ભારતનું ઓગણીસમું શતક અનુકરણશીલ, આત્મ-વિસ્મરણશીલ અને કૃત્રિમ હતું. તે બીજા યુરોપનું સર્જન કરવા માગતું હતું. ગીતાના મહાન વાક્ય : स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: (પોતાનો ધર્મ બજાવતાં બજાવતાં મૃત્યુ તે શ્રેય છે, પરધર્મ ભયાવહ છે.)નું વિસ્મરણ થયું હતું, યુરોપના આંધળા અનુકરણમાં તે રત હતું, સ્વધર્મમાં થતાં મૃત્યુનું પરિણામ એટલે તો નવો જન્મ, પણ પરધર્મમાં સફળતાનું પરિણામ એટલે સફળ આત્મઘાત. આપણે આપણી જાતનું યુરોપીકરણ કરવામાં સફળ થયા હોત તો આપણે હંમેશને માટે આપણી આધ્યાત્મિક શક્તિ અને આત્માના નવજાગરણની શક્તિ ગુમાવી બેઠા હોત! આ કરુણાંતિકા (ટ્રેજેડી) ભૂતકાળમાં એકથી વિશેષ વાર ભજવાઈ ચૂકી છે, તેમાં એક નિકૃષ્ટ અને દારુણ કરુણાંતિકાનો ઉમેરો થાત. દેશની સમગ્ર પ્રવૃત્તિ વિદેશી હોત અને તેમાંથી સાધિત હોત તો તેના પરિણામે વિનાશ થયો હોત! પણ રાષ્ટ્રના જીવનધબકાર બંગાળ અને પંજાબની ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ, મહારાષ્ટ્રની રાજકીય મહત્ત્વાકાંક્ષા તરફ અને બંગાળની સાહિત્યપ્રવૃત્તિ તરફ ગતિ કરે છે. અલબત્ત, આ સમયે પણ તે પ્રવાહ આંતરિક હતો; ભારતની વિશિષ્ટ પ્રકૃતિ અને જીવનશક્તિ પરદેશના વિચારો અને પરદેશી સ્વરૂપના બોજ નીચેથી પણ આત્મરક્ષા માટે સંઘર્ષ કરતી હતી; અને આ બે તત્ત્વોના સંઘર્ષને પરિણામે રાષ્ટ્રીય ધર્મ તરફ પલ્લું નમ્યું, ભારતની મુક્તિની આશા જન્મી. હિંદુ ધર્મમાં રહેલ સનાતની અંશ પછી એ તામસી હોય, પ્રમાદી હોય, અજ્ઞાન હોય, સર્જન-શક્તિ વિહોણો હોય – ના પ્રતિકારે, સામનાએ તેનાથી વિશેષ ગતિવાળા, સંપૂર્ણ વિઘટન સાધી આપનાર પરિણામથી દેશને બચાવ્યો અને મથી રહેનાર રાષ્ટ્રીય આત્માને કળણમાંથી બહાર નીકળવા અને પોતાની જાતને શોધવાની પ્રક્રિયામાં શ્વાસ લેવાનો વખત આવ્યો.
ભારતનો આત્મા પ્રથમ ધર્મ દ્વારા જ પ્રબુદ્ધ થયો અને વિજયી બન્યો. આ ઉત્થાનના સંકેતો મળતા હતા; એ તરફ અંગૂલિનિર્દેશ કરનાર અનેક આત્માઓનો આવિર્ભાવ થયો હતો. પણ એક અભણ હિંદુ સંત, એક આત્મજ્ઞાની અને ધૂની પરદેશી શિક્ષણ કે વિચારના રજ જેટલા પ્રભાવથી પણ મુક્ત એવા રહસ્યમય યોગીનાં ચરણોમાં જ્યારે કલકત્તાના શિક્ષિત યુવાનોએ વંદન કર્યું, ત્યારે આ યુદ્ધમાં વિજય નિશ્ચિત બન્યો. આ મહાન ગુરુએ (શ્રીરામકૃષ્ણે) જેને વીર આત્મા તરીકે ઓળખાવ્યો હતો, જે જગતને પોતાના બે હાથમાં લેવા અને તેનું પરિવર્તન કરવા નિર્માયો હતો, એવા પુરુષ વિવેકાનંદની પ્રવૃત્તિ, જગત માટે ભારતના આત્માના પુનરુત્થાનનું પ્રથમ લક્ષણ હતું – પ્રથમ સંકેત હતો અને આ સંકેત હતો કે, ભારત જાગૃત થશે – ફક્ત ટકી રહેવા માટે નહિ પણ વિજેતા બનવા માટે.
ભાષાંતરકાર : શ્રી તખ્તસિંહ પરમાર
(‘પ્રબુદ્ધ ભારત’, ફેબ્રુઆરી ૧૯૩૬થી સાભાર)
Your Content Goes Here




