“આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે અને સંઘમિત્રા, લીલા, અહલ્યાબાઈ, મીરાંબાઈ વ. ભારતની મહાન દેવીઓ દ્વારા ચાલતી આવેલી પરંપરાને આગળ વધારીને વીર સંતાનોની માતા બની શકે. ભારતની નારીઓ પવિત્રતા અને ત્યાગની મૂર્તિ છે, કારણ કે તેઓની પાસે એ બળ અને શક્તિ છે, જે સર્વ શક્તિમાન પરમાત્માના ચરણોમાં કરેલાં સંપૂર્ણ આત્મસમર્પણમાંથી પ્રાપ્ત થાય છે… મને તો દૃઢ શ્રદ્ધા છે. ધર્મ જ કેળવણીનો મેરુદંડ છે.”
ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક હળવું સાહિત્ય વાંચે એ સારું નથી. તેઓનું શિક્ષણ સર્વ બાબતોમાં તેમને સૂઝ પડે એવું હોવું જોઈએ. તરુણીઓની નજર સામે હંમેશ આદર્શ ચરિત્રો રજૂ કરવાં જોઈએ કે જેથી તેમનામાં નિ:સ્વાર્થતાના ઉચ્ચ સિદ્ધાંતો પ્રત્યે ભક્તિ જાગે. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી, મીરાં વગેરેનાં ઉદાત્ત ઉદાહરણો તેમના મનમાં ઉતારવાં અને એમનાં જીવનને નજરમાં રાખીને પોતાનાં જીવન ઘડવાની પ્રેરણા તેમને આપવી જોઈએ.
પરંતુ એટલું ચોક્કસ જાણી રાખજો કે પ્રથમ સ્ત્રીઓમાં અને જનસમાજમાં શિક્ષણનો ફેલાવો થયા વિના પરિસ્થિતિ સુધરવાની દિશામાં કંઈ થઈ શકે એમ નથી અને તેથી એ બાબત મારા મનમાં ઘોળાયા કરે છે કે કેટલાક બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણીઓ તાલીમ આપીને તૈયાર કરવાં. પછી ક્રમે-ક્રમે બ્રહ્મચારીઓ સંન્યાસ દીક્ષા લે અને આખા દેશમાં, ગ્રામે-ગ્રામે, ગ્રામ જનતામાં શિક્ષણનો પ્રકાશ લઈ જવામાં પ્રયાસ કરે, જ્યારે બ્રહ્મચારિણીઓ એ જ કાર્ય નારીઓમાં કરે. પરંતુ એ આખું કાર્ય આપણાં પોતાના દેશની પદ્ધતિ પ્રમાણે થવું જોઈએ. જેવી રીતે પુરુષોને માટે કેન્દ્રો સ્થાપવાનાં છે, તેવી રીતે નારીઓના શિક્ષણ માટે પછી કેન્દ્રો સ્થાપવાનાં છે. સુશિક્ષિત અને ચારિત્ર્યશીલ બ્રહ્મચારિણીઓ જુદાંજુદાં મહિલાકેન્દ્રોમાં શિક્ષણ આપવાનું કાર્ય ઉપાડી લે. ઇતિહાસ અને પુરાણો, ઘરકામ અને કલા કૌશલ્ય, ગૃહજીવનની ફરજો અને આદર્શ ચરિત્ર્યનો વિકાસ કરે એવા સિદ્ધાંતો આધુનિક વિજ્ઞાનની સહાયથી શીખવવાના છે અને વિદ્યાર્થિનીઓને નૈતિક અને આધ્યાત્મિક જીવનની તાલીમ આપવાની છે. આપણે એ જોવું જોઈએ કે તેઓ સમય આવતાં નારીગૃહોની આદર્શ સંચાલિકાઓ નીવડે. આવી માતાઓનાં સંતાન માતાઓમાં રહેલા ગુણોનો એથી યે વધુ વિકાસ સાધશે. માત્ર સુશિક્ષિત અને ધાર્મિક માતાઓના ઘરમાં જ મહાન પુરુષો જન્મે છે. પરંતુ તમે તો નારીઓને સંતાનોત્પત્તિનાં યંત્રોની અવદશાએ પહોંચાડી દીધી છે. અફસોસ! શું તમારા શિક્ષણનું આ પરિણામ છે? નારીઓની ઉન્નતિ, જનતાની જાગૃતિ પહેલાં થવી જોઈએ અને ત્યારે જ દેશનું, ભારતનું કંઈ પણ સાચા અર્થમાં ભલું થઈ શકે.
જીવનમાં મારી એક માત્ર મહેચ્છા એ જ છે કે એવું યંત્ર ચાલુ કરી દેવું કે જે સૌ કોઈને ઘેર ઉદાત્ત વિચારો પહોંચાડે, પછી નરનારીઓ ભલે પોતપોતાનું ભાવિ નક્કી કરે. જીવનના ગંભીરમાં ગંભીર પ્રશ્નો પર આપણા પૂર્વજોએ તેમ જ બીજી પ્રજાઓએ શા વિચારો કર્યા છે તેનો તેઓ ભલે વિચાર કરે. ખાસ કરીને બીજાઓ અત્યારે શું કરી રહ્યા છે તે તેઓ જુએ અને પછી નક્કી કરે.
– સ્વામી વિવેકાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘ભારતીય નારી’, પૃ.૨૭-૨૮-૨૯)
Your Content Goes Here




