‘રામાયણ’માં એવી વાત આવે છે કે, હનુમાનજીને શાપ હતો, કે કોઈ તેમને તેમના પૂર્વ-પરાક્રમોની યાદ અપાવે ત્યારે જ તેમનામાં શક્તિનો સંચાર થાય. દેશની જનતાનું પણ કંઈક એવું જ છે. તે દેશના, સમાજના ઉત્થાન કે નવનિર્માણ માટે પરાક્રમો કરી શકે તે માટે કોઈકે તેને ‘ઊઠો, જાગો’ કહીને ઢંઢોળવા પડે છે, તેની પાસે તેના પોતાના અને તેના પૂર્વજોના પરાક્રમોની યશગાથા વર્ણવવી પડે છે. અને આ ‘કોઈક’ એટલે ઈતિહાસ. બીજા કોઈ કરતાં ઈતિહાસ દેશની જનતાને તેના ભૂતકાળમાંથી પ્રેરણા આપીને, તેને ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા તરફ વધારે સારી રીતે અગ્રેસર કરી શકે છે. આ જ ઈતિહાસનું મહાકાર્ય છે, અને આ જ તેની ઉપયોગિતા છે.
ભારતનો ઈતિહાસ, તેનો દરેક યુગ, અનેક યશોગાથાઓથી ભર્યો ભર્યો છે. તે બધાંનું દર્શન કરવાનું તો આ લઘુ-લેખમાં શક્ય નથી; તેથી ભારતીય ઈતિહાસના શરૂઆતના, માત્ર પ્રાચીન, યુગની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓનું, તથા તેમાંથી નિષ્પન્ન થતા પદાર્થપાઠોનું અવલોકન-અને તે પણ માત્ર વિહંગાવલોકન જ-કરીને સંતોષ માનીશું.
રાજકીય ક્ષેત્રે
રાજકીય ક્ષેત્રમાં પ્રાચીન ભારતે સમગ્ર દેશ ઉપર ‘એકચક્રી’ શાસનનો ખ્યાલ આપી, તે દ્વારા દેશની રાજકીય એકતા સિદ્ધ કરી બતાવી હતી. આજે આપણે ત્યાં, અમુક રાજકીય પરિસ્થિતિઓને લીધે, થોડા વર્ષોથી ‘પ્રદેશવાદ’ અને ‘પ્રાદેશિક પક્ષો’ને વધારે મહત્ત્વ મળવા માંડ્યું છે; પરંતુ આપણો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે, દેશમાં જ્યારે જ્યારે બળવાન તથા એકહત્થુ (ચક્રવર્તી) કેન્દ્રીય સત્તાની સ્થાપના થઈ છે (દા.ત. મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય કે મધ્યયુગમાં મુગલ સામ્રાજ્ય) ત્યારે ત્યારે દેશમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થાની સ્થાપના થઈ છે. અને તેને પગલે આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિકાસનો યુગ (આપણે જેને સામાન્ય રીતે ‘સુવર્ણયુગ’ કહીએ છીએ, તે) આવ્યો છે. તેનાથી ઊલટું, જ્યારે કેન્દ્રસત્તા નિર્બળ બની છે, ત્યારે દેશની રાજકીય એકતા છિન્ન ભિન્ન થઈ છે; ‘પ્રદેશવાદે’ માથું ઊંચક્યું છે; દેશમાં અવ્યવસ્થા, અંધાધુંધ, અસલામતી અને વિદેશી આક્રમણોની માત્રા વધી છે; પરિણામે આર્થિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક પ્રગતિનો યુગ આથમી ગયો છે. મૌર્ય સામ્રાજ્યના પતન પછી આવેલો ‘અંધકાર યુગ’, ગુપ્ત સામ્રાજ્યના પતન પછી નાનાં-મોટાં, પરસ્પર લડતાં-ઝઘડતાં, અને આખરે મુસ્લિમ-આક્રમણો સામે ઝૂકી પડતાં રાજપૂત-રાજ્યોનો યુગ, કે મુગલ સામ્રાજ્ય પતન પછીનો (છેક ૧૮૫૭ પછી બ્રિટિશ-સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધીનો) સમય આ હકીકતની સાક્ષી પૂરે છે. ‘પ્રદેશવાદ’ના હિમાયતીઓને આ ગમે કે ન ગમે, પરંતુ ભારતીય-ઈતિહાસની આ વાસ્તવિકતા છે. અને ભારતના ઉજ્જ્વળ ભાવિના નિર્માણકારો માટે મહત્ત્વનો પદાર્થપાઠ પણ છે.
પરંતુ પ્રાચીન રાજનીતિજ્ઞોએ એક બાજુ સર્વ સત્તાધીશ શાસનતંત્રની હિમાયત કરી હતી (દા.ત. કૌટિલ્ય) તો બીજી બાજુ તેમણે શાસન-સત્તાના હણહણતા અશ્વને ‘ધર્મ’ અને ‘નીતિમત્તા’ની લગામ પણ ચડાવી હતી. તેમણે રાજા (કે આજના લોકશાહીના સંદર્ભમાં કોઈપણ પ્રકારના શાસનકર્તાઓ કે વહીવટકર્તાઓ)ની સત્તા કરતાં તેના ‘રાજધર્મ’ (ધર્મ= ફરજ) ઉપર વધારે ભાર આપ્યો હતો. તેમણે નક્કી કરેલી રાજ્યાભિષેક-વિધિમાં રાજાએ ગાદીએ બેસતાં પહેલાં પ્રજાના હિતમાં જ શાસન કરવાની પ્રતિજ્ઞા લેવી પડતી. તેને ‘ધર્મ શાસ્ત્રો’ દ્વારા વારંવાર યાદ અપાવવામાં આવતું કે, ‘રાજાનું રાજપદ ધર્મના પાલન માટે છે, પોતાની અંગત ઇચ્છાઓ સંતોષવા માટે નહીં.’ કૌટિલ્યે પોતાના ‘અર્થશાસ્ત્ર’માં રાજાને (આમ તો, બધા જ શાસનકર્તાઓને) શિખામણ આપી છે કે, ‘જે રીતે ગર્ભિણી માતા પોતાનું નહીં, પરંતુ પોતાના ઉદરમાં રહેલા બાળકનું સુખ નજર સમક્ષ રાખીને વર્તન કરે છે, તે રીતે રાજાએ પોતાની પ્રજાના સુખ-કલ્યાણને નજર સમક્ષ રાખીને વર્તવું જોઈએ.’
મૌર્ય સમ્રાટ અશોક પોતાના એક શિલાલેખમાં આ આદર્શનો પડઘો પાડતાં કહે છે: ‘બધા લોકો મારાં બાળકો છે, અને જે રીતે હું મારાં બાળકોની બાબતમાં ઝંખના કરું કે તેઓ આ દુનિયામાં અને આવતી દુનિયામાં સમૃદ્ધિ અને સુખ મેળવે, તે જ રીતે હું બધા માણસો માટે એ પ્રકારની ઝંખના કરું: ‘વળી, ‘ગમે તે ક્ષણે – હું ભોજન લેતો હોઉં, આરામમાં હોઉં, અંત:પુરમાં હોઉં કે શયનગૃહમાં હોઉં, કે ઉદ્યાનમાં હોઉં બધે જ સ્થળે… લોકોનું કાર્ય કરવા તત્પર હોઉં છું. લોકોનું ભલું કરવું તે મારો ધર્મ છે… મારા પ્રયત્નોનું મૂળ લોકોના ઋણમાંથી મુક્ત થવામાં છે.’ એટલે કે, રાજા લોકોનું જે કંઈ ભલું કરે છે, લોકકલ્યાણનાં કાર્યો કરે છે, તે લોકો ઉપર ઉપકાર નથી કરતો, પરંતુ લોકોએ તેને રાજપદ આપ્યું છે તે ઋણમાંથી મુક્ત થવા માટે કરે છે! રાજાની જનતા પ્રત્યેની ફરજો વિશેની આટલી ઉચ્ચ ભાવનાને કારણે જ અશોક માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના શાસનકર્તાઓ માટે આદર્શ બની રહ્યો છે. તેણે શાસનકર્તાઓ માટે રજૂ કરેલા ‘પ્રજાવત્સલ’ અને ‘પ્રજાકલ્યાણવાદી શાસન-સત્તા’ના આ આદર્શને ભારતના ઈતિહાસના પ્રાચીન, મધ્ય કે વર્તમાનયુગના મોટાભાગના રાજાઓએ (ખુદ મુગલ-સમ્રાટ અકબરે પણ) ઓછે વત્તે અંશે અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે, અને તેમાં તેઓ જેટલે અંશે સફળ થયા તેટલે અંશે તેઓએ ઈતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે. શાસનકર્તાઓની ફરજો વિશેનો આ પ્રાચીન-વારસો એટલો તો આદર્શ અને જીવંત છે કે, આજે લોકશાહી વ્યવસ્થામાં પણ આપણે શાસનકર્તાઓની સફળતા-નિષ્ફળતાનું મૂલ્યાંકન આ માપદંડથી કરીએ છીએ!
એમ જોઈએ તો, લોકશાહી – વ્યવસ્થાનો વારસો પણ આપણને (સામાન્ય રીતે માનવામાં આવે છે તેમ પાશ્ચાત્ય-પ્રજાઓ પાસેથી નહીં, પણ) પ્રાચીન ભારત પાસેથી જ મળેલો છે. આપણે ત્યાં શાસનતંત્રમાં લોકશાહી-વ્યવસ્થાના બીજ છેક વેદયુગથી નખાયાં હતાં. વેદયુગમાં રાજાને રાજકાજમાં સહાય કરવા માટે, તથા તેની સત્તા ઉપર અંકુશ રાખવા માટે ‘સભા’ (જેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા) અને ‘સમિતિ’ (જેમાં રાજ્યના બધા જ નાગરિકો ભાગ લેતા) નામની બે જન-સંસ્થાઓ હતી. ‘અથર્વવેદ’માં આ સંસ્થાઓને ‘પ્રજાપતિની બે જોડીયા પુત્રીઓ’ કહી છે, જે શાસનતંત્રમાં બંનેના સમાન મહત્ત્વને સ્પષ્ટ કરે છે. વેદયુગ પછીના સમયમાં ‘પૌર’ અને ‘જાનપદ’ (શહેરો અને ગામડાંના પ્રતિનિધિઓની બનેલી) સભાઓનો ઉલ્લેખ મળે છે. કદાચ આવી જનસભાઓની પ્રણાલીઓમાંથી જ સમય જતાં ‘ગણ રાજ્યો’ની પ્રથા વિકસી હશે તેમ લાગે છે. કારણ, ઉપલબ્ધ બૌદ્ધ અને અન્ય સાહિત્યિક (ભારતીય તેમજ ગ્રીક) આધારો ઉપરથી ઈ.સ. પૂર્વે ૬ઠ્ઠી સદીની આસપાસ ઉત્તર ભારતમાં નાનાં-મોટાં અનેક ગણરાજ્યો સ્થાપિત થયેલા હોય તેમ લાગે છે. આ ગણરાજ્યો પડોશમાં પ્રબળ રાજાશાહી-રાજ્યો હોવા છતાં છેક ગુપ્ત સમ્રાટોના સમય સુધી (અર્થાત્ લગભગ ૧૦૦૦ વર્ષો જેટલા લાંબા સમય સુધી) ટક્યા હોવાનો અંદાજ છે, જે તેમની અતિ મહત્ત્વની સિદ્ધિ ગણાય.
આ ગણરાજ્યોનો વહીવટ બધા જ નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રમુખ (જે ગણમુખ્ય, ગણાધ્યક્ષ કે ગણપતિ કહેવાતો) અને ચૂંટાયેલી કારોબારી સમિતિ દ્વારા થતો. ગણના સેનાપતિની પણ ચૂંટણી થતી. રાજ્યના બધા જ નાગરિકોની બનેલી ‘નાગરિક સભા’ એ ગણરાજ્યની સાર્વભૌમ-સત્તા ગણાતી. આ સભાની કાર્યવાહીની વિગતો વાંચીએ તો તે બરાબર આધુનિક સમયની આપણી ધારાસભાની કાર્યવાહી જેવી જ લાગે! સભામાં મુક્ત ચર્ચાઓ થતી, કોઈપણ પ્રશ્ને રીતસર મતદાન થતું, અને બધા નિર્ણયો બહુમતીથી લેવાતા. આવા ગણરાજ્યોમાં (વૈશાલીના) લિચ્છવીઓ, યૌધેયો, માલવો, મલ્લો, શક્ય, કઠ વગેરે જાતિઓના ગણરાજ્યો ઘણા સમૃદ્ધ અને શક્તિશાળી હતા. ગણરાજ્યોની લોકશાહી-શાસનવ્યવસ્થામાં, તથા તેમાં પાંગરેલી વિચાર-સ્વાતંત્ર્ય, વાણી -સ્વાતંત્ર્ય અને વ્યક્તિ-સ્વાતંત્ર્યની આબોહવામાં સંસ્કૃતિનો સુંદર વિકાસ થયો હતો. શ્રી ‘દર્શક’ (મનુભાઈ પંચોળી) ‘આપણો વારસો ને વૈભવ’માં યોગ્ય રીતે જ નોંધે છે કે, પ્રાચીન ભારતના ત્રણ શ્રેષ્ઠ પુરુષો – શ્રીકૃષ્ણ, બુદ્ધ અને મહાવીર આવા ગણરાજ્યોની નીપજ હતા (શ્રીકૃષ્ણ અંધક-વૃષ્ણિ સંઘમાં, બુદ્ધ શાક્ય સંઘમાં અને મહાવીર લિચ્છવી ગણમાં જન્મ્યા અને ઉછર્યા હતા). અને તેને કારણે જ તેમના જીવન કાર્ય તથા વિચારસરણીમાં લોકશાહી વણાયેલી હતી. આ ગણરાજ્યોના ઉદય, વિકાસ તથા અવનતિના ઈતિહાસમાંથી આજનું લોકશાહી-ભારત ઘણા પદાર્થપાઠો તારવી શકે તેમ છે.
સામાજિક ક્ષેત્રે
શ્રી ‘દર્શકે’ પોતાના પુસ્તક ‘આપણો વારસો ને વૈભવ’માં ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થાની ચાર મુખ્ય વિશિષ્ટતાઓ ગણાવી છે: (૧) વિવિધતામાં એકતા જોવાની વૃત્તિને પરિણામે અહિંસાની શોધ; (૨) સ્ત્રી સન્માન; (૩) વર્ણાશ્રમ વ્યવસ્થા; અને (૪) તર્કશુદ્ધ, વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ.’ આમાં હજુ એક વધારાની વિશિષ્ટતાનો સમાવેશ કરી શકાય, તે વ્યક્તિગત અને સમૂહ-સ્તરે ઉદારતા અને સહિષ્ણુતાની ભાવના. આપણને આ બધી વિશિષ્ટતાઓ વારસામાં મળી છે, અને આજે પણ આપણું જનજીવન એક યા બીજી રીતે આ બધાથી પ્રભાવિત છે, જેમકે:
આજે પણ આપણને સમાજમાં, મેળાઓમાં, તીર્થસ્થાનોમાં કે સભા-સરઘસોમાં ભારતીય સંસ્કૃતિની ભાતીગળ વિવિધતા અને તે સાથે બધાંયને એક તાંતણે જોડતી ભાવનાત્મક એકતાનો અનુભવ થાય છે. તાજેતરમાં જ ‘કારગીલ બનાવ’ વખતે અનેક પ્રકારની વિવિધતાથી ઊભરાતા આ દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું, તે આપણી સંસ્કૃતિના પાયામાં રહેલી આ મૂળભૂત વિશિષ્ટતા (અર્થાત્, વિવિધતામાં એકતા)ની પ્રતીતિ કરાવે છે. આપણને મળેલા સમાન રાષ્ટ્રીય વારસાને કારણે, તથા સમાન નૈતિક અને માનસિક ગુણોને કારણે જ આપણે ‘ભારતીય’ તરીકેનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ ઊભું કરી શક્યા છીએ, જે આવા કટોકટીના સમયે બધા ભેદો ભૂંસીને ઉપર ઉપસી આવે છે. આને જ કારણે પરદેશમાં પણ ‘ભારતવાસીઓ’ એક અલગ ‘રાષ્ટ્રીય જૂથ’ તરીકે પોતાની આગવી ‘ઓળખ’ (Identity) જાળવી શક્યા છે, અને પરદેશમાં રહેવા છતાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ સાથે સમરસતા કેળવી શક્યા છે.
ભારતીય સંસ્કૃતિ અનેક પ્રકારની વિવિધતાઓને એકી સાથે સમાવી શકી છે, તેનું એક કારણ એ પણ છે કે, આ સંસ્કૃતિના પાયામાં જ ઉદારતા અને સહિષ્ણુતાના ગુણો રહેલા છે. આ ઉમદા ગુણોને કારણે જ ભારતમાં આક્રમણકારીનો અંચળો ઓઢીને આવેલી ગ્રીક, શક, કૂષાણ, હૂણ કે મુસલમાનો જેવી વિદેશી વિધર્મી પ્રજાઓની સંસ્કૃતિઓનું ભારતીય સંસ્કૃતિમાં સંમિલન, અથવા તો, ગ્રીક કે ઈસ્લામ સંસ્કૃતિની બાબતમાં બન્યું છે તેમ તેમની સાથેનો સમન્વય શક્ય બન્યાં છે, વળી, આ ગુણોને કારણે જ ભારતીય સમાજમાં, ભારતીય રાજનીતિમાં, અને ભારતના સામાન્ય માનવીના જીવનમાં પણ, બધા વ્યવહારોમાં યુદ્ધ કે કજિયા-કલહને બદલે શાંતિ-સમાધાનનું, ‘ભૂલી જાઓ ને માફ કરો’ (forget and forgive)ની ભાવનાનું પ્રાધાન્ય રહ્યું છે. આ પાયાના ગુણોમાંથી જ ‘અહિંસા’ની ભાવનાનો પ્રાદુર્ભાવ થયો ગણાય. જે બુદ્ધના સમયથી આજ સુધી ભારતીય જીવન-વ્યવહારનું પ્રધાન પાસું રહ્યું છે.
શ્રી ‘દર્શકે’ ભારતીય-સમાજની ગણાવેલી બીજી વિશિષ્ટતા એટલે સમાજમાં પરાપૂર્વથી ‘સ્ત્રી સન્માનની ભાવના’ની થયેલી પ્રતિષ્ઠા. જો કોઈ પણ સમાજ કે સંસ્કૃતિની પ્રગતિશીલતા કે પછાતપણાનું માપ તેમાં સ્ત્રીઓનું કેવું સ્થાન છે, સ્ત્રીઓની સ્થિતિ કેવી છે, તે ઉપરથી નીકળી શકતું હોય, તો પ્રાચીન ભારતીય સમાજ (અને સંસ્કૃતિ) ખરેખર પ્રગતિશીલ હતા, તેમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સ્ત્રી-સન્માનની ભાવનાના મૂળ છેક વેદકાળમાં નખાયાં હતાં. વેદકાળમાં કુટુંબમાં, તેમજ સમાજમાં, સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચું હતું, અને લગ્ન, વિદ્યાભ્યાસ, વ્યવસાય કે ધર્માચરણ વગેરે જેવી ઘણી બાબતોમાં સ્ત્રોઓને સંપૂર્ણ સ્વતંત્રતા હતી. કુટુંબમાં પુત્રીનું સ્થાન પુત્રના જેટલું, અને પત્નીનું સ્થાન પતિના જેટલું જ (રથના બે સમાન પૈડાં જેવું) મહત્ત્વનું હતું. પત્ની ભોગવિલાસનું સાધન નહીં, પરંતુ તેને ‘ગૃહિણી’ (ગૃહસ્વામિની) તથા ‘સહધર્મચારિણી’નું માનભર્યું પદ આપવામાં આવ્યું હતું. (તેના વિના પતિ અધૂરો ગણાતો, અને યજ્ઞ સહિતના કોઈ પણ ધર્મ કાર્યમાં પત્નીની પહેલી જરૂર પડતી); લગ્નને કોઈ ‘કરાર’ નહીં, પરંતુ જન્મોજન્મનું ‘પવિત્ર બંધન’ ગણવામાં આવતું.
જો કે વેદયુગ પછીના સમયમાં, તથા ખાસ કરીને મધ્યયુગમાં મુસ્લિમ શાસન સ્થપાયા પછી, સમાજમાં તથા કુટુંબમાં સ્ત્રીઓનું આવું ઊંચું, આદર્શ સ્થાન જળવાઈ રહ્યું ન હતું; તે ઉત્તરોત્તર નીચું જતું ગયું હતું. તેમ છતાં, તે બધો સમય પણ, જન-માનસમાં સ્ત્રી સન્માનનો ‘વેદકાલીન આદર્શ’ તો જળવાઈ જ રહ્યો હતો (જેમ કે, રાજપૂત-યુગમાં રાજપૂતો કોઈ અજાણી કે વિધર્મી સ્ત્રીનું પણ માન-સન્માન જાળવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેતા; છત્રપતિ શિવાજી મહારાજે હારેલા મુસ્લિમ શત્રુની સ્ત્રીઓનું સંપૂર્ણ માન જાળવ્યું હતું). પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતીય સાહિત્યમાં નારીની મહત્તા અને નારી-સન્માનનો આ આદર્શ ઠેર ઠેર સ્ફૂટ થાય છે (અને યાદ રાખીએ કે, સાહિત્યને સમાજનું દર્પણ ગણવામાં આવે છે). વર્તમાન સમયમાં રાજા રામમોહનરાય, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ કે મહાત્મા ગાંધી જેવા અનેક ધર્મસુધારકો તથા સમાજ-સુધારકોએ સ્ત્રી-સન્માનના આ પ્રાચીન આદર્શને પુન: ચેતનવંતો બનાવવાના પ્રયત્નો કર્યા હતા, અને લોકમાનસમાં પણ સદીઓ થયાં આ અનન્ય વારસો જળવાઈ રહ્યો હતો. તેને કારણે જ આ સુધારકો આ દિશામાંના પોતાના પ્રયત્નોમાં સફળ થયા હતા.
શ્રી દર્શકે ‘વર્ણાશ્રમ-વ્યવસ્થા’ને ઉચિત રીતે જ આપણા ભારતીય સમાજ અને સંસ્કૃતિની એક વિશિષ્ટતા તરીકે ગણાવેલ છે. અલબત્ત, વર્ણવ્યવસ્થા’ (સમાજનું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – એમ ચાર વર્ણમાં વિભાજન)ની અતિશયોક્તિએ, તેણે સર્જેલી નાત-જાતની વાડાબંધી અને સંકુચિત વિચારસરણીએ આપણા દેશને અને સમાજને પારાવાર નુકસાન કર્યું છે; અને તેથી આપણે તેના ખ્યાલ અને પ્રભાવમાંથી જેટલા વહેલા મુક્ત થઈએ એટલું વધારે સારું છે. પરંતુ આ વ્યવસ્થાના પાયામાં રહેલા સિદ્ધાંતો કે વિચારો છોડવા જેવા નથી. વર્ણવ્યવસ્થાના પાયામાં બે બાબતો રહેલી છે. એક, બાળક જે વ્યવસાયના વાતાવરણમાં ઉછરે તે વાતાવરણ બાળપણથી, જે સમયે તેની બુદ્ધિ સૌથી વધારે ગ્રહણશીલ હોય છે તે સમયથી, તેની રુચિનું ઘડતર કરે છે, અને તેથી તે પોતાના કુટુંબના કે વડીલોના વ્યવસાયમાં વધારે સફળ થાય છે. આને કારણે જ ડૉક્ટરોના સંતાન (પુત્ર કે પુત્રી) ડૉક્ટર, વકીલના વકીલ, વેપારીના વેપારી, ઉદ્યોગપતિના સંતાનો ઉદ્યોગપતિ, અધ્યાપકના અધ્યાપક, કે નેતાના સંતાનો નેતા બને, તો તે ઘણું સ્વાભાવિક છે.
અને બીજું, આ વ્યવસ્થાની પાછળ સમાજમાં કોઈક પ્રકારની કાર્ય-વહેંચણી (અર્થશાસ્ત્રમાં જેને ‘શ્રમ-વિભાજન’ કહે છે તેવું) થવી જોઈએ, તે ખ્યાલ રહેલો છે. બધા જ ડૉક્ટર બને, કે એન્જિનિયર કે વકીલ કે શિક્ષક બને તો સમાજનું ગાડું કઈ રીતે ચાલે? સમાજની પ્રગતિ કઈ રીતે થાય? કોઈકે ઉત્પાદનનો (ખેતીમાં કે કારખાનાંઓમાં) મોરચો સંભાળવો પડશે; કોઈકે વેપારી બની ચીજોનું વિતરણ – વિનિમય કરવું પડશે; કોઈકે શિક્ષક, ડૉક્ટર કે વકીલ કે કારકૂનના રૂપમાં સમાજને પોતાની સેવાઓ આપવી પડશે. આ દૃષ્ટિએ તો સેવાનું કામ હલકું (શૂદ્રોએ કરવાનું) નહીં, પરંતુ સૌથી ઊંચું ગણાય આમ તો, પૂ. પાંડુંરંગ દાદા કહે છે તેમ, જો દરેક કાર્ય ‘ઈશ્વરનું કાર્ય’ સમજીને કરવામાં આવે તો તે ‘સેવા’ જ છે. તેમણે એક જગ્યાએ કહ્યું હતું કે, ‘તમે સવારના ૧૧-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ સુધી કામ કરો છો, તે તો વેતન માટે કામ કરો છો, અને વેતન આપનાર માલિક (બોસ) માટે કામ કરો છો; પરંતુ તે પછી ૬-૦૦ વાગ્યાથી ૬-૧૫ સુધી વધારાનું કામ કરો, તો તે ‘સેવા’ છે, અને તે ‘માલિકોના પણ માલિક’ અર્થાત્, ‘ઈશ્વર’ માટેનું કામ છે, હવે આવી ‘સેવા’નું કાર્ય હલકું શી રીતે ગણાય? પ્રાચીન ‘વર્ણવ્યવસ્થા’ને આ રીતે સમજીને તેનાં સારતત્ત્વો અપનાવવા જોઈએ.
આવી જ ઊંડી દૃષ્ટિ ‘ચાર આશ્રમો’ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ)ની યોજના પાછળ રહેલી છે. આમાં પણ બે બાબતો હતી: એક માનવીના જીવનનું કોઈ ઉન્નત ધ્યેય હોવું જોઈએ, અને બીજું, તે ધ્યેય કે લક્ષ્યને પહોંચવા માટે અગાઉથી આયોજન (Planning) કરીને જીવન જીવવું જોઈએ. આ પ્રકારના આયોજિત-જીવનમાં પણ માનવ-જીવનનો વિકાસ (એકીધડાકે નહીં પરંતુ) ક્રમશ: તબક્કાવાર, એક પછી એક પગથિયું ચડતાં ચડતાં થવો જોઈએ, તે દૃષ્ટિ રહેલી છે.
આ ઉપરાંત આર્ય-ચિંતકોએ માનવીએ જીવનમાં સાધવા યોગ્ય ‘ચાર પુરુષાર્થો’ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)પણ નક્કી કરી આપ્યા હતા. અહીં એ હકીકત નોંધપાત્ર છે કે, તેમણે જીવનમાં અર્થપ્રાપ્તિ અને કામના-તૃપ્તિને પણ ધર્મ અને મોક્ષની સાધના જેટલું જ મહત્ત્વ આપ્યું હતું: પરંતુ તે સાથે તેમણે ‘અર્થ’ અને ‘કામ’ ને ‘ધર્મ’ તથા ‘મોક્ષ’ રૂપી બે છેડાઓની વચ્ચે સ્થાન આપીને, અર્થ પ્રાપ્તિ કે કામતૃપ્તિ પણ આ બે કિનારાઓની મર્યાદામાં રહીને સાધવી જોઈએ, તેમ સૂચવ્યું હતું. ટૂંકમાં, અર્થ અને કામનો પાયો ‘ધર્મ છે, અને જીવનની બધી જ પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ્ય ‘મોક્ષ’ છે, અને તે જીવનના વિવિધ તબક્કાઓમાં થઈને, વિવિધ પ્રવૃત્તિઓ – પુરુષાર્થોને અંતે પ્રાપ્ત થવાનું છે, તે ભાવના આમાં સમાયેલી છે.
ખરેખર, ચાર વર્ણો, ચાર આશ્રમો અને ચાર પુરુષાર્થોની આ પ્રાચીન આર્ય-યોજનાને તેનું હાર્દ સમજીને સ્વીકારવામાં આવે તો આજે પણ આપણો સમાજ અને આપણું જીવન વધારે ઉન્નત બને તેમ છે.
કોઈ પણ સમાજ કે સંસ્કૃતિનું મૂલ્યાંકન તેની પ્રજામાં રહેલી જ્ઞાનપિપાસા, તથા તેની તૃપ્તિ માટે કરવામાં આવેલી વ્યવસ્થા ઉપરથી કરી શકાતું હોય તો તે બાબતમાં પણ પ્રાચીન ભારતીય સમાજ ઘણો પ્રગતિશીલ હતો, તેમ કહી શકાય. કારણ, પ્રાચીન ભારતમાં વિદ્યાભ્યાસ તથા કેળવણીને ઘણું મહત્ત્વ મળ્યું હતું. પ્રાચીન આર્યચિંતકોએ માનવજીવનના પહેલાં પચ્ચીસ વર્ષ (બ્રહ્મચર્યાશ્રમ) તો માત્ર વિદ્યા ઉપાર્જન માટે જ નક્કી કર્યાં હતાં. લોકો પોતાનાં બાળકોને અભ્યાસ માટે ઋષિઓના આશ્રમોમાં, ગુરુકુલો અને વિદ્વાન બ્રાહ્મણોની પાઠશાળાઓમાં, મઠોમાં, બૌદ્ધવિહારો કે જૈન ઉપાશ્રયોમાં મોકલતા. અહીં બાળકોને તેમની લાયકાત અને રુચિ પ્રમાણે ધર્મશાસ્ત્રો, ગણિત, ઈતિહાસ, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, શસ્ત્રવિદ્યા, વૈદક, અર્થશાસ્ત્ર, રાજનીતિ વગેરે વિવિધ વિષયોનું જ્ઞાન અપાતું. ત્યાંથી આગળ ઉચ્ચ અભ્યાસ માટે તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલભી, વારાણસી, કાંચીની વિદ્યાપીઠો જેવી વિદ્યાસંસ્થાઓ હતી, જેમની ખ્યાતિ દેશવિદેશોમાં ફેલાયેલી હતી. આ ઉપરાંત કારીગરોનાં બાળકોને તેમના પરંપરાગત ધંધાની તાલીમ આપવા માટે જે તે ધંધાના કારીગરોની ‘શ્રેણી’ઓ (મંડળો કે સંઘો) તરફથી વ્યવસ્થા કરવામાં આવતી. આ પદ્ધતિ પ્રાચીનકાળ પછીના સમગ્ર મધ્યકાલીન દરમ્યાન (છેક અંગ્રેજોના સમય સુધી) ચાલુ રહી હતી.
પ્રાચીન ભારતમાં કેળવણી આ રીતે વિવિધલક્ષી હતી, મફત હતી અને મહદ્અંશે સમાજાશ્રિત હતી. કેળવણી આપતા આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના અને કેળવણીની સંસ્થાઓના નિભાવની જવાબદારી સમાજે (સમાજના શ્રીમંતોએ) ઉપાડી લીધી હતી. રાજ્ય તરફથી પણ કેળવણીની સંસ્થાઓના નિભાવ અર્થે ગામડાંની આવક ભેટ ધરવામાં આવતી; અને છતાં કેળવણી રાજ્યના અંકુશથી બિલકુલ મુક્ત હતી. કેળવણી – સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના (નાત-જાત, ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે દેશ-પરદેશના) ભેદભાવ વગર જ્ઞાન આપવામાં આવતું. વળી, પ્રાચીન ભારતમાં સ્ત્રીઓની કેળવણી ઉપર પણ એટલું જ ધ્યાન આપવામાં આવતું. કેળવણીના ક્ષેત્રે વિદૂષી, ગાર્ગી અને મૈત્રેયીના નામો તો પ્રખ્યાત છે જ, પરંતુ તેમના જેવી અનેક સ્ત્રીઓ, કુમારિકાઓ અને તપસ્વિનીઓ (જ્ઞાનાર્જન માટે આજીવન કૌમાર્ય અને સન્યસ્ત ધારણ કરનારી સ્ત્રી) જ્ઞાનની આરાધના કરતી. સ્ત્રી કેળવણીની આ પરંપરા મધ્યયુગમાં પણ જળવાઈ રહી હતી તે, આઠમી સદીમાં જગદ્ગુરુ શંકરાચાર્ય અને પોતાના વિદ્વાન પતિ મંડનમિશ્ર વચ્ચેના વાદવિવાદમાં નિર્ણાયક તરીકેનું અતિ સન્માનનીય સ્થાન શોભાવનાર મહાવિદૂષી ઉભયભારતી (જેને ‘સરસ્વતી’નું બિરુદ આપવામાં આવેલું)ના દૃષ્ટાંત ઉપરથી જોઈ શકાય છે.
આર્થિક ક્ષેત્રે
આર્થિક ક્ષેત્રે ભારત (છેક ૧૯મી સદીમાં અંગ્રેજ કંપનીની કુટિલ વેપારી-શોષણ-નીતિનું ભોગ બન્યું ત્યાં સુધી) સમૃદ્ધ હતું તે હકીકત સર્વવિદિત છે. ભારતની સમૃદ્ધિના ત્રણ મુખ્ય સ્રોતો હતા – ખેતી, વ્યાપાર અને ઉદ્યોગો, અને તે ત્રણેય સ્રોતો માતબર હતા. જો કે મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો, તેમ છતાં દેશની સમૃદ્ધિ મહ્દઅંશે ઉદ્યોગો (હસ્ત-ઉદ્યોગો અને ગૃહ-ઉદ્યોગો) તથા વ્યાપાર (ખાસ કરીને દરિયાપારના દેશો સાથેના વ્યાપાર) ઉપર આધારિત હતી. ભારતીય કારીગરો ઉત્કૃષ્ટ પ્રકારનું ઉત્પાદન કરતા, અને ભારતીય ચીજ-વસ્તુઓ (ખાસ કરીને ભારતના પાણી-પાતળા મલમલ)ની વિદેશોમાં જબરી માંગ હતી. ભારતીય કારીગરો કદી લાચાર કે બેકાર ન હતા; સમાજમાં તેમનું માનભર્યું સ્થાન અને પ્રતિષ્ઠા હતી. જુદા જુદા ઉદ્યોગોના કારીગરોના ‘મંડળો’ કે ‘સંઘો’ જે (‘શ્રેણી’ કહેવાતા) રચાતા. ‘આ મંડળો સ્વતંત્ર અને સ્વાયત્ત હતા. તેમની પાસે મોટું મૂડી-ભંડોળ રહેતું. તેઓ જ માલની ગુણવત્તા, જથ્થો અને કિંમત નક્કી કરતા, તથા કાચા માલની ખરીદી અને પાકામાલના વેચાણની વ્યવસ્થા કરતા. મંડળોના કારીગર-વાડાઓમાં કારીગરોનાં બાળકોને ધંધાની તાલીમ આપીને તૈયાર કરવામાં આવતા. લોકોને આ ‘શ્રેણી’ઓની પ્રામાણિકતા અને સદ્ધરતામાં એટલો બધો વિશ્વાસ હતો કે તેઓ તેમની પાસે મોટી રકમો થાપણ તરીકે મૂકતા. દરેક ‘શ્રેણી’ પોતાના સભ્યોને જરૂર પડ્યે નાણાંની મદદ કરતી; તેઓ મંદિરો અને ધર્મશાળાઓ બંધાવતી, અને ધર્માદા-સંસ્થાઓ ચલાવતી. કેટલીક ‘શ્રેણી’ઓ તો એટલી માતબર હતી કે તે રાજ્યને પણ નાણાં ધીરતી! ભારતીય ઉદ્યોગોની આવી ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯મી સદીમાં ઈંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિએ કંપની-સરકારના શોષણખોર શાસનના સહકારથી ભારતના ઉદ્યોગોને ભાંગી નાખ્યા ત્યાં સુધી રહી હતી.
તેવું જ ભારતના વિદેશ-વ્યાપારનું, ભારતીય વેપારીઓ કારીગરો દ્વારા ઉત્પાદિત થતી ઉત્કૃષ્ટ ચીજ-વસ્તુઓની વિદેશોમાં નિકાસ કરતા, અને તેમાંથી મબલખ પ્રમાણમાં નફો કમાતા. ભારતમાંથી મુખ્યત્વે હીરા, મોતી, કાપડ, સુગંધી પદાર્થો, તેજાના, કોપરાં અને હાથીદાંતની પરદેશોમાં નિકાસ થતી, અને બદલામાં સોનું, રૂપું, તાંબુ, કપૂર અને ઘોડાઓ (ખાસ કરીને અરબી ઘોડાઓ)ની આયાત કરવામાં આવતી. આયાત કરતાં નિકાસ વધારે હોઈને વ્યાપારનું પાસું સાનુકૂળ હતું, અને પરદેશોમાંથી સોનું ભારતમાં ઘસડાઈ આવતું. દેશની આવી સમૃદ્ધિને કારણે જ મધ્યયુગમાં મહમૂદ ગઝનવી શહાબુદૃીન ઘોરી અને મોગલો જેવા વિદેશી આક્રમણકારો વારંવાર ભારત ઉપર ચડી આવતા હતા; અને પાછળથી આને જ કારણે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ વેપારી-કંપનીઓ ભારતમાં આવવા, તથા વેપારી થાણાંઓ સ્થાપવા લલચાઈ હતી.
તત્ત્વજ્ઞાનને ક્ષેત્રે
વેદો અને તેમની સાથે સંકળાયેલું સમગ્ર ‘વૈદિક સાહિત્ય’ (જેમાં બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, ષડ્દર્શનો તથા સૂત્રસાહિત્ય વગેરેનો સમાવેશ કરવામાં આવે છે) એ આપણો અતિસમૃદ્ધ દાર્શનિક વારસો છે. તેમાં પણ ઉપનિષદોમાં તો ભારતીય દર્શનનું સર્વોચ્ચ શિખર સધાયું છે તેમ કહી શકાય. પ્રૉ. મૅક્સમૂલરના શબ્દોમાં કહીએ તો, ‘તેમાં માનવીનું ચિંતન પરાકાષ્ટાએ પહોંચ્યું છે.’ ભારતીય દર્શનનું એવું જ બીજું ઉચ્ચ શિખર છે-‘શ્રીમદ્ ભગવદ્ગીતા’. તેમાં તો જાણે કે સમસ્ત ભારતીય દર્શનનો નીચોડ આવી ગયો હોય તેમ લાગે છે. ભારતની જનતાને ‘ગીતા’માંથી યુગે યુગે પ્રેરણા અને નવીન બોધ પ્રાપ્ત થતા રહ્યા છે, અને હજુ પણ થતા રહેશે. ભારતીય દર્શનની (ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શનને બાદ કરતાં) લગભગ બધી જ વિચારધારાઓ – જ્ઞાનમાર્ગી તેમજ ભક્તિમાર્ગી પણ- વેદો, ઉપનિષદ અને ગીતાની ‘દર્શનત્રયી’માંથી ઉદ્ભવ પામી છે, તેમ કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. આ ઉપરાંત બૌદ્ધ અને જૈનદર્શનનો વારસો પણ અતિસમૃદ્ધ છે, અને તેનાથી ભારતના તથા ભારત બહારના (ખાસ કરીને બૌદ્ધધર્મની બાબતમાં) લાખો લોકોનાં જીવન પ્રભાવિત થયેલાં છે.
ભારતમાં પાંગરેલી આવી વિવિધ અને અત્યંત ઉચ્ચકક્ષાની દાર્શનિક-વિચારધારાઓને કારણે ‘આધ્યાત્મિક્તા’, અર્થાત્ જીવન પ્રત્યેનું આધ્યાત્મિક વલણ, એ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જીવનનું પ્રથમ લક્ષણ બન્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની અન્ય (પ્રાચીન તથા અર્વાચીન) સંસ્કૃતિઓની જેમ ‘રાગ પ્રધાન’ કે ‘ભોગપ્રધાન’ હોવાને બદલે ‘ત્યાગ પ્રધાન’ રહી છે તે પણ આના જ કારણે. અત્યંત પ્રાચીન સમયથી તે આજ સુધી આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં (તે ધાર્મિક હોય, સામાજિક હોય કે રાજકીય હોય કે ગમે તે ક્ષેત્ર હોય) ત્યાગને મહાન ગણ્યો છે, અને તેની હંમેશાં વંદના કરી છે. ‘ત્યાગીને ભોગવો’ તે ઉપનિષદનું સૂત્ર જાણે કે સાંસ્કૃતિક ક્ષેત્રે આપણું ‘રાષ્ટ્રીય સૂત્ર’ બની રહ્યું છે. ત્યાગને કારણે જ આપણે સમાજમાં સાધુ-સંતો, મહાત્માઓ અને ફકીરોની તો ખરી જ, પરંતુ નારીને પણ ‘ત્યાગની મૂર્તિ’ (માતા, પત્ની, પુત્રી કે બહેન-કોઈપણ સ્વરૂપે તેના ત્યાગને મહાન ગણીને) માનીને તેની ઉચ્ચ પ્રતિષ્ઠા કરી છે. આપણા સૌનો આ અનુભવ છે કે, મોટા સત્તાધીશોને કે બંગલાગાડીવાળા ધનપતિઓને આપણું મસ્તક નમે, કે ન પણ નમે; પરંતુ કોઈ ભગવા વસ્ત્રધારી, કૌપિન કમંડલ ધારી, સંસાર ત્યાગી સાધુ (કોઈપણ ધર્મના કે સંપ્રદાયના) સમક્ષ, કે માતૃભૂમિની સ્વતંત્રતા ખાતર સર્વસ્વનું (પોતાના પ્રાણનું પણ) બલિદાન આપનારા સ્વાતંત્ર્યવીરો અને ક્રાંતિવીરો કે કોઈ ઉચ્ચ ધ્યેય ખાતર, અન્યના રક્ષણ ખાતર શહીદી વહોરનારા વીરો – ‘જવાનો’ની છબી સમક્ષ, આપણું મસ્તક આપોઆપ નમી પડે છે. રાજકારણમાં ગાંધીજી ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’ ગણાયા તે તેમની ત્યાગ અને નિ:સ્પૃહવૃત્તિને કારણે; તે જ રીતે એક સાધુ જેવી ત્યાગવૃત્તિને કારણે પોતાના અવસાન સમયે માત્ર રૂ. ૧૨૫/- નું ‘બેન્ક-બેલેન્સ’ ધરાવનાર (દુનિયાના વડાપ્રધાનોના ઈતિહાસમાં કદાચ આ ‘રેકર્ડ’ હશે) સ્વ. વડાપ્રધાન લાલબહાદુરશાસ્ત્રી આપણા આદર્શ રાજપુરુષ, આદર્શ રાષ્ટ્રનેતા અને આદર્શ સત્તાપુરુષ બનેલા છે. આવા ત્યાગવીરોના સ્મરણમાત્રથી પણ આપણું મસ્તક આપોઆપ નમી પડે છે. આ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક વારસાનું પરિણામ છે. આપણી આ મૂડીને જતન કરીને જાળવી રાખવા જેવી છે.
સાહિત્ય, વિજ્ઞાન અને કલાને ક્ષેત્રે
આ ત્રણેય ક્ષેત્રે પ્રાચીન ભારતનો વારસો સમૃદ્ધ અને ગૌરવવંતો છે – જો કે અહીં તો એ બધાંનું માત્ર વિહંગાવલોકન જ શક્ય છે. પ્રાચીન ભારતીય સાહિત્યના મુખ્યત્વે ત્રણ વિભાગો પાડી શકાય: (૧) દાર્શનિક સાહિત્ય, (૨) લલિત સાહિત્ય અને (૩) શાસ્ત્રીય સાહિત્ય. દાર્શનિક સાહિત્યમાં સમગ્ર ‘વૈદિક સાહિત્ય’ ઉપરાંત જૈન ધર્મના ‘આગમો’, બૌદ્ધ ધર્મના ‘ત્રિપિટ્ટક’ વગેરેનો સમાવેશ થઈ શકે. જ્યારે લલિત સાહિત્યના વિભાગમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’; પુરાણો (જે એકી સાથે ‘ઈતિહાસ, પ્રણાલીઓ, દંતકથાઓ, વિધિઓ, નીતિનિયમો અને ધાર્મિક તથા દાર્શનિક સિદ્ધાંતોનો સંગ્રહ’ ગણાય છે), તથા કાલિદાસ, માઘ, ભવભૂતિ, ભારવિ, દંડિન્, ભાસ, વગેરે મહાકવિઓના કાવ્યો, નાટકો, અને ‘પંચતંત્ર’ તથા ‘હિતોપદેશ’ની કથાઓ અને બૌદ્ધ જાતકકથાઓનો સમાવેશ થઈ શકે. આ બધામાં ‘રામાયણ’, ‘મહાભારત’ તથા ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓ ખાસ નોંધપાત્ર છે. શ્રી ‘દર્શક’ રામાયણ અને મહાભારતને ‘ભારતીય સંસ્કૃતિના પાયાના ગ્રંથો’ ગણે છે. તેઓ પ્રશ્ન કરે છે કે, ‘ભારતવર્ષના જનસમાજમાંથી આ બે ગ્રંથો અને તેમણે કરેલી અસર જો ઉઠાવી લેવામાં આવે તો બાકી શું રહે?’ તેઓ તો ત્યાં સુધી કહે છે કે, ‘જે મહાભારત, રામાયણને જાણતા નથી તે ભારતીય સંસ્કૃતિ વિશે કશું જ નથી જાણતા!’ ભારતીય ઈતિહાસના યુગે યુગે કવિ કાલિદાસથી માંડીને તુલસીદાસ કે સૂરદાસ કે રવીન્દ્રનાથ ટાગોર સુધીના મહાન કવિઓ અને સાહિત્ય સર્જકોએ અને રંગમંચના કલાકારોથી માંડીને આધુનિક સમયના સીનેમા-સર્જકો, કે ટી.વી.સીરિયલ સર્જકોએ પણ, પોતાના સાહિત્યિક-સર્જન માટે ઓ બે મહાન ગ્રંથોમાંથી પ્રેરણા લીધી છે. ખરેખર, આ બે ગ્રંથો આપણો અમૂલ્ય વારસો છે.
જ્યારે ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓ તો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પણ એટલી બધી લોકપ્રિય બની હતી કે, તેમના એશિયા અને યુરોપના જુદા જુદા દેશોમાં વિવિધ ભાષાઓમાં અનુવાદો કે રૂપાંતરો થયાં હતાં (આજે અમેરિકન બાળકોને ઘેલું લગાડનારી ‘ડીઝની’ની ફિલ્મો અને તેનાં પાત્રો પણ ‘પંચતંત્ર’ની કથાઓના અનુકરણ જેવાં નથી લાગતાં?) આ સંબંધમાં શ્રી દર્શકનું અવલોકન નોંધપાત્ર છે કે, ‘હિન્દુસ્તાન તેજાના, ઔષધ કે વસ્ત્રોની જ નિકાસ નહોતું કરતું, પણ વાર્તાઓની પણ નિકાસ કરતું હતું, તેની ‘પંચતંત્ર’ને ‘જાતકો’ બંને સાહેદી પૂરે છે.’
શાસ્ત્રીય સાહિત્યમાં માત્ર પ્રસિદ્ધ શાસ્ત્રીય ગ્રંથોનો જ ઉલ્લેખ કરીએ તો, ભાષાશાસ્ત્રમાં પાણિનીનો વ્યાકરણ ગ્રંથ ‘શબ્દાનુશાસન (અષ્ટાધ્યાયી) અને પતંજલિનું ‘મહાભાષ્ય’; શબ્દકોષમાં બૌદ્ધપંડિત અમરસિંહ-રચિત ‘અમરકોષ’; ન્યાય અને સામાજિક નીતિનિયમોને નિરુપતાં શાસ્ત્રોમાં ‘મનુસ્મૃતિ’ (જે આજે પણ દેશમાં મોટાભાગની જનતાને લાગુ પડતી હિંદુ-કાયદાપદ્ધતિના પાયામાં છે); રાજ્યશાસ્ત્રમાં કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’; ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં આર્યભટ્ટ-રચિત ‘આર્યદીપ’, ભાસ્કરાચાર્યનું ‘લીલાવતી અંકગણિત’ તથા ‘સિદ્ધાંત શિરોમણિ’ અને છેક વેદયુગમાં રચાયેલાં ‘શલ્વસૂત્રો’ મોખરાનું સ્થાન ધરાવે છે. તે ઉપરાંત જ્યોતિષશાસ્ત્રને લગતા ગ્રંથોમાં વરાહમિહિરનું ‘સૂર્યસંહિતા’, વૈદકને લગતા ગ્રંથોમાં ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ તથા ચક્રપાણિદત્તના ગ્રંથો, તથા કામશાસ્ત્રને લગતા ગ્રંથોમાં વાત્સાયન-રચિત ‘કામસૂત્ર’ વગેરે ગ્રંથો પ્રાચીન ભારતનું શાસ્ત્રીય સાહિત્ય કેટલું વૈવિધ્યપૂર્ણ હતું, તથા ભારતના વિદ્વાનોમાં કેટલી ઊંડી વૈજ્ઞાનિક અને સંશોધન દૃષ્ટિ હતી, તેની ગવાહી પૂરે છે.
આ જ સંદર્ભમાં, વિજ્ઞાનને ક્ષેત્રે પ્રાચીન ભારતે પ્રાપ્ત કરેલી કેટલીક સિદ્ધિઓ ખરેખર ગૌરવ લેવા જેવી હતી, તેમ કહી શકાય. આજે તો મોટાભાગના પાશ્ચાત્ય વિદ્વાનો એ સ્વીકારતા થયા છે કે, પશ્ચિમની ઘણીખરી મહત્ત્વની સિદ્ધિઓના પાયામાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક સંશોધનો રહેલા છે. ઉદાહરણ તરીકે, અંકગણિતમાં અંકો, શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, અપૂર્ણાંક અને તેના ગુણાકાર-ભાગાકાર, ઓછા (—)ની સંજ્ઞા; બીજગણિતમાં અજ્ઞાત સંખ્યા દર્શાવવા માટે અ, બ, ક, જેવા મૂળાક્ષરોનો ઉપયોગ વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ; ત્રિકોણમિતિના ગુણોત્તરોનો કોઠો, (પાઈ=૨૨/૭)ની કિંમત (જે ૩.૧૪ ગણવામાં આવી હતી) વગેરે ભારતીય વૈજ્ઞાનિકોની જ શોધ છે, જે આરબ વેપારીઓ દ્વારા યુરોપમાં પહોંચી હતી, અને તેમાંથી જ આધુનિક યુરોપિયન અંકગણિત, બીજગણિતના, તથા તેમના ઉપર આધારિત વૈજ્ઞાનિક સંશોધનોના પાયા નખાયા હતા. તે પહેલાં યુરોપમાં ગણતરી કરવા માટે રોમન અંક પદ્ધતિ, જેમકે I(=1), II(=2), X(=10), XIV(=14), L(=50), C(=100) CLVIII(=158) વગેરે હતી, જે ખૂબ જ અગવડભરી હતી (આ આંકડાઓમાં હજારોના ગુણાકાર-ભાગાકાર કરવાનું કે સંખ્યાના વર્ગ કે વર્ગમૂળ કાઢવાનું કેટલું મુશ્કેલ બને?), અને તેથી યુરોપની વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ લાંબા સમય સુધી અટકી ગઈ હતી. પરંતુ ત્યાં ભારતીય ગણિત-પદ્ધતિ આવ્યા પછી વૈજ્ઞાનિક પ્રગતિ માટેની દિશાઓ ખૂલી ગઈ. પ્રાચીન સમયની શ્રેષ્ઠ સંસ્કૃતિઓમાં જેની ગણના થાય છે તે ગ્રીક, રોમન કે ઈરાનિયન સંસ્કૃતિઓમાં વધુમાં વધુ દસ હજારથી (૧૦૪=૧૦,૦૦૦) મોટી સંખ્યા દર્શાવવા માટે શબ્દો ન હતા, ત્યારે ભારતીઓએ ૧૦ને ૧૮ સુધીના ગુણાકાર (૧૦૧૮)ના પરિણામરૂપ દરેક સંખ્યાને નામ આપ્યા હતા. (દા.ત. ૧૦૮=૧૦,૦૦,૦૦૦,૦૦૦ને અબજ, તે રીતે આગળની સંખ્યાઓને ખર્વ, નિખર્વ, શંકુ પદ્મ વગેરે નામો) તે જ રીતે ભારતીયો સમયના અત્યંત નાના ભાગ પાડી જાણતા હતા, અને તેમની ગણતરીનો નાનામાં નાના ઘટક એક સેકંડના લગભગ સત્તરમા ભાગ જેટલો હતો! તેમનું લંબાઈનું નાનામાં નાનું માપ ઈંચના લગભગ ૧.૩ x ૭–૧૦ જેટલું હતું!!
ખગોળશાસ્ત્રમાં ભારતીય વૈજ્ઞાનિકોએ (અત્યારના જેવાં સાધનો ન હોવા છતાં) આશ્ચર્યકારક સંશોધનો કર્યાં હતાં. પૃથ્વી ગોળ છે તે અંગેનું વિશ્વભરમાં સૌ પહેલું અને અત્યંત પ્રાચીનકાલીન સૂચન આપણને ‘ઐતરેય બ્રાહ્મણ’માંથી મળે છે! પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્ય, ચંદ્ર, તારા ગ્રહો વગેરે ‘આકાશી પદાર્થો’ સ્થિર છે તે સત્ય યુરોપના ખગોળશાસ્ત્રી કોપર્નિક્સે (૧૫મી સદીમાં) શોધ્યું, તે પહેલાં ભારતના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે તેનું પ્રતિપાદન કર્યું હતું. ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, તે સત્ય પણ આર્યભટ્ટે જ સ્થાપિત કર્યું હતું. (આજે તો વિદ્વાનોએ ‘અથર્વવેદ’ની અમુક ઋચાઓનું અર્થઘટન કરીને તેમાં આધુનિક વિજ્ઞાને શોધેલા અણુ, પરમાણુ અને ઊર્જાશક્તિના કેટલાક નિયમોનું પ્રતિપાદન થયું હતું! તેમ સ્થાપિત કર્યું છે) ઈસુની છઠ્ઠી સદીમાં બ્રહ્મગુપ્ત નામના ગણિતશાસ્ત્રીએ (ન્યુટનની પહેલાં સદીઓ પૂર્વે) ‘ગુરુત્વાકર્ષણ’ના નિયમનું સૂચન કરેલું, તે આ રીતે: ‘બધી વસ્તુઓ પૃથ્વી પર પ્રકૃતિના એક નિયમ અનુસાર પડે છે, કારણ કે પૃથ્વીની જ પ્રકૃતિ છે કે, વસ્તુઓને આકર્ષીને વ્યવસ્થિત રાખવી.’
વૈદક શાસ્ત્ર (Medical Science)માં ચરક અને સુશ્રુત તો પોતાનાં સંશોધનોને કારણે ઋષિની કોટિમાં મૂકાયેલા છે. મહર્ષિ ચરકે ૨૦૦ ઉપરાંત વનસ્પતિઓના વૈદકીય ગુણોનું વર્ણન અને વિવરણ કર્યું છે. મહર્ષિ સુશ્રુત વાઢકાપ (સર્જરી) શીખનાર માટે મૃતદેહ દ્વારા કે મીણનાં માનવ-પૂતળાં બનાવીને તે દ્વારા વાઢકાપનો પ્રત્યક્ષ અનુભવ લેવાનો આગ્રહ રાખે છે. તેઓ વાઢકાપનાં જુદાં જુદાં ૧૨૭ સાધનોનો ઉલ્લેખ કરે છે અને જણાવે છે કે, આ સાધનો એવાં ધારદાર હોવાં જોઈએ કે, તે વાળને પણ ચીરી શકે! આ ઉપરાંત પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગો ઉપર પણ સંશોધનો થયાં હતાં. તે સમયે લડાઈઓમાં અત્યંત ઉપયોગી એવા ઘોડા અને હાથીઓના રોગો ઉપર સવિશેષ સંશોધનો થયાં હતાં, અને તેને લગતા ગ્રંથો લખાયા હતા. મૌર્ય સમ્રાટ અશોકે માત્ર માનવીઓ માટે જ નહીં, પરંતુ પશુઓ માટે પણ દવાખાનાંઓ ખોલાવ્યાં હતાં, જે સર્વવિદિત છે. સર વિલિયમ હંટરના જણાવ્યા પ્રમાણે, પ્રાચીન ભારતીય વૈદકશાસ્ત્રમાં વર્ણવેલી ઘણી ઔષધિઓ વર્તમાન સમયના યુરોપિયન વૈદોએ અપનાવી છે (આજે પણ અમેરિકાની મૅડિકલ-સંશોધન સંસ્થાઓએ ભારતીય વૈદકશાસ્ત્રમાંથી જ પ્રેરણા લઈને, ભારતના હળદર, લીમડો, અને એવી ઘણી વનસ્પતિઓમાંથી દવાઓ બનાવીને તેના ‘પેટન્ટો’ મેળવી લીધા જ છે ને? અને આપણા આવા ગૌરવપ્રદ વારસાથી અજાણ, કે બેદરકાર, એવા આપણે તે જોતા જ રહી ગયા છીએ!) આજે તે પાશ્ચાત્ય ચિકિત્સકો શારીરિક તેમજ માનસિક ચિકિત્સામાં પ્રાચીન ભારતીય ‘યોગવિદ્યા’ અને ‘ધ્યાન’નું મહત્ત્વ તથા ઉપયોગિતા સ્વીકારતા થયા છે, અને યુરોપમાં તથા અમેરિકામાં ભારતીય ‘યોગ’ અને ‘ધ્યાન’ની શિબિરો બહોળા પ્રમાણમાં યોજાવા લાગી છે.
આ ઉપરાંત રસાયણશાસ્ત્રમાં પ્રાચીન ભારતમાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુને સૌ પહેલાં પારાને મારીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની પ્રથાનો આરંભ કર્યો હતો. નાલંદા વિદ્યાપીઠે તો રસાયણશાસ્ત્રનાં અભ્યાસ તથા સંશોધનો માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ રાખી હતી. બિહારના સુલતાનગંજમાંથી મળેલી બુદ્ધની ગુપ્તકાલીન ૭.૫ ફૂટ ઊંચી અને એક ટન વજનની કાંસાની મૂર્તિ, નાલંદામાંથી મળેલી બુદ્ધની ૯ ફૂટ ઊંચી તામ્રમૂર્તિ, તથા ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે દિલ્હી નજીક ઊભો કરાવેલો ૨૪ ફૂટ ઊંચો, ૬ ટન વજનનો લોહસ્તંભ, (જેને આજે આટલી સદીઓ પછી પણ કાટ લાગ્યો નથી!) વગેરે પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યા અને ધાતુવિદ્યામાં કેટલી આશ્ચર્યજનક પ્રગતિ થઈ હશે તે દર્શાવે છે.
બીજી બાજુ, કલાને ક્ષેત્રે પણ પ્રાચીન ભારતે આપેલો વારસો અતિ સમૃદ્ધ અને ગૌરવવંતો છે. ભારતીય કલા (તે ચિત્ર કલા હોય કે સંગીત, નૃત્ય, કે શિલ્પ કે સ્થાપત્ય કલા હોય) ભાવનાપ્રધાન છે; સૌંદર્ય (સ્થૂલ કે માંસલ સૌંદર્ય નહીં, પરંતુ હૃદયના અતિ સૂક્ષ્મ ભાવોની મનોરમ્ય અભિવ્યક્તિ કરતું સૌંદર્ય) તેનો આત્મા છે; અને આધ્યાત્મિકતા તેનું હાર્દ છે. ભારતીય કલા વિલાસિતામાં નહીં, સાત્ત્વિકતામાં રાચે છે; તે ‘સત્યં, શિવં અને સુંદરમ્’ ને આરાધે છે; અને તેથી જ ભારતીય કલા ઉદાહરણ તરીકે, ભારતીય સંગીત કે નૃત્ય હંમેશાં દેવમંદિરોમાં, દેવની સમક્ષ પ્રદર્શિત થતી, રાજદરબારો કે મુજરાઓમાં નહીં. કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘ભારતીય કલા પહેલાં તત્ત્વજ્ઞાની છે, અને પછી કલાકાર છે.) (An indian artist is first a philosopher and then an artist) ટૂંકમાં, ભાવુકતા, સૌંદર્યલક્ષિતા, આધ્યાત્મિકતા અને સાત્ત્વિકતા એ ભારતીય કલાની વિશિષ્ટતા છે, અને તેને જ કારણે કલા-વિશ્વમાં તેનું આગવું સ્થાન છે.
કોઈ પણ સંસ્કૃતિનો વૈભવ અન્ય કોઈ કલા કરતાં તેના શિલ્પ અને સ્થાપત્યમાં વધારે સારી રીતે સચવાયેલો હોય છે, તે ન્યાયે પ્રાચીન ભારતીય શિલ્પ-સ્થાપત્યમાં દેશભરમાં પથરાયેલા અશોકસ્તંભો (જેમાંના સારનાથના સ્તંભ ઉપરના ચાર સિંહોની આકૃતિને સ્વતંત્ર ભારતે પોતાની રાજમુદ્રામાં, તથા ધર્મચક્રને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપીને તેનું સુયોગ્ય બહુમાન કર્યું છે); ભારહૂત, બોધિગયા, સાંચી, અમરાવતી અને નાગાર્જુન કોંડાના ભવ્ય બૌદ્ધ-સ્તૂપો; ગાંધારશૈલીમાં કંડારાયેલી બુદ્ધની રમ્ય મૂર્તિઓ, નાશિક, ભાજા અને કાર્માની બૌદ્ધ ચૈત્ય-ગુફાઓ; અજંટા અને ઈલોરાની ગુફાઓ, તથા સવિશેષ તો ઈલોરની ગુફામાં કોતરાયેલું અતિભવ્ય કૈલાસમંદિર; દક્ષિણ ભારતમાં ગોપુરમ્વાળાં તાંજોરનાં ભવ્ય મંદિરો, અને એક જ ખડકમાંથી કોતરી કાઢવામાં આવેલા મહાબલિપુરમ્નાં રથમંદિરો પ્રાચીન ભારતના ગૌરવશાળી શિલ્પ સ્થાપત્યકલાના વૈભવની સાક્ષી પૂરે છે. અને ચિત્રકલામાં તો એકલા અજંટાના કલામંડપો (જેના ચિત્રોને એક ડેનિશ કલાવિવેચકે ‘શુદ્ધ ભારતીય કલાએ સિદ્ધ કરેલા સર્વોચ્ચ શિખરના પ્રતિનિધિ’ તરીકે વર્ણવ્યા છે) જ ભારતીય કલાની તેની બધી વિશિષ્ટતાઓ સાથેની સર્વોત્કૃષ્ટતા સિદ્ધ કરે તેમ છે.
પડોશી-દેશોને સંસ્કૃતિ-પ્રદાન
વળી, પ્રાચીન ભારતીય સંસ્કૃતિની સુવાસ પડોશમાં તિબેટથી માંડીને પૂર્વમાં છેક ચીન અને જાપાન સુધી, પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને ગ્રીસ અને રોમન સામ્રાજ્યના એક છેડાથી બીજા છેડા સુધીના પ્રદેશોમાં, અને અગ્નિએશિયામાં શ્રીલંકા, બ્રહ્મદેશ, હિંદીચીન, જાવા, સુમાત્રા તથા બાલી અને બૉર્નિયો સુધી પ્રસરી હતી. આ બધા પડોશી દેશોમાં ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર હતાં – એક તો, બૌદ્ધ ધર્મના સાધુઓનો પ્રચાર-પ્રવાસ, અને બીજું ભારતીય વ્યાપારીઓની વ્યાપારી તથા સાંસ્થાનિક-પ્રવૃત્તિ – આ બંને પરિબળોને કારણે આ બધા દેશોના ધર્મ, ભાષા, સાહિત્ય કલા તથા સામાજિક રીતરિવાજો અને શાસન વ્યવસ્થા ઉપર પણ ભારતીય સંસ્કૃતિના અભ્યાસી વિદ્વાનોએ આ બધા પ્રદેશોને ‘વિશાળભારત’ (અર્થાત્, જાણે કે ભારતનો જ વિસ્તાર) એવું નામ આપ્યું છે!
અહીં નોંધપાત્ર હકીકત એ છે કે, આ બધા પ્રદેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર અને પ્રભાવ શાંતિપૂર્વક અને સાત્ત્વિકપણે થયો હતો. ઉદાહરણ તરીકે, બૌદ્ધ-સાધુઓના ધર્મપ્રચારનું કાર્ય ખ્રિસ્તી ‘મિશનરીઓ’ની જેમ બળજબરીથી, સત્તા કે કાયદાના જોરે નહીં, પરંતુ લોકોનાં હૃદય જીતીને થતું; તે જ રીતે ભારતીય વ્યાપારીઓ અહીં (અગ્નિએશિયામાં તો લગભગ બધી જ જગ્યાએ) વ્યાપાર અર્થે સંસ્થાનો સ્થાપ્યાં હતાં અને સુમાત્રામાં તો આવા ભારતીય વ્યાપારી સંસ્થાનમાંથી દરિયાપાર સુધી વિસ્તરેલું વિશાળ ‘શ્રીવિજય સામ્રાજ્ય’ પણ સ્થપાયું હતું. પરંતુ આ બધી જગ્યાએ ભારતીય વ્યાપારીઓની સાંસ્થાનિક પ્રવૃત્તિ અંગ્રેજો, ફ્રેંચો, કે પોર્ટુગીઝોની પ્રવૃત્તિ કરતાં તદ્દન જુદી હતી. તેમણે અહીંની સ્થાનિક પ્રજાનું શોષણ કરવાને બદલે તેમનામાં ભળી જઈને, તેમના થઈને, તેમના સમાજ અને સંસ્કૃતિનું રક્ષણ કરતાં કરતાં, ત્યાંં સ્થાયી થવાનું પસંદ કર્યું હતું; અને તેમ કરવામાં તેમણે આ ભૂમિમાં પોતે જેમાં જન્મ્યા અને ઉછર્યા હતા, તે ભારતીય સંસ્કારોનું લગભગ અજાણપણે સિંચન કર્યું હતું. શ્રી ‘દર્શક’ યોગ્ય રીતે જ નોંધ કરે છે કે, ‘કોઈ પણ દેશ, કોઈ પણ કાળે આવા સંસ્કૃતિ-દાન માટે ગૌરવ લે, તો તેમાં કશું અનુચિત નથી.’
ભારતના ઉજ્જ્વળ ભાવિનો આધાર-તેનું યૌવનધન
આ રીતે આપણા ભૂતકાળે તો આપણને બધી રીતે ગૌરવવંતો વારસો આપ્યો છે, પરંતુ તેનાથી વર્તમાનને શો ફાયદો? ભવિષ્યને તેની શી ઉપયોગીતા? આપણો વર્તમાનકાળ તો કોઈ રીતે ગૌરવ લેવા જેવો નથી; દેશને ગરીબી, બેકારી, અજ્ઞાન, અસલામતી, અપ્રમાણિકતા, ભ્રષ્ટાચાર અને બીજી અનેક સમસ્યાઓ વીંટળાઈ વળી છે. તેમાંથી જ ઉગરવાનો કોઈ આરો દેખાતો નથી, ત્યાં ભવિષ્ય વિશે કશી આશા બાંધવી, કે કોઈ પણ પ્રકારનું દિવાસ્વપ્ન જોવું તે તો એક પ્રકારની આત્મવંચના જ કહેવાય ને?
પરંતુ એવું નથી. જ્યાં સુધી આપણું યૌવનધન સલામત છે, ત્યાં સુધી ભવિષ્ય વિશે ઊંચી આશા રાખવાનું જરા પણ અનુચિત નથી. ભૂતકાળમાં જ્યારે જ્યારે આ દેશ અને તેની સંસ્કૃતિ ઉપર આપત્તિ આવી છે, ત્યારે આપણા યૌવને જ દેશને ઉગાર્યો છે. આ દેશના સાધુ-સંતો અને સ્વામી દયાનંદ સરસ્વતી કે સ્વામી વિવેકાનંદ જેવા ધાર્મિક અને સામાજિક નેતાઓ કે ટિળક, ગાંધીજી, જવાહરલાલ નહેરુ કે સુભાષચંદ્ર બોઝ જેવા રાજકીય નેતાઓ પોતે યુવાન જેવો ‘જુસ્સો’ ધરાવતા, અને તેથી તેમને યુવાનોની શક્તિમાં અપ્રતીમ શ્રદ્ધા હતી. આજે આપણા દેશમાં બીજું બધું ભલે ખાડે ગયું હોય, પરંતુ આપણું યૌવનધન સાબૂત છે. આપણી યુવાનપેઢીમાં દેશપ્રેમ છે અને દેશને ઊંચો લાવવાની ક્ષમતા અને ઇચ્છાશક્તિ પણ છે. આજના ભારતીય યુવાનો બુદ્ધિશક્તિમાં વિશ્વના કોઈપણ દેશના યુવાનોની કોઈપણ ક્ષેત્રમાં બરોબરી કરી શકે તેમ છે — કદાચ તેમનાથી પણ આગળ નીકળી જઈ શકે તેમ છે. વિદેશોમાં પણ ભારતીય યુવાનોની બુદ્ધિપ્રતિભા, પરિશ્રમક્ષમતા, ખંત, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાની ઘણી પ્રતિષ્ઠા છે.
આજના ભારતીય યુવાનને ગત પેઢીઓના નાત-જાતના, ધર્મસંપ્રદાયના કે ઊંચ-નીચના ભેદભાવો જેવી સંકુચિત બાબતોમાં રસ નથી; તેને અસત્ય, અપ્રામાણિકતા, અનૈતિકતા, ભ્રષ્ટાચાર પ્રત્યે નફરત છે; ભારતની વર્તમાન પરિસ્થિતિ વિશે તેના મનમાં આક્રોશ છે; તે પડકારો ઝીલવા અને ‘કંઈક’ કરી બતાવવા માટે થનગની રહ્યો છે; ઈલૅક્ટ્રૉનિક યુગે – કૉમ્પયુટર, ઈન્ટરનેટ અને ડીજિટલ ટૅક્નૉલૉજીએ તેની દૃષ્ટિ વિશાળ બનાવી છે અને અભિગમોને વૈશ્વિક (Universal) બનાવ્યા છે; તેને કોઈ પણ બાબતમાં ઓછું કે અધૂરું ખપતું નથી; તેની મહત્ત્વાકાંક્ષાઓ આભને આંબવા લાગી છે. આવા યુવાનોના હાથમાં દેશનું ભાવિ સલામત છે.
તેમને માત્ર જરૂર છે પ્રેરણાની અને યોગ્ય માર્ગદર્શનની; તેમને જરૂર છે ‘ઊઠો, જાગો’ની હાકલ કરનાર એકાદ વિવેકાનંદની, એકાદ ગાંધીની, નહેરૂની કે સુભાષની; અને તેને આવા કોઈ ‘મીઠ્ઠી ઊંચેરા’ રાષ્ટ્રનેતા ન મળે, એટલું બધું આ દેશનું ભાગ્ય હજુ પરવારી ગયું નથી. આપણા યુવાનો પોતાના રાષ્ટ્રીય-ઈતિહાસના ગૌરવભર્યા વારસામાંથી પ્રેરણા, તથા ભૂતકાળની ક્ષતિઓ અને નિર્બળતાઓમાંથી પદાર્થપાઠ લઈને કોઈ આદર્શ રાષ્ટ્રનેતાના માર્ગદર્શન નીચે રાષ્ટ્રોત્થાન તથા રાષ્ટ્ર-નિર્માણના કાર્યમાં લાગી જાય, તો તેમને માટે કશું અશક્ય નથી. આપણે આશા રાખીએ કે, જે રીતે આઝાદીની ચળવળ સમયની યુવાન પેઢીએ આપણા રાષ્ટ્ર-નેતાઓની આશા-અપેક્ષાઓને પૂરી કરી હતી (ને તે વખતે તો તેમની સામે વિદેશી સરકાર તરફથી આજના કરતાં પણ અનેકગણા પડકારો હતા), તે જ રીતે ૨૧મી સદીનાં ભારતીય યુવાનો-યુવતીઓ પણ આપણી આશા-અપેક્ષાઓને સંતોષીને ભારતને વિશ્વનું આગળ પડતું, નમૂનેદાર, આદર્શ રાષ્ટ્ર બનાવશે. ભારતની ‘આવતીકાલ’ ઘણી ઉજ્જ્વળ છે, તે નિર્વિવાદ છે.
Your Content Goes Here




