ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર વર્ષોથી પણ પુરાણી અને આજ સુધી જીવંત રહેનારી સંસ્કૃતિ, વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. આ ભવ્ય અને ઉદાત્ત સંસ્કૃતિએ વિદેશીઓનાં ધર્મનાં, સંસ્કૃતિનાં, સભ્યતાનાં અને અન્ય કેટકેટલાં આક્રમણો સહ્યાં છે, તેમનો પ્રતિરોધ પણ કર્યો છે, તેમજ એ બધાંના ઉદાર-ઉદાત્ત તત્ત્વોને પોતાનામાં પોતાની આગવી રીતે સમાવી લીધાં છે, એ બધાંને પોતાનાં અંગભૂત તત્ત્વ બનાવી દીધાં છે. આટઆટલાં વર્ષોથી અનેકવિધ પ્રતિકૂળતા વચ્ચે રહીને ઝઝૂમતી રહેલી આ સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે, અજેય બની રહી છે. ભારતીય સંસ્કૃતિએ આ આગવી ક્ષમતા પ્રાપ્ત કરી છે, કારણ કે એનામાં ધર્મ એક પ્રાણતત્ત્વ રૂપે રહેલો છે. આ સનાતન હિંદુ ધર્મની અમર, અજેય સંસ્કૃતિ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો આવા હતા :  

‘આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે, જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ અત્યંત પ્રાચીન સમયથી માંડીને આજ સુધી માનવી સમક્ષ હંમેશાં ખુલ્લો રહ્યો છે. પશ્ચિમના દેશોમાં હું વસ્યો છું. ભિન્ન ભિન્ન પ્રજાના અનેક દેશોનો પ્રવાસ મેં ખેડ્યો છે. પ્રત્યેક જાતિ અને પ્રત્યેક પ્રજા પાસે એક વિશિષ્ટ આદર્શ હોવાનું મને જણાયું છે; તેમના સમગ્ર જીવનમાં એક મુખ્ય આદર્શ ઓતપ્રોત થયેલો દેખાય છે, કે જે, તે પ્રજાના જીવનની કરોડરજ્જુ સમાન હોય છે. ભારતની કરોડરજ્જુ રાજનીતિ, લશ્કરી સત્તા, વાણિજ્યમાં પ્રાધાન્ય કે યંત્રવિદ્યાની પ્રતિભા નથી, પરંતુ ધર્મ છે; અને આપણું જે કાંઈ છે, અગર જે કાંઈ આપણે ઇચ્છીએ છીએ તે કેવળ ધર્મ જ છે. ભારતમાં સદૈવ આધ્યાત્મિકતા વિદ્યમાન રહી છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.ભાગ-૪,પૃ.:૩૦-૩૧)

‘ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન વિષે સ્વામીજી કહે છે: એક હકીકત યાદ રાખવાની છે. જેના ઉપર સંસ્કૃતિનાં કિરણોનો સૌથી પ્રથમ  પ્રકાશ પડ્યો, તથા જ્યાં ગંભીર વિચારશીલતા પોતાના પૂર્ણ ગૌરવ સાથે સૌથી પહેલી પ્રગટી, તે પ્રાચીન ભારતીય પ્રજાના માનસમાંથી જન્મેલાં, તથા તેના વિચારો અને લાગણીઓનાં વારસદાર, એવાં સંતાનોમાંથી એને માટેનો દાવો રજૂ કરનારાં લાખો મળી આવે તેમ છે.

પર્વતો, નદીઓ અને સાગરોને ઓળંગીને, જાણે કે દેશ અને કાળના અંતરની મુશ્કેલીઓને હઠાવીને, ભારતીય વિચારનું રક્ત પૃથ્વીની અન્ય પ્રજાઓની નસોમાં સ્પષ્ટ રીતે કે કોઈ સૂક્ષ્મ અજ્ઞાત રીતે વહ્યું છે અને હજી વહી રહ્યું છે. વિશ્વવ્યાપી પ્રાચીન વારસાનો મોટો ભાગ કદાચ આપણો છે.’
(સ્વા.વિ.ગ્રં.મા.ભાગ-૬,પૃ.:૨૦૩)

સામાન્યત: એવું માનવામાં આવે છે કે અર્વાચીન પશ્ચિમ ઉપર માત્ર ગ્રીસ, રોમ અને પેલેસ્ટાઈનની જ અસર છે. પરંતુ ખ્યાતનામ અમેરિકન લેખક વિલ ડ્યુરાં જેમણે ‘સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન’ના સુપ્રસિદ્ધ દશ ગ્રંથો લખેલા છે, જેમાંનો પહેલો ગ્રંથ ‘અવર ઓરિયેન્ટલ હેરિટેજ’ (આપણો પૌર્વાત્ય વારસો) નામક છે, તેમણે ‘ધ કેસ ફોર ઇન્ડિયા’ નામક એક બીજું પુસ્તક પણ લખેલું છે જેમાં તેમણે ભારતની આઝાદી માટે મહાત્મા ગાંધીએ અપનાવેલ અહિંસક સત્યાગ્રહની લડત જોઈને ભારતને સ્વતંત્રતા આપવા માટે બ્રિટિશ સરકારને મક્કમ ભલામણ કરેલી છે. પરંતુ એ પુસ્તક પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. એ પુસ્તકના ‘અ પર્સ્પેક્ટીવ ઓફ ઇન્ડિયા’ (ભારતના પરિપ્રેક્ષ્યમાં) (ન્યુયોર્ક,સાયમન શુસ્ટર,૧૯૩૦)માં વિલ ડ્યૂરાં લખે છે :

‘પ્રથમ આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે ભારત છૂટી છવાઈ વસ્તી ધરાવતો એક નાનો ટાપુ કે ખંડ નથી, પરંતુ બત્રીસ કરોડની વસ્તી ધરાવતો વિશાળ પ્રદેશ છે. તેની વસ્તી યુનાઈટેડ સ્ટેટ્‌સ કરતાં ત્રણ ગણી છે, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વસ્તી કરતાં વધુ છે અને યુરોપ તથા પશ્ચિમ રશિયાની ભેગી વસ્તી કરતા વધુ છે. તેની વસ્તી જગતની વસ્તીના ૨૫% જેટલી છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતના ઉત્તર અને વધુ મહત્ત્વના ગોળાર્ધમાં વસતાં લોકોની જાતિ ગ્રીકો, રોમનો અને આપણા લોકોની જાતિ, અર્થાત્‌ ઈન્ડોયુરોપિયન કે આર્ય જાતિ જ છે. જો કે સખત તાપમાં તેઓની ત્વચા ઘઉંવર્ણી થઈ ગયેલી છે, છતાં તેઓના ચહેરાની સિકલ આપણને મળતી આવે છે અને સામાન્યત: તેઓ સરેરાશ યુરોપિયન કરતાં વધુ નિયમિત અને સુધરેલા છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારત આપણી જાતિની માતૃભૂમિ છે અને સંસ્કૃત યુરોપની ભાષાઓની જનની છે, અને તે આપણી ફિલસૂફીની પણ જનની છે. આરબો મારફત ભારતમાંથી આપણું મોટાભાગનું ગણિતશાસ્ત્ર આયાત થયેલું છે. ખ્રિસ્તી ધર્મમાં મૂર્તિમંત આદર્શો બુદ્ધ મારફત મળેલા છે એટલે એ અર્થમાં પણ ભારત આપણી જનની છે. ગામડાંના લોકો દ્વારા સ્વરાજ્ય અને લોકશાહીની જનની પણ ભારત છે. ભારત માતા ઘણી રીતે આપણા બધાની માતા છે.’

ધર્મ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રે ભારતનું સતતપણે રહેલું પ્રદાન સર્વસ્વીકૃત અને સર્વવિદિત હકીકત છે. પણ ધર્મ-આધ્યાત્મિકતા સિવાયનાં બીજાં ક્ષેત્રો જેવાં કે, વિજ્ઞાન, ગણિત, ખગોળ જેવા અનેક ક્ષેત્રોમાં પણ ભારતે ઘણું યોગદાન કર્યું છે. પણ આ પ્રદાન વિશે બહુ ઓછા લોકો માહિતગાર છે.

ભારત વિશેના જાણકાર બ્રિટિશ ઇતિહાસકાર ગ્રાંટ ડફ કહે છે : ‘આજે વિજ્ઞાનની જે શોધો યુરોપે કરી છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ પણ કહેવું પડશે કે ભારતે આવી શોધો સદીઓ પહેલાં કરી હતી.’ ઇતિહાસકાર ડો વિન્સેન્ટ સ્મિથ કહે છે: ‘વિશ્વની દૃષ્ટિએ આ વિશે, આવી શોધો વિશે જોઈએ તેટલી પ્રસિદ્ધિ મળી નથી તેનું મૂળ કારણ છે – આવી સિદ્ધિઓ સાધનારા વિરલ તારકોના ઇતિહાસનો એ પ્રજા પાસે અભાવ છે, એ છે. ભારતે આવી સિદ્ધિઓ તો હાંસલ કરી હતી પણ એનો ઇતિહાસ એની પાસે નથી.’

મધ્યકાલીન વિશ્વના આરબ વિદ્વાન કાદિ સાઈદ (ઈ.સ. ૧૦૨૯-૧૦૭૦) પોતાના ગ્રંથ તબાકલ-અલ-ઉમા (જે ઇતિહાસના પ્રાચીનતમ ગ્રંથમાનો એક ગણાય છે)માં કહે છે : 

‘(વિજ્ઞાનોનો વિકાસ કરનાર) પ્રથમ રાષ્ટ્ર ભારત છે જે સંખ્યાની દૃષ્ટિએ એક વિશાળ, મજબૂત અને અધિપત્ય ધરાવતું રાષ્ટ્ર છે. તમામ ભૂતપૂર્વ રાજાઓ અને ભૂતકાલીન પેઢીઓએ તેઓના ડહાપણનો સ્વીકાર કરેલો છે જ્ઞાનની વિવિધ શાખાઓમાં તેમના પ્રભુત્વનો એકરાર કરેલો છે…

‘સદીઓ અને સમયના વહેણ દરમ્યાન ભારત ડહાપણની ખાણ, ન્યાય અને સારી સરકારના શિરમોર તરીકે ઓળખાતું હતું અને ભારતીયો ઉત્તમ બુદ્ધિમત્તા, ઉચ્ચ વિચારો, સનાતન નીતિનિયમો, જૂજ શોધો અને અદ્‌ભુત બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.

‘જેઓનો વર્ણ શ્યામ અને તેને લીધે તેઓનો સમાવેશ શ્યામવર્ણી લોકોમાં થતો હતો. છતાં ઈશ્વરે તેઓને દુષ્ટ ચારિત્ર્ય, નીચ વર્તન અને મૂર્ખાઈથી દૂર રાખ્યા છે. આમ ઈશ્વરે ભારતીયોને ઘણા ઘઉંવર્ણી અને શ્વેતવર્ણી લોકો કરતાં ઉચ્ચ સ્થાને આરૂઢ કર્યા છે…

‘ભારતીયોએ તારાઓની હિલચાલ, બ્રહ્માંડનું રહસ્ય અને અન્ય પ્રકારનાં ગાણિતિક વિજ્ઞાનોનું વિસ્તૃત અને વિપુલ જ્ઞાન પણ હાંસલ કરેલું છે. વધુમાં બધી પ્રજાઓમાં તેઓ વિજ્ઞાન અને ઔષધના પીઢ અભ્યાસુ અને ઔષધોના ગુણધર્મો, મિશ્ર તત્ત્વો અને પ્રવર્તમાન વસ્તુઓની વિશિષ્ટતા વિશે પૂરા માહિતગાર છે. તેમના રાજાઓ સદાચારી આચરણ, પ્રશંસનીય આવડત અને દક્ષ વહીવટ માટે અલગ તરી આવે છે.’

ચીન, મિશર અને મેસોપોટેમીયાની પેઠે ભારતમાં પણ ઈ.સ.પૂર્વે ત્રીજી સહસ્રાબ્દિ સુધીમાં વિજ્ઞાનક્ષેત્રે ખૂબ વિકાસ થયેલો. સૌથી પ્રથમ જાણીતી ભારતીય સંસ્કૃતિ એવી સિંધુખીણ અંગે ઘણું સંશોધન થઈ શકે તેવા માટીનાં પાત્રો, ચક્ર, સુતરાઉ કાપડ, સિંધુની લિપિ, અને બે પૈડાંવાળું ગાડું – આમ ઘણી સંશોધન સામગ્રી અને જૂની પ્રતો મળી આવી છે. સિંધુ સંસ્કૃતિનાં સ્થળોએ થયેલાં ખોદકામથી એવી પ્રાચીન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે કે જે બાંધકામની તકનીકમાં ખાસ કરીને, સ્નાનાગાર તથા ગટર વ્યવસ્થા બાબતમાં, અન્ય સભ્યતામાં ક્યાંય જોવા મળતાં નથી. આ સમયના લોકોના જાહેર સ્વાસ્થ્ય પ્રબંધ અંગે ઘણું જાણવા મળે છે. પરંતુ તે જે વૈજ્ઞાનિક જ્ઞાન પર આધારિત હતું, તેની માહિતી મળતી નથી. સિંધુ સભ્યતાના નગર આયોજન અને જાહેર વિશાળ સ્નાનાગારો પરથી નગરના દુર્ગમાં આવેલાં મોટાં મકાનોની સુંદર વ્યવસ્થા, તથા અનાજના વિશાળ ભંડાર અને પાણીની ટાંકીઓ કે સ્નાનાગારો એકબીજાના જમણી તરફ આવેલાં જણાય છે. હેઠવાસના શહેરમાં સંખ્યાબંધ રહેણાંકના મકાનો આવેલાં, એ એક જાળ જેવી પદ્ધતિ પર આયોજિત થયેલું. એક બીજાને છેદી ચોક બનાવતી શેરીઓનું તે બનેલું હતું. શેરીની સામે પકવેલ ઈંટનાં ઘર હતાં. વંડાની અંદર બાંધેલાં ઘરમાં લોકો રહેતા હતા. શહેરોમાં વિસ્તૃત ગટર વ્યવસ્થા હતી, મુખ્ય શેરીમાંથી થઈને પસાર થતી ઢાંકેલી ગટરો, જે ઢાળ દ્વારા ઘરોને જોડતી હતી, તેનાથી જાહેર સ્વાસ્થ્યની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતની સિંધુ નદીની ખીણમાં, દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાએ તેનું વિશિષ્ટ ગણિતશાસ્ત્ર વિકસાવ્યું હતું.

શહેરના મુખ્ય માર્ગો વિશાળ હતા, અને જાળની પેઠે સુવ્યવસ્થિતપણે ગોઠવાયેલા હતા. આનાથી વિચારપૂર્વકનાં નગર આયોજન હોવાનો પરિચય મળે છે. નગરમાં નગરપાલિકાની ગટર, પાણી યોજના, જાહેર સ્નાનાગારો અને મજબુત ગઢ હતા. ખાનગી મકાનો સુંદર મજબુત પકવેલી ઈંટોમાંથી બાંધવામાં આવતાં. સૈકાઓ વીતવા છતાં તેઓ ભાંગી પડ્યાં નથી. ઘણાં ઘરો બે માળવાળાં હતાં. તેને બેઠકવાળાં જાજરુ અને મળના નિકાલ માટે ઢાળવાળાં પાટીયાં હતાં. મકાનની વચ્ચોવચ આંગણું હતું. સિંધુખીણ સભ્યતાના નિવાસીઓ ખૂબ વિકસિત તકનીકી કુશળતા ધરાવતા હતા. સુતરાઉ કાપડ બનાવવાનું અને તાંબા અને કાંસાંના વાસણો બનાવવાની ભઠ્ઠીઓ અને બીબાંઓ ધરાવતા હતા.

આધુનિક યુરોપના કેટલાક લેખકોએ લખ્યું છે કે શુદ્ધ વિજ્ઞાન તો ગ્રીસમાં જ હતું તે સાચું નથી. ભારત અને ગ્રીસ બંને પોતપોતાની પરંપરા પ્રમાણે, એક બીજા પર જેમ વિજ્ઞાન તેમ ફિલસૂફી બાબતમાં પરસ્પર અસર કરી હતી. ગ્રીસની જેમ ભારતમાં પણ ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવવિદ્યા બાબતમાં ખૂબ વિચારણા થયેલી છે. પરંતુ પ્રાચીન ગ્રીસમાં ગણિતશાસ્ત્ર અને રહસ્યવાદ અભેદ્યરીતે એકબીજામાં ભળી ગયાં હતાં. ભારત કરતાં પણ ગ્રીસ જાદૂ, જ્યોતિષશાસ્ત્ર અને દૈવીમાર્ગદર્શન અંગેના જ્ઞાનમાં વધુ આગળ હતું.

ભારતીય વૈજ્ઞાનિક વિચારનો પ્રારંભ

ભારતમાં વૈજ્ઞાનિક વિચારનો પ્રારંભ, ભારતના અધ્યાત્મશાસ્ત્ર અને ધર્મની પેઠે ઋગ્વેદથી થયો છે. વેદો કવિઓની પ્રેરણાઓની કૃતિઓ હોવાથી, આપણે તેમાં વૈજ્ઞાનિક વિચારની અપેક્ષા ન રાખી શકીએ. છતાં તેમાં અંત:સ્ફૂરણાત્મક કલ્પના અને તર્કના નોંધનીય ચમકારા જોવા મળે છે. વૈજ્ઞાનિક અભિગમથી વિચાર અને પ્રકૃતિના તત્ત્વોને સમજાવતો ‘કારણ’ અને ‘કાર્ય’નો કડકાઈભર્યા સંબંધ અંગેનો વિચાર પછીના પ્રાચીન ભારતમાં જોવા મળે છે. ભારતીય તબીબી વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, અને ઔદ્યોગિક કળાઓ અને ભારતનાં તત્ત્વજ્ઞાન વચ્ચેના સંબંધને આપણે ભાગ્યે જ સમજ્યા છીએ કે સ્વીકાર્યાં છે.

પ્રાચીન ભારતીયો ‘જમીનની માપણી કરતા, વર્ષના ભાગ પાડતા, આકાશના નક્શા બનાવતા, આકાશના પટ્ટા વડે સૂર્ય અને અન્ય ગ્રહોનો માર્ગ નિશ્ચિત કરતા, ભૌતિક પદાર્થના બંધારણનું પૃથક્કરણ કરતા તથા પક્ષીઓ, પશુઓ, છોડવાઓ અને બીજની પ્રકૃતિનો અભ્યાસ કરતા.’

ગણિત અને તબીબી વિજ્ઞાનમાં ભારતનું પ્રદાન અદ્‌ભુત છે. તે સિવાયનાં વિજ્ઞાન – ભાષાશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ભારતે આશ્ચર્યકારક શોધો કરી છે.

વૈદિક શુલ્બ સૂત્રો (ઈ.સ. પૂર્વે આઠમી થી પાંચમી સદી વચ્ચે) દર્શાવે છે કે ભારતીયોની કેટલીક ધાર્મિક વિધિઓમાંથી પ્રાચીન ભૂમિતિ અને ગણિતનાં સંશોધનોનો પ્રારંભ થયો. વેદોના ઋષિઓનું દર્શન પ્રતીકાત્મક રીતે બાહ્યમાં વ્યક્ત થયું ત્યારે અમુક ખાસ માપની યજ્ઞવેદિઓ અને પીઠિકાઓની આ વિધિઓ માટે જરૂર પડી. વળી, તેના દ્વારા ચેતનાના અપ્રગટ જગતને પ્રાપ્ત કરવાનું એક સાધન પણ પ્રાપ્ત થયું. ‘શુલ્બ સૂત્રો’ એ ‘કલ્પસૂત્રો’ના એક ભાગ કે વધારાને અપાયેલું નામ છે કે જે ધાર્મિક કર્મકાંડો માટે વિવિધ યજ્ઞવેદિઓ બનાવવા ચોક્કસ માપ બતાવે છે.

વેદનું ગણિતશાસ્ત્ર મુખ્યત્વે તો ગણિત અને બીજગણિતના વિષયમાં તેની પ્રતિભા માટે જાણીતું છે, છતાં ભારતીય ગણિતશાસ્ત્રનો પાયો અને પ્રેરણા તો ભૂમિતિ જ છે. સિંધુખીણમાંથી છેક ઈ.સ.પૂર્વે ૨૫૦૦માં ભૂમિતિની આકૃતિઓ દોરવાનાં સાધનો મળી આવ્યાં છે.

બીજગણિતનો પ્રારંભ વેદના પુરોહિતોને બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી ભૂમિતિમાં જોઈ શકાય છે. ‘શુલ્બ સૂત્રો’માં આનું વિસ્તૃત વર્ણન છે. વેદની ધાર્મિક સંસ્કૃતિ પછીથી મહત્ત્વના બની ગયેલા યજ્ઞાદિ વિવિધ ધાર્મિક પ્રસંગો એ તૈયાર કરાતી યજ્ઞવેદિઓ, તેનાં ક્ષેત્રનાં નિશ્ચિત માપ, તેની પૂર્વાભિમુખતા, અને વિવિધ ભૌમિતિક આકારો આદિનું વર્ણન ‘શુલ્બ સૂત્ર’માં છે. આમાંની ઘણીખરી ગણતરીઓમાં આજે આપણે જેને પાયથાગોરસનાં પ્રમેય તરીકે જાણીએ છીએ તેનો ઉપયોગ થતો.

ઇતિહાસકાર નીધમ કહે છે, ‘એશિયામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ઇતિહાસનું સંશોધન થશે ત્યારે જ ખ્યાલ આવશે કે આપણે જાણીએ છીએ તેથી પણ વધારે અહીંના લોકોની સિદ્ધિઓએ નવજાગરણના અગાઉના બધા યુગો કરતાં, વિજ્ઞાનની દુનિયાને ઘણું વધારે પ્રદાન કર્યું છે.

(ક્રમશ:)

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.