સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવિભૂતિ વિશે એટલું બધું લખાયું છે ને લખાયે જાય છે કે એ બધાનો સંગ્રહ એ એક નાનકડું પુસ્તકાલય થઈ રહે. સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ એટલું બધું બહુરંગી છે કે પ્રત્યેક પાસાની સવિગત ચર્ચા એક-એક પુસ્તક માગી લે એમ છે. સ્વામી વિવેકાનંદ આત્મનિષ્ઠ સંન્યાસી, ઉત્કટ દેશપ્રેમી, મહાન દેશસેવક, મહાન વકતા, ઊંચી કોટિના સાહિત્યકાર, એક સારા વિદ્વાન હતા. એમના બહુમુખી વ્યક્તિત્વનો સુભગ પરિચય ભગિની નિવેદિતાએ “Master as I saw Him”માં કરાવ્યો છે. પણ સ્વામી વિવેકાનંદ વિશ્વના ઇતિહાસમાં ચિરકાળ સુધી જીવંત રહેશે એ તો ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર ને સંદેશવાહક તરીકે. વિશ્વમાં અનેક વ્યક્તિઓ જન્મે છે અને મરણ પામે છે, કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ એમના જમાના પર પોતાની અસર પાડી જાય છે ત્યારે કેટલીક વ્યક્તિઓ એમના જમાનાનું સંતાન હોવા છતાં એ જમાનાની નાડીપરીક્ષા કોઈ કુશળ વૈદ્યની નિપુણતાથી કરે છે અને એ જમાનાને પોતાના રંગે રંગતી જ નથી, પણ ઘડે છે. આ છે મહાન પુરુષો – વિશ્વવિભૂતિઓ અને એમનું વ્યક્તિત્વ એટલું બધું વિસ્તર્યું હોય છે કે એમના સંબંધમાં વ્યષ્ટિ એ સમષ્ટિનો જ પર્યાય થઈ જાય છે. ભારતે આવી મહાન વિભૂતિઓ જન્માવી છે અને એમનાથી ભારત જ નહિ પણ આખુંયે વિશ્વ ટકી રહ્યું છે. પ્રત્યેક માનવમાં આત્મારૂપે તો વિભુ મોજૂદ છે જ પણ આવા પુરુષોમાં ભગવાનનો કોઈ મહાન અંશ, કોઈક વિશિષ્ટ મહાન શક્તિ આવિર્ભૂત થયેલ હોય છે. ગીતા સાચું જ કહે છે કે“જે-જે સત્ત્વ ઐશ્વર્યવાળું, શોભાવાળું કે પ્રભાવવાળું હોય તે તે મારા તેજના અંશથી જ ઉપજેલું તું જાણ.” ભારતમાં અર્વાચીનકાળમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, ટાગોર, શ્રી અરવિંદ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધીજી વગેરે મહાન વિભૂતિઓ ઉત્પન્ન થઈ છે. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસના આદેશથી “મા”નો સંદેશો દુનિયા આગળ રજૂ કર્યો, નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચેલા આ મહાન યોગીએ ભગવાનનું કાર્ય સ્વીકારી લીધું અને દુનિયા આગળ આર્ય સંસ્કૃતિનો નિત્યનૂતન સંદેશ ખૂબ જ પ્રેરણાત્મક રીતે રજૂ કર્યો. સ્વામીજીએ વાવેલું એ બીજ પાછળથી સ્વામી રામતીર્થાદિથી પોષાયું ને છેવટે ફાલીફૂલીને વૃક્ષ બન્યું. એ જાણીતી જ વાત છે કે સ્વામી વિવેકાનંદ એક મહાન સ્વદેશભક્ત હતા. તેઓ અમેરિકા ગયા એ પહેલાં હિંદુસ્તાન વિશે ત્યાં ખૂબ જ વિચિત્ર ખ્યાલો પ્રવર્તતા હતા. આર્ય સંસ્કૃતિનો સાચો પરિચય તેમણે જ કરાવ્યો. હિંદુસ્તાન તરફ જોવાની પાશ્ચાત્યોની આખી દૃષ્ટિ જ તેમણે ફેરવી નાખી. તેઓને હિંદુસ્તાન પ્રત્યે જિજ્ઞાસા જ નહિ પણ માનવૃત્તિય પેદા થઈ. આપણને જે સ્વતંત્રતા મળી છે એના પાયામાં સ્વામી વિવેકાનંદ આદિનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે એમ મને લાગે છે. એક તો દુનિયાના દેશોને અને ખાસ કરીને અમેરિકાને હિંદુસ્તાન માટે ભારે માન ઉત્પન્ન થયું જેને પ્રતાપે આપણા આઝાદીના સંગ્રામમાં તે-તે દેશો તરફથી ઇંગ્લૅન્ડને વારંવાર પૃચ્છા થવા લાગી. એક પ્રબળ વિરોધી મત ઊભો થયો અને બીજું સ્વામી વિવેકાનંદે આર્યતત્ત્વજ્ઞાનને તદ્ન વ્યવહારુ-સ્વરૂપ આપી એનો જોરશોરથી પ્રચાર કર્યો. તેને પરિણામે ભારતવાસીઓનો સુષુપ્ત પ્રાણ જાગૃત થયોઅને એમનામાં આત્મજાગૃતિ ને આત્મવિશ્વાસ પ્રગટ્યાં. આ જબરદસ્ત પાયા ઉપર જ ગાંધીજી આદિ મહાન વિશ્વકર્માઓએ ભવ્ય મહેલાત ચણી, આ થયું ભારતપક્ષે. જ્યારે દુનિયા પર એની એ અસર થઈ કે યંત્રવાદનાં પરિણામોનું જોર હલકું પડ્યું. કેવળ સ્થૂળ દૃષ્ટિએ વિચારતા જગતને એક આંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને જગત ભૌતિકતાના કાળમુખમાં જતું બચ્યું.

આ મહાન પુરુષનો જન્મ સને ૧૮૬૩ના જાન્યુઆરીની બારમી તારીખે કલકત્તામાં દત્ત કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી. સ્વામીજીનું જન્મનું નામ વીરેશ્વર હતું – વીરેશ્વર મહાદેવના પ્રસાદથી એનો જન્મ થયો એ માન્યતાને લીધે વિદ્યાર્થી અવસ્થામાં એમનું નામ નરેન્દ્ર હતું, પણ ભવિષ્યના સ્વામી વિવેકાનંદનાં બધાં લક્ષણ “નરેન્દ્ર”માં જોવા મળે છે. શતદલપદ્મનું પ્રત્યેક દલ વિકસતું હોય એમ સ્વામીજીનું જીવન વિકસ્યું છે. નાનપણમાં એ તોફાની, જિજ્ઞાસુ, શ્રદ્ધાળુ અને સાહસિક હતા. વિદ્યાર્થી અવસ્થામાં જ્ઞાનપ્રાપ્તિ માટેની એમનીજિજ્ઞાસા પ્રશસ્ય હતી. પોતાના અભ્યાસના વિષયો ઉપરાંત માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન આદિ અનેક વિષયોનું એમને જબરું જ્ઞાન હતું. “મા”ને પોતાનો સંદેશો દુનિયાને પહોંચાડવો હતો એ રીતે જ જાણે વિવેકાનંદનો વિકાસ થયો ન હોય! શરૂઆતમાં સ્વામી વિવેકાનંદ થોડાક તર્કવાદી રહેલા અને પાછળથી સ્વામી રામકૃષ્ણ પરમહંસના શરૂઆતના સંસર્ગમાં પરમહંસને પાશ્ચાત્યશાઈ દલીલો કરી કરીને થકવી પણ મૂકેલા! અને આમ બનવું તદ્દન યોગ્ય હતું કારણ કે એમની આગળ જે મહાન કાર્ય પાછળથી આવવાનું હતું એના માટે એ સુયોગ્ય ભૂમિકા હતી એમ લાગે છે. સ્વામીજીને શરૂઆતમાં જે મુશ્કેલીઓ નડેલી તે એક તત્કાલીન બુદ્ધિપ્રધાન માણસની મુશ્કેલીઓ હતી અને એ આખો યુગ જ એવો હતો. એટલે પાછળથી એ આખા જમાનાની મુશ્કેલીઓ ક્યાં છે તે સ્વામીજી બહુ સારી રીતે સમજી શકેલા અને એને અનુરૂપ જ ઉદાહરણ ને નિરૂપણથી એમણે વેદાન્તને વ્યવહારુ બનાવ્યું ને નૂતન સંદેશ આપ્યો. શરૂઆતમાં એમની અભીપ્સા, ઈશ્વરદર્શન માટેની તાલાવેલી, એમના મહાન ગુરુ રામકૃષ્ણ પરમહંસની અભીપ્સાથી કોઈ રીતેય ઊતરે એમ નથી. કાલીનાં દર્શન નહોતાં થયાં ત્યારે પરમહંસ ગાલે અંગારા ઘસતા, જયારે સ્વામી વિવેકાનંદના હૃદયમાં તો જ્વાલામુખી ધખતો હતો. એમનો એક જ નિશ્ચય હતો કે પરમાત્મા જો હોય તો મારે એનું દર્શન કરવું જ જોઈએ. બ્રાહ્મોસમાજ કે ખ્રિસ્તી સમાજ, દેવેન્દ્રનાથ ઠાકુર કે કેશવચંદ્ર સેન, સંબંધીજનો કે નિકટના મિત્રો કોઈનાથી એને આ બાબતમાં સંતોષ ન થયો. કોઈ શુષ્ક દલીલબાજી કરતું તો કોઈ વાત ઉડાવી કાઢતું, કોઈ “જો જો છોકરા તારી આંખો યોગીના જેવી ચળકે છે” એમ કહેતું તો કોઈ શાસ્ત્રચર્ચા કરતું – પણ એકેયથી નરેન્દ્રને સંતોષ ન હતો.

છેવટે વિધિસંકેત અનુસાર દક્ષિણેશ્વરના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ સાથે એમનો ભેટો થઈ ગયો. “તમે ઈશ્વરને જોયો છે?” એ પ્રશ્નના જવાબમાં પરમહંસજીએ કહ્યું, “મેં ઈશ્વરને જોયો છે અને તું મને જેમ જુએ છે તેમ હું તને પરમેશ્વરનાં દર્શન કરાવીશ.” ત્યારથી નરેન્દ્ર અને પરમહંસનો સંબંધ થયો અને તેમણે કર્યો નરેન્દ્રનો વિવેકાનંદ.જગતમાં ગુરુશિષ્યનાં અનેક ઉદાહરણો જોયાં છે પણ ગુરુભક્તિ ઉપરાંત એટલી જ બલ્કે એથીય ઉત્કટ શિષ્યભક્તિનું દર્શન અહીં જ જોવા મળે છે. પરમહંસને મન નરેન્દ્ર સાક્ષાત્ નારાયણનો અવતાર હતો. એમણે વારંવાર નરેન્દ્ર માટે “યોગભ્રષ્ટ આત્મા”, “નારાયણ”, “સાક્ષાત્ ભગવાન” વગેરે શબ્દો વાપરેલા. નરેન્દ્રને જ્યારે કલકત્તાથી દક્ષિણેશ્વર જવામાં વિલંબ થાય ત્યારે પરમહંસનું કાળજું કપાઈ જતું. કોઈ-કોઈ વાર એ નરેન્દ્રનેશોધવા નીકળી પડતા. બ્રાહ્મોસમાજમાં જઈને “નરેન્દ્ર, નરેન્દ્ર” એમ આર્તસ્વરે બૂમ મારી બોલાવતા! કોઈ વાર ભીનો ટુકડો લઈ કોઈ ભક્ત આગળ જઈ બતાવતા કે, “જુઓ કેવું પાણી નીકળે છે! નરેન્દ્ર વગર મારું હૃદય આવું નિચોવાઈ જાય છે!” પોતાને નરેન્દ્ર તરફ એટલો બધો પ્રેમ હતો કે કોઈ-કોઈ વાર નરેન્દ્રે પીધેલી ચલમ પોતે પીતા અને પાછી નરેન્દ્રને પિવડાવતા. આ જ રીતે મીઠાઈ ખાતા અને ખવડાવતા! નરેન્દ્રની બધી શંકાઓ જે એક મહાન બુદ્ધિશાળી માણસની શંકાઓ હતી તેનું તેમણે પરમ ધૈર્યથી નિરસન કર્યું અને અનેક આધ્યાત્મિક અનુભવો સહિત નિર્વિકલ્પ સમાધિનો બ્રહ્માનંદ અનુભવાવ્યો!… ટૂંકમાં એમણે વિવેકાનંદ સર્જ્યો! એ ગુરુ-શિષ્ય સંબંધના મંગલ મધુર પ્રસંગો એટલા બધા છે કે આપણે નોંધવાનો લોભ સ્થળસંકોચને કારણે જતો કરવો પડશે. મહત્વની વાત એ છે કે શ્રીરામકૃષ્ણને જે કાર્ય સ્વામી વિવેકાનંદ દ્વારા કરાવવાનું હતું એના માટે જ જાણે કે બધી યોજના ન થઈ હોય એમ આપણને લાગે છે, અરે, એમ જ નહિ ખુદ શ્રીરામકૃષ્ણનો જન્મ પણ એ અર્થે થયો હોય એમ આપણને સબળ રીતે લાગી જાય છે! અંતે એક દિવસે પરમહંસ પોતાની સમગ્ર શક્તિ સ્વામી વિવેનંદને આપી દે છે અને કહે છે. “મારું બધું તને આપી દીધું છે. તારે વિશ્વસેવા કરવાની છે, પછી તું પરમાત્મામાં ભળી જઈશ.”

પોતાના ગુરુ વિશે સ્વામી વિવેકાનંદે કહેલું “મારામાં જે ત્રુટિ છે – દોષછે તે મારા છે અને મારામાં જે કાંઈ સારું છે તે મારા ગુરુનું છે.” કેવી ગુરુભક્તિ! રામકૃષ્ણ પરમહંસના નિર્વાણ બાદ સ્વામી વિવેકાનંદે હિંદુસ્તાનનો ઠીક-ઠીક પ્રવાસ કર્યો. એમને જણાયું કે હજુ પોતાના સંદેશને માટે હિંદુસ્તાન તૈયાર નથી. પોતાને જે બીજ રોપવું હતું તેને માટે અમેરિકાની ભૂમિ ખૂબ જ યોગ્ય જણાઈ. તે સર્વધર્મ પરિષદમાં ગયા. અને ત્યાં “My Brothers & Sisters”ના શબ્દોચ્ચારે સૌને મંત્રમુગ્ધ કરી નાખ્યાં. સ્વામી વિવેકાનંદના દૈવી વાણીપ્રવાહમાં સૌ અવિરતપણે તણાયાં. સ્વામી વિવેકાનંદનાં લખાણોમાં કોઈક દૈવી ઝલક દેખાય છે. એ inspired થઈને જ બોલે છે. એમનું લખાણ આપણા સમગ્ર તત્વને સ્પર્શી જાય છે. કાંઈક દૈવી સુવાસ એમાં મધમધ્યા કરે છે. શ્રી અરવિંદને પણ પૂર્વાશ્રમમાં સ્વામી વિવેકાનંદના વાચનથી એવો અનુભવ થયેલો. સ્વામીજી વિશે રોમાં રોલાં સાચું જ કહે છે કે, “I cannot touch these sayings of Swami Vivekananda scattered as they are through s pages of books at thirty years without receiving a thrill through my body like an electric shock and what shocks, what transports must have been produced when in burning words they issued from the lips of the hero.”

સર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના નામના ડંકા વાગી ગયા. બધાને જાણે કે કોઈ પરમ સત્ય સ્પર્શી ગયું હોય, જાણે નવદૃષ્ટિનું પ્રદાન થયું હોય તેમ લાગ્યું. ત્યાંના પત્રોએ સ્વામીજીના વ્યાખ્યાનની નોંધ લીધી અને એકી અવાજે આ મહાન સંન્યાસીનાં ગુણગાન ગાયાં. આ મહાન પરિવ્રાજક પછીથી પણ ઉપદેશાર્થે અમેરિકા તથા ઇંગ્લૅન્ડ ગયા, સોસાયટીઓ સ્થાપી, વ્યાખ્યાનસત્રો ચલાવ્યાં. સ્વામી વિવેકાનંદના નામની બોલબાલા થવા લાગી. એક મોટો સાધક વર્ગ ઊભો થયો. એમાં મુખ્યત્વે ભગિની નિવેદિતા, મિસ વૉલ્ડૉ વા“હરિદાસી”અને મિસ ક્રિસ્ટીન વગેરે છે. એમનાં બધાં પાશ્ચાત્ય શિષ્યોમાં ભગિની નિવેદિતાએ ખૂબ કામ કર્યું છે. વિદેશમાં આટલું બધું માન મળ્યા છતાં એમનું હૈયું તો સ્વદેશમાં જ હતું. આ મહાન દેશભક્ત અમેરિકાનો ધનવૈભવ જોતા ત્યારે ભારત માતાની કંગાલિયત એમનું હૈયું કોરી ખાતી.સ્વરૂપ રાત્રે સૂતા હોય ત્યારે એ દુ:ખીઓને કારણે રડતા ને ઓશીકું પણ ભીનું થઈ જતું! પાછળથી રામકૃષ્ણ મિશનની યોજના થઈ અને ભારતવર્ષના એક મહાન સેવાકાર્ય માટે પોતાના સાથીઓને નીમી દીધા. નિષ્પ્રાણ ભારતને નવપ્રાણિત કર્યું, હિંદુસ્તાનમાં પણ સ્વામીજીનાં યશોગાન થવાં લાગ્યાં. પ્રત્યેક ભારતવાસીનું હૈયું એમના કામથી આનંદિત થવા લાગ્યું. એમણે પોતાનો ઉપદેશયજ્ઞ ચાલુ રાખ્યો અને દેશની સેવા સાચી રીતે થાય તે એ જોવા લાગ્યા.છેવટે, એમના મહાન ગુરુએ કહ્યું હતું તેમ, “મા”નું કાર્ય પૂરું થયું હોઈ એમના આત્માને પરમાત્મામાં ભળી જવાનો દિવસ આવી લાગ્યો. એ દિવસ તે ૧૯૦૨ના જુલાઈની ચોથી તારીખ. એ દિવસે સ્વામીજી ખૂબ ગંભીર જણાતા હતા. એ દિવસે પ્રત્યેક કાર્ય ખૂબ વિચારપૂર્વકકરવા લાગ્યા.

સવારમાં આઠથી અગિયાર વાગ્યા સુધી ધ્યાન કર્યા બાદ મઠમાં આમતેમ આંટા મારતા હતા. એમના મનમાં એટલી પ્રબળ ગતિએ વિચારો આવતા કે અભાનપણે મોટેથી બોલી જતા. એમના શિષ્ય સ્વામી પ્રેમાનંદે સ્વામીજીને એમ કહેતાં સાંભળ્યા, “જો બીજો વિવેકાનંદ હોત તો આ વિવેકાનંદે જે કર્યું છે તેને એ સમજી શક્યો હોત! અને આમ છતાંયે વખત જતાં કેટલા બધા વિવેકાનંદો ઉભા થશે.”પછીથી શુદ્ધાનંદને લાઈબ્રેરીમાંથી શુક્લ યજુર્વેદ લાવવાનું કહ્યું. શુદ્ધાનંદ તે લઈ આવ્યા. તેમાંથી“સુષુમ્ણ: સૂર્યરશ્મિ” વાળો શ્લોક વંચાવ્યો.બપોરે ત્રણ કલાક સુધી બ્રહ્મચારીઓને વ્યાકરણ શીખવ્યું. એ દિવસે એમણે હંમેશ કરતાં વિષયને ખૂબ હળવો ને રસિક બનાવી દીધેલો! ત્યાર બાદ પ્રેમાનંદ સાથે બે માઈલ ફરી આવ્યા. બહારથી આવ્યા બાદ સ્વામીજીને પોતાનું શરીર હલકું લાગવા માંડ્યું. પછી એકાદ કલાક સુધી ધ્યાન અને જપ કર્યા બાદ જમીન ઉપર પથારીમાં સૂઈ ગયા અને શિષ્યને બોલાવીને પંખા વડે મસ્તક ઉપર પવન નાખવાનું કહ્યું. બે વાર દીર્ઘ શ્વાસ લીધો અને ધ્યાનાવસ્થાને પામ્યા…સ્વામી વિવેકાનંદ ગયા. આવી વિભૂતિને માટે ભૂતકાળ વાપરવો શું યોગ્ય છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસે સમાધિ લીધી તે રાત્રે એમના પરમ ભક્ત નાગમહાશય રડવા લાગ્યા ત્યારે એમને પ્રતીત થયું કે પરમહંસ તો અહીંના અહીં જ છે અને કહી રહ્યા છે કે, “હું ક્યાં ગયો છું? અહીં જ છું.” એમ એમના શિષ્ય વિશે પણ બન્યું. સ્વામીજીએ ૩૯ વર્ષ જેટલા ટૂંકા આયુષ્યમાં ખરેખર ભગીરથ કાર્ય કર્યું છે. એક મહાન શિક્ષાસ્રોત વહાવ્યો છે એ શું કોઈ દિવસ સુકાય તેમ છે? પ્રત્યેક પળે એમાંથી પ્રેરણાપાન થયાં કરે છે. સ્વામી વિવેકાનંદમાં આર્ય સંસ્કૃતિનું સર્વાંગ સુંદર જોવા મળે છે. એમના ઉપદેશે ઘણાને પ્રેરણા આપી છે. હજુ પણ આપ્યું જાય છે, અને કેટલાંક વર્ષો સુધી આપ્યા કરશે. રોગિષ્ટ ભારતને સ્વામીજીએ ખરેખર હૃષ્ટપુષ્ટ બનાવી દીધું. આર્ય તત્ત્વજ્ઞાનનો યુગબળ અનુસાર વિનિયોગ એ સ્વામીજીનું ભારતને મહાન પ્રદાન છે. હિંદુસ્તાનમાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન કરવા એમણે ઘણું કહ્યું છે. એમાંય એમની આ વાણી તો અદ્ભુત છે : “Up India and conquer the world with your best, we must. go out, we must conquer the world through our spirituality and philosophy. There is no other alternative. We must do it or die. The only condition of national life, a awakened and vigorous life is the conquest of the world by Indian thoughts.” સાથે-સાથે ભારતને આત્મવિકાસ અર્થે તેઓ ઉદ્બોધે છે:

“ઓ ભારતવાસી! ભૂલતો નહિ કે તારા નારીસમાજનો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; ભૂલતો નહિ કે ઉમાના પતિ, પરમ તપસ્વી સર્વત્યાગી શંકર એ તારા ભગવાન છે: ભૂલતો નહિ કે તારો ગૃહસ્થાશ્રમ, તારું દ્રવ્ય, તારું જીવન – આ બધું ભોગવિલાસ માટે નથી, તારા પોતાના વ્યક્તિગત સુખ માટે નથી; ભૂલતો નહિ કે તું માતાની વેદી પર બલિદાન માટે જન્મ્યો છે; ભૂલતો નહિ કે તારો વર્ણાશ્રમધર્મ અનન્ત વિશ્વમાતૃત્વધર્મનું પ્રતિબિંબ છે:, ભૂલતો નહિ કે હલકી ગણાતીજાતિઓ, અજ્ઞાન, રંક, અભણ, ચમાર કે મહેતર, એ બધાં તારાં નજીકનાં સગાં છે, તારા ભાઈઓ છે, ઓ વીર! હિંમતધર, જવાંમર્દ થા અને ગર્વ ધર કે તું ભારતવાસી છેઅને જોરથી કહી દે કે, “હું ભારતવાસી છું. દરેક ભારતવાસી મારો ભાઈ છે”, કહી દે કે“અભણ ભારતવાસી, ગરીબ અને નિ:સહાય ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી ને ચમાર ભારતવાસી, મારો ભાઈ છે.” તું પણ તારી કમ્મર આસપાસ કૌપીનનો ટુકડો બાંધી ઉચ્ચ સ્વરે પુકાર “ભારતવાસી મારો ભાઈ છે. ભારતવાસી મારું જીવન છે. ભારતવર્ષનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે, ભારતસમાજ એ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારી યુવાવસ્થાનું દિવ્ય વિશ્રામસ્થાન વારાસણી છે.” ભાઈ! કહી દે કે“ભારતની ભૂમિ મારું ઉત્તમોત્તમ સ્વર્ગ છે. ભારતવર્ષનું ભલું એ મારું ભલું છે.” અને રાતદિવસ જાપ જપ્યા કર કે -“ઓ ગૌરીપતિ, ઓ વિશ્વજનની, કૃપા કરીને મને મર્દાનગીનું દાન કરો. ઓ શક્તિદાયિની માતા! મારી નિર્બળતા દૂર કર. મારી કાયરતા દૂર કરે અને – મને મર્દ બનાવ.” વળી તે કહે છે:

“May I be born again and again and suffer thousands of miseries, so that I may worship the only God that exists, the only God I believe in the sum total of all souls.country is without food, my whole religion will be to feed it.”

આ વચનો એમના દેશપ્રેમનાં કેવાં દ્યોતક છે! વળી તેઓ કહે છે:

“જાગૃત થાઓ અને પ્રગતિશીલ બનો. માનવજીવન ક્ષણભંગુર છે, તો એ જીવનનાં સંભારણાં મૂકી જાઓ: નહિ તો પછી તમારામાં અને ઝાડપાન તથા પથ્થરમાં ફેર શો? તેઓ પણ જન્મે છે, સડે છે અને નાશ પામે છે. ભારતવર્ષના સુષુપ્ત પ્રાણને એમણે આ રીતે ઢંઢોળ્યો:

“મારા બાંધવો! ચાલો આપણે બધા સખત મહેનત કરીએ: ઊંઘવાનો આ વખત નથી. ભારત માતાનું ભવિષ્ય તમારા કાર્ય ઉપર આધાર રાખે છે. ઉભા થાઓ, જાગૃત થાઓ, અને તેને – આપણી માતૃભૂમિને – પોતાના સનાતન સિંહાસન ઉપર અપૂર્વ મહિમામાં, નવયૌવનના ઉલ્લાસમાં, વિરાજિત નીરખો…” એમણે સાધનમાર્ગનો સમન્વય કર્યો: “દરેક જીવાત્મામાં દિવ્યતા શક્ય રૂપે રહેલી છે. બાહ્ય અને આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવી અંદર રહેલી દિવ્યતા પ્રગટ કરવી એ લક્ષ્યસ્થાન છે. કર્મ, ભક્તિ અથવા પ્રાણાયામ, કે તત્ત્વજ્ઞાનદ્વારા આમાંથી એકની, એકથી વધારેની અથવા બધાની મદદ લઈને એ કરોઅને મુક્ત થાઓ. આમાં બધો ધર્મ આવી જાય છે. મતમતાંતર, માન્યતાઓ, વિધિઓ, ગ્રંથો, મંદિરો, બાહ્ય ઉપચાર આ બધી ગૌણ વાતો છે.”

સ્વામીજીનાં વચનામૃતો એટલાં બધાં છે કે ક્યાં ટાંકવાં ને ક્યાં નહિ એ મૂંઝવણ થાય એવું છે એટલે વિરમીએ.

સ્વામીજી ભારતીય સંસ્કૃતિના મહાન જયોતિર્ધર નેસંદેશવાહક હતા. આપણી સંસ્કૃતિનાં વિવિધ પાસાંને તેમણે દુનિયા આગળ દર્શાવ્યાં, તત્કાલીન દુનિયા સમજે એ રીતે ભ્રાન્તિકતા પાછળ ઘેલી બનેલી દુનિયાને આત્મધર્મ ઉદ્બોધ્યો કૂવાનાં દેડકાંની જેમ કૂદાકૂદ કરતાં સંપ્રદાયી માણસોને બધાં ધર્મમાં રહેલા માનવધર્મનું દર્શન કરાવ્યું. પાશ્ચાત્યો મોહિનીમાં ભ્રાન્ત બનેલા ભારતવાસીઓને આર્ય સંસ્કૃતિને મહત્તા દર્શાવી આત્મશ્રદ્ધાનો ચિરાગ પ્રગટાવ્યો. સેવાધર્મ – યોગ્ય જ રીતે મહત્ત્વ દર્શાવી દરિદ્રનારાયણની સેવા અર્થે જીવ આપવાનું પુરસ્કાર્યું. એની શુભ શરૂઆત કરી રામકૃષ્ણ મિશને બેલુડ મઠના સાધુઓએ. હિંદે આધ્યાત્મિક્તામાં વિશ્વનું ગુરુપદ લેવાનું છે, એમ ભારપૂર્વક કહ્યા છતાં એટલા જ જોરપૂર્વ પાશ્ચાત્યોમાંથી પણ આવશ્યક ગુણો અપનાવવાની તેમણે હાક કરી છે. આર્ય સંસ્કૃતિની સમુચિત ઘોષણા કરવા છ હિંદુધર્મનાં તત્કાલીન દૂષણોને વખોડી કાઢવામાં તેમણે જરા બાકી રાખી નથી. નિવૃત્તિ માર્ગ ને પ્રવૃત્તિ માર્ગ, આત્મસાધ ને વ્યવહારકાર્ય, પૂર્વ ને પશ્ચિમ, સંસ્કારિતા ને સભ્યત ભૌતિકતા ને આધ્યાત્મિકતા આદિ અનેક દ્વન્દ્રમાં સ્વામીજી સામંજસ્ય સ્થાપિત કર્યું છે. એ હતા મહાન સમન્વયકાર. આ સંસ્કૃતિનું પરમોજજવલ સ્વરૂપ જાણે કે એમનામાં અભિન– સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું ! એમણે બધાય દેખી શ વિસંવાદોમાં પરમ સંવાદિતાની એક મધુર રાગિણી પ્રગટા હતી અને સુંદર અભિનિવેશપૂર્વક એનો ઉદ્ઘોષ કર્યો હતો આવી મહાન વિભૂતિને આપણાં વંદન હો, પુન: પુન: વંદન હો.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.