[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ મૂળ ‘ઉદ્બોધન’ શારદીય સંખ્યા બંગાબ્દ, 1391માં “ભગવાન લાભેર તાત્પર્ય” નામથી પ્રકાશિત થયો હતો. તેનું શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલું ગુજરાતી રૂપાંતર અહીં આપ્યું છે. – સં.]
શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, માનવજીવનનો ઉદ્દેશ્ય ભગવત્ પ્રાપ્તિ છે. આપણે પણ ઘણુંખરું ભગવત્ પ્રાપ્તિ કે ઈશ્વર પ્રાપ્તિની વાતો કર્યા કરીએ છીએ. એનો અર્થ એ થયો કે આપણને હજુ એ થઈ નથી. હજુ આપણે એની પ્રાપ્તિ કરવાની છે અને તેના ઉપાય રૂપે આપણે શાસ્ત્રોએ કે ગુરુએ બતાવેલા માર્ગનું અનુસરણ કરવાનું છે. શાસ્ત્રાનુસાર, ભગવાનનું નામ, એનાં ગુણગાન, ભક્તિ એ પ્રાપ્તિના ઉપાય છે.
શ્રીમદ્ ભાગવત અનુસાર, ભગવાનનાં નામકીર્તનને વ્રતના રૂપમાં જે વ્યક્તિ ગરહણ કરે છે, તેનામાં ભગવાનનું નામ લેતાં-લેતાં, નામ પ્રત્યે પ્રેમ બંધાઈ જાય છે. એ પ્રેમને પરિણામે એનું અંતઃકરણ ભીનું-આર્દ્ર બની જાય છે. ત્યારે તે ઊંચે અવાજે હસે છે, નાચે છે, ગાય છે અને લોકો શું કહેશે, એની પરવા કરતો નથી. શ્રીઠાકુરે (શ્રીરામકૃષ્ણે) પણ કહ્યું છે કે, “ભગવાનનું નામ-ગુણ-સંકીર્તન ભક્તિપ્રાપ્તિનો એક ઉપાય છે. તેમણે એમ પણ કહ્યું છે કે, “એના દ્વારા બંધનમાંથી મુક્તિ મળે છે.”
ગીતામાં કહ્યું છે :
“न तदस्ति विना यत्स्यान्मया भूत चगचरम्”
“આ જગતમાં સ્થાવર, જંગમ કોઈપણ એવી વસ્તુ નથી, કે જે મારાથી જુદી હોય.” હવે જો ભગવાન આપણી ભીતર હોય, બહાર હોય, સર્વત્ર ઓતપ્રોત હોય તો પછી આપણે એની પ્રાપ્તિ તે શી કરવાની હોય ? જે વસ્તુ ન હોય એને મેળવવી એને જ તો ‘પ્રાપ્તિ’ કહેવાય ને !
તેથી જ આપણે વાતવાતમાં ઈશ્વરપ્રાપ્તિ ભગવત્ પ્રાપ્તિ એવું કહ્યા તો કરીએ છીએ. પણ આ કથનનું તાત્પર્ય બરાબર વિચારી જોતા નથી. આપણે વિચારતા નથી કે ભગવત્ પ્રાપ્તિ કરવાનો અર્થ શો છે ? આ પ્રશ્ન આપણામાંથી દરેકે પોતપોતાના મનમાં કરવો પડશે. ભગવત્ પ્રાપ્તિ કોને કહેવાય ? કોણ કોની પ્રાપ્તિ કરે છે ? કેવી રીતે કરે છે ? ભગવાન શી વસ્તુ છે ?
સૌ પહેલાં વિચારીને જોઈએ કે ‘અવતાર’ કે ‘ભગવાન’નો અર્થ શો છે ? ‘ભગ’નો અર્થ, ઐશ્વર્ય-પ્રભુત્વ, વીર્ય, યશ, સૌંદર્ય, જ્ઞાન, વૈરાગ્ય વગેરે થાય છે અને જે આવાં ઐશ્વર્યથી પરિપૂર્ણ છે, તે ‘ભગવાન’ છે. સમસ્ત કલ્યાણકારી ગુણો જ્યાં પરિપૂર્ણ હોય, જ્યાં રજમાત્ર પણ અવગુણ ન હોય, એ જ ‘ભગવાન’ છે. ભગવાન વિશે મનુષ્યની આ જ કલ્પના છે. આવા ભગવાન વિશે કોણ વિચાર કરશે ? કોણ જાણશે કે ભગવાન છે ? ભક્તો વિચાર કરશે. કેવી રીતે ? પોતાના હૃદય દ્વારા. ભક્તનું હૃદય એક દર્પણ છે. એ જ દર્પણમાં સર્વવ્યાપી તત્ત્વ, શુદ્ધ, મનોજ્ઞ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત થશે. જે ભક્તોએ ભગવાનની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે શ્લોકોના શ્લોકો લખીને પાનાંનાં પાનાં ભરીને એનું વર્ણન કર્યું છે. એ જ વર્ણનોના આધારે, આપણે પોતપોતાના સ્વભાવ અનુસાર ભગવાનના સ્વરૂપ વિશે ધારણા કરીએ છીએ. હૃદય જેટલું શુદ્ધ હશે, તેના પ્રમાણમાં એટલી જ ભગવાનના શુદ્ધ સ્વરૂપની ધારણા થશે. એના પ્રમાણમાં જ એ આપણી સમક્ષ સ્પષ્ટથી વધારે સ્પષ્ટ બનતું જશે. આપણે એ ભગવાનને જુદાજુદા સ્વરૂપે જોઈએ છીએ. એનું કારણ તો આપણી જોવાની શક્તિનું થતું રહેતું પરિવર્તન છે. આ પ્રમાણે ભગવાનનું ચિંતન કરતાં-કરતાં આપણે જેટલે અંશે તેમની તરફ આગળ વધીશું તેટલે અંશે તેમના સંબંધમાં આપણી ધારણા બદલતી રહેવાની.
માણસ પોતાની બુદ્ધિ અનુસાર ભગવાનની ધારણા કરે છે. માણસની દૃષ્ટિ મર્યાદિત છે. કલ્પના થોડી વધારે દૂર જાય છે ખરી, પણ તે યે મર્યાદિત છે. ભગવાન મર્યાદિત નથી. જેની મન દ્વારા ધારણા નથી કરી શકાતી, તેની ધારણા બુદ્ધિ કે ઇન્દ્રિયો દ્વારા કરવી શક્ય નથી. સમસ્ત જગતની જે ધાત્રી છે, જગજનનીને બાળકના હાથો જેવા નાના-નાના હાથોથી પકડવાની આપણે ચેષ્ટા કરીએ છીએ ! પણ એ નાનકડા હાથો જ તો બાળકનું ઉપકરણ, બાળકનો આધાર છે ને ! એવડા જ હાથો દ્વારા તે માને પકડવા જાય છે, ત્યારે તેને દોષ ન દઈ શકાય.
આ રીતે બુદ્ધિથી અગમ્ય ભગવાનને ભક્ત પણ જ્યારે બુદ્ધિગ્રાહ્ય બનાવીને પોતાના નાનકડા, અપુષ્ટ, દુર્બળ હાથોથી પકડવા મથે છે, તો પછી આપણે તે વળી ભગવાનને કેવી રીતે જાણી શકવાના હતા ? મનુષ્યની બુદ્ધિમાં કોઈ તત્ત્વ જેટલું પ્રતિભાસિત થઈ શકે છે, તેટલું જ તેને તે સમજાઈ શકે છે. ‘આપણે ભગવાનને પૂર્ણપણે સમજી શકીશું’ એવી દુરાકાંક્ષા સેવવાથી કશો લાભ થવાનો નથી. ભગવાનના સંબંધમાં કોઈ સર્વસંમત ધારણા પણ નથી. કારણ કે બધાંનાં મન જુદાંજુદાં છે અને એટલે ધારણાઓ પણ જુદીજુદી છે. ‘પૂર્ણતાના આદર્શે જ્યાં રૂપ ધારણ કર્યું છે, તે જ મારો દેવતા’ – આ ‘દેવતા’નો અર્થ છે.
ભગવત્ પ્રાપ્તિનો અર્થ, કોઈ અલૌકિક શક્તિની પ્રાપ્તિ થતો નથી. ભગવાન વિશે જે શ્રેષ્ઠ ધારણા છે, એ ધારણાનું ચિંતન કરતાં-કરતાં મનુષ્ય જ્યારે એના જ રૂપમાં પરિવર્તિત થઈ જાય, ત્યારે એને ભગવત્ પ્રાપ્તિ થઈ, એમ કહેવાય છે. ભગવાન આપણી અંદર છે જ, છતાં રાગ, દ્વેષ, કામના-વાસના વગેરે અશુદ્ધિઓ અને આંટીઘૂંટીઓ અને સંકુચિતતાઓને કારણે આપણે એને પકડી શકતા નથી. આ બધા દોષોને લીધે આપણું ચિત્તરૂપી દર્પણ મેલું થઈ ગયેલું છે. આ દર્પણ જ્યારે શુદ્ધ થશે, ત્યારે એમાં ભગવાનનું શુદ્ધ રૂપ પ્રતિભાસિત થઈ ઊઠશે. ઠાકુરે કહ્યું છે કે, “શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિ એક જ છે. અંતઃકરણ શુદ્ધ થતાં, આપણી અંદર રહેલી આ મલિનતા, અપવિત્રતા વગેરે સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. અને ત્યારે ભગવાનમાં અને આપણામાં કશીય જુદાઈ નહિ રહે. ત્યારે ‘હું’ નહિ રહે, કેવળ ‘તેઓ’ જ રહેશે. શ્રીઠાકુરે આવું કહ્યું છે. આ ‘હું’ – એ જ આપણને ક્ષુદ્ર બનાવી મૂક્યા છે; એણે જ આપણને ભગવાનથી અલગ પાડી દીધા છે; એણે જ જન્મમૃત્યુના આપણને ગુલામ બનાવી દીધા છે. જ્યારે એ ચાલ્યો જશે, ત્યારે જ ભગવત્ પ્રાપ્તિ થશે. ‘હું’ મરી જતાં બધી જ જંજાળો મટી જશે.
ઉપાસનાનો અર્થ છે ભગવાનની નિકટ જવું. એટલે કે એના સ્વરૂપની કલ્પના કરીને તેનું ચિંતન કરવું. ચિંતન કરતાં-કરતાં જે જીવ ક્ષુદ્ર છે, તે જ અનંત થઈ જશે. શ્રીઠાકુરે કહ્યું છે : ‘ઇયળ ભમરાનું એક રીતે ચિંતન કરતાં-કરતાં પોતે ભમરો જ બની જાય છે.’ સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે : ‘ભૂતનું ચિંતન કરતાં-કરતાં માણસ ભૂત બની જશે અને ભગવાનનું ચિંતન કરતાં-કરતાં એ ભગવાન બની જશે.’ આ જ કારણે શાસ્ત્રોનો આદેશ છે કે, ‘સદાસર્વદા ભગવાનનું ચિંતન કર્યા કરો, એનું નામ લો, હંમેશાં એને પોતાના મનમાં રાખો.’
આ જ રીતે આપણે આગળ વધવું પડશે. પરિણામ શું આવશે, એની ચિંતા કરવાથી કશો લાભ નથી. પરિસમાપ્તિની ધારણા તમે અત્યારથી જ કેવી રીતે કરી શકો ? ત્યાં પહોંચીને પણ ચાલવાનું અટકવાનું છે કે નહિ, તે તો તમે પણ નથી જાણતા અને જેમણે તમને આ બધું કહ્યું છે તેઓ પણ નથી જાણતા. શાસ્ત્ર તો કહે છે : चरैवेति – આગળ વધતા રહો. ચાલતાં-ચાલતાં એક જગ્યાએ પહોંચીને જોશો કે હવે ચાલવાની જરૂર નથી. જે કંઈ મેળવવાનું હતું, તે બધું મળી ગયું છે. હવે કશું જ અપ્રાપ્ત નથી. બસ, ત્યાં જ ચાલવાનો અંત આવે છે. પણ એ છે ક્યાં ? તમારા આત્મામાં. બધા ધર્મોનો મત છે કે ભગવાનને હૃદયમાં નીરખો. તમે તેમને ત્યાં જ પ્રાપ્ત કરશો. કેટલાક લોકો કહે છે કે, આપણામાં આ બધું શું સંભવિત છે ખરું ? શ્રીઠાકુરે કહ્યું છે : ‘છત ઉપર જવાનું છે પણ નિસરણીના દરેક પગથિયા પર પગ મૂકીને જ છત ઉપર પહોંચીશ ને ? જ્યાં ઊભો છું ત્યાંથી પહેલાં એક ડગલું આગળ વધીશ અને પછી બીજું એક ડગલું. એમ ક્રમે-ક્રમે વધતો-વધતો છેક છત સુધી પહોંચી જઈશ.’ પણ માણસ આગળ વધી રહ્યો છે કે નહિ, એ જાણવાનો ઉપાય શો ? એનો માપદંડ કયો છે ? શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે : એક માણસે બે-ત્રણ દિવસથી ખાધું નથી. ન ખાવાને લીધે એને ભૂખનું ભારે દુઃખ છે, મનમાં અસંતોષ છે, શરીરમાં દુર્બળતા જણાય છે. એને ખાવાનું દઈએ અને જેમ-જેમ તે થોડું-થોડું કરીને ખાતો જાય, તેમ-તેમ ધીરે-ધીરે, કોળિયે-કોળિયે એની ભૂખનું દુઃખ દૂર થતું જાય છે અને શરીરમાં બળ આવવા લાગે છે, એને સંતોષ થતો જાય છે. આ ત્રણેય એકીસાથે બને છે છૂટાંછવાયાં નહિ. આ રીતે જે વ્યક્તિ ભગવાનને શરણે જાય છે, એની શરણાગતિ જેટલા પ્રમાણમાં હોય, તેટલા જ પ્રમાણમાં ભગવાન પ્રત્યે એનું આકર્ષણ રહે છે અને ભગવાન વગરની અન્ય વસ્તુઓ તરફ આકર્ષણ ઓછું થતું જાય છે. તેમજ ભગવાન વિશે તેની ધારણા અને વિશ્વાસ વધારે સ્પષ્ટ થતાં જાય છે. આપણે આ યાદ રાખવું જોઈએ. ઘણીય વાર આપણે ભગવાનના નામે રોઈરોઈને વ્યાકુળ થઈ ઊઠીએ છીએ. પણ આપણી આંખોનાં એ આંસુઓનાં બિંદુઓ આપણા મનના મેલને ધોઈ ન નાખે, આપણું આત્મભાન બદલાવી ન દે, આપણા અંતઃકરણને પવિત્ર ન બનાવે, આપણો આચાર સુધારે નહિ, તો એ બધું સાવ નકામું જ માનવું જોઈએ. જે રીતે ભગવાન માટે આપણે આંસુ વહાવીએ છીએ એવી જ રીતે વિષયવસ્તુ-સાંસારિક ભોગલાલસા માટેય આંસુ વહાવીએ છીએ એવું જો જણાય તો સમજી લેવું કે એ આંસુઓ ભગવાન માટેનાં નથી. ભગવાન પ્રત્યે ઠીક-ઠીક પ્રકારે પ્રેમ કરવામાં આવે તો વિષયો પ્રત્યેની આસક્તિ તેના પરિમાણમાં ઓછી થતી જાય છે. શ્રીઠાકુરે કહ્યું છે : “પૂર્વ દિશા તરફ જેટલા આગળ વધશો, એટલા જ પશ્ચિમ દિશાથી દૂરદૂર જતા રહેશો.” ભગવાન તરફ આપણે જેટલા આગળ વધીશું એટલા જ પ્રમાણમાં આપણી અધોગામી વૃત્તિનો લોપ થતો જશે, આપણું મન શુદ્ધ થશે, આપણું કોઈ ચિંતન અશુદ્ધ નહિ બને. જેની આવી અવસ્થા થાય, એનાથી કોઈનુંય અકલ્યાણ નહિ થાય. જગતને માટે એવી વ્યક્તિ આશીર્વાદરૂપ બની રહેશે.
શ્રીઠાકુરની વાણી છે : “પહેલાં હૃદયદર્પણને શુદ્ધ કરો.” પછી એના ઉપર પૂર્ણ આદર્શનું જે પ્રતિબિંબ પડશે એને ‘ભગવાન’ સમજવો અને જે માનવની ભીતર એની જ અભિવ્યક્તિ થતી હોય, એને ‘અવતાર’ સમજવો. અવતાર વિશે આપણામાં કોઈ ધારણા જ નથી. ભ્રાન્ત ધારણાને લીધે આપણે ઝઘડ્યા કરીએ છીએ કે તારો ભગવાન સાચો કે મારો ?
કાલી મોટી કે કૃષ્ણ મોટા ? શિવ મોટા કે વિષ્ણુ ? આપણે ન કાલીનો અર્થ સમજીએ છીએ કે ન તો કૃષ્ણનો. કેવળ કેટલીક કલ્પનાઓને આધારે જ ઝઘડીએ છીએ અને કલ્પના પણ જો શુદ્ધ હોય તો તો એ મનુષ્યને એના છેવટના લક્ષ્ય સુધી પહોંચાડી પણ દે. કલ્પનાની આ જ સાર્થકતા છે. જો આપણે દૃઢતાપૂર્વક આગળ વધતા જઈએ, લક્ષ્યને પકડીને નિષ્ઠાપૂર્વક એ માર્ગે ચાલતા રહીએ, તો ભલે ને આપણે ગમે તેટલા અપવિત્ર હોઈએ, ભલે ને આપણી ધારણાઓ ગમે તેટલી અપૂર્ણ હોય, તો પણ ધીરેધીરે અવશ્ય એ બધી ધારણાઓ અનિવાર્ય રીતે પૂર્ણ થવાની જ. અને છેવટે આપણે ચરમ આદર્શ સુધી પહોંચવાના જ.
શ્રીઠાકુરે કહ્યું છે : “જુદાજુદા પંથો અને મતો ઉપર ચાલીને છેવટે તો એક જ લક્ષ્ય પર પહોંચશો.” તેમણે પોતાના અનુભવને આધારે દર્શાવ્યું છે કે, આપણે મનને જેટલું શુદ્ધ કરીશું, તેટલું જ એ મન વધારે શુદ્ધ વસ્તુની ધારણા કરી શકશે. શાસ્ત્રોનું કથન છે કે જ્યારે ભગવાનનું ચિંતન કરો ત્યારે રાગ-દ્વેષથી મુક્ત થઈને જ ચિંતન કરો. રાગ-દ્વેષથી મુક્ત થવાનો અર્થ, મનમાં મેલ ન હોવો, એવો થાય છે. આપણે જેમ-જેમ ભગવાનને માર્ગે જશું, તેમ-તેમ આપણી પવિત્રતા વધશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થશે. આવા શુદ્ધ મનમાં જ ભગવાનનું પ્રતિબિંબ પડશે. ઇશુ ભગવાને કહ્યું છે કે, ભગવાનને આપણે ત્યારે જ જોઈ શકીશું કે જ્યારે આપણે તેના જેટલા જ શુદ્ધ બન્યા હોઈશું.
આપણે જ્યારે પણ શ્રીરામકૃષ્ણદેવની ઉપાસના કરીએ, જ્યારે પણ એમનું ચિંતન કરીએ, ત્યારે તેમની શુદ્ધતા, પવિત્રતા, સર્વવાસના-શૂન્યતા, ત્યાગમય જીવન, ભગવદ્ભાવમાં તન્મયતા – આ જ ગુણોનું ચિંતન કરવું જોઈએ. આ ગુણો જ તો શ્રીરામકૃષ્ણદેવનું સ્વરૂપ છે. આપણે તેમના ચરિત્રની જેટલી વધારે વ્યાખ્યા કરીશું, તેટલી જ વધારે તેમના વિશેની આપણી ધારણા શુદ્ધ થશે. પરિણામે, આપણે કયા માર્ગનું અનુસરણ કરવું જોઈએ, તે આપણે સમજી શકીશું. પરંતુ આપણે ફક્ત એમનું નામ તો લીધા કરીએ અને મરજી પડે તેમ જીવન પસાર કર્યા કરીએ તો તો એ પોતાની જાતને જ છેતરવા જેવું થાય. અને તો તો લક્ષ્ય તરફ જવાનું જ ન બને. ભગવાનનું નામ લેતી વખતે, નામ અને નામી અભિન્ન છે, નામની સાથે તેઓ છે જ – આ વાત યાદ રાખવી જોઈએ. વળી, નામ લેવાથી ડગલે ને પગલે આપણા ચિત્તની શુદ્ધિ થઈ રહી છે – એ પણ યાદ રાખવું જોઈએ. ભગવાનનું ચિંતન કરતાં-કરતાં આપણે તન્મય બની જઈશું; આપણું ‘હું’પણું નિશ્ચિહ્ન થઈ જશે. આવો શુભ દિવસ આપણા જીવનમાં આવે – એટલી જ પ્રાર્થના કરીએ.
Your Content Goes Here





