વિવેકાનંદના જીવનની આ અદ્‌ભુત કથા છે તેમાં હું ઈશ્વરની કૃપા નિહાળું છું. કૉલેજજીવનના તીવ્ર બુદ્ધિશાળી, મીલ, સ્પૅન્સર, ડારવીન વગેરેના શિષ્ય વિવેકાનંદ મહાન યોગી શ્રીરામકૃષ્ણના પરિચયમાં આવે છે. સંત યુવાન વિવેકાનંદને ચાહે છે. તેના સવાલના જવાબમાં સંત કહે છે તે પોતે સાંભળે છે. “ઈશ્વરનાં દર્શન થઈ શકે છે. તમારી સાથે હું વાતચીત કરું છું અને તમને જોઉં છું તેમ હું તેનાં દર્શન કરું છું અને તેની સાથે વાતચીત કરું છું પણ તેનાં દર્શન માટે શ્રમ કોણ લે છે? લોકો સ્ત્રી માટે, બાળકો તથા માલ મિલ્કત સારુ આંસુ પાડશે. પણ ઈશ્વરના પ્રેમ કાજે કોણ રડે છે? છતાં આ હું જાણું છું કે ઈશ્વરનાં દર્શન માટે કોઈ મનુષ્ય હૃદયપૂર્વક રુદન કરે તો તે દયા લાવીને પોતાનાં દર્શન દેશે.”

કેટલાક વર્ષો સુધી વિવેકાનંદના હૃદયમાં મનોવ્યથા ચાલુ રહેલ. અને આકસ્મિક એમનાં અંતરનાં ચક્ષુ ખુલી ગયાં. અણચિંત્યું એમણે કાંઈક જોયું. શંકા તેમ જ આશંકાના ઝંઝાવાતમાંથી પસાર થતાં એમણે છેવટે બુમ પાડી. “શિવ!” “શિવ!” એમની પાસે કોઈની હાજરી હોય એમ જણાયું. એમના અંતરમાં નવજીવન વહેવા માંડ્યું. એમણે શ્રદ્ધા રાખી. એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ! એમના જીવનમાં પરિવર્તન થયું. કૉલેજથી જીવનની અભિલાષાઓનો તેમણે ત્યાગ કર્યો. ત્યાર પછી એમનું જીવન અર્પણ કરાયેલ જીવન હતું. તે પ્રભુના દાસ, માનવજાતના સેવક બન્યા. એમણે હિંદુ ધર્મનાં મૂલ્યોમાં શ્રદ્ધા સ્થાપીને તેને વિશ્વની મહાન શક્તિ બનાવવા ઈચ્છયું. એમણે કહ્યું: “તમે ઈશ્વર સાથે સમુદ્ર પાર કરી શકશો! તેના વિના તમે ઉંબરો પણ ઓળંગી શકતા નથી.” વિવેકાનંદ ઈશ્વર સાથે સાગર પાર ગયા! તે ઈશ્વર સાથે ખંડો ઓળંગી ગયા! અને ૠષિઓના ડહાપણનો ઢંઢેરો પુનઃ જાહેર કર્યો. “ઉઠો! જાગ્રત થાવ!” એ વિવેકાનંદના રણશીંગાનો નાદ ભારત, ઈંગ્લેન્ડ તથા અમેરિકાના લોકોને સંભળાવ્યો. એમણે વિશ્વમાં હિંદુ ધર્મનો પ્રચાર કરવા સારુ, ભારતમાં અનેક આત્માને સંદેશ દ્વારા જાગ્રત કર્યા. એમણે વિશ્વના લોકોને હિંદુ ધર્મનાં મૂલ્યોનો અર્થ સમજાવ્યો અને ભ્રાતૃભાવનો સંદેશ વિશ્વની સમક્ષ જાહેર કર્યો.

વિવેકાનંદ પેની (એક આનાનો સિક્કો) વિના અમેરિકા પહોંચ્યા અને બીજા દિવસે શિકાગો શહેરમાં સર્વ ધર્મની સભા સમક્ષ હાજર થયા. હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે એમણે વિરાટ સભાને સંબોધી. પ્રવચન ટૂંકું હતું, પણ એમના પ્રતિભાશાળી દેહ તેમજ સર્વ ધર્મની એકતાના સંદેશે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. માનવ જાતની સેવા ઈશ્વરની શ્રેષ્ઠ પૂજા ભક્તિ છે, એમ એમણે ભારપૂર્વક જણાવ્યું. પ્રભુના દાસને પૃથક્ જાતિનું લગીરે મૂલ્ય નથી. ધર્મ જીવન છે જેથી વિવેકાનંદને વિશ્વ-ધર્મોનું મહાન સત્ય લાઘ્યું.

શ્રીરામકૃષ્ણ તથા વિવેકાનંદે ભારપૂર્વક કહેલ કે, ધર્મ એ સાધના છે. તે હૃદયની અંદર આત્મિક જીવનની જાગૃતિ છે. તે કોઈ પંથ નથી. વેદો ફળદ્રુપ ખજાનો છે.

પ્રાણીમાત્રમાં એક પ્રભુના દર્શન કરવા માટે સિંધ પ્રાંતના એક જ્ઞાની તથા કવિ અબ્દુલ ફઝલે કાશ્મીરમાં આવેલ હિંદુ મંદિર માટે લખેલ આકર્ષક શિલાલેખ તેની સાક્ષી આપે છે. તે સૌને સ્મરણમાં રાખવા યોગ્ય સાદ છે કે ઈશ્વર તમામ ધર્મોના એક પ્રેરક તથા સર્વ જાતિના એક માત્ર શાસક હતા. અબ્દુલ ફઝલે, ગીતા, ઉપનિષદ, રામકૃષ્ણ, કેશવચંદ્ર સેન તેમજ વિવેકાનંદના તત્ત્વનું ઉચ્ચારણ કર્યું. અબ્દુલ ફઝલે નીચે પ્રમાણે લખ્યું છે:

ખ્રિસ્તીના દેવળમાં હું જાઉં છું

અને મસ્જિદમાં હું બંદગી કરું છું.

પણ સર્વત્ર તુજને જ શોધું છું.

તારી જ શોધમાં ગૃહેગૃહે હું જઉં છું!

હે પ્રભો! પ્રત્યેક મંદિરમાં… … …

***

મુસ્લિમની મસ્જિદની બંદગીમાં,

હિંદુ મંદિરની આરતીમાં,

ખ્રિસ્તીના દેવળની પ્રાર્થનામાં,

તુજના પવિત્ર પ્રેમમાં

તારાં ગુણગાન કરતાં તેઓને હું સાંભળું છું.

શ્રીરામકૃષ્ણ અને તેમના પ્રિય શિષ્ય વિવેકાનંદ માટે કેશવચંદ્દ સેન તેમજ દયાનંદ સરસ્વતીએ નૂતન ભારતની રચના માટે એકતાની તાતી જરૂરનું સત્ય સમજાવેલ. તેઓએ શિલ્પકળા, વિજ્ઞાન તથા રાજનૈતિક સિદ્વિનું સ્થાન પ્રજાકીય જીવનની યોજનામાં દીઠું અને પ્રજાના ઘડતર માટે ઔષધ, આરોગ્યની જાળવણી, વિદ્યુતશક્તિ તેમજ ખોરાકના મૂલ્યની મહત્તા સમજાવેલ. પણ એ યાદ રહે કે સામાજિક કલ્યાણની યોજનાને આત્માની જરૂર રહે છે. ભારતનું નવસર્જન કેવળ શિલ્પકળાની શેાધખાળથી પ્રાપ્ત નહીં કરાય. આપણે ભારતનાં ‘મૂળ’ના જીવનનો નાશ ન કરવો જોઈએ. ભારતના જીવનનું મૂળ આત્મામાં છે – આત્માનો સંદશ માત્ર ભારત માટે નહીં, પણ જગતની તમામ પ્રજા માટે છે. કારણ, અફસોસ. આધુનિક જીવન કચડાયેલ અને કદરૂપું બન્યું અને વિવેકાનંદનો સાદ છે કે “તમો તમારી આંખો ઉઘાડીને જોશો?”

ભારતના શાણા મનુષ્યોએ યુગો પહેલાં એક કાયદો શોધેલ. તેઓ તેને ‘કર્મનો કાયદો’ કહેતાં. નિષ્ઠુરતા, અભિમાન તથા વિલાસ પર રચાયેલ સત્તાનો અંત આવે છે. આ કર્મનો કાયદો છે. જુલમી રાજ્યો જમીનદોસ્ત થાય છે. ભારત તેમજ યુરોપમાંથી મને પુછાવે છે- “ધર્મ શું છે?”

મારો જવાબ ટૂંકો છે – “ધર્મ કર્તવ્ય છે. અર્પણ કરાયેલ કર્તવ્ય છે. ધર્મ કર્મ છે, જે ત્યાગમાં ફાલે ફૂલે છે ને કર્મ ઈશ્વરને અર્પાય છે.”

Total Views: 707

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.