સામાજિક કે રાજકીય – સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે છે, માટે મહાન બની જતો નથી; તે તો મહાન બને છે એના સાધુચરિત અને ઉદાત્ત પ્રજાજનોને કારણે. વિશ્વની સર્વ સમૃદ્ધિઓ કરતાં માનવ વિશેષ મૂલ્યવાન છે.

અત્યંત નિષ્ઠાવાન અને દેશને ખાતર પોતાનું સર્વસ્વ સમર્પી દેવા તત્પર એવા લોકો તમને જ્યારે મળી રહેશે ત્યારે ભારત સર્વ ક્ષેત્રોમાં મહત્તા પ્રાપ્ત કરશે. ધીમે ધીમે અજ્ઞાન ને નિરાધારતાની ગર્તામાં ઊંડે ને ઊંડે ડૂબતા જતા આપણા કરોડો દેશબંધુઓના યોગક્ષેમને ખાતર જીવનના ભોગ-વિલાસને માણવાની વાસનાને લાત મારનાર, ઉદારચરિત હજારો સ્ત્રીપુરુષો પોતાનાથી બનતું બધું કરી છૂટશે ત્યારે જ ભારતવર્ષનું પુનરુત્થાન થશે.

ભારતની આમ જનતાને જાગ્રત કરવાના એક માત્ર કર્તવ્યને ખાતર સર્વસ્વ અર્પી દેનારા યુવાનોની સાથે રહીને કામ કરો. એમને જાગ્રત કરો, એમનું સંગઠન કરો, એમનામાં ત્યાગની ભાવના પ્રેરો; બધું જ ભારતના યુવાનો પર અવલંબી રહ્યું છે. પવિત્રતાની આરજૂવાળા, ઈશ્વર પ્રત્યેની અનંત શ્રદ્ધાના કવચથી રક્ષાયેલા, દીનહીન અને દલિત માટેની સહાનુભૂતિથી સહિં જેટલું બળ ધરાવનારાં એક લાખ સ્ત્રી અને પુરુષો મુક્તિનો, સહાયનો, સામાજિક પુનરુત્થાનનો, સમાનતાનો મંત્ર ઉદ્‌બોધતાં દેશને ચારે ખૂણે ઘૂમી વળે એમ હું ઇચ્છું છું.

મારે તો હવે જેને કશુંક કરવાની લગની લાગી છે એવા થોડાક પ્રચારકોના દળની જરૂર છે. આપણાં શાસ્ત્રોએ ઉદ્‌બોધેલાં સત્યોનો ભારતમાં અને ભારત બહાર પ્રચાર કરનારા યુવાનોને તાલીમ આપવા ભારતમાં સંસ્થાઓ ઊભી કરવાની યોજના મારા મનમાં રમી રહી છે.

-સ્વામી વિવેકાનંદ

(‘આપણા હાથમાં ભારતનું ભાવિ’,  પૃ.૩૨-૩૩)

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.