મણકો નવમો – પૂર્વમીમાંસાદર્શન

વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને – પૂર્વમીમાંસાને – કર્મમીમાંસા અને ઉત્તરમીમાંસારૂપ વેદાંતને બ્રહ્મમીમાંસા કહેવામાં આવે છે.

જૈમિનિ દ્વારા લિખિત બાર અધ્યાયના સૂત્રગ્રંથ ‘પૂર્વમીમાંસાસૂત્રો’થી આરંભીને ઉપવર્ષ, ભવદાસ, શબરસ્વામી વગેરે દ્વારા પોષાતું આ દર્શન કુમારિલ, પ્રભાકર, મુરારિમિશ્ર વગેરે દ્વારા વિસ્તીર્ણ થયું.

આમ તો મીમાંસાદર્શનમાં યજ્ઞપ્રધાનતા અને કર્મકાંડ – વૈદિક કર્મોનું વિવરણ મુખ્ય છે. છતાં એમાં દાર્શનિક બાબતો પણ આવે છે. એમાં પણ તત્ત્વમીમાંસા, પ્રમાણમીમાંસા, જીવ-જગત-મોક્ષની વાત વગેરે છે, એટલે એ પણ એક મહત્ત્વનું આસ્તિકદર્શન છે.

પ્રમાણોની વાત કરીએ તો ન્યાયદર્શનનાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણો ઉપરાંત પણ આ મીમાંસાદર્શન અર્થાપાત્ત અને અનુપલબ્ધિ એવાં બે વધારાનાં, એટલે કુલ છ પ્રમાણો માને છે. નૈયાયિકોએ આપેલી તે તે પ્રમાણની સમજૂતી કરતાં જો કે મીમાંસકોની સમજૂતી જરાક જુદી તો છે જ. ‘અર્થાપાત્ત’ પ્રમાણમાં બનેલી ઘટનાની કલ્પના દ્વારા શોધ કરીને એનું જ્ઞાન પ્રાપ્ત કરાય છે, જ્યારે ‘અભાવ’નામના ન્યાય સ્વીકૃત પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણ (કરણ)ને અનુપલબ્ધિ પ્રમાણ કહેવામાં આવે છે.

પદાર્થ-મૂળતત્ત્વ(મેટાફિઝીક્સ)ના વિશે પણ આ દર્શન ન્યાય, વૈશેષિકદર્શનનું સમાનતંત્રી છે. ન્યાયના સાત પદાર્થોને બદલે પ્રભાકર આઠ પદાર્થો માને છે, કુમારિલ પાંચ પદાર્થો માને છે અને એની ગણતરી અને નામોમાં તેમજ સમજૂતીમાં ફેરફાર કરે છે. તો વળી મુરારિમિશ્રની પદાર્થગણના અને સમજૂતી નિરાળી છે. આમ, આ ત્રણેય મતો જુદાં જુદાં મંતવ્યો ધરાવે છે.

ન્યાયવૈશેષિકની પેઠે પૂર્વમીમાંસાદર્શન પણ અણુવાદી છે. છતાં એ જગતના પ્રલયને સ્વીકારતું નથી. એ જગતને અનાદિ અને અનંત માને છે. આ રીતે આ દર્શન ન્યાયદર્શનની પદ્ધતિથી વિચાર કરતું હોવા છતાં પોતાની અમુક ખાસીયતો ધરાવે છે.

મીમાંસાદર્શન પ્રમાણે જ્ઞાનની પ્રામાણિતા-સચ્ચાઈનું જ્ઞાન, એ જ જ્ઞાનથી-પોતાથી થાય છે. નૈયાયિકોની પેઠે જ્ઞાનની સચ્ચાઈ એટલે કે પ્રામાણ્ય પારખવા માટે અનુવ્યવસાય કે સફળપ્રવૃત્તિ નામે અન્ય(પરત:)ની જરૂર પડતી નથી. જ્ઞાનના અપ્રામાણ્યનું-ખોટાપણાનું જ્ઞાન ઘણા માટે ભલે અન્ય કશાની(પરત:) જરૂર પડતી હોય! આનો અર્થ એ છે કે જ્યાં સુધી આપણને પહેલાં થયેલું જ્ઞાન, કોઈ બીજા પ્રમાણથી બાધિત ન થાય ત્યાં સુધી તો એ જ્ઞાનને આપણે પ્રામાણિત જ એટલે સાચું જ માનીએ છીએ. પણ જ્યારે તે જ્ઞાન અન્ય કોઈ જ્ઞાનથી બાધિત થાય, ત્યારે જ આપણે તે પૂર્વના જ્ઞાનને અપ્રામાણિત-ખોટું કહીએ છીએ.

પૂર્વમીમાંસાના આ સિદ્ધાંતને ‘પ્રામાણ્યવાદ’ કહેવામાં આવે છે. આ પ્રામાણ્યવાદની બાબતમાં મીમાંસકોનો મોટામાં મોટો ઝઘડો પરત: પ્રામાણ્યવાદી નૈયાયિકો સાથે ચાલતો આવ્યો છે. ઉગ્રાતિઉગ્ર દલીલબાજી અને ગજબની બૌદ્ધિક કસરતો બન્ને દર્શનો વચ્ચે થઈ છે. હજી એનો નીવેડો આવ્યો નથી અને ભવિષ્યમાં આવવો પણ મુશ્કેલ જ છે. એણે સામાન્યજનની બુદ્ધિને થકવી દીધી છે.

પૂર્વમીમાંસકોનો નૈયાયિકો સાથે તો વાદવિવાદ છે જ પણ પૂર્વમીમાંસાની ભીતર પણ આ વિશે ભારે વિખવાદ છે. આ દર્શનની ભીતરમાં જ એ વિશે કુમારિલ ભટ્ટનો મત, પ્રભારકનો મત અને મુરારિમિશ્રનો મત એમ ત્રણ ફાંટા પડી ગયા છે.

કુમારિલ ભટ્ટ માને છે કે જ્ઞાન સ્વપ્રકાશિત નથી, તે પ્રત્યક્ષ પ્રમાણથી પણ ગ્રાહ્ય નથી. તે ફક્ત અનુમેય જ છે: ઘડાના પ્રત્યક્ષ જ્ઞાનમાં આપણને કેવળ ઘડો જ દેખાય છે, ઘડાનું જ્ઞાન નહીં ! ઘડાનું જ્ઞાન તો અનુમાનથી જ થાય છે. આપણને જ્યારે ઘડાનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે, ત્યારે એ પ્રત્યક્ષ જ્ઞાનને લીધે એ બહારના ઘડામાં ‘જ્ઞાતતા’ પ્રગટથવાપણું – નામનો ધર્મ જન્મે છે. એટલે પહેલાં જે ઘડો અજ્ઞાત હતો, તે ‘જ્ઞાત’ થઈ જાય છે. એટલે એ જ્ઞાન ઘડાનું વિશેષણ બની જાય છે અને એ ‘જ્ઞાતતા’ના ધર્મથી ઘડાના જ્ઞાનનું અનુમાન કરાય છે.

પ્રભાકર એવું માને છે કે જ્ઞાનમાં વિષયરૂપ ઘડો પોતે ભાસે જ છે અને સ્પષ્ટ રીતે જ્ઞાનની સ્વપ્રકાશતાનો-સ્વત: પ્રામાણ્યનો સ્વીકાર કરે છે. આ રીતે પ્રભાકરના મતમાં પ્રત્યક્ષ જ્ઞાનમાં ત્રણ વસ્તુઓ ભાસે છે – જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાતા. પ્રભાકરના મતને ‘ત્રિપુટી પ્રત્યક્ષ’ કહેવામાં આવે છે.

મુરારિમિશ્રનો મત ઉપરના બન્ને મતોથી અનોખી ભાતનો છે. એના મતમાં ઇન્દ્રિયોના વિષય સાથેના સંનિકર્ષથી જ્ઞાન થઈ જતાં, ‘આ ઘડો છે’ એવું જ્ઞાન થઈ જાય છે. પણ આ જ્ઞાનની સચ્ચાઈ નક્કી કરવા માટે પાછળથી ‘હું ઘડાના જ્ઞાનવાળો છું’ – એવા અનુવ્યવસાય દ્વારા જ ‘આ ઘડો છે’ એવું ભાન અને એની પ્રામાણિકતા નક્કી થાય છે, આવું એનું જ્ઞાનનું સ્વત: પ્રામાણ્ય છે.

આ ઉપરાંત અન્ય બાબતોમાં પણ આ ત્રણ પક્ષો ઘણા જુદા મતો ધરાવે છે.

મીમાંસાદર્શન નિરીશ્ર્વરવાદી છે અને ઈશ્વરને બદલે ‘અદૃષ્ટ’ કે ‘અપૂર્વ’ની કલ્પના એણે કરી છે. પદાર્થસંખ્યા, જીવાત્મા, મુક્તિનું સ્વરૂપ, પ્રમાણભેદ, એનાં લક્ષણો, ભ્રાંતિજ્ઞાન વગેરે વિષયોમાં આ ત્રણેય મીમાંસકોના મતમતાંતરો ઘણા ઘણા છે.

મીમાંસાદર્શનમાં આ ઉપરાંત પણ વેદવિભાગો, વિધિવાક્યો, અર્થવાદ, વિધિઓનો ક્રમ, ભ્રાંતિજ્ઞાન વગેરેની પુષ્કળ ચર્ચા થઈ છે. પૂર્વમીમાંસાની કર્મકાંડપરતાએ ભારતને ભૂમિતિનું જ્ઞાન આપ્યું, એ ઉલ્લેખનીય છે. આજે યજ્ઞસંસ્કૃતિ અસ્તિત્વમાં ન હોવા છતાં પણ એનાં વાક્યોની પ્રામાણિકતાનો નિશ્ર્ચય અત્યારે પણ પ્રસ્તુત હોય એવું લાગે છે.

Total Views: 642

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.