નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ‘ગૃહસ્થોને માર્ગદર્શન’ ઈ. શીર્ષકવાળાં કેટલાંય પ્રકરણો છે. ગૃહસ્થોને શ્રીરામકૃષ્ણની સલાહ, એ મોટો વિષય છે. આપણે ‘ગૃહસ્થો’ બોલીએ છીએ, એનો અર્થ વસતિના ૯૯.૯ ટકા થાય છે. અર્થાત્, સઘળો લોકસમૂહ. એમણે પોતાનું જીવન કેમ જીવવું તે એક ઘણો મોટો પ્રશ્ન છે. પોતાના એક વ્યાખ્યાનના એક વાક્યમાં સ્વામીજી કહે છે, ‘આધ્યાત્મિક ન હોય તેને હું હિંદુ કહેતો નથી.’ કેવો સુંદર ખ્યાલ છે આ! લોકો આધ્યાત્મિક હોવા જોઈએ, માત્ર ધાર્મિક નહીં, ધાર્મિક થવું ખૂબ આસાન છે; કપાળે ચંદન લગાડો, તમે હિન્દુ થઈ જાઓ છો; ક્રોસ લટકાડો, તમે ખ્રિસ્તી બનો છો; ટોપી ઉપર બીજનો ચંદ્ર લગાડ્યો ને તમે મુસલમાન થઈ જાઓ છો. આમ, ધાર્મિક બનવું સહેલું છે. પણ માત્ર ધાર્મિક બનવા કરતાં, આધ્યાત્મિક બનવું જરૂરનું છે. અને આધ્યાત્મિકતાની આ ભાવના ઉપનિષદોમાંથી આવે છે કારણ કે, મનુષ્ય સ્વભાવ તત્ત્વત: આધ્યાત્મિક છે એમ ઉપનિષદો વર્ણવે છે. દેહમનના સંકુલ પાછળ આત્મા રહેલો છે – એની પ્રકૃતિ ચિત્ અને સત્‌ની છે. અનંતતા આપણી મૂળ પ્રકૃતિ છે. આ શોધ છે અને, મનુષ્યપ્રાણી વિશેનું એ વૈજ્ઞાનિક સત્ય છે એમ આપણે કહીએ છીએ. મનુષ્યનું ઊંડાણમાં અન્વેક્ષણ કરીને, ઉપનિષદના આપણા ઋષિઓએ આ સત્ય શોધી કાઢ્યું હતું. કઠોપનિષદમાં આ સુંદર વાક્ય આપણે વાંચીએ છીએ. પોતાનો બોધ આપતાં યમે નચિકેતાને કહ્યું હતું (૩.૧૨):

એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢો આત્મા ન પ્રકાશ્યતે,
દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્‌યા સુક્ષ્મયા સુક્ષ્મ દર્શિભિ: —

‘આ આત્મા બધાં ભૂતોમાં છે પણ, ગોપિત હોઈ પ્રકાશતો નથી; પણ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સત્ત્વો સાથે કામ પાડવાને ટેવાયેલી બુદ્ધિવાળા એકાગ્ર મનથી એનું દર્શન કરી શકાય છે.’

આત્માનું આ ગહન સત્ય, દિવ્ય શુચિ ચેતના, નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત અને અમર દરેક મનુષ્યમાં શાશ્વત વસે છે. પણ એ ગોપિત છે, આવિષ્કૃત નથી. શું એ નિત્ય ગોપિત રહે છે? નહીં. મહાન ઋષિઓએ એનો સાક્ષાત્કાર કર્યો છે અને સૌ કોઈ એનો સાક્ષાત્કાર કરી શકે છે. મનુષ્યોમાં એ માટેની પ્રાણજન્ય શક્તિ છે. કેવી રીતે? સૂક્ષ્મ સત્યોની ખોજ માટે મનને કેળવવામાં આવે ત્યારે, સૂક્ષ્મતમ ચિત્ત સૂક્ષ્મતમ સત્યોનો સાક્ષાત્કાર પામી શકે.

આજનું અણુવિજ્ઞાન આનો પુરાવો આપે છે. દ્રવ્યની સૂક્ષ્મ પ્રકૃતિને સૂક્ષ્મ ચિત્ત જોઈ શકે છે. અર્વાચીન વૈજ્ઞાનિકોના સૂક્ષ્મ ચિત્તની શોધ પ્રમાણે દ્રવ્ય ઊર્જાનું બનેલું છે. ન્યૂટનને કાળે તે ન હતું. એનું મન એટલે સુધી જ સૂક્ષ્મ હતું; વીસમી સદીમાં એ વિશેષ સૂક્ષ્મતર બન્યું. એ જ રીતે, મનુષ્યોના વિષયના સત્યમાં બે પરિમાણો છે: સૂક્ષ્મ ચિત્ત અને સૂક્ષ્મતર ચિત્ત. આપણું ચિત્ત ખૂબ સૂક્ષ્મ હોવું ઘટે. એ શી રીતે પ્રાપ્ત થાય? સૂક્ષ્મ દર્શિભિ: – સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સત્યોની સાથે જે કામ પાડે છે તેઓ એવાં સૂક્ષ્મ ચિત્ત વિકસાવી શકે કે, ભીતર છુપાયેલા આત્મા વિશેનાં સૂક્ષ્મતમ સત્યોને એ ભેદી શકે. કઠોપનિષદની ત્રીજી વલ્લીમાં આ વાક્ય આવે છે, એ કૂચ કરવાના આદેશ જેવું છે. (૩.૧૪)

ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વરાન્ નિબોધત્ – ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ મૂળ પાઠનો સ્વામી વિવેકાનંદનો આ મુક્ત અનુવાદ છે. મૂળનો અર્થ છે, ‘ઊઠો, જાગો અને, મહાન વ્યક્તિઓ પાસે જઈને જાતનો વિકાસ સાધો.’ કેવો અદ્‌ભુત સંદેશ!

ગૃહસ્થ બનીને આપણા જીવનના એક તબક્કામાંથી આપણે પસાર થઈએ છીએ. મનુષ્ય જીવનની વૈદિક સંકલ્પના અનુસાર, મનુષ્ય જીવનની મર્યાદા એક સો વર્ષની છે. શંકરાચાર્ય લખે છે: ‘તાવદ્ હિ પુરુષસ્ય પરમાયુ: નિબોધિતમ્’— ‘મનુષ્ય જીવનની લંબાઈ તેટલી છે.’ એટલે માનવ જીવનના આપણે ચાર ભાગ પાડીએ છીએ. પ્રથમ, બ્રહ્મચારી તરીકે અધ્યયન કરવાનું અને જ્ઞાનવિકાસ કરવાનો. પ્રાપ્ત કરવાનું જ્ઞાન અઢળક છે. જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે અને કેળવણીને માટે માનવબાળને ૨૦-૨૫ વર્ષ લાગે છે. પશુબાળને આટલો સમય લાગતો નથી. વાછડો જન્મ્યા પછીના એક કલાકમાં કૂદકા મારતાં શીખી જાય છે. એ આમતેમ ભટકે છે અને એનું શિક્ષણ પૂરું થઈ જાય છે. પણ લગભગ ૨૫ વર્ષ સુધી માનવબાળ શિક્ષણ વ્યાપારમાં વ્યસ્ત રહે છે. આ બ્રહ્મચર્ય કાળ છે. જીવનનું આવું પૃથક્કરણ તમને કોઈ અન્ય સાહિત્યમાં નહીં સાંપડે. ૨૫ વર્ષ પૂરાં કર્યા પછી બીજો તબક્કો ગૃહસ્થનો છે. એનો અર્થ છે લગ્ન, પતિપત્ની તરીકે રહેવાનું; બે વ્યક્તિઓ એક થઈને એક-બે બાળકો સાથે કુટુંબ રચે છે. પ્રવૃત્તિને એ જોઈએ છે.તે મનુષ્યોને આદેશ આપે છે: ‘જાઓ, તમે એક બે બાળકોને જન્મ આપો.’ જે જીવયોનિ પ્રજનન નથી કરતી તેમાં કુદરતને રસ નથી એમ, આજનું જીવશાસ્ત્ર કહે છે. પ્રજનન ન થાય તો, કુદરત ટકી શકે નહીં, ઉત્ક્રાંતિ થંભી જાય. એટલે, મનુષ્યમાં, જીવનમાં પ્રવૃત્તિનું સાધન બની, એક બે બાળકને પેદા કરી, આ કાર્ય કરવાનો તબક્કો આવે છે.

અગાઉ, જગતમાં વસતિનો પ્રશ્ન ન હતો ત્યારે, કોઈ માણસને સો સંતાનો થતાં. પરંતુ, આજે માત્ર એક કે બે. આપણે વધારેની જરૂર નથી. આ એક તબક્કો છે. પણ, પ્રકૃતિનું કાર્ય કરવાની સાથે, તમારું આધ્યાત્મિક જીવન પણ તમારે વિકસાવવાનું છે. બ્રહ્મચારી તરીકે પણ, પોતાની અંદર રહેલી દિવ્યતાને પામવાના પ્રયાસથી મનુષ્ય આરંભ કરે છે. દિવ્યનો આવિષ્કાર કરો તો, લોકોને કેમ ચાહવાં, લોકોની કેમ સેવા કરવી, સમાજમાં શાંતિથી કેમ રહેવું તે, શીખવા મળે છે. તમારે માટે હું શું કરી શકું? તમને કઈ રીતે સહાય કરી શકું? – આ શક્તિ તમારામાં આવે છે. ‘આ જગતમાં હું એકલો નથી, બીજા ઘણા બધા લોકો પણ છે. આ સૌની સાથે હું મૈત્રીપૂર્ણ વ્યવહાર કેવી રીતે કરી શકું?’ -આ અદ્‌ભુત વિચાર છે. કેટલી સુંદર સંકલ્પના! આપણે ટોળામાં નથી પણ, સુગ્રથિત સમાજમાં છીએ. લોકોને પ્રેમ કરવાની, તેમની સેવા કરવાની શક્તિમાંથી એકતા જન્મે છે. પછી પરસ્પરને સહાય કરીને, પરસ્પરનો વિકાસ સાધીને તમે સુખી જીવન જીવી શકો છો. ગીતા (૩.૧૧માં) કહે છે: પરસ્પરં ભાવયન્ત: શ્રેય: પરમવાપ્સ્યત: – ‘પરસ્પરને ચાહીને અને પરસ્પરની સેવા કરીને,સૌ પરમને પામી શકે! ઉચ્ચ પ્રકારનું કલ્યાણ સાધવા માટે એકમેકને સહાય કરવી, એકમેક સાથે ભાવાત્મક રીતે પ્રતિભાવ આપવાની શક્તિ હોય તો જ મહાન કલ્યાણ સાધી શકાય. આદર્શ ગૃહસ્થનું જીવન આ છે. આ રીતે, ગૃહસ્થને માનસિક શાંતિ અને સારાં સંતાનો મળશે અને, એ સંતાનો માનવ સંસ્કૃતિને અને સભ્યતાને વધારે સમૃદ્ધ કરશે.

અહીં અર્વાચીન જીવશાસ્ત્ર એક ગહન સત્ય કહે છે- એ છે માનવ અનન્યતાનું, પ્રાક્‌માનવ પ્રાણીઓ અને માનવ યોનિ વચ્ચેના ભેદનું. એક ભેદ એ છે કે પ્રાણીઓને માત્ર વંશગત વારસો જ મળે છે. આપણને પણ વંશગત વારસો મળે જ છે- માતાપિતા આપણને શરીર આપે છે. આ રીતે વંશગત વારસો ચાલ્યા કરે છે. પણ મનુષ્યને બીજો વારસો પણ સાંપડે છે; એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. જીવશાસ્ત્ર આજે કહે છે કે, સંસ્કૃતિ ઉત્તરોત્તર વૃદ્ધિંગત જ્ઞાન છે, ઉત્તરોત્તર વૃદ્ધિંગત અનુભવ છે. વૈદિક યુગમાં લોકોને થોડો અનુભવ થયો. એમનાં મૃત્યુ સાથે એ લુપ્ત ન થયો; એમણે એને લખી લીધો અને એ વેદ બન્યો. પછીની પેઢીની એ મૂડી બને છે. આમ સાહિત્ય, કલા, વિજ્ઞાન, ધર્મ અને ફિલસૂફી વૃદ્ધિ પામતાં જાય છે અને, માનવ પેઢીઓનો વારસો બને છે. એને ‘વૃદ્ધિંગત સંસ્કૃતિ’ કહે છે. એનો વ્યાપ વધતો જ જાય છે, વધતો જ જાય છે. કોઈ પશુને સાંસ્કૃતિક વારસો નથી મળતો. મનુષ્યબાળ માતાપિતા અને દાદા-દાદી પાસેથી વારસાગત તંત્ર મેળવવા ઉપરાંત પરાપૂર્વથી ચાલી આવતી સંસ્કૃતિ પણ પ્રાપ્ત કરે છે. આમ મનુષ્યો તરીકે, આપણને બેવડો વારસો મળે છે ને તેથી, આપણે એ સંસ્કૃતિને વિકસાવવાની છે અને, આપણા અનુભવને ઉમેરી, પછીની પેઢીને કંઈક વધારે સમૃદ્ધ, કંઈક વધારે સારું આપવાનું છે. ગૃહસ્થની આ જવાબદારી છે.

હમણાં સુધી, ભારતમાં આ વાતને આપણે વીસરી ગયા હતા; આપણે બંધિયાર સંસ્કૃતિ બની ગયા હતા – કશું પરિવર્તન નહીં, કશી પ્રગતિ નહીં, છેલ્લી કેટલીયે સદીઓથી બંધિયારપણા સિવાય બીજું કશું નહીં. અગાઉના યુગમાં, વિવિધ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ થતી હતી; પરંતુ, એક હજાર વર્ષોથી, આપણે નીચે ને નીચે સરકતા હતા. એ સાંસ્કૃતિક બંધિયારપણું હતું. બીજા દેશોની પ્રજા સાથે આપણો વ્યવહાર જ અટકી ગયો હતો. મ્લેચ્છ શબ્દ અને એની વિભાવના શોધીને આપણે લોકોને આઘા રાખ્યા. બીજી બધી પ્રજાઓ મ્લેચ્છ છે. મ્લેચ્છને સ્પર્શ ન કરવો; આપણી સરહદોને ન ઓળંગવી. સ્વામી વિવેકાનંદનું ધ્યાન આ તરફ ગયું અને, એક વાક્યમાં એમણે કહ્યું: ‘ભારતે મ્લેચ્છ શબ્દ શોધ્યો અને બહિર્જગત સાથેનો વ્યવહાર થંભાવ્યો તે દહાડાથી ભારતના ભાવિને તાળાં લાગી ગયાં.’

એથી આપણે ખૂબ સહન કર્યું. બીજાઓ સાથેનો વ્યવહાર બંધ કરી દઈને, ફ્રાન્સના બુર્બોં વંશની માફક આપણે બંધિયાર બની ગયા; ઈતિહાસકારો કહે છે કે, બુર્બોં રાજાઓ કશું નવું શીખ્યા નહીં કે કશું જૂનું ભૂલ્યા નહીં અને, તેને પરિણામે હિંસક ફ્રેંચ ક્રાંતિ આવી પડી. અને, ૧૦મી સદીમાં મહમ્મદ ગઝનીની સાથે આવનાર મહાન અરબ મુસાફર અલબેરુની પણ એવી જ વાત કરે છે. અલબેરુની સંસ્કૃત અને ઠીકઠીક પ્રમાણમાં ભારતીય દર્શનશાસ્ત્ર જાણતો હતો. ગઝની ભારતની ભૌતિક સમૃદ્ધિ લૂટવાને આવ્યો હતો અને અલબેરુની ભારતની દાર્શનિક સમૃદ્ધિ લઈ જવા માટે. ભારત વિશેનાં એનાં અવલોકનો એની કિતાબ, ‘અલબેરુનીનું હિંદ’માં સાંપડે છે. એ કહે છે, ‘ભારતની પ્રજાને થયું છે શું? એમના પૂર્વજો આના જેવા સંકુચિત મનના ન હતા; આ લોકો કોઈની સાથે હળતામળતા નથી, પોતાનું જ્ઞાન કોઈને આપતા નથી, કોઈની પાસેથી કશું શીખતા નથી. એમના પૂર્વજો આવા ન હતા.’

એ એક હજાર વર્ષ પહેલાં કહ્યું હતું તે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. આજે હવે એ ભારત નથી. આપણે મનને ખોલી નાખ્યાં છે. હવે આપણે બીજાઓ સાથે વિચારોની આપલે કરીએ છીએ. વિચારવિનિમય કરીએ છીએ અને એ રીતે, એક માનવજાતિની વૈશ્વિક સંકલ્પનાને વિકસાવીએ છીએ. આજનું જીવવિજ્ઞાન મનુષ્યજાતને એક જ જાતિ તરીકે વર્ણવે છે. એક જંતુની પણ સેંકડો જાતિઓ હોય છે. પરંતુ મનુષ્ય એક જ જાતિ છે, અંદર અંદર લગ્ન કરે છે અને અંદર અંદર ચિંતન પણ કરે છે. કેવી સુંદર સંકલ્પના! ભૌતિક દૃષ્ટિએ વાત કરતાં, આપણે સૌ એક છીએ પણ, વેદાન્ત ઉમેરે છે કે, આધ્યાત્મિક રીતે પણ આપણે એક છીએ. તમારામાં, મારામાં અને સૌમાં એક જ આત્મા વિલસી રહ્યો છે એ ઉપનિષદોએ શોધ્યું. આધ્યાત્મિક રીતે આપણે એક જ છીએ. આ સત્ય આપણે સમજવું જ જોઈએ. ભૌતિક દૃષ્ટિએ પણ આપણે એક છીએ. એટલે ભારતમાં આપણા જીવનને આપણે એ રીતે ગોઠવ્યું. પાછળથી સંકુચિત મનોદશા જન્મી, આપણે બહાર જવાનું બંધ કર્યું અને નવી પ્રગતિ ગ્રહણ ન કરી; પરિણામે વિદેશી હુમલાખોરો પાસે આપણું સ્વાતંત્ર્ય આપણે ગુમાવ્યું. એ લોકો તોપો વાપરતા હતા ત્યારે આપણે માત્ર તીરકામઠાં, ને તેથી દર વેળા આપણે હારી જતા કારણ, બીજે જે વિકાસ થયો છે તે આપણે જાણતા ન હતા. આજે આપણે એ સબક શીખ્યા છીએ. લેવા આપવા માટે આપણાં ચિત્ત તૈયાર છે. સ્વામી વિવેકાનંદે આ મુદ્દે ફરી ફરી ભાર દીધો હતો.

પરંતુ આજનો ગૃહસ્થ વિશેષ જાતની વ્યક્તિ છે. એ બીજાને આપી શકે છે અને બીજાઓ પાસેથી લઈ શકે છે; માનવચેતનાને વિકસાવવાનો, માનવસંસ્કૃતિને વિકસાવવાનો આજ માર્ગ છે. જગત એ દિશામાં આગળ વધી રહ્યું છે અને, ભારત તેમાં પોતાનું યોગદાન આપશે. માટે આજના ગૃહસ્થો સંકુચિત રહી શકે નહીં, બારણાં બંધ રાખી શકે નહીં. તેથી આપણે જ્ઞાતિની બધી બદ્ધતાને, બધી સંકુચિત સામાજિક વૃત્તિઓને તોડી રહ્યા છીએ. બ્રિટિશ યુગ દરમિયાન જ્ઞાતિભાન ખૂબ જોરદાર હતું. ગવર્નર કે વાઈસરોય ભારતના રાજવંશી રાજવીને મળે ત્યારે, એણે એમનો સત્કાર કરવો પડતો, એમની સાથે વાતો કરવી પડતી અને એમની સાથે હસ્તધુનન પણ કરવું પડતું. મહેમાનોના ગયા પછી રાજા ખાનગીમાં નાહીને પાપ ધોઈ નાખતા! એ જમાનામાં આપણે આટલા સંકુચિત હતા. આજે એ બધું જતું રહ્યું છે. આપણા મોટા ભાગના લોકોનાં મન ખુલ્લાં છે. આપણા વેદાન્તમાં જણાવ્યા પ્રમાણે, આપણા જીવનને સાચી રીતે ઘડવાનો આ ઉત્તમ સમય છે- ઉપનિષદો અને ગીતાની ગહન, સર્વ સમાવર્તી અને માનવીય ફિલસૂફી અનુસાર તેમ કરવાનું છે. પુરાણોમાં પણ એમાંનું ઘણું સાંપડે છે પણ, આ બે મુખ્ય સ્રોત છે. માત્ર હિંદુઓ માટે નહીં પણ દરેક મનુષ્ય માટે વૈશ્વિક, આધ્યાત્મિક અને દાર્શનિક બોધ એ બે ગ્રંથોમાં છે. એમની દૃષ્ટિ સમક્ષ સદાય સમગ્ર માનવજાત જ હતી.

શૃણવન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા: –

‘હે અખિલ વિશ્વમાં અમૃતનાં સન્તાનો, મને સાંભળો.’

શ્વેતાશ્વતર ઉપનિષદની ભાષા જુઓ! ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં, સમસ્ત માનવજાતને સંબોધતો આ શ્લોક ટાંક્યો હતો અને સમજાવ્યો હતો અને, વિશાળ શ્રોતાગણ ઉપર તેની અદ્‌ભુત અસર થઈ હતી. ‘અખિલ વિશ્વનાં વાસી અમૃતનાં સન્તાનો, મને સાંભળો! તમે પાપની પેદાશ નથી. મનુષ્યને એમ ઓળખવો તે પાપ છે, માનવ સ્વભાવની એ સરેઆમ બદનક્ષી છે.’ શિકાગો પાર્લામૅન્ટમાં સ્વામીજીએ આ ભાષા વાપરી હતી. તો, માનવી અમૃતનું સન્તાન છે. ઉપનિષદોએ એ ઘોષણા કેટલાંક હજાર વર્ષ પહેલાં કરી હતી; ભારતમાં હોય કે બહાર, બધું સરખું જ છે – હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, નાસ્તિક, બધાં અમૃતનાં સન્તાનો છે. તત્ત્વત: આપણે અમર આત્મા છીએ. એ આપણી પ્રકૃતિ છે. તત્ ત્વં અસિ – ‘તું તે છો’, તમે સૌ તે દિવ્ય, અમર આત્મા છો. એ ભાષા છાન્દોગ્ય ઉપનિષદ ૬ઠ્ઠા પ્રપાઠકની છે. ઉપનિષદો અને ગીતાનો આના જેવો ગહન સંદેશ આપણને દોરવણી આપે છે. બીજા કોઈ માર્ગદર્શનને પ્રાથમિક અગત્યનું ગણી શકાય નહીં પણ, આ તેવું છે. આ સંદેશ વેદાન્તી ભારત નીપજાવશે. એનો નિષ્ઠાપૂર્વક સ્વીકાર કરવામાં આવશે તો, ભારતમાં નવીન પ્રકારનો ગૃહસ્થ વિકસશે-બલિષ્ઠ, શકિમાન, માનવતા સભર.

ગૃહ-ઘરમાં રહે તે ગૃહસ્થ, પછી તે પત્ની હોય, પતિ હોય. એણે શું ઘરમાં પુરાઈ રહી પોતાનાં સગાંની જ કાળજી કરવાની છે? એમ હોય તો, ઘર કેદખાનું થઈ જાય છે. જે સમાજનું એ અંગ છે તેના કલ્યાણની કાળજી રાખવાની છે. પાછલી કેટલીક સદીઓમાં આપણે એની ઉપેક્ષા કરી. પણ આજના યુગમાં નવી પરિસ્થિતિ નિર્માઈ છે. આજે ભારત વિશાળ, મુક્ત લોકશાહી દેશ છે; એમાં ઠાકોરો, રાજાઓ કે સમ્રાટો નથી. એના કરોડો નાગરિકગણોમાં એનું સાર્વભૌમત્વ રહેલું છે. આપણાં તમામ નરનારીઓ, સૌ ગૃહસ્થીઓનો નાગરિક સ્વાતંત્ર્યનો એ મોભો છે. આપણું ગણતંત્ર એમના ખભા પર છે. રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના વડે દરેક ગૃહસ્થે આજે એ સ્વાતંત્ર્યને સમૃદ્ધ કરવું ઘટે. આવા મુક્ત અને જવાબદાર નાગરિકો જ આપણી ગ્રામપંચાયતોથી લઈ રાજ્ય વિધાન સભાઓ અને રાષ્ટ્રીય લોકસભા સુધીની આપણી તમામ રાજકીય સંસ્થાઓને ચેતનવંતી બનાવી શકે તેમ જ, આપણી સહકારી તથા ઈતર મંડળીઓમાં પ્રાણ પૂરી શકે.

નાગરિકની બીજી એક જવાબદારી છે આપણા વસતિ-વધારા પર અંકુશ લગાવવાની – ૧૯૪૭ની સ્વતંત્રપ્રાપ્તિ પછીથી જેનો નિરંકુશ વિસ્ફોટ થઈ રહ્યો છે. આ એક પરિબળને લઈને દારિદ્ય્ર નાબુદીના અને લોકશિક્ષણના બધા કાર્યક્રમો ઠપ્પ થઈ ગયા છે. બનતી ત્વરાએ આપણે શૂન્ય વસતિવૃદ્ધિ દર હાંસલ કરવાનો છે. આ કૂદકે ને ભૂસકે વધતી વસતિને કારણે આઝાદીનાં વર્ષો પછીયે આપણે એક અવિકસિત દેશ જ રહેલ છીએ. કેન્દ્રની અને રાજ્યોની સરકારોને હિંમતપૂર્વક આ બાબત સહાય કરી, પોતે નાના કુટુંબનું ધોરણ અપનાવીને તથા એમ કરવા માટે બીજાઓને સમજાવીને અને એ માટે, જરૂરી આધ્યાત્મિક તથા તબીબી સહાય લઈને આપણા સૌ લોકોએ નાગરિકતાની પોતાની ફરજ અદા કરવી જોઈએ.

અત્યાર સુધી આપણા ગૃહસ્થોમાં કેટલીક નબળાઈઓ હતી. એક, અનેક વહેમો એ પોષે છે. ગૃહસ્થના મનમાં કોઈપણ વહેમ ઘૂસી શકે. ગામમાં ફરતો કોઈ સાધુ આમતેમ ગમે તે કહે અને, લોકો જે સાંભળે તે માની લે. આમ, વહેમની ઉપજ ભયનો અનુભવ તમને જોવા મળશે. ભારતમાં ચારેકોર ગૃહસ્થોમાં આ લાગણી તમને જોવા મળશે અને આ ભયને નાના, ક્ષુલ્લક બનાવો પણ પોષણ આપશે. ધર્મ વિશેની જેમની સમજણ ચમત્કારની છે, આધ્યાત્મિકની નહીં તેવા, અનેક ગૃહસ્થોનાં મનમાં આવા વહેમો આખા ભારતમાં ઘર ઘાલી બેઠેલા જણાશે. ઘેર કોઈ આવ્યું અને, બીજે દહાડે બાળક બીમાર પડ્યું. ‘અરે ઓલો આવ્યો ને મારો બાબલો માંદો પડી ગયો’ – માબાપ આવું અશાસ્ત્રીય તારણ કાઢે છે. એમાં કશું વૈજ્ઞાનિક નથી કે, સામાન્ય સમજનું પણ નથી; એ સઘળું વિજ્ઞાન વિરોધી છે, વહેમ છે. બેસતું આવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પર જ એ આધારિત છે. બે બાબતો સાથે બને તો, એકને બીજીનું કારણ માની લેવું. શાસ્ત્રીય તારણ પર આવવા માટે તમારે ભેદની બીજી પદ્ધતિનો પણ આશરો લેવો જોઈએ. એક પરિબળને દૂર કર્યા પછી પણ પરિણામ એ જ આવે તો, મળતાપણાની પદ્ધતિને આધારે કાઢેલું કાર્યકારણનું તારણ ખોટું ઠરે. તર્કશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિના એક પુસ્તકમાં, કેવળ મળતાપણાની પદ્ધતિ પર આધાર રાખવામાં રહેલા તર્કદોષનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એક માણસ પોસ્ટઑફિસમાંથી દરરોજ ૭.૦૦ વાગ્યે બહાર નીકળતો. એ જ વેળા સૂર્યોદય થતો. એટલે કેટલાક માણસોએ તારવ્યું કે એ માણસનું બહાર આવવું તે જ સૂર્યોદયનું કારણ છે! એ તદ્દન મુર્ખામીભર્યું તારણ છે; એ માણસને ૭.૦૦ વાગ્યે બહાર ન નીકળવાનું કહીને તથા, સૂર્યોદયનું નિરીક્ષણ કરીને, એ સુધારવું જોઈએ. આ ભેદની પદ્ધતિ છે. વળી સહયોગી પ્રભેદની અને અવશેષની પદ્ધતિ પણ છે. આ બધી શાસ્ત્રીય પદ્ધતિઓ સાચા કાર્યકારણ સંબંધને પ્રસ્થાપિત કરવામાં સહાયરૂપ થાય છે. પરંતુ કુટુંબ જીવનમાં લોકો મળતાપણાની નબળી પદ્ધતિ પર જ આધાર રાખે છે. શિક્ષણથી આ થોડું સુધરશે. ‘જ્ઞાન ભયનો નાશ કરે છે.’ એ જાણીતું કથન છે. કોઈ પ્રકારની શાસ્ત્રીય વિચારણા આપણા લોકો પ્રાપ્ત કરશે ત્યારે, હિંદુ અને ભારતીય સમાજ જુદો હશે. ત્યારે જ આપણાં લોકો વેદાન્તને સમજી શકશે અને એનો લાભ પામી શકશે. વેદાન્ત ખૂબ, ખૂબ શાસ્ત્રીય છે. ‘શાસ્ત્રીય’નો અર્થ શો છે? જેવું સત્ય છે તેવી રીતે તેની સાથે કામ પાડવું તે, તેનો અર્થ છે.એને ‘શાસ્ત્રીય’ કહેવાય છે. તમે સત્યની શોધ કરો છો, તેને સર્જતા નથી, તમે એમાં ફેરફાર કરતા નથી, તમે તેનો લોપ કરતા નથી. તમે માત્ર એને જાણો છો. પોતાના બ્રહ્મસૂત્ર ભાષ્યમાં આદિ શંકરાચાર્ય એને વસ્તુ તંત્ર જ્ઞાન કહે છે; કર્તું, અકર્તું, અન્યથા કર્તું ન શક્યતે, વસ્તુ તન્ત્રત્વાત્ એવ- કહે છે ને ઉમેરે છે: બ્રહ્મજ્ઞાન વસ્તુ તન્ત્રજ્ઞાનમ્ – ‘બ્રહ્મ વિશેના પ્રવર્તમાન સત્ય ઉપર બ્રહ્મજ્ઞાનનો આધાર છે. ‘અગ્નિ ગરમ છે,’ એ સત્ય છે, અભિપ્રાય નથી. મોટાભાગના લોકોને અભિપ્રાયો હોય છે, તેઓ પદાર્થોનું સત્ય જાણતા નથી. પોતાના બ્રહ્મસૂત્રભાષ્યની પ્રસ્તાવનામાં, ઉપર કહ્યા પ્રમાણે શંકરાચાર્ય કહે છે: ‘બ્રહ્મજ્ઞાનં વસ્તુતંત્ર જ્ઞાનમ્.’ વેદાન્ત આને અભિપ્રાય તરીકે નહીં પણ, સત્ય તરીકે રજૂ કરે છે વસ્તુ તંત્ર જ્ઞાનમ્ શબ્દ પ્રયોગ છે. શાસ્ત્રીય પદો જુઓ. વસ્તુ એટલે, અસ્તિત્વ ધરાવતું સત્ય; તન્ત્ર એટલે આધારિત અને, જ્ઞાનમ્ એટલે જ્ઞાન – ‘અસ્તિત્વ ધરાવતા સત્ય આધારિત જ્ઞાન.’ કેવી તો સુંદર સંકલ્પના! આમ એ કહે છે: ‘બ્રહ્મજ્ઞાનં વસ્તુતંત્ર જ્ઞાનમ્.’ કર્તું, અકર્તું, અન્યથા કર્તું ન શક્યતે, વસ્તુ તન્ત્રાત્વાદેવ – ‘બ્રહ્મનું જ્ઞાન બ્રહ્મના અસ્તિત્વમાન સત્ય પર આધારિત છે. તમે એને સર્જી શક્તા નથી, એનો લોપ કરી શકતા નથી, એમાં પરિવર્તન કરી શકતા નથી કારણ, એ અસ્તિત્વમાન સત્ય છે.’ શાસ્ત્રીય-વૈજ્ઞાનિક-સત્ય આને કહે છે. બીજું પુરુષ તન્ત્ર જ્ઞાનમ્ કહેવાય છે. ‘એક સોમવારે હું ઉપવાસ કરીશ.’ એનો આધાર તમારી ઉપર છે. એ કંઈ વસ્તુલક્ષી કે વૈશ્વિક સત્ય નથી. તમે એમ પણ કરી શકો કે, ‘હું શનિવારે ઉપવાસ કરીશ.’ તમારી ઇચ્છા આ પુરુષ તન્ત્ર જ્ઞાનમ્ કહેવાય છે – ‘લાગતા વળગતા પુરુષ આધારિત જ્ઞાન.’ આમ, એ ખંડને અંતે, શંકરાચાર્ય કહે છે: ‘આત્મૈકત્વ વિદ્યા પ્રતિપત્તયે સર્વ વેદાન્ત આરભ્યતે – ‘બધાં ઉપનિષદોનો હેતુ આત્માની એકતાનું જ્ઞાન આપવાનો છે.’

આત્મા એ જ છે ને એનું સ્વરૂપ છે વિશુદ્ધ ચૈતન્યનું. ચૈતન્યનું બહુવચન નથી, એ હંમેશાં એકવચની રૂપ જ છે. ઉપનિષદોનું આ એક અદ્‌ભુત કથન છે.

અને અણુવૈજ્ઞાનિક સ્ક્રોડિંજર આજે જે કહે છે તે આને પરિપુષ્ટ કરે છે: ‘ચૈતન્ય એકવચની રૂપ છે ને એનું બહુવચન કોઈ જાણતું નથી.’ અવકાશનું બહુવચન નથી તેના જેવું એ છે. ઓરડાની અંદર કે બહાર, અવકાશ એક જ છે. તમને લાગે છે કે તમે એના ભાગ પાડો છો પણ, તમે એમ કરી શકતા નથી. એ જ રીતે તમારામાં, મારામાં, બધામાં, વિશુદ્ધ ચૈતન્યરૂપ આત્મા એક જ છે. જગતમાં સર્વત્ર, સર્વ લોકોને વેદાન્તનો આ મહાન બોધ ઉપનિષદો આપવા માગે છે. કેવી ગહન ફિલસૂફી આ! વૈયક્તિક અને સામૂહિક જીવનને આ ફિલસૂફી લાગુ પાડવામાં આવશે ત્યારે કેટલી બધી શક્યતાઓ સિદ્ધ થશે! ટૅક્નૉલૉજી દ્વારા પાર્થિવ એકાત્મતા સધાઈ રહી છે. આજે તમે ઝડપથી પ્રવાસ કરી શકો છો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માણસોને ઈંગ્લંડથી ભારત આવતાં દોઢ વરસ લાગતું. પણ આજે આપણે ત્યાં પાંચદસ કલાકમાં પહોંચી શકીએ. એ જ રીતે વિચારોનું આદાનપ્રદાન-તાર અને હવે ફૅક્સ દ્વારા એક કે બે મિનિટમાં તમારા ખબર દૂરને મુકામે પહોંચી જાય છે. પરંતુ લોકોનાં મનહૃદય પણ એકમેકની નિકટ રહેવાં જોઈએ. આ હજી શક્ય નથી બન્યું. મનુષ્યની ગહનતાના વિજ્ઞાન, વેદાન્તના એકત્વના સંદેશ દ્વારા જ એ શક્ય બને. એને ગ્રહણ કરો, તમારી જાતે ખાતરી કરો. શ્વેતાશ્વતર ઉપનિષદે આમ કહ્યું છે: વેદાહમેતં પુરુષં મહાન્તમ્ – ‘સાન્ત મનુષ્યની પાછળ રહેલા અનન્ત મનુષ્યનો મેં સાક્ષાત્કાર કર્યો છે.’ અને તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ, નાન્ય: પન્થા વિદ્યતે અયનાય- ‘માત્ર એને જાણીને જ માયા અને મૃત્યુની પાર જઈ શકાય છે. મુક્તિ અને સિદ્ધિ માટે બીજો માર્ગ જ નથી.’

તમે મૃત્યુ અને માયાની પાર જઈ શકો છો. આ સત્યનો સાક્ષાત્કાર તમે જાતે જ કરો. કોઈ બીજાના સાક્ષાત્કારથી તમને એ નહીં પ્રાપ્ત થાય. વિવેક ચૂડામણિમાં શંકરાચાર્ય કહે છે: ‘તમે ભૂખ્યા હો તો તમારે જાતે જમવું પડે છે. તમારે બદલે બીજું કોઈ જમે તેથી તમારું પેટ ભરાતું નથી.’ સત્યનો સાક્ષાત્કાર તમારે જાતે જ કરવો પડે છે. આમ આપણા જીવનમાં આ સુંદર વિચારો આપણને સાંપડ્યા છે. પાછલાં એક હજાર વર્ષોમાં આપણે એમને હાથ પણ લગાડ્યો નથી. થોડો વહેમ, થોડી પુરાણકથાઓ; આપણને પુરાણકથાઓનું ઘેલું છે અને, ભારતે જગતમાં સૌથી વધારે પુરાણકથાઓ પેદા કરી છે. વિવેકાનંદે કહ્યું હતું કે, ભારતની પુરાણકથાઓનાં પુસ્તકોથી આપણે જગતનાં ગ્રંથાલયો ભરી શકીએ. થોડી પુરાણકથાઓ ભલે રહે; કેટલીક પુરાણકથાઓને કોઈ વાર વૈજ્ઞાનિક પીઠિકા હોય છે. ઉચ્ચત્તર કક્ષાએ વિજ્ઞાન પોતે પુરાણકથાત્મક બની જાય છે, ખાસ કરીને ખગોળશાસ્ત્રમાં. વર્તમાન ભારતે આ સત્યને જાણવું જ જોઈએ કે, વૈજ્ઞાનિક ચિંતન અને વૈજ્ઞાનિક વલણ આપણી પ્રજામાં વિકસવાં જ જોઈએ અને, ‘આ અદ્‌ભુત જીવનનું મારે શું કરવાનું છે? મારામાં ઊર્જાનું પડીકું છે. મારે એને કેવી રીતે વાપરવી?’ એ પ્રશ્ન સૌને પૂછતા કરવા જોઈએ. તમને ઉપનિષદો અને ગીતામાંથી માર્ગદર્શન મળશે. મનુષ્યમાં ત્રણ પ્રકારની ઊર્જા રહેલી છે એમ આપણાં શાસ્ત્રો કહે છે. પ્રથમ બાહુબલ છે, સ્નાયવી શક્તિ. બલમ્ એટલે તાકાત, ઊર્જા. આ અતિ સામાન્ય છે. આપણાં રૉકેટો દ્વારા આપણે એ શક્તિ અનેકગણી વધારી દીધી છે. આપણે એને ‘અશ્વબળ’ પણ કહી શકીએ. આ શક્તિશાળી રૉકેટો માનવીને ચન્દ્ર પર મોકલી શકે છે. એક વૉયેજર સૂર્યમાળાની બહાર પણ ગયું છે. ટૅક્નૉલૉજી વડે અનેકગણી વૃદ્ધિ પામેલી એ સ્નાયવી શક્તિ છે. બીજું બુદ્ધિબલ છે. તમે યુનિવર્સિટીમાં જાઓ, ગ્રંથાધ્યયન કરો, વિજ્ઞાન અને સઘળું શીખો અને બુદ્ધિબલ પ્રાપ્ત કરો. પણ એમાં શું બધું આવી ગયું? આજની સમજણ એટલી જ છે, બાહુબલ અને બુદ્ધિબલ. પણ આપણાં શાસ્ત્રો કહે છે. ના, આત્મબલ પણ છે, એ આધ્યાત્મિક શક્તિ છે. એ ખૂબ સમર્થ છે; એની સાથે તુલના થઈ શકે તેવું કશું નથી.

આ આત્મબલ વિશે શી રીતે જાણી શકાય? આજની માનવજાતે આ પ્રશ્ન પૂછવો જોઈએ અને એનો ઉત્તર શોધવો જ જોઈએ. ત્યાં સુધી આપણે બરાબર પહોંચ્યાં છીએ. ભૌતિક કે ઇન્દ્રિય કક્ષાથી પર, આપણે કશું જ જાણતા નથી. આજના વિજ્ઞાનને આ વિષય બાબત કશું કહેવાનું નથી. પરંતુ, આત્મબલ, સૌથી અગત્યની ઊર્જા પ્રાપ્ત કરીએ તેની વાટ જોતી ઊભી છે. રોજ રોજ અનેક લાલચો ખડી થાય છે અને, તેમની સામે થવાની શક્તિ મનુષ્ય પાસે નથી. બુદ્ધિબલ પાસે એ શક્તિ નથી. પણ આત્મબલ એ કરી શકે છે. થોડું આત્મબલ બધી લાલચોને ના કહી શકે છે. મોટા નાના માણસોને રોજ એનો શિકાર બનતાં આપણે જોઈએ છીએ. સ્ત્રીઓ પીડાય છે, છોકરીઓ પીડાય છે, છોકરાઓ પીડાય છે, સમાજ વિરોધી લાલચોનો નૈતિક સામનો કરવાની આ નિર્બળતા સર્વસ્વ જોવા મળશે. એને કારણે આપણે સામાજિક પ્રશ્નો વૃદ્ધિ પામતા જોઈએ છીએ. તેની, આપણાં મનને અને ઇન્દ્રિયોને વશ રાખવા માટે થોડું આત્મબલ વિકસાવવાની આપણે જરૂર છે. સરખી રીતે વશ ન રખાય તો આ ઇન્દ્રિયો અતિ ત્રાસદાયક છે.

આપણા પ્રાચીન આચાર્યોએ આપણને એક સુંદર વિચાર આપ્યો છે. એમણે કહ્યું છે કે માણસને છ શત્રુઓ – ષડ્‌રિપુ – છે. ષડ્ એટલે છ, અને રિપુ એટલે શત્રુઓ. એ બહાર નથી પણ આપણી અંદર છે. એ કોણ કોણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિરંકુશ કામવાસના, ગુસ્સો, લોભ, મોહ, ગર્વ અને હિંસા દરેક માણસમાં આ ષડ્‌રિપુઓ છે. માનવચિત્તનું આ ગહન પૃથક્કરણ છે. આ રિપુઓ બધો ત્રાસ ઊભો કરે છે.આજે માનવીઓના આંતરસંબંધોમાં વિખવાદ પેદા કરતી જે કંઇ ઉપાધિઓ તમે જુઓ છો તે સર્વ આ ષડ્‌રિપુની પેદાશ છે. – ઘણા કિસ્સાઓમાં કામ, ક્રોધ, અને મોહ એમાંથી એકની બેની કે ત્રણની – આપણે એમને વશ રાખવાના છે. એને વશ કોણ રાખશે? મન એમને વશ રાખશે; એ જ તો મનનું કાર્ય છે. પણ મન નબળું હોય તો તે એમને અનુસરશે, વશમાં નહીં રાખે, એટલે બધી લાલચો પાસે આપણે ઢળી પડીએ છીએ. ઘણા લોકોને આવું બનતું હોય છે. કારણ, જ્ઞાનતંતુશાસ્ત્ર આપણને કહે છે કે ઊર્ધ્વતર મગજતંત્ર સઘળા જ્ઞાનતંતુતંત્રના નિયમન માટે છે. મનુષ્યમનને ઉત્ક્રાંતિની એ વિશિષ્ટ ભેટ છે. પરંતુ, આ ઊઘ્ર્વતર મગજતંત્ર સમગ્ર જ્ઞાનતંતુતંત્રનું ચાકર બની જાય – દુર્ભાગ્યે ઘણા લોકો માટે એમ બને છે – તો, બધાં નૈતિક મૂલ્યો ભુંસાઈ જાય છે. પછી કૂતરાનું માથું એની પૂછડી પટપટાવવાને બદલે એની પૂછડી એનું માથું પટપટાવે છે. વધતી જતી સંખ્યામાં માણસો આ અનુભવી રહ્યાં છે. એથી જ તો બધા સામાજિક પ્રશ્નો અને યાતના રોજ રોજ વધી રહેલ છે. એટલે, આ મગજનું તંત્ર સ્વતંત્ર જેવું ઘટે અને સમગ્ર જ્ઞાનતંતુતંત્ર પર એનો અંકુશ હોવો ઘટે. પછી આ રિપુઓ ઊભા થઈ વ્યક્તિને અને સમાજને ત્રાસ આપશે નહીં. મનુષ્ય આ શત્રુઓને વશમાં રાખી શકે છે. ગીતાના ચોથા અધ્યાયના છેલ્લા સાત શ્લોકોમાં અર્જુન આ વિશે પ્રશ્ન પૂછે છે અને, શ્રીકૃષ્ણ ગહન ઉત્તર આપે છે. આ છે એ પ્રશ્ન:

અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પુરુષ: ।
અનિચ્છન્નપિ વાર્ષ્ણેંય બલાદિવ નિયોજિત: ॥

‘હે કૃષ્ણ, ક્યા આવેગનો દોર્યો મનુષ્ય પાપ કરે છે, તે પોતાની ઇચ્છા વિરુદ્ધ અને જાણે કોઈ બળથી પ્રેર્યો? એને એમ કરવું નથી પણ કોઈ બળ એની પાસે પરાણે એમ કરાવે છે; એ બળ ક્યું છે? – એ ભાષા છે. પ્રત્યેક મનુષ્યને આ મૂંઝવણ છે. અને શ્રીકૃષ્ણ પાસેથી ઉત્તર આવે છે:

‘કામ અને ક્રોધ એ જોડિયા શત્રુઓ છે. એ તમને મહાત કરી દે છે અને પછી તમારી પાસે આ ને પેલું કરાવે છે; તમારે એમના પર અંકુશ રાખવો જોઈએ, તમારામાં એ શક્તિ છે.’ ક્યાંથી આવે છે એ શક્તિ? ત્રીજા અધ્યાયના છેલ્લા કેટલાક શ્લોકોમાં શ્રીકૃષ્ણ એનો ઉત્તર આપતાં કહે છે — ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ: ‘ઇન્દ્રિયો ખૂબ સંવેદનશીલ અને સહાયરૂપ છે.’ એમના દ્વારા તમારી આસપાસના જગતને તમે સમજી શકો છો. પછી, ઇન્દ્રિયોથી ઊંચેરું મન છે – ઇન્દ્રિયેભ્ય: પરં મન:. પછી મનસ્તુ પરા બુદ્ધિ: – ‘મનથી પર અને ચડિયાતી બુદ્ધિ છે.’ બુદ્ધિ એટલે વિવેકની શક્તિ. આ સાચું છે કે ખોટું? – એ જ્ઞાન બુદ્ધિની સપાટીએ આવે, અને બુદ્ધિથી પર આત્મા છે – યો બુદ્ધે પરતસ્તુ સ:. માટે, એવં બુદ્ધે: પરં બુદ્ધ્વા – બુદ્ધિની પાર છે તેનો સાક્ષાત્કાર કરીને’, અર્થાત્, નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત અને નિત્ય પ્રકાશવાન આત્મા એ સત્યનો સાક્ષાત્કાર હશે. પછી, તમને પીડા આપતી નિમ્ન કક્ષાઓને તમે વશ કરી શકશો. પછી તમારી ભીતર કોઈ શત્રુ નહીં રહે.

એવં બુદ્ધે: પરં બુદ્ધવા સંસ્તભ્યાત્માનં આત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥

‘બુદ્ધિ કરતાં ઉચ્ચતરને જાણીને અમે, આત્માના ઊર્ઘ્વ સ્વ વડે નિમ્નતર સ્વને વશ રાખીને, હે મહાબાહુ, કામસ્વરૂપ રિપુને વશમાં લે; એને સંતોષવો દુષ્કર છે. એ શત્રુ પર વિજય મેળવ.’ ‘શત્રુને વશમાં લે’, સેનાપતિ સૈન્યને કિલ્લો જીતવાનું કહેતા હોય તેના જેવું આ છે. કૃષ્ણ આ ભાષા વાપરે છે, એક ક્ષત્રિય બીજા ક્ષત્રિયને સંબોધે છે!

આમ વ્યક્તિની ભીતર આ પ્રકારની કેળવણી ચાલુ હશે તો, આજના ગૃહસ્થો સારા નાગરિકો થશે અને સૌની સાથે કામ કરશે. પશ્ચિમના ચિંતનમાં આ સમજાયું નથી કારણ, એ ઇન્દ્રિયકક્ષાએ જ અટકી જાય છે. મનને પણ ઇન્દ્રિયતંત્રની પૂછડી જ ગણવામાં આવે છે. મગજ વિશેનું કોઈપણ પુસ્તક જુઓ. એ કહેશે કે, મન જેવી કોઈ જુદી વસ્તુ જ નથી, મગજ જ છે. પણ ઘણા જ્ઞાનતંતુશાસ્ત્રીઓ જુદો મત ધરાવે છે; મગજ એક ભૌતિક કરણ છે અને મન એના કરતાં ઊંચેરું છે, એ ભારતીય વિચાર એ લોકો સ્વીકારવા ચાહે છે પણ મન ઊંચેરું છે અને એથી ઊંચેરી બુદ્ધિ છે, વિવેકની શક્તિ, એની પાછળ નિત્ય શુદ્ધ અને અમર આત્માનું પરમ સત્ય રહેલું છે. આ સત્ય પાશ્ચાત્ય ચિંતનમાં આજે આસ્તે આસ્તે ઊતરી રહ્યું છે. સર ચાર્લ્સ રૉરિંગ્ટન જેવા વિખ્યાત જ્ઞાનતંતુશાસ્ત્રીએ પોતાના પુસ્તક ઈંટિગ્રેટેડ ઍક્શન ઑફ ધ નર્વસ સિસ્ટમ (એ પ્રખ્યાત પુસ્તક છે અને દરેક તબીબી વિદ્યાર્થીએ એ વાંચવું જોઈએ)માં કહ્યું છે: ‘માત્ર એક પરિબળ પૂરતું નથી. માત્ર મગજ નહીં; મગજ અને મન-બે પરિબળોની જરૂર છે.’ બીજા કેટલાક પણ આવી વાત કરે છે. ન્યુરૉલૉજી અઁડ વૉટ લાઈઝ બિયોન્ડ નામના મારા નાના પુસ્તકમાં મેં એ લેખકોને ટાંક્યા છે. હૈદરાબાદની ઑલ ઈંડિયા ન્યુરૉલૉજિકલ કૉન્ફરન્સમાં મેં આપેલું મંગલ પ્રવચન એ પુસ્તકમાં છે. એ કૉન્ફરન્સે એને પ્રથમ પ્રકાશિત કર્યું હતું અને પછીથી, મુંબઈના ભારતીય વિદ્યાભવને તેમ કર્યું છે. આમ, અહીં વેદાન્ત પાસે માનવવ્યક્તિત્વના ઊંડાણના પરિમાણનું જ્ઞાન છે જે, માનવ ગહનતાનો અભ્યાસ કરીને પશ્ચિમે હજી વિકસાવવાનું છે. એમણે એ કદી કર્યું નથી. એ લોકો શરીરરચના શાસ્ત્ર, શરીરશાસ્ત્ર અને જ્ઞાનતંતુશાસ્ત્ર જાણે છે; એથી વિશેષ એ લોકો જાણતાં નથી. માનસશાસ્ત્રને પણ વધારે ને વધારે સમજવાની કોશિશ એ લોકો કરી રહ્યા છે. આવા એક મનોવૈજ્ઞાનિકે આપણને સુંદર વિચાર આપ્યો છે. એ હતો ઝુરિચનો કાર્લ યુંગ, આ સદીને આરંભે થયેલો. ‘આત્માની શોધમાં આધુનિક માનવ’ એ સુંદર પુસ્તક એણે લખ્યું છે. મને શરીર છે; ઘણું સરસ, પણ મારો આત્મા ક્યાં છે? સભ્યતાના ભંગારમાં એ ખોવાઈ ગયો છે. માટે તો એણે પુસ્તક લખ્યું, મૉડર્ન મૅન ઈન સર્ચ ઑફ અ સોલ.

એ પુસ્તકમાં એક સુંદર કંડિકા છે. હું તમને એનો લાભ આપવા ઇચ્છુ છું. ગૃહસ્થના આ જીવનના બે ભાગ પાડવા ઘટે. પહેલા ભાગમાં આપણે શિક્ષણ લેવામાં, નોકરી ધંધો મેળવવામાં, પરણવામાં, કુટુંબ ઉછેરવામાં, સમાજમાં સારું નામ અને કીર્તિ કમાવવામાં વ્યસ્ત હોઈએ છીએ. યુંગ એને સિદ્ધિ કહે છે. પછી મધ્ય વયે પહોંચ્યા પછી બીજો તબક્કો શરૂ થાય છે ને એ પરિવર્તન માગે છે. સિદ્ધિની આ ફિલસૂફીને બીજા તબક્કામાં ન લઈ જાઓ. એ કહે છે જીવનનો આ પરાર્ધ વ્યક્તિત્વ વિકાસને કે સંસ્કૃતિને અર્પિત હોવો જોઈએ. મધ્યવયે પહોંચ્યા પછી, માત્ર સિદ્ધિને વળગી રહેવું જોઈએ નહીં. તમે ‘સિદ્ધિ’ ને વળગી રહો તો, તમારું વ્યક્તિત્વ કુંઠિત થવાનું. તમારું આંતરિક જીવન વિકસાવો; જીવનના પરાર્ધનો હેતુ એ હોવો જોઈએ. સિદ્ધિ માટેના સંઘર્ષમાં તમે એની ઉપેક્ષા કરી છે. હવે એની ઉપર લક્ષ કેન્દ્રિત કરો.

આ જ વાત ભારતીય ચિંતને કંઈ કાળ પહેલાં આગળ ધરી છે – અમુક વયે પહોંચતાં, ગૃહસ્થોએ વાનપ્રસ્થી થવાનું. વાનપ્રસ્થ અથવા વનજીવન આજે પુનર્વિચારણા માગી લે છે. પ્રાચીન ભારતમાં આ વિચારો વિકસ્યા ત્યારે, કોઈ પણ નગર, પુર કે ગ્રામ પાસે પુષ્કળ વન હતાં. પણ આજે વસતિની અતિવૃદ્ધિને કારણે, વન મર્યાદિત થઈ ગયાં છે અને માનવવસવાટથી ખૂબ દૂર આવેલાં છે. આપણા વનવાસીઓ પણ શિક્ષણ લેવા લાગ્યા છે અને, નોકરી માટે ધીમે ધીમે પણ મક્કમપણે વનની બહાર વસતા થયા છે. આ સંજોગોમાં આપણા ગૃહસ્થોએ વાનપ્રસ્થની ભાવના કેળવી ઘરને જ હિતોપદેશ (સન્ધિ ૮૯)માં કહ્યા પ્રમાણે તપોવનમાં ફેરવવું જોઈએ:

વનેપિ દોષા પ્રભવન્તિ રાગિનામ્ ગૃહેષુ સર્વેન્દ્રિય નિગ્રહ: તપ:
અકુત્સિતે કર્મણિ ચ: પ્રવર્તતે નિવૃત્ત રાગસ્ય ગૃહં તપોવનમ્ —

‘સંસારની આસક્તિવાળા મનુષ્યને વનમાં પણ તકલીફ પડશે; બધી ઇંદ્રિયોને વશ રાખી ઘરમાં રહેવું તે તપ છે. જે અનાસક્ત થઈને અકુત્સિત કર્મોમાં રોકાયેલો રહે છે તેનું ઘર જ તપોવન છે.’

મનુસ્મૃતિમાં એક રસિક શ્લોક છે. મારી સંસારી જંજાળને છોડી દઈને મારા આધ્યાત્મિક જીવન ઉપર મારે ક્યારે ધ્યાન આપવું? આ પ્રશ્નના ઉત્તરમાં (૬.૨માં) મનુ કહે છે:

ગૃહસ્થસ્તુ યદા પશ્યેત્ વલિપલિતમાત્મન: ।
અપન્સ્યૈવ ચાપત્યં તદારણ્યં સમાશ્રયેત્ ॥

‘પોતાના વાળ ધોળા થતા એ પુત્રના પુત્રનું મુખ ગૃહસ્થ જુએ ત્યારે, એણે વનની વાટ પકડવી જોઈએ.’

કેવી સુંદર ભાષા! તમારા વાળ ધોળા થાય તેનો અર્થ ઘડપણનું આગમન અને, પૌત્રનું મુખ જોવું એનો અર્થ એ કે, કુદરત પ્રત્યેની તમારી ફરજ તમે પૂરી અદા કરી છે. સમય દોડી રહ્યો છે. તમે એક સુંદર વસ્તુને ઉવેખી છે. એ વસ્તુ તે તમારો આંતરિકવિકાસ. સિદ્ધિ, નામ, કીર્તિ અને એવાં બધાંની જ તમને પડી હતી. એ ચાલશે નહીં. એમની ઉપરનું દબાણ ઓછું કરો અને, તમારા આંતરજીવનને સમૃદ્ધ કરવા પર ધ્યાન આપો. યુંગ પછી ચેતવે છે: ‘જીવનના ઉત્તરાર્ધમાં જે સિદ્ધિને ઘસડી જાય છે તે વ્યક્તિત્વના હ્રાસથી પીડાય છે.’ બળ અને સ્થિરતા, આંતર સમૃદ્ધિની ભાવના આત્માના જ્ઞાનથી આવે છે. ‘પોતાની આધ્યાત્મિક પ્રકૃતિનું થોડું પણ ભાન ભયનો નાશ કરનાર છે’, એમ, બીજા અધ્યાયમાં, ગીતા કહે છે, જીવનની દોટમાં પણ તમને થોડું અધ્યાત્મબળ પ્રાપ્ત થાય. પરંતુ હવે તમે એની ઉપર ઘણું વિશેષ ધ્યાન આપી શકો. આપણે વાનપ્રસ્થ તેમજ સંન્યાસ તરીકે જેને સમજતા તે આ જ. જીવનના બે ભાગ – કેવો નવલો વિચાર! ગૃહસ્થે સુખી જીવન જીવવું હોય તો, એણે આધ્યાત્મિક બનવું જ જોઈએ; એથી મનુષ્ય સ્વનો વિકાસ સાધી બીજાં સ્વઓને પોતાનામાં ભેળવતો થાય છે. આ આત્મવિકાસ વિના, મનુષ્ય પોતાના શરીરમાં કે જનનતંત્રમાં કેદ પુરાઈ જાય છે. એ શા કારણે? કારણ, પરસ્પરમાં પ્રેમનાં મૂળ ઘાલવાની શક્તિ નહીં હોવાને કારણે, પતિપત્ની વચ્ચે સતત સંઘર્ષ રહે છે. વ્યક્તિના આધ્યાત્મિક વિકાસને અભાવે સંઘર્ષ ઊભો થવાનો જ. એક બીજા સાથે ઘર્ષણમાં આવતાં હોય એવાં સ્ત્રીપુરુષો અનેક છે. સાસુ ઘણી વાર ખૂબ ધાર્મિક હોય છે પણ, આધ્યાત્મિક નથી હોતી એટલે પોતાની પુત્રવધૂને ત્રાસ આપે છે. થોડોક આધ્યાત્મિક વિકાસ આ બધું પલટી નાખશે.

શ્રીરામકૃષ્ણે એક મજાની વાત કહી છે: ‘આ ‘હું’ કાચો-કાચા આમિ – હોય ત્યારે, સમાજમાંના બીજા કાચા ‘હું’ સાથે ટકરાશે. અજ્ઞેયવાદી વિચારક બર્ટ્રેન્ડ રસેલે કહ્યું છે કે, કેટલાક માણસો બિલિયર્ડ બૉલ જેવા, હંમેશાં બીજાની સાથે ટકરાતા હોય છે. બિલિયર્ડ બૉલને બીજાની સાથે રહેતાં કે ભળી જતાં આવડતું નથી. તેથી શ્રીરામકૃષ્ણ કહેતા કે આ નાના ‘હું’નો વિકાસ સાધી, પાકા આમિ થઈ, સમાજના બીજા ‘હું’ઓ સાથે સુખેથી કામ પાડતાં જાણવું જોઈએ.

આજે રાજકારણમાં, વહીવટમાં, ઘરમાં કે બીજે ક્યાંય, બિલિયર્ડ બૉલો ઘણા વધારે પડતા છે. સંકુચિત સ્વને લઈને કુટુંબ જીવન પણ કંગાળ બને છે. પણ થોડી આધ્યાત્મિક પ્રગતિ થાય, આત્મવિકાસ થાય તો, બધું સમુંસૂતરું અને શાંતિભર્યું થશે અને, જીવન સુખી અને સંતુષ્ટ થશે. અર્વાચીન જીવશાસ્ત્રની ભાષામાં આ વિકસિત ‘હું’ નો ઉલ્લેખ સર જુલિયન હક્સલીએ કર્યો છે. કાચા ‘અહં’ને એ વૈયક્તિકતા કહે છે અને પાકા ‘અહં’ને વ્યક્તિત્વ. વૈયક્તિકતા વ્યક્તિત્વમાં વિકસવી જોઈએ.

‘વ્યક્તિ’ એટલે શું? નેય્‌લ્હાર્દ દ શાર્દેંના પુસ્તક ધી ફિનૉમિનન ઑફ મૅન (મનુષ્યની ઘટના)ની પ્રસ્તાવનામાં હક્સ્લી એ શબ્દની વ્યાખ્યા આપે છે: ‘પોતાના જૈવિક વ્યક્તિત્વને જે સચેત સામાજિક ભાગ લેવામાં પરિવર્તિત કરી શકે તે વ્યક્તિ છે.’ સમાજની અન્ય વ્યક્તિઓ સાથે સુખેથી રહેવાની વૃત્તિ એક વ્યક્તિમાં હોય છે. વૈયક્તિકો એમ નથી રહી શકતા. તેઓ ભટકાય જ છે. પતિપત્ની વૈયક્તિકો હશે તો, તેઓ વારંવાર ટકરાશે. બંને વ્યક્તિત્વો હશે તો, કુટુંબમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તશે. આ બોધ છે. દરેકેદરેક જણ આ હાંસલ કરી શકે છે. કૉલેજ શિક્ષણથી ભિન્ન, આ સાચું શિક્ષણ છે. તમે વિકસો-અહીં શબ્દ વિકાસ છે.

બાળક આધ્યાત્મિક વિકાસ સાધે તો, ‘તું ખૂબ સુખી થશે’, એમ તમે એને કહી શકો છો. બાળકોને ‘વિકાસ’ શબ્દ બહુ ગમે છે. ‘તારે વિકાસ સાધવો જ જોઈએ. બીજાં બાળકો સાથે ઝઘડીશ નહીં. એમને મિત્રો બનાવજે.’ તમે બાળકોને આમ કહો છો ત્યારે, એમનો ‘કાચો આમિ’ ‘પાકો આમિ’ થાય છે. મા બાપોએ પોતાનાં બાળકોને આ કેળવણી આપવી જ રહી. આજે એ અપાતી નથી. તેઓ ઊલટી કેળવણી જ આપે છે. ‘તારો ‘કાચો આમિ’ સુદૃઢ કર, તું સ્વાર્થી થા, બીજાની ચિંતા કરજે મા’ – આ શિક્ષણ આપણે સામાન્ય રીતે આપણાં બાળકોને આપીએ છીએ. એટલે, સુખી કુટુંબ જીવવા માટે, ‘કાચો આમિ’ ‘પાકો આમિ’ બને તે આધ્યાત્મિક વિકાસના અદ્‌ભુત વિચારને નજર સામે રાખવો જોઈએ. થોડો આત્મવિકાસ હોય તો, શાંતિમય, સુખમય ગૃહસ્થજીવન શક્ય છે. એ ગાર્હસ્થ્ય છે. એણે સાધુ સંન્યાસી થવાની જરૂર નથી. આધ્યાત્મિક જીવન સાધુ જીવનનો દેખાડો નથી. વિશુદ્ધ આત્મવિકાસ ચારિત્ર્યવિકાસમાં અભિવ્યક્તિ પામે છે, સહકારભાવનાથી કામ કરવામાં અને પ્રેમમાં તેમજ સેવામાં વિકાસ પામે છે. વૈયક્તિકો હંમેશાં એકમેકના ટાંટિયા ખેંચવામાં માને છે; પણ વ્યક્તિઓ એમ કંઈ કરતી નથી. સહકારની રીત એ જાણે છે. આ વધારે પડતી વૈયક્તિકતાને કારણે, સામૂહિક કાર્યની શક્તિનો આપણી પાસે અભાવ છે. તો, આત્મામાં કેન્દ્રિત માનવ વ્યક્તિત્વની ગહનતાનું પરિમાણ વેદાન્તમાં રહેલું છે. એનો થોડો આવિષ્કાર જીવનને સમૃદ્ધ અને સુંદર કરવા પૂરતો છે. ગીતા (૨.૪૦)માં શ્રીકૃષ્ણે કહ્યા પ્રમાણે

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ —

‘આ બોધનો થોડો ભાગ પણ મોટા ભયમાંથી બચાવશે.’ ‘વેદાન્ત ઈન ઈટ્સ ઍપ્લિકેશન ટુ મૉડર્ન લાઈફ’ પરના પ્રવચન (કંપ્લીટ વર્ક્સ વૉ. ૩, પૃ.૨૩૭)માં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘બળ, બળનો જ સંદેશ ઉપનિષદો પાને પાને મને આપે છે. મોટી યાદ રાખવાની વાત આ છે, મારા જીવનમાં આ મોટો પાઠ મને શિખવવામાં આવ્યો છે : બળ. એ કહે છે, બળ, હે માનવી, નિર્બળ ન બન. મનુષ્ય પૂછે છે, મનુષ્યગત નિર્બળતાઓ છે જ નહીં? ઉપનિષદો કહે છે કે, છે, પણ, વધારે નિર્બળતા એ દૂર કરશે? કાદવને કાદવથી ધોવાની કોશિશ કરશો? બળ, ઓ મનુષ્ય, બળ, એમ ઉપનિષદો કહે છે. ખડા રહો અને બળવાન બનો. જગતમાં એ જ એવું સાહિત્ય છે જેમાં તમને અભિ:, ‘નિર્ભય’, શબ્દ વારંવાર મળે છે; જગતના બીજા કોઈ શાસ્ત્રમાં ઈશ્વરને કે મનુષ્યને માટે આ વિશેષણ વપરાયું નથી.’

ભીતરની આધ્યાત્મિક શક્તિ મનુષ્યજીવનમાં પ્રેમ, કરુણા, સેવાભાવના ઈ,. મૂલ્યો તરીકે આવિષ્કૃત થાય છે. હું તમારે માટે શું કરી શકું? તમને શી રીતે સહાયભૂત થઈ શકું? આ આધ્યાત્મિક વિકાસ લોકોની ભીતરમાં થાય તો, આપણા સમાજમાં કેવું પરિવર્તન આવે! થોડાક લોકોને બાદ કરતાં, હજી સુધી આપણામાં એ હતું જ નહીં. ઘણા બધા લોકો ધાર્મિક ભલે હોય; એ મંદિરે જાય, કપાળે ટીલાંટપકાં કરે, કંઈ ધાર્મિક ક્રિયા કરે પણ, હોય તેવા જ હંમેશાં રહે – ઘરમાં કે સમાજમાં બીજાઓની સાથે ખૂબ ઘર્ષણમાં, અંદરઅંદરના ઝઘડા પતાવવાને એ કોર્ટમાં જાય છે. એટલે તો આપણી કોર્ટો દાવાઓથી ભરપૂર છે; આપણી ઘણી કૉર્ટોમાં હજારો ને હજારો દાવા પડતર રહ્યા છે. જગતમાં બીજે ક્યાંય છે તેના કરતાં ભારતમાં દાવાઓની સંખ્યા સૌથી મોટી છે કારણ, એકમેક સાથે વાત કરીને મામલો કેમ પતાવવો તે આપણે જાણતા નથી. છેલ્લાં હજાર વર્ષોમાં માનવસંબંધો ખૂબ ઘસાઈ ગયા છે.

અર્વાચીન યુગમાં એ બધું બદલાઈ જશે. વ્યવહારુ વેદાન્તનો, શ્રીરામકૃષ્ણનો અને સ્વામી વિવેકાનંદનો એ સંદેશ છે. બીજા લોકો સાથે મીઠા માનવ સંબંધો કેમ કેળવવા તે વિશે ગહન વિચારો રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં વેરાયેલા છે. એ રીતે જ નવીન ભારત વિકસશે. આપણા ગૃહસ્થો ભારતના અને વિશ્વના સારા નાગરિકો બનશે અને, આત્મશ્રદ્ધાથી તથા, બીજાઓમાં શ્રદ્ધાથી સૌ સભર હશે. જેની આજે ઘણી ખોટ છે તે આત્મસન્માન ઘણું આવશ્યક છે. આપણા ઘણા ગૃહસ્થો કહેતા હોય છે: ‘હું ગૃહસ્થ છું, હું શું કરી શકું? હું સંસારી છું, મારાથી શું થઈ શકે?’ આ ભાવ દૂર થવો જોઈએ. પોતાના ગૃહસ્થ ભક્તોને શ્રીરામકૃષ્ણ કહેતા: ‘તમે સંસારી નથી. તમે સંસારમાં રહો ભલે પણ, સંસાર તમારામાં નહીં રહેવો જોઈએ.’ તો જ તમે કુટુંબનાં સભ્યોની અને સમાજની સામે મીઠા સંબંધો બાંધી શકો. સંસારને આપણી અંદર આપણે રહેવા દેવો જોઈએ નહીં. આપણે લોકશાહી ભારતના નાગરિકો છીએ કે આપણે પ્રભુના ભક્તો છીએ એ ભાવ આપણામાં હોવો જોઈએ. શ્રીરામકૃષ્ણ આ દૃષ્ટાન્ત આપતા: નાવ પાણી ઉપર હોય પણ નાવમાં પાણી હોવું જોઈએ નહીં; નહીં તો નાવ ડૂબી જશે અને પોતાનો હેતુ બર લાવી શકશે નહીં.

ભારતમાં આપણે વ્યક્તિઓ વ્યક્તિઓ સાથે અને, સમૂહો સમૂહો સામે લડતા અને વિદેશી આક્રમકોએ આ નબળાઈનો લાભ લઈ પોતાની દીર્ઘકાલીન સત્તા સ્થાપી એમ, ઈતિહાસ આપણને કહે છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં આજે પણ આપણે અંદરોઅંદર ઝઘડીએ છીએ અને એ રીતે, આપણી લોકશાહીને નિર્બળ બનાવીએ છીએ. રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય તો આપણે એક બીજા સાથે સહકાર કરતાં શીખવું જરૂરી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક, તામિલનાડુ અને કર્ણાટક અનંત લાગતા સંઘર્ષમાં રત રહે છે કેમ જાણે, તે સ્વતંત્ર, સાર્વભૌમ રાષ્ટ્રો હોય. પેલી જૂની વૃત્તિ હજી વળગી રહી છે. આપણી પ્રજાના મોટા ભાગને વિવેકાનંદ સાહિત્યમાંથી પ્રેરણા મળશે ત્યારે, આ પ્રકારનો માનવીય વિકાસ શક્ય બનશે. માત્ર સારી ડીગ્રી મળે કે સારો પગાર મળે તે નહીં પણ, એ પાયાનો માનવ વિકાસ છે; ડીગ્રી પગાર પૂરતાં નથી. હું સાચો વિકસિત માનવ બન્યો છું? આપણા પ્રજાસત્તાક રાજ્યને માટે હું શક્તિનો સ્રોત બન્યો છું? આ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે અને એનો હકારાત્મક ઉત્તર મેળવવાનો છે. એટલે જ તો, આપણા ગૃહસ્થો – એને મેં અગાઉ કહ્યા પ્રમાણે ૯૯.૯ ટકા આપણા લોકો ગૃહસ્થો છે તે સૌ – સ્વામી વિવેકાનંદના અને ગીતાના વ્યવહારુ વેદાન્તના બોધને અનુસરે તો, તેઓ સુખી અને સબળ થશે અને, સમગ્ર દેશને સબળ અને સૌમ્ય બનાવે તેવી માનવીય વૃત્તિ સૌ પ્રાપ્ત કરશે.

આ બાબત, પાંડવોના વનવાસમાં માર્કંડેય ઋષિએ યુધિષ્ઠિરને કહેલી, મહાભારતના વનપર્વમાં આવતી ધર્મવ્યાધની પ્રખ્યાત કથા જાણવી લાભદાયી થશે. કૌશિક નામનો તપસ્વી બ્રાહ્મણ પ્રથમ એક ગૃહિણી પાસેથી અને પછી એક માંસ વેચનાર પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે તેની એ કથા છે. પોતાનાં વૃદ્ધ માતાપિતાની સેવાના આધ્યાત્મિક મૂલ્ય અને, ગૃહસ્થોની મહત્તા પર કથા ભાર મૂકે છે (અરણ્યપર્વ, ૧૯૭,૧-૨૧).

કૌશિક નામે એક તપસ્વી બ્રાહ્મણ એક ઝાડ નીચે તપ કરતો હતો. ઝાડ પર બેઠેલી એક બગલી ચરકી ને એનું ચરક એ બ્રાહ્મણ પર પડ્યું. એણે ઉપર દૃષ્ટિ કરી તો એને બલી દેખાણી; એની ક્રોધભરી દૃષ્ટિએ બગલી મરી ગઈ અને એના પગ પાસે ઢગલો થઈને પડી. એ જોઈ એ તપસ્વીને ગ્લાનિ થઈ અને એણે મનમાં વિચાર્યું કે, ‘ક્રોધે ભરાઈ મેં આવું અપકર્મ કર્યું.’ પછી તરત જ એ નજીકને ગામડે ગયો અને કોઈ ગૃહસ્થને બારણે જઈ ભિક્ષા માગી. ગૃહિણીએ એને આવકાર આપ્યો અને થોડીવાર થોભવા કહ્યું; એ જ સમયે એનો પતિ બહારથી પાછો આવ્યો. તપસ્વીને થોડી વધારે વાર જોવાનું કહી પ્રેમભક્તિપૂર્વક એ પોતાના પતિની સેવામાં લાગી.

પતિસેવાને કારણે પોતાની ઉપેક્ષા થાય છે એમ તપસ્વીને લાગતાં તે ગુસ્સે થયો. એણે પેલી સ્ત્રીને કહ્યું, ‘ક્રોધી બ્રાહ્મણ બધું ભસ્મીભૂત કરી નાખે.’ બાઈએ ઉત્તર આપ્યો, ‘હું આપની અવમાનના નથી કરતી; કૃપા કરી આ મોડું થવાની ક્ષમા આપશો; બધા દેવોમાં મારા પતિદેવની સેવાને હું સૌથી અગત્યની ગણું છું. તમારા નિરંકુશ ક્રોધને લઈને, હે ભૂદેવ, થોડી વાર પહેલાં આપે એક બગલીને બાળી નાખી છે તે હું જાણું છું. ક્રોધ મનુષ્યનો શત્રુ છે. ક્રોધ અને મોહ ત્યજી શકે તે જ સાચો બ્રાહ્મણ છે, એમ દેવો કહે છે. મિથિલા દેશમાં (હાલના બિહારમાં) એક ધર્મવ્યાધ, માંસ વેચનારો, છે; એ તમને ધર્મ, નીતિ વગેરેનો બોધ કરશે તો, કૃપા કરી ત્યાં જજો. તમને સલાહ આપવામાં કશો અવિવેક થયો હોય તો મને માફ કરશો.’

તપસ્વી એ બાઈની મહત્તા સમજ્યો અને ઘણાં વન, ગામો અને નગરો વીંધી એ મિથિલામાં ધર્મવ્યાધની હાટે પહોંચ્યો. એણે તપસ્વીને આવકાર આપી કહ્યું: ‘પધારો, તમે બગલીને બાળી છે તેની અને પેલી સતીએ તમને આપેલી સલાહની તથા તમે અહીં શા માટે આવ્યા છો તેની મને ખબર છે. આ કસાઈનું હાટ વાત કરવાનું યોગ્ય સ્થળ નથી. ચાલો આપણે મારે ઘેર જઈએ.

વ્યાધ પોતાનાં વૃદ્ધ માબાપની સેવા કરે ત્યાં સુધી, ત્યાં પણ, તપસ્વીને થોભવું પડ્યું. પછી, શિકારી કસાઈ એ બ્રાહ્મણ તપસ્વીને ધર્મ વિશે લાંબો બોધ આપે છે; એના ૧૬ થી ૨૧-એ છેલ્લા શ્લોકો હું અહીં આપું છું:

ઇંદ્રિયાણ્યેવ તત્ સર્વં યત્ સ્વર્ગંનરકાવુભૌ ।
નિગૃહિત વિસૃષ્ટાનિ સ્વર્ગાય નરકાય ચ ॥

‘જેને સ્વર્ગ અને નરક કહે છે તે ઇંદ્રિયો સિવાય બીજું કશું નથી; એમનો નિગ્રહ કરી નિયમનમાં રખાય તો, તે સ્વર્ગ છે; એમનો છૂટો દોર આપો તો તે નરક છે.’

એષ યોગ વિધિ: કૃત્સ્નો યાવદિન્દ્રિય ધારણમ્ ।
એતૈ મૂલં હિ તપસ: કૃત્સ્નસ્ય નરકસ્ય ચ ॥

‘(માનવીની) બધી આધ્યાત્મિક પ્રગતિનું એકમાત્ર સાધન ઇંદ્રિયનિગ્રહ છે; આધ્યાત્મિક સમૃદ્ધિ એટલે સ્વર્ગની અને પૂર્ણ નરક (એટલે આધ્યાત્મિક રંકતા)ની માનવીની પ્રત્યેક અનુભૂતિની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ એના મૂળમાં છે.’

ઇન્દ્રિયાણાં પ્રસઙ્ગેન દોષમાર્ચ્છન્ત્યસંશયમ્ ।
સન્નિયમ્યેતુ તાન્યેવ તમ: સિદ્ધિં સમાપ્નુયાત્ ॥

‘એમનામાં રત રહીને (પુરુષો અને સ્ત્રીઓ) નિ:શંક બધા દુર્ગુણોનો ભોગ બને છે; ત્યારે, બીજી બાજુએ, એમને વશમાં અને નિયમમાં રાખવાથી (પુરુષો અને સ્ત્રીઓ) આધ્યાત્મિક સિદ્ધિ અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે.’

ષણ્ણાં આત્મનિ નિત્યાનાં ઐશ્વર્યં યોઽધિગચ્છતિ ।
ન સ પાપૈ: કૃતોઽન્યથૈ ર: યુજ્યતે વિજિતેન્દ્રિય: ॥

‘(પાંચ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી બદ્ધ મન સહિતની) છયે ઇન્દ્રિયોની ઉપર પ્રભુત્વ મેળવનાર આત્મસંયમીને પાપ કે બીજું કોઈ અનિષ્ટ સ્પર્શી શકતું નથી.’

રથ: શરીરં પુરુષસ્ય દૃષ્ટમ્
આત્મા નિયન્તા ઇન્દ્રિયાણ્યુ: અશ્વાત્ ।
તૈરપ્રમન્ત: કુશલી સદશ્વૈ:
દાન્તૈ: સુખં યાતિ રથીવ ધીર: ॥

‘દૃશ્યમાન મનુષ્ય શરીર રથના જેવું કહેવાય છે, એમાંનો આત્મા નિયમમાં રાખનાર નિયંતા છે અને એની ઇંદ્રિયો અશ્વો છે; પોતાના સારા ઘોડાઓને વશમાં રાખનાર સારથીની માફક, શાંત અને અપ્રમત્ત બુદ્ધિવાળો શાણો અને ધીર મનુષ્ય સુખ (અને શાંતિ)થી રહે છે.’

ચાર પાંચ વર્ષ પહેલાં ગૃહસ્થધર્મ ઉપર હિન્દીમાં પ્રવચન આપવા (આ પ્રવચન પુસ્તિકા રૂપે ઘણી ભાષાઓમાં પ્રસિદ્ધ થયું છે) હું બિહારમાં છાપરા ગામે ગયો હતો. ત્યાં મેં ખૂબ નિર્બળ સમાજ જોયો, ગુનાથી ભરપૂર, ગરીબાઈમાં ડૂબેલો, જમીનદારશાહી વલણવાળો; કારણ ત્યાં અસંખ્ય બૌદ્ધ સાધુઓ હતા, હજારોની સંખ્યામાં એ હતા અને, પડતીના કાળમાં, એ આળસુ બની ગયા અને, ગૃહસ્થોએ તેમનું અનુકરણ કર્યું. માત્ર બિહારમાં જ નહીં પણ, સમગ્ર ભારતમાં, દૈવી ગુણો અને છટાઓ સાથે તો ગૃહસ્થ જીવનનો દૃઢ વિકાસ મોટે પાયે આવશ્યક છે. આપણી મનુસ્મૃતિએ પણ ગૃહસ્થનાં ખૂબ વખાણ કર્યાં છે. આપણા ગૃહસ્થોએ કેટલાય સૈકાઓથી જે આત્મસન્માન, ધૃતિ અને શક્તિને ગુમાવ્યાં છે ને ગુણોનાં ગુણગાન ગાતો (૩.૭૮મો) શ્લોક હું તમને કહેવા માગું છું:

યસ્માત્ ત્રીયોપ્યાશ્રમિનો જ્ઞાનેનાન્નેન ચાન્વાહમ્ ।
ગૃહસ્થેનૈવ ધારયન્તે તસ્માત્ જ્યેષ્ઠાશ્રમી ગૃહી ॥

ગૃહસ્થની મહત્તા આ શબ્દોમાં વર્ણવવામાં આવી છે. તસ્માત જ્યેષ્ઠાશ્રમી ગૃહી – ‘તેથી સૌથી ઉત્તમ હોય તો તે ગૃહસ્થાશ્રમ છે.’ કારણ કે ત્રયોપ્યાશ્રમિનો જ્ઞાનેનાન્નેન ચાન્વાહમ્ ગૃહસ્થેનૈવ ધારયન્તે — ‘કારણ કે અન્ય ત્રણ આશ્રમો (બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ)ને શિક્ષણ અને અન્ન વડે ગૃહસ્થો જ પોષે છે.’ બ્રહ્મચારી કમાતો નથી; વાનપ્રસ્થી કમાતો નથી; ને સંન્યાસી પણ કમાતો નથી. માત્ર ગૃહસ્થ જ કામ કરે છે ને કમાય છે. એ એક વર્ગ વડે બાકીના ત્રણે વર્ગોને શિક્ષણ અને પોષણ મળે છે; એ એની મહત્તા છે, કેટલી સુંદર અને સત્ય સંકલ્પના! આપણા ગૃહસ્થો આ ભૂલી ગયા હતા. એમણે ફરીથી એને અપનાવવાની જરૂર છે. ગૃહસ્થ જીવનનો એ એક નવો અધ્યાય થશે. સાથે મળીને એ લોકો મોટી સિદ્ધિ સાથે હાંસલ કરી શકશે. આપણી લોકસભામાં, વિધાનસભાઓમાં પૌરપાલિકાઓમાં અને પંચાયતોમાં ક્રાંતિ સર્જાશે. એ પ્રકારની સંઘવૃત્તિ પ્રાપ્ત કરવી જ રહી. આજે તો, ઘણા ખરા ગૃહસ્થો પોતાના પાડોશીને ત્રાસ આપે છે. મારા ઘરમાં હું ઝાડું મારું તો કચરો મારા પાડોશીના ઘર આગળ હું નાખીશ; મારા ઘર આગળ નહીં. ભારતભરમાં સર્વત્ર આ જ રિવાજ છે. બધી સારી વસ્તુઓ મારી અને નઠારી બીજાની! આ હલકી વૃત્તિને છોડી દઈને આપણા લોકોએ સાથે કામ કરતાં શીખવું જોઈએ.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ‘ગૃહસ્થોને સલાહ’નાં પ્રકરણો એક કરતાં વધારે છે. એક ગૃહસ્થે શ્રીરામકૃષ્ણને પ્રશ્ન કર્યો: ‘અમે ઈશ્વરને પામી શકીએ?’ ‘શા માટે નહીં!’ શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘તમારો આત્મા જ ઈશ્વર છે, એ સૌનો આત્મા છે. તમે એને પામી જ શકો. માત્ર તમારા જીવનમાં તમારે જરૂરી ફેરફાર કરવા પડે. પછી એ શક્ય બને.’ આમ હવે પછીના માનવ વિકાસ માટે ‘આધ્યાત્મિક વિકાસ’ ચાવી રૂપ શબ્દો બનશે. શારીરિક અને માનસિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસ ઉપર ભાર દેવાવો જોઈએ.’ ‘મેં આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે?’ આ પ્રશ્ન દરેકે પૂછવો જોઈએ. મંદિરે જઈ, પૂજા કરી આવી, પોતાની જાતને આ પ્રશ્ન પૂછો, ‘મેં આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે?’ આ થયું હોય તો જ, મંદિર જવાનો અને ધાર્મિક વિધિનો ઉદ્દેશ બર આવે. તમે જમો છો; ને તમે શારીરિક વિકાસ ન સાધો તો, ખાવાનો અર્થ શો? એ જ રીતે આધ્યાત્મિક જીવનમાં આધ્યાત્મિક વિકાસ જેવું કશુંક છે. એ સિદ્ધાંતને દૃષ્ટિ સન્મુખ રાખો. એટલે ગૃહસ્થાશ્રમનો અદ્‌ભુત અનુભવ થશે. ભારતનો ઉદ્ધાર આવા ગૃહસ્થાશ્રમ દ્વારા જ થશે.

સાચા ગૃહસ્થ થવાની સિદ્ધિ માટે તમને સૌને હું શ્રીરામકૃષ્ણના આશીર્વાદ પાઠવું છું. આ અર્થમાં જ વેદાન્ત, ગીતા, અને શ્રીરામકૃષ્ણ એને વ્યક્ત કરે છે.

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.