(શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.)
આવો, આપણે અવલોકન કરીએ: આચાર્ય સ્વામી વિવેકાનંદ કોલંબોથી કાશ્મીર સુધીની ભારતીય પ્રજાને શો સંદેશ આપી ગયા? સહુથી પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે, અલગ-અલગ વાતાવરણ હોવાથી પૂર્વ અને પશ્ચિમમાં એમની વાણી બે વિભિન્ન રૂપોમાં વ્યક્ત થતી હોવા છતાં પણ મૂળભૂત રૂપે એક જ હતી. જે રીતે સ્વામીજીનું ભારતીય કાર્ય ધર્મવિહૉણી માત્ર સેવા નહોતી. એ જ રીતે એમનો પશ્ચિમનો પ્રચાર પણ માત્ર કર્મવિહોણું મોક્ષ સાધન જ નહોતું. સ્થળ, કાળ અને પાત્ર અનુસાર એમણે બંને સભ્યતાઓને પોતાના આદર્શને અનુરૂપ પ્રગટ કરવા ઇચ્છયું. તેમજ બંનેની વચ્ચે સમન્વયકારક આદાન-પ્રદાન કરાવવા પણ ઇચ્છયું. એમના મંતવ્ય અનુસાર “અન્ય દેશો પાસેથી આપણે થોડું ભૌતિક વિજ્ઞાન શીખવું પડશે; સંગઠન અને સંચાલનની વિવિધ પદ્ધતિઓ અને વિવિધ શક્તિઓને વ્યવસ્થિત રીતે કાર્યમાં પ્રયોજીને ઓછી મહેનતે વધુમાં વધુ ફળ મેળવવાના ઉપાયો જાણવા પડશે. પરંતુ પ્રત્યેક રાષ્ટ્રનો પોતાનો એક આગવો આદર્શ હોય છે. “આપણી માતૃભૂમિના રાષ્ટ્રીય જીવનનો મૂળભૂત પાયો ધર્મ અને એક માત્ર ધર્મ જ છે. અને તે જ આપણા રાષ્ટ્રીય જીવનનો મેરુદંડ છે. આ પાયાને અચલ રાખવો પડશે – એટલે બીજા પાસેથી કંઈ શીખતી વખતે, એનું પૂરેપૂરું અનુકરણ કરીને તે ક્યાંક પોતાની સ્વાધીનતા ગુમાવી ન બેસે!” ભૌતિકવાદી પાશ્ચાત્ય સમાજ પણ જો દીર્ઘજીવી બનવા ઇચ્છે તો તેને પણ આધ્યાત્મિક આધાર સ્વીકારવો પડશે – “જો પશ્ચિમની સભ્યતા આધ્યાત્મિક પાયા ઉપર આધારિત નહીં હોય તો આગામી પચાસ વર્ષમાં તે સમૂળગી નષ્ટ થઈ જશે.”
ધર્મનો અર્થ આચાર માત્ર નથી કેમકે, ધર્મનું આંતરિક સત્ત્વ અપરિવર્તનશીલ હોવા છતાં પણ તેનું બાહ્ય કલેવર પરિવર્તનશીલ છે. આચારસંહિતા એ તો આંતરિક અનુભૂતિઓની માત્ર બાહ્ય અભિવ્યક્તિ જ છે. ભાવવિહોણું આચરણ કંઈ પ્રગતિમાં સહાયકારક નીવડતું નથી, ઊલટું તે તો રાષ્ટ્રના અધ:પતનનું કારણ બને છે. “આપણી જ્ઞાતિપ્રથા અને અન્ય નિયમો ઉપરછલ્લી દૃષ્ટિથી જોતાં ધર્મ સાથે સંકળાયેલાં જોવા મળે છે, પણ વાસ્તવમાં એવું નથી. સર હિન્દુ જાતિના રક્ષણ માટે આ નિયમોની જરૂર હતી. જ્યારે આ આત્મરક્ષણની જરૂર નહીં રહે, ત્યારે તે આપમેળે જ વિલીન થઈ જશે.” સામાન્ય રીતે ઉત્ક્રાન્તિના પ્રાકૃતિક નિયમ અનુસાર જ સુધારાઓ થતા રહે છે. અને સુધારકે આ નિયમને અનુસરીને જ ચાલવું જોઈએ; નહીં તો તત્કાલીન ઉત્તેજનાથી અથવા તો બીજાઓની નકલ કરીને કંઈક કરવા જતાં પરિણામ વિપરીત જ આવશે. “સામાજિક બીમારીઓ કંઈ બહારના પ્રયાસોથી દૂર નહીં થાય. એ માટે તો મન ઉપર કામ કરવાનો પ્રયત્ન કરવો પડશે.” એટલા માટે જ સ્વામી વિવેકાનંદ પોતાનો પરિચય ‘આમૂલ સુધારક’ તરીકે આપતા રહેતા. એમના મતાનુસાર સુધારણાનું સર્વોત્કૃષ્ટ માધ્યમ શિક્ષણ છે. એવી કોઈ સામાજિક વ્યાધિ નથી કે જે શિક્ષણથી દૂર ન થઈ શકે. પણ હા, વર્તમાન શિક્ષણપ્રણાલીમાં આ પરિવર્તનની આવશ્યકતા છે. ધર્મના પાયા ઉપર રચાયેલું જે શિક્ષણ માનવીની આંતરિક શક્તિઓની સર્વાંગીણ અભિવ્યક્તિમાં સહાયભૂત બને, એ જ ખરું શિક્ષણ છે.
તેઓ ઉતાવળે સામાજિક પરિવર્તન લાવવાના વિરોધ હતા, તો પણ એમનું ધ્યાન એ તરફ દોરાયું હતું કે લાંબા સમય સુધી રહેલી પરાધીનતાને કારણે, હવે યુગની આવશ્યકતા પ્રમાણે નિત્ય નૂતન રહેતી વિચાર સૃષ્ટિની પ્રાચીન વ્યવસ્થા નિષ્ક્રિય બની ગઈ છે અને સામાજિક જીવનમાં પૂણ ખૂબ કચરો-પૂંજો ભેગો થઈ ગયો છે, એટલે એને દૂર કરવા માટે આપણે કેટલાંય ક્ષેત્રોમાં તાત્કાલિક કામ કરવું પડશે. વર્તમાન સમયમાં નારી – જાતિની સ્થિતિ અત્યંત દયાજનક છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે નારી જાતિના અભ્યુત્થાન વિના ભારતનું કલ્યાણ શક્ય નથી, જેમ એક પાંખે પક્ષીનું ઊડવું શક્ય નથી પણ સાથે-સાથે એમણે એ પણ યાદ અપાવ્યું કે, “હે ભારત, તું એ ન ભૂલીશ કે તારી નારી જાતિનો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” સતીત્વ અને માતૃત્વનો આદર્શ અખંડિત રાખીને જ નારી જાતિને જાગૃત કરવી પડશે. પછી આ જાગૃતિમાં સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ અભેદ્ય પરદો પણ ન હોવો જોઈએ. “આ દેશમાં સ્ત્રી-પુરુષ વચ્ચે આટલો ભેદભાવ કેમ કરવામાં આવે છે, એ સમજવું મુશ્કેલ છે. વેદાંતમાં તો એમ કહેવામાં આવ્યું છે કે, એક જ ચૈતન્ય સર્વભૂતોમાં વિલસી રહ્યું છે.” સ્વામી વિવેકાનંદે એ પણ જણાવી દીધું કે, સ્ત્રીઓનું સાચા અર્થમાં કલ્યાણ કરવા માટે તો તો સ્ત્રીઓ જ સક્ષમ છે. પુરુષો એમાં દૂરથી મદદ કરી શકે છે પણ તેમણે ક્યારેય એમની સ્વાધીનતામાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ.
સામાન્ય જનસમૂહની ઉન્નતિ વગર રાષ્ટ્રીય ઉત્થાન અશક્ય છે તેથી કહેવાતા દલિત વર્ગોનું સર્વાંગીણ ઉત્થાન જરૂરી છે, કેમકે, “એમણે હજારો વર્ષથી અત્યાચાર સહ્યો છે – ચૂપચાપ સહન કર્યું છે અને એનાથી એમને મળી છે અપૂર્વ સહિષ્ણુતા! એમણે શાશ્વત દુ:ખ ભોગવ્યું અને એમાંથી મળી છે અવિચલ જીવનશક્તિ! આ મૂઠ્ઠીભર લોકો શેકેલા ચણા ને જવનો લોટ ખાઈને દુનિયાને ઉલટાવી શકે છે; અને અર્ધી જ રોટી મળી જવાથી પણ તેમનું તેજ ત્રણે લોકોમાં નહીં સમાય! એમનામાં રક્તબીજનો પ્રાણ છે. અને એમણે મેળવ્યું છે, અદ્ભુત ચારિત્ર્ય બળ, જે ત્રણે લોકમાં બીજે ક્યાંય નથી. આટલી શાંતિ, આટલો સ્નેહ, આટલો મૂક પરિશ્રમ અને કામના સમયે આવો સિંહ વિક્રમ!… આ સામે ઊભો છે, તમારો ઉત્તરાધિકારી, ભાવિ ભારત.” “નવા ભારતનો આવિર્ભાવ થશે, મોદીની દુકાનમાંથી, ભઠિયારાની ભઠ્ઠીમાંથી, કારખાનાઓમાંથી, બજારમાંથી, હાટમાંથી, તે આવિર્ભાવ પામશે, જંગલ, ઝાડી અને પર્વતોમાંથી.” “પરંતુ આ દરિદ્રોના ઉત્થાન આંદોલનથી ભારતની સનાતન સંસ્કૃતિ ક્યાંક સ્થાન ભષ્ટ ન થઈ જાય. અમારું લક્ષ્ય છે – પ્રાચીન બ્રાહ્મણ સંસ્કૃતિને શૂદ્રના સ્તર પર ન લઈ જતાં પ્રત્યેક શૂદ્રને બ્રાહ્મણત્વમાં ઊંચે લઈ જવો, સત્યુગમાં એક માત્ર બ્રાહ્મણ જાતિ જ હતી. શ્રીરામકૃષ્ણના આગમનથી ફરીથી એ સત્યુગનું મંડાણ થયું છે – “જે દિવસે તેઓ જન્મ્યા તે જ દિવસથી સત્યુગ આવી ગયો છે. હવે સઘળા ભેદ-ભાવો ઓગળી ગયા. ચાંડાલથી માંડીને સઘળા પ્રેમના અધિકારી બનશે. સ્ત્રી-પુરુષનો ભેદ, ગરીબ-અમીરનો ભેદ, પંડિત-મૂર્ખનો ભેદ, બ્રાહ્મણ-શૂદ્રનો ભેદ – આ સઘળું તેઓ દૂર કરી ગયા. તેઓ વિવાદભંજક છે. હિન્દુ-મુસ્લિમ, ખ્રિસ્તી-હિન્દુ વગેરે ભેદો પણ ચાલ્યા ગયા.”
જ્ઞાતિપ્રથાએ વર્તમાન યુગમાં જે સ્વરૂપ ધારણ કર્યું છે, તે કોઈ સમયે અનિવાર્ય હોવા છતાં પણ અને તેના મૂળમાં પર્યાપ્ત સત્ય છૂપાયેલું હોવા છતાં પણ આધુનિક યુગમાં એના મૂળ પાયાને અતૂટ રાખીને તેની બાહ્ય અભિવ્યક્તિમાં પરિવર્તન કરવું જરૂરી છે. સમાજમાં ધર્મના નામે થતા અત્યાચારોની જે પાશવી લીલા ચાલી રહી છે તેને વખોડતાં સ્વામીજીએ કહેલું: “ભાઈ, ધર્મ શું હવે ભારતમાં રહ્યો છે ખરો? જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ; બધા જતા રહ્યા છે. હવે રહી ગયો છે એક માત્ર છૂતાછૂત માર્ગ! ‘મને અડો નહિ-મને અડો નહિ’ આખી દુનિયા અપવિત્ર છે અને હું જ એક પવિત્ર છું – સહજ બ્રહ્મજ્ઞાન! હે ભગવાન, હવે બ્રહ્મજ્ઞાન ન તો હૃદય-ગુહામાં રહ્યું, કે ન વૈકુંઠમાં, સર્વભૂતોમાં પણ નહીં. હવે તો તે તે ભાતના હાંડલામાં છે!” આ બધી અતાર્કિક અને પાશવી વ્યવસ્થાને દૂર કરીને તેમણે અન્ય સમાજોમાં પ્રચલિત સમાનતા અને બંધુતાનો ઉપદેશ આપ્યો “આપણી માતૃભૂમિ માટે હિન્દુ અને ઇસ્લામ આ બે મહાન સંપ્રદાયનો સમન્વય-વેદાન્તી મસ્તિષ્ક અને ઈસ્લામી શરીર આ જ એક માત્ર આશા છે… આપણો દેશ ઇસ્લામી દેહ અને વેદાન્તિક હૃદયના આ બેવડા આદર્શને વિકસાવી લ્યાણ માર્ગમાં આગળ વધો.”
ભારતની આમજનતા ધાર્મિક હોવા છતાં પણ દારિદ્રયના આઘાતથી કર્મશક્તિહીન બની ગઈ છે. ખાસ કરીને પ્રલંબ ગુલામીથી એના જીવનમાં સાત્ત્વિકતાના મહોરામાં ઘણું કરીને ઘોર તામસિકતા જ ઘર કરીને બેસી ગઈ છે. આથી આ દેશમાં સાચા ધર્મના પ્રચારની અત્યંત આવશ્યકતા હોવા છતાં પણ પહેલાં રજોગુણ જગાડવો જરૂરી છે. જે ધર્મ ગરીબોનું દુ:ખ દૂર ન કરી શકે, મનુષ્યને દેવતા ન બનાવી શકે, એ તે ભલા કંઈ ધર્મ કહેવાય? ભૂયા પેટે ધર્મ નથી પળાતો. પહેલાં કૂર્મદેવતાનું પૂજન અત્યંત આવશ્યક છે. આથી તે અન્નની વ્યવસ્થા કરવા માટે જ હું લોકોને રજોગુણી થવાનો ઉપદેશ આપું છું. પહેલાં અન્ન ઉપાર્જન કરવાનો ઉપદેશ આપો પછી ભાગવત સંભળાવજો.”
યુગની આવશ્યકતા અનુસાર સ્વામી વિવેકાનંદે નરનારાયણની પૂજા માટે આપણને આહ્વાન આપ્યું છે. “સર્વપ્રથમ વિરાટની પૂજા. તમારી સમક્ષ, તમારી ચારે બાજુ જે લોકો છે, એમની પૂજા; સેવા નહીં, એમની પૂજા કરવી પડશે. સેવા શબ્દથી મારા કહેવાનું તાત્પર્ય બરાબર અભિવ્યક્ત થતું નથી. પૂજા શબ્દથી જ એ ભાવ બરાબર પ્રગટ થાય છે.” આ નરનારાયણની પૂજા દ્વારા ચિત્તશુદ્ધિ થતાં હૃદયમાં ઉચ્ચતર આધ્યાત્મિક ભાવોની સ્ફુરણા થવાનો સંભવ રહે છે.
આપણા દેશમાં ધર્મ અને સાંસારિક ઉન્નતિની વચ્ચે જે અનુલ્લંધનીય અને કૃત્રિમ ભેદભાવની સૃષ્ટિ રચાઈ છે, તે જ સ્વામી વિવેકાનંદના મતે આપણી અવનતિનું મુખ્ય કારણ છે. હકીકતમાં તો આ બે વચ્ચે કોઈ જ ભેદ નથી. ઊલટાનું ધર્મવૃદ્ધિને પરિણામે ભૌતિક પ્રગતિ પણ આપોઆપ થાય ઇચ્છનીય છે, અનિવાર્ય છે. આ પ્રાણપ્રદ અને પ્રગતિકારક ઉપદેશોનો કર્મક્ષેત્રમાં ઉપયોગ ન કરવાથી જ આપણી ભૌતિક પ્રગતિ થતી નથી. “આપણી પાસે બુદ્ધિ છે પણ હાથ નથી. આપણી પાસે વેદાંત તત્ત્વ છે, પણ તેને કાર્યાન્વિત કરવાની ક્ષમતા આપણામાં નથી. આપણા ગ્રંથોમાં મહાન સામ્યવાદ છે, પણ આપણા વ્યવહારમાં નરી ભેદબુદ્ધિ છે. ભારતવર્ષમાં જ મહાન નિ:સ્વાર્થ, નિષ્કામ કર્મનો પ્રચાર થયો છે. પણ વ્યવહારમાં આપણે અત્યંત નિર્દય અને હૃદયવિહોણા છીએ. આપણા આ હાડચામના શરીર સિવાય બીજું કંઈ પણ આપણે સમજી શકતા નથી.” ધર્માનુભૂતિનો સાચો અર્થ જાણી લેવાથી આપણે પણ સ્વામી વિવેકાનંદના સ્વર સાથે સ્વર મિલાવીને કહીશું: “જે જ્ઞાનથી ભવબંધનમાંથી મુક્તિ મળે છે, એનાથી સાધારણ એવી ભૌતિક પ્રગતિ શું નહીં સધાય? જરૂર સાધી શકાય. વર્તમાન સમયમાં સામાજિક જીવનની જેમ વ્યક્તિગત જીવનમાં પણ ધર્માનુષ્ઠાન અને આચરણની વચ્ચે કોઈ મેળ દેખાતો નથી. આ બે વચ્ચે કોઈ કડી જણાતી નથી. આ અનુસંધાનને ફરીથી સ્થાપવા માટે વ્યાવહારિક વેદાંતની આવશ્યકતા છે. તમારે પત્ની હોય એમાં કંઈ દોષ નથી. પણ એમાં તમારે ભગવાનનાં દર્શન કરવાં જોઈએ. પુરુષ સ્ત્રી પ્રત્યે અને સ્ત્રી પુરુષ પ્રત્યે જે પ્રેમને લઈને આસક્ત થાય છે એ પ્રેમ ભગવાનને અર્પણ કરવો જોઈએ. સંસારમાં જેટલા પ્રકારના સંબંધો છે, એ સઘળાને આ ભગવદ્ દૃષ્ટિથી ઈશ્વર પ્રાપ્તિમાં સહાયક બનાવવા જોઈએ – એટલું જ નહીં, પણ જીવનનું પ્રત્યેક કર્મ ભગવાનની ઇચ્છાનુસાર ગોઠવવું જોઈએ, કેમ કે વાસ્તવમાં કર્મ, કરણ, કર્તા, કર્મફળ બધું ભગવાન જ છે.”
ભારતવર્ષની અધોગતિનું એક બીજું પણ કારણ છે – “આપણી કૂપમંડુક જેવી સંકુચિતતા – જે દિવસે ભારતે ‘મ્લેચ્છ’ શબ્દની શોધ કરીને પોતાના રાષ્ટ્રીય જીવનની ચારેબાજુ અભેદ્ય દીવાલ ઊભી કરી દીધી તે દિવસથી જ ભારતની અધોગતિ શરૂ થઈ ગઈ.” “કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર બીજાઓથી પોતાની જાતને સંપૂર્ણપણે અલગ રાખીને જીવી શકતાં નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદે આહ્વાન આપ્યું “પોતાના સંકુચિત વાડામાંથી બહાર નીકળીને જુઓ બધાં રાષ્ટ્રો કેવી રીતે પ્રગતિ કરી રહ્યાં છે? શું તમે લોકો મનુષ્યો પર પ્રેમ રાખો છો? તો પછી આવો. અને સારા બનવાનો પ્રાણપણે પ્રયત્ન કરો.” બીજાઓની સાથે ભળવા માટે એમના પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમભાવ હોવો જોઈએ – “અમે લોકો કંઈ ફક્ત એટલી જ વાતનો પ્રચાર કરતા નથી કે, અન્ય ધર્મોનો તિરસ્કાર ન કરો. અમે તો બધા જ ધર્મોને સાચા માનીને એમને સંપૂર્ણ રીતે અપનાવીએ છીએ. અમે ફક્ત પ્રચાર જ નથી કરતા, પણ એનું જીવનમાં પાલન પણ કરીએ છીએ.” તો પછી આ આદાન-પ્રદાનમાં ભિખારી જેવી મનોવૃત્તિનો પૂરેપૂરો ત્યાગ કરી દેવો જોઈએ. “સમાન ભૂમિકા પર રહ્યા વગર મૈત્રી ક્યારેય શક્ય નથી બનતી. જો તમને બધાને અંગ્રેજો અને અમેરિકનોના જેવા બનવાની ઇચ્છા હોય, તો જે રીતે એમની પાસેથી શીખવાનું છે એ જ રીતે એમને શિખવાડવાનું પણ છે.”
અંતે એ પણ યાદ રાખવું ઘટે કે, સ્વામી વિવેકાનંદ ભારતીય હતા. અને ભારતની પ્રગતિ માટે પ્રાણપણે પ્રયત્ન કરી રહ્યા હતા. તો પણ તેમણે રાજકારણમાં ભાગ લીધો ન હતો. આધ્યાત્મિક અનુભૂતિ જ એમનાં સઘળાં કાર્યો અને પ્રચારનું પ્રભવસ્થાન હતું. આ નિર્વિવાદ અને અખંડ પ્રેમરાજયમાં અધિષ્ઠિત થઈને અખિલ બ્રહ્માંડમાં વ્યાપેલી અદ્વૈતસત્તાની પ્રતિક્ષણે અનુભૂતિ કરી રહેલા સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે; “એ ન ભૂલશો કે મારો પ્રેમ ફક્ત ભારત પ્રત્યે જ નથી – પણ બધા જ દેશના લોકો માટે છે.”
(સંક્લન: “શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા”માંથી)
Your Content Goes Here




