સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

ભારતીય સંસ્કૃતિમાં શક્તિપૂજાનું એક વિશેષ મહત્ત્વ છે. વૈદિક કાળથી આજ સુધી ભારતમાં ખૂણે ખૂણે શક્તિ પૂજા થાય છે. પંજાબમાં દેવીમાતાનું જાગરણ, દક્ષિણમાં મદુરાઈના મીનાક્ષી મંદિરમાં બંગાળમાં દુર્ગાપૂજા અને ગુજરાતમાં નવરાત્રીપર્વ ધામધુમથી ઉજવાય છે. શક્તિ સ્વરૂપિણી માના અનેક નામ અને રૂપ પ્રચલિત છે. દુર્ગા, કાલી, ચંડી, બગલા, અંબા, વૈષ્ણવી વગેરે વગેરે. આપણી સંસ્કૃતિમાં ઈશ્વરનું માતૃસ્વરૂપ વિશેષ આદરણીય અને પ્રિય છે. પૃથ્વી પર માનવીય સંબંધો જેટલા છે તેમાં સૌથી વધુ વહાલો સંબંધ માતા અને સંતાનનો છે. વાસ્તવિક જગતમાં જન્મદાત્રી માતા જ શિશુનું રક્ષણ-પોષણ કરે છે. સંતાનને માટે મા સહુથી મોટી ઢાલ છે. સંતાનને મન પોતાની મા સર્વશક્તિમાન સહાય શક્તિ છે. રાજા અને સેવકના પુત્રો સાથે રમતા હોય ત્યારે રાજકુમાર સેવકના પુત્રને હેરાન કરે કે ચીડવે તો દાસીપુત્ર રાજકુમારને ધમકી આપતાં કહે, ‘હું મારી માને કહી દઈશ.’ માના સામર્થ્યમાં કેટલો બધો વિશ્વાસ! બસ માનું નામ જ પર્યાપ્ત! બાળકને માટે મા એક અભય શરણ! આ જ ભાવથી આપણે સહુ ઈશ્વરની માતૃભાવે આરાધના કરીએ છીએ.

શક્તિ સ્વરૂપે ઉમાનું પુણ્યદર્શન સૌ પ્રથમ કેનોપનિષદમાં થાય છે. દેવોએ જ્યારે અસુરોને પરાસ્ત કર્યા ત્યારે પોતાની શક્તિના અહંકારમાં ચૂરચૂર થઈ ગયા. અગ્નિ, વાયુ, વરુણ વગેરે દેવો પોતાના સામર્થ્યમાં ચકચૂર હતા. જગતમાં જે કંઈ બની રહ્યું છે તે બધું તેમના પ્રતાપે છે. આવી આત્મવંચનાથી તેઓ પીડાય રહ્યા હતા. દેવોના અહંકારને ઓગાળવા પરમ ચૈતન્ય તત્ત્વે યક્ષનું રૂપ ધારણ કર્યું. યક્ષને જોઈને દેવો આશ્ચર્યમાં પડી ગયા. આ નવીન આગંતુક કોણ છે? એ જાણવું તો જોઈએ, એમ માનીને ઇન્દ્રે અગ્નિને એ બાબત તપાસ કરાવી લાવવાનું કામ સોંપ્યું. અગ્નિ એટલે ‘જાતવેદ’ – જન્મથી જ જ્ઞાનમય છે. તે જ્યારે યક્ષ પાસે ગયો ત્યારે યક્ષે પ્રશ્ન કર્યો: ‘તારામાં કઈ શક્તિ રહેલી છે?’ અન્ય દેવોની જેમ અગ્નિએ અહંકારપૂર્વક જવાબ આપ્યો: ‘આ પૃથ્વીમાં જે છે તે સર્વને હું બાળીને ભસ્મ કરી દઉં એવું મારામાં સામર્થ્ય છે.’ યક્ષ વિચારમાં પડી ગયો. તેણે ધીમેથી અગ્નિ સમક્ષ એક તણખલું મૂક્તાં કહ્યું: ‘અગ્નિ, તારી તાકાત તો જબરી છે. તું ધારે તો સમગ્ર બ્રહ્માંડને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી શકે છે. પણ મારે તો તારું નાનું સરખું કામ છે. મને તું આટલું તણખલું બાળી આપ તો હું રાજી થઈશ.’ યક્ષની વાત સાંભળી અગ્નિ ફૂલાઈ ગયો. એને થયું, આ નાનકડા તણખલાનો શો હિસાબ! નિમિષમાત્રમાં એનું નામનિશાન નહિ રહેવા દઉં. પછી એણે પોતાની પુરી તાકાતથી તણખલું જલાવી દેવા પ્રયત્ન કર્યો પરંતુ અગ્નિ તો એ નાનકડા તણખલાને સ્પર્શી પણ ન શક્યો! એ શરમિંદો થઈને ઇન્દ્ર પાસે પાછો ફર્યો. અગ્નિની હારથી દેવોનું વર્ચસ્વ હવે તો હોડમાં મૂકાયું. એટલે તરત વાયુદેવ તૈયાર થયા અને યક્ષને પાઠ શિખવવા તેની પાસે હાજર થયા. વાયુ અગ્નિ કરતાં વધુ શક્તિશાળી છે એવું બતાવવાની તક મળી છે તેથી બેવડા ઉત્સાહથી યક્ષને પોતાનો પરિચય આપ્યો. યક્ષે સહજભાવે પૂછ્યું: ‘તમારામાં કઈ શક્તિ રહેલી છે?’ વાયુના સામર્થ્ય માટે કદી કોઈએ પ્રશ્ન કર્યો ન હતો તેથી તેમને મનમાં તો બહુ આઘાત લાગ્યો પરંતુ વિવેક દાખવ્યો અને કહ્યું: ‘આ પૃથ્વીમાં જે કંઈ છે તે સમગ્રને હું ઉડાડીને પકડી શકું.’ યક્ષે કહ્યું: ‘પેલા તણખલાને જ ઉડાડીને લાવી આપ.’ વાયુએ હળવેકથી તણખલા ભણી ગતિ કરી પરંતુ તણખલું રજભાર પણ ન ખસ્યું. વાયુએ પોતાની તમામ તાકાત અજમાવી લીધી પણ તણખલું ટસનું મસ ન થયું. આવો હાસ્યાસ્પદ પરાજય મળવાથી તે ભોંઠો પડી ગયો. વીલે મોઢે દેવોની છાવણીમાં તે પણ પાછો ફર્યો. અગ્નિ અને વાયુના પરાજયથી બીજા દેવોની કસોટીમાં ઊતરવાની હિંમત જ ન થઈ. બધાએ નક્કી કર્યું કે હવે તો ઇન્દ્રે જ મેદાનમાં ઉતરવું જોઈએ. બધા દેવોએ ઇન્દ્રને યક્ષતત્ત્વનો પરિચય લેવા વિનંતી કરી. ઇન્દ્રે યક્ષ તરફ ગતિ કરી. જેવો તે ત્યાં પહોંચ્યો કે યક્ષતત્ત્વ અલોપ થઈ ગયું. ઇન્દ્ર વિચારમાં પડી ગયો. અગ્નિ અને વાયુને હંફાવનાર આ તત્ત્વ ગયું ક્યાં? દેવાધિદેવ ઇન્દ્રના મનમાં પ્રશ્ન ઊઠ્યો ત્યાં તો યક્ષના સ્થાને બહુ શોભાયમાન હૈમવતી-ઉમા ઉપસ્થિત થયાં. પરમ ચૈતન્યની શક્તિ પ્રકટ થઈ. ઇન્દ્રે ઉમા-પ્રજ્ઞાને પ્રશ્ન કર્યો: ‘હમણાં અહીં જે યક્ષતત્ત્વ હતું તે કોણ હતું?’ ઉમા એટલે અહીં ઇન્દ્રમાં પ્રાદુર્ભાવ પામેલી પ્રજ્ઞા હતી. તેણે પ્રત્યુત્તર આપ્યો: ‘તે યક્ષતત્ત્વ પોતે બ્રહ્મ હતું. બ્રહ્મના વિજયનો મહિમા સમજો.’ ઉમાના ઉત્તરથી ઇન્દ્રને સમજાયું કે યક્ષ એ બ્રહ્મ છે અને ઉમા તેની શક્તિ છે. બ્રહ્મતત્ત્વ યક્ષ રૂપે અદૃશ્યમાન થયું ત્યારે ઉમાનું પ્રાગટ્ય અર્થાત્‌ બ્રહ્મ અને શક્તિ અભિન્ન. શ્રીરામકૃષ્ણદેવ કહે છે : ‘જેમ અગ્નિ અને તેની દાહકશક્તિ અભિન્ન તેમ બ્રહ્મ અને શક્તિ પણ અભિન્ન.’

ઋષિકન્યા વાક્‌દેવીએ પોતાનું દિવ્ય સ્વરૂપ જ્યારે જોયું, અનુભવ્યું ત્યારે દેવીસૂક્તના ઉચ્ચારણથી પોતાનું અદ્‌ભુત શક્તિસ્વરૂપ પ્રગટ કર્યું:

અહં રુદ્રેભિર્વસુભિશ્ચરામ્યહમાદિત્યૈરુત વિશ્વદેવૈ:।
અહં મિત્રાવરુણોભા બિભર્મ્યહમિન્દ્રાગ્ની અહમશ્વિનોભા ॥

આઠ શ્લોકમાં વાક્‌દેવીએ પોતાનું સર્વશક્તિમાન ઈશ્વરીય સ્વરૂપ પ્રકટ કર્યું. દેવી સ્વયં કહે છે કે હું રુદ્રગણ, વસુગણ, આદિત્ય ગણ અને વિશ્વદેવતા રૂપે વિચરણ કરું છું. હું મિત્ર, વરુણ, ઇન્દ્ર, અગ્નિ અને અશ્વિનીઓને ધારણ કરું છું. હું સમગ્ર વિશ્વની સામ્રાજ્ઞી-અન્નદાત્રી છું. હું પ્રત્યક્ષ બ્રહ્મ જ્ઞાનરૂપિણી અને દેવતાદિગણમાં સર્વપ્રધાન છું. હું બહુ પ્રકારે પ્રાણીઓના હૃદયમાં પ્રવેશીને વિદ્યમાન છું. ઘણા દેશોમાં યજમાનો મારી પૂજા કરે છે. વગેરે વગેરે. ‘જીવ એવ બ્રહ્મ નાપર:’ની ભાવના દેવીસૂક્તમાં સ્વયં દેવીના મુખે પ્રકટ થાય છે. જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું. પ્રત્યેક જીવમાં રહેલી શક્તિ હું છું.

માતાની મધુર મમતા દોષરહિત અને સમ્યક્‌ હોવાથી સારા-નરસાં બધાને માટે શક્તિ સ્વરૂપિણી મા સહુને સરખો જ પ્રકાશ આપે છે. તેથી તો ભારતમાં શક્તિપૂજા લોકો વિશેષ શ્રદ્ધાભક્તિથી કરે છે. રાત્રીસૂક્તમાં દેવીનું રાત્રીદેવી સ્વરૂપનું વર્ણન જોવા મળે છે : રાત્રીદેવીને વાક્‌, સરસ્વતી, અદિતિ અને દુર્ગાદેવીના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાર બાદ કાલી, ભદ્રકાલી, કાત્યાયિની, ચંડી વગેરે નામે પૂજવામાં આવેલા. દુર્ગાસૂક્તમાં દુર્ગાદેવીનું શરણ યાચના અને પ્રણામ કરતાં કહ્યું છે: તામગ્નિવર્ણાં તપસા જ્વલંતીં વૈરોચનીં કર્મફલેષુ જુષ્ટામ્‌ । દુર્ગાં દેવીં શરણમહં પ્રપદ્યે સુતરસિતરસે નમ: ॥

દુર્ગાપૂજા બંગાળમાં વિશેષ ઉત્સાહથી આજે પણ ઉજવાય છે. ચંડીમંડપમાં દુર્ગાદેવી કૈલાસથી ત્રણ દિવસ માટે પિયરમાં પોતાના સંતાનો સાથે આવે છે અને પૂજા ગ્રહણ કરે છે. દુર્ગાની ઉપાસના કરીએ તો સર્વ સિદ્ધિ દાતા ગણેશ, શક્તિદાતા કાર્તિકેય, જ્ઞાનદાત્રી સરસ્વતી અને ધનધાન્ય દાત્રી લક્ષ્મી પણ આવે છે. દુર્ગાપૂજામાં તેમના વાહકો સિંહ, ઉંદર, ઘુવડ, હંસ, મયુરની પણ પૂજા થાય છે. સમષ્ટિના જીવ માત્રને સન્માન-સત્કાર આપવાની સદ્‌ભાવના દુર્ગાપૂજામાં ચરિતાર્થ થાય છે. લોકમાન્ય ટિળકે એક વખત કોલકાતામાં દુર્ગાપૂજાનો ઉત્સવ નિહાળ્યો અને તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. તેમને લાગ્યું કે ભારતમાં સાર્વજનિક પૂજાઓથી લોકોને એક કરવા જોઈએ. સામુહિક પૂજાથી લોકોમાં આત્મઐક્ય જગાડીએ તો દેશનું કલ્યાણ થશે. વિદેશીઓના શાસન સામે લડવાની તાકાત આવશે તેથી તેમણે મહારાષ્ટ્રમાં ગણેશપૂજા સામુહિક પૂજા રૂપે શરૂ કરાવેલી. શક્તિની આરાધનાથી વ્યક્તિનો વિકાસ અને સમષ્ટિનું કલ્યાણ અવશ્ય થાય છે.

દુર્ગાપૂજાના પ્રારંભમાં નવપત્રિકા અથવા નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ નવપત્રિકામાં જાતજાતના ફળ, ફૂલ ચડાવવામાં આવે છે. કેળાવૃક્ષ, અડવી, હરિદ્રવૃક્ષ, જાયફળ, બિલ્વવૃક્ષની ડાળી, અશોકવૃક્ષની ડાળી, શ્રીફળ, દાડમ, સફેદ પારિજાત, આ બધાને એક સાથે બાંધીને નવ પત્રિકા બનાવવામાં આવે છે. આ નવ પત્રિકા કૃષિ ઉત્પાદનનું પ્રતીક છે તેથી કદાચ દુર્ગાદેવીની પૂજામાં અર્પણ કરવામાં આવતા હશે.

મહાભારતમાં પણ શ્રી શ્રી દુર્ગાનું નામ સ્તવ અને પૂજાનો ઉલ્લેખ છે. વિરાટ પર્વમાં છઠ્ઠા પર્વમાં અર્જુને દુર્ગા સ્તવન કર્યું છે. ભિષ્મપર્વમાં શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ પહેલાં દુર્ગા પૂજા કરીને વિજય માટે પ્રાર્થના કરવા કહ્યું હતું. રામાયણમાં પણ શ્રીરામે રાવણને પરાસ્ત કરતાં પહેલાં દુર્ગા પૂજા કરેલી. ૧૦૮ કમળથી દેવીની પૂજા કરવાનો રામે સંકલ્પ કર્યો હતો. માયાદેવીએ રામની પરીક્ષા લેવા એક કમળ ઓછું કર્યું ત્યારે કમલાક્ષ રામે પોતાની એક આંખ ચડાવવા ધનુષ્ય ઉપાડ્યું ત્યારે દુર્ગાદેવી પ્રકટ થયા. રામને દર્શન આપ્યા અને વિજયી બનવાનું વરદાન આપ્યું. યુગે યુગે આવતા અવતારી પુરુષોએ પણ શક્તિની આરાધના કરી છે. પોતાના યુગપ્રયોજનની સ્થાપના માટે દેવીશક્તિની ઉપાસના કરી છે. વર્તમાનયુગમાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની ધર્મપત્ની શ્રી શારદાદેવીની ષોડશીપૂજા કરી. યુગ પ્રયોજનને સાકાર કર્યું.’

સર્વમાં રહેલી દેવીશક્તિને કોટિ કોટિ પ્રણામ.
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોમન: ॥

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.