પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને-જડવાદને આધ્યાત્મિક ઓપ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ. બીજા દેશોમાં લાખોના હૃદયના મર્મભાગોને બાળી રહેલો જડવાદનો ભડભડ બળતો દાવાનળ જેનાથી શાંત થઈ શકે તે જીવનદાયી શાંતિજળ આ ભૂમિમાં જ છે. મિત્રો! મારું કહેવું માનજો કે, આવું જરૂર થવાનું જ છે.
દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ છે; પ્રાચીન તેમજ અર્વાચીન કાળમાં રાષ્ટ્રીય જીવનની આગળ ધસમસતા જુવાળ દ્વારા મહાન સત્ય અને શક્તિનાં બીજો બહાર વવાઈ ચૂક્યાં છે. પરંતુ મારા મિત્રો! તમે યાદ રાખજો કે એ બધું હંમેશાં યુદ્ધના રણશીંગાના તુમુલ શબ્દે અને લશ્કરનાં ધાડાંઓની કૂચ વડે જ હાંસલ કરવામાં આવ્યું છે. દરેક વિચારને લોહીના ધોધ વડે નવડાવવો પડ્યો હતો. દરેક વિચારને આપણા લાખો માનવબંધુઓના લોહીની નદીઓ ખૂંદીને આગળ વધવું પડ્યું છે. સત્તાના એકેએક શબ્દની પાછળ લાખોના આર્તનાદ, અનાથોની હૈયાવરાળ અને વિધવાઓનાં આંસુઓ રહેલાં છે. બીજી પ્રજાઓએ જે શીખવ્યું છે તે મુખ્યત્વે આ છે. પરંતુ ભારત તો હજારો વર્ષ સુધી શાંતિથી જીવી રહ્યું છે. જ્યારે ગ્રીસનું અસ્તિત્વ પણ નહોતું, જ્યારે રોમ વિશે કોઈને વિચાર સરખોય નહોતો આવતો, જ્યારે અત્યારના યુરોપિયનોના બાપદાદાઓ જંગલમાં રહેતા અને શરીર પર રંગના લપેડા કરતા, ત્યારે ભારત પ્રવૃત્તિથી ધમધમી રહ્યું હતું. એથીયે પૂર્વે જ્યારે ઇતિહાસનો કશો ઉલ્લેખ મળતો નથી; અતિ દૂરના ભૂતકાળના ગાઢ અંધકારમાં ડોકિયું કરવાની પુરાણોની પરંપરાની હિંમત ચાલતી નથી, એ કાળથી તે અત્યાર સુધીમાં, આ ભૂમિમાંથી વિચારો પાછળ વિચારો આવતા જ ગયા છે. પરંતુ એકેએક શબ્દના ઉચ્ચારની પાછળ આશીર્વાદ અને આગળ શાંતિ રહેલાં છે. દુનિયાની બધી પ્રજાઓમાં આપણે જ એવા છીએ કે જેઓ કદી પણ વિજેતા તરીકે આગળ આવ્યા નથી; એ આશીર્વાદો આપણા પર વરસ્યા છે એટલે જ આપણે હજુ જીવતા છીએ.
– સ્વામી વિવેકાનંદ
One Comment
Leave A Comment
Your Content Goes Here






ભારતનો ભવ્ય ભૂતકાળ, પ્રાચીન ઋષિ પરંપરા અને મૂળભૂત સંસ્કૃતિ વારસાને લઈને આપણે અને દુનિયા જીવંત રહી છે. ભારતમાંથી મળેલું પ્રેરણારૂપ ઋણ ભૂલી શકાય નહિ.
-પરથીભાઈ ચૌધરી,”રાજ”