શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે.

ભક્તો અમને અવારનવાર આ પ્રશ્ન કરે છે : ‘જપ-ધ્યાનમાં મન લાગતું નથી, તો શું કરવું?’ આપણા ઘણાખરાના મનમાં પણ આવો પ્રશ્ન જાગતો જ હોય છે. આના જવાબમાં કહેવાનું કે મન એક એવું યંત્ર છે કે એનો જે રીતે વ્યવહારમાં ઉપયોગ કરીશું, તે રીતે ચાલશે. દિવસના ચોવીસ કલાક દરમિયાન કેટલો સમય આપણે જપ-ધ્યાન માટે ફાળવીએ છીએ, અને કેટલો સમય બીજાં કામકાજમાં ગાળીએ છીએ. તે જોવું જોઈએ. આપણું મન હંમેશાં જે વિચારો કર્યા કરતું હોય તે જ વિચારો જપ-ધ્યાન કરતી વખતે પણ આપણને આવ્યા જ કરે એ સ્વાભાવિક છે અને એટલે જ જપ-ધ્યાન કરવા બેસીએ ત્યારે ભગવાનના વિચારો આવતા નથી, મન સ્થિર રહેતું નથી, જપ-ધ્યાનમાં એ લાગતું-ચોટતું નથી.

ત્યારે આનો ઉપાય શો? આનો એક સહેલો ઉપાય એ છે કે મનને થોડા વધુ સમય સુધી ભગવત્‌-ચિંતનમાં રોકી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રીરામકૃષ્ણ કહે છે : ‘મન કેવું છે, ખબર છે? એ તો ધોબીના ઘરનું કપડું. એને જે રંગમાં ડુબાડી રાખશો, તે રંગે તે રંગાઈ જશે.’ મનને જો વધારે વખત સંસારીપણામાં રાખી મૂકશો તો ધ્યાન-જપ કરતી વખતે પણ એ જ ચિંતન આગળ આવી ઊભું રહેશે. એટલે એનો ઉપાય તો એ જ છે કે જેટલો શક્ય હોય તેટલા વધુ સમય સુધી એને ઈશ્વરચિંતનમાં જોડી રાખવાનો અભ્યાસ કરવો જોઈએ.’ ઠાકુર કહેતા કે, ‘મનના થોડા અંશને તો બધો વખત ભગવાનમાં રાખી જ મુકવું જોઈએ. કારણ કે એમ થાય તો જ મનમાં સ્થાયી ભાવે ભગવત્‌-ચિંતન ચાલ્યા કરે.’ આમ કરવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે તો તો પછી સંસારનું કામ કેવી રીતે ચાલે? તો ઠાકુર આમ કહે છે : ‘ચૌદ આના મન ભગવાનમાં રાખીને બાકીના બે આના પૂરતું મન લઈ સંસારનું કામ કરો તો એ સહેલું થઈ જશે અને તમે સંસારમાં ડૂબશો નહિ.’ પણ આપણે તો ચૌદ કે પંદર આના મન સંસારમાં જ રાખીએ છીએ અને ફક્ત એકાદ-બે આનાથી જ ભગવાનનું ચિંતન કરવા માગીએ છીએ! કોઈ પણ કીમતી વસ્તુ કંઈ સહેલાઈથી તો મળતી નથી તો વિશ્વની સર્વોત્તમ મૂલ્યવાન વસ્તુ તે ભલા કંઈ આટલી સહેલાઈથી મળી શકે ખરી કે? એટલા માટે જો ભગવાન ચિંતન કરવું હોય તો ભલે આપણે ભગવાન તરફ બધો જ વખત મનને ન રાખી શકીએ, તો પણ જેટલા બની શકે તેટલા વધારેમાં વધારે સમય સુધી તો એને ભગવાનમાં લગાડવું જ પડે. એમ કરવાથી સંસારનું કામ બગડશે નહિ પણ ઊલટાનું વધારે સુંદર રીતે થશે. વળી, ભગવાનમાં મન હશે તો આપણામાં સ્વાર્થીપણું પણ આવશે નહિ અને આપણું કામ જ્યારે નિઃસ્વાર્થભાવે થવા લાગશે ત્યારે એ કામ બરાબર રીતે થશે. આને માટે ભગવાનનું ચિંતન કરવા ઉત્સુક અને એ માટે પ્રયત્ન કરવાવાળા આગ્રહી મનની જરૂર છે. પછી કહેવાની જરૂર નથી કે, એની સાથોસાથ સંસારનાં કામ પણ થયા કરે છે. પરંતુ, આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરવો પડે છે. કેવળ કોઈ એક વખત જપ કરવા બેઠા, થોડો વખત પ્રયત્ન કર્યો, મન લાગ્યું નહિ એટલે બસ ઊઠી ગયા! આટલાથી તો કશું થઈ શકે નહિ. સાચી વાત તો એ છે કે, એના જપચિંતનમાં ‘રુચિ’ ની જરૂર છે. પણ ‘રુચિ’ કેવી રીતે થાય?’ અરૂચિકરને રુચિકર બનાવવા માટે મનને એ તરફ વાળવું જોઈએ. પ્રયત્ન કરતાં કરતાં એ તરફ રુચિ જાગશે. કોઈકે ઠાકુરને પૂછ્યું : ‘સંસારી લોકોની શું કોઈ ગતિ જ નહિ?’ અહીં ‘સંસારી’ એટલે ફક્ત જેણે લગ્ન કરી લીધાં છે, ગૃહસ્થાશ્રમ માંડ્યો છે, તે જ નહિ પણ જેઓ સંસારમાં રચ્યાપચ્યા રહે છે, તેમની વાત છે. ત્યારે ઠાકુરે કહ્યું : “તેનો ઉપાય કેમ ન હોય? જરૂર છે.” અને એ ઉપાય શો છે, તે પણ બતાવ્યો : “ઈશ્વરનું નામ સંકીર્તન, સાધુસંગ અને વચ્ચે વચ્ચે નિર્જન સ્થળે એકાંતમાં રહીને ઈશ્વરનું નામ સ્મરણ અને ચિંતન કરવું, ધ્યાન-જપ કરવાં, દેવસ્થાનમાં જવું, દેવસેવાનું કામ કરવું.” સાધુસંગ એટલે જેઓ ભગવાનનું જ ચિંતન કરે છે, ભગવાનને જ પ્રેમ કરે છે, તેવાઓનો સંગ કરવો. ‘સંગ કરવો’ એટલે એમ નહિ કે તેમના પાસે ફક્ત બેસી રહેવું. પણ તેમનો ભાવ ગ્રહણ કરવો અને તેમના રોજિંદા જીવનકાર્યનું અનુસરણ કરવું. નહિતર તો સાધુસંગનો કશો જ અર્થ નથી. ત્રીજો ઉપાય છે વચ્ચે વચ્ચે એકાંતવાસ. આપણને જો સગવડ મળે તો કદાચ દાર્જિલિંગ જઈશું કે પછી બીજા કોઈ જોવાલાયક સ્થળે જઈશું. અથવા તો કોઈક વાર વળી તીર્થસ્થાને પણ જઈએ, પણ ત્યાં પણ ક્યાંય તીર્થનો વિચાર તો કરશું નહિ. રહેવાની સરસ જગ્યા ક્યાં મળશે? સરસ વસ્તુઓ ક્યાં મળશે? બસ, એ બધી વાતોમાં જ આપણો સમય પૂરો થઈ જશે. તીર્થયાત્રા કરીને પણ ભગવાનનું ચિંતન આપણાથી થઈ શકતું નથી. આવી રીતનું જીવન ગાળવાથી ભગવાન તરફ જવાની વૃત્તિ વધશે નહિ, મન એ તરફ ઢળશે નહિ. એટલા માટે ઠાકુરે જે કહ્યું છે તેના ઉપર વિચાર કરવો જોઈએ.

પહેલાં તો ભગવાનનું ગુણચિંતન, ભગવાનની પૂજા કરવી. આનું નામ વૈધી ભક્તિ કહેવાય છે. આ ‘વૈધી ભક્તિ’ પામીને એનું અવલંબન કરતાં કરતાં ભગવાન ઉપર અનુરાગ ઉત્પન્ન થાય છે. ભાગવતના એક શ્લોકમાં છે કે, भक्त्या संजायते भक्तिः – ભક્તિ વડે જ ભક્તિ ઉત્પન્ન થાય છે. વૈધી ભક્તિ વડે ‘રાગાત્મિકા ભક્તિ’ અથવા ઈશ્વર ઉપર અનુરાગ આવે અને સેવાના ફળરૂપે શરીરમાં ભક્તિનાં ચિહ્નો, રોમાંચ, વગેરેનો અનુભવ થાય. આમ, વૈધી ભક્તિ વડે ભગવાન ઉપર પ્રેમ થાય છે. આ તો થઈ ઢીંગલાની રમત. નાની બાલિકાઓ ઢીંગલાઢીંગલીની રમત રમે છે. ઢીંગલી કોઈની પુત્રી હોય અને ઢીંગલો કોઈકનો પુત્ર હોય. આમ, જાતજાતના સંબંધ બાંધીને એને ઓઢાડે-પહેરાવે, ખવડાવે-પિવડાવે છે અને ઢીંગલીઢીંગલો ભાંગી જાય તો રડી પણ પડે છે. રમતાં રમતાં ઢીંગલાઢીંગલી ઉપર આમ પ્રેમ થઈ જાય છે. આપણી પૂજા-અર્ચના પણ ભગવાન સાથેની રમત છે. શરૂઆતમાં ભગવાન જીવંત લાગે નહિ, પોતાના લાગે નહિ પણ આ રીતે પૂજા-અર્ચના કરતાં કરતાં ધીરે ધીરે ભગવાન જીવંત અને પોતાના લાગવા માંડે છે. આવી રીતે “વૈધી ભક્તિ”માંથી “રાગાત્મિકા” ભક્તિ મળે છે.

ઠાકુર કહે છે કે, “અનુરાગ આવ્યા પછી કશી ચિંતા રહેતી નથી. આ અનુરાગ કામ અને ક્રોધને ગળી જાય છે. એટલે કે આવો અનુરાગ થતાં ભગવાનને જવામાં આડે આવતા અંતરાયો હોય, તે દૂર થઈ જાય છે.”

આપણે કહીએ છીએ કે, સંસારમાં તો જબરાં વિઘ્નો, અવરોધો છે. પણ હકીકતમાં આ પ્રબળ વિઘ્નો સંસારમાં નથી, પણ એ તો માણસના મનમાં જ છે. મનમાં જો અનુરાગની લાગણી થઈ જાય તો કોઈ પણ અડચણ આપણને અટકાવી શકે નહિ. આપણામાં અનુરાગ નથી. માટે જ આ બધી બાધાઓ નડે છે. ભાગવતમાં લખ્યું છે કે, જ્યારે ગોપીઓ ગૃહકાર્યમાં વ્યસ્ત હતી તે વખતે વનમાંથી વાંસળીના સૂરો સંભળાયા. ભગવાનનું આહ્‌વાન! ભગવાનનો અમોઘ -પ્રબળ સાદ! ગોપીઓ તે વખતે જે જે કામ કરતી હતી તે બધાં જ કામો પડતાં મુકીને દોડી આવી! એમને સાદ પડી ચૂક્યો છે. ઘરનાં કામમાં હવે એમનું મન નથી. એમ કેમ? કારણ કે મન હવે ત્યાં ભગવાન પાસે ચાલ્યું ગયું છે.

તો હવે એવો અનુરાગ આવે કેવી રીતે? શુદ્ધ ભાવે વિધિપૂર્વક તેમની સેવા કરતાં કરતાં જીવન ગાળતા રહેવાથી એવો અનુરાગ આવે છે અને એવા અનુરાગને સંસારની કોઈ જ બાધા અટકાવી શકતી નથી. ઘરનું કોઈ પણ કામ ગોપીઓના ભગવાન તરફ જવાને રોકી શક્યું નહિ. ભાગવતમાં એમ પણ લખ્યું છે કે, એક ગોપીને ઘરવાળાંએ ઘરમાં પૂરી રાખી હતી. ભગવાનનો સાદ પડ્યો છતાં તે જઈ શકતી નથી. એને થયું કે, મારો રસ્તો રોકનાર કોણ છે ફક્ત આ શરીર જ ને? અને તરત જ એણે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાન પાસે પહોંચી જ ગઈ! ભગવાન તરફ એનું એટલું બધું આકર્ષણ કે પોતાનું ખુદનું શરીર પણ એને ભગવાન પાસે જતાં રોકી શક્યું નહિ. આનું નામ ‘અનુરાગ’ આવો ‘અનુરાગ’ કંઈ ખાલી વાતો કર્યા કરવાથી ન મળે. ભગવાનનું ચિંતન કરતાં કરતાં જ એ મળી શકે. એક ગીતમાં કહ્યું છે કે,

‘આ હરિ નામ જ લેતાં લેતાં,
પ્રેમકૂંપળ ચિત્તમાં ફૂટે.’

ભગવાનનું નામચિંતન કરતાં કરતાં અને એ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતાં કરતાં અનુરાગ પ્રાપ્ત થાય છે. ઠાકુર કહે છે કે ત્યારે સૂર્યોદય થયો – દિવસ ઊગ્યો – પૂર્વ દિશા લાલ થઈ, વગેરે. એ સૂર્ય ઊગે કે તરત જ ભગવાન માટે વ્યાકુળતા ઉત્પન્ન થાય છે અને એટલે એ ભક્તને કોઈ અંતરાય નડતો નથી, આપણે અંતરાયોની વાતો કરીએ છીએ એનું કારણ એ છે કે આપણમાં અનુરાગ નથી. માસ્ટર મહાશય પૂછે છે કે, “ભગવાનને માર્ગે જવામાં સ્ત્રી જો વચ્ચે પડે તો શું કરવું?” ત્યારે ઠાકુર કહે છે કે, ‘તેને સમજાવીને તે તમારા ભાવને સમજી શકે તેમ કરવું.’ માસ્ટર મહાશયે વળી પૂછ્યું, “પણ તે કોઈ પણ રીતે ન સમજે તો પછી શું કરવું?” ત્યારે ઠાકુરે ગંભીર થઈને કહ્યું, “તો પછી તેનો ત્યાગ કરવો.” આ સાંભળી માસ્ટર મહાશય તો સ્તબ્ધ થઈ ગયા! એમને હતું કે એક બીજો સહેલો ઉપાય ઠાકુર બતાવશે, પણ આ તો આખરી ઉપાય! માસ્ટર મહાશય તો વિચારવા લાગ્યા કે આ તે કેમ બને? થોડી વાર પછી ઠાકુરે કહ્યું, “જુઓ, જે ભગવાન માટે ખરેખરો વ્યાકુળ હોય, તેને માટે ભગવાન બધું જ અનુકૂળ કરી દે છે.” માસ્ટર મહાશયે આગળ જતાં લખ્યું છે કે, “માસ્ટરના ચિત્ત પર જાણે શાંતિની વર્ષા થઈ!” ત્યારે એ જ ઉપાય છે. ભગવાનને કાતરભાવે પ્રાર્થના કરવાથી સહજ રીતે બધા અંતરાયો-વિઘ્નબાધાઓ અનુકૂળ થઈ જાય છે.

(ક્રમશ:)

(બંગાળી માસિક ઉદ્‌બોધનમાંથી સાભાર)

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.