ગયા સંપાદકીયમાં આપણે જોઈ ગયા કે યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો અત્યંત જરૂરી છે. ભારતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનાં વિસ્તૃતિ અને ગહનતા અતિ ઉચ્ચ કક્ષાની હતી. હડપ્પન સંસ્કૃતિનાં શહેરોના સંકુલની સંરચનાએ અત્યંત સુખસુવિધાવાળી અને આધુનિક પ્રૌદ્યોગિકીનાં દર્શન કરાવ્યાં છે. એ બધામાં પાણી પુરવઠાનું આયોજન, વાહનવ્યવહારની વ્યવસ્થા, કુદરતી રીતે હવાને વાતાનુકુલિત રાખવાની પદ્ધતિ, પથ્થરનાં બાંધકામો અને ઈજનેરી વિદ્યા આપણને જોવા મળે છે.
આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓ ચીન અને મધ્યપૂર્વનાં પ્રાચીન શહેરો વિશે અભ્યાસ કરે છે. એમાંથી કેટલા વિદ્યાર્થીઓ દુનિયાની સૌથી પ્રાચીન અને સૌથી વધુ સુવિકસિત હડપ્પન કે સિંધુ સરસ્વતી ખીણની સંસ્કૃતિ વિશે પાયાનું જ્ઞાન ધરાવે છે? સિંધુ સરસ્વતી સંસ્કૃતિ એ વિશ્વની સૌ પ્રથમ એવી સંસ્કૃતિ હતી કે જેણે સુયોજિત શહેર વસાવ્યાં હતાં. તેમાં ભૂગર્ભગટર, પાણીના નિકાલની અને આરોગ્યની વ્યવસ્થા તેમજ કુદરતી વાતાનુકુલિતવાળાં સ્થાપત્ય અને પાણીની શક્તિથી ચાલતાં યંત્રો જોવા મળે છે. જ્યારે વિશ્વની બીજી પ્રાચીન સંસ્કૃતિઓમાં આવાં મોટાં શહેરો હતાં નહિ. કેન્દ્રીય સંકુલ સાથે નાનાં ગામ હતાં. જ્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિ અનેક કસબાઓમાં ફેલાયેલ અને યુરોપ કરતાં અડધાથી વધુ વિસ્તારવાળી હતી. તોલમાપ અને ભાષાનાં સંકેતચિહ્નો વિસ્તૃત વિસ્તાર માટે સુનિશ્ચિત કરી દેવામાં આવ્યાં છે. આ બધું એક હજાર વર્ષથી વધુ સમયગાળા સુધી ચાલ્યું. ઈ.સ. પૂર્વે ૪૦૦૦માં પાકેલી ઈંટો ભારતમાં બનાવવામાં આવતી. મકાનોમાં આ પાકી ઈંટોનો ઉપયોગ થતો. આવાં ૧૫૦૦માંથી ૯૦૦થી વધુ રહેઠાણ વિસ્તારો ભારતમાં શોધી કાઢવામાં આવ્યા છે.
બધી ઈંટો એક સરખા પ્રમાણની એટલે કે ૧:૨:૪ના પ્રમાણની હતી. નવો ચીલો ચીંધતી સિવિલ ઇજનેરીની કેટલીય બાબતો એમાં જોવા મળે છે. ગટર યોજના (ખુલ્લી અને બંધ), જળસિંચન પદ્ધતિ, પથ્થરમાંથી કોરી કાઢેલ પાણી સંગ્રહની ટાંકીઓ, કિલ્લાને ફરતી પાણીની ખાઈ, મધ્યમ વર્ગની રીતનાં મકાન બાંધકામો અને એમાંય સ્નાનઘર અને ગટરની વ્યવસ્થા વગેરે તો જોવા મળે છે, પણ સાથે ને સાથે બંદરો પણ જોવા મળે છે. વિવિધ માળનાં બાંધકામનાં મકાનો માટે સીડી કે દાદરા પણ જોવા મળે છે. ઘણાં શહેરોમાં જુદા જુદા રક્ષક-કોટ કે કિલ્લા, નાનાં મોટાં ગામ, કસબા કે શહેરો; શહેર કે ગામ માટે રક્ષા વિભાગો, ચૂનાની ભઠ્ઠીઓ પાસે મજૂરોને રહેવા માટે જુદાં રહેઠાણો, અનાજ ભરવાના ભંડારોમાં પાણી કે પ્રવાહી નીકળવાની નીક કે નળી અને ઓટલા કે પડથારની વ્યવસ્થા. ભૂમાપન માટે આરસના ભૌમિતિક કંપાસ અને રેખા માપન માટે આરસમાંથી બનાવેલ સાધન વગેરે પણ જોવા મળે છે. આ ઉપરાંત બાંધકામની ઈજનેરી વિદ્યાનાં કેટલાંય નવાં સાધનપ્રસાધન, શલ્ય ચિકિત્સાનાં સાધનો, યુદ્ધનાં શસ્ત્રો વગેરેમાં પણ આગવું અનુસંધાન કર્યું હતું. પોલી શારડી, લાકડાં વહેરવા માટે હાથ-કરવતી, સોય વગેરે પણ જોવા મળે છે.
તાજું સ્વચ્છ પીવાનું પાણી આપવાને પણ મહત્ત્વ અપાતું. એમાં આશ્ચર્યની વાત એ છે કે હડપ્પન સંસ્કૃતિના સમયથી પાણીના સ્રોતોની જાળવણીની પ્રૌદ્યોગિકીની ઇજનેરી વિદ્યા કુુશળતાથી આગળ વધી હતી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ચંદ્રગુપ્તે ઈ.સ. પૂર્વે ૪થી સદીમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. એમના પૌત્રે એની ફરીથી ઈ.સ.પૂર્વે ૧૫૦માં મરામત પણ કરાવી હતી. ભોપાલના રાજા ભોજે ૧૦૧૪ થી ૧૦૫૩માં રાજા ભોજ તળાવ બંધાવ્યું હતું. આ તળાવ એટલું બધું વિશાળ છે કે ઉપગ્રહની છબિઓમાં પણ એ ઉપસી આવે છે. વિજય નગરના સમ્રાટોએ ૧૪ અને ૧૫મી સદીમાં આવું જ એક વિશાળ સરોવર બાંધ્યું હતું. આ તળાવના બાંધકામમાં વપરાયેલ સામગ્રી ચીનની સુખ્યાત દીવાલ કરતાં પણ વધુ પ્રમાણમાં હતી. ‘પર્શિયન વ્હીલ’ વાસ્તવિક રીતે તો મોગલકાળ પહેલાંની અને ભારતની તળપદી શોધ છે, ભલે એને ઇતિહાસકારો પર્શિયાની કહેતા હોય. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે સમગ્ર ભારતભરમાં માનવસર્જિત આવા પાણીનાં તળાવ અને સરોવરની સંખ્યા દસ લાખ અને ત્રીસ હજાર જેટલી હતી. એમાંથી કેટલાક તો ૨૫૦ ચો.માઈલ વિસ્તારમાં પથરાયેલાં હતાં. ઉપગ્રહના કેમેરાની છબિઓ દ્વારા આ બધાં સરોવરોને શોધી કાઢવામાં આવ્યાં છે. બીજે વર્ષે વરસાદ આવે ત્યાં સુધી એમાં સંગ્રહાયેલ પાણી પીવામાં અને જળસિંચાઈમાં વાપરવામાં આવતું.
પ્રાચીન સમયથી ભારતનું સુતરાઉ કાપડ – અત્યંત બારીક મલમલ એક દંતકથા બનેલ છે. ભારતમાંથી બ્રિટનમાં લઈ જવામાં આવેલ ભારતનો આ કાપડનો ઉદ્યોગ એ આપણા પ્રાચીન ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ હતો. આને લીધે જ ઔદ્યોગિક ક્રાંતિમાં બ્રિટનને સૌથી મોટી સફળતા સાંપડી હતી. ભારતના આ પ્રાચીન ઉદ્યોગને પોતાને ત્યાં લઈ જઈને બ્રિટન વિશ્વમાં કાપડની મોટી નિકાસ કરનારો દેશ બની ગયો. ભારતમાંથી કાપડની ટેકનોલોજી અને તેની ડિઝાઈન્સની સાથે કાપડ ઉત્પાદનના કાચા માલ માટે રૂ પણ ભારતમાંથી યુરોપમાં એટલે કે બ્રિટનમાં ગયાં. બ્રિટિશ શાસનના આ પરતંત્રતાની સાંકળે ભારતના તળપદા સુતરાઉ કાપડના ઉદ્યોગને કાયમને માટે કચડી નાખ્યો. ભારત બરબાદ થયું અને બ્રિટન આબાદ થયું. બ્રિટનને મળેલી આ આબાદી ભારતના ભોગે! આવી આબાદી મેળવવા બ્રિટનના જુલમી શાસકોએ ભારતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને પરવાનગી આપવાનું બંધ કર્યું; કેટલેક સ્થળે તો એમને માનસિક, શારીરિક યંત્રણાઓ પણ આપવામાં આવી. કાપડની નિકાસ ન થઈ શકે તે માટે અને પોતાનું કાપડ સસ્તુ પડે અને ભારતમાં વેચાય એટલે અહીંના કાપડ પર વધુ ને વધુ કરવેરા લાદવામાં આવ્યા. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિના બે મુખ્ય આધારસ્તંભો કાપડનો ઉદ્યોગ અને લોખંડ રહ્યા છે. આ બંનેનાં મૂળિયાં ભારતમાં હતાં. અમદાવાદનું ટેક્સટાઈલ મ્યુઝિયમ એ વિદ્વાનો માટે સંશોધનની ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. અમદાવાદના ‘અટિરા’ (અમદાવાદ ટેક્સટાઈલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ કરેલાં સંશોધનો પણ સમગ્ર વિશ્વમાં ગણ્યમાન્ય રહ્યાં છે.
ભારતના પડોશી દેશોમાંથી લોખંડ મળી આવતું. જ્યારે યુરોપના મોટા ભાગના વિદ્વાનો એમ માને છે કે એ ભારતની બહારના દેશોમાંથી આવ્યું છે, ખરેખર આ વાત સાચી નથી. પ્રાચીન ભારતના ઘણા પ્રદેશોમાં તાંબાનું ઉત્પાદન પણ થતું અને તાંબામાંથી વિવિધ વાસણો તેમજ હથિયારો પણ બનતાં. તાંબાની આ પ્રૌદ્યોગિકીનો વિકાસ પ્રાચીન ભારતમાં ઘણો સુખ્યાત હતો. ભારતના મહારાષ્ટ્રના નઈકુંડમાં તાંબાને ઓગાળવાની ભઠ્ઠીઓ પણ મળી છે. ઈ.સ.પૂર્વે ૨૦૦૦ વર્ષ પહેલાં ગંગાના ખીણ પ્રદેશમાં લોખંડ પણ જાણીતું હતું. ઈ.સ.પૂર્વે ૧૦૦૦માં પર્શિયાના (ઈરાન) રાજદરબારમાં તલવારો બનાવવા માટે ભારતનું શુદ્ધ લોખંડ વપરાતું.
શુદ્ધ લોખંડની શોધ પણ ભારતીય શોધ જ હતી. અને સદીઓ સુધી તેમાં ભારતની કાર્યકુશળતા રહી હતી. ઈ.સ. ૪૦૨માં બંધાયેલ દિલ્હીનો સુખ્યાત લોહસ્તંભ ધાતુવિદ્યાના કૌશલ્યનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. તેમાં અશુદ્ધ લોખંડ નહિવત્ પ્રમાણમાં છે. સુખ્યાત દમાસ્કસ્ લોખંડી તલવારો ભારતમાંથી આયાત કરેલા લોખંડમાંથી બનાવવામાં આવતી. આ તલવારો અત્યારે યુરોપનાં સંગ્રહાલયોમાં જોવા મળે છે. યુ.કે.નું શેફિલ્ડ શિલ્ડનું સ્ટીલ એ ભારતનું મુસ ભઠ્ઠીનું સ્ટીલ હતું. આવું મુસ ભઠ્ઠીનું લોખંડ ઊભું કરવા તત્કાલીન ઇજનેરોએ જે કાર્ય કર્યું હતું તેને યુરોપના પ્રતિભાસંપન્ન વૈજ્ઞાનિકો માટે શીખવામાં દસકાઓ વીતી ગયા અને આ જ પ્રક્રિયામાં આધુનિક મિશ્ર ધાતુની ડિઝાઈન અને ફિઝિકલ મેટલર્જીનો વિકાસ યુરોપમાં થયો.
ભારતીય ઉદ્યોગો પર મોતનો હથોળો સંસ્થાનવાદના માલિકોએ માર્યો હતો. એમણે પહેલાં તો ઉત્પાદન પર પ્રતિબંધ લાદ્યો અને એને પરિણામે લોખંડ અને સ્ટીલનું ઉત્પાદન ભારતનાં વિવિધ સ્થળે બંધ થયું. કંપની સરકાર કે બ્રિટિશ શાસકોને એ ભય હતો કે આ લોખંડનો ઉપયોગ તેમની સામે લડવા માટેનાં શસ્ત્રોના ઉત્પાદન માટે થશે. સાથે ને સાથે એમને એ પણ જોઈતું હતું કે ભારત લોખંડ કે સ્ટીલ માટે યુરોપ પર આધારિત રહે.
જસત ધાતુ વિદ્યામાં ભારતનું સૌથી મહત્ત્વનું પ્રદાન એટલે ધાતુને જુદી પાડવી તેમજ તેને ઓગાળીને શુદ્ધ ધાતુ મેળવવી. જસતનો ઉપયોગ પણ આપણે ત્યાં થતો. જસતની ધાતુના ઇતિહાસમાં ત્રણ મહત્ત્વની બાબતો પૂરવાર થઈ છે. જસતને ઓગાળીને અને તેનો ધાતુ તરીકેનો ઉપયોગ ભારતમાં સૌથી પહેલાં થયો હતો. રાજસ્થાનમાં મોટું ઔદ્યોગિક ઉત્પાદન પણ આ ધાતુનું થયું હતું. ૧૭૩૬માં જસતની આ પ્રૌદ્યોગિકી ભારતમાંથી ઈંગ્લેન્ડમાં ગઈ. ઈ.સ. પૂર્વે ત્રીજીથી પાંચમી સદી સુધી તક્ષશીલામાં પીતળનો ઉપયોગ જોવા મળે છે.
વહાણ બાંધવાનો ઉદ્યોગ એ ભારતનો સૌથી નિકાસલક્ષી ઉદ્યોગ હતો. બ્રિટિશ શાસનની સાથે એ હતો ન હતો થઈ ગયો અને એના પર પ્રતિબંધ મૂકાયો. મધ્યયુગમાં મધ્યપૂર્વના આરબો ભારતમાંથી વહાણો કે હોડીઓ ખરીદતા.પોર્ટુગલના લોકો પણ ભારતમાંથી હોડી કે વહાણોની ખરીદી કરતા. સૌથી મોટાં અને બધી સુખસુવિધાવાળાં જહાજો ભારત અને ચીનમાં બંધાતાં. હોકાયંત્ર અને વહાણવટા માટેનાં બીજા કેટલાક ઉપયોગી સાધનો ભારતીય મહાસાગરમાં પહેલેથી જ વપરાતાં હતાં. યુરોપે તો બહુ મોડો એ બધાં સાધનોનો ઉપયોગ કર્યો હતો. હોડી માટે સંસ્કૃતમાં ‘નાવ’ નામનો શબ્દ છે. વહાણ વિદ્યાના પોતાના નિષ્ણાતપણાનો ઉપયોગ કરીને વહાણવટાનો તેમજ વહાણ દ્વારા વ્યાપાર વાણિજ્યની પ્રણાલી પણ ભારતમાં ઘણા જૂના સમયથી ચાલી.
ભારતના ખેડૂતો રાસાયણિક ખાતરને બદલે ગળતિયા ખાતરનો ઉપયોગ કરતા. એને લીધે પર્યાવરણમાં પ્રદૂષણ પણ ન આવતું. પ્રણાલીગત ખાતરને ફરીથી વાપરવાથી કૃષિ ઉત્પાદનમાં એનાં પરિણામો ઉત્તમ મળ્યાં છે. પાકની ફેરવણી અને જમીનની ખેડ કે જે છેલ્લાં હજારો વર્ષથી ચાલી આવી છે તે પ્રણાલીગત કૃષિ છે અને ભારતે જ એમાં નવો ચીલો પાડ્યો છે.
ઐતિહાસિક દૃષ્ટિએ ભારતનું કૃષિ ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં હતું અને વિશ્વના બીજા કોઈ પણ ભાગ કરતાં મોટી વસતીને એ ઉત્પાદન સુદીર્ઘકાળ સુધી ઉપયોગમાં આવતું. વધારાનું ખાદ્યાન્ન દુકાળના કે ઓછા વરસાદનાં વર્ષો માટે સંઘરી રાખવામાં આવતું. બ્રિટિશ શાસન દરમિયાન કૃષિ નિપજની રોકડી કરી લેવાતી. એટલે કે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો બહાર નિકાસ કરી દેવામાં આવતો. ક્યારેક તો અનાજની અછત હોય તોયે કમાણી માટે ખાદ્યાન્ન બહાર મોકલી દેવાતું. પરિણામે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતના કરોડો લોકોને અને એના ઉત્પાદક ખેડૂતોને પણ ભૂખે મરવું પડતું.
ભારતનાં જૂનાં ઔષધોને ફરીથી બહાર લાવવાના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. આ કાર્ય પશ્ચિમની ઘણી સંશોધન શાળાઓ અને વૈજ્ઞાનિકોને લીધે થયું છે. વિશ્વનાં ઘણા જાહેર સાહસો હવે આ જૂનાં ઔષધોને નકામાં ગણતા નથી. એ ઔષધો માટે એટલે કે પ્રાચીન ભારતીય ઔષધો માટે પેટન્ટ મેળવવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે. આ જૂનાં વનસ્પતિ અને રાસાયણિક ઔષધો હવે જાણીતાં બન્યાં છે અને દરેક ક્ષેત્રમાં એને આવકાર પણ સાંપડે છે.
શૂન્યની શોધ ઉપરાંત ભારતીય લોકોએ પાયાની દશાંશ પ્રણાલીની સંકલ્પના પણ કરી છે. આ દશાંશ પ્રણાલી અત્યારે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે. ત્રિકોણમીતિ અને બીજગણિતનાં સૂત્રોની શોધ પણ ભારતમાં થઈ હતી. પ્રાચીન સમયમાં ભારતીય લોકોએ કેટલીક ખગોળશાસ્ત્રની શોધો પણ કરી છે. ન્યાય અને દર્શનશાસ્ત્રની વિદ્યાશાખાઓ વિકસી હતી. ગાણિતિક સૂત્રો કે વિચારોની વાત ભાષાશાસ્ત્ર સાથે વણી લેવામાં આવતી. ભારતના પાણિનિ નામના એક મહાન વ્યાકરણ શાસ્ત્રી ભાષાશાસ્ત્રના પ્રણેતા તરીકે જાણીતા છે. એમનું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આજે પણ સૌથી વધારે વૈજ્ઞાનિક અને આધુનિક ગણાય છે. વિશ્વની બીજી કોઈ પણ ભાષા સંસ્કૃત ભાષા જેટલી વૈજ્ઞાનિક રીતે શ્રેષ્ઠ ભાષા નથી.
ભારતમાં વિકસેલું અંતરમનનું વિજ્ઞાન કે ચૈતન્યને પશ્ચિમે એમ ને એમ પચાવી પાડ્યું છે તો વળી અતાર્કિક અને પ્રગતિ વિરોધી વાત તરીકે એને ચિતરવામાં આવ્યાં છે. વાસ્તવિક રીતે આંતરિક જ્ઞાન અને બાહ્ય જ્ઞાનને અવારનવાર આપણે એક બીજાના વિરોધી રૂપે જોઈએ છીએ. આમ છતાં પણ એ બંનેની વચ્ચે સમતુલા સાધી શકાય ખરી, પણ બંનેને એક તો ન કરી શકાય. એ લોકો એવું ભ્રામક રીતે માને છે કે આ અંતરનું જ્ઞાન કે વિજ્ઞાન માણસને અને સમાજની સર્જનાત્મકતા કે કાર્યશીલતામાં ઘણો ઘટાડો કરી દે છે. પરિણામે બહારના જગત સાથે તે સ્પર્ધા કરી શકતા નથી. આનાથી વિરુદ્ધમાં ભારતનું આ આત્મજ્ઞાન કે અંતર્જ્ઞાન અને બાહ્ય જાગતિક વિકાસ એકીસાથે સંકેતાત્મક સંબંધથી જોડાયેલાં છે.
પ્રબળ અંતરચક્ષુવાળું જ્ઞાન આપણા બાહ્ય જગતને કે ભૌતિક વિજ્ઞાનને ચોક્કસ બળવત્તર બનાવે છે. આ ભીતરના આત્મજગતમાંથી જ પ્રેરણા, સર્જનાત્મકતા અને જ્ઞાન મળી રહે છે. આ બધાં બાહ્ય વિજ્ઞાન કે બાહ્ય જગતની સમૃદ્ધિ વધારવા માટે જરૂરી પણ છે. બળવત્તર વૈશ્વિક વિજ્ઞાન પણ ભીતરના જ્ઞાન-વિજ્ઞાનની શોધ માટે મુક્તિનો માર્ગ શોધી આપે છે. આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના કેટલાક જ્ઞાન સ્વરૂપનો ઉપયોગ કર્યા વિના પોતાને ટકાવી રાખવા માટેની જરૂરતોને સંતોષવા માનવને નિમ્ન પ્રાકૃતિક કક્ષાએ પણ રહેવાની ફરજ પડશે.
પશ્ચિમમાં પોતાના રૂઢિચુસ્ત અને અસ્થિતિસ્થાપક ધર્મના સ્વરૂપને લીધે ધર્મ અને વિજ્ઞાનને જુદાં પાડી દેવામાં આવ્યાં છે. માનવનાં મુક્ત વિચારનાં વલણ, બુદ્ધિ પ્રતિભાની મૌલિકતા કે જે વિજ્ઞાનના સંશોધન કે નવી શોધના માટે આવશ્યક છે તેને માટે ઇતિહાસકેન્દ્રી ધર્મો પૂરતાં ઉપકારક નથી. ભારતમાં પરાપૂર્વથી ચાલી આવતા આધ્યાત્મિક શોધના ખરેખર ભૌતિક વિજ્ઞાન માટે આવશ્યક એવી બુદ્ધિના પ્રયોગો અને બીજી સામગ્રી પૂરી પાડે છે.
Your Content Goes Here




