(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ થયાં નથી. તેનું ઐતિહાસિક મહત્ત્વ હોવાથી આ લખાણો પરિવર્તન કર્યા વગર ક્રમશઃ પ્રકાશિત કરી રહ્યા છીએ. તેમાં આપેલ બધાં જ તથ્યોથી અમે સહમત છીએ એવું નથી. -સં.)

(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદે અમેરિકામાં આપેલાં બીજાં ભાષણો

સ્વામી વિવેકાનંદે શિકાગો પ્રદર્શનની ધાર્મિક મહાસભામાં પ્રસિદ્ધિ મેળવ્યા પછી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સનાં બીજાં શહેરોમાં ગયા હતા. ન્યુયોર્કમાં અમેરિકન કરોડપતિઓ તરફથી તેમને અસાધારણ માન અને આવકાર મળ્યો હતો. તેમને આમંત્રણ ઉપર આમંત્રણ મળતાં હતાં. જેઓએ હિન્દના ગરીબ લોકોની તરફથી મદદ માટે કરોડપતિઓને અરજ કીધી હતી, તેમની અરજ વ્યર્થ ગઈ ન હતી. તેમને હજારો ડોલર મળ્યા હતા અને તેઓએ પોતાની પાસે પૈસા ન રાખતાં હિન્દુસ્તાનમાં તે મોકલી દીધા હતા.

સ્વામી વિવેકાનંદે વટલાવેલા ખ્રિસ્તીઓ

અમેરિકામાં તેમણે હિન્દુ ધર્મ અને વેદાન્તમતના સંબંધમાં સારી છાપ બેસાડી હતી. તેમણે પોતાના મતના અનેક અમેરિકનોને બનાવ્યા હતા અને તેઓની સભા પણ અમેરિકામાં સ્થપાઈ હતી. પરંતુ, સ્વામીજીના ચાલ્યા જવા બાદ તેની વ્યવસ્થા રહી ન હતી. પરંતુ તેમના શિષ્યોમાંનાં એક, અમેરિકન બાનુ કે જે સંન્યાસિની થઈ પોતાનું નામ સ્વામિની અભયાનંદ એવું રાખ્યું હતું.

તેની તો મુંબઈના લોકોને ખબર હશે. તેણી બ્રુકલીનના ટાપુની રહેવાસી હતી અને તે વર્ષો સુધી શાળામાં શિક્ષિકા હતી અને તે હિન્દમાં આવી હતી અને સ્થળે સ્થળે વ્યાખ્યાન પણ અપાયાં હતાં. પાછળથી તે કલકત્તાના જાણીતા અમૃતબાઝાર પત્રિકાના વર્તમાનપત્રોના માલિક અને અધિપતિ મિ. મોતીલાલ ઘોષ અને તેમના ભાઈએ મળી… ચૈતન્યમતના એક ફાંટામાં જોડાઈ ગઈ હતી. તે ફાંટો નદિયામાં થઈ ગયેલા ચૈતન્ય અથવા ગૌરાંગ નામના એક ધર્મ પ્રવર્તકના સ્થપાયેલો હતો. તે ઉપરાંત બીજી પણ કેટલીક યુરોપિયન અમેરિકન સ્ત્રીઓ હિન્દમાં સ્વામી વિવેકાનંદને મળવા આવી હતી.

મૂર્તિપૂજા સંબંધિત તેમના વિચારો:

તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા નહીં, પણ તેઓ કહેતા કે જે મનુષ્ય ઈશ્વર જેવી સુક્ષ્મ વસ્તુનું ચિંતન જરા પણ કરી શકે નહીં તેઓ માટે સ્થૂળ મૂર્તિપૂજા એક આશીર્વાદરૂપ હતી. જો તે વિના ઈશ્વરનું ધ્યાન ધરી શકાય તો તે બહેતર છે એમ તેઓ કહેતા.

તેમની જિંદગી ગાળવાની રીત:

સ્વામી વિવેકાનંદને ઠંડો દેશ ઘણો પસંદ હતો. તેઓએ મદ્રાસ ખાતેના પોતાના એક ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકામાં હું થર્મોમીટરમાં પારો ત્રીસ ડીગ્રી મીંડા ઉપર પણ ઘટી જતો તેટલી શરદીમાં વસ્ત્રરહિત શરીરે રહ્યો છું. તેઓને કાશ્મીરની હવા ઘણી માફક આવતી… તેઓ અમેરિકાથી આવતાં-જતાં ચીન, જાપાન ખાતે એક-બે વખત ગયા હતા અને ત્યાં તેમને સારું માન મળ્યું હતું. ખ્રિસ્તીઓ વિરુદ્ધ તેઓ પોતાનો મત આપતા હતા તેથી ખ્રિસ્તી પાદરીઓએ તો વળી એટલી હદ સુધી જણાવ્યું હતું કે તેમના ભાઈએ તેમને કાઢી મૂક્યા હતા અને બી.એ. થઈને ત્રીસ-ચાલીસ રૂપિયાની નોકરીમાં અથડાયા કરતા. ભગવાં વસ્ત્ર પહેરી મહાત્મા થવામાં તેઓને વધુ ફાયદો—માન—દરજ્જો, મળવાનો સંભવ હોવાથી તેઓ સાધુ થઈ ગયા છે.!! તેઓ સહનશીલ હોવાથી પોતાના પર થતા જૂઠા અંગત આરોપોનો પ્રત્યુત્તર પણ આપવા ઉચિત સમજતા નહીં.

તેમના શરીરનો દેખાવ અને તેમનો રોગ:

શરીરે તેઓ હૃષ્ટપુષ્ટ અને સ્વામી દયાનંદની માફક ઘણા કદાવર, ગૌર વર્ણના અને તેજસ્વી અને આકર્ષક હતા. તેઓ પોતાના માથા ઉપર સાધારણ લેબાશમાં સાફો બાંધતા હતા. તેઓ ઘણી સારી રીતે રહેતા. ત્રણ-ચાર વર્ષ થયાં, તેમને પેટને લગતું દર્દ થયું હતું અને તેથી તેઓ ઘણા ગળાઈ ગયા હતા. આરામ માટે તેઓ મદ્રાસ ઇલાકાના ઊટાકામંડ તરફના એક ગામમાં એકાંતમાં રહેવાને ગયા હતા. ત્યાં તબિયત ઘણી સારી સુધરી હતી પરંતુ તે પ્રાણઘાતક બીમારીએ તેમને આખરે છોડ્યા નહીં એમ દેખાય છે. તેમની ઉંમર મોટી ન હતી. તેઓ યુવાવસ્થામાં હતા અને તેથી જ તેમનું મૃત્યુ વિશેષ શોચનીય છે. તેઓ ભાગ્યે જ ચાલીસ વર્ષની ઉંમરના હશે.

તેઓનો પરમાર્થ:

તેઓ ઘણાં વ્યાવહારિક કાર્યો કરતા હતા. બંગાળ તરફ તેઓએ ઘણું કામ કીધું છે. લોકોની ક્ષુધાતૃષાથી થતી વ્યાધિથી તેમના આત્માને ઘણું દુઃખ થતું. તેમની તરફથી મિદનાપુર, કલકત્તા અને અલ્મોડા ખાતે ખાસ અનાથાશ્રમો વગેરે સ્થાપવામાં આવ્યા હતા. કલકત્તા ખાતે તેઓની તરફથી એક સ્ત્રીમંડળ સ્થાપવામાં આવ્યું હતું અને તેમાંથી બહેનોનું કામ ગરીબ, લાચાર અને અનાથોને સહાય કરવાનું હતું. તેઓથી યુરોપમાં હાલ જવું શક્ય બન્યું નહીં. પણ તેમના તરફથી તેમના શિષ્ય સ્વામી સારદાનંદ યુરોપમાં ફરી વેદાંત વગેરે વિષયો પર વ્યાખ્યાન આપતા હતા.

જાહેરમાં સ્વામી વિવેકાનંદનો છેલ્લો દેખાવ:

મુંબઈમાં તેઓ અમેરિકા ખાતે જતાં, થોડા દિવસ રહ્યા હતા અને તેમણે અત્રેના મિ. છબીલભાઈ લલ્લુભાઈના બંગલે ઉતારો લીધો હતો. પરંતુ તે વાતને આજ આઠ-નવ વર્ષ થઈ ગયાં છે. સ્વામી વિવેકાનંદ તરફથી ‘પ્રબુદ્ધ ભારત’ નામનું એક અંગ્રેજી માસિક અલ્મોડા કે જે છેક હિમાલયની તળેટીમાં આવેલું છે ત્યાંથી પ્રસિદ્ધ થતું. પહેલાં તે અન્ય સ્થળેથી નીકળતું હતું અને મધ્યમાં તે બંધ પણ થયું હતું. પણ પછી તે અલ્મોડા ખાતે પુનઃ સ્વામીજીની પોતાની દેખરેખ નીચે પ્રારંભ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ ઉપરના એક માસિકમાં તેમનું જીવનચરિત્ર તેમની તસ્વીર સહિત સંક્ષિપ્તમાં આપવામાં આવ્યું હતું. … તેઓ વેદના અભ્યાસી ન હતા પરંતુ તેઓને કાવ્યોનો અભ્યાસ સારો હતો. … અંતમાં અમો જ્યારે એમ જણાવીશું કે તેમના અકાલ શોકજનક મરણથી હિન્દના વિદ્વાન, સંસ્કૃત તેમજ ધાર્મિક અને દેશાભિમાની મંડળોને એક અસહનીય ખોટ ગઈ છે, તમારે થોડાનો જ તેમાં મતભેદ પડશે.

મુંબઈ સમાચાર:

૧૯મી જુલાઈ, ૧૯૦૨

સ્વર્ગવાસી સ્વામી વિવેકાનંદ:

હિન્દુ ધર્મ અને ખાસ કરીને તેમની વેદાન્ત ફિલસૂફી વિશે અમેરિકન તથા અંગ્રેજ પ્રજાને વધુ જાણીતી કરવા માટે જાણીતા થયેલા જાણીતા સ્વામી સ્વર્ગવાસી વિવેકાનંદનું ચિત્ર પણ હાલના પ્રસંગે થોડું જાણવા લાયક નહીં કહેવાશે. મરહુમ સ્વામીની જિંદગીનું વૃત્તાંત અમો લંબાણથી પ્રગટ કરી ગયેલા હોવાથી અત્રે તે ફરી નહીં આપતાં, એટલું જ જણાવીશું કે જે પથના તેઓ વડા હતા, તેનું શુભ કામ તેમના સ્વર્ગવાસથી અટકી પડનાર નથી; પણ તેમની અંગ્રેજ સાધ્વી નિવેદિતા તે કામ ચાલુ રાખનાર છે.

મુંબઈ સમાચાર

૧૯૦૨ જુલાઈ ૨૪મી

દેશ-પરદેશની જાણવાજોગ ખબરો:

મરહુમ સ્વામી વિવેકાનંદના દોસ્તદારો અને વખાણનારાઓની એક સભા ગઈ તા. ૧૯મીએ સાંજના મદુરાઈ ખાતે મળી હતી, જે વખતે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે સ્વામી વિવેકાનંદના મરણથી હિન્દને ગયેલી ખોટની ઊંડી લાગણી દર્શાવવા માટે મદ્રાસના હિન્દીઓની એક જાહેર-સભા બોલાવાયેલી. મદ્રાસ ખાતે એક ધાર્મિક મઠ ઊભો કરવા માટે પગલાં ભરવા અને વેદાંતને લગતી હીલચાલ કે જેને મરહુમ સ્વામીએ અમેરિકા, ઇંગ્લેન્ડ અને હિન્દુસ્તાન ખાતેના પોતાના કાયમી બધું આગળ વધાર્યું હતું, તેનો ફેલાવો અને વધારો કરવા માટે તે મઠને એક મથક બનાવવું.

(ક્રમશઃ)

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.