્માનો (પ્રત્યક્ષ) સાક્ષાત્કાર કરવાનો છે. (ગુરુ પાસેથી) તેનું શ્રવણ કરવાનું છે. (બુદ્ધિ વડે) તેનું મનન કરવાનું છે અને તેનું ધ્યાન કરવાનું છે.’ યાજ્ઞવલ્ક્યના આ શબ્દો પર ટીકા કરતાં શ્રી શંકરાચાર્ય લખે છે કે : ‘આ આત્મજ્ઞાન બધા પ્રકારની સાધુતાનો અંશ છે.’

આ પ્રસંગ બતાવે છે કે, આત્માને આચ્છાદિત કરતા અજ્ઞાનના પટને દૂર કરતું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરુષોને હતા તેટલા જ અધિકાર સ્ત્રીઓને હતા, ઔપનિષદિક સાહિત્યમાં આપણને જણાય છે કે, તેમાં સાંસારિક સુખ પર જરાય ભાર નથી; મનુષ્ય જીવનનું એ તો કેવળ ઉપરછલું સ્વરૂપ જ ગણાતું હતું. સમગ્ર વેદાંત સાહિત્યમાં ત્યાગ અને પરભવના જ્ઞાનનું ઝરણું વહ્યા કરે છે.

મનુષ્ય જીવનની પાયાની ન્યૂનતા એની ક્ષણભંગુરતા છે; તેથી જાગૃત મનુષ્ય જીવનને પૂર્ણતા પામવાની તક તરીકે જુએ છે. ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવા માટેની તેમની બૌદ્ધિક મેધા અને ધાર્મિક તપને વર્ણવવા માટે સ્વામી વિવેકાનંદના આ શબ્દો ઉચિત થશે : ‘કેળવણી એટલે માનવીમાં રહેલી પૂર્ણતાનું પ્રાગટ્ય. ધર્મ એટલે મનુષ્યમાં રહેલી દિવ્યતાનું પ્રાગટ્ય.’ અને વેદકાલીન સ્ત્રીઓના જીવનના આ ધ્યેયનો અધિકાર હતો.

સૂત્રકાલ અને સૂત્રોત્તર કાલ

‘બ્રહ્મ જ એકમાત્ર પરમાર્થ સત્ હોઈને બધા જ આત્મા (જીવો)ની મૂલગામી એકતા છે’ એમ ઉપનિષદો કહેતાં હોવાથી આરંભમાં સૂત્રોના રચનારાઓ સ્ત્રીઓ પ્રત્યે ઉદાર હતા. ઉ.ત. કાત્યાયન શ્રોત સૂત્ર’ (૧.૧.૭.) કહે છે કે : ‘स्त्री चा विशेषात् શાસ્ત્ર સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદ પાડતું નથી.’ આધ્યાત્મિક વલણવાળી સ્ત્રીઓ બ્રહ્મવાદિની થતી અને સમાજ તેનો વિરોધ કરતો ન હતો, પરંતુ વૈદિક આદર્શવાદની અસ્ખલિત ધારા વેદાંગો અને સૂત્રોના સમયમાં (ઈ. સ. પૂ. ૫૦૦ થી ઈ. સ. ર૦૦) આમૂલ પરિવર્તન પામી હતી. બે વ્યાવર્તક પરિબળોએ હિંદુ સમાજના જીવન પ્રવાહમાં પરિવર્તન આપ્યું હતું અને એ હતાં: (૧) બૌદ્ધ અને જૈનની આરૂઢ વિચાર ધારાઓનો ઉગમ અને પ્રસાર અને, (૨) ગ્રીક, સિથિયન, પાર્થિયન અને કુશાણ પ્રજાઓનાં આક્રમણો. ડૉ. આલ્ટેકર જણાવે છે કે, ‘રાજકીય આઘાતો, યુદ્ધો, અત્યાચારો અને વસતિમાં ઘટાડો : આ ચારને લઈને સમાજમાં કુદરતી રીતે નૈરાશ્યનું મોજું ફરી વળ્યું.’ આવા સંજોગોમાં પીડાતી અસંખ્ય પ્રજા સલામતી બક્ષે તેવા માર્ગ ભણી સામાન્ય રીતે વળે.

આ સમયે બૌદ્ધ અને જૈન ધર્મોએ પોતાના સાંપ્રદાયિક સંન્યાસનાં દ્વાર સ્ત્રીઓ સહિત સૌને માટે ખુલ્લાં મૂકી દીધાં. એટલું કહેવું બસ થશે કે, કુમારિકાઓ, અનેક વિધવાઓ સહિત અને હિંદુ સ્ત્રીઓને આ સંન્યાસ માર્ગોએ જવા ઉત્તેજન આપવામાં આવ્યું. દુર્ભાગ્યે, સંન્યાસ ગ્રહણ કરનાર પ્રત્યેક વ્યક્તિ પાસે ધર્મની સાચી અને સ્વયંભૂ જિજ્ઞાસા ન હતી. એટલે કેટલાંક સ્ખલનો થયાં. પરદેશી આક્રમણોએ પણ હિંદુ જીવનરીતિમાં છિદ્રો પાડ્યાં હતાં. હિંદુ સામાજિક ચિંતકો અને સ્મૃતિકારો આ બધાંના કારણે પોતાના અનુયાયીઓ ઉપર, ખાસ કરીને સ્ત્રીઓ ઉપર, કડક અંકુશો મૂકવા તરફ વળ્યા. પોતાના રાજનીતિના ગ્રંથ ‘અર્થશાસ્ત્ર’માં (૨.૧), નાની વયે સંન્યાસ લેનારાઓ માટે કૌટિલ્ય શિક્ષા ફરમાવે છે.

શ્રી શંકરાચાર્યની અસર અને તેમનું જીવનકાર્ય

શંકરાચાર્યના આગમન સુધી સંન્યાસીઓની કોઈ કેન્દ્રવર્તી સંસ્થા ન હતી. ભિન્ન ભિન્ન માન્યતાઓ અને આચારોએ ઘણા સંન્યાસી સંપ્રદાયોને જન્મ આપ્યો હતો અને, સંન્યાસિનીઓ એમની સાથે જોડાયેલી હતી. પરંતુ, સંન્યાસની સંસ્થાને સુદૃઢ પાયે મૂકવાનું અને એમાં ચેતન પૂરવાનું કાર્ય આઠમી સદીમાં શંકરાચાર્યે કર્યું હતું. પરિવ્રાજકના આદર્શ પર એમની અસર ઘેરી રહી છે. પરિવ્રાજકોના બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક ઘડતર ઉપર આજના દિવસ સુધી, એમના ભવ્ય બોધની ઊંડી છાપ પડી છે. સંન્યાસી સમુદાયોના એમણે દસ વર્ગો પાડ્યા અને એમનું નિવાસસ્થાન, એમનું માનસિક વલણ, ઈત્યાદી ઉપરથી તે દરેકનું નામાભિધાન કર્યું : આજે પણ એમને દશનામીઓ (અક્ષરશ: ‘દશ નામવાળા’) તરીકે ઓળખવામાં આવે છે. અને પરિવ્રાજકોની દુનિયામાં તેમ જ સમગ્ર સમાજમાં તેમને ખૂબ આદર આપવામાં આવે છે.

કેટલાક સંન્યાસીઓ એકલા રહેતા અને કેટલાક સંઘમાં. વિશેષ નિયમો એમને સંસારીઓથી જુદા પાડી આપતા. વિશ્વેશ્વર સરસ્વતી કૃત ‘યતિ-ધર્મ-સંગ્રહ’ પરિવ્રાજકોએ અનુસરવાના બધા નિયમો આપે છે. એમાં સ્ત્રીઓનો જુદો ઉલ્લેખ નથી; જીવનમાં પુરુષ પ્રાધાન્યના ઢાંચાએ સામાન્ય રીતે સ્ત્રીઓને દૂર રાખી હતી. આમ છતાં પરિવ્રજ્યા લીધી હોય તેવી સ્ત્રીઓના થોડાક દાખલા આપણને જોવા મળે છે. ‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’ ઉપર ‘મિતાક્ષરા’ નામની ટીકાનો લખનાર વિજ્ઞાનેશ્વર પ્રાચીન હિંદુ કાનૂન પર સૌથી વિશેષ પ્રમાણભૂત વ્યક્તિ મનાય છે. એ બૌધાયનનું અવતરણ આપી (૩.૫૮) જણાવે છે કે, ‘स्त्रीणाम् चैकेः’ કેટલાક ગુરુઓના મત અનુસાર સ્ત્રીઓ પણ પરિવ્રજ્યા ગ્રહણ કરી શકે છે. એ પોતે આ અભિપ્રાયનું સમર્થન કરે છે.૧૦

ડૉ. પી. વી. કાણે લખે છે કે, “પોતાના ‘મહાભાષ્ય’માં પતંજલિ શંકરા નામની એક પરિવ્રાજિકાની વાત કરે છે. પછીથી, ‘વેદોમાં કે ધર્મશાસ્ત્રમાં સ્ત્રીઓને પરિવ્રજ્યા લેવાનો આદેશ નથી.’ આ મતને અનુસરતી ‘સ્મૃતિ ચંદ્રિકા’માંથી તે અવતરણ આપે છે.૧૧ આમ, રૂઢિએ સ્ત્રીઓ માટે સાધુતાનો માર્ગ બંધ કર્યો, છતાંયે આપણને એવી સ્ત્રીઓના દાખલાઓ મળે છે જેમણે આ કડક ચોકીપહેરા સામે બંડ પોકાર્યું અને પરમ મુક્તિની શોધમાં ઘરનું રક્ષણ છોડ્યું. અજ્ઞાનના પડદાને ઊચકીને સાચા સ્વરૂપને ઓળખવું એ જીવનનો ઉચ્ચ આદર્શ છે, આવી અદ્વૈત પરંપરાને તેઓ અનુસરી હતી. આ સ્ત્રીઓને આપણે વૈદિક યુગની બ્રહ્મવાદિનીઓ સાથે સરખાવી શકીએ. પરંતુ, એમણે ગુરુપદ અંગીકાર કર્યું હતું. શાસ્ત્રોમાં પારંગત હોઈને તેઓ ઉપાધ્યાય કે આચાર્ય બની. અને શાસ્ત્રજ્ઞાન આપવા લાગી. પોતાની પસંદગીની પરંપરાને તેઓ અનુસરતી. પણ, કોઈ પ્રસ્થાપિત સંન્યાસ મઠના અંગરૂપ તેઓ કદી બની શકી નહીં.૧૨

મહાકાવ્યો, પુરાણો અને ભક્તિના યુગો

ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ઈ. સ. ૮૫૦ સુધીના ગાળામાં હિંદુ સમાજે પોતાની પુનર્વ્યવસ્થા કરી. દાર્શનિક હિંદુ ધર્મને શ્રી શંકરાચાર્યે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. લૌકિક હિંદુ ધર્મે લોકોને સ્થિરતા બક્ષી અને હિંદુઓના પ્રાચીન નિયમોને લિપિબધ્ધ કરવામાં આવ્યા. આખા દેશમાં નાનાં નાનાં પણ સમર્થ હિંદુ રાજ્યોનો ઉગમ થયો. પરંતુ, નવજાગૃતિના આ કાળ દરમિયાન, હિંદુ સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ અને સાધુ જીવનમાંથી બાકાત રાખવામાં આવી. માતા અને ગૃહરાજ્ઞી તરીકે સ્ત્રીઓના પાઠને સોનેરી ઢોળ ચડાવવામાં આવ્યો પરંતુ, સ્ત્રીઓ સંન્યાસ જીવન અંગીકાર કરે તે સામે કડક સામાજિક નિયમો લદાયા.

આ છતાંયે, આ સદી દરમિયાન, સંન્યાસ જીવન અપનાવી સાધુતાની પૂર્ણતાએ પહોંચી હોય તેવી સ્ત્રીઓની લાંબી હારમાળા જોવા મળે છે. ‘રામાયણ’માં આપણને શબરી અને સ્વયંપ્રભા, અરુન્ધતી અને અનસૂયા મળે છે. જનકને મળી ત્યાં સુધી સત્યની શોધમાં ભ્રમણ કરતી રહેનાર સુલભાની કથા ‘મહાભારત’માં છે. પોતાની વિદ્વતા, શાણપણ, ત્યાગ અને આધ્યાત્મિકતાથી એણે જનકને મહાત કરી દીધા હતા. ‘હરિવંશ’માં આપણને પ્રભાસની પત્નીની કથા મળે છે. એણે ભ્રમણ કરતી સાધ્વીનું જીવન સ્વીકાર્યું હતું. વ્યક્તિગત સંઘર્ષ કરીને સ્ત્રીઓએ સંન્યાસ જીવન અંગીકાર કર્યાના આવા વધારે દાખલા આપી શકાય તેમ છે.

મધ્યયુગ દરમિયાન, ભારતના કેટલાક ભાગ પર મુસલમાનોએ વિજય મેળવ્યો તેથી સ્ત્રીઓની દશા વળી વધારે કઠિન બની. પરંતુ આધ્યાત્મિક આદર્શને ભક્તિસંપ્રદાયોએ જીવિત રાખ્યો હતો. પોતાના ભક્તિસંગીતથી અને વિશ્વપ્રેમથી આમ પ્રજાનો ઉત્કર્ષ સાધવાનું કાર્ય કરનાર ઘણા અવધૂતો અને ભક્તો ભારતવર્ષમાં હતા. આ ગાળા દરમિયાન સાધ્વીઓએ અને અવધૂત સ્ત્રીઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. મધુ કિશ્વર સાચું જ કહે છે કે :

‘સ્ત્રીઓ પોતાના સ્વાર્થથી પર, ઉંચેરા હેતુ પાછળ સમર્પિત થાય છે, પોતે વરેલા આદર્શને દૃઢપણે વળગી રહેવાની શક્તિનું પ્રદર્શન કરે છે અને તિરસ્કારભર્યા હાસ્યનું લક્ષ્ય બનવાને બદલે વિશેષ માનપાત્ર, આદરપાત્ર પણ બને છે. તેવી સંસ્કૃતિના નિર્માણમાં આ નારીઓએ પોતાનું પ્રદાન કર્યું હતું. લગ્નના વળગણવાળા સમાજમાં, લગ્નથી દૂર રહેવા એ સ્ત્રીઓ મથી હોય તો પણ આ સાચું છે. સામાન્ય રીતે પુરુષોનાં જ ગણાતાં ક્ષેત્રોમાં, સ્ત્રીઓના અધિકારનું વજન પડે તે રીતે થયેલા સ્વીકારમાંથી પણ આ સ્પષ્ટ થાય છે.૧૩

બારમી અને અઢારમી સદી વચ્ચેના ગાળામાં જે સ્ત્રી-જ્યોતિઓ પ્રકાશિત હતી તેમાં કર્ણાટકનાં આક્કા મહાદેવી, કાશ્મીરનાં લલ્લા-કેડેડ, મહારાષ્ટ્રનાં બહિનાબાઈ અને કાન્હોપાત્રા અને રાજસ્થાનનાં મીરાંબાઈ અને સહજોબાઈ મુખ્ય હતાં.

જૈનોમાં સ્ત્રીઓ માટે સંન્યાસ

જૈન ધર્મના સ્થાપક તરીકે સામાન્ય રીતે વર્ધમાન મહાવીરને માનવામાં આવે છે. ક્ષત્રિય રાજકન્યા ત્રિશલાની કૂખે તેઓ જન્મ્યા હતા. જો કે પછીની કેટલીક કથા અનુસાર તેમની માતા દેવનંદા નામનાં બ્રાહ્મણ સ્ત્રી હતાં. જૈન સમાજમાં સ્ત્રીઓ ખૂબ આદરપાત્ર ગણાતી અને આબુ પર્વત, ગિરનાર, પાટણ અને બીજા સ્થળોએ આવેલાં જૈન મંદિરોમાં તીર્થંકરોની માતાઓ આજે પણ પુજાય છે. મનુષ્યોને સહાયરૂપ થાય તેવા આધ્યાત્મિક પથની શોધ માટે ત્રીસ વર્ષની વયે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. જૃંભિક નામના ગામડામાં ઋજુકુલા નદીને તટે, બાર વર્ષના તપ પછી તેમને કેવળજ્ઞાન લાધ્યું. પછી તેઓ મગધની પાટનગરી રાજગૃહમાં આવ્યા ને પોતાના ધર્મતીર્થનું સ્થાનક સ્થાપ્યું. એમણે ધર્મને બે પ્રવાહોમાં વહેંચ્યો : સાધુઓ માટે અનાગાર ધર્મ અને ગૃહસ્થો માટે સાગાર ધર્મ. મહાવીરનો ધર્મ ગૃહસ્થો માટે તેમ જ સંન્યાસીઓ માટે અને પુરુષો તેમ જ સ્ત્રીઓ માટે હતો; એટલે એમના અનુયાયીઓના ચાર સ્પષ્ટ વર્ગો પડી ગયા : સાધુઓ અને સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ. ગૃહસ્થો માટે અનુવ્રતો અને સાધુઓ માટે મહાવ્રતો નિર્માયાં.

સાધુઓ અને સાધ્વીઓના પંથોમાં તેમણે કશો ભેદ ન રાખ્યો હોઈ, સંન્યાસની કઠણ તપશ્ચર્યા બંને માટે નિર્મી. સૌથી આકરાં બાવીસ વ્રતો – પરિષહો – હતાં. જેવાં કે ભૂખ, તરસ, શીત, ઉષ્ણ વગેરે. સૌથી અગત્યનો તેમનો સિદ્ધાંત હતો અહિંસાનો જે મુજબ કોઈ પણ સંજોગોમાં તેઓ કોઈ સજીવ પ્રાણીને ઈજા ન પહોંચાડી શકે. તે ઉપરાંત સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ચાર મહાવ્રતોનું પણ તેઓ પાલન કરતા. પૂર્ણતાએ પહોંચતા પહેલાં સાધુઓએ સંપૂર્ણપણે આત્મસંયમ, ક્ષમા, અદંભીત્વ કેળવવાં પડતાં. આ જૈન સિદ્ધાંતોને પૂર્ણપણે જીવનમાં ઉતારે તેઓ અરિહંત કહેવાય છે; સંસારનાં બંધનોથી સંપૂર્ણ મુક્તિ મેળવી કૈવલ્ય દશાને પામનાર સિદ્ધો કરતાં તેઓ એક કક્ષા ઊતરતી ગણાતા. સંન્યાસ લેવામાં આમ પુરુષોની સમાન હોવા છતાંયે સાધ્વીઓ સાધુઓને આધીન રહેતી.

સિદ્ધ કે તીર્થંકરના પદની પ્રાપ્તિનું સૌથી આગળ પડતું દૃષ્ટાંત મિથિલાના રાજા કુમ્ભની પુત્રી મલ્લિનું છે. એ અતિ સુંદર હતી અને એના સૌંદર્યે કૌશલ, અંગ, કુરુ અને પાંચાલ દેશોના રાજાઓને આકર્ષ્યા હતા. એ સૌએ એના પાણિગ્રહણની માગણી કરી હતી પણ એણે સૌને ના પાડી હતી. આથી એ સૌ ક્રોધે ભરાયા અને એમણે મિથિલા પર ચડાઈ કરી. રાજકુમારી મલ્લિએ પોતાના પિતાને કહ્યું કે, ‘એ રાજાઓને મારા મહેલમાં બોલાવો.’ પોતાની જાતને મળતી સુવર્ણની એક પ્રતિમા તેણે તૈયાર કરાવી હતી અને તે પેલી પ્રતિમાના માથામાંના એક છિદ્ર દ્વારા તે દરરોજ એક મુઠ્ઠી રાંધેલું અનાજ નાખતી. રાજાઓ ત્યાં આવ્યા ત્યારે તેણે તે પ્રતિમાનું ઢાંકણ ખોલી નાખ્યું. એટલે સડેલા અનાજની દુર્ગંધથી આખો આવાસ ભરાઈ ગયો. સુવર્ણની આ પ્રતિમાનો દાખલો આપી મલ્લિએ રાજાઓને સમજાવ્યું કે, એ લોકોને સુંદર લાગતા પોતાના શરીરમાં પણ મજ્જા, માંસ, રક્ત, વગેરે ગંદા પદાર્થોથી વિશેષ કંઈ જ ન હતું. એણે વિશેષમાં કહ્યું કે, પોતે સંસારસુખ તજી દઈ સંન્યાસ ગ્રહણ કરવાની છે. સંન્યાસની એની આવી ઉત્કટ ઈચ્છા જોઈ એ રાજાઓ ખૂબ ચલાયમાન થઈ ગયા અને પોતાનાં રાજપાટ પોતાના અનુજોને સોંપી તેઓ જૈન સાધુ બની ગયા. શ્વેતાંબર જૈન શાસ્ત્રાનુસાર, આ રાજકુમારી મલ્લિ મલ્લિનાથ નામે ઓળખાતા અને એમના ઓગણીસમા તીર્થંકર હતા.

આર્યા ચંદના મહાવીરનાં પ્રથમ શિષ્યા હતાં. તેઓ રાજા દધિવાહનનાં પુત્રી હતાં, અને નામે વસુમતી કહેવાતાં. કૌસાંબીના રાજાને હાથે એમના પિતા હાર પામ્યા ત્યારે, શત્રુના કોઈ અધિકારીના હાથમાં પકડાઈ તેમને કૌસાંબી આણવામાં આવ્યાં. મહાવીર એ સમયે કૌસાંબીમાં હતા અને ભિક્ષાથી નિર્વાહ કરતા હતા. થોડા બાફેલા ધાનની ચંદનાની નમ્ર ભેટને તેમણે સ્વીકારી. ગામમાં આ વિશે વાત થવા લાગી. રાજા શતાનિક અને રાણી મૃગાવતી એને મળવાને આવ્યાં અને રાણીએ એને રાજકુમારી વસુમતી તરીકે ઓળખી કાઢી તેમને ગુલામીમાંથી મુક્ત કરાવ્યાં. વિપત્તિમાં ચંદનાએ સ્થિતપ્રજ્ઞતા વિકસાવી હતી અને એમણે મહાવીરને ચરણે શરણ લીધું. મહાવીરે એમનો સ્વીકાર કર્યો અને તેમણે દીક્ષા આપી. તેઓ મહાવીરનાં પ્રથમ શિષ્યા બન્યાં. સમય તેઓ મહાવીરના હાથ નીચે સાધ્વીઓના સંઘનાં વડા, આર્યિકા બન્યાં.

યાકિની મહત્તારા આઠમી સદીમાં થઈ ગયાં અને એક વિદ્વતાભરી ચર્ચામાં તેમણે એક બ્રાહ્મણ પંડિત હરિભદ્રને હરાવ્યો હતો. તેણે પછીથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. એટલું જ નહીં પરંતુ, હરિભદ્ર સુરિએ જૈન ધર્મમાં ઘણા સુધારા પણ કર્યા અને તર્કશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર અને ક્રિયાકાંડને લગતા જૈન ગ્રંથો ઉપર અધિકૃત ટીકા લેખક બન્યા. પોતાની જાતને તેઓ ગૌરવપૂર્વક યાકિની મહત્તારાસુનુ (મહાન જૈન સાધ્વી યાકિનીના પુત્ર) તરીકે ઓળખાવતા.

બીજાં પ્રખ્યાત સાધ્વીઓ હતાં બાવીસમા તીર્થંકર નેમિનાથનાં પત્ની રાજમતી, કૌસાંબીના રાજા શતાનિકનાં બહેન જયંતી અને ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતની કેટલીક પત્નીઓ. આ સંસ્કારી સ્ત્રીઓ ધાર્મિક અને તાત્ત્વિક ચર્ચાઓમાં આગળ પડતો ભાગ લેતી અને જૈન ધર્મના પ્રસારમાં પોતાનો મોટો ફાળો આપતી.

આજે પણ જૈનોમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેની સાધુતાની પરંપરા જીવંત છે. જો કે એની અસરમાં ઓટ વરતાય છે.

(ક્રમશ:)

અનુવાદક – શ્રી દુષ્યંત પંડ્યા

નોંધ અને સંદર્ભ સૂચિ

૧. अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् । ઋગવેદ ૧૦. ૧૨૫.

૨. ‘अश्वालयन गृह सूत्र’ । ૩.૪.૪ ‘ગ્રેટ વિમેન ઓફ ઈન્ડિયા’ (પ્રકા. કલકત્તા : અદ્વૈત આશ્રમ, ૧૯૮૨)માં ડો. રમા ચૌધરીના લેખ વિમેન્સ એજ્યુકેશન ઈન ઈંડિયામાંથી અવતરણ પૃ. ૯૭.

૩. ‘બૃહ્‌દારણ્યક ઉપનિષદ’ ૩.૬.૧.

૪. એજન ૩.૮.૨.

૫. એજન. ૩.૮.૨.

૬. જુઓ બૃ.ઉ. ઉપરની શ્રી શંકરાચાર્યની ટીકા. ૨.૫.૧.

૭. ‘પોઝિશન ઓફ વિમેન ઈન હિંદુ સિવિલીઝેશન’ (દિલ્હી. ૧૯૬૨ પૃ. ૩૫૧)

૮. पुत्र दारमप्रतिविधाय प्रव्रजतः पूर्वः साहसदण्डः । કલ્ચરલ હેરિટેજ ઓફ ઈંડિયા (કલકત્તા, ૧૯૬૨માંથી ઉદ્ધૃત ર.૬૦૨)

૯. तीर्थ-आश्रम-वन-अरण्य-गिरि-पर्वत सागराः । सरस्वती, भारती च पुरी ते दशकीर्तिता ॥ ‘વિજય’ ૧.૧૦

૧૦. एकारामः प्रव्रजितान्तरेणासहायः संन्यासिनीभिः स्त्रीभिःच । स्त्रीणां चैक इति बोधायनेन स्त्रीणामपि प्रव्रज्यास्मरणात् ।

૧૧. स्त्रियाः श्रुतौ वा शास्त्रे वा प्रव्रज्या न विधियते । ‘હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર’ (પૂના ૧૯૪૧) ૨૮-૯૪૫

૧૨. શ્રી કાણેએ એક રસિક વાત કરી છે. ૧૬મી સદીમાં, અકબરના રાજ્ય અમલ દરમિયાન, હિંદુ સાધુઓનો સંહાર કરતા મુસ્લિમ ફકીરો સામે લડવા માટે મધુસૂદન સરસ્વતીએ ક્ષત્રિયો, વૈશ્યો અને સ્ત્રીઓને પણ સંન્યાસ દીક્ષા આપી અને દશનામ સંન્યાસીઓમાંના ગિરિ અને પુરી સંપ્રદાયોમાં તેમનો સમાવેશ કર્યો. જુઓ એજન ૨.૯૫૧.

૧૩. માનુષી, અંક ૫૦-૫૧-૫૨, ૧૯૮૯.

Total Views: 383

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.