(ગતાંકથી આગળ)
મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના તેમના ભાષણમાં એમણે એનું મહત્ત્વ ચર્ચ્યું પણ છે. આ પ્રાચીનતમ ભાષાના ગંભીર અધ્યયન વિશે તેમણે ભારપૂર્વક એવું કહ્યું છે કે ‘…એ તમારી આગળ સાહિત્યના પૂર્વે અજ્ઞાત અને વણ શોધાયેલા થરો ખુલ્લા કરી આપશે અને તમને ચિંતનની અમુક ખાસ ભૂમિકા પર લાવી મૂકશે. એ ભૂમિકા તમારી જ્ઞાત ભૂમિકાથી વધુ ઊંડી હશે, અને માનવીય હૃદયની ગહનતમ સહાનુભૂતિઓને સ્પર્શી જાય એવા પાઠ ભણાવનારી હશે.’
સંસ્કૃત ભાષાનો ઇતિહાસ અને સંસ્કૃત વ્યાકરણ જેવાં તેમનાં લખાણોથી યુવાન વર્ગમાં નિષ્ઠાપૂર્વક સંસ્કૃત ભણવાની પ્રેરણા આપવાનું શ્રેય તેમને મળ્યું. વળી તેમણે સંસ્કૃત અધ્યયનની વર્તમાનકાળે પ્રસ્તુતતા, વ્યાવહારિક ઉપયોગિતા પણ બતાવી આપી. ભારતનો શાસકવર્ગ પણ ભારતીય સંસ્કૃતિને સમજવા માટે સંસ્કૃત શીખે એ જરૂરી છે, એમ તેમણે કહ્યું અને સાથો સાથ ભારતને પોતાને પણ એ લાભપ્રદ છે, એમ કહ્યું. ભારતના ભવ્ય ભૂતકાળને જાણીને અને ભારતની ઉચ્ચતમ સિદ્ધિઓને પિછાણીને ભારતના લોકો અવશ્ય જ પોતાના વારસાનું ગૌરવ અનુભવશે. એમણે કહ્યું : ‘જે લોકોને પોતાના ભૂતકાળના ગૌરવનું, એના ઇતિહાસનું અને એના સાહિત્યનું સન્માન નથી હોતું, તેઓ પોતાના રાષ્ટ્રિય ચારિત્ર્યનો મુખ્ય આધાર ગુમાવી બેસે છે.’
છેલ્લે, એમણે શાસકવર્ગની પણ ભારતના આ સમૃૃદ્ધ શાણપણ બાબત આંખો ખોલી અને તેમને પણ ભારત સાથે નરવો સંબંધ બાંધીને પોતાનાં જીવનને સમૃદ્ધ બનાવવાની શીખ પણ આપી. આમ, તેમણે અંગ્રેજોમાં એક નવી સૂઝ અને સભાનતા આપીને સંસ્કૃતમાં અધ્યયન પ્રત્યે પ્રેમ અને અભ્યાસનો વિકાસ કર્યો ! એને લીધે જ પશ્ચિમી દુનિયામાં સંસ્કૃતના પ્રધાન વિભાગો ખુલ્યાં ! સંસ્કૃત પ્રત્યે તેમનો આ કેટલો અદ્ભુત પ્રેમ ! કેટલો અથાક પરિશ્રમ !!
આ પહેલાં તો અંગ્રેજોને ભારત એની સભ્યતા અને પરંપરા તરફ તિરસ્કાર જ હતો. જેમ્સ મિલ જેવા કેટકેટલા લોકોએ ભારતની સભ્યતા અને સંસ્કૃતિને અણછાજતી અનેક ગાળો ભાંડી હતી. મિલે તો જાણે કે સંસ્કૃતભાષા વિરુદ્ધ એક કુરુક્ષેત્ર જ ખડું કરી દીધું હતું. અને એમાં એ શાસક વર્ગને પોતાના પક્ષે વાળવા ઘણે ભાગે સફળ પણ થયો હતો. એને અનુસરીને મેક્યાવેલીએ તો સરાજાહેર જ ભારતીય બુદ્ધિમત્તાની નિંદા જોશથી શરૂ કરી દીધી હતી. ૧૮૩૫માં એ બોલ્યો હતો : ‘યુરોપના સારા ગ્રંથોની એક અભેરાઈ જેટલાં પણ સારાં પુસ્તકો ભારત-અરબ કે પૂર્વના સાહિત્યના સમગ્ર ખજાના પાસે નથી. એની કોઈ ના નહિ પાડી શકે’.
જે લોકોને ભારત-અંગ્રેજો વચ્ચેના આવા પરસ્પરના અત્યંત ખરાબ સંબંધોની કશી ખબર જ નથી, એવા લોકો મેક્્સમૂલરના આ મહાન અને ભગીરથ કાર્યને બરાબર મૂલવી નહિ શકે ! આ બન્ને વચ્ચેનો આવો સંબંધ એવે વખતે બાંધવો એ જેવા તેવાનું કામ નથી ! અરે, એ પહેલાંની છેલ્લી સદીને અંતે તો અંગ્રેજોએ ભારતના લોકો વિષે ભારતમાં હજુ તો આવ્યા પણ ન હતા તે પહેલાં જ ‘ભારતની ઓગણ ચાલીસ બાબતો’ વિષે છાપીએ નાખ્યું હતું અને એ બાબતોમાં પહેલી બાબત ‘જૂઠું બોલવાની ટેવ’ અને બીજી બાબત ‘અપ્રમાણિકતા’ હતી !!
ભારતમાં આવ્યા પહેલાં જ અંગ્રેજોના દિમાગમાં ભારત પ્રત્યે આવી ઘૃણા; આવા અનાદર અને તુચ્છકાર હતાં, આવે વખતે પણ ઈંગ્લેન્ડમાં વસતા કેટલાક વિરલ ઉદાર-ઉદાત્ત મનના માનવો હતા, તેઓ આવા ઘૃણિત ખ્યાલથી દુ :ખી થતા હતા. તેઓ માંહેના એક મેક્્સમૂલરે પોતાથી બનતું બધું જ શાસકોની એ ગેરસમજણને દૂર કરવા સખત મથામણ કરી. હિન્દુઓમાં રહેતી સહજ સત્યપ્રિયતાનો ખ્યાલ, તેમણે તત્કાલીન અસંખ્ય અંગ્રેજોને વ્યક્તિગત સંપર્ક કરીને આપ્યો. અને તેમને પોતે અનુભવેલા અસંખ્ય ભારતીયોના પ્રત્યક્ષ અનુભવની સાબિતી પણ આપી. મેક્્સમૂલરને ઠગોની ટોળીને ખતમ કરનાર કર્નલ સ્લીમૅનનાં વક્તવ્યોએ ઉત્સાહ આપ્યો અને તેથી એમણે ૧૮૮૩ માં કેમ્બ્રીજમાં, ‘ભારત આપણને શું શીખવી શકે ?’ વિશે વ્યાખ્યાનો આપ્યાં. એના બીજા પ્રવચનમાં એમણે સ્લીમૅનને ટાંક્યા છે : ‘મારી પાસે એવા સેંકડો દાખલા છે કે જેમાં માણસ ખોટું બોલવા ઉપર જ માણસની સમૃદ્ધિ, સ્વતંત્રતા અને જીવનનો આધાર હોય અને છતાં પણ માણસે ખોટું બોલવાને બદલે એ બધાંનો ત્યાગ કરી દીધો હોય !’
આ વ્યાખ્યાનો મુખ્યત્વે તો ઈન્ડિયન સિવિલ સર્વિસના ઉમેદવારોમાં ભારત તરફ પૂર્વગ્રહ વગરની સાચી સમજણ પેદા કરવા અપાયાં હતાં. પહેલા વ્યાખ્યાનમાં તેમણે ભારત પ્રત્યે પોતાની પ્રશંસાના ઉદ્ગારો આ પ્રમાણે કાઢ્યા હતા :
‘જો મને આખી દુનિયામાં કુદરત આપી શકે તેવી બધા જ પ્રકારની સમૃદ્ધિ, સત્તા, સૌન્દર્ય, વગેરેથી સુસમ્પન્ન ભૂમિને શોધવાનું કહેવામાં આવે, સ્વર્ગથીય અદકેરી ભૂમિ શોધવાનું કહેવામાં આવે તો હું ભારત તરફ જ આંગળી ચીંધું ! જો મને કહેવામાં આવે કે કયા આકાશ તળે માનવમન પૂર્ણત : વિકસ્યું છે, અને એની અભીષ્ટ બક્ષિસો પામ્યું છે ? અને કોણે માનવજીવનની મહાન સમસ્યાઓ ઉપર ગહનતાથી ચિંતન કર્યું છે ? અને કોણે એમાંથી કેટલીક સમસ્યાઓનું પરિતોષજનક સમાધાન મેળવ્યું છે ? પ્લેટો અને કાન્ટને ભણેલાઓનુંય ધ્યાન ખેંચે એવાં એ કયાં સમાધાનો છે ? તો હું ભારત તરફ જ આંગળી ચીંધું !! અને જો હું મારી જાતને જ પૂછું કે કેવળ ગ્રીક અને રોમન ચિંતનો પર જ પોષાયેલા યુરોપમાંના સેમેટીક વંશીય જ્યૂઈસ્ (યહૂદીઓ) કયા સાહિત્ય પાસેથી આપણા આંતરિક જીવનને વધુ પૂર્ણ કરવા માટે, એને વધુ સમજણ ભર્યું, વધુ વૈશ્વિક, વધુ માણસાઈ ભર્યું – અને એ બધું પણ કેવળ પ્રવર્તમાન જીવન માટે જ નહિ – દેહાન્તરે અમર જીવનને પણ – પ્રેરણા લઈશું ? તો ફરી વખત પણ હું ભારત તરફ જ આંગળી ચીંધીશ.’’ (ઈંક્ષમશફ, ઠવફિં ભફક્ષ શિં યિંફભવ ીત ?)
(ક્રમશ 🙂
Your Content Goes Here




