ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઈંદ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહિ કે તારી સમાજવ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે… ભારતીય પ્રજાના આદર્શો છે રામ અને સીતા. ભારતનાં બધાં બાળકો ખાસ કરીને બાલિકાઓ સીતાને પૂજે. ભારતમાં સ્ત્રીની સર્વોચ્ચ મહેચ્છા હોય છે – પવિત્ર, પતિભક્ત, સર્વસહનશીલ સીતા જેવી થવાની. જ્યારે આ ચરિત્રોનો અભ્યાસ કરશો ત્યારે તમને તરત જ જણાઈ આવશે કે ભારતમાં નારીનો આદર્શ પશ્ચિમના કરતાં કેવો જુદો છે. ભારતીય પ્રજામાં સીતા સહનશીલતાની મૂર્તિ તરીકે ખડી છે. પશ્ચિમ કહે છે કે ‘કરી બતાવો કરી બતાવીને તમારી શક્તિ પ્રગટ કરો.’ ભારત કહે છે કે ‘જાતે સહન કરીને તમારી શક્તિ પ્રગટ કરો’. માણસ કેટલો વધુ પરિગ્રહ કરી શકે એ પ્રશ્ન પશ્ચિમે ઉકેલ્યો છે. આ બંને અતિશયતાઓ છે એ તમે જોઈ શકો છો. સીતા એ ભારતની વિશિષ્ટતારૂપ નારી છે. ભારતની આદર્શ નારી છે. એ ખરેખર આ પૃથ્વી પર કદીયે જીવંત હતી કે નહિ એ પ્રશ્ન નથી. સીતાની કથા ઐતિહાસિક છે કે નહિ એ પ્રશ્ન નથી. પરંતુ આપણે એ જાણીએ છીએ કે આદર્શ એ છે. આ સીતાના આદર્શની કથા કરતાં સમગ્ર પ્રજામાં વધુ ઓતપ્રોત થઈ હોય, તેના ખુદ જીવનમાં એટલી બધી પ્રવેશી હોય અને પ્રજાના રક્તના એકેએક બુંદમાં એટલી બધી ઝણઝણી રહી હોય એવી બીજી એકે પૌરાણિક કથા નથી. ભારતમાં જે જે કંઈ શુભ છે, જે જે કંઈ પવિત્ર અને શુદ્ધ છે, સ્ત્રીમાં જે જે કંઈ સ્ત્રીત્વના નામે ઓળખાય છે તેનું નામ છે સીતા. જો કોઈ પુરોહિત કોઈ સ્ત્રીને આશીર્વાદ આપે તો કહેશે કે ‘સીતા જેવી થા.’.. તમે વિશ્વનું ભૂતકાળનનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે વિશ્વનું ભવિષ્યનું સઘળું સાહિત્ય પણ ઊથલાવવું પડશે. સીતા એ અપ્રતિમ છે; એ ચરિત્રનું નિર્માણ થયું એ એક જ વાર અને સદાને માટે. રામ જેવા ચરિત્રો કદાચ એકથી વધુ થયા હોય, પણ સીતા તો એક જ. એકથી વધારે નહિ જ. એ સાચી ભારતીય નારીના મૂર્તિમંત પ્રતીકરૂપે છે; કારણ કે સંપૂર્ણ નારીત્વના તમામ ભારતીય આદર્શો એ સીતાના એક જ ચરિત્રમાંથી વિકાસ પામ્યા છે, અને આજે સીતા આર્યાવર્તના એક છેડાથી બીજા છેડા સુધી હજારો વરસથી આબાલવૃદ્ધ નર, નારી તથા બાળકોથી પૂજાતી આવી છે. અને ખુદ પવિત્રતાથી યે વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ આ મહિમાવંતી સીતા સદાને માટે રહેવાની જ છે. જેણે એક અક્ષર સરખોયે ઉચ્ચાર્યા સિવાય જીવન આખું કષ્ટ જ વેઠ્યા કર્યું. જે સદા પવિત્ર અને પતિપરાયણ પત્ની હતી. જે ભારતની પ્રજામાં આદર્શ હતી, જે દેવતાઓનો આદર્શ હતી, એ મહાન સીતા આપણી રાષ્ટ્રિય દેવતા, હંમેશને માટે રહેવી જ જોઈએ. અને આપણામાંનો દરેકેદરેક સીતા વિશે એટલું સારી રીતે જાણે છે કે વધુ પડતું વર્ણન કરવાની આવશ્યકતા રહેતી નથી. આપણાં સઘળાં પુરાણો અદૃશ્ય થઈ જાય, અરે! આપણાં વેદો સુધ્ધાં ધરા પરથી રજા લે. અને દેવભાષા સંસ્કૃત સુધ્ધાં સદાને માટે દેશવટો સ્વીકારે, પરંતુ જ્યાં સુધી આ પૃથ્વી પર પાંચ હિંદુઓ જીવતા હશે, પછી ભલે એ અશ્લીલમાં અશ્લીલ ભાષા બોલતા હોય, પરંતુ ત્યાં સુધી સીતાની કથા રહેવાની જ છે. એ મારા શબ્દો તમે નોંધી રાખજો કે સીતા આપણી પ્રજાના પ્રાણની અંદર પ્રવેશી ગઈ છે. એકેએક હિંદુ નર અને નારીના રક્તમાં સીતા રહેલી છે; આપણે સૌ સીતાના સંતાન છીએ. આપણી નારીઓને આધુનિક બનાવવાનો કોઈ પણ પ્રયત્ન, જો તે આપણી નારીઓને સીતાના આદર્શથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે, તો તે સત્વર નિષ્ફળ જવાનો છે, અને તે આપણે રોજ જોઈએ છીએ. ભારતની સ્ત્રીઓએ સીતાને પગલે ચાલીને પોતાનાં વૃદ્ધિ અને વિકાસ કરવાનાં છે. એ સિવાય રસ્તો જ નથી.
– સ્વામી વિવેકાનંદ
(‘ભારતીય નારી’, પૃ.૧-૪)
Your Content Goes Here




