જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે તેમ લાગવાથી ઉપર્યુક્ત શીર્ષકનો લેખ લખવા મન થયું છે. અને એની સાથોસાથ પ્રવર્તમાન ભારતીય જનજીવનમાં એની ઝાંખી આભા પણ કયે ઠેકાણે દેખા દે છે તે શોધવાનો પણ અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે.
પ્રાચીન કાળને કેન્દ્રમાં રાખીને ભારતનો ઇતિહાસ, સાહિત્ય, ધર્મ, સભ્યતા વગેરે જ્ઞાનશાખાઓનું વૈજ્ઞાનિક ઢબે અધ્યયન કરવું, એને ‘ભારતીય વિદ્યા’ કહેવાતી. પણ હવે એનું ક્ષેત્ર વધુ વિશાળ બની ગયું છે. હવે એ વિષયના પરિવેશમાં આધુનિક ભારતીય પરિસ્થિતિને પણ આવરી લેવાઈ છે.
‘વેદ’ શબ્દ ‘વિદ્ જ્ઞાને’ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. ‘જ્ઞાન, પ્રાપ્તિ, અસ્તિત્વ કે નિ:સરણ’ જેવા એના અર્થો છે, પણ તે સામાન્ય રીતે ‘જ્ઞાન’ના અર્થમાં જ વપરાયો છે. આ સમગ્ર વેદરાશિ આપણી સંસ્કૃતિનો પાયો છે.
ઋક્, યજુસ્, સામ અને અથર્વમાં વિભક્ત આ વેદ ‘અપૌરુષેય’ મનાયો છે. અન્ય ગ્રંથો પેઠે એ કોઈ પુરુષનું નિર્માણ નથી. વેદની આ અપૌરુષેયતાના અર્થ વિશે અનેક મતમતાંતરો છે. પણ અહીં એટલું જ જાણી લઈએ કે અહીં પ્રાચીન પરંપરાનુસાર વૈદિક સાહિત્યને એક વિશિષ્ટ સ્થાન અપાયું છે; એટલે ધાર્મિક ગ્રંથ તરીકે એ દોષરહિત છે. એટલે વેદરાશિ કોઈ ‘સર્જન’ નથી પણ ‘દર્શન’ છે. પ્રાચીન દૃષ્ટાઓને એનું દર્શન થયું હતું. સત્યનું તો દર્શન થાય છે, એની ઉત્પત્તિ થતી નથી. એટલે ઋષિઓ એના ‘દૃષ્ટા’ હતા, ‘નિર્માતા’ નહિ. આમ, વેદોને માનવમર્યાદાઓથી મુક્ત રાખવા એને એક વિશિષ્ટ સ્થાન આપીને એને આપણી સંસ્કૃતિના પાયામાં મૂકવાથી એનું મહત્ત્વ ઘણું વધી જાય છે. એને જ લીધે એની પ્રમાણભૂતતા જાળવવા અને એને અકબંધ રાખવાના ખૂબ ખૂબ પ્રયત્નો થતા રહ્યા છે કે જેથી હજારો વરસો વીત્યા છતાંય વેદો પહેલેથી જેવા હતા તેવી જ સ્થિતિમાં જળવાઈ રહ્યા છે. વેદોની યથાતથ જાળવણી માટે વિવિધપ્રકારના પાઠોની પ્રયુક્તિઓ અજમાવાઈ છે. પદપાઠ, ક્રમપાઠ, જટાપાઠ વગેરે, આવી પ્રયુક્તિઓ છે. ત્યાર પછી વૈદિક મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ માટે કેટલાંક વેદાંગો પણ અસ્તિત્વમાં આવ્યાં.
એક સમયે તો આ સમગ્ર વૈદિક સાહિત્ય કંઠોપકંઠે જ ઊતરતું ચાલ્યું આવતું હતું. પહેલાં તો મંત્રદૃષ્ટાઓએ એ મંત્રો પોતાથી ઓછા ભાગ્યશાળી શિષ્યોને આપ્યા અને એમાંથી પછી ગુરુસંપ્રદાય સર્જાયો અને પેઢી દર પેઢી વેદો અપાતા રહ્યા. પછી લગભગ દ્વાપરયુગના અંતે વિશાળ વૈદિક સાહિત્યની જાળવણી અઘરી જણાઈ ત્યારે કૃષ્ણ દ્યૈપાયન વ્યાસે એના પૂર્વોક્ત ચાર ભાગ પાડ્યા અને પોતાના ચાર શિષ્યોને એની જાળવણીની અને પ્રચારની જવાબદારી સોંપી. શિષ્યોને સોંપેલા મંત્રો વિશિષ્ટ રીતે પદ્ધતિસર ગોઠવેલ હતા. આ રીતે ચાર સંહિતાઓ બની.
દરેક વેદની અનેક શાખાઓ છે. પણ એમાંથી ઘણી શાખાઓ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. ઋગ્વેદની ૨૧ (માત્ર એક જ લભ્ય), યજુર્વેદની ૧૦૧, અથર્વવેદની ૯ અને સામવેદની તો હજારો શાખાઓ હતી. અત્યારે તો એના છૂટાછવાયા ભાગો જ મળે છે. આટલું બધું લુપ્ત કેમ થઈ ગયું? અત્યારે તો વૈદિક ગ્રંથો છપાય છે, પણ પ્રાચીનકાળમાં તો એવું હતું નહિ કારણ કે એ વખતે વેદો કંઈ લિપિબદ્ધ થયા ન હતા. એ તો માત્ર સાંભળવામાં જ આવતા હતા. અને એટલે જ તો એને ‘શ્રુતિ’ એવું નામ અપાયું છે. વૈદિકકાળમાં લેખનકળા જાણીતી હોય એવું લાગતું નથી. લેખનકળા શોધાયા પછી પણ ઘણા વખત સુધી વેદો લખાયા ન હતા. અલ્બેરૂનીના જણાવ્યા પ્રમાણે એના આવ્યા પહેલાં થોડા સમય પૂર્વે જ સૌ પ્રથમ કાશ્મીરમાં વાસુકર નામના બ્રાહ્મણે ઋગ્વેદ લિપિબદ્ધ કર્યો હતો.
આમ, કંઠોપકંઠે પેઢી દર પેઢી ગોખાઈને લોકોની સ્મૃતિમાં જ સચવાઈ રહ્યા હતા. તેથી અમુક શાખાના અનુયાયીઓના અભાવ, વગેરે કારણોથી તે શાખાઓ લુપ્ત થઈ ગઈ. પણ આ શાખાઓના લોપથી વેદરાશિના કદમાં કશો ખાસ ઘટાડો થયો નથી કારણ કે શાખાઓ તો માત્ર મંત્ર વ્યવસ્થા, ગોઠવણ હતી.
આ સંહિતા શું છે? એ મંત્રોનો સંગ્રહ છે. મંત્રો પદ્યાત્મક અને ગદ્યાત્મક બંને પ્રકારના હોય છે. ઋગ્વેદના બધા મંત્રો પદ્યાત્મક છે. ઋગ્વેદના અમુક મંત્રો ચૂંટીને અને થોડાક ઉમેરીને એનું સંગીત રૂપે ગાન કરવા માટે સામવેદ સંહિતા રચાઈ. યજુર્વેદ ગદ્ય-પદ્યાત્મક મંત્રોનો સંગ્રહ છે, એ ગદ્યપ્રધાન છે. યજુર્વેદસંહિતાના પાછળથી શુક્લ અને કૃષ્ણ એવા બે ભાગ પડી ગયા. બધી સંહિતાઓમાં કેટલાક મંત્રો સામાન્ય છે.
ઋગ્વેદ સંહિતા પ્રાચીનતમ, આપણા જ્ઞાનની ગંગોત્રી અને વિશ્વનો જૂનામાં જૂનો ગ્રંથ હોઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને વૈદિક સાહિત્યમાં સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. વૈદિક વિધિવિધાનોના કશા જ સંદર્ભ વગર પણ તે સમજી શકાય છે. કેટલાક વૈદિક વિધિવિધાનોના સંદર્ભ વગર ઋગ્વેદ સમજી ન શકાય એવું માને છે. અભિપ્રાયોના આ બે અંતિમો છે. આપણે મધ્યમમાર્ગ સ્વીકારી શકીએ. બાકીની બે સંહિતાઓ તો સીધી રીતે વૈદિક વિધિઓ સાથે સંકળાયેલી છે જ.
અથર્વવેદની ચોથી સંહિતા ગદ્ય-પદ્યાત્મક બંને પ્રકારના મંત્રોનો સંગ્રહ છે. એને વૈદિક વિધિઓ સાથે ઝાઝો સંબંધ નથી. એટલે પેલી સંહિતાની ‘ત્રયી’થી એ જુદી પડે છે. ભારતીય ઔષધ અને ચિકિત્સાશાસ્ત્રનું એ સૌથી જૂનું સ્મારક છે. એમાં જાદુમંત્ર અને મારણઉચ્ચાટનના વિષયો પણ આવે છે.
દરેક સંહિતાને પોતાનો એક ‘બ્રાહ્મણગ્રંથ’ હોય છે. આ ‘બ્રાહ્મણગ્રંથ’ એટલે શું? નપુંસક લિંગી ‘બ્રાહ્મણ’ શબ્દ વૈદિક સાહિત્યનો એક ગ્રંથ રૂપે ભાગ છે. સંહિતા અને બ્રાહ્મણ એ બંને વેદના અતિ મહત્ત્વના ભાગ છે. કારણ કે પરંપરા પ્રમાણે મંત્ર અને બ્રાહ્મણ બંને મળી ‘વેદ’ કહેવાય છે. બ્રાહ્મણો મંત્રો વગરના વેદ છે. આ બ્રાહ્મણો વેદકાળની વૈદિક વિધિઓ, ધર્મ, ઇતિહાસ, સામાજિક અને રાજકીય સ્થિતિ સમજવા ખૂબ ઉપયોગી છે. મૂળે બ્રાહ્મણો વિધિપ્રધાન હોવા છતાં વૈદિકકાળનાં જીવનનાં અનેક ક્ષેત્રો પર સારો પ્રકાશ ફેંકે છે. શતપથ જેવા વિશાળકાય બ્રાહ્મણો એનો દાખલો છે. શુક્લ યજુર્વેદનું એ ગદ્યમય બ્રાહ્મણ છે.
વૈદિક સંસ્કૃતિ યજ્ઞપ્રધાન હતી. એટલે યજ્ઞોના કાર્યવિભાજન માટે બ્રહ્મા, હોતા, ઉદ્ગાતા અને અધ્વર્યુ એવા ચાર કાર્યકર્તાઓની અલગ અલગ ફરજો જુદાં જુદાં બ્રાહ્મણોમાં વર્ણવી છે. કોઈ એક જ બ્રાહ્મણમાં ચારેયની ફરજો બતાવાઈ નથી. એટલે યજ્ઞોની આંટીઘૂંટીઓને પૂર્ણ રીતે સમજવી હોય, તો બધાં જ બ્રાહ્મણો જોવાં પડે, એવું જ શ્રૌતસૂત્રોનું પણ છે. કોઈ પણ વૈદિક યજ્ઞનું સંપૂર્ણ સ્વરૂપ જાણવા માટે તમારે એ બધાં ભેગાં કરીને જ જોવાં પડે.
આરણ્યકો અને ઉપનિષદોને બ્રાહ્મણગ્રંથોના પરિશિષ્ટ અથવા તો એક ભાગ તરીકે લેખવામાં આવે છે. ‘બૃહદારણ્યક ઉપનિષદ’ તો એના નામથી જ આ વાત સૂચવે છે. કેટલાંય બ્રાહ્મણગ્રંથોમાં અને આરણ્યકોમાં ઉપનિષદો સમાયેલાં જોવાય છે.
સમગ્ર વિશ્વનું પરમોચ્ચ તત્ત્વ સામાન્ય રીતે ‘બ્રહ્મ’ કહેવાય છે. કીથના કહેવા પ્રમાણે ભારતે પોતે સ્વીકારેલા વિવિધ દેવો વચ્ચે અનુસ્યૂત એક જ શક્તિની વિભાવના વિકસાવી અને સમય જતાં કેટલાંક ઋગ્વેદીય સૂક્તોમાં બધા દેવોનું અદ્વૈત સધાયું. આ પરમોચ્ચ શક્તિ જ ‘બ્રહ્મ’ નામે ઓળખાઈ. પછીથી વેદો-ઉપનિષદો એની જ વાતો કરે છે. માનવ અને જગત સાથે સંબંધ જોડે છે, સંહિતા અને બ્રાહ્મણગ્રંથો પછી આવતાં ઉપનિષદની વચ્ચેના સમયગાળામાં ‘આરણ્યકો’ આવે છે તે વૈદિક સ્થૂળ વિધિઓની રહસ્યમય સમજૂતી આપે છે. ઉપનિષદોમાં પણ ક્યાંક ક્યાંક આ વાત જોવા મળે છે. આમ તો વૈદિક સાહિત્ય એક સળંગ સાહિત્ય હોઈને એનું જલાભેદ્ય કૃત્રિમ વિભાગીકરણ તો ઈષ્ટ ન લેખાવું જોઈએ.
આ વેદોની ભાષા આજે આપણે જેને સંસ્કૃત કહીએ છીએ, તે કરતાં ઠીક ઠીક રીતે જુદી છે. એને વૈદિક સાહિત્યે પોતે જ ‘આર્યા વાક્’ એવું નામ આપ્યું છે. પાણિનિ વૈદિક ભાષાને આપણી સંસ્કૃત ભાષાથી અલગ પાડવા માટે ‘છન્દસ્’ એવું નામ આપે છે. અને સંસ્કૃતને ‘ભાષા’ એવું નામ આપે છે. વૈદિક ભાષામાં પણ ભાષાના ત્રણેક થરો જોવા મળે છે. સતત વહેતી નદી જેવી ભાષાના આ થરોથી વેદરચનાનો સમયગાળો અનુમાની શકાય ખરો. સંહિતાઓ પછીનાં બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોની ભાષા આપણી સંસ્કૃત કરતાં ખાસ જુદી પડી નથી, તેથી એને પ્રાચીન સંસ્કૃત કહી શકાય.
વેદોનો સંબંધ વાણી સાથે હોઈ સ્વરભાર ઉપર એમાં ઘણું મહત્ત્વ છે. સ્વરભારની ભૂલને લીધે અર્થનો અનર્થ થઈ જાય છે. આ માટે ઉચ્ચારણકાળ અને ઉચ્ચારણની તીવ્રતાની પણ એમાં વ્યવસ્થા છે. હૃસ્વ-દીર્ઘ-પ્લુતની રીતે ઉચ્ચારણ માત્રા (કાળ)ની તેમજ ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિતની રીતે ઉચ્ચારણની તીવ્રતાની વ્યવસ્થા છે. હજારો વર્ષથી આ બધું અકબંધ સચવાયું છે. એ માટે છાપખાનાંનાં ચિહ્નો તો હજારો વરસે તૈયાર થયાં.
સંહિતાઓના મંત્રો પદ્યમાં – છંદોમાં ગોઠવાયા છે. ગાયત્રી, ઉષ્ણીક્, અનુષ્ટુભ્, પંક્તિ, ત્રિષ્ટુભ્ અને જગતી એ મુખ્ય છંદો છે અને એના પેટા છંદો પણ અનેક છે. આ બધા અક્ષરમેળ છંદો છે એમાંથી જ આપણું સંસ્કૃત છંદસાહિત્ય ઊતરી આવ્યું છે.
સંહિતાઓના છંદોબદ્ધ સૂક્તોમાં વરુણ, ઉષા વગેરે દેવોનાં કવિત્વમય વર્ણનો છે. મેક્કોનલને મતે ઉષા વૈદિક લોકોનું ભવ્ય સર્જન છે. હજુ સુધી કોઈ અન્ય ધાર્મિક ઊર્મિકવિતા એની બરોબરી કરી શકી નથી. કેટલાંક સૂક્તો સામાજિક બાબતોને પણ સ્પર્શે છે. સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ એ અત્ર-તત્ર વેરવિખેર ચમકારા કરતી નજરે પડે છે. ગદ્ય કરતાં પદ્યનું સર્જન વહેલું થયેલું દેખાય છે.
ઋગ્વેદ એ દૃષ્ટાઓની દિવ્ય ધાર્મિક અનુભૂતિથી પ્રેરાયેલી ઉત્તમ અને સાધારણ કવિતાઓનો સંગ્રહ છે. એમાં દેવોની કરેલી સ્તુતિવાળાં સૂક્તોમાં એક રસીલાપણું વરતાય છે એના મંત્રોમાંની કેટલીક સૂક્ષ્મ અભિવ્યક્તિઓ આજે સમજવી મુશ્કેલ છે તો કેટલાક મંત્રોમાં થયેલી શબ્દની રમતની અસરો પાછળના સાહિત્યમાંયે પડી છે.
ધર્માભિમુખ હોવા છતાં વૈદિક કવિતા ભક્તિપરક જ ગણાય. કારણ કે એમાં દેવોની સીધી પ્રાર્થનાઓ છે એના પરથી જ પાછળનું સ્તોત્ર સાહિત્ય ઊતરી આવ્યું છે. તદુપરાંત ધર્મેતર પ્રાકૃતિક વર્ણનની કવિતા પણ વેદમાં મળે છે. પણ વેદોની એ પ્રકૃતિ સાધારણ જડરૂપ નથી, એ તો દિવ્યતાની અભિવ્યક્તિ રૂપે જ નિરૂપાઈ છે. એ જ રીતે માનવમાં પણ દિવ્યતા જોવાઈ છે અથવા તો સુષુપ્ત દિવ્યતાનો નિર્દેશ થયો છે. ઋષિઓએ કુદરતનું સજીવારોપણ કર્યું છે. સરસ્વતીનાં સૂક્તો એનાં ઉદાહરણો છે. આવું પ્રકૃતિનું સજીવીકરણ પાછળથી રચાયેલા સાહિત્યમાં પણ ચાલુ રહ્યું છે.
આપસ્તંબ શ્રૌતસૂત્ર વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને ‘વેદ’ એવું નામ આપે છે એનો અર્થ તો ‘વેદ’ એ મંત્રો અને બ્રાહ્મણોનો સંગ્રહ છે – એમ સૂચવે છે. પણ આપણે તો પહેલાં વેદમાં સંહિતા, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો – એમ ચારેયનો સમાવેશ કર્યો હતો! જો આરણ્યકો અને ઉપનિષદોને બ્રાહ્મણગ્રંથોના વિસ્તાર કે પરિશિષ્ટ લેખીએ તો આપસ્તંબની વાત સાચી છે. એ મંત્રો તો પ્રાર્થના કે આશીર્વાદનાં રહસ્યમય, પવિત્ર, પદ્યાત્મક સ્વરૂપો છે અને બ્રાહ્મણગ્રંથો યજ્ઞોમાં એના ઉપયોગની સમજૂતી આપે છે. આરણ્યકો અને ઉપનિષદો તો બ્રાહ્મણગ્રંથોના જ ભાગરૂપ છે.
(ક્રમશ:)
Your Content Goes Here




