(રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં હિન્દીમાં આપેલ પ્રવચન-માર્ગદર્શનનો ભાવનગરના શ્રી સુરમ્યભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
ભક્ત સંમેલન એ ભારતમાં કંઈ નવી વાત નથી. ઉપનિષદમાં આપણને જોવા મળે છે કે જનક રાજાના દરબારમાં આવું જ એક ભક્ત સંમેલન યોજાયું હતું. અહીં યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી, અન્ય ઋષિગણ સહુ મળીને ભગવાન અંગે ચર્ચા વિચારણા, ચિંતન, અનુધ્યાન કરી રહ્યા છે. આ ભક્ત સંમેલનની શરૂઆત ક્યારે થઈ તે આપણે જાણતા નથી અને આજેય વિવિધ પ્રકારે તે ચાલુ છે જેમકે આપણો કુંભમેળો. કુંભ મેળો એ એક અજબનું સ્થાન છે, જ્યાં લાખો લોકો એક સાથે મળે છે. કેટલાય સાધુ સંતો આવે છે, કેટલાય ગૃહસ્થો પણ આવે છે. પૂરા એક મહિના સુધી કેવળ ભગવાનની જ ચર્ચા થતી રહે છે. અનેક સંપ્રદાયના સાધુસંતો આવે છે; તંબુઓ ઊભા કરે છે, જેમાં ભક્તવૃંદ માટે શિબિરો ચાલતી રહે છે; તેનો લાભ લેતા રહે છે. આ રીતે ઘણી હરિસભા થાય છે, નામગાન પણ થાય છે. આમ, આવા ઘણાં સ્થાન છે. આવાં ભક્તમંડળ રચવા, ભેગાં મળીને હરિનામ લેવાનું અને ભગવદ્ ભજનો કરવાનું ચાલતું જ રહે છે. શ્રીઠાકુરના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે હરિસભા થતી, કથામૃતમાં જોવા મળે – આજે અમુક સ્થળે શ્રીઠાકુર હરિસભામાં આવ્યા છે. આ પ્રકારે બ્રાહ્મસમાજમાં પણ ભક્તોનું મિલન થતું. આજના આ ભક્ત સંમેલનમાં પણ આવી જ હરિચર્ચા થશે.
બ્રાહ્મસમાજના ઉત્સવમાં શ્રીઠાકુર પણ હાજર છે. કેશવસેન પણ છે, વાર્તાલાપ થાય છે. ત્યારથી થઈને આજ સુધીમાં એક વાતાવરણ રચાયું છે. આવાં ભક્ત સંમેલન શ્રીઠાકુરએ સ્વયં બનાવ્યાં છે. જ્યાં ભક્ત મિલન થવાનું હોય ત્યાં શ્રીઠાકુર સામેથી જ કહેતા કે આજે બલરામને ઘેર આવજો. ભગવાનનું નામગાન થશે, તમે આવો. નરેન, રાખાલ, બાબુરામ વગેરેને બોલાવે. સહુને આમંત્રણ આપીને બોલાવે. અગાઉથી જણાવે કે આજે અહીં છે, કાલે ત્યાં છે. રામને કહે છે અમુક દિવસે સત્સંગનું આયોજન કરો. આવી રીતે શ્રીઠાકુર હરિસભાનું પ્રવર્તન કરી ગયા. આજે આપણે હરિનામ ગુણગાન સ્મરણ કરીશું. શા માટે કરીશું? શ્રીઠાકુર કાશીપુરમાં પોતે જ બોલ્યા છે, ‘જે કોઈ મનુષ્ય – વ્યક્તિ-અહીં આવે છે એમાંના કોઈ પણ સાંસારિક નથી.’ ૧૮૮૬માં શ્રીઠાકુર સ્વમુખે આમ બોલ્યા છે. આજે અહીં તમો જે આવ્યા છો તેમાં કોઈ સાંસારિક નથી. આનો અર્થ એ છે કે અત્યારે આપણે તન-મન-ધન બધું ભગવાનને સમર્પણ કરી દીધું છે. આ આપણી બહુ મોટી પ્રતિબદ્ધતા છે. એટલે જ આપણે આપણું જીવન ઘણી જ સાવધાનીથી ચલાવવાનું છે. આ છે ભક્ત સંમેલનનો અર્થ. આ રીતે જ્યારે જ્યારે આપણે એકત્રિત થઈએ ત્યારે થોડું થોડું યાદ કરીને વિચારવાનું છે કે આપણે શા માટે પૃથ્વી પર આવ્યા છીએ, આ જન્મ શા માટે મળ્યો છે, શ્રીઠાકુરની સાથે જોડાયેલા છીએ એટલે આપણી કંઈક જવાબદારી પણ છે.
આપણને ચાર પ્રકારના મનુષ્યો જોવા મળે છે. કોઈ માણસ હોય છે – જિજીવિષુ. ખાવાપીવાનું પૂરતું મળી રહે તેને જ જિંદગી સમજે છે, એથી આગળ જવાની તેને માટે કોઈ જરૂર પણ લાગતી નથી. એ જ માણસનો વિકાસ થતાં બને છે – ભુભુક્ષુ. ભુભુક્ષુ બનનાર વ્યક્તિને ભોગ કરવાની ઇચ્છા થાય છે. ભોગ કરવાનો અર્થ શું છે – આ વસ્તુ સારી છે, આ વસ્તુ બરાબર નથી. આ મકાન સારું છે, આ મકાન સારું નથી, આ શિક્ષણ સારું છે, આ શિક્ષણ સારું નથી. આ રીતે ભોગની વાસના આવી જાય છે. આનાથી તેનો વિકાસ જરૂર થાય છે, પણ તે એક વિકાસનો તબક્કો છે. દરેક તબક્કાના માણસો હોય છે. આથી પણ આગળ વિકાસ પામ્યા તે ચિકીર્ષુ બને છે. ચિકીર્ષુ એટલે માણસ કંઈક કરવા માગે છે. સંસારમાં કંઈ કરી બતાવવા ઇચ્છા રાખે છે, જે પાછળ કંઈક સીમા ચિહ્ન છોડી જવા માગે છે. હું કંઈક બન્યો – જેમ કે સાંસદ સભ્ય કે વિધાન સભ્ય બન્યા કે કોઈ કલબ-સંસ્થાના પ્રમુખ બન્યા, મંત્રી બન્યા. કાંઈક ને કાંઈક સંગઠન બનાવીને તેના નેતા બન્યા. આ છે ચિકીર્ષુ. આથી પણ આગળ તે વિકસીને બને છે – જિજ્ઞાસુ. આ વ્યક્તિ એ જાણવા માગે છે કે આ બધું દેખાય છે તે શું છે? અનેક વિભાગ છે, ભેદ છે આ બધું શું છે? કયા સિદ્ધાંત દ્વારા આ બધું ચાલે છે? જ્યારે કોઈ વ્યક્તિ સિદ્ધાંત સમજવા વિશેષ વિચારે છે, ત્યારે તે સાધારણ વ્યક્તિ રહેતી નથી, તે જિજ્ઞાસુ બને છે. આ વ્યક્તિ પછી તત્ત્વજ્ઞાની, વૈજ્ઞાનિક, કવિ, સાહિત્યકાર વગેરે પૈકી કંઈક બને છે. આ રીતે વિચારણા કરતાં કરતાં તે આ દેખાતું સર્જન છે, તેની પાછળ શું રહસ્ય છે, કયા સિદ્ધાંત મુજબ ચાલી રહ્યું છે, એ જાણવાની તમન્ના જાગે છે. આ જિજ્ઞાસુનો તબક્કો છે. આને જ આપણે જિજ્ઞાસુ કહીએ છીએ. આ ઉપરાંત પણ એક તબક્કો છે તે – મુમુક્ષુ. આ જગતની શું મર્યાદા છે તે મુમુક્ષુ સમજે છે. આ દૃશ્યમાન જગતથી પણ કંઈક આગળ હોવું જોઈએ તે વિચાર તેમને આવે છે. આ સૃષ્ટિ નિર્માણ કેવી રીતે થયું છે, કેવી સ્થિતિ-દશામાં આ જીવ ઉદ્ભવ્યો છે, એ દૃશ્યમાન જગત સાથે તેને શું સંબંધ છે? એ જાણવા માગે છે. એ તબક્કો છે મુમુક્ષુ. આ મુમુક્ષુ બનતા મનુષ્યમાં પણ એક સ્થિતિ હોય છે – એ જાણે છે કે જેવું કર્મ હું કરીશ તેવું કર્મફળ મને મળશે. આ જન્મમાં પણ મેં કોઈ કર્મ કર્યાં છે. પાછલા જન્મ અને તે પૂર્વેના જન્મમાં પણ કર્મ કર્યાં. આથી હું સમસ્યાનું સમાધાન મેળવી શકતો નથી. એ વિચારે છે કે આ જીવનમાં તો મેં કોઈ બદમાશી કરી નથી તો પણ મને આટલું બધું દુ:ખ શા માટે છે? ત્યારે આપણે એવું ચોક્કસ વિચારીએ છીએ કે મેં પાછલા જન્મમાં જરૂર એવાં કાર્યો કર્યાં હશે જેથી આ જીવનમાં મને આવાં દુ:ખ આવે છે.
આવી સ્થિતિ મુમુક્ષુને આવે છે. આ મુમુક્ષુત્વ પછી મનુષ્ય ઈશ્વરપ્રેમી બને છે, તે ભક્ત બને છે. ઈશ્વરને માની લે છે, ઈશ્વરનું રૂપ પસંદ કરે છે. ઈશ્વર તો નિરાકાર સત્તા છે. આપણે તેને જાણી શકીએ એટલે તે સત્તા મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે. ઈશ્વરચિંતન કરવાના બે માર્ગ છે. એક માર્ગ છે શિવ, દુર્ગા, કાલી વગેરે રૂપ છે. કાલી કોણ છે, એમનો આવિર્ભાવ ક્યારે થયો તે પણ આપણે જાણતા નથી. દુર્ગાનું પણ તેવું જ છે, શિવનું પણ તેવું જ છે, તો પણ આપણે સ્વીકારીએ છીએ કે તેમનું અસ્તિત્વ છે. તેમનું અધ્યયન કરવાથી, જપ કરવાથી જવાબ પણ મળે છે. આવી અવસ્થા મુમુક્ષુની છે.
આનાથી આગળ એક ખાસ વર્ગના મનુષ્યો છે, એ અવતાર રૂપે છે. જેઓ અવતાર ફલકના અનુયાયી છે તેમના જીવનમાં કંઈક વધુ જવાબદારી છે. અવતાર જ્યારે આવે છે ત્યારે તેમનો કોઈ ખાસ સંદેશ હોય છે. તેમના અનુયાયીઓએ અવતારનો સંદેશ સંભળાવવો – એ જવાબદારી વહન કરવાની હોય છે.
આપણા જીવનમાં આ સંદેશ આત્મસાત્ કરવાનો રહે છે. ઈશ્વરનો વિકાસ થતો નથી પણ મનુષ્યના જ્ઞાનનો વિકાસ થાય છે. આપણે ઈશ્વરનો સ્વીકાર આ સીમા સુધી કર્યો છે. જેમ કે ઈશ્વર રામચંદ્રજી રૂપે હતા. એ જ રીતે બાળ સ્વરૂપે શ્રીકૃષ્ણજી આવ્યા, લીલા કરી. શ્રીકૃષ્ણ પછી બુદ્ધ આવ્યા, ચૈતન્ય આવ્યા, આ અવતાર પરંપરા રહી. દરેકની અંદર ઈશ્વરનું અનન્યરૂપ પ્રગટ થતું રહ્યું. ઈશ્વરીય અવતાર મનુષ્યના જ્ઞાનક્ષેત્રની ઉપર જાય છે.
હવે શ્રીઠાકુર આવ્યા. શ્રીઠાકુર જો અવતાર બનવા ઇચ્છતા હોય તો તેમણે પૂર્વે થઈ ગયેલા અવતારની જેમ કંઈક વિશેષ આપવાનું રહે. જો તેઓ કંઈક અધિક ન આપે તો તેમને કોઈ અવતાર તરીકે માને નહીં. કહેશે ઠીક છે, ઠીક છે; તમે કાંઈ સિદ્ધિ મેળવી છે. શ્રીઠાકુરએ નવો સંદેશ આપ્યો છે તે વિશે ધારણા કરવી સામાન્ય મનુષ્ય માટે બહુ જ મુશ્કેલ છે. આપણે જોયું છે કે શ્રીઠાકુર જ્યારે દક્ષિણેશ્વરમાં રહ્યા ત્યારે મથુરબાબુ પંડિતવૃંદ બોલાવે છે, ત્યારે એ બધા પંડિતો કહે છે, હા ઠીક છે કોઈ મહાપુરુષ છે, સિદ્ધ છે; પરંતુ બે-ચાર જણા સમજી ગયા. ભૈરવી બ્રાહ્મણી, વૈષ્ણવચરણ, નારાયણશાસ્ત્રી, આવા બે-ચાર જણા સમજ્યા કે આ સાધારણ પુરુષ નથી, એ સિદ્ધ પણ નથી, મહાપુરુષ પણ નથી એથીપણ આગળ વધેલા છે.
આપણે જોઈએ છીએ કે રામચંદ્ર દત્ત સમજે છે કે શ્રીરામકૃષ્ણદેવ ચૈતન્યદેવનો અવતાર છે. પરંતુ સ્વામીજીએ જોયું આ ‘અવતારવરિષ્ઠ’ છે. એનો અર્થ એ છે કે એમને એટલું કાંઈ આપવું જોઈએ કે પૂર્વે થયેલા સર્વે અવતારોને સમાવી લઈને વધુ કંઈક કરવું પડ્યું. આપણે શ્રીઠાકુરના જીવનની બે-ચાર વાત જોઈએ.
ઈશ્વર તન્મયતા. રામકૃષ્ણ મઠ-મિશનમાં કુમારી મેક્લાઉડનું યોગદાન અપ્રતિમ રહ્યું છે, જેના માટે કહેવાતું કે તેણી સ્વામી વિવેકાનંદની મિત્ર છે અને સ્વામીજીએ પણ કહ્યું કે મારી પાસે જે બધા આવ્યા તેમને મારી પાસેથી કંઈક લેવાનું હતું, પણ માત્ર કુમારી મેક્લાઉડને મારી પાસેથી કશું જ લેવાનું ન હતું, એ પૂર્ણરૂપે જ આવેલ. તે માત્ર મને સહાય કરવા જ આવી હતી. આ કુમારી મેક્લાઉડ દુર્ગાપૂજાની અષ્ટમી કે નવમી તિથિએ ગંગા કિનારે પૂર્વ દિશામાં આવેલ બેલૂરના વરંડામાં ગયાં. બપોરના ત્રણ કલાકે જઈને જોયું કે માસ્ટર મહાશય આવ્યા છે. તેમને કુમારી મેક્લાઉડ પૂછે છે, ‘આપ શ્રીરામકૃષ્ણ વિશે શું મત ધરાવો છો? એમની પાસે અદ્વિતીય એવું શું છે?’ ત્યારે તરત જ માસ્ટર મહાશયે કહ્યું: ‘શ્રીરામકૃષ્ણદેવ અદ્વિતીય છે એટલા માટે કે તેઓ ઈશ્વરમગ્ન છે. મેં પહેલી જ વાર આ જોયું.’ એ પછી શરત મહારાજ (સ્વામી સારદાનંદ) આવ્યા. એમને પણ આવો જ પ્રશ્ન પૂછ્યો: ‘માસ્ટર મહાશય આ રીતે કહે છે આપનો શું મત છે?’ શરત મહારાજે કહ્યું: ‘હા, એ સાચું છે કે તેઓ ઈશ્વરમગ્ન રહેતા; સાથે સાથે વ્યવહારુપણું પણ છે. વ્યવહારિક જીવનમાં પણ એટલા જાગૃત હતા અને સાથે જ ઈશ્વર તન્મયતા – આ બંને મેં જોયાં છે.’
એ પછી સ્વામી અભેદાનંદ આવ્યા. આ જ પ્રશ્ન કુમારી મેક્લાઉડે તેમને પૂછ્યો: ‘મારા પ્રશ્નના ઉત્તરમાં આ બંને મહાશય તરફથી મને આવા જવાબ મળ્યા છે, આપનો શું અભિપ્રાય છે?’ સ્વામી અભેદાનંદે પણ એમ કહ્યું: ‘મારો પણ એવો જ અનુભવ છે. તેમની ઈશ્વર તન્મયતા. તેમણે ઈશ્વર તન્મયતા માટે ક્યારેય કોઈ પણ જાતનું સમાધાન ન કર્યું.’ શ્રીઠાકુરે પોતે જ કહ્યું હતું કે બચપણથી ઈશ્વર તન્મયતા સિવાય તેઓ કંઈ જ જાણતા નથી. આપણે જોઈએ છીએ કે બચપણથી જ તેમનું પૂરું ધ્યાન ઈશ્વર તન્મયતામાં રહ્યું છે. પોતાનું ભણવાનું છોડી દીધું. એમણે પૂરું જીવન સત્ય માટે જ વીતાવ્યું. આ સત્ય દ્વારા તેમને ભગવાનની અનુભૂતિ થઈ. આ શાલીગ્રામ, મા કાલીમાં છુપાયેલ શક્તિ ચિન્મય છે તો તે જાણવી જ રહી. જેવી રીતે પશ્ચિમનું દર્શન છે – વસ્તુની પૂરી ઊંડી તપાસ-પરીક્ષણ કરીશું અને સાબિત થશે તો જ તેનો સ્વીકાર કરવો. પશ્ચિમનો આ અભિગમ છે. બરાબર એ જ વલણ શ્રીઠાકુરે ભગવાન માટે અપનાવ્યું. આપણે રસાયણ વિજ્ઞાનની પ્રયોગ શાળામાં જેમ વિવિધ પૃથક્કરણ કરીએ છીએ, બરાબર એ જ રીતે શ્રીઠાકુરે ભગવાન માટે પણ પરીક્ષણો કર્યાં. જ્યાં સુધી પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું નહીં ત્યાં સુધી સ્વીકાર કર્યો નથી. જ્યારે અનુભવ્યું – જોયું કે મા કાલીની અંદર રહેલી શક્તિ ખરે જ ચિન્મય છે, ભગવાન હાજરાહજુર છે ત્યારે જ તેમને શાંતિ થઈ.
બરાબર આવી જ રીતે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનની વાત છે. સ્વામીજીના એક ઘણા જ નજીકના મિત્ર રહ્યા તે પ્રોફેસર બોસીશ્વર સેન, એ પણ વૈજ્ઞાનિક હતા. તેમણે આલમોડા ખાતે કૃષિ વિશ્વ વિદ્યાલય શરૂ કરેલું. આજે પણ તમે ત્યાં જોઈ શકો છો. પ્રો. બોસી સેનની આઈન્સ્ટાઈન સાથે મુલાકાત થઈ. આઈન્સ્ટાઈન શ્રીરામકૃષ્ણ વિશે જાણવા અત્યંત ઉત્સુક થયા. તેમણે પ્રશ્ન કર્યો, ‘શું આ શ્રીરામકૃષ્ણ એ કોઈ રહસ્યમય છે કે? ત્યારે બોસી સેને કહ્યું: ‘નહિ, નહિ. રહસ્ય કંઈ જ નથી. તેઓ અતિ તીવ્રતાથી વિચારતા, પરિણામે એમની પાસે સત્ય ઉદ્ઘાટિત થયું.’ જ્યારે આઈન્સ્ટાઈને આ જાણ્યું ત્યારે એકદમ ટેબલ થપથપાવીને બોલી ઊઠ્યાં : ‘અરે! મારા બધા જ સિદ્ધાંતોનું સત્ય પણ આવી જ રીતે ઉદ્ઘાટિત થયું છે. અતિ તીવ્રતાથી મેં વસ્તુ વિચાર પરીક્ષણ કર્યાં. અચાનક એમાનું સત્ય મારી સમક્ષ ઉદ્ઘાટિત થયું. ખાતરી થયા પછી જ મેં તેને સૂત્રબદ્ધ કર્યા. સૂત્રબદ્ધ કરતાં કરતાં સત્ય આવ્યું એમ નથી, પણ પહેલા સત્ય ઉદ્ઘાટિત થયું એ પછી જ મેં સૂત્રો રચ્યાં. અહીં શ્રીઠાકુરના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે તે સત્ય આધારિત છે.
આ ઉપરાંત પણ શ્રીઠાકુરના જીવનમાં આપણે જોઈએ છીએ – એમનું કાંચન પ્રત્યેનું વલણ. તેઓ એને સ્પર્શ કરતા ન હતા. આપણે શિક્ષણ લઈએ છીએ કે જેથી આજીવિકા માટે રૂપિયા-પૈસા કમાઈ શકીએ. કાંચનનો અર્થ શું આપણી સુરક્ષા એવો જ થાય છે? પૈસા હોવાથી આપણા માટે અન્ન વસ્ત્ર પૂરતાં મળી રહે – અછત ન રહે. મારા પરિવારનાં બાળકો – માતાપિતા બધાંની દેખરેખ રાખી શકું. સામાજિક સુરક્ષા મળી રહે તે આ કાંચનની પાછળનો હેતુ છે. બચપણથી જ આ દાળ-રોટી-ભાત મળી રહે તેવું જીવન મારે જોઈતું નથી, તે આપણને શ્રીઠાકુરના જીવનમાં જોવા મળે છે. સામાજિક સુરક્ષાની જરૂર નથી, મારે તો ઈશ્વરની જ જરૂર છે. આ એક પડકાર શ્રીઠાકુરે સ્વીકારેલ. પૂરા જીવનમાં શ્રીઠાકુર સુરક્ષા વિના દરેક ચીજવસ્તુ માટે ભગવાન પર જ આધાર રાખતા હતા. બાળક સ્વભાવના શ્રીઠાકુર કહેતા કે ‘જુઓ મને જલેબી વગેરે શા માટે મળે છે? કારણ હું હંમેશાં મા કાલીનું નામ લઉં છું.’ માની ઉપર જ બધો આધાર રાખતા. કોઈ આવીને તેમને પ્રશ્નો કરે છે તો પહેલાં માને પૂછે છે. માતાજી આપની આજ્ઞા શું છે? ત્યારે માતાજી તેમને જવાબ આપતાં. શ્રીઠાકુર એમની વાત માની લેતા. નરેન અને રાખાલને પણ આ જ રીતે કહેતા. આમ, ઈશ્વર તન્મયતા, સત્ય, કાંચન-કામિની પ્રત્યેે ધિક્કાર વિ. શ્રીઠાકુરનો ભાવ હતો. માનવ જીવન કામાસક્ત પણ મુક્ત રહીને પણ જીવી શકાય છે તે પોતે જ શ્રીઠાકુરે બતાવ્યું. ભારતવર્ષમાં સંસારમાં ઘણા ઋષિમુનિઓ હતા. જેઓ પરિવાર સાથે રહેવા છતાં સંસારથી મુક્ત થઈ રહેલા. શ્રીઠાકુર સ્વયં કહે છે એક બે બાળક થઈ ગયા બાદ પતિપત્નીએ ભાઈ-બહેનની જેમ રહેવું. એ કહ્યું એટલું જ નહિ દાખલા રૂપ જીવન આપણને બતાવ્યું. શ્રીમા સારદાદેવી સાથે તેમનો એવો જ વ્યવહાર રહ્યો. માએ પણ કહ્યું છે કે હું સંતાન દૃષ્ટિએ જ તેમને જોઉં છું.
સ્વામીજીએ પણ આવું જ કંઈક અનુભવ્યું હતું. સ્વામીજીને જ્યારે પૂછવામાં આવ્યું કે શ્રીરામકૃષ્ણને તમે કેવી રીતે જુઓ છો? ત્યારે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘હું એમને મારા પુત્ર તરીકે જ જોઉં છું. કેમ નહીં, કારણ કેટલીય બાબતો માટે તે મારા પર આધાર રાખતા હતા. એટલે આપણું કર્તવ્ય છે તેમની દેખભાળ કરવી.’ આ ભગવાન પરનો વાત્સલ્યભાવ હોવો તે ખરેખર ભાગ્યે જ જોવા મળે, જે અદ્વિતીય છે. કાનુનની વ્યવસ્થા પણ છે કે કોઈ સગીર બાળક હોય તો તેની મિલકતની વ્યવસ્થા જોવા એક ટ્રસ્ટ બનાવવું પડે. અને બાળકની સંભાળ લેવી પડે. પરિવારમાં બાળક એટલે શું? પરિવારનો મુખી કોણ છે – તો બાળક છે, તે પરિવારમાં રાજા છે. બાળક રાજકુમાર છે, એ પછી દીકરો હોય કે દીકરી. બાળક સહેજ અવાજ કરે કે રુદન કરે તો આખા પરિવારનું ધ્યાન ખેંચાય છે. એનો અર્થ શું છે? તે બાળક સંપૂર્ણ નિર્દોષ છે. ‘અહં શૂન્ય જીવન હોય તે પ્રભુ!’ એમ સ્વામીજીએ કહ્યું છે.
શ્રીઠાકુર પાસે પણ આપણને આવો જ ભાવ જોવા મળે છે. શરત મહારાજે એટલે જ કહ્યું કે ઈશ્વર તન્મયતાની સાથે પૂરેપૂરું વ્યવહારુપણું શ્રીઠાકુરે દર્શાવ્યું છે. શ્રીઠાકુરના ભગવાન કેવળ મંદિરમાં જ નથી. હવે શ્રીઠાકુરને જુઓ – તેઓ પ્રાણી સંગ્રહાલયમાં, પ્રાચીન કલા વસ્તુ સંગ્રહાલયમાં અને ઘણી જગ્યામાં ગયા ત્યાં પણ તેમને સમાધિભાવ થયો. આ જે ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ – ઉપનિષદમાં આવે છે – આ ઈશ્વર દ્વારા સમગ્ર જગત વ્યાપ્ત છે, તેનું આ નિદર્શન શ્રીઠાકુરના જીવનમાં આપણે જોઈએ છીએ. એ એક અદ્વિતીય પાસું છે. એટલે સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુર અવતાર વરિષ્ઠાય છે. શ્રીઠાકુર પાસે જે બધા આવ્યા તે સર્વ વર્ગના જોવા મળે છે. એટલે આપણે વિશ્વાસ કરવો રહ્યો.
માસ્ટર મહાશયના જીવનમાં એક ઘટના બની છે. માસ્ટર મહાશય એ દિવસોમાં કાશીમાં આવેલ અદ્વૈત આશ્રમમાં હતા. તેઓ ભાગવતના વર્ગો લેતા હતા. સાધુભક્તો પણ તેમાં સહભાગી બનતા. એક દિવસ વર્ગ લેવા આવ્યા છે ત્યારે તરત જ એક સાધુએ તેમના હાથમાં એક ચિઠ્ઠી આપી. આપનો આ તાર આવ્યો છે. માસ્ટર મહાશયે તાર વાંચ્યો અને ખીસામાં મૂકી દીધો. નિત્યક્રમ મુજબ વર્ગ પૂર્ણ સમય સુધી લીધો. બધા ગયા પછી એ સાધુએ બીજાને કહ્યું, એ તારમાં શું હતું તે કહું- એમની દીકરીનું અવસાન થયું છે, તે સમાચાર હતા. આપણે વિચારવું રહ્યું કે તાર મળ્યા પછી પણ પૂરો સમય ભાગવતનો વર્ગ લીધો અને મન પર કોઈ જ અસર થવા દીધી નહિ. મનને કેટલી ઊંચામાં ઊંચી ભૂમિકાએ રાખતા હશે, તે જોવાનું છે.
મેં પોતે જોયું છે, એકવાર રાજસ્થાન જવાનું થયું. એક ભક્તના ઘેર રાતના ભોજન માટે જવાનું હતું. એ ભક્ત શિક્ષક છે. એમનાં પત્ની પણ શિક્ષક છે. નાની દીકરી છે. ઘરમાં જઈને મેં જોયું કે ઘરમાં ઘણાં આધ્યાત્મિક પુસ્તકો અને ઓડિયો કેસટ છે. મેં તેમને કહ્યું: ‘વાહ, તમે તો ઘરને આધ્યાત્મિક પ્રયોગશાળા બનાવી દીધું છે.’ તેમણે કહ્યું: ‘મહારાજ, પહેલાં મારું જીવન આ રીતનું ન હતું. સ્વામી ગહનાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. દીક્ષા લીધા પછી આ ફેરફાર આવ્યો.’ મેં પૂછ્યું: ‘કેવી રીતે બદલાવ આવ્યો?’ તેઓ બોલ્યા: ‘મને એક લાંબી બિમારી હતી. જે મરણ સમાન હતી. કોઈ પણ સમયે મૃત્યુ આવશે તેમ લાગતું હતું. ડોક્ટરોએ ચેતવી દીધા હતા. મારું જીવન આ રીતનું ન હતું. મારું જીવન ભટકેલ હતું. મેં દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી મને ખૂબ આનંદ અનુભવાય છે. હવે હું કોઈ પણ પળે મૃત્યુ આવે તો તૈયાર છું. મારા જીવનમાં કોઈ દુ:ખ નથી. મને ઘણો જ સંતોષ છે.’
આ પરથી આપણે એ સમજવાનું છે કે ભગવાનનું સતત સ્મરણ રાખવાથી આપણામાં આવો ભાવ આવી જાય છે. દુ:ખના અનુભવમાંથી પસાર થવાનું બને નહિ એવો કોઈ મનુષ્ય હોય નહિ. કુટુંબમાં કોઈને બિમારી આવે, કોઈનું મૃત્યુ થાય, કોઈને વળી નોકરી ધંધામાં બઢતી મળે, આવી બધી સ્થિતિ આવે જ. પણ આ સમયે હું તટસ્થ-વિરક્ત રહીશ, જેમ પહેલાં માસ્ટર મહાશયની વાત કરી; જેમ ઉપર શિક્ષકની વાત થઈ તેવો જ ભાવ આપણામાં પણ આવી જાય.
શ્રીઠાકુરએ કાશીપુરમાં વાત કરેલી. માસ્ટર મહાશયને કહે છે – જુઓ, તમે મારી પાસેથી કશું માગતા નથી તો પછી તમે અહીં આવો છો શા માટે? એટલે મારું મન સર્વ સમય તમારી યાદ આપ્યા કરે છે. મને વિચાર-ચિંતા થાય કે આજે કેમ નથી આવ્યા? તમે મારી દેખભાળ માટે ભોજન, ચિકિત્સા, અહીં આવતા ભક્તવૃંદ માટે કેટલી કાળજી રાખો છો, ચિંતા કરો છો. એ શું છે તે જાણો છો? એ અવિદ્યા માયા નથી, વિદ્યા માયા છે. પોતાના પરિવારને છોડીને અન્ય માટે કાળજી લઈએ ત્યારે તે અવિદ્યા માયા નહિ, વિદ્યામાયા છે. શ્રીઠાકુર કહે છે આ રીતે જેને વિદ્યામાયાનો સ્પર્શ થાય છે તેને બ્રહ્મજ્ઞાન થાય છે.
Your Content Goes Here




