(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ થયાં નથી. તેનું ઐતિહાસિક મહત્ત્વ હોવાથી આ લખાણો ક્રમશઃ પ્રકાશિત કરી રહ્યા છીએ. તેમાં આપેલ બધાં જ તથ્યોથી અમે સહમત છીએ એવું નથી. વળી વાક્યરચના તથા શબ્દજોડણી યથાવત્ રખાયાં છે. -સં.)
(ગતાંકથી આગળ)
૧૯૦૨ નવેમ્બર પાંચમી તારીખ:
વિધ વિધ હિન્દુ વિષયો:
(મુંબઈ સમાચાર માટે)
સ્વામી વિવેકાનંદના અકાળ મૃત્યુ માટે શોક બતાવવા મુંબઈમાં મળેલી સભા:
સુપ્રસિદ્ધ વેદાન્તી સ્વામી શ્રી વિવેકાનંદજીનો, બેલુર ખાતેના પોતાના સ્થાપેલા રામકૃષ્ણ મઠ ખાતે આશરે અઢી મહિના ઉપર ૩૯ વર્ષની એક જુવાન ઉંમરમાં સ્વર્ગવાસ થયો હતો અને વિદ્વાન સંન્યાસીના આ અકાળ મૃત્યુથી હિન્દુ જ નહીં પરંતુ બીજી કોમના આદમીઓને પણ શોક થયા વિના રહ્યો ન હતો. સ્વામીજી મદ્રાસ ખાતે સૌથી વધુ લોકપ્રિય હતા. તેઓને શિકાગો જવા માટે ધન સંબંધી વ્યવસ્થા, તેમની વિદ્વત્તાની કદર બુઝીને મદ્રાસવાસીઓએ જ કરી આપી હતી. તે શહેર સ્વાભાવિક રીતે સ્વામીજીના મરણ માટે શોક પ્રદર્શિત કરવામાં પ્રથમ હતું. બાદ કલકત્તા ખાતે એક શોક પ્રદર્શિત કરવા માટે સભા ભરવામાં આવી હતી અને તે પછી મુંબઈ ઇલાકે પણ તે પ્રસિદ્ધ પુરુષાર્થી અને પરોપકારી પરિવ્રાજકાચાર્યના મૃત્યુથી પોતાને થયેલ ખેદ જાહેર કરવાની પોતાની ફરજ સમજી જે સભા થોડા વખત ઉપર ગેઈટી થીએટરમાં ભરી હતી તે ઉચિત જ હતું. ઉત્તરાશ્રમનાં સાધ્વી નિવેદિતા, તે પૂર્વાશ્રમની મિસ માર્ગારેટ નોબેલ આ સભામધ્યે મુખ્ય વક્ત્રી હતી. તેણી જો કે મિસીસ એની બીસેન્ટ જેવી મહાન વક્ત્રી નહીં કહી શકાય તો પણ તેણીની વકતૃત્વશક્તિ પણ ઊંચા પ્રકારની છે. તે યુવાન શ્વેતસુંદરી પોતાના સાધ્વીને છાજતા લેબાશમાં જ્યારે બોલે છે ત્યારે તેણીને માટે અવશ્ય માન ઉત્પન્ન થાય છે. તેણીનો કંઠ પણ મધુર છે અને સ્ત્રીજાતિના પ્રમાણમાં અવાજ પણ ઠીક બુલંદ છે. અંગ્રેજી ભાષા ઉપર તેણીનો કાબૂ અસાધારણ સારો છે. આ કારણોને લીધે તેણી પોતાના ગુરુસ્વામી વિવેકાનંદના જીવનકાર્ય ઉપર પોણા બે કલાક સુધી બોલી, તે સર્વએ એકાગ્ર ચિત્ત ને લાગણીથી સાંભળ્યું હતું. સ્વામી વિવેકાનંદ બાળ બ્રહ્મચારી હતા. પૂર્વાશ્રમમાં તેઓ બાબુ નરેન્દ્રનાથ બી.એ.ના નામથી પ્રસિદ્ધ હતા. જો કે તેઓ બી.એ.ની ડીગ્રી લેતી વખતે એક આસ્તિક કરતાં, નાસ્તિક વધુ હતા તો પણ તેઓનો મહાત્મા રામકૃષ્ણ પરમહંસ સાથે સમાગમ થવાથી તેઓ અતિશય આસ્તિકતાને પ્રાપ્ત થયા હતા—એટલે સુધી કે તેઓ સકલ બ્રહ્માંડને પણ બ્રહ્મ સ્વરૂપ જ માનતા હતા. વેદાન્તીઓ જગતને મિથ્યા અને ભ્રમરૂપ માને છે અને કોઈ કોઈ તો વ્યવહારમાં પણ તેથી કાંઈ ઉદ્યમ ન કરતાં, પોતાની અને બીજાની ઘણી હાનિ કરે છે. પરંતુ સ્વામી વિવેકાનંદ તો ઘણા પુરુષાર્થી હતા. દુષ્કાળનું દુઃખ ઓછું કરવા તેમણે અનેક અનાથાશ્રમો સ્થાપ્યા હતા. જ્ઞાતિબંધના ભોજન કરવાની છૂટછાટ વગેરે હિન્દુઓની મજબૂત રૂઢિઓને તેઓ નાપસંદ કરતા અને તેઓ કહેતા કે, તેવા રિવાજો દેશમાંથી નિર્મૂળ થશે નહીં ત્યાં સુધી દેશ સુધરશે નહીં. જો કે તેમના ધાર્મિક મતોથી કેટલાક તેમની સાથે મળતા નહીં. તો પણ આત્મભોગ, બ્રહ્મચર્ય, વિદ્વત્તા, પરોપકાર, દેશાભિમાનતા અને વ્યવહારદૃષ્ટિના તેમનામાં અસાધારણ સદ્ગુણ હતા. તે માટે દરેકને માન છૂટશે અને તેથી કરીને મુંબઈ ખાતે તેમના મરણ માટે દિલગીરી બતાવવા જે સભા બોલાવવામાં આવી હતી તેથી મરહુમને જ નહીં, પણ મુંબઈએ પોતાને પણ માન આપ્યું છે.
૧૯૦૨ના નવેમ્બરની ૮મી તારીખ અને શનિવાર
વિધવિધ હિન્દુ વિષયો (મુંબઈ સમાચાર માટે)
“હિંદી સ્ત્રીઓનું સ્ત્રીત્વ” એ વિષય ઉપર સ્વામિની નિવેદિતાએ આપેલું ભાષણ:
“હિંદી સ્ત્રીઓનું સ્ત્રીત્વ” એ વિષય ઉપર સ્વર્ગવાસી વિવેકાનંદની શિષ્યા સ્વામિની નિવેદિતાએ મુંબઈ ખાતે પોતાનું છેલ્લું વ્યાખ્યાન આપ્યું હતું. સ્વામિની નિવેદિતાના વિચારો સામાન્ય રીતે ગણાતા વિદ્વાન વક્તાઓ કરતાં ઘણા જુદા પ્રકારના હતા તે આપણે જોયું છે. હિન્દુઓને વખાણનારાઓમાં મીસિસ એની બેસન્ટ કરતાં કોઈ ચડિયાતું હોય એમ આપણે જાણતા ન હતા. પણ તેણી હમણાંના વખતના સઘળા હિન્દુ રિવાજોને વખાણનાર નથી. તેણી હંમેશ એવો જ ઉપદેશ કરતી કે હિન્દીઓની પ્રાચીનકાળની રીતિ ઉત્તમ હતી અને હાલના હિન્દુઓએ પોતાના સુધારા માટે આધુનિક પશ્ચિમને ન જોતાં પ્રાચીન પૂર્વ તરફ જ લક્ષ્ય આપવું ઘટે છે. સ્વામી વિવેકાનંદ પણ હિન્દુ ધર્મના એક મોટા વખાણનાર હતા છતાં તેઓ તેમની કેટલીક, ખાસ કરીને જ્ઞાતિબંધન અને ખાવાપીવાના બંધન સંબંધી રીતિને પસંદ કરતા ન હતા. પરંતુ મીસિસ એની બેસન્ટ અને સ્વામી વિવેકાનંદ કરતાં પણ સ્વામિની શિષ્ય દરેકે દરેક હિન્દુ બાબતની પ્રશંસા કરતાં હદ ઓળંગી ગઈ છે અને તે એટલે સુધી કે હાલ હિન્દુસ્તાનમાં ભાંગ, ગાંજા અને ચરસ પીવામાં જ પોતાના આયુષ્યનું સાર્થક માનનારા ઘણા સાધુઓને પણ તેણીએ દેશના એક ઉપકારક સમૂહ તરીકે વર્ણવ્યા હતા. હિન્દી સ્ત્રીઓના સ્ત્રીત્વના સંબંધમાં પણ સ્વામિની નિવેદિતાએ જણાવેલા વિચારો ઘણા જ અસાધારણ હતા અને તેમાં શું ગ્રહણ કરવું એ હિન્દુઓને ઘણું મુશ્કેલ પડ્યું હશે. તેણીએ જે બાબતો હિંદી સ્ત્રીઓના સ્ત્રીત્વ સંબંધમાં કહી હતી તે સત્ય કરતાં કલ્પિત વધારે હતી એમ કોઈપણ નિષ્પક્ષપાતી મનુષ્યને લાગ્યા વિના રહ્યું ન હશે. બલકે તેણીની હાલની સ્થિતિને તેણીએ તેઓની પ્રાચીન સ્થિતિ સાથે ઘણી જ કઢંગી રીતે ભેળવી નાખી હતી.
હિન્દી સ્ત્રીઓની હાલત:
પ્રાચીન હિન્દી સ્ત્રીઓ અવશ્ય નમૂનેદાર હતી એવું જે સ્વામિની નિવેદિતાએ કહ્યું તે સામે કોઈ વાંધો ઉઠાવશે નહીં. વિદ્વત્તા, સુશીલતા, પાતિવ્રત્ય, ધર્મપરાયણ, દૃઢતા અને સમયસૂચકતાના સ્તરોનાં દૃષ્ટાંતો રામાયણ, મહાભારત, ઉપનિષદ વગેરે અનેક ગ્રંથોમાંથી અનેક મળી આવે છે. તેઓ માટે પ્રાચીન કાળમાં પુરુષને માન પણ થોડું ન હતું! માનવધર્મ શાસ્ત્રકાર મનુ મહારાજ તેણીને પૂજનીયા અર્થાત્ પુરુષના સત્કારને યોગ્ય કહે છે. પ્રાચીન કાળમાં આર્યાઓ હાલની માફક પરદેનશીન ન હતી. તે બતાવે છે કે આર્ય પુરુષોને તેઓના પતિવ્રતધર્મના જ્ઞાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો પરંતુ હાલ શું તેવી હાલત છે ? બેશક, પતિવ્રતપણાનો ધર્મ તો હિન્દુ સ્ત્રીઓ હમણાં પણ પ્રથમની માફક પાળે છે પરંતુ હિન્દુઓને તે માટે બહુ મગરૂર થવાનું નથી. કારણ કે, અભણ અને પરવશ હાલતમાં પતિની આજ્ઞા પ્રમાણે સ્ત્રી વર્તે અને પરંપરા અને પરાપૂર્વથી ઊતરતા આવેલા રિવાજોને રૂઢી તરીકે માન આપે તેમાં શું નવાઈ ? જ્યારે સ્ત્રીઓને કાંઈક અંશમાં સ્વતંત્રતા હોય, વિદ્યા હોય અને સત્તા પણ હોય જેમ પ્રાચીન સમયમાં આર્યાવર્તમાં હતું, ત્યારે તેણી જો પુરુષને હાલની માફક પોતાની ઇચ્છાના જ બળથી પ્રાણસમાન પૂજે તો બેશક હાલના હિન્દુઓને તે ઘણું જ અભિમાન લેવા લાયક છે. પરંતુ, હાલ હિન્દુ સ્ત્રીઓ તેવી સ્વતંત્રતા ભોગવતી નથી. હિન્દુ કાયદામાં પણ તેણી અનેક અપમાનયુક્ત અન્યાયની ભોક્તા છે. પતિ એક પર બીજી સ્ત્રી કરે તો તેણી કંઈ કરી શકે નહીં. પતિના મૃત્યુ પશ્ચાત્ તેણીને કેવળ ભરણપોષણનો-રોટલાનો જ અધિકાર પુત્ર પાસે છે. તેનાં લગ્ન ગમે તે ઉંમરે ગમે તેવા મૂર્ખની સાથે કરી દેવાનો તેનો વાલી હક ધરાવે છે. તેણી વૈધવ્યને પ્રાપ્ત થાય તો પણ પુનર્લગ્નનો અધિકાર પોતાના પતિની માફક ધરાવતી નથી. આ સર્વ મુસીબતો ઓછી હોય તેમ ઉત્તર હિન્દુસ્તાનમાં તેણીને પરદામાં હમેશા ગોંધાઈ રહેવું પડે છે, પણ અત્યાર સુધી તો તેણીને ભણવાનો અધિકાર જ નથી એમ શાસ્ત્રીઓ જણાવતા. તેઓ વારંવાર કહેતા કે स्त्री-शूद्रो नाधीयताम અર્થાત્, સ્ત્રી-શૂદ્રને ભણાવવાં નહીં પણ હાલ દ્વિજોમાં સ્ત્રીને અંગ્રેજી રાજ્યને પ્રતાપે ભણવાનો ચાલ શરૂ થયો છે. છતાં તેણીને બહુ નાની ઉંમરમાં શાળામાંથી ઉઠાડી લેવામાં આવતી હોવાથી તેણીનો અભ્યાસ બહુ કાચો હોય છે. અને તેવા કાચા અભ્યાસવાળી સ્ત્રીઓની સંખ્યા પણ આ દેશમાં સોમા હિસ્સા જેટલી પણ નથી. છતાં પણ સ્વામિની નિવેદિતા આપણને પૂર્ણ ગાંભીર્યથી ઉપદેશ કરે છે કે “તેઓને તમે ભણાવો અને એ ખ્યાલ જ તમારે તમારા મનમાંથી કાઢી નાખવો. તમારે તો તેઓ પાસેથી શિક્ષણ જ લેવું જોઈએ.” આ કંઈક હાસ્યાસ્પદ લાગે છે. પણ જો હિન્દી સ્ત્રીના કેટલાક સ્વાભાવિક સદ્ગુણો ગ્રહણ કરવાનું સ્વામિની નિવેદિતા આપણને કહેતાં હોય તો તે કંઈક વાસ્તવિક છે. સ્વામિની નિવેદિતા જેનાં વખાણ કરવા બેસે છે, તે કેટલીક વખત તો સોએ સો ટકા ઉપર ચાલ્યાં જાય છે. તે જોતાં આપણને એમ બીક રહે છે કે તેણીએ જે કંઈ સુધારો હિન્દુઓને કરવાનો કહ્યો હશે તે હિન્દુઓને ભાગ્યે જ કરવા લાયક દેખાયો હોય. બહુ વખાણની અસર હંમેશ માઠી થવાનો ભય રહે છે અને એક ઉત્તમ વ્યાખ્યાનની અસર પણ ઓછી થાય છે. હિન્દી સ્ત્રીઓના સંબંધમાં આ ઉપરાંત સ્વામિનીએ બીજી જે કેટલીક પ્રસંગોપાત્ત સૂચનાઓ કીધી હતી તે ઘણી વાસ્તવિક હતી. અને આપણે આશા રાખીશું કે આપણા હિન્દુ ભ્રાતાઓ તે સૂચના પ્રમાણે વર્તે.
મુંબઈ સમાચાર, ૧૯૦૨ ૧૭મી નવેમ્બર
સ્વામિની નિવેદિતા
અમોએ આપેલું ત્રીજું ચિત્ર સ્વર્ગવાસી સુપ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદજીની શિષ્યા સ્વામિની નિવેદિતાનું છે. આ બાઈની ઉંમર હાલ આશરે ત્રીસ વર્ષની છે. તેઓનો જન્મ ઇંગ્લેન્ડ ખાતે થયો હતો. તેમનું નામ ઉત્તરાશ્રમમાં મિસ માર્ગારેટ નોબલ હતું. પોતાના જીવનચરિત્રના સંબંધમાં તેમણે આપેલા એક વ્યાખ્યાન પરથી જણાય છે કે તેણીને બાલ્યાવસ્થાથી સ્વાભાવિક રીતે પોતાના બાપિકા ખ્રિસ્તી ધર્મ ઉપરાંત બીજા ધર્મો ઉપર પણ સારી પ્રીતિ હતી અને દરેક ધર્મને ઘણો સારો માનતી હતી. ઈશ્વર પર તેમની આસ્થા ખાસ મજબૂત હતી. મોટી ઉંમર થતાં તેમને ખ્રિસ્તી ધર્મ પોતાના આત્માને સંતોષ આપનારો લાગ્યો નહીં. તેથી તેણી હંમેશાં ખિન્ન રહેતી. તેણીએ બીજા ધર્મોનો અભ્યાસ કીધો હતો અને ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને જે ગુણવાળો કલ્પવામાં આવ્યો છે તે ગુણ તેણીને ઘણા એકમેકથી ઊલટાસુલટા લાગ્યા. ૧૮૯૩ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલા ચિકાગોના શહેરમાં એક ગંજાવર પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. તેમાં દુનિયાના ધર્મોના સંબંધોમાં વિચાર કરવાને એક મોટી સભા મળી હતી. સ્વામી વિવેકાનંદે હિન્દુસ્તાનના હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે ફત્તેહમંદીથી તેમાં ભાગ લીધો હતો અને તેથી તેમની નામના ઘણી વધી હતી. તેઓ તે બાદ લંડન ગયા હતા અને ત્યાં હિન્દુ ધર્મનાં તત્ત્વ શીખવવા માટે તેમણે એક વર્ગ ખોલ્યો હતો. હવે આ વર્ગમાં અકસ્માત સ્વામિની નિવેદિતા (તે વખતની મિસ માર્ગારેટ નોબલ)નું જવાનું થયું. તેણી તે વખતે એક શાળામાં શિક્ષિકાનું કામ કરતી હતી. પોતાના આત્માને સંતોષ આપે એવા ધર્મની તેણી ખોજમાં તો હતી જ અને તેણીએ સ્વામી વિવેકાનંદ પાસે વેદાંત ફિલસૂફીનું જે જ્ઞાન મેળવ્યું તેથી તેણીએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને ઊંડાં ધાર્મિક તત્ત્વો તો હિન્દુ ફિલસૂફીમાં જ છે તેમ નક્કી માન્યું. સ્વામી વિવેકાનંદજીની તેજસ્વી આકૃતિ, પાશ્ચાત્ય તેમજ પૂર્વ તરફની વિદ્યા ઉપર તેમણે મેળવેલો અદ્ભુત કાબૂ, તેમની ઊંચા પ્રકારની વકતૃત્વશક્તિ, તેમની ભલાઈ, પરોપકારવૃત્તિ અને સત્યસાધુતા—આ સર્વ જોવાથી તેણી તો સ્તબ્ધ જ થઈ ગઈ. તેણીને તેમને માટે ઘણો પૂજ્યભાવ ઉત્પન્ન થયો અને તેમના વર્ગોમાં અભ્યાસ કીધો. બાદ તેણીએ સ્વામી વિવેકાનંદને એક શિષ્ય તરીકે પોતાને સ્વીકારવાની વિનંતી કીધી, જે તેમણે ઘણી ખુશીથી કબૂલ રાખી. સ્વામી વિવેકાનંદ પાછા અમેરિકા ખાતે ગયા ત્યારે સ્વામિની નિવેદિતા પણ તેમની સાથે ગઈ અને તેમની સાથે પ્રવાસ કીધો. બાદ સ્વામિની નિવેદિતા હિન્દુસ્તાન પાછાં આવ્યાં. થોડા વખત પછી તેણી પોતાના ગુરુને હિન્દુસ્તાન ખાતે મળવા આવી. સ્વામી વિવેકાનંદ અલ્મોડા ખાતે રહેતા હતા. તેમણે બેલુર ખાતે એક મઠ પણ સ્થાપ્યો હતો. દુકાળથી પીડાતા લોકોનું દુઃખ ઉગારવા તેમણે અને તેમના અનુયાયીઓએ ઘણી સારી મદદ કીધી હતી. સ્વામિની નિવેદિતાએ તેમના ગુરુના કામમાં ઘણી સહાયતા આપી હતી. … સ્વામી વિવેકાનંદના મૃત્યુ માટે દિલગીરી જાહેર કરવા મુંબઈ ખાતે થોડા વખત ઉપર જ જાહેર સભા બોલાવવામાં આવી હતી. તેમાં તેણીને ભાષણ કરવાને આમંત્રણ કરવામાં આવ્યું હતું, જે સ્વીકારી તેણી અત્રે આવી હતી અને એક અસરકારક અને લાગણીવાળું ભાષણ સ્વામીજીના મરણના સંબંધમાં કીધું હતું. બાદ તેણીએ બીજાં પણ કેટલાંક ભાષણો આપ્યાં હતાં. તેણી અંગ્રેજી ભાષામાં એક ઉત્તમ પંક્તિની ભાષણ કરનાર છે. મુંબઈ ખાતેથી નીકળી તેણી હવે હિન્દુસ્તાનને પ્રવાસે નીકળી છે અને જગે જગ ભાષણ આપે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




