ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે એક પ્રજા તરીકે પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ જશો; કારણ કે જે પ્રજાનો મેરુદંડ ભાંગી ગયો હોય, જે પાયા ઉપર રાષ્ટ્રિય ઈમારતનું ચણતર થયેલું હોય છે તે પાયા જો મૂળમાંથી ખોદાઈને પોલા પડી ગયા હોય, તો પરિણામે એ પ્રજાનો સર્વનાશ થાય છે.

એટલા માટે, મારા બંધુઓ! એમાંથી બહાર નીકળવાનો રસ્તો એ છે કે આપણા પ્રાચીન પૂર્વજો પાસેથી પરંપરા દ્વારા આપણને સોંપાયા કરતી એ અમૂલ્ય ભેટરૂપી આધ્યાત્મિક્તાને આપણે મજબૂત રીતે પકડી રાખવી જોઈએ. એટલા માટે આધ્યાત્મિક્તામાં તમને શ્રદ્ધા હો યા ન હો, પરંતુ રાષ્ટ્રિય જીવનની ખાતર તમારે આધ્યાત્મિક્તાને એક હાથે પકડી જ રાખવાની છે, તેને વળગી જ રહેવાનું છે. ત્યાર પછી જ બીજો હાથ લાંબો કરીને બીજી પ્રજાઓ પાસેથી મળે તેટલું બધું મેળવો. પરંતુ એ બધું પણ પેલા એક માત્ર જીવનના આદર્શથી નીચી કક્ષાએ જ રાખવાનું છે. એમાંથી જ એ અદ્‌ભુત, મહિમાવંતું ભાવિ ભારત બહાર આવશે; અને મારી તો ખાતરી છે કે પૂર્વે કદીયે હતું તેના કરતાં મહાન ભારત અવતરી રહ્યું છે; પ્રાચીન કાળમાં હતા તે બધા કરતાં વધુ મહાન ઋષિઓ નીકળી આવવાના છે…

માટે, મારા ભાઈઓ! ચાલો આપણે સૌ કામે લાગી જઈએ. આ સમય સૂઈ રહેવાનો નથી. આપણા કાર્ય ઉપર ભાવિ ભારતના આગમનનો આધાર છે. મા ભારતી તૈયાર થઈને રાહ જોઈ રહી છે. એ માત્ર સુષુપ્ત દશામાં પડેલી છે. ઊઠો, જાગો અને આ આપણી ભારતીમૈયાને પુનરુત્થાન પામેલી, પૂર્વે હતી તેના કરતાંય વધુ પ્રતાપી, પોતાના સનાતન સિંહાસન ૫૨ અહીં જ બિરાજમાન થયેલી નિહાળો. ઈશ્વર વિશેની ભાવના આપણી આ માતૃભૂમિ જેટલી સંપૂર્ણતાથી બીજે ક્યાંય કદીયે વિકાસ પામી નથી, કારણ કે એ ભાવના બીજે ક્યાંય કદી અસ્તિત્વમાં જ નહોતી. તમને મારા આ ભારપૂર્વકના શબ્દો કદાચ નવાઈ પમાડશે. પરંતુ હું પૂછું છું કે બીજા કોઈ પણ ધર્મગ્રંથમાંથી મને આપણા જેવો ઈશ્વરનો કોઈ પણ વિચાર બતાવશો? એ લોકોનો ઈશ્વર એટલે એકાદ ટોળીનો સરદાર : યહૂદીઓનો ઈશ્વર, આરબોનો ઈશ્વર, અને આવી જાતિઓનો ઈશ્વર – એ બધાના ઈશ્વરો બીજી જાતિઓના ઈશ્વરો સાથે લડ્યા કરતા હોય છે. પરંતુ અતિ કૃપાળુ, અતિ દયામય, આપણા પિતા, માતા, બંધુ, અનુપમ સખા, આપણા આત્મારૂપ ઈશ્વરની ભાવના તો કેવળ અહીંયાં, કેવળ ભારતમાં જ છે. જેની શૈવો શિવ રૂપે, વૈષ્ણવો વિષ્ણુ રૂપે, કર્મકાંડીઓ કર્મ રૂપે, બૌદ્ધો બુદ્ધ રૂપે, જૈનો જીન રૂપે, ખ્રિસ્તીઓ અને યહૂદીઓ જેહોવા રૂપે અને મુસલમાનો અલ્લા રૂપે ઉપાસના કરે છે; એ દરેક સંપ્રદાયનો ઈશ્વર, વેદાંતીઓનો બ્રહ્મ, જેનો મહિમા માત્ર આ ભૂમિમાં જ સમજાયો છે, એ સર્વવ્યાપી પરમેશ્વર, આપણને આશીર્વાદ આપો, આપણને સહાય કરો, આપણને બળ આપો, શક્તિ આપો, અને આ ભાવનાને આચરણમાં ઉતારવાનું સામર્થ્ય આપો. આપણે અત્યાર સુધી જે સાંભળ્યું છે અને જેનો અભ્યાસ કર્યો છે તે આપણામાં એકરસ થઈને બળરૂપ બનો, તે આપણામાં પરસ્પર સહાયભૂત થવાની શક્તિરૂપે પરિણમો. આપણે સહુ – ઉપદેશક અને શ્રોતાજનો સહુ – પરસ્પરનો દ્વેષ ન કરીએ! શાંતિઃ શાંતિઃ શાંતિઃ હરિ ૐ!

– સ્વામી વિવેકાનંદ

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.