યુગે યુગે સંક્રાન્તિ કાળ આવે જ છે. માનવજીવનને ટકાવી રાખનારાં મૂળભૂત તત્ત્વો – સત્ય, નિર્ભયતા, પ્રમાણિકતા, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ ઓસરતાં જણાય છે. તેવે સમયે ત્યાગ, તપશ્ચર્યા અને સ્વાપર્ણ દ્વારા સમગ્ર સમાજને સ્વત્વરક્ષા-પંથે દોરનાર સંતો પ્રગટ થાય છે. સંસારનાં ઝેરને અમૃત ગણીને જીરવી જનાર ભક્તકવિ મીરાંબાઈ તેમાં અગ્રસ્થાને બિરાજે છે. મહિલા-સંત તરીકે તો તેમનું સ્થાન અપૂર્વ અને અનોખું છે.

સંત મીરાંબાઈના જન્મ સમયે મોગલ સામ્રાજ્ય સ્થિર થતું જતું હતું. બીજી બાજુ ભક્તિમાર્ગનો પ્રચંડ પ્રવાહ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યો હતો. કબીર, નાનક, સૂરદાસ, તુલસીદાસ, ચૈતન્ય, વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા જેવા મહાન સંત કવિઓ પ્રજાજીવનમાં નવો પ્રાણ પૂરી રહ્યા હતા. મીરાંબાઈ એ પરંપરાનાં સંત કવિ તરીકે અમર બન્યાં છે. ઉત્તર અને દક્ષિણ ભારતના સંત કવિઓમાં ગુજરાતના બે મહાન ભક્તકવિ નરસિંહ અને મીરાબાંઈ સુવર્ણાક્ષરે અંકિત થયેલાં છે. તેમની ખ્યાતિ આજે પણ ભારતીય ભાવિક જનતાના હૃદયમાં જીવતી જાગતી છે.

ભક્ત નાભાદાસે, મીરાંબાઈને માટે પોતાની ‘ભક્તિમાળા’માં ભવ્ય અંજલિ આપતો એક છપ્પો ગૂંથ્યો છેઃ

સદરિશ ગોપીન કે પ્રેમ, પ્રગટિ કલયુગ હિ દિખાયો,
નિરંકુશ અતિ નિડર, રસિક-જસ રસના ગાયો.

દુષ્ટનિ દોષ વિચારી, મૃત્યુ કો ઉદ્યમ કીયો,
બાર ન બાંકો ભયો, ગરલ અમૃત જ્યોં પીધો.

ભકિત-નિસાન જાય કે, કાહ્ તૈ નહિ ન લજી,
લોક-લાજ કુલ-શૃખલા તજિ, મીરાં ગિરધર ભજી.

કળિકાળમાં જોવા ન મળે એવો ગોપીઓ જેવો પ્રેમ ઉઘાડે છોગ દેખાડ્યો. વ્રજની સ્ત્રીઓ તો છાનો પ્રેમ કરતી, પણ મીરાંએ તો કુલ-મરજાદ અને લોકલાજની પરવા કર્યા વિના નીડરપણે કૃષ્ણપ્રેમ દાખવ્યો. રાણાએ આપેલાં દુઃખો હસતે મુખે વેઠી લીધાં અને ગાયું :

ઝેર તો પીધાં જાણી જાણી

મારવાડ રાજ્યની રાજધાની જોધપુર રાજ્યના સ્થાપક રાવ જોધાજી હતા. તેમના પુત્ર રાવ દુદાજી બહુ પરાક્રમી હતા. તેમણે મેડતામાં સ્વતંત્ર ગાદીની સ્થાપના કરી. રાવ દુદાજીએ તેમના પુત્ર રત્નસિંહને કુડકીની જાગીર અને બીજાં બાર ગામ જિવાઈમાં આપ્યાં હતાં. રત્નસિંહને પુત્ર ન હતો. એકની એક લાડકવાઈ દીકરી હતી. અને તે સંતમંડળનાં લાડીલાં મીરાંબાઈ.

મીરાંબાઈનો જન્મ કુડકી ગામમાં સંવત ૧૫૫૭ની આસપાસ થયો હતો એમ મનાય છે. તેમનાં માતા નાનપણમાં ગુજરી ગયાં. તેથી મહારાવ દુદાજીએ તેમને મેડતામાં પોતાની પાસે રાખીને ઉછેર્યાં. રાવ પરમ વૈષ્ણવ હતા. તેમણે મેડતામાં ચતુર્ભુજજીનું મંદિર બંધાવ્યું હતું. મીરાંબાઈને નાનપણથી ભગવદ્ ભક્તિના સંસ્કાર મળ્યા હતા.

રાવ દુદાજીનું અવસાન થતાં તેનો મોટો પુત્ર વીરમદેવ ગાદીએ આવ્યો. તેણે મીરાંબાઈનું લગ્ન મેવાડના મહારાણા સંગ્રામસિંહ (રાણાસંગ)ના પુત્ર ભોજરાજ સાથે કર્યું. મીરાં પરણીને સાસરે ગયાં. પરંતુ થોડાં વરસોમાં મહારાણા સંગ અને બાદશાહ બાબર વચ્ચેના યુદ્ધમાં લડતાં યુવરાજ ભોજરાજ મરાયા. અને મીરાંબાઈ દૈવવશાત્ વિધવા બન્યાં. શૂરા પતિ દુશ્મન સામે લડતાં વીરગતિને પામ્યા, એ રાવ દુદાજી જેવા પરાક્રમી અને ભક્તનાં પૌત્રીને મન શોક કરવા જેવી નહીં પણ ગૌરવની વાત હતી. મીરાંબાઈનું ચિત્ત તો નાનપણથી જ ગિરધર ગોપાલની મૂર્તિમાં લાગ્યું હતું. એટલે તેઓ અનન્ય ભાવથી શ્રીકૃષ્ણની આરાધનામાં ગૂંથાઈ ગયાં.

જે જમાનામાં યુદ્ધમાં વીરગતિને પામેલા શૂરા પતિની પાછળ સતી થવાનો રિવાજ હતો, રાજવંશમાં જન્મેલી તેજસ્વી આર્ય સ્ત્રી પતિ પાછળ સતી થવામાં જીવનની કૃતાર્થતા માનતી એ જમાનામાં રાજપૂતવંશની રાજરાણી મીરાંએ સામાજિક પરંપરાનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણભક્તિમાં જીવન અર્પણ કર્યું. એ તેમનું એક ક્રાંતિકારી પગલું હતુ. આત્મવિશ્વાસ અને ઉત્કટ ભક્તિભાવના બળથી તેઓ સમાજની રૂઢિને અવગણીને કૃષ્ણભક્તિમાં લીન બનતાં

મહારાણા સંગ અને બાદશાહ બાબર વચ્ચેના આખરી જંગમાં મીરાંબાઈના પિતા રત્નસિંહ પણ વીરતાથી લડતાં ખપી ગયા અને મહારાણા સંગ ભારે ગંભીરપણે ઘવાયાં. બીજે વરસે તેમનો પણ દેહાંત થયો. એટલે મીરાંબાઈના પતિ ભોજરાજના નાના ભાઈ રત્નસિંહ મેવાડની ગાદીએ આવ્યા. ચાર-પાંચ વર્ષમાં જ તેમનું અવસાન થતાં તેના ઓરમાન ભાઈ વિક્રમાદિત્ય રાજગાદીએ આવ્યા. મીરાંબાઈ ઉપર જે મહારાણાએ જુલમો ગુજાર્યા હતા તે રાણા વિક્રમાદિત્ય હતા.

મીરાંબાઈનો ભક્તિભાવ દિનપ્રતિદિન વધતો જતો હતો. તેનાં ભજનો લોકપ્રિય બનતાં હતાં. સંતસાધુઓ અને ભાવિક જનનો પ્રેમાદર પામતાં મીરાંબાઈ તરફનો રાણાનો રોષ ચરમ કક્ષાએ પહોંચ્યો હતો. મીરાંબાઈની પવિત્રતા, તેમના અંતરની ઉદાત્ત ભાવના, અપૂર્વ ભક્તિને સમજવા જેટલી રાણાની શકિત ન હતી. એને તો લોકલાજની પડી હતી. કુળની મર્યાદા લોપીને મીરાં બાવા સાધુ સાથે નાચેકૂદે એ રાણાને માથાના ઘા સમાન થઈ પડ્યું હતું. મીરાંના આવાસમાં સાધુ-સંતોનો અતિથિસત્કાર થાય એ તેનાં ઓરમાન સાસુને ખૂંચતું હતું. રાણીવાસમાં વિધવા પુત્રવધૂ પાસે અન્ય પુરુષોનું આગમન મેવાડના મહારાણાની કુળપરંપરાને માટે એમને લાંછનરૂપ લાગતું હતું.

રાણા વિક્રમાદિત્યે મીરાંને રાજમહેલથી અલગ આવાસ આપ્યો. તેમનાં દાસદાસીઓને પરપુરુષ સાથે બોલવા ચાલવાની મનાઈ કરી. આમ છતાં મીરાંનાં વર્તનમાં કશો જ ફેર ન પડ્યો. ઊલટું સંતસમાગમ અને ભજન-કીર્તનમાં તેઓ વધારે તલ્લીન બન્યાં. શ્રીકૃષ્ણની ભક્તિમાં મીરાં જગતને વીસરી ગયાં. તેમના શ્વાસે શ્વાસે કૃષ્ણનું રટણ ચાલ્યું.

મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ,
સાધુ સંગ બૈઠ બૈઠ લોકલાજ ખોઈ,
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ વેલ બોઈ.

અબ તો વાત ફૈલ પડી જાને સબ કોઈ,
મીરાં ઐસી લગન લગી હોની હોઈ સો હોઈ.

મીરાંબાઈની દૃષ્ટિ જગત તરફથી પાછી વળીને અંતર્મુખ બની હતી :

‘ઉલટ ભઈ મોરે નયન કી.…’

ભગવાન બુદ્ધે એવા ભક્તજનો માટે એક સુંદર ઉપમા આપી છે. કાંસાનું પાત્ર સવળું હોય ત્યારે તેને સહેજ ટકોર લાગે તો ખૂબ અવાજ કરે અને ઘણી વાર સુધી ધ્રૂજ્યા કરે. પણ તેને ઊંધું મૂકી દીધું હોય તો જરા પણ અવાજ ન થાય. તેવી રીતે જગત પાસેથી સુખની આશા રાખે છે તેને બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થતાં સુખદુઃખ, હર્ષશોક થયા કરે છે. જે પ્રભુ-ભક્તિમાં અંતર્મુખ બન્યો તે નિજાનંદની મસ્તીમાં સદાય સુખી સંતુષ્ટ રહે છે.

‘ભગતને અને જગતને બનતું નથી’ એમ કહેવાય છે તેનું કારણ બંનેની મુખની વ્યાખ્યા અને દૃષ્ટિ જુદી છે. મીરાંબાઈ કહે છેઃ ‘સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું’ એટલે કે ઝાંઝવાના જળ એ કેવળ આભાસ માત્ર છે. એનાથી તરસ છીપતી નથી. હરણાં દોડીને થાકે એટલું જ. સાચું સુખ છોડીને જૂઠા સુખની પાછળ પડેલા સંસારી લોકોને મીરાંબાઈ બહુ જ સાદી, ઘરગથ્થુ ઉપમાઓથી સમજાવે છેઃ

બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે.
સાકર, શેરડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ઘોળમા રે,
ચાંદા સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે.
હીરા માણેક ઝવેર તજીને, કથીર સંગાથે મનિ તોલ મા રે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલ મા રે.

ભક્ત મીરાંબાઈએ રાજ્ય સંપત્તિ છોડી છે. તેના બદલામાં તેમને રામનામરૂપી અમૃલ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.

પાયો જી, મૈંને રામ રતન ધન પાયો.
જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો,
દિન દિન બઢત સવાયો.
ખરચે ન ખૂટે વાકો ચોર ન લૂંટે,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જશ ગાયો.

રાણો વિક્રમાદિત્ય મીરાંબાઈની ભક્તિથી રાજી થવાને બદલે રોષે ભરાય છે. તેને રૂપેરી ડબ્બામાં કાળો નાગ મોકલે છે. મીરાં તેને શાલિગ્રામ માની વંદન કરે છે. ઝેરનો કટોરો અમૃત ગણીને પી જાય છે. અને તેને કૃષ્ણ કૃપાથી જીવી જાણે છે.

મીરાંબાઈ ઉપરનાં વીતકની વાતો મેડતા પહોંચી. રાવ વીરમદેવે તેમને મેડતા બોલાવી લીધાં. એ વખતે મીરાંબાઈનું વય આશરે પચાસ વર્ષનું હશે. તેઓ થોડો સમય મેડતામાં રહ્યાં. બાદ યાત્રાએ નીકળ્યાં. ગોકુળ, વૃંદાવન, મથુરા ગયાં. એ તેની પ્રિય ભૂમિ હતી. ત્યાં તેમને વૈષ્ણવ આચાર્યો તથા સંતસાધુઓનો સમાગમ થયો. તેમને કાયામાયાનો મોહ તો હતો જ નહીં, ગિરિધર ગોપાલની વિહારભૂમિમાં તેમનું ભક્તિપરાયણ જીવન આનંદથી વીતતું હતું. તેમણે જીવનના એ સૌથી મધુર દિવસોનું વર્ણન બે લીટીમાં આપ્યું છે :

સખિ! મ્હાંને લાગે બ્રિંદાવન નીકો
મહાપ્રસાદ ઓર જલ જમના કો,
દરશન ગોવિન્દજી કો

પ્રેમ અને ભક્તિ પરસ્પર એકરૂપ છે એ મીરાંબાઈના જીવનમાં પ્રત્યક્ષ થાય છે. પ્રેમભક્તિ દ્વારા જીવાત્મા પરમાત્માનો અભેદ અનુભવાય છે. ભક્તિભીની વિહ્વળતામાં મીરાં ગાય છે :

આજ હમ દેખ્યો ગિરિધારી,
તબ કો મોહિ નંદનંદન દૃષ્ટ પડ્યો માઈ!

મીરાંબાઈને આકરાં દુઃખ આપનાર વિક્રમાદિત્યનું દાસીપુત્ર વનવીરે ખૂન કરાવ્યું અને પોતે ગાદીએ આવ્યો. પરંતુ થોડા સમયમાં જ રાણા સંગ્રામના નાના પુત્ર ઉદયસિંહ (મહારાણા પ્રતાપના પિતા) વનવીરને હરાવી ગાદીએ આવ્યા. તેમણે મીરાંબાઈને ચિતોડ આવી વસવાની વિનંતી કરી. બાદશાહ અકબર સામેના યુદ્ધમાં સહાય કરવા મીરાંબાઈના ભાઈ જયમલ્લ રાઠોડ ચિતોડ આવ્યા. પરંતુ મીરાંબાઈનો પ્રેમમય અસહકાર ચાલુ જ રહ્યો. કારણ કે ‘રાણાજીના રાજ્યમાં રે મારે જલ રે પીવાનો દોષ.’ અને તેમણે દ્વારકાનો પંથ લીધો.

મીરાંબાઈ વૃંદાવનથી દ્વારિકા ક્યારે ગયાં તેની ચોક્કસ સાલ મળતી નથી. પણ ઇતિહાસકારો કહે છે કે સંવત ૧૬૨૩માં અકબરે ચિતોડ ઉપર હુમલો કર્યો ત્યારે મહારાણા ઉદયસિંહની મદદે મીરાંબાઈના ભાઈ જયમલ્લ રાઠોડ જઈ પહોંચ્યા હતા. અને તેઓ ચિતોડનો બચાવ કરતાં મરાયા. આ સમાચાર મીરાને વૃંદાવનમાં મળ્યા. અને તેમને જીવન ઉપર સંપૂર્ણ વૈરાગ્ય પ્રગટ થયો. તેઓ દ્વારકાધીશને ચરણે અંતિમ દિવસો ગાળવા સાંઢણી ઉપર ચડીને ચાલી નીકળ્યાં. અને દ્વારકાધીશની સેવામાં જ જીવનની સમાપ્તિ કરી. તેમનાં છેલ્લાં બે પદ ભક્તકવિની સંપૂર્ણ સમર્પણ ભાવનાના દ્યોતક છે.

હરિ! તુમ હરો જનકી ભીર
દ્રૌપદીકી લાજ રાખી, તુમ બઢાયો ચીર-હરિ

ભક્ત કારન રૂપ નરહરિ ધર્યો આપ શરીર
હિરનકશ્યપ મારિ લીન્હો, ધર્યો નાહિ ન ધીર-હરિ

બૂડતે ગજરાજ રાખ્યો, કિયો બાહર નીર
દાસ મીરાં લાલ ગિરધર, દુ:ખ જહાં તહાં પીર-હરિ

‘સાજન, સુધ જયોં જાન ત્યોં લીજે હો:
તુમ બિન મેરે ઔર ન કોઈ,

કૃપા રાવરી કીજે હો-સાજન
દિવસ ન ભૂખ, રૈન ન નિદ્રા,

યોં તાન પલ લ છીજે હો-સાજન
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

મિલિ વિછુરન મત કીજે હો-સાજન

આ પદ ગાતાં ગાતાં મીરાં પ્રભુસ્વરૂપમાં લીન થયાં!

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.