માસ્ટર (વિનયપૂર્વક) – ઈશ્વરમાં કેવી રીતે મન જાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વહેવારની અંદર રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહિ. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ.

‘‘રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરાં ખાઈ જાય.’

‘‘ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં, હંમેશાં સત્‌ અસત્‌નો વિચાર કરવો. ઈશ્વર જ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્‌ એટલે અનિત્ય; એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’

માસ્ટર (વિનયપૂર્વક) – સંસારમાં કેવી રીતે રહેવું?

શ્રીરામકૃષ્ણ – બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું, સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

‘‘મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે. ‘મારો રામ’ ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.

‘‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડા પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું. પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.

‘‘ઈશ્વર ભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન હેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ જેમ વધુ કરો તેમ તેમ આસક્તિ વધે.’

‘‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.

‘‘પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંતમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.

‘‘વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વર ચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની – કાંચનના જ વિચાર આવે.

‘‘સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી. તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસાર જળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે.

– (શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ-૧, અધ્યાય ૫મો)

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.