આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની એ વિશિષ્ટતા છે કે એના તાત્ત્વિક સિદ્ધાંતોમાં એટલી બધી સ્વતંત્રતા રહેલી છે કે પાછળથી એમાં ગમે તેટલી વિગતો ભરો છતાં એ બધી જ વિગતો આકાશ જેટલા વિશાળ અને ખુદ પ્રકૃતિ જેટલા સનાતન સિદ્ધાંતોનું જ જાણે સ્પષ્ટીકરણ કરતી હોય એવું લાગે. એટલે સંપ્રદાયો તો અહીં અવશ્ય રહેવાના જ. માત્ર જે ન રહેવા જોઈએ તે છે સાંપ્રદાયિક ઝઘડાઓ. સંપ્રદાયો જોઈએ, પણ સાંપ્રદાયિકતાની જરૂર નથી. સાંપ્રદાયિકતા દુનિયાને માટે સારી નથી, જો કે સંપ્રદાયો વિના દુનિયા આગળ ચાલી જ ન શકે. એક જ ઢાળાના મનુષ્યો સર્વ કંઈ ન કરી શકે. જગતના લગભગ અનંત શક્તિભંડારની વ્યવસ્થા કેવળ મર્યાદિત સંખ્યાના માણસોથી ન થઈ શકે. અહીં આશ્રમની વહેંચણીની, આ સંપ્રદાયોના વિભાજનોની જરૂરિયાત આપણે તરત સમજી શકીએ છીએ. આધ્યાત્મિક શક્તિના ઉપયોગ માટે સંપ્રદાયો ભલે રહે; પરન્તુ જ્યારે આપણાં પ્રાચીનમાં પ્રાચીન પુસ્તકો પોકારે છે કે આ ભિન્નતા માત્ર ઉપરછલ્લી છે, આ બધા ભેદો હોવા છતાં એ બધાની આરપાર સમન્વયનો, સુંદર ઐક્યનો એક દોરો પરોવાઈ રહેલો છે, ત્યારે આપણે ઝઘડવાની કશી જરૂર ખરી? આપણા પ્રાચીન ગ્રંથોએ પોકારીને કહ્યું છે : एकं सत् विप्रा बहुधा वदन्ति । ‘સત્‌ એક જ છે, ઋષિઓ તેને જુદે જુદે નામે બોલાવે છે.’ માટે જ્યાં સર્વ સંપ્રદાયોનું સર્વદા સન્માન થતું આવેલું છે તે ભારતભૂમિમાં જો આ સાંપ્રદાયિક વિખવાદો હોય, વિવિધ પંથો વચ્ચે જો આ ઝઘડાઓ હોય, જુદા જુદા સંપ્રદાયો વચ્ચે જો ઈર્ષ્યા અને તિરસ્કાર પ્રવર્તતાં હોય, તો એ પૂર્વજોના વંશજો કહેવડાવવાની ધૃષ્ટતા કરનારા આપણે માટે એ શરમજનક બિના કહેવાય…

જે આપણી પ્રજાનો સર્જક, પાલક અને રક્ષક છે; જે આપણા પૂર્વજોનો પરમાત્મા છે, તેને તમે વિષ્ણુ કહો, શિવ કહો, શક્તિ કહો કે ગણપતિ કહો, તેની સગુણરૂપે ઉપાસના કરો કે નિર્ગુણરૂપે ઉપાસના કરો, તેની અવ્યક્ત રૂપે પૂજા કરો કે વ્યક્ત રૂપે પૂજા કરો, જેને આપણા પૂર્વજો ઓળખતા; અને જેનો ઉલ્લેખ તેઓ આ શબ્દોથી કરતા एकं सत् विप्रा बहुधा वदन्ति । – ‘સત એક જ છે. ઋષિઓ તેને અનેક નામથી બોલાવે છે’ તે પરમેશ્વર પોતાના પ્રભાવશાળી પ્રેમ વડે આપણામાં પ્રવેશ કરો, પોતાના આશીર્વાદ આપણા પર વરસાવો, આપણને પરસ્પરને સમજવાની શક્તિ આપો, આપણને એકબીજા માટે સાચા પ્રેમથી, સત્ય માટે ગાઢ નિષ્ઠાથી કામ કરવાનું બળ આપો; અને અંગત યશ, અંગત પ્રતિષ્ઠા કે અંગત લાભની જરા સરખીયે લાલચનો પ્રવેશ અંતરમાં થવા દીધા વિના આપણને આ ભારતના આધ્યાત્મિક પુનરુત્થાનના મહાન કાર્યમાં લાગી જવાનું બળ આપો!

— સ્વામી વિવેકાનંદ

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’, પૃ.૮૪, ૯૪)

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.