સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

ભારતનાં ત્રણ નવજાગરણ

છેલ્લાં ૨૦૦ વર્ષના ભારતના ઇતિહાસનો અભ્યાસ કરીએ તો આ રાષ્ટ્ર જુદા જુદા ત્રણ તબક્કે ત્રણ પ્રકારનાં નવજાગરણમાંથી પસાર થયું હતું, એ આપણે જોઈ શકીએ છીએ.

* ૧૯મી સદીનું આધ્યાત્મિક નવજાગરણ

* ૨૦મી સદીનું રાજનૈતિક નવજાગરણ

* ૨૧મી સદીનું બૌદ્ધિક નવજાગરણ

સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશે આ ત્રણેય જાગરણ પર કયો સૂચક ભાગ ભજવ્યો છે કે ભજવી શકે, તે વાત પર આપણે ભાર મૂકવા ઇચ્છીએ છીએ.

૧૯મી સદીનું આધ્યાત્મિક નવજાગરણ

સ્વામી વિવેકાનંદે વારંવાર સૂચવ્યું છે કે ભારતીય સંસ્કૃતિનું જીવનતત્ત્વ – લોહી, આધારભૂમિ, પ્રભાવક મુખ્ય તત્ત્વ આધ્યાત્મિકતા રહી છે. એટલે જ સ્વાભાવિક રીતે સદીઓના સુદીર્ઘકાળની ઊંઘમાંથી ભારતનું પ્રથમ નવજાગરણ આધ્યાત્મિક કે ધાર્મિક નવજાગરણ હતું. પશ્ચિમની સંસ્કૃતિ સાથેના આ રાષ્ટ્રના સંઘર્ષ કે પ્રતિઆક્રમણ ને કારણે આ નવજાગરણ શક્ય બન્યું.

પશ્ચિમની સંસ્કૃતિના ત્રણ પડકારો

બ્રિટિશ શાસકો દ્વારા પરાજય ઉપરાંત રાજકીય ગુલામી અને આર્થિક નુકસાન સાથે ભારતીય સમાજે ૧૯મી સદીના પ્રારંભમાં પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ સહેવું પડ્યું. બ્રિટિશ શાસકોએ લાદેલ અંગ્રેજી કેળવણીએ ભારતીયોને પરિસ્થિતિની ગંભીરતા સમજતા કરી મૂક્યા. ભારતીય સમાજે ત્રણ મોરચે પશ્ચિમની સંસ્કૃતિ સામે લડવાનું હતું. પહેલો મોરચો હતો પશ્ચિમનું વિજ્ઞાન અને બુદ્ધિગમ્ય વિચાર. તત્કાલીન સમયમાં સામાન્ય લોકોની જીવનવિષયક માન્યતાઓ, વિચારો અને દૃષ્ટિકોણ ધર્મના સિદ્ધાંતો, શાસ્ત્રજ્ઞાન, દાર્શનિક સંકલ્પના દ્વારા નિયત થતાં. આ બધાં અનુભવાતીત સત્યો, પૌરાણિક શાસ્ત્રો અને ઠીક ઠીક પ્રમાણમાં વહેમો પર આધારિત હતાં. મીલ, કાંટ, સ્પેન્સર, બેન્થામ જેવા પશ્ચિમના ચિંતકોનાં વિરોધાભાસ વિહોણાં સત્યો, વિજ્ઞાનનું તાર્કિક સૌંદર્ય અને પ્રગતિશીલ, બુદ્ધિગમ્ય વિચારોના પ્રવાહે ભારતનાં આત્મસંતુષ્ટ બૌદ્ધિકતાવાળાં મનને એક જબરો આંચકો આપ્યો. એને પરિણામે પોતાની ધાર્મિક માન્યતાઓ, દાર્શનિક પૂર્વધારણાઓ પ્રત્યે એમને પ્રશ્ન કરતા કરી મૂક્યા. સાથે ને સાથે બુદ્ધિગમ્ય વિચાર માટેનું એક નવું રાજ્ય ખુલ્લું કર્યું. ભારતીય સમાજે આ પ્રથમ પડકારનો સામનો કરવો પડ્યો હતો.

પશ્ચિમના સમાજનાં જીવનધોરણો, મૂલ્યો અને સ્વતંત્રતા, ન્યાય, સમાનતા અને એમાંય વિશેષ કરીને નારીઓની સ્વતંત્રતાના વર્તનવલણની પદ્ધતિઓ પર આધારિત પશ્ચિમની જીવનપદ્ધતિએ બીજો પડકાર ફેંક્યો. જ્ઞાતિજાતિ, પુરોહિતવાદ, નારીઓની અવગણના, અસ્પૃશ્યતા અને વિધવાઓના દહન – સતીપ્રથા જેવાં સામાજિક અન્યાય દર્શાવતાં રૂપોવાળો ભારતીય સમાજ એક સંકુચિત વાડાબંધીવાળો હતો. એટલે ભારતીય સમાજ અને પશ્ચિમના સમાજ વચ્ચે આ વિરોધ સ્પષ્ટપણે નજરે દેખાય તેવો હતો.

પશ્ચિમની સંસ્કૃતિએ આપણા પર લાદેલો ત્રીજો પડકાર હતો નવા ધર્મની પ્રસ્થાપનાનો. આ નવા ધર્મમાં ઈશ્વરને ગરીબોના, પાપીઓના, રોગીઓના તારણહાર અને પ્રેમસ્વરૂપ માનવાની સંકલ્પના હતી અને આ નવો ધર્મ મિશનરીઓના અતિ ઉત્સાહભર્યા ભ્રામક પ્રચાર અને સેવાની પ્રવૃત્તિઓ દ્વારા પ્રવેશ્યો હતો.

ત્રણ આંદોલનો

જ્યારે ઉચ્ચ સ્તરે વિકસેલ સમાજ સમૃદ્ધ સંસ્કૃતિવાળો હોય તો તે સમાજ પડકારોનો સામનો કરતી વખતે સ્વમેળે સુધારણા લાવતા પ્રતિભાવોને ગતિશીલ બનાવે છે. પશ્ચિમની સંસ્કૃતિના પડકારોના પ્રતિભાવમાં ભારતીય સમાજ ત્રણ રીતે – ત્રણ પથે આગળ વધ્યો. ત્રણ ભાવઆંદોલન – આ ત્રણ પથ કે રીતની વાત આધુનિક ભારતના મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર દર્શાવે છે. તેમણે ‘મારું જીવન’ વિશેના એક વક્તવ્યમાં કહ્યું છે, ‘જ્યારે મારો જન્મ થયો ત્યારે આંદોલનના રાજા રામમોહન રાયે શરૂ કરેલું ધાર્મિક આંદોલન, બંકિમચંદ્ર ચેટરજીએ પ્રારંભેલું સાહિત્યિક આંદોલન અને રાષ્ટ્રિય આંદોલન કે જે પૂર્ણપણે રાજનૈતિક આંદોલન ન હતું એવું રાષ્ટ્રિય આંદોલન – આ ત્રણ પ્રવાહો મારા દેશના જીવનપ્રવાહમાં વહેતા હતા. ટાગોર જે ધર્મ આંદોલનની વાત કરે છે તે વાસ્તવિક રીતે ધાર્મિક અને સામાજિક આંદોલન હતું.

આપણે આગળ સૂચવ્યું છે તેમ આ ત્રણેય આંદોલનો (સામાજિક ધાર્મિક આંદોલન, સાહિત્યિક આંદોલન અને સામાજિક રાજનૈતિક આંદોલન) પશ્ચિમની સંસ્કૃતિના પડકાર સામેના સ્વયંભૂ રીતે સ્વસુધારણા કરતા સામાજિક પ્રતિભાવો હતા. અહીં એ વાતની નોંધ કરવી જોઈએ કે આ આંદોલનો મોટે ભાગે બંગાળ પૂરતાં કે બીજાં બે ત્રણ રાજ્ય પૂરતાં મર્યાદિત હતાં, એમાં સમગ્ર ભારતના પાસાની ઉપેક્ષા જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે ભારતના નવજાગરણમાં આપેલા પ્રદાનને સાચી રીતે મૂલવવા આ ત્રણેય આંદોલનોનું સંક્ષિપ્ત વિહંગાવલોકન કરવું જરૂરી છે.

૧. સામાજિક ધાર્મિક આંદોલન

આ આંદોલન રાજા રામમોહનરાયે (૧૭૭૨-૧૮૩૩) શરૂ કર્યું હતું. તેઓ સર્વતોમુખી પ્રતિભાવાળા હતા અને અંગ્રેજી, સંસ્કૃત, પર્શિયન ભાષાના નિષ્ણાત હતા. એમનું મુખ્ય કાર્ય હિંદુ સમાજના પતનનો નિર્દેશ કરવાનું અને હિંદુઓમાં સામાજિક જાગૃતિ ઊભી કરવાનું હતું. જો કે તેઓ ઉપનિષદોના પ્રશંસક રહ્યા, પણ પછીથી સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મના દર્શનરૂપે વેદાંતની સ્થાપના કરવા માટે જે પ્રયત્ન કર્યા તેવા પ્રયત્નો તેમણે ન કર્યા. રાજા રામમોહનરાયનું જીવન નિર્મળ ન હતું અને તે ઘણા વિરોધાભાસોવાળું હતું. જ્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીએ કોલકાતામાં સંસ્કૃત કોલેજ સ્થાપવાનું નક્કી કર્યું ત્યારે રાજા રામમોહનરાયે તેનો વિરોધ કર્યો અને તત્કાલીન બ્રિટિશ સરકારને લખ્યું કે સંસ્કૃતની કેળવણી આ દેશને અંધારામાં રાખશે અને આજે ભારતને ગણિત, પ્રાકૃતિક વિદ્યા, રસાયણ શાસ્ત્ર અને વિજ્ઞાનની બીજી શાખાઓના અભ્યાસની જરૂર છે. તેઓ માનતા કે બ્રિટિશ શાસન આશીર્વાદરૂપ છે અને પશ્ચિમના લોકોના જીવનની તેઓ પ્રશંસા કરતા. પોતાના આ પ્રગતિશીલ વિચારોને ફેલાવવા તેમણે ‘આત્મીય સભા’ની સ્થાપના કરી. પાછળથી એનું ‘બ્રાહ્મોસભા’ કે ‘બ્રાહ્મો સમાજ’માં પરિવર્તન થયું.

રામમોહન રાય પછી બ્રાહ્મો સમાજનું નેતૃત્વ મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે (૧૮૧૭-૧૯૦૫) ર્ક્યું. મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર પ્રથમ તો ઉપનિષદોથી ખૂબ પ્રેરાયા હતા. પછીથી ધર્મવિષયક બાબતોમાં તેને ઉચ્ચતમ પ્રમાણભૂત ગ્રંથ ગણવાનો ઈન્કાર કર્યો. એને બદલે તાર્કિકતા અને સદ્વિવેકબુદ્ધિને બ્રાહ્મોસમાજમાં ઉચ્ચતમ પ્રમાણભૂતતા મળી.

કેશવચંદ્ર સેન (૧૮૩૮-૧૮૮૪) આ ક્ષેત્રમાં આવતાં, બ્રાહ્મોસમાજના આંદોલનમાં એક જુદો વળાંક આવ્યો. એમણે હિંદુ સમાજના જનોઈ આપવી અને જ્ઞાતિ જેવા કેટલાક રીતિરિવાજોને ત્યજવાની વાત કરી. વળી તેમણે ઈસુ ખ્રિસ્તને ઈશ્વરરૂપે ન ગણ્યા પણ તેઓ માનતા કે તેમનાં જીવન અને સંદેશ ભારતીયો માટે અનુસરણીય આદર્શ છે. તેમણે બ્રિટિશ શાસનને ‘ઈશ્વર નિર્મિત વ્યવસ્થા’ કહી હતી. ૧૮૬૬માં તેઓ મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરના ‘આદિ બ્રાહ્મોસમાજ’માંથી છૂટા પડ્યા અને પોતાના અનુયાયીઓ સાથે તેમણે ‘બ્રાહ્મો સમાજ ઓફ ઇન્ડિયા – ભારતીય બ્રાહ્મો સમાજ’ની સ્થાપના કરી. પરંતુ ૧૮૭૮માં એમના અનુયાયીઓમાંથી કેટલાકે એ સમાજ સાથે છેડો ફાડ્યો અને આનંદ મોહન બોઝ, પંડિત શિવનાથ શાસ્ત્રી, વિજયકૃષ્ણ ગોસ્વામી અને બીજા કેટલાકે ‘સાધારણ બ્રાહ્મો સમાજ’ની સ્થાપના કરી. નરેન્દ્રનાથ કે જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ બન્યા તેઓ પણ વિદ્યાર્થી જીવનમાં આ સાધારણ બ્રાહ્મો સમાજના સભ્ય હતા.

બંગાળમાં એક બીજા સમાજનેતા કે જેમના નામનો આ સંબંધમાં ઉલ્લેખ કરવો જોઈએ તે હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. (૧૮૨૦ – ૧૮૯૧) જો કે તેઓ એ સમયના સંસ્કૃતના મહા પંડિત હતા અને રૂઢિવાદી હિંદુઓના રીતિરિવાજ પાળતા. એમને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી અને તેઓ પ્રગટપણે નાસ્તિક હતા. ભારતના નવજાગરણમાં તેમનું પ્રદાન સામાજિક સુધારણા અને એમાંય વિશેષ કરીને વિધવા વિવાહ, શાળા શિક્ષણ સુધારણા ક્ષેત્રે રહ્યું છે.

બ્રાહ્મો સમાજે હિંદુ ધર્મનાં પ્રણાલિગત સંકલ્પના અને મૂલ્યોનો સ્વીકાર ન કર્યો આને લીધે હિંદુ સમાજના રૂઢિચુસ્ત લોકોનો પ્રબળ પ્રતિભાવ ઊભો થયો. આવા લોકોએ તત્કાલીન વિદ્વાન પંડિત શશધર તર્કચૂડામણિના નેતૃત્વ હેઠળ વિદ્વાનોનું એક સંગઠન ‘ધર્મસભા’ના નામે ઊભું કર્યું અને એમનો હેતુ બ્રાહ્મો સમાજની આ વિચારધારાનો વિરોધ કરવાનો હતો.

આપણે જે અહીં ચર્ચા કરી તે પરિસ્થિતિ ૧૯મી સદીમાં બંગાળમાં હતી. આવાં જ ધાર્મિક-સામાજિક આંદોલનો ભારતના બીજા ભાગોમાં પણ જાગ્યાં. દા.ત. દક્ષિણ ભારતની થિયોસોફિકલ સોસાયટી, પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર)નો પ્રાર્થના સમાજ અને ઉત્તર ભારતમાં આર્ય સમાજ. આ આંદોલનોમાંથી પહેલાં બેએ પ્રણાલીગત હિંદુ ધર્મને તોડ્યા વિના પ્રયાસો કર્યા અને સ્વામી દયાનંદ સરસ્વતીએ (૧૮૨૪-૧૮૮૩) માત્ર વેદનો સ્વીકાર કરીને હિંદુ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્ર અને સામાજિક સંસ્થાઓના પ્રબળ પાસાનો અસ્વીકાર કર્યો. અન્તે આ પણ હિંદુ ધર્મની એક શાખા બની ગયો.

આ બધાં ધાર્મિક સામાજિક આંદોલનોમાં એક બાબત સામાન્ય હતી અને તે હતી તેની અનોખી દૃષ્ટિ અને સાંપ્રદાયિક કે પ્રાદેશિક અભિગમ. (ક્રમશ 🙂

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.