(ગતાંકથી આગળ)

[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.]

૮. ભારતના ઈતિહાસમાં અદ્વૈત દર્શનનાં મીઠાં ફળ:

આવું ઉદાર વલણ કંઈ ભવ્ય અને આશ્ચર્યજનક છે. ધર્મને કારણે જેમને દેશ છોડવો પડ્યો તેવા ભારત બહારના નિરાશ્રિતોને આપણે આવકાર્યા છે. આપણા ઇતિહાસનું એ એક અદ્ભુત પ્રકરણ છે; ઈ. સ. ૭૦માં રોમન ત્રાસવાદીઓએ જેરુસલામના યહૂદી દેવળનું ખંડન કર્યું. ત્યારે યુરોપ અને પશ્ચિમ એશિયામાં બીજે શરણ માટે ગયેલા યહૂદીઓની માફક તેમની પહેલી ટોળી કેરળમાં કોચીન વિસ્તારમાં લાંગરી હતી. એ પ્રદેશના રાજાએ તેમને આવકાર્યા હતા. પોતાના ધર્મનું અનુસરણ કરવાની પૂરી છૂટ તેમને આપી હતી. અને લાંબા ગાળા પછી, ચારસો વર્ષ પહેલાં, એ મુક્તિને એક તામ્રપત્ર પર લખી અધિકારરૂપે તેમને ચાલુ રાખવામાં આવી હતી. માત્ર ત્રણ કે ચાર વર્ષ પહેલાં, આપણાં સ્વ. વડાપ્રધાન ઈંદિરાગાંધી તે તામ્રપત્રની ચતુર્થશતાબ્દીની ઉજવણી નિમિત્તે કોચીન ગયાં હતાં. એ મુક્તિપત્ર જાહેર કરતું હતું કે તમને યોગ્ય લાગે એ પ્રમાણે ભજવાનને ભજવા-પૂજવા તમે સ્વતંત્ર છો: તમને સહાય કરવા અમે ઊભા છીએ. ત્યાર બાદ થોડાં વર્ષે ઈસુના દેહાંત પછી, કેરળમાં પ્રથમ ખ્રિસ્તી વૃંદ આવ્યું અને પછીથી જરથોસ્તીઓ, પારસીઓ આવ્યા. સાતમી સદીમાં મુસલમાન આરબોએ ઈરાન પર ચડાઈ કરી ઘણા જરથોસ્તીઓની કતલ કરી હતી અને ઘણાનું પરાણે ધર્માન્તર કરાવ્યું હતું; એ મહાન ધર્મના કેટલાય અનુયાયીઓ (પારસીઓ) આપણા દેશમાં શરણાર્થે આવ્યા હતા. પોતાના પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિ સાથે તેઓ વિસ્થાપિત બનીને ગુજરાતને કાંઠે લાંગર્યા હતા. એ પ્રદેશના રાજાએ તેમનું સ્વાગત કર્યું હતું ને એ તો એક નવાઈભરી કથા છે. ઘણા ઇતિહાસકારોએ તે વિશે લખ્યું છે. પોતાના પુસ્તક ‘ધ પારસીઝ’માં શ્રીમતી પીલુ નાણાવટીએ કરેલું વર્ણન પ્રેરક વાચન પૂરું પાડે છે. હું ઈચ્છું છું કે, એક સંસ્કૃત પ્રજાની શાંતિપૂર્ણ ભેટની આ કથાનું આપણાં બાળકો અધ્યયન કરે. નિરાશ્રિતો અને સ્થાનિક લોકોનાં મોટાં ટોળાં વચ્ચે, પારસીઓના વડા ધર્મગુરુને હિંદુ રાજાએ પ્રશ્ન કર્યો કે, ‘તમારે માટે અમે શું કરીએ એમ તમે ઈચ્છો છો?’ત્યારે એ ધર્મગુરુએ ઉત્તરમાં કહ્યું હતું કે, ‘અમારા દેવને અમારી રીતે પૂજવાનું સ્વાતંત્ર્ય અમારે જોઈએ છે.’ ‘આપ્યું.’ રાજાએ તરત જ કહ્યું. ‘બીજું તમે અમારી પાસેથી શું માગો છો?’ અમારાં બાળકોને અમારી સંસ્કૃતિમાં ઉછેરવાનું સ્વાતંત્ર્ય અમને બક્ષો.’ ‘આપ્યું.’ ‘બીજું શું અમારી પાસેથી માગો છો?’ “અમને ધરતીનો ટુકડો આપો, જેથી અમે એને ખેડી ખાઈએ અને આપની પ્રજાને ભારરૂપ ન થઈએ.” રાજાએ કહ્યું, ‘તે પણ આપ્યું.’ જે કંઈ માગવામાં આવ્યું ને સઘળું કશા જ હિચકચાટ વિના આપવામાં આવ્યું હતું. પછી એ વૃદ્ધ ધર્મગુરુએ દૂધનો ભરેલો એક વાટકો લીધો અને લોકો સમક્ષ તે રાખી તેમાં તેણે થોડી ખાંડ નાખી અને કહ્યું: ‘દૂધનો આ વાટકો ભારત છે; અને અમે પારસી નિરાશ્રિતો ચપટી ખાંડ છીએ જે હવે દેખાતી નથી પણ જે દૂધને ગળ્યું કરે છે.’ ને આજના દહાડા સુધી પારસીઓ ભારતનાં ગૌરવવંતા અને પ્રિય સંતાનો બની રહ્યાં છે. વિવિધ ક્ષેત્રોમાં પોતાના પ્રદાનથી ભારતના જીવનને મધુરું બનાવી રહ્યા છે. અને ભારત માતાના તથા હિંદુત્વને હૈયેથી આદર પામી રહ્યા છે.

આપણી દરેક શાળાનું દરેક બાળક આ ઘટના ભણે અને તેમાંથી રેલાતા સમન્વયના સત્ત્વને આત્મસાત કરે એમ હું ઈચ્છું છું. આજના યુદ્ધોતર કાળમાં પણ આપણે શું જોઈએ છીએ? અનેકતામાં એકતાની વાત મેં કરી છે; કોઈ પણ સંસ્કૃતિ, સમાજ કે ધર્મમાં એ જ દર્શન અને નીતિ શાંતિ સ્થાપી શકે. પણ બીજી પ્રજાઓ, બીજી સંસ્કૃતિઓ, બીજા ધર્મોએ બીજી નીતિ અપનાવી છે. એ છે: ‘એકવિધતાની નીતિ.’ એ કહે છે: ‘અમારા દેશમાં અમારે એક જ જાતના લોકો જોઈએ છે. અમારા સિવાયની બધી જાતિઓ, બધા ધર્મો અને બધી ભાષાઓનો અમે સંહાર કરી નાખીશું, અમારા દેશમાં બસ એક જ જાતનું બધું રહેશે.’ ભૂતકાળમાં અને આજે પણ, દુનિયાના બીજા દેશોના ઇતિહાસમાં, આ એકવિધતાનો સિદ્ધાંત આચરાતો જોવા મળશે. ને એ નીતિને પરિણામે અસહિષ્ણુતા, હિંસા, યુદ્ધો અને માનવજાતિ હત્યા વધ્યાં છે. તેઓ પેલી અંગ્રેજી કહેવતને અનુસરે છે: ‘મારો પંથ ધરમનો, તમારો અધરમનો. તમને જીવવાનો હક નથી; તમને ખલાસ કરી નાખીશ.’ જગતની બધી માનવસંસ્કૃતિઓ, જાતિઓ અને ધર્મોના આંતરમિલનની આ વ્યથાદાયક કથા છે. એકવિધતાની એ નીતિની સામે, આ દેશમાં વિકસાવાયેલ અનેકતામાં એકતાની ફિલસૂફી અને સમાજ-રાજ્યનીતિમાં કશુંક અનન્ય છે. આ કંઈ કેવળ દેશભક્તિનો દાવો નથી પણ, ઐતિહાસિક સત્ય છે. એટલેસ્તો, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ સહિતના અનેક ધર્મોની સાધના કરનાર અને યતો મત, તતો પથ – ‘જેટલા ધર્મો તેટલા ઈશ્વરને મળવાના પંથો’ના ગહન વૈદિક સત્યનું પુનરુચ્ચારણ કરનાર એક રામકૃષ્ણને અર્વાચીન યુગમાં ભારત જન્મ આપી શક્યું.

૯. અદ્વૈતના પ્રકાશમાં મત વિરુદ્ધ તત્ત્વ

કોઈ વ્યક્તિ ધર્મનો ભિન્ન માર્ગ ગ્રહણ કરે તેમાં સંઘર્ષ શા માટે થવો જોઈએ? જમવા જાઓ ત્યારે ભોજનના મેજ ઉપર ભાતભાતની ભોજન સામગ્રી પિરસાયેલી જુઓ છો; તમને રુચે તે તમે લો છો. પરંતુ તમે એમ નથી કહેતા કે તમે પસંદ કર્યો તે જ ખોરાક છે ને બીજાએ પસંદ કર્યુ છે તે ઝેર છે! એ પણ કેવળ પોષક ખોરાક જ લે છે; પરંતુ પોતાને રુચે છે તે એ પસંદ કરે છે. અને તમને ભાવે છે તે તમે લો છો. પણ પોષણ-વિજ્ઞાન તમને અને એને કહે છે કે, તમે કે એ કંઈ પણ ખોરાક પસંદ કરો, એટલું જોજો કે તમને બરાબર પોષણ મળે – એ પોષણનું વિજ્ઞાન પાછળનું સત્ય એવું એ ‘તત્ત્વ’ છે અને સ્વાદમાં ભેદ કરીને દરેક માણસની ખોરાકની પસંદગીને તે સામાન્ય રીતે લાગુ પડે છે. ધર્મની બાબતમાં ભારતમાં આપણે હંમેશાં આ સિદ્ધાંત લાગુ પાડ્યો છે. ધર્મનો તમને ગમતો પંથ પકડો પરંતુ, તમને આધ્યાત્મિક પોષણ મળે તેની કાળજી રાખો. તમે પસંદ કરેલા ધર્મમાંથી ઉચ્ચ ચારિત્ર્ય પ્રગટાવો. એ છે ધર્મનું વિજ્ઞાન, ધર્મનું ‘તત્ત્વ’ તમારી ભિન્નભિન્ન પસંદગી અને તમારા ભિન્નભિન્ન સ્વાદ ધર્મના ‘મત’ છે. ‘મત’ હંમેશાં બહુવચનમાં હોય છે. પણ ‘તત્ત્વ’ એકવચનમાં.

ભારતમાં આપણાં ઘણા સ્તોત્રોમાં ‘તત્ત્વ’ની એકતા અને ‘મતો’ની અનેકતાનો ભેદ ગાવામાં આવ્યો છે. પુષ્પદન્તના શિવમહિમ્ન સ્ત્રોતનો જાણીતો શ્લોક આ છે:

त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमतम्
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च ।
रुचिनां वैचित्र्यात् ऋजुकुटिलनाना पथ जुषाम्
नृणामेको गम्यः त्वमसि पयस्तं अर्णव इव ॥

ત્રણ વેદો, સાંખ્ય, યોગ, પશુપતિ (શિવ) પંથ, વૈષ્ણવપંથ, આ બધાં ભિન્નભિન્ન પંથો છે. રુચિઓની ભિન્નતાને લઈને કેટલાક લોકો અમુક પંથ પસંદ કરે છે અને બીજાઓ બીજા. લોકો ગમે તે પંથ લે. પરંતુ, હે પ્રભુ એ સૌ તારી પાસે જ આવે છે. જેમ ધરતી પર પડતું પાણી સીધું કે વાંકે રસ્તે વહી, એક જ સમુદ્રને મળે છે.

આપણે જુદાજુદા રાહો પસંદ એ માટે કરીએ છીએ કે તે આપણને અનુકૂળ પડે છે. ધર્મના વિજ્ઞાનમાં, ધર્મ બાબતમાં પોષણની ઉપર ભાર દેવામાં આવ્યો છે. ધર્મનાં વંશગત જાતિગત – પરિમાણો પર ધર્મરુચિના વૈવિધ્યનો આધાર છે; આ ક્ષેત્રમાં અનેકવિધતા રહેવાની જ; આ અનેકવિધતાને શાસ્ત્રીય દૃષ્ટિએ સમજી આપણા ઋષિમુનિઓએ ધર્મનું વિજ્ઞાન, બધા ધર્મો પાછળનું વિજ્ઞાન વિકસાવ્યું હતું.

મત એટલે માણસની પસંદગી, એનું મનગમતું. આ પોષક તમે શા માટે પહેરો છો? કારણ કે મને એ ગમે છે. તમે પેલું શા માટે ખાવ છો? કારણ કે મને એ ભાવે છે. મારા સ્વાદને મારી ભૂખને એ રુચે છે એટલે મન વ્યક્તિની અંગત પસંદગી નિર્દેશે છે. આ મારો મત છે. આ ધર્મને લાગુ પાડવામાં આવે છે ત્યારે વેધક પ્રકાશ પડે છે. વૈષ્ણવમત, શૈવમત, ખ્રિસ્તીમત, ઈસ્લામમત, બુદ્ધમત, શીખમત આ ભિન્ન મતો છે અને કોઈ-કોઈ વૈજ્ઞાનિકને થાય તેવો આપણને પ્રશ્ન થાય છે. આટલા બધા મત છે, એ બધા પાછળ સત્ય શું છે? આ બધા મતો મારું વલણ, મારી પસંદગી, તમારી પસંદગી દર્શાવે છે. પણ, એમની પાછળ સત્ય શું છે? સંસ્કૃત શબ્દ ‘તત્ત્વ’ એ સત્યનો નિર્દેશ કરે છે. ‘तस्य भावः तत्त्वम्’ કશાનો મૂળ સ્વભાવ તે તત્ત્વ, એમ શંકરાચાર્ય વ્યાખ્યા કરે છે. ધાર્મિક પસંદગીની આ વિવિધતા પાછળ સત્ય શું છે?

વિવિધ મતો પાછળના તત્ત્વની આ ખોજ અને અભિવ્યક્તિના વૈવિધ્ય પાછળ એક જ સત્ય રહેલું છે. તેની ખોજ, શોધ – આ વૈજ્ઞાનિક અન્વેષણ ભારતીય બુદ્ધિનું મોટું યોગદાન છે. અદ્વૈતના દર્શનના અને અધ્યાત્મના પ્રકાશમાં મતો અને તત્ત્વની સંકલ્પનાઓને નિહાળીને સમવાય અને સમન્વયના કિંમતી મૂલ્યો ભારતે પ્રાપ્ત કર્યો એટલે, એ શોધમાંથી સુમેળ અને સંવાદિતાનું તત્ત્વ ભારતે વિકસાવ્યું. આ શોધને લઈને ભારતમાં ધાર્મિક સંઘર્ષ ઓછામાં ઓછો રહ્યો છે. કેટલાક સમય પછી આવેલા, ભક્તિના ભારતમાં સૌથી મહાન ગ્રંથ ‘ભાગવત’માં આ સત્ય સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યું છેઃ

वदामि तत् तत्त्वविदः तत्त्वं यत् ज्ञानमदवयम् ।
ब्रह्मेति परमात्मेति भगवान् इति शब्द्यते ॥

“વિશુદ્ધ ચૈતન્યના એકમાત્ર સત્યને જ્ઞાનીઓ બ્રહ્મ તરીકે, યોગીઓ પરમાત્મા તરીકે અને ભક્તો ભગવાન તરીકે ઓળખાવે છે.”

ભલે એને જુદાં નામે ઓળખાવાય, ભલે જુદાજુદા પંથે એની પાસે સૌ જાય પરંતુ, તત્ત્વ એક જ છે. વિશુદ્ધ ચૈતન્યના સ્વભાવવાળું અનંત, અદ્રિતીય સત્ એક જ છે. આ એક સત્યને દૃષ્ટિ સમક્ષ રાખ્યા પછી, પંથોની વિવિધતાથી કશું ઘર્ષણ ઊભું થતું નથી. તત્ત્વવિદ (મતની પાછળના) તત્ત્વને જાણનારા બધા મતોની પાછળ રહેલા એક જ તત્ત્વની તેમણે અન્વેષણા કરી છે ને જાણ્યું છે. પછી એમનાં હૃદયમાંથી માત્ર પ્રેમ અને આદર, માત્ર સહિષ્ણુતા અને સ્વીકાર જ આવે. ઈસુએ કહ્યું હતું કે, “એમનાં ફલથી તમે એમને જાણી શકશો.” ब्रह्मेति परमात्मेति भगवान् इति शब्धते ॥ – શબ્દ એટલે ધ્વનિ અથવા નામ – તફાવતો માત્ર નામમાં જ છે જેમકે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન પણ શબ્દોથી વ્યક્ત થતી વસ્તુમાં અર્થાત્ સત્યમાં નથી. આપણી મહાન સંસ્કૃતિમાં સમન્વય આ કારણે નીપજ્યો. આખા જગતને માટે એ નવું કાર્ય કરી શકશે અને આજે, ભારતે શ્રીરામકૃષ્ણને નિપજાવ્યા છે જેમણે, ખ્રિસ્તમત અને ઈસ્લામ મત સહિતના અનેક મતોની સાધના કરી શોધી કાઢ્યું કે બધા મત પાછળ એક જ તત્ત્વ છે અને પોથી પંડિત પ્રાધ્યાપકની જેમ નહીં પરંતુ, પ્રયોગો અને અનુભૂતિને આધારે, એ અનુભૂતિમાંથી પ્રાપ્ત થયેલા પૂરા અધિકાર સાથે પોકાર્યું કે, “યતો મત, તતો પથ” – “જેટલા ધર્મો તેટલા પ્રભુને પામવાના પંથ” અને આ સત્ય સમજાવવા સારુ તેઓ સુંદર દૃષ્ટાન્ત આપે છે:

એક ઝાડ નીચે એક માણસ બેઠો હતો. એની પાસે બીજો એક માણસ દોડતો આવ્યો અને બોલ્યો: પેલા ઝાડ ઉપર મેં લાલ રંગનું એક પ્રાણી જોયું છે; થોડીવાર થઈ ત્યાં વળી બીજો એક આવ્યો ને બોલ્યો, મેં પણ એ જાનવર જોયું છે પણ એનો રંગ પીળો હતો. વળી કેટલાક સમય બાદ ત્યાં એક ત્રીજો માણસ આવ્યો અને કહેવા લાગ્યો, હું પણ એ જાનવરને જોઈ આવું છું પણ, એ તો છે લાલ રંગનું ને તરત જ એ પ્રાણીના રંગ બાબતે એ લોકોમાં વિવાદ ઊભો થયો. પછી પેલા માણસે એ ત્રણેય કહ્યું, “ચાલો, આપણે બધા એ ઝાડ પાસે જઈ સત્ય શું છે તે જોઈએ એટલે એ માણસ એ ત્રણેને લઈને પેલા ઝાડ પાસે આવ્યો. ત્યાં એમણે એક માણસને બેઠેલો જોયો ને પેલા ત્રણ માણસોના એક બીજાથી જુદા પડતા મતની વાત તેને કહી. એટલે એ માણસ બોલ્યો: “હા, તમે ત્રણેય સાચા છો. એ જાનવર લાલ છે, કોઈક વાર પીળું હોય છે ને કોઈક વાર લીલું. ને મેં એને કોઈવાર રંગ વગરનું પણ જોયું છે! એ રંગ બદલતો કાકીડો છે!”

એટલે શ્રીરામકૃષ્ણે કહ્યું કે: જુદાજુદા માણસો ઈશ્વરનો અનુભવ જુદીજુદી રીતે કરે છે. એનો ભક્ત જે માર્ગે એની તરફ વળે તે રીતે ઈશ્વર તેને પ્રતિભાવ આપે છે. ભક્તોનાં હૃદયની ઈચ્છાને ભગવાન પૂરી કરે છે. એને રૂપ છે, એ સાકાર અને સગુણ છે તેમ વળી, એ અરૂપ, નિરાકાર અને નિર્ગુણ છે. કોઈ એક ભક્તની અનુભૂતિને આધારે એને બાંધી શકાય નહીં. ઈશ્વરની આપણી અનુભૂતિને આપણે માણીએ છીએ અને તેનો આદર કરીએ છીએ તેમ બધાની અનુભૂતિનો પણ આપણે આદર કરવો જોઈએ અને તેમને માન આપવું જોઈએ.

૧૦. સહિષ્ણુતા અને સ્વીકારની ભારતીય સંકલ્પના.

ઝાડ નીચે રહેતો પેલો માણસ કાકીડા વિશેના તત્ત્વને જાણતો હતો તેમ, ઈશ્વર વિશેના સત્યને, તત્ત્વને, જાણનારની આ વાણી છે. તત્ત્વના એ દૃષ્ટિબિંદુથી, કેવળ સંવાદિતા, સુમેળ, સક્રિય સહિષ્ણુતા જન્મે. એથી સહિષ્ણુતાની સનાતન ધર્મની સંકલ્પનાની ડૉ. રાધાકૃષ્ણન આમ વ્યાખ્યા કરે છે: “શાંત મન અનન્તની અમેયતાને જે અંજલિ આપે છે તે સહિષ્ણુતા: (“ઈસ્ટર્ન રીલિજન્સ ઍન્ડ વેસ્ટર્ન થોટ”. પૃ. ૩૧૭) બધા ધર્મોના ઉપાસ્ય દેવ એક જ છે. તે જ્ઞાન બધા વિવાદોને મૂંગા કરી દે છે. તત્ત્વને અર્થાત્ સત્યને હૃદયે વસીને, મતોના અનુયાયીઓને પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવ્યો હોય તેવા અનેક મહામના વિભૂતિઓની નક્ષત્રમાળા રેલાવવાનો પરમ અધિકાર ભારતને સાંપડ્યો છે. આવી પુરાણી પરંપરા અને શ્રીરામકૃષ્ણની પોતાની અનુભૂતિઓને આધારે, એમના શિષ્ય, સ્વામી વિવેકાનંદ યુનાઈટેડ સ્ટેટ્સ ગયા હતા અને, શિકાગોની પ્રખ્યાત ધર્મ પરિષદમાં પોતાના પ્રથમ વ્યાખ્યાનમાં જ, પશ્ચિમની દુનિયાને તેમણે આ ભારતીય જ્ઞાનમાં સહભાગી બનાવી હતી (“ધ કમ્પ્લીટવર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ વૉ. ૧ પૃ. ૩.૪,): ‘સહિષ્ણુતા અને સર્વસ્વીકારનો સંદેશ જગતને આપનાર ધર્મના અનુયાયી હોવાનું મને ગૌરવ છે અમે માત્ર જાગતિક સહિષ્ણુતામાં જ માનીએ છીએ એટલું નહીં પણ, અમે બધા ધર્મોને સદ્-ધર્મ તરીકે સ્વીકારીએ છીએ.

જગતના બધા ધર્મોનાં અને બધા રાષ્ટ્રોનાં ત્રાસિતોને અને વિસ્થાપિતોને આશ્રય આપનાર રાષ્ટ્રનું બાળ હોવાનું મને ગૌરવ છે. રોમના જુલમે (જેરુસલેમમાંના) એમના દેવળનો નાશ કર્યો. તે જ વરસમાં દક્ષિણ ભારતમાં આવી વસેલા વિશુદ્ધ યહૂદીઓના અવશેષોને અમે અમારી છાતીએ વળગાડ્યા છે એમ કહેતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી ધર્મના અવશિષ્ટ નબીરાઓને જે ધર્મના લોકોએ આશ્રય આપ્યો હતો અને આજે પણ જે આશ્રય આપી રહ્યા છે તે ધર્મનો અનુયાયી હોવાનું મને ગૌરવ છે.

મારા બંધુઓ, ખૂબ નાનપણથી જે સ્તોત્રનો પાઠ હું કરતો આવ્યો છું અને જેનો લાખો લોકો આજે પણ પાઠ કરે છે તેની થોડીક પંક્તિઓ હું તમને કહીશ: “જુદાંજુદાં ઝરણાંઓ જુદેજુદે સ્થાનેથી ઉદ્ભવી, એક જ સમુદ્રમાં મળે છે તે રીતે, હે પ્રભુ, પોતાની જુદી રુચિ અનુસાર લોકોએ પસંદ કરેલા જુદાજુદા પંથો, સીધે કે આડે રસ્તે, તને જ મળે છે.

આજનું આ સંમેલન કદી ન ભરાયેલું એવું એક ભવ્ય સંમેલન છે; ને “ગીતા”માં પ્રબોધેલા અદ્ભૂત બોધને સાચો ઠેરવતી ધોષણા છે: “ગમે તે સ્વરૂપે જે મારી પાસે આવે છે તેને હું મળું છું: અંતે મારી ભણી જ આવતા પંથો પર એ સૌ યત્નો કરે છે. સાંપ્રદાયિકતા, હઠાગ્રહિતા, અને એનો ભયંકર વારસ, ધર્માંધતા: આ સૌએ આ સુંદર પૃથ્વી પર લાંબા સમયથી રાજ કર્યું છે. જગતને એમણે હિંસાથી ભર્યું છે, વારંવાર એને માનવ રક્તે સિચ્યું છે, સંસ્કૃતિનો સંહાર કર્યો છે અને આખાં રાષ્ટ્રોને નિરાશામાં ધકેલ્યાં છે. આવા દુષ્ટ રાક્ષસો ન હોત તો, આજે છે તેથી ક્યાંય અધિક, માનવ સમાજે પ્રગતિ કરી હોત. પરંતુ એમનો કાળ પૂરો થવા આવ્યો છે. ને હું અંતરની આશા વ્યક્ત કરું છું કે આ સંમેલનના માનમાં આજે સવારે ઘંટ વાગ્યો હતો તે બધી ધર્માંધતાનો, તલવારથી થતા બધા જુલમોનો અને, એક જ ધ્યેય તરફ ભિન્નભિન્ન પંથે જતાં લોકો વચ્ચે બધી ખરાબ લાગણીઓનો મૃત્યુઘંટ બની રહે.’

૧૧. સાંપ્રદાયિક વાડાઓના પ્રોક્રસ્ટિયન પથારીથી બધી અસહિષ્ણુતા ઉદ્ભવે છે.

ભારત સિવાયની દુનિયા મોટે ભાગે એક વિશ્વતાની નીતિને અનુસરી છે. એમને ત્યાં એક જ ભાષા છે, એક જ મઠ છે ને એક જ ધર્મ છે. તે પછી તેઓને બીજા ધર્મોને અને બીજી જાતિની પ્રજાઓને નમાવવાં પડે છે અને, શક્ય હોય તો, તેમનો સંહાર કરવો પડે છે. એક વિશ્વતાની નીતિ હેઠળ, જગતમાં આવું વારંવાર બન્યું છે, જે ગ્રીક પુરાણની પ્રોક્રસ્ટિયન ખાટલી જેવું એ છે. રાજકીય કે ધાર્મિક સંપ્રદાયો અને વાડાઓની, બીજાઓના અસ્વીકારની, સંકુચિતતાની વૃત્તિ બધી અહિષ્ણુતાને જન્મ આપે છે. પ્રોક્રસ્ટિસ નામનો એક માણસ હતો. ટેકરી ઉપર આવેલ પોતાના ઘરમાં તે એક ખાટલી રાખતો, ત્યાંથી પસાર થનાર દરેકને તે આવકારતો અને તેને પોતાની ખાટલી ૫ર સૂવા તે કહેતો. જો સૂનાર ખાટલી કરતાં લાંબો હોય તો પ્રોક્રસ્ટિસ તેના પગ કાપી નાખતો; જો સૂનાર ટૂંકો હોય તો તેના પગ એટલા તાણતો કે એ ખાટલીના માપનો થઈ રહે. એ મક્કમપણે માનતો કે મારી ખાટલી પ્રમાણ માનક છે ને બધાયે તે માપના જ થવું જોઈએ! સત્ય અથવા બધા ધર્મોની પાયાની એકતાનું તત્ત્વ લોકો સમજી શક્યા નથી કે તેની કદર કરી શક્યા નથી. માનવઆત્માની મુક્ત અભિવ્યકિતને રુંધતી સંકુચિતતાના સંપ્રદાયો અને વાડાઓનો આપણે ત્યાં તોટો નથી. ધાર્મિક જીવનમાં આવી પ્રોક્રસ્ટિયન ખાટલીઓને આપણા દેશો કદી વિકસવા નથી દીધી તેમજ, અસહિષ્ણુતા, જોરજુલમ, હિંસા, યુદ્ધ અને નૃવંશ હત્યાને જન્મ આપે તેવી બેરખબંધી પણ આપણા દેશે કદી વિકસાવી નથી. “અ સ્ટડી ઑફ હિસ્ટરી” અને “અ હિસ્ટરિઅ સ” અપ્રોચ ટુ રિલિજન”ના લેખક, મહાન બ્રિટિશ ઈતિહાસકાર આર્નલ્ડ ટોયન્બી કહે છે કે, ભારતીય ધર્મો ખૂલ્લા મનના, વાડાબંધી વિનાના અને હરકોઈને સ્વીકાર કરનારા છે. ત્યારે સેમેટિક કુળ ને ધર્મો, અર્થાત્ યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ બંધ મનના અને વાડાબંધીવાળા છે. એ બધા દૃઢપણે માને છે કે, હું સાચો છું, તું ખોટો છે. તેની વિરુદ્ધ, આપણે બધાં જ સાચાં છીએ, સૌ પોતપોતાની રીતે સાચાં છે ને તેથી “જીવો ને જીવવા દો” ભારતીય દૃષ્ટિબિંદુ છે.

સમન્વયના ખ્યાલમાં આપણને ભારતનું જ્ઞાન મળે છે. તે ખ્યાલે આપણી પ્રજાને હજારો વર્ષ પ્રેરણા આપી છે. પણ આઝાદી પછી એ જ્ઞાન સાથેનો સંપર્ક આપણે ગુમાવી બેઠા છીએ. આપણું શિક્ષણ આપણને એ જ્ઞાનમાં ડોકિયું નથી કરાવતું. આજે એમ કહેવું સાચું થશે કે વિરાટ દેશમાં આપણે વામનો છીએ. આપણાં મન નાનાં છે, આપણાં દિલ નાનાં છે, આપણો રસવિસ્તાર સંકુચિત છે અને આપણે સૌ ક્ષુલ્લક બાબતો ઉપર પરસ્પર સાથે ઝઘડીએ છીએ. આપણા અમર ભારતના જ્ઞાનના સંસ્પર્શથી થયો. હું વારંવાર કહું છું: આપણા શિક્ષિતોને પુન: શિક્ષણની આવશ્યકતા છે. ને એ શિક્ષણ તેમને વિવેકાનંદના સાહિત્યમાં સાંપડશે; ઉપરાંત, ગાંધીજી, કાકા કાલેલકર, ટાગોર અને બીજાઓનાં સાહિત્યમાંથી પણ. ટાગોરે ભારત વિશે ગાતાં કહ્યું છે: “મહામાનવસાગર”, “અનંત માનવતાનો સાગર” કહી તેમણે ભારતની અનેકવિધ જાતિઓને આવકારતાં લખ્યું છે: “એશો હે આર્ય, એશો અનાર્ય.”

૧૨. તારતમ્ય: સમન્વયના ધ્વજ સાથે ભારતે આગેકૂચ કરવાની છે.

રાષ્ટ્ર મહાન બને છે એના મહામના અને ઉદારહૃદયી સપૂતોથી. આ મહત્તા કેળવણી દ્વારા આપણી પ્રજાને પ્રાપ્ત થવી જોઈએ. કાકા કાલેલકર જેવા મહાનુભાવની મહત્તા આપણે ઊજવીએ ત્યારે, આપણે યાદ રાખવું ઠીક થશે કે, આપણી આજની પ્રજાને સાચા ભારતની, ભારતના જ્ઞાનની અસર થવી હજી બાકી છે. આપણી પ્રજાને એનો સંસ્પર્શ થશે ત્યારે, આપણો આ દેશ ફરી સંવાદિતાની ભૂમિ બનશે, જે ભૂમિમાં દરેક ધર્મ, દરેક ભાષા, દરેક સંસ્કૃતિ સમૂહ પોતાનો વિકાસ સાધી શકશે. વિવિધતામાં એકતા માત્ર ભારતીય સરકારનું પોપટ વાક્ય નહીં રહેવા પામે. એણે આપણી રાષ્ટ્રીય ચેતનામાં જડ ઘાલવી જોઈએ અને, આપણા આંતર-માનવ, આંતર-સમૂહ સંબંધો પર અસર પાડવી જોઈએ. મને ખાતરી છે કે, પંદર વરસ પછી શરૂ થતી નવી સદીના આરંભ પહેલાં આપણા લોકો આ તત્ત્વને ઝડપી લેશે. આ ગાળાને આપણે આપણી સમસ્ત પ્રજા માટે સધન પુન: શિક્ષણનો ગાળો બનાવવો જોઈએ. તો જ આપણા બંધારણમાં અંકિત થયેલા મહાન માનવતાવાદી અને વૈશ્વિક દર્શનને સામાજિક-રાજકીય વાસ્તવિકતામાં સાકાર થતું જોઈ શકીશું.

આપણી સંસ્કૃતિના આ જ્ઞાનવારસાને દૃષ્ટિ સમક્ષ રાખી આપણે પરિશ્રમ કરવો પડશે; એથી આપણી રાષ્ટ્રીય ઊર્જા મુકત થશે અને આપણે સુષ્ઠુ, ધીર્યવાન, ગતિશીલ, જાગૃત ભારતનું નિર્માણ કરી શકીશું. આવા ભારતમાં, દારિદ્રય અને પછાતપણાથી પીડાતી બધી જાતિઓ, બધા સંપ્રદાયો અને ધર્મોના લાખો લોકોનો ઉદ્ધાર કરી શકાશે અને માનવ મુક્તિના તથા માનવગૌરવના આસન ઉપર તેમને બેસાડી શકાશે. પોતાની જાતમાં શ્રદ્ધા, આપણા રાષ્ટ્રના ભાવિમાં શ્રદ્ધા, આપણા લોકોમાં શ્રદ્ધા: આ ભાવાત્મક વિચારણા અપનાવ્યેથી જ આ ઉર્જા મુક્ત કરી શકાશે. અભાવાત્મક વિચારણાથી નહીં. આપણા રાજકારણે વધારે ભાવાત્મક અને ઓછું અભાવાત્મક થવાની આવશ્યકતા છે.

અવારનવાર હું એક દેશની તુલના બીજા દેશ સાથે કરું છું અને એક સત્ય મારી નજરે ચડે છે; તે એ કે દરેક દેશને સામાજિક રોગો વળગેલા છે. આપણને પણ કેટલાક આવા રોગો વળગેલા છે. પરંતુ ઘણા દેશો પાસે પૂરતી દવાઓ નથી ને ઘણી વાર તો દવાઓ રોગોથી યે વધારે ભયંકર હોય છે. આ બાબતે, આપણો દેશ ભાગ્યશાળી છે. કારણ, અનેક રોગોની સાથે-સાથે પૂરતી દવાઓ પણ એની પાસે છે અને આ દવાઓ માત્ર આપણા દેશ માટે જ ઉપયોગી છે તેટલું જ નહીં પણ બાકીની દુનિયા માટે પણ તે ઉપયોગી છે. સમન્વયની સંકલ્પના એ ઔષધનું એક પાસું વિકસેલું છે; પ્રથમ દર્શન તરીકે અને પછી આ હજારો વર્ષની સામાજિક રાજકીયનીતિ તરીકે તથા વ્યવહાર તરીકે તે અમલી બનેલ છે. આજના કાળમાં ભારતમાં આનો તંદુરસ્તીભર્યો વ્યવહાર એ જોવા મળે છે કે મુસલમાનોના જુદાજુદા ફિકા મુક્તપણે સાથે રહી શકે છે ત્યારે, પાકિસ્તાનમાં, એકવિધતાની સંકલ્પનાના જુલમે પ્રથમ બધા હિંદુઓ અને શિખોને હાંકી કાઢ્યા હતા અને હવે, અહમદિયા જેવા કેટલાક ઈસ્લામી સંપ્રદાયોને ત્રાસ ઊભો થયો છે. પાકિસ્તાનની પ્રજાના પોતાના પૂર્વજોએ એમને અને આપણને જે દર્શનનો વારસો આપ્યો છે તેની કૃપા તેની ઉપર ઊતરે તે આપણે કેટલું ઝંખીએ છીએ! કોણ હતા એ પૂર્વજો? કંદહાર, સિંધ અને આખા પંજાબની હાલની પ્રજાનાં મૂળ આદિ પુરુષો વૈદિક ઋષિઓ હતા. પાકિસ્તાનના લોકો આ વલણ વિકસાવે તો, સમગ્ર નીતિ પલટાઈ જશે. પોતાની સંસદમાં ધારો ઘડી અહમદિયાઓને બિનમુસ્લિમ જાહેર કરી તેમને પાકિસ્તાનમાં ત્રાસ અપાઈ રહ્યો છે. અહીં ભારતમાં બહાઈઓ શાંતિથી અને સન્માનથી જીવે છે ત્યારે, પાકિસ્તાનમાં કે, તેમની ઉદ્ભવભૂમિ ઈરાનમાં, તેમને સ્થાન નથી. આ ભારત છે, મહામાનવસાગર અને અર્વાચીન ભારતે, વિવિધતામાં એકતાથી અંકિત, સમન્વયના ધ્વજ સાથે, કૂચ કરવાની છે. એ માટે, આપણા લોકોએ સમ્રાટ યુધિષ્ઠિરને માતા કુન્તીએ સંબોધેલા પ્રાચીન પણ નિત્ય નવી સંદેશના શબ્દોને આત્મસાત્ કરવા ઘટે:

धर्मे ते धीयतां बुद्धिः
मनस्ते महदस्तु च।

“તમારી બુદ્ધિ ધર્મમાં સ્થિર થાઓ અને તમારાં મન તથા હૃદય વિશાળ બનો!”

આપણા રાષ્ટ્રને મહત્તા અને કીર્તિ તરફ કેવળ આ પ્રકારના મનહૃદય જ લઈ જશે. આપનો સૌનો આભાર….

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.