સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે.
શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે ઈશ્વરનાં ચરણ પકડી રાખો, જ્યારે સંસારના કર્મો પૂરાં થઈ જાય ત્યારે બંને હાથે ઈશ્વરનાં ચરણ પકડો.’ આધ્યાત્મિક ભાષામાં આનો અર્થ એ છે કે કર્મ કરતી વખતે અર્ધા મનથી કર્મ કરવું અને અર્ધા મનથી ઈશ્વરનું ચિંતન કરવું. અને કર્મ સમાપ્ત થયે પૂરું મન ભગવત્-ચિંતનમાં લગાવી દેવું.’
આ ઉપદેશ બધા જ સાધકો માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે મોટા ભાગના લોકો માટે સંસારની ઝંઝટોથી મુક્તિ મેળવી એકાગ્રચિત્ત થઈ વધારે પડતો સમય ફક્ત ભગવાનના ચિંતનમાં ગાળવો સંભવિત નથી. કૌટુંબિક તેમ જ સામાજિક જવાબદારીઓના કારણે એકાન્તિક ભગવત્ ધ્યાન માટેનો સમય ખૂબ જ ઓછો મળે છે. વળી, જો એવો સમય મળે તોય સાધકનું મન સહાયભૂત થતું નથી. કર્મમાંથી છૂટકારો મળવા છતાં આપણે બંને હાથે ભગવાનનાં ચરણ પકડી શક્તા નથી. આવી સ્થિતિમાં કર્મ કરવાના સમયનો જ સદુપયોગ કરી લેવો એ જ માત્ર યુક્તિપૂર્વકનો વિકલ્પ બાકી રહે છે. આધ્યાત્મિક જીવનમાં સફળતા મેળવવા માટે સાધનાને ધ્યાન જપ, ભજન પૂજન સુધી જ સીમિત રાખવાથી કામ નહિ ચાલે. આપણે આપણા રોજના જીવનની પ્રત્યેક ક્ષણને સાધનામાં પરિણત કરવી પડશે. આપણે આપણું જીવન એવું બનાવવું પડશે કે સાંસારિક અને આધ્યાત્મિક કર્મો વચ્ચે ભેદ જ ન રહે. સમગ્ર જીવનના આધ્યાત્મીકરણના ઘણા બધા ઉપાયોમાં એક છે : કર્મ કરતી વખતે અર્ધા મનથી કર્મ અને અર્ધા મનથી ભગવાનનું ચિંતન કરવું.
પરંતુ, શું આ શક્ય છે? શું મનને આ રીતે બે ભાગોમાં વહેંચી શકાય? એવું કરવાથી કર્મને તો નુકસાન નહિ થાય ને? એવી શંકાઓના સમાધાન માટે સૌ પ્રથમ તો આપણે મનના સ્વરૂપને સારી રીતે સમજી લેવું જોઈએ.
આપણા મનમાં અનેક પ્રકારનાં વિચારો, ભાવનાઓ, આકાંક્ષાઓ, સાથે સાથે કલ્પનાઓ પણ એક પછી એક હંમેશા ઊઠ્યા કરતી હોય છે. હકીકતમાં તો આ પ્રમાણે નિરંતર ઊઠી રહેલી ચિત્તવૃત્તિઓનો પ્રવાહ એ જ મન છે. સામાન્ય રીતે કોઈપણ બે ચિત્તવૃત્તિઓ એક સરખી હોતી નથી. જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ ત્યારે આ કાર્ય સંબંધી વૃત્તિઓ પ્રબળ બને છે અને બાકીની વૃત્તિઓ થોડા વખત માટે દબાઈ જાય છે. પરંતુ તમામ વૃત્તિઓ કાર્ય-વિશેષ સાથે સંબંધિત નથી હોતી, વચ્ચે વચ્ચે બીજી વૃત્તિઓ પણ ઊઠતી રહે છે. ધ્યાન વખતે, ભગવદ્ભાવની વૃત્તિઓ પ્રબળ હોવા છતાં પણ અન્ય વૃત્તિઓ મનમાં જ, કાર્ય વખતે ફક્ત કાર્ય સંબંધી અને ધ્યાનના સમયે માત્ર ઈશ્વરીય ભાવની વૃત્તિઓ ઊઠતી હોય છે. આ વાતને નીચેના ચિત્રની મદદથી સારી રીતે સમજી શકાય
૧. મનની સામાન્ય અવસ્થા – ક – ખ – ગ – ઘ – ચ – છ – જ – ઝ – પ – ભ.
૨. કાર્યમાં પ્રવૃત્ત સાધારણ વ્યક્તિનું મન – ક – ખ – ક – ગ – ધ – ક -ક – ગ, ઝ – ક.
૩. ધ્યાન કરતી વખતે સાધારણ વ્યક્તિનું મન – ભ – ક – ખ – ભ – ભ – ભ – ખ – ભ – ધ.
૪. કાર્યરત યોગીનું મન – ક – ક – ક – ક – ક – ક.
૫. ધ્યાનરત યોગીનું મન – ભ – ભ – ભ – ભ – ભ – ભ – ભ.
(ક = કર્મ સંબંધી ચિત્તવૃત્તિ, ભ = ભગવાન મય વૃત્તિ, એ ઉપરાંત બીજા અક્ષરો બીજી વૃત્તિઓના પ્રતીક છે.)
ઉપર્યુક્ત વિશ્લેષણ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે કર્મ કરતી વખતે પણ અર્ધી વૃત્તિઓ કર્મ સાથે જોડાયેલી તેમજ અર્ધી અસંબદ્ધ હોય છે. તેને જ અર્ધું મન કર્મમાં લગાડવું કહે છે. સાચું તો એ છે કે ક્યારેય આપણે પૂરા મનથી કોઈ પણ કાર્ય કરતા નથી. આપણું પ્રસ્તુત કાર્ય કર્મથી અસંબંધિત રહેલી વૃત્તિઓને સ્થાને ઈશ્વરીય (ભગવદ્ભાવિત) વૃત્તિ જગાડવાનું છે. એમ કરવાથી મનમાં ફકત બે પ્રકારની વૃત્તિઓ ઊઠશે. એક તો ભગવત્કારિત અને બીજી કર્મને સંબંધી. જેને નીચે પ્રમાણે દર્શાવી શકાય.
ક – ભ – ક – ક – ક – ભ – ભ – ક – ભ – ક – ભ.
આનું નામ જ કર્મ કરતી વખતે અર્ધું મન કર્મમાં તેમ જ અર્ધું મન ભગવત્ ચિંતનમાં લગાડવું કહેવાય. ત્યારે જ કર્મ પૂરાં થયે ધ્યાનમાં બેસવાથી સંપૂર્ણ મનથી ઈશ્વરીય ચિંતન કરવું સહેલું બને.
આપણે આપણાં રોજબરોજનાં કાર્યોને ત્રણ વિભાગમાં વહેંચી શકીએ : (૧) નહાવું-ધોવું, રસોઈ બનાવવી, ઘર સાફ કરવું, પગપાળા કે વાહનમાં આવન-જાવન કરવી વગેરે એ મુખ્યત્વે શારીરિક કાર્યો છે. જેને આપણે રોજના મહાવરાને કારણે યંત્રવત્ કરીએ છીએ. તેમાં સામાન્ય રીતે આપણું મન ખાલી રહે છે. (વ્યસ્ત રહેતું નથી) અને સ્વચ્છંદતાથી અહીં-તહીં ભટકતું રહે છે. (૨) વાંચવું. લખવું, વાતચીત કરવી વગેરે કાર્યોમાં થોડી વધારે માત્રામાં મનને લગાડવું પડે છે. (૩) દરેક વ્યક્તિના વ્યવસાયને લગતાં કેટલાંક કાર્યો એવાં હોય છે, કે જેમાં મનની એકાગ્રતાની આવશ્યકતા વધુ હોય છે. પરંતુ, આવાં કાર્યોની વચ્ચે પણ જ્યારે તે કાર્યોમાંથી થોડા સમય માટે મન દૂર થઈ જાય છે, ત્યારે થોડો ઘણો ફાજલ સમય મળે છે, તેથી એ તો સ્પષ્ટ છે કે ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં કર્મોમાંથી આપણે કોઈપણ પ્રકારનું કામ કરતા હોવા છતાં મનને ફાજલ સમય તો મળે જ છે, જેનો ઉપયોગ ભગવત્-ચિંતનમાં કરી જ શકાય. શારીરિક તેમ જ યંત્રવત્ ક્રિયાઓ કરતી વખતે તો આપણે આપણા સંપૂર્ણ મનને ભગવાનમાં લગાડી શકીએ છીએ. અને જે કાર્યોમાં મનને વધુ સંલગ્ન કરવું જરૂરી છે તેનાં પ્રારંભ, અંત અને વચ્ચે વચ્ચે ભગવાનનું સ્મરણ સહેલાઈથી કરી શકાય છે.
કર્મ કરતી વખતે ભગવત્-ચિંતનનું વધુ યોગ્ય નામ છે – “ભગવત્સાંનિધ્યની સાધના.” કેમકે આવી સાધનામાં રોજેરોજનાં કામોની વચ્ચે પણ ભગવાનના અસ્તિત્વનો તેમ જ તેમના સ્પર્શનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કામ અનેક પ્રકારે કરી શકાય છે :
૧. યંત્રવત્ કાર્યો કરતી વખતે આપણે એવું વિચારવું કે આપણા ઇષ્ટ દેવતા આપણી પાસે જ હાજર છે. કપડાં ધોતી વખતે, રસોઈ બનાવતી વખતે તેઓ આપણી નજીક જ ઊભા રહી પ્રસન્નતાથી આપણને નિહાળી રહ્યા છે. ક્યાંય આવતી જતી વખતે આપણે એવું વિચારવું કે તેઓ (ભગવાન) પણ આપણી સાથે જ આવી – જઈ રહ્યા છે. રેલવે અથવા મોટરમાં આપણી સાથે બેઠા છે. વચ્ચે વચ્ચે આપણે મનથી જ આપણા સાંનિધ્યમાં રહેલા આપણા ઇષ્ટને પ્રણામ કરી શકીએ, અથવા “હે પ્રભુ, હું તમારો છું, તમે મારા છો, મારું સર્વસ્વ તમારું જ છે..” વગેરે પ્રાર્થના અથવા વાર્તાલાપ પ્રભુ સાથે કરી શકાય.
આ સાધના સૌથી સરળ તેમ જ આનંદપ્રદ છે. કારણ કે, તેમાં આપણે આપણને ભગવાનનાં સૌથી પ્રિય લાગતા વિશેષ રૂપનું ચિંતન કરી છીએ, તેમાં કલ્પનાનો ઉપયોગ કરી શકાય છે, અને જેની કલ્પના શક્તિ જેટલી પ્રબળ, તેટલી તે વ્યક્તિ તેમાં વધુ સફળ થઈ શકે. પરંતુ, તેમાં રહેલા એક ભયથી પણ સાવધાન રહેવું આવશ્યક છે. ભાવુક વ્યક્તિ કલ્પના તેમ જ યથાર્થ દર્શનનો ભેદ ન કરી શકવાને કારણે કલ્પનાને જ વાસ્તવિક દર્શન સમજવાની ભૂલ કરી બેસે છે. કલ્પનાને સત્ય સમજવું એ એક વિશેષ માનસિક રોગ છે. તેથી હંમેશા એ ધ્યાનમાં રાખવું કે આપણે કલ્પનાનો ફક્ત સાધનામાં ઉપયોગ જ કરી રહ્યા છીએ, તેનાથી વિશેષ કંઈ નહિ.
ર. કલ્પના સાથે જોડાયેલી ઉપર્યુક્ત સમસ્યાથી બચવા માટે ઇષ્ટદેવના સ્થૂળ રૂપને બદલે તેના ફક્ત ચેતનામય અસ્તિત્વનું જ ચિંતન કરી શકાય. આપણે વિચારવું કે તેઓ આનંદમય ચૈતન્ય સત્તાના રૂપમાં આપણી નજીક વિદ્યમાન છે તથા આપણા પર કૃપાવર્ષણ કરી રહ્યા છે.
૩. ભગવત્-સાંનિધ્યના અભ્યાસનો ત્રીજો પ્રકાર છે- આસપાસની જુદી જુદી વસ્તુઓમાં પરમાત્માની સત્તાને જોવાનો પ્રયત્ન કરવો.
(ક) શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામી વિવેકાનંદજીનાં કહેવા પ્રમાણે અન્ય પ્રાણીઓ કરતાં માનવીમાં પરમાત્માનો પ્રકાશ સૌથી વધુ છે. તેથી બધાંમાં જ સ્ત્રીપુરુષો, બાળકો, યુવાનો, વૃદ્ધો, ધનવાન, ગરીબ, પાપી, પુણ્યશાળી, ગમે તેના પર પણ આપણી દૃષ્ટિ પડે, તેને પરમાત્માના જ એક એક રૂપ તરીકે વિચારીએ. સ્વામી વિવેકાનંદે તો નિર્ધન, રોગી, દરિદ્ર, પાપી વગેરેને પોતાનો વિશેષ આરાધ્ય દેવ માન્યા છે. તેથી મનુષ્યમાં ભગવાનને જોવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જો શરૂઆતમાં આમ કરવું સંભવિત ન હોય તો સાધુસંતોમાં ભગવદ્ બુદ્ધિ રાખવાનું કામ સહેલું બને છે, પરંતુ તેનાથી ભગવત્-સાંનિધ્યની સાધના સીમિત થઈ જશે.
(ખ) વિશેષતાવાળી સર્વ વસ્તુઓમાં ઈશ્વરનો પ્રકાશ વિશેષ હોય છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ઈશ્વર વિભુરૂપે તો સર્વત્ર વિદ્યમાન છે જ. પરંતુ, જ્યાં બળ, બુદ્ધિ, ગુણ, સામર્થ્ય વગેરે વધુ હોય ત્યાં તેમનો પ્રકાશ વધુ છે. આ જ વાત શ્રીકૃષ્ણ ભગવાન “ગીતા”ના સાતમા તેમજ દસમા અધ્યાયમાં કહે છે: ભગવાન પાણીમાં રસ, સૂર્ય-ચંદ્રમાં પ્રકાશ, આકાશમાં શબ્દ તથા પુરુષમાં પૌરુષના રૂપમાં વિરાજમાન છે. તેઓ બુદ્ધિશાળીમાં બુદ્ધિ, તેજસ્વી વ્યક્તિઓમાં તેજ તથા બળવાનોમાં બળરૂપે છે. તેઓ નક્ષત્રમાં ચંદ્ર, વેદોમાં સામવેદ, ઇન્દ્રિયોમાં મન છે. સમુદ્ર, ગંગા તેમજ પીપળાના વૃક્ષમાં પણ તેઓ જ છે. પરંતુ, પુરુષમાં આધ્યાત્મિકતા, વિદ્યા વગેરે તેમના વિશેષ રૂપ છે. તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, સ્મૃતિ, મેધા, ધૃતિ તથા ક્ષમા રૂપે તેઓ પ્રકાશે છે. આ બધી વસ્તુઓ કોઈ ને કોઈ રૂપે આપણી ચારે બાજુએ વિખરાયેલી પડી છે. અને જ્યારે ક્યારેય પણ તે આપણી સમક્ષ આવે ત્યારે આપણે તેમાં પરમાત્માને જોવાનો પ્રયત્ન કરી ઈશ્વરનાં સાંનિધ્યનો અનુભવ કરી શકીએ.
(ગ) વસ્તુત: તો ઈશ્વર સર્વત્ર વિદ્યમાન છે જ પણ તેમણે જાણે કે બધી જ વસ્તુઓને બહારથી ઢાંકી રાખી છે, પરંતુ બધાની અંદર ઓતપ્રોત થઈ વિરાજમાન છે “ઈશાવાસ્યમિદં સર્વં યત્ કિંચ જગત્યાં જગત્.” માટે બળ, ગુણ, વિભૂતિ, વિશેષ સામર્થ્ય, શુભ-અશુભ બધી જ વસ્તુઓમાં ભગવાનની હાજરીનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાધના સૌથી શ્રેષ્ઠ હોવા ઉપરાંત સૌથી અઘરી પણ છે.
(૪) ભગવાનના સાંનિધ્યનું ચિંતન બાહ્ય વસ્તુઓ અથવા વ્યક્તિઓમાં નહિ કરતાં પોતાના હૃદયમાં કરી શકાય. કર્મોની વચ્ચે જ્યારે પણ સમય મળે, ત્યારે મનથી જ પોતાના હૃદય-મંદિરમાં જઈ ત્યાં એક ક્ષણ માટે પણ પોતાના પ્રિયતમ પ્રભુ સાથે પ્રેમપૂર્ણ વાતચીત કરી લેવી. આ જાણે કે સંસારની વ્યસ્તતામાં પણ ચોરીછૂપીથી પોતાની પ્રિય વ્યક્તિને મળવા જેવું છે.
(૫) ચિત્ર અથવા ભગવાનના નામની મદદથી પણ ભગવત્ સાંનિધ્યનો પ્રયત્ન કરી શકાય. ‘પડછાયો શરીર જ છે.’ એ સિદ્ધાંત પ્રમાણે ભક્ત ચિત્ર તેમજ ચિત્રિત વ્યક્તિને અભિન્ન માને છે. તેથી પોતાના ઓરડામાં અથવા કાર્યાલયમાં (જ્યાં કામ કરતા હોઈએ ત્યાં) જ્યાંથી સ્પષ્ટ જોઈ શકાય તેવા કોઈ ચોક્કસ નિર્દિષ્ટ સ્થાને ભગવાનના વિશેષ રૂપનું ચિત્ર લગાવી દેવું, અને તેમાં જો ઈશ્વરની હાજરીનો દૃઢ વિશ્વાસ રહે તો કામ કરતી વખતે વચ્ચે વચ્ચે ચિત્ર તરફ જોઈ પ્રભુના અસ્તિત્વનો અનુભવ કરી શકાય. આ જ રીતે નામ તેમ જ નામી પણ અભિન્ન મનાય છે. કામની વચ્ચે ભગવાનના નામનો પ્રવાહ જાળવી રાખવો. સમય મળતા જ કોઈ શ્લોક અથવા ભજનની કોઈ પંક્તિને મનમાં જ ગણગણી ભગવાનના સંસ્પર્શમાં જઈ શકાય છે.
ચિત્ર તેમ જ ભગવાનના નામની મદદ લેવાથી પણ આ પ્રકારના અભ્યાસમાં ઘણીવાર સફળતા નથી મળતી. કારણ કે નામ જપ યંત્રવત્ થઈ જતાં હોય છે, અને ચિત્ર ફક્ત એક જડ વસ્તુ તરીકે જ રહી જાય છે. તેમજ આ બંને હોવા છતાં પણ મન ભટકતું જ રહે છે. તેમ છતાં તેનો કંઈ ને કંઈ શુભ પ્રભાવ તો પડશે જ. આપણી આંખો દરરોજ કોણ જાણે કેટલાંય શુભાશુભ દૃશ્ય જુએ છે, અને કોણ જાણે કેટલાય સ્વરો કાનમાં પ્રવેશ પામે છે. ઉપરોક્ત બાબતે જાણ્યે અજાણ્યે આપણાં નેત્રો અને કાન દ્વારા કોઈ ને કોઈ શુભ સંવેદન મન સુધી પહોંચી જ જશે.
મન હંમેશ માટે એક જ સ્થિતિમાં નથી રહેતું, ક્યારેક તેને રૂપ ચિંતન કરવું ગમે છે : તો ક્યારેક વળી તેની રુચિ નિરાકારમાં હોય છે. ક્યારેક તે ઈશ્વરને બહાર જોવા ઇચ્છે છે તો ક્યારેક હૃદયમાં તેનો અનુભવ કરવાનું પસંદ કરે છે. આવા બદલાતા મનોભાવોને અનુરૂપ આપણે ભગવત્-સાંનિધ્યની સાધના કરી શકીએ તેવા ઉદ્દેશ્યથી જ આ જુદા જુદા ઉપાયો (રસ્તાઓ) આપેલા છે. સાધક પોતાની રુચિ, મનની સ્થિતિ, તથા પરિસ્થિતિ પ્રમાણે તેમાંથી એક અથવા બધાંનો પ્રયોગ અને ઉપયોગ કરી શકે છે.
ભાષાંતરકાર : કુ. સીમા કનુભાઈ માંડવિયા, જૂનાગઢ
Your Content Goes Here




