કાકાસાહેબ કાલેલકર જન્મશતાબ્દી રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અપાયેલા પ્રથમ કાકાસાહેબ કાલેલકર સ્મારક વ્યાખ્યાનની ધ્વનિપટ્ટી પર આધારિત.
૧. પ્રાસ્તાવિક :
પ્રથમ કાકા કાલેલકર સ્મારક વ્યાખ્યાન આપવા માટે મને નિમંત્રણ આપવા બદલ કાકા કાલેલકર શતાબ્દી સમિતિનો હું ઋણી છું. કોઈપણ ક્ષેત્રમાં અને કોઈપણ પ્રકારના લોકમાં વ્યક્ત થતી માનવ ગરિમાનો હું ચાહક અને પ્રશંસક છું, અને સર્જકતા, મૌલિકતા અને મહત્તાની છાપ કાકા કાલેલકરમાં આપણને જોવા મળે છે. તેઓ હૃદયથી અને મનથી મહાન હતા. એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે મને ખૂબ આનંદ થયો હતો. ટાગોર અને ગાંધીજી : આ બે મહાન વિભૂતિઓ સાથે તેઓ સંકળાયેલા હતા. બંને વૈશ્વિક ગજાના હતા. વાસ્તવમાં તો, છેલ્લા પાંચ હજાર વરસથી આપણે જે સંસ્કૃતિ વિકસાવી છે અને આજના યુગમાં પણ જેને વિકસાવવા આપણે બદ્ધ થયા છીએ તે સંસ્કૃતિના વૈશ્વિક પરિમાણના તેઓ પ્રતિનિધિ હતા. આપણી બે વિરાટ વિભૂતિઓ સાથેના આ સાન્નિધ્યથી, અને બુદ્ધિથી તથા હૃદયથી પોતે પણ વિરાટ હોઈને, કાકા સમૃદ્ધ જીવન જીવ્યા હતા અને આપણા રાષ્ટ્ર જીવનને પણ તેમણે સમૃદ્ધ કર્યું હતું.
૨. બધી કેળવણીનો આત્મા
આપણા શિક્ષણની નવી દિશા નક્કી કરવામાં અને એને નવેસરથી ગોઠવવામાં આજે આપણે વ્યસ્ત છીએ. આ સંદર્ભમાં, કાકાના કેળવણી વિષયક વિચારોને જાણવાથી લાભ થશે. આપણો ઇતિહાસ , પુરાણો અને પરંપરિત છે, અને આપણી સાંસ્કૃતિક પરંપરા ખૂબ સમૃદ્ધ છે. આરંભકાળથી જ વૈશ્વિક દર્શને એ ઇતિહાસને પ્રજ્વલિત કર્યો છે. આપણી સંસ્કૃતિના એ તત્ત્વને ગ્રહણ કરવામાં અને પછીની પેઢીને તે સોંપવામાં આપણી કેળવણીએ આપણા યુવાનોને સહાયરૂપ થવું જ જોઈએ. તો જ આપણી સંસ્કૃતિના વૈશ્વિક દર્શનનું સાતત્ય આજના યુગમાં આપણને સાંપડશે. આ સંદર્ભમાં કાકા કાલેલકરના કેળવણી વિશેના આ થોડા ઉદ્ગારો આપણને ખૂબ મૂલ્યવાન થશે. કાકા કાલેલકરની વિવિધ સિદ્ધિઓની છણાવટ કરતાં, આ જ સમારંભમાં થોડા દિવસ પર ઉચ્ચારાયેલા પ્રો. ઉમાશંકર જોષીના શબ્દો હું ટાંકું છું. કાકા કાલેલકરને કેળવણી વિશે આ કહેવાનું છે : (વિચારો અને મૂલ્યોને વ્યક્ત કરવા માટે અતિ સુંદર સંસ્કૃત શબ્દો ઘડવાની કાકા કાલેલકરની શક્તિનો ઉલ્લેખ શ્રી જોશીએ કર્યો હતો.) અંગ્રેજી શબ્દ ‘ઍડ્યુકેશન’ માટે સંસ્કૃત શબ્દ विनय છે. સમગ્ર કેળવણીના આત્મા જેવો વિનય બધા વિદ્યાર્થીઓને જે કહે છે તેને લગતી એક કંડિકા આ રહી :
“હું સત્તાની દાસી નથી કે કાયદાની ચાકરડી નથી, હું વિજ્ઞાનનું કે બીજી કલાઓનું પ્યાદું નથી કે નથી અર્થશાસ્ત્રની ગુલામ. હું ધર્મનું પુનરાગમન છું. મનુષ્યનાં હૃદય, બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉપર આધિપત્ય ભોગવતી મહારાણી હું છું. મનોવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન મારાં બે ચરણ છે અને કલા તથા હુન્નર મારા હાથ છે. ધર્મ મારું હૃદય છે, અવલોકન તથા તર્કબુદ્ધિ મારી આંખો છે, ઇતિહાસ મારા કાન છે, સ્વાતંત્ર્ય મારો પ્રાણ છે, ઉત્સાહ અને યત્ન મારાં ફેફસાં છે, ધૈર્ય મારી પ્રતિજ્ઞા છે, શ્રદ્ધા મારું જીવનસત્ત્વ છે. આવી વૈશ્વિક દેવી હું છું, આખા જગતની ધાત્રી હું છું. જે મારો ભક્ત છે તેને બીજા કોઈ પાસે જવાની જરૂર નહીં રહે અને તેની બધી જ ઇચ્છાઓ મારા દ્વારા પરિપૂર્ણ થશે.”
આજે આપણે કેળવણીનો વિચાર માનવસ્રોતના વિકાસ તરીકે કરીએ છીએ. એને મૂલ્યલક્ષી કરવાનો પ્રયત્ન પણ આપણે કરીએ છીએ. કેળવણીનાં આ બંને પરિમાણોને વિનય આવરી લે છે. કેળવણીનું આ વિશાળ અને ઊંડું દર્શન આપણને ખૂબ પ્રેરણાદાયી બનશે. આપણી સંસ્કૃતિએ જે આદર્શને મૂર્તિમંત કર્યો છે તે, બધાં જ્ઞાન, બધી કલાઓ અને બધા શાણપણને પ્રતિબિંબિત કરતી દેવી સરસ્વતી અને સમૃદ્ધિ અને કલ્યાણમાં પરિવર્તન થતા જ્ઞાનને પ્રતિબિંબિત કરતી દેવી લક્ષ્મી, આ બે દેવીઓની મહાન પરિકલ્પનામાં વ્યક્ત થયાં છે. આ કંડિકામાં આ બંને દેવીઓનું તત્ત્વ સુંદર રીતે વ્યક્ત થતું જોવા મળે છે.
(ક્રમશ:)
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
Your Content Goes Here




