મહાકવિ ઋષિ વાલ્મીકિએ રામનું ચરિત્ર આપણી સમક્ષ જે ભાષામાં રજૂ કર્યું છે તેના કરતાં વધુ શુદ્ધ, વધુ પવિત્ર, વધુ સુંદર અને વધુ સરળ ભાષા કોઈ હોઈ ન શકે. અને સીતા વિશે તો કહેવું જ શું? ભૂતકાળનું દુનિયાનું સાહિત્ય બધું ફેંદી વળો અને હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે ભવિષ્યની દુનિયાનું સાહિત્ય પણ ફેંદીને ખલાસ કરવું પડશે. સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે, પરંતુ સીતા તો એક જ થઈ છે! સાચી ભારતીય નારીનો આદર્શ એ સીતા છે; એક સંપૂર્ણ નારીત્વના સર્વ ભારતીય આદર્શો સીતાના એ એક જીવનમાંથી વિકસ્યા છે, અને આર્યાવર્તની ભૂમિના ચારે ખૂણામાં દરેક નરનારી અને બાળકથી સન્માનિત એ સીતા હજારો વરસથી એમની એમ પૂજાતી આવી છે. ખુદ પવિત્રતા કરતાં વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ, આ મહિમામંડિત, સીતા સદાસર્વદા ટકી રહેવાની છે. એક શબ્દ સરખોય ઉચ્ચાર્યા સિવાય કષ્ટમય જીવન વિતાવનારી, સદા પવિત્ર અને સદા ચારિત્ર્યશીલ પત્ની, લોકોનો આદર્શ, દેવતાઓનો આદર્શ, એ મહાન સીતા, આપણી રાષ્ટ્રદેવી સીતા, હંમેશને માટે ટકી રહેવી જ જોઈએ. આપણામાંનો દરેકેદરેક માણસ એનાથી એટલો બધો પરિચિત છે કે વધુ વિવરણ કરવાની આવશ્યકતા રહેતી નથી. ભલે આપણાં પુરાણો બધાં અલોપ થઈ જાય, આપણા વેદો સુધ્ધાં ભલે અદૃશ્ય થાય અને આપણી સંસ્કૃતિ ભાષા પણ સદાને માટે ભલે ગાયબ થઈ જાય, પરંતુ જ્યાં સુધી પાંચ પણ હિંદુઓ આ ભૂમિ પર જીવતા હશે, ભલે હલકામાં હલકી બોલી તેઓ બોલતા હશે, ત્યાં સુધી સીતાની કહાણી રહેવાની જ છે. મારા આ શબ્દો તમે નોંધી રાખજો. સીતા આપણી પ્રજાના પ્રાણ સાથે સમરસ થઈ ગઈ છે. એકેએક હિંદુ સ્ત્રીપુરુષના લોહીમાં એ પ્રવેશી ગઈ છે. આપણે બધાં સીતાના બાળકો છીએ. આપણી સ્ત્રીઓને આધુનિક બનાવવાનો કોઈ પણ પ્રયત્ન, સ્ત્રીઓને સીતાના આદર્શથી દૂર લઈ જવાનો પ્રયાસ કરવા માંડતાં તરત જ નિષ્ફળ નીવડે છે, એ આપણે રોજ જોઈએ છીએ. ભારતની નારીઓએ સીતાને પગલે ચાલીને આગળ વધવાનું છે અને વિકાસ સાધવાનો છે; પ્રગતિનો એ એક જ માર્ગ છે.
— સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ – ૪, પૃ. ૧૩૨-૧૩૩)
Your Content Goes Here





