ભારતમાં જેમની સૌથી વિશેષ પૂજા થાય છે તે છે રામ અને કૃષ્ણ. વીરતાના યુગોના પ્રાચીન આદર્શ રૂપ, સત્ય અને ચારિત્ર્યની મૂર્તિ, આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ પિતા અને સૌથી વધારે આદર્શ રાજા. આવા રામને આપણી સમક્ષ રજૂ કર્યા છે મહર્ષિ વાલ્મીકીએ. એ મહાકવિ ઋષિ વાલ્મીકીએ રામનું ચરિત્ર આપણી સમક્ષ જે ભાષામાં રજૂ કર્યું છે તેના કરતાં વધુ શુદ્ધ, વધુ પવિત્ર, વધુ સુંદર અને વધુ સરળ ભાષા કોઈ હોઈ ન શકે. અને સીતા વિશે તો કહેવું જ શું? ભૂતકાળનું દુનિયાનું સાહિત્ય બધું ફેંદી વળો અને તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે એ પહેલાં તમારે ભવિષ્યની દુનિયાનું સાહિત્ય પણ ફેંદીને ખલાસ કરવું પડશે. સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયું છે. રામ કદાચ અનેક થયા હશે, પરંતુ સીતા તો એક જ થઈ છે! સાચી ભારતીય નારીનો આદર્શ એ સીતા છે; એક સંપૂર્ણ નારીત્વના સર્વ ભારતીય આદર્શો સીતાના એ એક જીવનમાંથી વિકસ્યા છે, અને આર્યાવર્તની ભૂમિના ચારે ખૂણામાં દરેક નરનારી અને બાળકથી સન્માનિત સીતા હજારો વરસથી એમની એમ પૂજાતી આવી છે. ખુદ પવિત્રતા કરતાં વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ, આ મહિમામંડિત, સીતા સદાસર્વદા ટકી રહેવાની છે. એક શબ્દ સરખોય ઉચ્ચાર્યા સિવાય કષ્ટમય જીવન વિતાવનારી, સદા પવિત્ર અને સદા ચારિત્ર્યશીલ પત્ની, લોકોનો આદર્શ, દેવતાઓનો આદર્શ, એ મહાન સીતા, આપણી રાષ્ટ્રદેવતા સીતા, હંમેશને માટે ટકી રહેવી જ જોઈએ. આપણામાંનો દરેકે દરેક માણસ એનાથી એટલો બધો પરિચિત છે કે વધુ વિવરણ કરવાની આવશ્યક્તા રહેતી નથી. ભલે આપણાં પુરાણો બધાં અલોપ થઈ જાય, આપણા વેદો સુધ્ધાં ભલે અદૃશ્ય થાય અને આપણી સંસ્કૃત ભાષા પણ સદાને માટે ભલે ગાયબ થઈ જાય, પરંતુ જ્યાં સુધી પાંચ હિન્દુઓ પણ આ ભૂમિ પર જીવતા હશે, ભલે હલકામાં હલકી બોલી તેઓ બોલતા હશે, ત્યાં સુધી સીતાની કહાણી રહેવાની જ છે. મારા આ શબ્દો તમે નોંધી રાખજો. સીતા આપણી પ્રજાના પ્રાણ સાથે સમરસ થઈ ગઈ છે. એકે એક હિંદુ સ્ત્રીપુરુષના લોહીમાં એ પ્રવેશી ગઈ છે. આપણે બધાં સીતાનાં બાળકો છીએ. આપણી સ્ત્રીઓને આધુનિક બનાવવાનો કોઈ પણ પ્રયત્ન, સ્ત્રીઓને સીતાના આદર્શથી દૂર લઈ જવાનો પ્રયાસ કરવા માંડતાં તરત જ નિષ્ફળ નીવડે છે, એ આપણે રોજ જોઈએ છીએ. ભારતની નારીઓએ સીતાને પગલે ચાલીને આગળ વધવાનું છે અને વિકાસ સાધવાનો છે; પ્રગતિનો એ એક જ માર્ગ છે.
– સ્વામી વિવેકાનંદ
(‘ભારતમાં આપેલા ભાષણો’માંથી-પાના નં. ૧૩૯-૪૦)
Your Content Goes Here




