ગતાંકના સંપાદકીયમાં આપણે બૃહત્ કથાઓ વિશે તેમજ પંચતંત્રના સાહિત્ય વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે જૈન કથાસાહિત્ય વિશે થોડી વાત કરીશું.
જૈન કથાસાહિત્ય
જૈન ધર્મના લેખકોની પાસે કથાવાર્તા લખવાની એક વિશેષ કળા હતી. એમાંયે સામાન્ય જનસમાજમાં પ્રચલિત ગુણો-અવગુણો તેમજ રીતિરિવાજો વિશેની વાર્તાઓ લખવામાં એમની પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠતી. એમાંથી ભિન્ન ભિન્ન લેખકોની રચનાઓ પ્રાપ્ય છે. ‘કથા રત્નાકર’ જૈન હૈમવિજયગણિની ૨૫૬ નાની નાની કથાવાર્તાઓની રચનાઓનો સંગ્રહ છે. આ ગ્રંથની રચના ૧૭મી સદીમાં થઈ છે. આ કથાઓમાં સાહિત્યિક સૌંદર્યનું પ્રમાણ ઓછું રહેતું એનું મુખ્ય કારણ એ છે કે લેખકની નજર સામે જૈન ધર્મનું વિવરણ આપવું અને નૈતિકતાનો પ્રચાર કરવો એ બે વસ્તુ મુખ્ય રહેતી.
જૈન લેખકોએ લખેલાં સંસ્કૃત તેમજ પ્રાકૃત સાહિત્યમાં કથાઓના અનેક મહત્ત્વના સંગ્રહ મળે છે. એ ‘કથાકોશ’ને નામે પ્રખ્યાત છે. ‘જિનરત્નકોષ’માં આની સંખ્યા ૨૦ કરતાં વધારે ગણાવાઈ છે. હરિષેણાચાર્ય રચિત ‘કથાકોશ’ પોતાની વિશાળતાને લીધે ‘બૃહદ્ કથાકોશ’ના નામે સુખ્યાત છે. આ ગ્રંથની રચના હરિષેણે ઈ.સ. ૯૩૨માં કરી હતી.
આ ગ્રંથમાં નાની મોટી મળીને ૧૫૭ જેટલી કથાવાર્તાઓ છે. એમાંથી કેટલીક કથાઓ ભારતના ઐતિહાસિક પુરુષો જેવા કે ચાણક્ય, શકટાલ, ભદ્રબાહુ, વરરુચિ સાથે સંબંધ ધરાવે છે. એમાં ઇતિહાસ કરતાં આરાધનાનું મહત્ત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કથાકોશોમાં આ પ્રાચીનતમ ગ્રંથ ગણાય છે. હરિષેણ પુન્નાટ સંઘના આચાર્ય હતા. એનું મૂળ સ્થાન કર્ણાટક હતું. આ સંઘમાં હરિવંશ પુરાણના કર્તા ‘જિનસેન’ પણ હતા. ગુજરાતના વર્ધમાનપુરમાં એની રચના થઈ છે. આમાંની કથાઓ સંસ્કૃત પદ્યમાં રચાઈ છે. એમાં અનુષ્ટુપ છંદનો ઉપયોગ થયો છે. કથાની વાર્તા સંસ્કૃતમાં હોવા છતાં સંસ્કૃત ઘણું વ્યાવહારિક, સરળ અને સુબોધ છે.
ગદ્યમાં રચિત જૈન પ્રબંધોની ભાવના એનાથી સાવ જુદી જ છે. આવા પ્રબંધોમાં અર્ધ ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ પુરુષોનું જીવન ઘણી રોચક શૈલીમાં લખાયું છે. બોલચાલની ચાલુ ભાષામાં તથા સરળ શૈલીમાં લખાયેલ હોવાથી આ પ્રબંધોની લોકપ્રિયતા પૂરેપૂરી વધી ગઈ. આવા પ્રબંધોમાં એક ‘પ્રબંધચિંતામણિ’ તથા ‘પ્રબંધકોશ’ વિશેષ જાણીતા છે. મેરુતુંગાચાર્ય નામના લેખકે ‘પ્રબંધચિંતામણિ’ની રચના ઈ.સ. ૧૩૦૫માં કરી હતી. આ રચના એમણે વર્ધમાનપુર કરી હતી. એની પાંચ પ્રકાશ (ખંડ)માં વિક્રમાર્ક, સાતવાહન, મૂળરાજ, તથા મુંજ વિશેના કથાનકો આવે છે. બીજામાં રાજા ભોજ વિષય વસ્તુ છે. ત્રીજામાં સિદ્ધરાજ જયસિંહ વગેરે રાજાઓની કથા છે. ચોથામાં કુમારપાળ, વીરધવલ તેમજ વસ્તુપાલ-તેજપાલના કથાનકો આવે છે. પાંચમામાં લક્ષ્મણસેન, જયચંદ્ર, વરાહમિહિર, ભર્તૃહરિ, વૈદ્યવારપટના કથાનકો ઘણા રોચક અને જ્ઞાનમૂલક છે. ગ્રંથનો ઉદ્દેશ ગ્રંથકારના શબ્દોમાં આવો છે : ‘બહુશ્રૂત અને ગુણવાન વૃદ્ધજનો મળવા દુર્લભ બન્યા છે. શિષ્યોમાં આવી પ્રતિભા ન હોવાને લીધે શાસ્ત્રો પ્રાય: નાશ પામતા જાય છે. એટલે ભાવિ બુદ્ધિમાનોને ઉપકારક બને એવી ઇચ્છા અને ભાવનાથી અમૃતના સત્રસમા સત્પુરુષોના પ્રબંધોને અહીં એકત્રિત કરીને મેં આ ગ્રંથ રચ્યો છે.’
રાજશેખરના ‘પ્રબંધ-કોશ’માં ૨૪ સુપ્રસિદ્ધ વ્યક્તિના કથાનક જોવા મળે છે. એને લીધે એનું નામ ‘ચતુર્વિંશતિ પ્રબંધ’ જ પડ્યું છે. લોકોમાં વહેતી વાતોના વિષયથી મિશ્રિત વસ્તુવાળી વાતો અર્ધ ઐતિહાસિક અને અર્ધ લોકકથાત્મક નિબંધોનો સંગ્રહ છે. આની રચના એના અંતિમ પદ્ય પ્રમાણે ઈ.સ. ૧૩૪૮માં પૂર્ણ થઈ હતી. આ પ્રબંધકોશમાં જે નવ આચાર્યોનાં જીવન આલેખેલ છે, તેમાં ‘પ્રભાવકચરિત’ (ઈ.સ. ૧૨૭૭) નામના પદ્યબદ્ધ કૃતિમાં આલેખેલ ૨૨ આચાર્યોમાંથી લીધેલ છે.
રાજશેખર સૂરિના મૌલિક પ્રબંધ સંસ્કૃત કવિઓ વિષયક છે. પૂર્વોક્ત ગ્રંથોમાં એ ક્યાંય જોવા મળતા નથી. ગ્રંથકારે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં લખ્યું છે : ‘મુગ્ધજનોના જ્ઞાનવર્ધનના હેતુ સાથે ‘મૃદુગદ્ય’માં ગ્રંથનો નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે.’ આ આખો ગ્રંથ વ્યવહારુ સંસ્કૃતમાં રચાયો છે. એમાં પાંડિત્યપૂર્ણ ભાષા કે સમાસનું બાહુલ્ય જોવા મળતું નથી. સીધા સરળ શબ્દોમાં વસ્તુને સમજાવી દેવી એ જ લેખકને મન તુષ્ટ વસ્તુ રહી છે. એમાં બોલચાલની ભાષાના અનેક શબ્દો અને કહેવતો સંસ્કૃતના રૂપે રજૂ થયાં. પ્રાચીન વ્યક્તિઓના ઇતિહાસમાં એની ઉપાદેયતા વિશેષ માન્ય છે.
‘ઉપમિતિ-ભવપ્રપંચ’ની કથા રૂપક શૈલીમાં લખાયેલી છે. આ એક બૃહત્ સંસ્કૃત કાવ્ય છે અને એને કાવ્યાત્મક નવલકથાની ઉપમા આપી શકાય છે. આ બૃહત્ કાવ્યગ્રંથમાં જીવનું સંસારમાં પરિભ્રમણ, અનેક દુ:ખકષ્ટ સહન કરવાનું ચિત્રણ રૂપકકથાઓ દ્વારા રજૂ થયેલ છે. એના આઠ પ્રસ્તાવમાં સાંસારિક પ્રપંચમાં ફસાયેલ જીવનો ઉદ્ધાર, જૈન ધર્મ અનુસારી રત્નત્રયથી એટલે કે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચરિત્રથી સંભવ છે. કવિએ પોતાના ઉદ્દેશ્યને સમજાવવા આ ગ્રંથમાં વિવિધ રૂપકોનો ઉપયોગ કર્યો છે. જયશેખર સૂરિએ રચેલ ‘પ્રબોધ ચિંતામણિ’ નામનો ગ્રંથ રોચક અને રૂપકપૂર્ણ ગ્રંથ છે. ગ્રંથકારે સ્તંભક નરેશની રાજધાનીમાં ઈ.સ. ૧૪૦૫માં આ ગ્રંથની રચના કરી હતી. લેખકનું કહેવાનું એવું છે કે ભગવાન પદ્મનાભના શિષ્ય ધર્મરુચિ મુનિએ નિરુપેલ આત્મ સ્વરૂપના ચિત્રણનો આધાર માનીને તેને આ ગ્રંથમાં પુન: પલ્લવિત કર્યો છે. ‘પ્રબોધ ચિંતામણિ’માં સાત અધ્યાય છે. એમાં વર્ણવેલ વિષય પરમાત્માનું સ્વરૂપ, પદ્મનાભ અને ધર્મરુચિ મુનિનું ચિત્રણ, મોહ અને વિવેકની ઉત્પત્તિ તેમજ મોહની રાજ્યપ્રાપ્તિ, વિવેકનો સંયમશ્રી સાથે પાણિગ્રહણ અને રાજ્યલાભ, કામનો દિગ્વિજય, વિજય માટે વિવેકની માત્રા, મોહ તથા વિવેકનું યુદ્ધ, વિવેકનો વિજય, મોહનો પરાજય અને પરમાત્માનું સ્વરૂપચિત્રણ જોવા મળે છે. છઠ્ઠા અધ્યાયમાં કલિના પ્રભાવનું નિરુપણ સુંદર રીતે કર્યું છે. આ વિષયને નજર સમક્ષ રાખીને અપભ્રંશમાં પણ રચના થઈ છે.
વુચ્ચરાયના ‘મયણજુજ્ઝ’ (મદનયુદ્ધ) એક રોચક પણ રુપકાત્મક પ્રબંધ પણ જોવા મળે છે. એની રચના ઈ.સ. ૧૫૩૨માં થઈ મનાય છે.
રૂપક શૈલીમાં લખાયેલ પ્રબંધોમાં ‘મદન પરાજય’નું સ્થાન મહત્ત્વનું છે. એના લેખક નાગદેવ છે. પંચતંત્ર, હિતોપદેશ, યશસ્તી-લકચંપૂ, પ્રબોધ ચંદ્રોદય જેવા સુખ્યાત ગ્રંથોમાંથી પદ્મ ખંડોને આત્મસાત કરીને લેવામાં આવ્યા છે. ક્યાંક વળી ‘ઉક્તમ્ ચ’ એવા પ્રતિક સાથે ઉદ્ધૃત કરવામાં આવેલ પ્રાચીન પદ્યોમાં થોડો ફેરફાર પણ કર્યો છે. જૈનધર્મના રૂપકાત્મક પ્રબંધોમાં આ ગ્રંથનું સ્થાન ઊંચું ગણાય છે.
બૌદ્ધ કથા સાહિત્ય
સંસ્કૃતમાં બૌદ્ધ કથાઓને સંનિવિષ્ટ કરનાર ‘અવદાન સાહિત્ય’નું એક અલગ મહત્ત્વ છે. ‘અવદાન’ (પાલી ઉદાન)નો અર્થ આવો છે- મહનીય કાર્યની કથા. જાતકોની શૈલીમાં સંસ્કૃતમાં રચાયેલ નીતિપ્રધાન સાહિત્ય છે. પાલી જાતક ભગવાન બુદ્ધના પ્રાચીન જન્મના ઉત્તમ ગુણોનું વર્ણન કરે છે, એવી જ રીતે અવદાનમાં પણ વર્ણવાયું છે. આવા ગ્રંથોમાં ‘અવદાન શતક’ પ્રાચીનતમ સંગ્રહ ગણાય છે. એમાં ઉત્તમ ગુણોનું વર્ણન તેમજ તેને સંબંધિત કથાવાર્તાઓ આવે છે. એના દ્વારા બુદ્ધત્વની પ્રાપ્તિનો સંકેત કરવામાં આવ્યો છે. કેટલીક કથા-વાર્તાઓમાં પાપને માર્ગે ચાલનારા વ્યક્તિઓની યાતનાઓનું વર્ણન પણ આવે છે. ચીની ભાષામાં આનો અનુવાદ ત્રીજા શતકમાં થયો. ‘અવદાન શતક’ની રચના બીજી શતાબ્દીમાં થઈ હોય એવું માની શકાય. એમાં નીતિનું પ્રતિપાદન એટલી બધી વધુ માત્રાં છે કે એને લીધે એનું સાહિત્યિક સૌંદર્ય ઢંકાઈ ગયું છે.
સાહિત્યિક દૃષ્ટિએ ‘દિવ્યાવદાન’ વધારે રોચક કે આકર્ષક નથી. એ હીનયાન સંપ્રદાયનો મુખ્ય અનુયાયી ગ્રંથ ગણાય છે. આખો ગ્રંથ ગદ્યમાં રચાયેલ છે. અંતરે અંતરે ગાથાઓ આપવામાં આવી છે. એ છંદોબદ્ધ તો છે જ, સાથે ને સાથે આલંકારિક પણ છે. સાધારણતયા ભાષા વિશુદ્ધ સંસ્કૃત છે. અનેક સ્થળે પાલીના સંપર્કથી નિતાંત મિશ્રણવાળી ભ્રષ્ટ ભાષાનો પ્રયોગ પણ જોવા મળે છે. અશોક સંબંધી કથાઓ ઐતિહાસિક અને મનોરંજક છે.
ઈતર કથા સાહિત્ય
વેતાળ પંચવિંશતિ:- પંચતંત્રની સાથે પશુપક્ષીઓની વાર્તાઓ સદાને માટે લય પામી. ‘બૃહદ્ કથા’નો કોઈ સાક્ષાત્ વંશજ પ્રાપ્ય ન રહ્યો. કેવળ ‘વેતાળ પંચવિંશતિ’ની રોચક લોકકથાઓનો એક સુંદર અને સુવ્યવસ્થિત સંગ્રહ જોવા મળે છે.
આ કથાના ઘણા ગદ્ય શૈલીમાં લખાયેલ કથાનકો પણ મળે છે. એમાં શિવદાસની રચનામાં (ઈ.સ. ૧૪૮૭) વચ્ચે વચ્ચે શ્લોક પણ આવે છે. જમ્ભલ દત્તની ‘વેતાલ પંચવિંશતિ’ રચના સાવ ગદ્ય શૈલીમાં રચાયેલી છે. એ બંનેના કથા વસ્તુમાં થોડો ભેદ જોવા મળે છે. આજની ભારતીય ભાષાઓમાં પણ આ બે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ સમયે સમયે થતો રહ્યો છે અને એ વાર્તાઓ સારા પ્રમાણમાં લોકપ્રિય બની ગઈ છે.
વેતાળ પચ્ચીસીની કથાઓ ઘણી રોચક છે. એમાં બુદ્ધિ ચાતૂર્ય અને કૌતુહલ પણ નીપજતાં દેખાય છે. કોઈ સિદ્ધ પુરુષ રાજા ત્રિવિક્રમસેનની પાસે રત્નગર્ભિત ફળ લાવીને આપે છે. સિદ્ધિમાં સહાયતા મેળવવા રાજા એક વૃક્ષ પર લટકતા મડદાને લાવવા ઇચ્છે છે. પણ એ મડદું કોઈ વેતાળના આધિપત્યમાં છે, જે રાજા ચૂપ રહે તો જ એ મડદુ આપવા ઇચ્છે છે. પરંતુ તે એને એવી વિચિત્ર કથા સંભળાવે છે કે રાજાએ અંતે મૌન ભંગ કરવો પડે છે. વાર્તા-કથાઓ ઘણી રોચક છે અને બોધદાયક છે. રાજાનો ઉત્તર પણ પ્રશ્ન પ્રમાણે ઘણો રોચક અને સુંદર જોવા મળે છે. પ્રશ્ન પણ ઘણા વિષમ અને મુશ્કેલીમાં મૂકી દે તેવા છે. આવા મૂંઝવણ ઊભી કરતા અનેક પ્રશ્નો આ ગ્રંથમાં જોવા મળે છે. એ પ્રશ્નોનો સુયોગ્ય ઉત્તર રાજા વિક્રમની બુદ્ધિ ચાતુરીનો પરિચય આપે છે. શિવદત્તનો ગ્રંથ સાહિત્યિક દૃષ્ટિએ સુંદર, રોચક અને આકર્ષક છે.
વિક્રમ ચરિત :- સાહિત્યિક દૃષ્ટિએ આ ગ્રંથ એટલો સુંદર અને રોચક નથી. એનું પ્રસિદ્ધ નામ ‘સિંહાસન દ્વાત્રિંશિકા’ છે. રાજા ભોજ જમીનમાં દાટેલા વિક્રમાદિત્યના સિંહાસનને બહાર કાઢે છે. જેવો એ સિંહાસન પર બેસવાનો પ્રયત્ન કરે છે તેવી જ એમાં જડેલી બત્રીસ પૂતડીઓ વિક્રમરાજાનું પરાક્રમ સંભળાવીને રાજા ભોજને અયોગ્ય સિદ્ધ કરે છે અને એને સિંહાસન પર બેસતાં રોકે છે. આની બે વાચનાઓ મળે છે. એ બંને ભિન્ન ભિન્ન જણાય છે. એક વાચના ઉત્તરી અને બીજી વાચના દક્ષિણી. દક્ષિણ ભારતમાં એ ‘વિક્રમચરિત’ના નામે વિશેષ પ્રખ્યાત છે. એ બે શૈલીમાં એટલે કે ગદ્ય અને પદ્યમાં જોવા મળે છે.
શુક સપ્તતિ:- શુક સપ્તતિની વાર્તાઓનો આ સંગ્રહ ઘણો રોચક છે. જેમાં એક સુગ્ગા પોતાના માલિકના પરદેશ ચાલ્યા ગયા પછી અન્ય પુરુષો પ્રત્યે આકર્ષનારી પોતાની સ્વામિનીને આ રોચક કથાઓ સંભળાવીને અપકૃત્યમાંથી રોકે છે. આ ગ્રંથની પણ બે વાચનાઓ જોવા મળે છે. એક વિસ્તૃત અને બીજી સંક્ષિપ્ત. વિસ્તૃત વાચનાના લેખક કોઈ ચિંતામણિ ભટ્ટ કહેવાય છે. એમણે પૂર્ણભદ્રના પંચતંત્રનો ઉપયોગ આ ગ્રંથમાં કર્યો છે. એનો સમય ૧૨મી શતાબ્દી કે એની પહેલાનો ગણાય. સંક્ષિપ્ત વિવરણ એ કોઈ જૈન લેખકની રચના છે. એમાં આવતી વાર્તા-કથાઓ ઘણી મનોરંજક અને આકર્ષક છે.
Your Content Goes Here




