‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ’ ‘એનઆઈએએસ’ના ડાયરેક્ટર પ્રૉ. રોદ્દામ નરસિમ્હા ‘જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક’ રીસર્ચમાં કાર્યરત છે.
વિશ્વનાં બધાં રાષ્ટ્રોનાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રો પર ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી અત્યંત પ્રભાવક અસર પાડશે એ વાત હવે સર્વસ્વીકૃત બની ગઈ છે. ભારતે આ ક્ષેત્રના વિકાસ-તેમાંય ખાસ કરીને સોફ્ટવેરવ્યવસાય ક્ષેત્રમાં-વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખૂબ જ નફાકારક જણાતા આ વ્યવસાયમાં કેન્દ્ર અને રાજ્યની સરકારો જાણે કે એક બીજાની સ્પર્ધામાં ઊતરતી હોય એવું લાગે છે. કેન્દ્ર સરકારે ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી માટે એક કાર્યકારી જૂથની રચના પણ કરી દીધી છે. આ જૂથે પોતાના બે અહેવાલો આપી દીધા છે અને ત્રીજો અહેવાલ પણ બહાર પડવાની તૈયારીમાં છે. આ અહેવાલોએ દેશના ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના વિકાસ માટે એક ચોક્કસ દૃષ્ટિકોણ નક્કી કર્યો છે. આ ક્ષેત્ર સાથે સંલગ્ન સોફ્ટવેર, હાર્ડવેર, શિક્ષણ અને બીજાં સંખ્યાબંધ વિવિધતાભર્યાં ક્ષેત્રોની પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓના વિસ્તૃત વિસ્તરણ અને પ્રસાર માટે પરિકલ્પના પણ વિચારી લીધી છે. આ કાર્યકારી જૂથનો અહેવાલ કહે છે તેમ, સરકારનો ઈરાદો ભારતને ‘ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી સુપર પાવર’ બનાવવાનો છે. અને એમ સ્પષ્ટપણે માને છે કે માનવજાતિના એકેએક પાસાને પરિવર્તિત કરવા માટે ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી એક અનોખું માધ્યમ છે અને એના દ્વારા ૨૧મી સદીનો જ્ઞાનમૂલક સમાજ ઊભો કરી શકાશે. ઘણી રાજ્ય સરકારો-તેમાંય આંધ્ર અને કર્ણાટક રાજ્યની સરકારે-ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના વિકાસ માટે ઘણાં મહત્ત્વનાં પગલાં ભર્યાં છે.
૧૯૯૮ના નવેમ્બરની બઁગલોરની એક શિબિરમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી વિશેના અનેકવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં વ્યવસાય, ઉદ્યોગ, ટૅક્નૉલૉજીની સાથે દેશના સમાજ જીવન અને સાંસ્કૃતિક ક્ષેત્ર પર પડનારા પ્રભાવોની વાતો પણ થઈ હતી. સમાજના મૂળભૂત અને પાયાના આદર્શોને ચરિતાર્થ કરવા આપણે આ ટૅક્નૉલૉજીને કામે લગાડવા ઇચ્છતા હોઈએ તો આપણે અનેકવિધ દૃષ્ટિએ અત્યંત ચોકસાઈપૂર્વક ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીને નિરખવી પરખવી પડશે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે.
ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી : એક વ્યાપાર ઉદ્યોગ
ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી ઉદ્યોગનો વ્યાપાર ૧૯૯૭-૯૮ના વર્ષ દરમિયાન રૂ. ૧૨૦૦૦ કરોડનો રહ્યો હતો, એનું નિર્યાત મૂલ્ય બે બિલિયન ડૉલર થાય. ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના ટાસ્ક ફોર્સ દ્વારા કાર્ય થાય છે. ઈ.સ. ૨૦૦૮ સુધીમાં આ વ્યાપારમાં વૃદ્ધિ કરીને ૫૦ બિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો છે. આ ક્ષેત્રની કંપનીઓએ પ્રશંસનીય કાર્ય કર્યું છે અને વિશ્વભરમાં તેમણે નામના મેળવીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ક્ષેત્રની સૌથી મોટી ભારતીય ઉદ્યોગવ્યાપાર પેઢીઓ વૈશ્વિક વ્યાપારના વિશાળ ક્ષેત્રમાં પોતાનો પગપેસારો કરી ચૂકી છે અને હવે વિદેશી શેરબજારમાં એમનું નામ પણ લેવાશે. આ ક્ષેત્રના ભારતીય ઉદ્યોગોમાં વિવિધ સેવાઓ અને ઉત્પાદનો પણ બહાર આવી રહ્યાં છે. ઉદાહરણ તરીકે દુનિયામાં નાનામાં નાનાં લેપટોપ કમ્પ્યુટરની ડિઝાઈન બઁગલોરમાં થઈ છે, પણ એ જાપાનીઝ બ્રાંડથી બજારમાં વહેતું મુકાશે. અહીં એટલું કહેવું આવશ્યક છે કે સોફ્ટવેરની માફક બ્રાંડ ઈક્વિટી-પ્રમાણભૂત વ્યાપારી માર્કો-ભારત હજુ હાર્ડવેરના ક્ષેત્રમાં ધરાવતો નથી. સંદેશ વ્યવહારના નેટવર્કમાં અતિ અદ્યતન અને અંતિમ તબક્કાના કાર્ય માટે વિદેશી ઉત્પાદકોને પરવાના અપાય છે. ટૅક્નૉલૉજી વિશેના વિશ્વભરના મુખ્ય નાણાકીય સામયિકોમાં સૉફટવેરના ક્ષેત્રમાં મુખ્યસ્રોત તરીકે વ્યાપકપણે ભારતનો ઉલ્લેખ થાય છે. ન્યુઝ વિકમાં આવેલ આ અંગેનું તાજેતરનું ઉદાહરણ લો: ‘૯ નવેમ્બરના ‘ન્યુઝ વીક’માં બઁગલોર સાથેની સિલિકોન વેલીના પ્રતિસ્પધર્કોની યાદી આપવામાં આવી છે. આ દર્શાવે છે કે ભારતીય ઉદ્યોગોની શક્તિમત્તા અને ગુણવત્તા અને એમાંય વિશેષ તો આપણી વિજ્ઞાન ટૅકનૉલૉજી અને માનવશક્તિની શક્તિમત્તાનું મૂલ્યાંકન વિદેશના રાષ્ટ્રોમાં જેટલું વધારે સારી રીતે કરવામાં આવે છે એટલું આપણે ત્યાં થતું નથી.
ભારતનું સ્થાન વિશ્વભરમાં આટલું મોખરાનું હોવા છતાં વિશ્વની સોફ્ટવેરની કુલ આવશ્યકતાઓનો ૧% જેટલો ઘણો અલ્પ ભારતનો હિસ્સો ગણાય. વળી ભારત જે ઉત્પાદન કરે છે તે પ્રમાણમાં જરા નિમ્નકક્ષાનું છે. આ દેશમાંથી સર્વાંગપૂર્ણ પેકેજીઝ-સંપુટ, થોડી સંખ્યામાં છે ખરા અને થોડા ઘણા પેકેજીઝ-સંપુટમાં નિષ્ણાત કક્ષાના જ્ઞાનનાં દર્શન થાય છે. ભલેને આવા કુશળતાપૂર્વકના કાર્યમાં કુશાગ્રબુદ્ધિયુક્ત તજજ્ઞતાની આવશ્યકતા નથી પણ, રાષ્ટ્રીય સંપત્તિ ઊભી કરવા અને ધનોપાર્જન કરવા માટે ભારતના નિષ્ણાત વ્યાવસાયિકો અને કુશળ ઈજનેરોનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું પણ નથી. અત્યારે બજારમાં ઉચ્ચ કક્ષાની તજજ્ઞતાનું ૪% જેટલું પ્રમાણ છે. આમ નિયત કક્ષાના સોફ્ટવેર પર આધારિત રહીને ચાલવું એ આપણા દેશને ગરીબમાં ગરીબ રાષ્ટ્ર બાંગ્લાદેશની સ્પર્ધા પણ હંફાવી શકે તેવું અને ટૅક્નૉલૉજીમાં આવતાં પરિવર્તનો પણ આપણને ડગાવી દે એવું બને. આ દૃષ્ટિએ એક વાત સંતોષપ્રદ છે કે આ ક્ષેત્રના સોફ્ટવેરનાં કેટલાંક ઉત્પાદનો એવાં છે કે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં નથી. પણ આપણા વ્યાપારનો આ તો માત્ર અતિ સૂક્ષ્મ-અતિ અલ્પાતિઅલ્પ ભાગ ગણાય અને જો વધુ નવા વધુ સુધરેલા-સંશોધિત ઉત્પાદન-પેકેજિઝને પ્રોત્સાહનરૂપ બનતી યોગ્ય સરકારી નીતિ હોય તો આ સોફ્ટવેરના ક્ષેત્રમાં શક્ય છે તેનાં સંકેતો આપનારા એક ભાગ રૂપે જ તેને જોવું જોઈએ.
ઈન્ફોરમેશન ટૅક્નૉલૉજી નેટવર્કનું એક મહત્ત્વનું સાધન આઈ.ટી.નું સૌથી મોટું અને મહત્ત્વનું પ્રદાન ઈલેક્ટ્રોનિક્સ નેટવર્ક પૂરાં પાડવાનું છે. આના લીધે વિવિધ પ્રકારના સંદેશ-વ્યવહારના ક્ષેત્રે ઓછામાં ઓછું ખર્ચાળ, ત્વરિત અને વિશાળપાયે વિસ્તૃતિવાળું ક્ષેત્ર બનાવી શકાય છે. ભારતમાં આવાં શક્તિશાળી નેટવર્કો ઊભાં કરવાં અત્યંત અગત્યનું છે. એનાથી રાષ્ટ્રની આવશ્યક્તાવાળાં ક્ષેત્રની સેવામાં સહાય મળશે. આપણા દેશના કેટલાક ભૂભાગો એવા દૂર સુદૂરના અને એકલા-અટૂલા પડ્યા છે અને આ ભાગોમાં જમીન માર્ગોનો વ્યવહાર સ્થાપવો કે વિકસાવવો પ્રમાણમાં સરળ નથી. ઉત્તરપૂર્વ-જમ્મુ-કાશ્મીર અને ગુજરાત-રાજસ્થાનના કેટલાક વિસ્તારો એનાં ઉદાહરણ છે. સંદેશાવ્યવહારનાં પ્રણાલિગત સાધનોના વિકાસ અને ચીલાચાલુ વાહન-વ્યવહારની ટૅક્નૉલૉજીમાંથી એક ફલાંગ લગાવવા અત્યારના અતિ આધુનિક ટૅક્નૉલૉજીકલ વિકાસનો લાભ લેવાની તક ભારતને સાંપડી છે. સાયન્ટિફિક એડવાઈઝરી કમિટીએ થોડા સમય પહેલાં દેશમાંના બધાં સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી સંસ્થાનોને એક સૂત્રે સાંકળી લેવા આવું એક નેટવર્ક સ્થાપવા વિશેનો વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારને સુપ્રત કરી દીધો છે.
આશરે રૂ.૧૩૦ કરોડના ખર્ચ સાથે પાંચ વર્ષમાં ભારતની ૨૫૦ યુનિવર્સિટીઓ, ૮૦૦૦ કોલેજો, સરકારની ૨૦૦ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રયોગશાળાઓ અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં ૧૫૦૦ ઔદ્યોગિક યુનિટોને પણ એકી સાથે સાંકળી લેવાનું કાર્ય શક્ય છે, એવું તારણ પણ આપવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વના સમગ્ર વિસ્તારને આવરી લેવા માટે માત્ર રૂ.૩૦ કરોડની આવશ્યકતા છે એવું તારણ પણ અપાયું છે. અલબત્ત આવાં નેટવર્કથી આ અલિપ્ત જેવા વિસ્તારનાં લોકોના સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર કેવી પ્રગાઢ અસર પડશે તેની વાત કરવી શક્ય નથી. એવી જ રીતે અત્યારે અસંતોષજનક રીતે અને નાદુરસ્ત રીતે ચાલતી ૧૫૦ જેટલી યુનિવર્સિટીઓના શૈક્ષણિક કાર્ય પર પણ કેવો મહત્ત્વનો પ્રભાવ પડશે એ અત્યારે કહેવું અત્યુક્તિભર્યું લાગશે. જેમ ઈલેક્ટ્રોનિક નેટવર્કની આ મહાન શક્તિથી ઈલેક્ટ્રોનિક તારથી જોડાયેલા દેશના દૂર સુદૂરના ખૂણા-ખાંચરાના દેશોમાં તત્કાલ પ્રવેશનો માર્ગ પૂરો પાડશે તેવી જ રીતે શિક્ષણના બધા સ્તરે (પ્રાથમિક-માધ્યમિક, ઉ.મા. અને ઉચ્ચશિક્ષણના સ્તરે) શિક્ષણની પ્રક્રિયાઓ અને શિક્ષણની પ્રવિધિઓમાં આમૂલ પરિવર્તન લાવવા સક્ષમ અને શક્તિશાળી સાધનો પણ આનાથી પૂરાં પડી રહેશે. દેશભરમાં આવું શક્તિશાળી નેટવર્ક સ્થાપવાના દૃઢતાભર્યા પ્રયાસોની તાતી જરૂર છે અને આવા સમર્થ પ્રયાસો પણ જરાય રાહ જોયા વિના તત્કાલ થવા જોઈએ. એ સુખદ અને રસપ્રદ વાત છે કે આવાં નેટવર્કો ઊભાં કરવાની ટૅકનૉલૉજી પણ આપણા હાથમાં છે. અને એવો અંદાજ કરવામાં આવ્યો છે કે આવાં નેટવર્કો ઊભાં કરવામાં-આવી સૂચક પ્રગતિની હરણફાળ ભરવામાં એક જ વર્ષ લાગે તેમ છે. આ કાર્ય માટે કેટલીય કાર્યયોજના હાથ ધરાઈ છે. ભારતના સન્માનનીય વડા પ્રધાન શ્રીઅટલબીહારી બાજપેયીએ યુનિવર્સિટીઓ માટેના વિદ્યાવાહિની નેટવર્કની જાહેરાત પણ કરી દીધી છે. કૉનેર્ગી મેલોન યુનિ.ને ‘સાંખ્ય વાહિની’ નેટવર્ક-ડેટા-આદાન-પ્રદાન માટે-સાંકળવાનો પ્રકલ્પ પણ છે. હવે આવશ્યકતા એ વાતની છે કે આ આયોજનોનું એવી રીતે સુસંકલન-સંચાલન થાય કે જેથી બહુ જ નજીકના સમયમાં ભારતના દૂર-સુદૂરના અલિપ્ત જેવા ભાગો સાથેનું સક્ષમ સંદેશ-વ્યવહારનું માધ્યમ શક્ય બને. પોતાનાં સરળ સાધનો દ્વારા વિવિધ પ્રકારની જ્ઞાનમાહિતીનો માર્ગ ખુલ્લો કરી દેતાં આ નેટવક્ર્સ વિકેન્દ્રિત શાસન-સરકાર અને જાહેર લોક વ્યવહારમાં પારદર્શિતા લાવવામાં પણ સહાયક નીવડશે.
ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી એક સામાજિક-સાંસ્કૃતિક બળ
આવા યોગ્ય નેટવર્કની પ્રાપ્યતા અને અનિવાર્ય હાર્ડવેરની પ્રાપ્તિ લોકોની કાર્યપ્રણાલિની કાયાપલટ કરી શકે તેમ છે. ઉદાહરણ તરીકે એક સાધારણ યંત્રસાધન સાથે લોકો ઘરે રહી શકશે અને ઈલેક્ટ્રોનિક સંદેશ સાધનોની સહાયથી દૂર રહેલા પોતાના સાથી કાર્યકરોને સંદેશા આપીને પોતાનું ઉત્પાદક કાર્ય પણ કરી શકશે. આટલું તો સ્પષ્ટ છે કે આવી સુવિધા આપણા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં નવા પ્રકારના કુશળ-કાર્યશક્તિવાળી રોજગારીઓ પણ લાવી શકશે. સાથે સાથે આ વિશાળ દેશની બુદ્ધિશાળી સ્ત્રીઓનાં કાર્યશક્તિયુક્ત કાર્યકારી શક્તિ જૂથને પણ સારી રોજગારીઓ આપી શકશે. ઓછી કિંમતે-એક લાખ રૂપિયાના રોકાણથી-શરૂ થઈ શકે તેવાં અને સ્વરોજગારી સ્વતંત્રતાવાળાં આઈ.ટી. ઉદ્યોગ-સાહસો આ દેશમાં લોકપ્રિય અને સૌને આકર્ષનારાં સાહસો બની રહેશે.
ઈન્ટરનેટ પર વિવિધ પ્રકારની અનેક માહિતીની પ્રાપ્તિએ લોકોની જ્ઞાનમાહિતીપ્રાપ્તિ અને તેમના વિનિયોગની રીતભાત પર સૂચક પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું છે. ઉદાહરણ તરીકે હવે પછીના દિવસોમાં બધાં ગ્રંથાલયોની કોઈનેય આવશ્યકતા રહેશે નહીં. ડિજિટલ લાઈબ્રેરીઓ, ઓન-લાઈન-જર્નલ્સ, પ્રોફેસનલ બુલેટિન બોડર્સ ઈત્યાદિ. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનાં ક્ષેત્રોની સાથે કલા-સાહિત્ય પત્ર-વ્યવહાર વગેરે વિષયોના સંશોધનકારોને-અનેક નવાં સંશોધન-માધ્યમો-સાધનો પૂરાં પાડી શકશે. ઈન્ટરનેટ પર સાંસ્કૃતિક બાબતોની મહત્ત્વની બાબતો આપણે મેળવી શકીએ છીએ. સમાન અસાધારણ રોગોથી પીડાના લોકો, કોઈ અસાધારણ વસ્તુ માટેના સમાનશીલવ્યસન શોખવાળા વિષયોમાં રસ ધરાવતા લોકો, પ્રાચીન ભાષાઓ જેવા ખાસ વિષયોમાં રસ-રુચિ ધરાવતા લોકોના પ્રત્યક્ષ મિલન જેવી ઈન્ટરનેટ કલબ દ્વારા પણ માહિતી-વિચારનું આદાન-પ્રદાન થઈ શકે છે.
ઈન્ફર્મેશન ટૅક્નૉલૉજીની ભાવિ ઉમેદો, આશાઓ અને ભ્રમ-સંશયો
વિવિધ દૃષ્ટિકોણથી આઈ.ટી. વિકસતા દેશની સામે એવી અસાધારણ તકો ધરે છે કે જે આ રાષ્ટ્રોને રાષ્ટ્રીય સંપત્તિ ઊભી કરવામાં સહાયક બને છે. એટલે જ આ ટૅક્નૉલૉજીના ભય-સંશયોની માહિતી મેળવી લેવી જોઈએ અને સમજી લેવી જોઈએ. ખાસ કરીને બળવત્તર, પ્રચંડ કાર્યવાહીવાળા આપણા નિર્યાત વ્યાપારની વૃદ્ધિ દ્વારા કમાણી પ્રાપ્ત કરવા દુનિયાના કોઈ પણ દેશમાં તે વસ્તુ વેંચી શકીએ છીએ એ વખતે આપણે એ વાસ્તવિકતા પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઈએ કે અંતે રાષ્ટ્રના નીતિભર્યા વિકાસનો આધાર આપણા બધા પ્રજાજનોને અન્નવસ્ત્ર, આશ્રય, સલામતી, આરોગ્યની જાળવણી અને શિક્ષણની સવલતોની પૂરતી ઉપલિબ્ધ પર આધાર રાખે છે. જો આપણે આ બધાં રાષ્ટ્રીય ધ્યેયો સુધી પહોંચવા માગતા હોઈએ તો આપણે આ બાબતની પાકી ખાતરી કરી લેવી પડશે કે ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીની પહોંચ ૨% જેટલી માત્ર અલ્પ પ્રમાણના અંગ્રેજી જાણનાર પૂરતી જ મર્યાદિત ન રહેવી જોઈએ. એટલે એ ટૅક્નૉલૉજીનો પ્રચાર-પ્રસાર દેશભરમાં કે દેશભરની બીજી ભાષાઓ દ્વારા પણ થવો જરૂરી છે. પરંતુ પ્રશ્ન અહીં એ છે કે આ બધું કરશે કોણ? ખાનગી પેઢીઓ પાસે આ ક્ષેત્રોમાં રોકવા પૂરતાં નાણાં નહીં હોય. મોટા ભાગના રાજ્યની સરકારો પણ આ મહાન કાર્યને ઉપાડી લેવા ઇચ્છુક પણ નહીં હોય. મોટાભાગની ભારતીય ભાષાઓના સોફ્ટવેરની ક્ષમતાની પ્રમાણબદ્ધતા હજી ઘણી નિમ્નકક્ષાની છે. ગ્રામ્ય વિસ્તાર સાથેના ભારતભરના બધા વિસ્તારોમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીનો પ્રસાર કરવા રૂ. ૫૦૦૦ની કિંમતના સાધારણ પ્રકારના કમ્પ્યુટરની માંગ રહેશે. તજજ્ઞ ઈજનેરો કહે છે કે આ કોઈ અશક્ય કાર્ય નથી. ચતુરાઈભર્યા કૌશલ્ય અને વિશાળ બજાર જેવી સુવિધાઓથી અપેક્ષાકૃત ઉચ્ચ હેતુઓ સિદ્ધ થઈ શકે.
આ બધી બાબતોને ધ્યાનમાં ન રાખી તો આઈ. ટી. પણ એવું બળ પૂરવાર થશે કે દુનિયા આપણા દેશના પ્રજાજનોને કોઈની પાસે બધું જ હોય અને બીજાઓની પાસે કંઈ ન હોય એવા – જ્ઞાન – સંપત્તિવાન અને જ્ઞાન-સંપત્તિવિહોણા એવા બે વિભાગોમાં વિભાજિત કરી દેશે. વિકાસશીલ દેશોએ એ વાત પૂરેપૂરી સમજી લેવી પડશે કે ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીનાં બધાં ઉત્પાદનો માટે તેઓ પૂર્ણપણે વિકસિત દેશો પર આધારિત છે. આ જ વસ્તુ તેમને નિર્બળ બનાવી દેશે અને સોફ્ટવેરની દુનિયામાં પ્રવાહી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. આપણને યાદ છે કે ગયા વર્ષે આવી જ આર્થિક પરિસ્થિતિની માઠી અસર એશિયાની નાણાંકીય બજાર પર પડી હતી.
વિકાસશીલ દેશોમાં શિક્ષણનાં બધાં ક્ષેત્રો પાયાના પ્રાથમિક થી માંડીને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક કક્ષા સુધીનાં અને આગળનાં ઉચ્ચતર વિકસિત અભ્યાસ ક્ષેત્રોમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીની આશાસ્પદ ઉમેદને પાર પાડવા વિશાળ પાયે ગંજાવર મૂડીરોકાણની આવશ્યકતા રહેશે. શિક્ષણના આ બધા સ્તરે ડિસ્ટન્સ લર્નીંગ અભ્યાસક્રમો અને વિવિધ પ્રકારનાં બીજાં સાધનો દ્વારા ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પોતે જ ખરેખર એક ઉત્તમ સાધન બની શકે તેમ છે.
આપણા દેશના સૌથી વધારે મૂલ્યવાન પ્રદાન કરનાર શ્રેષ્ઠ માનવ-સંશોધકો વિદેશ ચાલ્યા જાય છે, જ્યાં તેમને અહીં દેશમાં અપ્રાપ્ત એવાં આશ્રય અને ઉત્તમ તકોની લ્હાણી કરવામાં આવે છે. રાષ્ટ્ર માટે જે મહત્વાકાંક્ષી ધ્યેયો નક્કી કરવામાં આવ્યાં છે તેને સાકાર રૂપ આપવા આ ખોટને પૂરવા અને ઊણપોને ખાળવા તજજ્ઞકક્ષાની પ્રતિભાનો દેશભરમાં સર્વસ્વીકાર થાય તે રીતે તેમને ઉપયોજવા માટે સમજબૂઝવાળા અને ઉત્સાહકારી પ્રેરક કાર્યક્રમની તાતી જરૂર છે.
ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી એમના ટેલીવીઝન જેવા કાર્યક્રમોના નેટવર્ક દ્વારા વૈશ્વિક ક્ષેત્રે સાંસ્કૃતિક બાબતોમાં એક સરખાપણું – એક રસીલાપણું પણ લાવી મૂકે એ એની સૌથી મોટી જટિલ સમસ્યા છે. એમાંય અંગ્રેજીનું એમાં પ્રભુત્વ અને વિશ્વસ્તરે પ્રાપ્ત પ્રમાણભૂત મલ્ટી નેશનલ ઉત્પાદનો પણ એક વિષમ સમસ્યા ઊભી કરે છે. વૈશ્વિક સ્તરે એકરસીલી-એક સમાન સંસ્કૃતિ એ તંદુરસ્ત પ્રણાલિવાળી બાબત નથી. માહિતીની ગુપ્તતાની વાત એ વળી એક મોટી સમસ્યા છે. આ માટે આપણો દેશ હજુ પૂરો સાધનસજ્જ નથી.
‘શક્તિ’મીસાઈલના પરીક્ષણ પછી આપણા પર લદાયેલા પ્રતિબંધથી વધારે કપરી વસ્તુસ્થિતિ ઊભી થઈ. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વૈજ્ઞાનિકો અને ઈજનેરોની દૃષ્ટિએ આવશ્યક શક્તિશાળી કમ્યુટરની આયાત થઈ શકે નહીં. કારણ કે તે પ્રતિબંધાત્મક આદેશની યાદીમાં આવી જાય છે. એની સમાંતર ભારતીય કમ્પ્યુટર્સ ખપમાં લઈ શકાય ખરાં. સામાન્ય પ્રકારના પર્સનલ કમ્પ્યુટરર્સ વધુને વધુ શક્તિશાળી બનવા માંડ્યાં છે. પણ પરિસ્થિતિ સોફ્ટવેર સુધી પણ વિસ્તરે. અત્યારે ન્યુકિલયર સાયન્સના વૈજ્ઞાનિકોની જેમ કોમ્યુટેશનલ ફલ્યુઈડ, ડાઈનેમિક્સમાં કામ કરતાં કરતાં વૈજ્ઞાનિકો વચ્ચેના આદાનપ્રદાન મુશ્કેલ બની જશે.
ઉપસંહાર
ટૂંકમાં કહીએ તો ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી ભારતને નાણા-સંપત્તિ અને રોજગારી ઊભી કરવા અસાધારણ તક પૂરી પાડે છે. અને એ ભારતીય કાર્યપ્રણાલિને તેમજ આપણા દેશના ગાણિતિક અને ભાષાકીય ક્ષેત્રના મેધાવી નિષ્ણાતોની તદ્વિષયક કેટલીક પ્રક્રિયાઓને માટે પણ બરાબર અનુરૂપ છે. સાથે સાથે તે આપણા સમાજનું પરિવર્તન કરવા બળ પૂરું પાડે છે. આ પરિવર્તન ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના આગમન પહેલાં અત્યંત કઠિન લાગતું હતું. સ્ત્રીઓને શક્તિશાળી બનાવીને અને નબળા વર્ગને વધુ તાકાતવાન બનાવીને, સરકારના શાસનમાં પારદર્શિતા લાવીને દેશના આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રના આમૂલ પરિવર્તન માટે આ ટૅક્નૉલૉજી એક બળ બની રહે તેમ છે. પરંતુ ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીની શક્તિઓની સાચી અનુભૂતિ કરવા માટે એ અત્યંત આવશ્યક બની રહે છે કે આપણા દેશની – રાજકીય, ઔદ્યોગિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની – નેતાગીરીએ આ ટૅક્નૉલૉજીના ઉપયોગની સાથે જ સતત ઊભી થતી રહેતી અસંખ્ય બાબતો પ્રત્યે સમયે સમયે અને સતતપણે યોગ્ય નીતિનિર્ધારણનું કાર્ય પણ કરવું પડશે. આમ જીવનના વિવિધ ક્ષેત્રોના સંયોજિત-સંયુક્ત શક્તિથી આપણા દેશની સાર્વત્રિક પ્રગતિમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજીને બરાબર જોતરી શકીશું.
(ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા)
Your Content Goes Here




